Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

દિવાળી વેકેશનમાં વાંચવા જોવા જેવી કમાલ કૃતિઓ !

કોઈ પણ રજાના દિવસે જો કોઈ એક ફિલ્મ જોવાની પસંદ કરવી હોય તો અચૂકપણે આ સ્પીલબર્ગે પ્રોડયુસ કરેલી થ્રિલર કરવી જ કરવી

અંગ્રેજીમાં બેસ્ટ સેલર પુસ્તકોના લિસ્ટમાં નાની નાનીફિલોસોફિકલ નોટ્સ ધરાવતી કિતાબો હંમેશા અવ્વલ હોય. જીવન વિશેનું લાગણીસભર મૌલિક અર્થઘટન કરાવતી વિચારયાત્રા માણવામાં તાજગીનો જ અહેસાસ થાય. લાઈફના પોએટિક એક્સપ્રેશન્સનો ધબકાર ઝીલતી મૌલિક સંવેદનશીલતાની ગિફ્ટ ગુજરાતીમાં બહુ ઓછા લેખકોને નવી પેઢીમાં સાંપડી છે

છેલ્લા ૧૬ વર્ષથી ટ્રેન્ડસેટર બનેલું સમર વેકેશનનું જલસા અને જાણકારી માટેનું વાર્ષિક ચેકલિસ્ટ પેશ-એ-ખિદમત થતું હોય છે. લાંબા સમયથી રીડર્સ ડિમાન્ડ હતી કે આવી રજારસિયાઓ માટેની યાદી દિવાળી વેકેશનમાં ય આવવી જોઇએ. નેચરલી, વેકેશન ટૂંકું તો યાદી પણ એક લેખમાં સમાય એ વડી હોય ને. તો લો આ વેકેશનમાં વાંચવા જેવા પુસ્તકો, જોવા જેવી ફિલ્મો અને બોનસમાં સાંભળવા જેવા સોંગની રસલ્હાણ.

(એ) વેકેશનવાચન :

(૧) પુનરાગમન 'મરીઝ' : 'સંસારમાં હું ચારે તરફ ઘૂમી વળ્યો, આશામાં મહોબતની બધી બાજુ ઢળ્યો/ દુનિયા છે ગોળ એની આ સાબિતી છે, બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો !' મરીઝસાહેબ વિષે ગઝલ શાયરીના શોખીનોને વધુ કહેવાનું હોય નહીં, અને જેમને એમનો પરિચય હોય નહિ એમના માટે રેન્ડમ એમની એકાદ બે પંક્તિઓ જ કાફી છે.

'નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણપોષક છે, જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા/ભલા એવા જીવનમાં શું ફળે જીવનની ઈચ્છાઓ, કે જ્યાંમરીજ મુજબના નીંદમાં સ્વપ્ના નથી મળતા !' જેબ્બાત. મરીઝસાહેબના જન્મશતાબ્દીવર્ષમાં સર્વોત્તમ કામ થયું હોય તો મરીઝની બધી જ રચનાઓનું રીતસર અભૂતપૂર્વ સંકલન નવજીવન પ્રકાશને બહાર પાડયું એ !

સાડા ચારસોથી વધુ પાનાનો આ દળદાર ગ્રંથ તમામ સાહિત્યપ્રેમીઓ જ નહિ, પ્રેમીઓએ પણ વાંચવા વસાવવા જેવો તો ખરો જ. પણ એમાં સમ્પાદક અપૂર્વ આશરે જે રીતે હસ્તાક્ષરોથી લઇ આર્કાઇવલ વેલ્યુવાળી માહિતી આપી છે, એ કાબિલ-એ-તારીફ છે. મસ્ટ રીડ. મસ્ત ગિફ્ટ.

