Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

વધતા જતાં અસંતોષ અને આંદોલનો : અભાવ, સ્વભાવ, પ્રતિભાવ !

સુપ્રીમના ચુકાદાઓ સામે નાફરમાનીની આદત પડવા લાગી છે. પહેલા પદ્માવત, પછી એટ્રોસિટી. એવું નથી કે સુપ્રિમના ચુકાદા ફુલપ્રૂફ હોય. પણ એના કાનૂની રસ્તાઓ છે જ સુધારવા-પડકારવાના. પછી ય માફક ન આવે, તો ઘણુંય જીવનમાં અણગમતું સહજ સ્વીકારવું જ પડે છે

ઇન્ડિયન એવું કહેવાનો મોકો આપણે ભારતની સરહદ બહાર પગ મૂકીએ અને પરદેશી ઇમિગ્રેશન ખાતાવાળા પૂછે, ત્યારે જ મળતો હોય છે. એમાં ય પરદેશમાં વધુ ઇન્ડિયન્સ ભેગા થાય તો પોતાના ગોળ, સંપ્રદાય, સમાજ, વર્ગ, જ્ઞાાતિ વગેરેના બેનર્સ શરૃ થઈ જ જાય. આ તો જગજાહેર વાસ્તવ છે. પણ આવું છે શા માટે ?

પરદેશથી સ્વદેશમાં નજર કરો તો નિયમિતપણે થોડા થોડા દિવસે કોઇને કોઇ રાજ્ય કે વિસ્તારમાં હિંસક કે અહિંસક પણ દેખાવો, વિરોધ પ્રદર્શનો, આંદોલનોના સમાચારો જોવા મળે જ છે. જાણે બધે જ અકળામણની ગરમી ચડી ગઈ છે.

સુપ્રિમ કોર્ટના ચુકાદા ગમે કે ન ગમે માન્ય કરવા જ પડે. લોકશાહીમાં કાયદાની આમન્યા ન હોય તો વ્યવસ્થા ખોરવાઈ જાય. ટ્રિપલ તલાક વખતે મુસ્લિમોએ શાંતિથી એ માથે ચડાવ્યો જ છે. પણ ધીરે ધીરે રાજકીય સ્વાર્થને લીધે વાતાવરણ એવું બનવા લાગ્યું છે કે સુપ્રીમના ચુકાદાઓ સામે નાફરમાનીની આદત પડવા લાગી છે.

પહેલા પદ્માવત, પછી એટ્રોસિટી. એવું નથી કે સુપ્રિમના ચુકાદા ફુલપ્રૂફ હોય. પણ એના કાનૂની રસ્તાઓ છે જ સુધારવા-પડકરાવાના. પછી ય માફક ન આવે, તો ઘણું ય જીવનમાં અણગમતું સહજ સ્વીકારવું જ પડે છે. હા, શાંત મક્કમ સંગઠ્ઠિત વિરોધ અને જનજાગૃતિનો અધિકાર તો બંધારણીય છે. એ જ બંધારણે આપેલો છે, જેના થકી સંસદ કે સર્વોચ્ચ અદાલતનું અસ્તિત્વ છે. સવાલ તો હિંસક તનાવનો છે. બાકી, મુંબઈમાં પરીક્ષાર્થીઓને ય નડે નહિ એમ મૌન ખેડૂત રેલી હમણાં નીકળી જ હતી ને !

ઇનફેક્ટ, કાયદાઓના દુરૃપયોગને રોકવા બાબતની જે ચર્ચા ચાલે છે, એમાં એક મહત્વનો મુદ્દો બાજુએ રહી જાય છે. આપણા વિભાજનવાદી કે પુરૃષપ્રધાન સમાજમાં - એસી એસટી એક્ટ કે દહેજ ઉત્પીડત ધારા જેવા કાયદાઓની જરૃર તો માનસિક ભેદભાવ કે ક્રૂરતા રોકવા છે જ, એમાં બેમત નથી. સવાલ એનો દુરૃપયોગ ને એને લીધે પડતી નિર્દોષને હેરાનગતિ રોકવાનો છે.