(૨) ઉદ્યમપ્રેરણાની કથાઓ : સ્કિલ ડેવલપમેન્ટની વાત હવે અજાણી નથી. ભારત જેવા કૃષિ પછી હુન્નરપ્રધાન ગણાય એવા દેશમાં એની તાતી જરૃર પણ છે. અસલી વિકાસ એના વિના સર્જાઇ શકે એમ નથી. પણ આપણો દેશ વાતોડિયો થઇ ગયો છે. શ્રમ એટલે લેબર. મજૂરી એવો અર્થ થઇ ગયો છે ને બધાને લકઝરીમાં જ આરામ જોઇએ છે. સફળતા કાયમી કરવા માટે ઉદ્યમ ઉર્ફે સતત ને સખત મહેનત જોઇને એ શિખામણ આચરવી શું, સાંભળવી ય ગમતી નથી. ત્યારે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખાયેલું આ પુસ્તક ખાસ્સું ઉપયોગી છે.

સંસ્કૃત સુભાષિતથી શરુ થતા પુસ્તકમાં આપણા પ્રાચીન વારસાની વાર્તાઓથી શરુ કરીને ગુજરાત જ નહિ વિશ્વના અમુક મહાન નામો સાઇચીરો હોન્ડાથી સાયમન પાતીનો સુધીની સાચી પ્રેરણાત્મક જીવનકથાઓ છે. યશવંત મહેતા જેવા અનુભવી લેખકે લખી ને સંકલિત કરી છે. ઉદ્યોગપતિ એ શબ્દમાં જ પહેલા ઉદ્યમ યાને સ્કિલ એન્ડ હાર્ડવર્કનું કોમ્બિનેશન છે. ને નેશન બિલ્ડિંગ ફરી શકે !

(૩) લવ ઇઝ ઓલ્વેઝ રાઇટ (એન્ડ અધર મ્યુઝીન્ગ્ઝ) : વિનીતા દાવરા નાંગીયા અંગ્રેજી અખબારો વાંચનાર માટે જાણીતું નામ કહેવાય. રિલેશનશીપ ઉપર એમના જેટલી ક્લેરીટીથી લખનારા ઓછા છે.

વળી, જુનવાણી જડતા ને દેખાદેખીની ખોટી આધુનિકતા બેઉ વચ્ચેનું એક સંતુલન જે હોવું જોઇએ આનંદથી મિત્રો બનાવવા માટે ને વિજાતીય સખા-સખીને પ્રેમ કરવા માટે, એ વિનીતાબહેનની કલમમાં ખરું. હાસ્યલેખો ન લખતા હોવ છતાં હળવાશથી લખે. એમાં વળી જનરલ નોલેજ જેવી માહિતી પણ આપે. ને સુંદર ક્વોટસ ડે ટુ ડે લાઇફના જ ટોપિક્સ હોય મોટે ભાગે.

મેજિક ઓફ નાઉ, અફેર્સ, મર્જ વિથ મોમેન્ટ, બી વલ્નરેબલ, આર નાઇસ પીપલ લૂઝર્સ ?, અન્લીશ ધ જીપ્સી ઇન યુ, નાઇસ ગર્લ્સ એન્ડ બેડ બોયઝ, સિડકશન ડાન્સ, ધ બેસ્ટ મિરર ઇઝ ઓલ્ડ ફ્રેન્ડ... આ એમના લેખોના ટાઈટલ્સ છે. પણ ઇઝી રીડિંગ કહેવાય એવી આખી બુકનો સેન્ટ્રલ ટોપિક તો લવ છે. સિમ્પલ સી એડવાઇસીઝ હોય છે : ગિવ અપ ધ રિલેશનશિપ્સ, બટ નેવર ગિવ અપ ઓન લવ. ઇમોશનલ છતાં પ્રેક્ટિકલ એવા યૂથકૂલ લખાણોનો સંગ્રહ.

(૪) વનની વાટે : વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફી એ આખી અનોખી વિદ્યાશાખા છે. ગુજરાતી પક્ષીવિદ સલીમ અલીનું એમાં એક જમાનામાં રાષ્ટ્રીય સ્તરનું યોગદાન. આ કોફી ટેબલ બૂકના ફોર્મેટમાં તૈયાર  થયેલું તસવીરકાર શૈલેષ રાવલનું પુસ્તક રજાઓમાં ઘેર બેઠાં ગુજરાતી વન્યસંસ્કૃતિની સહેલગાહ કરાવી દે છે.