આપણી પ્રજાને પોલિટિક્સમાં બહુ રસ ન પડે, પણ માઇન્ડસેટ પોલિટિકલ. કોન્ફિડન્સથી પોતાનો સ્વાર્થ સાધવા જૂઠું બોલવા લાગે. કોઇનો દાવ લેવામાં બહુ મજા પડે. પણ મિડિયા ટ્રાયલ થાય, કોર્ટ ટ્રાયલ તો બહુ ધીમે ધીમે ચાલે. સલમાન જેવી સેલિબ્રિટીઓના કેસમાં નિર્દોષ જાહેર થાય કે દોષિત ચુકાદા જ દાયકાઓ પછી આવે.

ખરેખર જો માંગ કરવાની હોય તો ઝડપી ન્યાય માટે કરવાની છે. ખરેખર જાગૃતિ ફેલાવવાની હોય તો ખોટી ફરિયાદો દાખલ કરવા માટે અને આધારહીન ખોટા સમાચારો ફેલાવવા માટે ફરિયાદી પર જ આકરી ત્વરિત સજાની અમલવારીની છે. જૂઠાં આક્ષેપો અને ખોટી ફરિયાદો સાબિત થયા પછી એ કરનારને કડક સજા થાય, તો દાખલો બેસે ને બીજી વાર અન્યાય રોકવા માટે ઘડાયેલા કાયદાનો દુરૃપયોગ કોઈ અન્યાય કરવા માટે ન કરે. સિમ્પલ.

પણ બધું આટલી સરળતાથી થાય તો ઘણા વિઘ્નસંતોષીઓની દુકાનો બંધ થઈ જાય. માટે આજકાલ તો આગામી ચૂંટણીઓને લીધે વિરોધ પ્રદર્શનની મોસમ ખીલવા લાગી છે. એ હિંસક બને અને નિર્દોષ માટે હેરાનગતિરૃપ બને એ જ મુખ્ય સમસ્યા છે. પણ આ પાછળ કેવળ પોલિટિક્સ જવાબદાર છે, એવું નથી. જગતભરનો ઇતિહાસ સાક્ષી છે કે પોલિટિશ્યન્સ તો પ્રજાના મૂડનો ફાયદો લેવાની પેંતરાબાજી કરવાના જ.

જેમ, ભારતની પ્રજાના મૂળિયામાં સ્વકેન્દ્રી સંકુચિતતા, આંતરિક હૂંસાતૂંસી અને ધાર્મિક- સાંસ્કૃતિક વિભાજન હતું - તો અંગ્રેજોએ ઉસ્તાદીથી એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. પણ આજકાલ જે રેસ્ટલેસનેસ, જે અજંપો દેખાય છે, એનાં કારણો આ ઉપરાંતના ય છે. રાજકારણની સોગઠાંબાજી સિવાય એવું શું છે કે પ્રજાનો મોટો વર્ગ અંદરથી અશાંત સ્વભાવનો થતો જાય છે, અને ધીરજ ગુમાવી પ્રતિભાવ આપે છે ?

આ પાંચ કારણની યાદી વિચારવા જેવી ખરી :

(૧) જ્ઞાતિવાદ એ ભારતની લાક્ષણિકતા છે. સમાન, રસરૃચિ, જીવનશૈલી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી જૂથો તો સમાજજીવનમાં જંગલમાં રહેતા ત્યારથી ચાલે. પણ આપણે ત્યાં એ જ્ઞાાતિવાદમાં ધાર્મિકતા ભળી ગઈ છે. આધ્યાત્મિક દર્શન સર્વસમાવેશક જ હોય અને છે. પણ ધાર્મિકતામાં તો દંભ, અહં, ડર બધું જ ભળે છે. એકબીજા પર ભાવ પાથરવાની સ્પર્ધા આવે છે.

મૃત્યુ પછીના પરલોક અને જન્મજન્માંતરની ગતિ વગેરેની વાતોની ગહેરાઇમાં એવી અસર થઈ કે લોકો સ્વજ્ઞાાતિ સિવાય અસ્વીકારને પુણ્ય માનવા લાગ્યા. હવે સમય બદલાઈ ગયો. ડિજિટલ દુનિયા થઈ. પણ વિશ્વભરમાં જે જડ જૂનવાણી માનસ છે, એ સહેલાઈથી પરિવર્તન સ્વીકારવા તૈયાર નથી. જે શોષક છે એને કબજો જવાનો ડર છે, માટે આક્રમક બને છે. જે શોષિત છે, એ વેર અને બદલામાં ખીજાઇને આક્રમક બને છે. માટે ટકરાવ તો ઘટવાના બદલે વધે છે. આક્ષેપો- પ્રતિઆક્ષેપોનો સિલસિલો બંધ થતો જ નથી.

ભારતમાં અસ્તિત્વ ટકાવવા ને ફેલાવવા ૨૧મી સદીમાં વાડા ઓગાળવાને બદલે ઉલટું તારની વાડ સિમેન્ટની કરવા બધા મેદાને પડયા છે. સંતોના ભજનોની સમરસતા ભૂલીને તકસાધુઓ બનવા મજબૂત સંગઠ્ઠન બનાવતા થયા છે. પોતાની કલ્ચરલ કે જીનેટિક ઓળખને માણે-વખાણે એ તો સારું જ છે. પણ કૂંડા ફૂલ ઉગાડવાને બદલે લમણાંમાં મારવામાં ઉપયોગમાં લેવાય તો ઢીંમણાં થાય. એ સીનારિયો છે. યાદવાસ્થળી તો કૃષ્ણની ઉપસ્થિતિમાં ય સ્વાર્થવશ થઈ જ હતી ને !

(૨) સોશ્યલ મીડિયા એન્ટી સોશ્યલ થવા લાગ્યું છે. ફેસબૂક ડેટા લીકને ઇલેકશન સાથે જોડીને જે કાગારોળ જગતભરમાં મચે છે, એમાં ય મૂળ મુદ્દો આ જ છે ! ઘણા નબળાં મનના માણસો પાસે મોબાઇલ અને ઇન્ટરનેટનું સબળું હથિયાર આવી ગયું છે. જેમાં સતત એમને જ ગમતી વાતો, કે મીઠું મરચું ભભરાવી ફેક્ટ જેવા દેખાતા ફેક ન્યુઝ ફેલાવાની જે કસરત ચાલે છે - એને લીધે પાગલો, ભાંગફોડિયાઓ, ક્રિમિનલ માઇન્ડસેટ ધરાવતા લોકો,

ભીતરથી ઝેરીલા સંકુચિતો - બધાને પોતાના જેવા લાઇકમાઇન્ડેડ લોકો મળી રહે છે. અગાઉ કોઇને ગાંડા જેવી હરકતો કરવાનું સૂઝે તો - સામાજીક રિજેકશનનો ભય લાગતો. પણ સોશ્યલ નેટવર્ક પર પોતાના જેવી જ માનસિકતા ધરાવતા બીજાને જુએ, એટલે એનો આત્મવિશ્વાસ વધે છે. અમુક અળવીતરાં તો ઓનલાઇન એવી ધરી રચે છે. ત્રાસવાદના ફેલાવા બાબતે તો આ પુરવાર થયેલું છે.

એકલામાં ઠાવકો રહેતો માણસ ઘણીવાર સમૂહમાં મોકો મળે તો ઉન્માદમાં અપરાધ કરતાં અટકાતો નથી. ટોળાશાહીને વીફરતી રોકવા કોઇ ગાંધી મોજૂદ નથી. મુખમાં મુસ્કાન ને ખાનગીમાં ખટપટ જેવા ડબલ ઢોલકીઓ દરેક ક્ષેત્રમાં છે. પોલિટિકલ પાર્ટીઝને તો આ ફેલાવામાં ફાવતું જડે છે. મીડિયાને સનસનીખેજ હેડલાઇન્સ મળે છે. માટે સરસ વિચારોના ફેલાવાના ભૂષણ જેવું પ્લેટફોર્મ આંદોલનો ને ઝુંબેશોના ઉશ્કેરાટના કાદવઉછાળનું દૂષણ બનતું જાય છે. વર્લ્ડ વાઇડ નવી કૂટેવ અત્યારે બધાને ભવિષ્યને બદલે પોતપોતાનો ઇતિહાસ મહાન સિદ્ધ કરવાની પડી છે એમાં !