પુસ્તક માણી લીધા પછી તરત જ એમાં વર્ણવાયેલા કોઈ સ્થળે દોડતા જવાનું મન થાય એવું. વન ઓફ ધ બેસ્ટ ઇન ધીસ જોનર. રંગબેરંગી જીવંત ફોટોગ્રાફ્સ તો છે જ. પણ કેબીસીમાં કામ લાગે એથી ય વધુ જી.કે. વધારે તેવી રસાળ માહિતી પણ છે. કાંચનમૃગ ઉર્ફે સ્પોટેડ ડીઅર શા માટે પોતાના જ ત્યજી દેવાયેલા શિંગડા ચાવે છે ? ઉડણ ખિસકોલી ગુજરાતમાં ક્યાં જોવા મળે ?

આપણા ગુજરાતી જ એવા દિવાળી ઘોડો નામનું પંખીડું કેવું દેખાય ? ગુજરાતના જ જંગલોમાં જોવા મળતા ઘંટીટાંકણો, રણચકલી, મેંદિયો પિદ્દો, ઢોંક, નકટો, ધોમડો, પતરંગો, ગુલાબી પેણ, બ્રાહ્મણી કાબર વગેરે પક્ષીઓ કેવા દેખાય ? એમની વિશેષતા શું ? સુઘ્રીના માળાથી દરજીડાના માળા ને ડાંગના જંગલથી ઇન્દ્રોડા પાર્ક સુધીની સફર કરાવતું આ પુસ્તક ગુજરાતના અભ્યારણ્યોના અભયાસમાં ય કામ લાગે એવું છે.

(૫) સ્પર્શ-જીવાઈ રહેલી જિંદગીનો : અંગ્રેજીમાં બેસ્ટ સેલર પુસ્તકોના લિસ્ટમાં નાની નાનીફિલોસોફિકલ નોટ્સ ધરાવતી કિતાબો હંમેશા અવ્વલ હોય. જીવન વિશેનું લાગણીસભર મૌલિક અર્થઘટન કરાવતી વિચારયાત્રા માણવામાં તાજગીનો જ અહેસાસ થાય.

લાઈફના પોએટિક એક્સપ્રેશન્સનો ધબકાર ઝીલતી મૌલિક સંવેદનશીલતાની ગિફ્ટ ગુજરાતીમાં બહુ ઓછા લેખકોને નવી પેઢીમાં સાંપડી છે. એમાંના એક તેજસ્વી અલગારી યુવકનું નામ છે, અભિષેક અગ્રાવત. નિયમિત રીડરબિરાદરોને આ કટાર જ નહિ, ફેસબુક દ્વારા ય એમનો પરિચય હશે. જિંદગીને જોવાનો એક આગવો સંવેદનને શૃંગારથી છલોછલ દ્રષ્ટિકોણ એની પાસે છે. ભીતરમાં ઉઢતી ભરતી વિચારો રૃપે ભીંજવી નાખે એ અહેસાસ આ પુસ્તકમાં છે. એમાં યુવતા છે. રોમાન્સ છે.

રઝળપાટ છે. ઝટ વંચાઈ જાય ને પછી લાંબો સમય એકાદ પેસેજ મમળાવવાનું મન થાય ! સ્ત્રીથી સેક્સ સુધીના નવા નિરીક્ષણો જડે. બેડરૃમને ગુડરૃમ કહેવાનું અગાઉ કોઇને સૂઝ્યું છે ? વિવાહ એટલે સ્વ વત્તા આહા ? ખાલી ઘર ને ભરેલ રંગો સુધી પથરાતા અને ગૂંગળાતા યૌવનને વાચા આપતા પુસ્તકમાં ક્યાંક કચાશ છે, એ ય ખટમધૂરી લાગે. રજાઓમાં સ્પર્શવાથી બત્રીસ કોટે દીવા જરૃર થાય.

(૬) ધ ઓશન ઓફ ચર્ન : સદીઓથી સમન્દરની સાહસકથાઓનું માણસને ફેસિનેશન રહ્યું છે. ભારત (અને ગુજરાત) પાસે તો અતુલ્ય સાગરકાંઠો છે. પણ કેટલાને ઇતિહાસની સફરે નીકળી પડવાનું અને કેવી રીતે આપણા હિન્દ મહાસાગર ઉર્ફે ઇન્ડિયન ઓશને ઇતિહાસનો પ્રવાહ પલટાવ્યો એ જાણવાનું મન થાય ? અગાઉ 'લેન્ડ ઓફ સેવન રિવર્સ' નામના સુખ્યાત પુસ્તક થકી ભારતીય સભ્યતાના વિકાસની ઝાંખી કરાવનાર સંજીવ સાન્યાલ આ પુસ્તકમાં ભારત ઉપરાંત આફ્રિકાથી ઓસ્ટ્રેલિયાની અવનવી કહાનીઓનો ખજાનો ઉલેચે છે.

કમ્બોડિયાના અંગકોરથી દક્ષિણ ભારતના વિજયનગર સુધીના સામ્રાજ્યો પાછળ મૂળ તો સાગરખેડુઓ હતા. અરબથી ચીન સુધીના વેપારીઓ અને ચોખા, હીરા, અફીણ, લવિંગ જેવી ચીજોની દરિયાઈ યાત્રાઓએ બદલાવેલા માનવભવિષ્યનો ઇતિહાસ ! યુદ્ધ અને પ્રેમની ગાથાઓ... ઘણું છે આ પુસ્તકમાં ! વાચનના વલોણે વિગતોના મોતીઓ સંશોધનના તળિયેથી એકઠાં થયા છે અહીં !

(૭) શાંતારામ : કેટલીક ફિલ્મો જોયાના આનંદ કરતાં કેટલીક ફિલ્મો ન બન્યાનો અફસોસ વધુ રહે. ૨૦૦૮માં ઓલરેડી શૂટિંગ સ્ટેજે પહોંચીને અભેરાઈએ ચડી ગયેલી વોર્નર બ્રધર્સની ફિલ્મ શાંતારામ મીર નાયરના ડાયરેકશનમાં બનવાની હતી. ને લીડ રોલ જ્હોની ડેપનો હતો.

સાથે અમિતાભ બચ્ચન. ૯૩૬ પેજના વજનદાર પુસ્તકના પાનામાં પથરાયેલી આ કથામાં ફિલ્મી એલીમેન્ટસ હોવા છતાં ફિલ્મ હજુ બની નથી શકી. ઇન ફેક્ટ, નોવેલ હોવા છતાં એ સાવ ફિકશન પણ નથી ! ગ્રેગરી ડેવિડ રોબર્ટસ નામનો એક ઓસ્ટ્રેલિયન ક્રિમીનલ. કાતિલ બેંક લૂંટને ડ્રગ્સને લીધે એને ૧૯૭૮માં ૧૯ વર્ષની જેલની સજા પણ થયેલી. એ જેલમાંથી ભાગ્યો ને જર્મની ભાગી જવા ભારત આવ્યો. ને પછી ઓળખ બદલાવી ભારત જ રહી પડયો ! એમાં એને નામ મળ્યું શાંતારામ.

મરાઠી શીખ્યો, ઝૂંપડપટ્ટીમાં રહ્યો, સ્વીસ છોકરીના પ્રેમમાં પડયો, બનાવટી ડોક્ટર બન્યો, બોલીવૂડ ને મુંબઇ અંડરવર્લ્ડમાં આંટો મારી આવ્યો. પકડાયો, એક અફઘાની ડોનની મદદથી છૂટયો, મુજાહિદ્દીનની લડાઈઓથી લઇ રોગચાળા સુધીની અને નકલી પાસપોર્ટથી લઇ હથિયારોની હેરાફેરી સુધીની ક્રાઈમ જર્ની બાદ એને શું અહેસાસ થયો ? ખુદ ગુનેગાર ગ્રેગરીએ કાલ્પનિક પાત્રો પ્રસંગો ઉમેરી ૨૦૦૩માં જે કથા લખી એ શાંતારામ. હવે 'માઉન્ટન શેડો' નામની એની સિકવલ પણ આવી ગઇ છે.