(૩) અસંતુલિત વિકાસ થઈ રહ્યો છે. ઈનફેક્ટ, એક બાજુથી આખી દુનિયામાં સગવડો વધી ગઈ છે. સુખના સાધનો વધ્યા છે. ગ્લેમર અને પૈસાની રેલમછેલ અને મોજની મહેફિલો વધી છે. બીજી બાજુથી ટેકનોલોજીએ રોજગારો પર તરાપ મારી છે. એટલે બેકારી અને ગરીબી ય વધી છે. મોંઘીદાટ ફી ચૂકવીને ભણેલા દરેક લાઈફમાં 'સેટલ' થતા નથી. ગળાકાપ હરીફાઈ છે. પૈસાદાર વધુ પૈસાદાર થઈ રહ્યો છે, ગરીબ વધુ ગરીબ. થોડુંક તો કર્મના સિધ્ધાંત ને એકબીજાના ટેકેટેકે ચલાવી લે છે, પણ પછી સહનશક્તિ રહેતી નથી.

એક્ચ્યુઅલી, આ વૈશ્વિક સમસ્યા વધવાની છે. બધે ઓટોમેશન આવતું જાય છે. હ્યુમન એરર્સ કે ચીટિંગ ટાળવા મશીનનો ઉપયોગ ને ભરોસો વધતો જાય છે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનની બોલબાલા છે. જે ઝડપે જગતની વસતિ વધે છે, એ ઝડપે નેચરલ રિસોર્સીઝ વધતા નથી. રોજગાર કે આવક વધતી નથી. રોજેરોજ લાઈફ ચેન્જીંગ પ્રોડક્શન થતા નથી. આ ગંભીર બાબત છે, પણ થાક લાગતો હોવા છતાં મેડિકલ ચેકઅપ ઈગ્નોર કરીએ એમ એને ભૂલાવી દેવામાં આવે છે.

વિશ્વભરમાં ધાર્યો વિકાસ નથી થયો, એનો અસંતોષ ખાસ તો મધ્યમવર્ગની કામઢી અને કાયદાથી પીસાતી પ્રજામાં વધતો જાય છે. નવી જાદૂઈ છડીની આશામાં બળવો કરીને કે ચૂંટણીમાં તખ્તાપલટ કરીને એ તકદીર ફેરવવાની કોશિશ કરે છે. પણ એ સપના ઠગારા જ નીવડવાના. કારણ કે, આ સમસ્યાનો રાતોરાત ઉકેલ વાયદાઓ સિવાય કોઈ વ્યક્તિના હાથમાં નથી!

(૪) ખર્ચ કરવાના પ્રલોભનો, જેમને ટેમ્પ્ટેશન કહેવાય એ વધે છે. બધાને ચસચસાવીને બધું જ ભોગવી લેવું છે. ફાઈન. પણ એની લિમિટ બાંધતા આવડતી નથી. અને એ માણવા માટે મહેનત કરવાની, અનુશાસિત થવાની, નકામી વાતોમાં વેડફાતો સમય છોડીને પ્રગતિ પાછળ ચોંટી પડવાની, જાત ઘસવાની તૈયારી નથી. એટલે ગજવું ખાલી થાય છે.

જૂના જમાના જેવી બચત થઈ શકતી નથી. ઘરની બહાર નીકળો તો બધાં જ વૈભવવિલાસ નજર સામે નાચ કરતા દેખાય છે. ઝળહળ ઝગમગ સુખોનું બજાર રોશન થયેલું છે. પણ ત્યાં સુધી પહોંચાતું નથી, એટલે ફ્રસ્ટ્રેશન આવે છે. જે ક્રોધ અને હતાશામાં પરિણમે છે. અલ્ટીમેટલી ડિપ્રેશનની ડેથ વિશ. સંતાપનો ભમ્મરિયો કૂવો. ભૂખના ભડાકા.

આનું એન્ટીડોટ જ આપણે ત્યાં સાચી ધાર્મિક કથાવાર્તાઓ, સત્સંગ ને ફિલસૂફી હતી. પણ અપવાદો બાદ કરતાં એ ધર્મક્ષેત્રમાં ય આ જ વ્યાધિઉપાધિનું કુરૃક્ષેત્ર ને કુંઠા ફેલાયા છે. ત્યાં કમ્પેરિઝન ને કોઠાંકબાડા આવતા જાય છે. સાચા સોના સાથે મિલાવટના ઝગારા ભળી ગયા છે. પણ દિવસે દિવસે નાની મોટી રકમ માટેના ક્રાઈમ વધતા જાય છે. ચોરી, લૂંટફાટ, હત્યા, લુખ્ખાગીરી, ખંડણી બધુ જ! દારૃ, ફાયર આર્મ્સ બધું જ મળી જાય છે.

કાયદાની છટકબારીઓ હાથવગી છે. બધા નહિ, પણ અમુક સમાજની સુરક્ષાની જવાબદારી માથે લઈ બેઠેલા જ સુધારાને બદલે ક્રાઈમમાં ભાગીદારી કરે છે. ન્યાય તો તરત મળતો નથી.

એટલે ખુદનું સંગઠન ને હિંસા કે પ્રતિકારની ધાક એ જ હાથવગો રસ્તો છે! પૈસાની ખુજલી આવે છે બધાને. અને ઈગો પણ. મેડિકલથી એજ્યુકેશન બધું જ મોંઘું છે. સમતા વધુ છે અને સંપત્તિ ઓછી છે.

(૫) સ્માર્ટફોન સસ્તા થયા અને નેટ મફત થયું. એટલે વાંચવા-વિચારવાની વૃત્તિ ઘસાતી જાય છે. બધું જ્ઞાાન ફોરવર્ડેડ છે. ખુદની સાદી સમજણ કે અક્કલ લગાવ્યા વિના જ લોકો ગળી જાય છે. શિક્ષણમાં વ્યવસાય એવો છે કે, યુવાન, તેજસ્વી શિક્ષકો ધારે તો ય બિઝનેસના ધસમસતા પૂર એ સંચાલકોને ય તાણી જાય. ત્યાં પણ વાલીનું પ્રેશર સક્સેસ યાને માર્કસની રેસ પાછળ છે. મનગમતું કરવાનો રોમાંચ નથી. બીજાની એપ્રૂવલ મળે એ ગમાડી દેવાની રેસ છે. લેખન-વ્યાખ્યાન-વિચારવિમર્શ બધું જ એન્ટરટેઈનમેન્ટ થતું જાય છે. પૈસા ફેંકો, તમાશા દેખો.

હજુ તો ઘણા જૂના કિલ્લા ને ગઢ અડીખમ ટકેલા છે. પણ ક્યાં સુધી? થોટલેસ માઈન્ડલેસ સોસાયટી વધવાની. કરોડો અબજોની વસતિમાં છાપા-મેગેઝીન્સ વાંચવાવાળા કે તાર્કિક તથ્યપૂર્ણ મતભેદ કરવાવાળા, સારી ફિલ્મો ને કિતાબોનું રસપાન કરનારા લઘુમતીમાં જ હતા અને છે. બધે જ માપદંડ મૂલ્યોનો નહિ, મનીનો છે. રસિકતા અને વિકૃતિનો ભેદ સમજવાની, શૃંગાર અને ઠઠારા વચ્ચેનો તફાવત સમજવાની, બોલ્ડનેસ અને બળાપા વચ્ચેની રેખા સમજવાની ફાઈન ટયુનિંગવાળી સેન્સ જ રહી નથી. માટે લોટ, પાણી ને લાકડાં.