(બી) વેકેશન મૂવીઝ :

(૧) સ્ટોનહર્સ્ટ એસાયલમ : બેસ્ટ સસ્પેન્સ પ્લોટ કોને કહેવાય ? જેમાં રહસ્યનો રિવર્સ સ્વિંગ હોય છેડે ! મતલબ એક મુખ્ય ઘૂંટાતા રહસ્યનો પર્દાફાશ થયા પછી પણ અણધાર્યું છેલ્લે એક જુદું જ સસ્પેન્સ ખૂલે ! ફિલ્મ કે કિતાબ પૂરી થયા પછી પણ આંચકો આપી જતું ! આ હિડન જેમ જેવી ફિલ્મ આમ તો ૨૦૧૪માં આવેલી, પણ નેટફ્લિક્સ પર ઇઝીલી અવેલેબલ છે.

૧૯મી સદીના ગોથિક બ્રિટનનુંસેટિંગ આમ પણ આકર્ષક જ લાગે. એમાં ય મૂળ વાર્તા 'ધ સીસ્ટમ ઓફ ડોક્ટર ટાર એન્ડ પ્રોફેસર ફેધર' એડગર એલન પો ની ! વિશ્વસાહિત્યમાં ટૂંકી વાર્તા અને રહસ્યકથાઓનો ભીષ્મપિતામહની ! ઓક્સફર્ડનો એક ગ્રેજ્યુએટ જુવાનિયો એક દૂરના મેન્ટલ એસાયલમમાં આવે છે. પણ પાગ્લોથી ય ભેદી હત્યાનું વાતાવરણ છે ! એક મહિલા દર્દીના ઇન્સ્ટન્ટ ઇશ્કમાં ગિરફતાર એ જુવાનને શું અનુભવો થાય છે ? વોચ ધિસ સુપર્બ મિસ્ટ્રી થ્રીલર !

(૨) વિએર ગીગન દી બેન્ક : આ ૨૦૧૬ની જર્મન ફિલ્મના પ્લોટની ઇન્સ્પિરેશન તો જેફરી આર્ચરની કલ્ટ ક્લાસિક 'કોન' કહાની 'નોટ એ પેની મોર, નોટ એ પેની લેસ' છે. (જો કે, જર્મનીમાં '૭૦ના દાયકામાં એવી જ નોવેલ લખાઈ હતી) મૂળ વાર્તામાં શેરબજારમાં ઘાલમેલને લીધે પોતાના પૈસા ગુમાવવાવાળા ચાર એકબીજાથી અપરીચિત ઇન્સાનો એકઠાં મળીને મૂળ ફ્રોડને પાઠ ભણાવવાનું નક્કી કરે છે,

એકઝેટ પોતાની લેણી રકમ તરકીબથી વસૂલ કરીને. આ જર્મન ફિલ્મમાં એક બેંક આવી રીતે પૈસા ડૂબાડી દે છે. જે મૂળ તો બેન્કના જ એક અહંકારી ડાયરેક્ટરની ઘાલમેલ છે. એમાં વગર વાંકે ધોવાઈ ગયેલ ચાર લોકો એકઠાં થઇ જાય છે.

એક પડતીનો સમય જોઈ રહેલો પરિવારવત્સલ અભિનેતા, એક બળમાં પહાડી પણ બુદ્ધિમાં સૂકલકડી એવો પહેલવાન, બેન્કનો જ હિસાબનીશ અને એક ઘરના પૈસાની તાબેદારીને બદલે ખુદની રીતે જીવવા માંગતો યુવાન અમીરજાદો. બેંક લૂંટ કતાં ય વધુ જલસો તો એ પહેલાની તૈયારીમાં થતી ઇમોશનલ ટચવાળી કોમેડીને એ પછી ફૂટડી ફટાકડી જેવી તેજ તપાસનીશ અધિકારીની ચકોર નજરમાંથી છટકવાની મથામણમાં છે.

હેરાફેરીની યાદ અપાવી દેતી આ ફિલ્મમાં લાફ્ટર, રોમાન્સ, થ્રિલ્સનો મસ્ત ઇકવલ ડોઝ છે. ડાયરેકટર પણ વેટરન વુલ્ફગોંગ પીટરસન  છે. ટ્રોય એરફોર્સ વન જેવી અઢળક હોલીવૂડ હિટ્સ આપનાર જર્મન ડાયરેકટર.

(૩) બરેલી કી બર્ફી : ચૂકી ગયા હો તો દંગલના દિગ્દર્શક નિતેશ તિવારીની ટેલેન્ટેડ પત્ની અશ્વિની અય્યર તિવારી (સુપર્બ 'નીલ બટે સન્નાટા')ની આ પતિએ જ લખેલી ફિલ્મ આ હોલિડેઝમાં જોઈ જ લેજો. પાન ખાવાના એક જ સીનમાં રાજકુમાર રાવ શા માટે ઇરફાન ને નવાઝુદ્દીનનીહરોળનો ધુરન્ધર એકટર શા માટે છે એ કળાઈ જશે. અને એવી જ લિજ્જત 'ન્યુટન'માં એની સાથે જુગલબંધી જમાવનાર પંકજ ત્રિપાઠી પણ એની ગજબનાક કોમિક ટાઇમિંગવાળી એક્ટિંગ સાથે દેખાડે છે.

જેની સામે કૃતિ કે આયુષ્યમાન જેવા સ્ટાર્સ ઝાંખા પડે ! ટિપિકલ પ્લોટમાં ટ્વિસ્ટ છે, એકદમ ઓથેન્ટિક યુપીનો માહોલ ને વોટ્સએપ જોક્સમાંથી ઉઠાવ્યા ન હોય એવા શાર્પ વનલાઇનર્સ. કંકોત્રીની ટાઈપ મિસ્ટેકથી લઇ તૂટે દિલ આશિકીની વ્યથા પરના કટાક્ષ ને ખાસ તો લેખકો પર લેવાયેલી ચુટકી. પણ ફિલ્મનું દિલ એકદમ ઠેકાણે છે, સંવેદનાવાળું.

(૪) ૧૦, ક્લોવરફિલ્ડ લેન : જે ફિલ્મના પ્રોડયુસર તરીકે નવી 'સ્ટાર વોર્સ'ને 'સ્ટાર ટ્રેક'ના ટેલેન્ટેડ ડાયરેકટર જે.જે.અબ્રામ્સ હોય ને એક સ્ક્રીપ્ટરાઇટર તરીકે 'લા લા લેન્ડ' ને 'વ્હીપ્લેશ'ના ડાયરેકટર ડેમિયન ચીઝલ હોય, એમાં કશું કહેવાપણું હોય ક્યારેય ? એક યુવતીની કારને અકસ્માત થાય છે.

ભાનમાં આવે છે તો ખ્યાલ આવે છે કે પોતે એક કદાવર ને ભેદી પુરુષના ભોંયરામાં છે, જે દાવો કરે છે કે બહાર તો જીવલેણ રોગચાળો હોઈને બધા માણસો ઝોમ્બી બની રહ્યા છે. એક બીજો યુવક પણ ત્યાં આમ જ ફસાયો છે. હકીકત શું છે ? મિનિટે મિનિટે એક લોકેશનમાં ત્રણ જ પાત્રો હોવા છતાં ટેન્શન બિલ્ટ અપ કરતી સિચ્યુએશન્સ સીટની ધાર પર લઇ આવી દે એવી કમાલ છે. ઉત્તમ નાટક રચાય એના પરથી. જોરદાર થ્રિલર. ધડકન તેજ કરી દે એવું. અને અમુક તકલાદી થ્રિલર જોઇને ચકિત થઇ જનારા શિશુઓને અસલી સ્વાદ ચખાડનારૃં.

(૫) પોસ્ટર બોયઝ : શ્રેયસ તાલપડે દિગ્દર્શિત આ મરાઠી ફિલ્મની રિમેક બોક્સ ઓફિસ પર એઝ એકસ્પેક્ટેડ ધબાય નમ: થઇ ગઈ.

આજના જમાનામાં સની ને બોબીને જોવા કોણ જાય ? પણ ફિલ્મનો સબ્જેક્ટ સાવ નવતર હતો ને અમુક કોમિક સિચ્યુએશન ખરેખર વિન્ટેજ ગોવિંદાબ્રાન્ડ ફિલ્મ્સની યાદ અપાવે એવી છે. હસતા હસાવતા એક સારો સાચો સામાજિક સંદેશ એવી રીતે ગૂંથાયો છે, કે શરૃઆતમાં તો સસ્પેન્સ લાગે કે આખરે ફિલ્મની થીમ છે શું ? સની-બોબી પણ ફૂલ ફોર્મમાં છે. નવરા પડો તો ટીવી પરની કૂવડ કોમેડીને બદલે જોઈ નાખવામાં વાંધો નહિ.

(૬) સ્ટારડસ્ટ : તાજેતરમાં આવેલી પહેલા ભાગ કરતા નબળી એવી 'કિંગ્સમેન ટુ' (અને વન) ઉપરાંત 'એક્સ મેન : ફર્સ્ટ ક્લાસ' જેવી ક્લાસિક ફિલ્મના ડાયરેકટર મેથ્યુ વોઘાનની આ જૂની ફિલ્મ બાળકોને મજા કરાવતી એક મોડર્ન ફેરીટેલ છે. અને એ બહુ મજાની ઇફેક્ટ આપે છે.

જૂની પરીકથાઓના એલીમેન્ટસ-ડાકણ, જાદૂ, રાજકુમારી, ઉડતા જહાજો, શિંગડાવાળો સફેદ ઘોડો, રજવાડી મહેલ, વારસદારોના કાવાદાવા, મન્તર ભણીને બધું ભૂલાઈ જાય કે માણસ પ્રાણી થઇ જાય ને જાદૂઈ મણિ હોય, જુનો શ્રાપ હોય, વિખૂટાં પ્રેમીઓ હોય, ચાંચિયા હોય, રાજપરિવારની ખટપટ હોય, ચિરયૌવનની તલાશ હોય... સઘળું હાજર હોય છતાં વાર્તા, એના પાત્રો ને વળાંકો સાવ નવા હોય ! એમાં જરા મોડર્ન હ્યુમર પણ હોય. હીરોઇન ક્લેર ડેન્સ નબળી હોવા છતાં રોબર્ટ ડી નીરો ને મિશેલ ફાઈફર જેવા અનુભવીઓ બાજી મારી લે છે.

(૭) ડિસ્ટર્બિયા : કોઈ પણ રજાના દિવસે જો કોઈ એક ફિલ્મ જોવાની પસંદ કરવી હોય તો અચૂકપણે આ સ્પીલબર્ગે પ્રોડયુસ કરેલી થ્રિલર કરવી જ કરવી. વોટ એ ટીન એન્ટરટેઇનર. અકસ્માતમાં બાપને ગુમાવેલો કિશોર ચીડિયા સ્વભાવને લીધેહાઉસ એરેસ્ટની સજા મેળવે છે. ઘરની બહાર કશે જવાનું નહી, બાકી પગમાં ભરાવેલા સેન્સરને લીધે પોલિસ આવી ચડે ને જેલમાં જવુ પડે. મા ય ખીજાઈને ટીવી-ઇન્ટરનેટ પણ બંધ કરી દે છે.

કંટાળેલો જીવ પરેશાન છે. બાજુમાં નવી રહેવા આવેલી એની જ ઉંમરની છોકરીને સ્વીમિંગ પૂલમાં નહાતી મિત્રની જોડે દૂરબીન લઇ તાક્યા કરે છે. એમાં અચાનક એને પડોશના એક ઘરમાં શંકાસ્પદ હલચલ દેખાય છે. ને એક લોહિયાળ ગુનાનું પગેરું જડે છે. ઔર ફિર... આ ય નેટફ્લિક્સ પર પણ છે. જોઇ જ લો ને આગામી વેકેશનમાં !

ચિલ્લેક્સ. ફેસ્ટીવલ ફન ઇઝ હીઅર અગેઇન !

ઝિંગ થિંગ

વેકેશન સ્પેશ્યલ વિડીયો : સેલેના ગોમેઝ જેવી ભારતપ્રેમી ઢીંગલીનું સુપરહિટ ને સુપરહોટ સોંગ 'હેન્ડ્સ ટુ માયસેલ્ફ.' અહાહા. કાન ને આંખનો જલસો એકસાથે. એકદમ નખરાળી મદહોશ અદાઓ જુઓ ગોમેઝની ને એનો સિડક્ટીવ વોઇસ સાંભળો. માશા અલ્લાહ. વારંવાર જોયા સાંભળ્યા કરો તો ય ધરાવ નહિ એવું કામણગારુ સેક્સી સોંગ છે. ફટાકડા ફૂટવા લાગશે મનમાં !
 

Post Comments