બધા જ બહાર જમવા ધસારો કરે ત્યારે ક્વોલિટી ફૂડનું સિલેક્શન બહુ ઓછા કરી શકે. કેમેરા પ્રિન્ટમાં મોબાઈલમાં ય ફિલ્મો જોઈ લેતા સમાજને ગુણવત્તા કે સૌંદર્યદ્રષ્ટિ સાથે છેટું પડી જાય. પછી હિતકારક વાત કહેતી સુગરીના પીંછા ખેરવી નાખતા પ્રમાદી અને અસહિષ્ણુ વાંદરાઓ જોર કરવા લાગે. માનવતા, સદ્ભાવ, સ્વયંશક્તિ, મદદગારી, ઉદારતા, ક્ષમા, સ્નેહ, બંધુત્વ, ત્યાગ... શેરિંગ એન્ડ કેરિંગ જેવા ગુણોથી રચાયેલું ફેબ્રિક તૂટવા લાગે.

ભારતમાં હજુ તો સારું છે. સાવ વસ્ત્ર ઝડપી નથી ગયું અમુક દેશોની જેમ. ખાસ્સું સાબૂત છે. લોકો ઋષિઓના ડીએનએથી ચલાવી લેતા અને જતું કરીને આગળ મૂવ ઓન થતા વગર મોટીવેશનને પણ શીખે છે. ધર્મ કે સરકારને બદલે પ્રજા જ એકબીજાને ટેકે ચાલી આફતોનો મુકાબલો કરે છે. હેલ્પ એન્ડ હાર્ટ આપે છે. પણ જો સમયસર નાના નાના કાણા બૂરવાની ચોકસાઈ નહિ કરીએ, તો મોટી મોટી તિરાડો વધુ મોટાં મોજાંઓ ઉછળે ત્યારે નાવડી ડૂબાડી ય શકે!

જેકી ચાનની એક જાપાનીઝ માફિયાના અન્ડરવર્લ્ડની ટ્રેજીક વાત કહેતી ફિલ્મમાં જેકીનો ડાયલોગ છે : મોર ડ્રીમ્સ, મોર મની. જી હા. અને જો એ સમીકરણ બરાબર બેસે નહિ તો મોર સ્ટ્રેસ. સ્ટ્રેસ્ડ વધુ ને બ્લેસ્ડ ઓછા હોઈએ તો જીવતર બ્લેડની ધાર જેવું લોહિયાળ થઈ જાય !

હેરી-પોટરની કથામાં એક જગ્યાએ જે.કે. રોલિંંગે લખેલું કે 'જીંદગી કોઈ સાથે ન્યાય નથી કરતી. બધા સાથે અન્યાય કરે છે.' જી હા, તમામને એવું જ લાગે છે કે બીજા લઈ ગયા, પોતે રહી ગયા. એટલે માર્જીનલાઇઝડ થયાની ફીલિંગ આવે છે. એકલા પડી જવાનો ભય લાગે છે. માટે વધુ જોરથી સંગઠ્ઠન કે વિપ્લવ તરફ ધસે છે. આ સ્થિતિ સુધરે એના કરતાં બગડે એના ચાન્સીસ વધુ છે. નવા ગેઝેટ્સ માણસને વધુ વિદ્વાન કરતા વધુ મૂર્ખ બનાવી રહ્યા છે. કારણ કે, અંદર જે કુત્સિતતા ટૂંટિયુ વાળી પડી હતી, એને પાંખો ફફડાવી ઉડવાનું ગગન વિશાળ મળ્યું છે.

લેટ્સ હોપ, આ શેરીઓ સુધી પહોંચી જતી અને મૂળ સુધારાના મુદ્દાને ભૂલી માત્ર પોતાના જ હક ને તકની વાત કરતા આંદોલનો કામચલાઉ નીવડે, અને સમાનતા, શ્રેષ્ઠતા - સહજતા - લવ, પીસ જોય ના ન્યાયની ક્રાંતિ કાયમી નીવડે !

ઝીંગ થીંગ

'તમારી આસપાસના કાળખંડ સાથે જીવો, પણ એનું રમકડું ન બનો !'
(ફ્રેડરિક શીલર)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments