Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય સંગીતનાં ઐતિહાસિક અને વૈવિધ્યપૂર્ણ ઘરાના

દુનિયાનાં સાત મહાસાગરોમાં છે એેનાથી પણ વધુ ઊંડાણ ભારતીય સંગીતમાં છે

સામવેદની ઋચાઓમાંથી પ્રગટેલા ભારતીય સંગીતનો દિવ્ય વારસો અઢી ત્રણ હજાર વર્ષ પુરાણો અને તેથી જ અત્યંત સમૃદ્ધ છે. પાશ્ચાત્ય સંગીતના ધુરંધર સંગીતજ્ઞા યહૂદી મેન્યુહીને કહેલું કે દુનિયાનાં સાત મહાસાગરોમાં છે એેનાથી પણ વધુ ઊંડાણ ભારતીય સંગીતમાં છે. દેશના જુદા જુદા પ્રદેશો અને જુદી જુદી સંસ્કૃતિ વચ્ચે પાંગરેલા સંગીતના સાધકોમાં પણ તેથી જ પ્રાદેશિક ખૂબી-ખામીઓ વિકસિત થઇ હતી. ભારતીય સંગીત ગુરુમુખ વિદ્યા છે એટલે કે ગુરુની સામે બેસીને અભ્યાસ કરવો પડે.

ઋષિતુલ્ય અને સંગીતને સમર્પિત એવા ગુરુઓ દ્વારા જે પરંપરા શરૃ થઇ એ ઘરાના તરીકે ઓળખાઇ. સ્વરલગાવ કે સ્વરફેંક, ગીતના શબ્દોને લાડ લડાવવાની પદ્ધતિ અને ગીતના શબ્દોને અટપટી લયકારીમાં રજૂ કરવાની પણ દરેક ઘરાનાની ખાસિયતો હોય છે. અમદાવાદમાં હાલ જગપ્રસિદ્ધ સપ્તક સંસ્થાનો તેર દિવસનો સંગીત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભારતીય સંગીતના ઘરાના વિશેની સામગ્રી પ્રાસંગિક થઇ પડશે

ભારતીય સંગીતના ત્રણ મુખ્ય અંગો છે- ગાયન વાદન અને નૃત્ય. એક સમયે એેમ કહેવાતું કે ઉત્તમ ગાના, મધ્યમ બજાના ઔર કનિષ્ઠ નાચના. જો કે આજે સંગીતના ત્રણે અંગોનું મહત્ત્વ લગભગ સમાન થઇ ગયું છે. આમ છતાં આજે પણ ગાયકીના ઘરાનાનો ઉલ્લેખ વધુ આદરપૂર્વક થતો રહ્યો છે. આ ત્રણે અંગોના પોતપોતાના આગવા ઘરાના છે.

મુખ્ય ચર્ચા પણ ગાયકી અને વાદનના વિવિધ ઘરાનાની થાય છે. ગાયનના મુખ્ય દસથી બાર ઘરાના નોંધાયા છે, જે આ પ્રમાણે છે- આગ્રા ઘરાના, બનારસ ઘરાના, ભીંડીબજાર ઘરાના, ગ્વાલિયર ઘરાના, દિલ્હી ઘરાના, ઇન્દોર ઘરાના, મેવાતી ઘરાના, કિરાના ઘરાના, જયપુર અતરૌલી ઘરાના, પતિયાલા ઘરાના અને રામપુર સહસ્વાન ઘરાના.

કેટલાક કલાકારો એવા પણ પાક્યા જેમણે પોતાની આગવી ગાયનશૈલી વિકસાવી. દાખલા તરીકે કુમાર ગંધર્વ. એક અભિપ્રાય મુજબ કુમારજીને નાની વયમાં કોઇ ગંભીર બીમારી થતાં એમનાં ફેફસાં ચાળણી જેવાં થઇ ગયેલાં. એ સાજા થવા માટે સૂકી હવા ધરાવતા મહારાષ્ટ્રના મીરજ વિસ્તારમાં જઇ વસ્યા. સાજા તો થયા પરંતુ એમની ગાયકીની એક મર્યાદા આવી ગઇ.

એ લાંબા કે ઊંડા શ્વાસ લઇ શકતા નહીં. એટલે જબરદસ્ત તપસ્યા દ્વારા તેમણે ટૂંકી ટૂંકી સૂરાવલિ લઇને ગાવાની પોતાની આગવી શૈલી વિકસાવી. યોગાનુયોગે એમની સ્વરફેંક (સ્વરલગાવ)ની ખૂબી ગરવા ગુજરાતી પંડિત ઓમકારનાથ ઠાકુરના ગાયન પરથી કુમાર ગંધર્વે વિકસાવી હતી.

લતાજી અને રફીને ગીતના ૫૦૦ રૃા. મળતા ત્યારે બડે ગુલામ અલી પચાસ હજાર વસૂલતા

આજના ટોચના ગાયકો પંડિત રાજન સાજન મિશ્રાએ ૧૯૮૩-૮૪માં આવેલી ગિરીશ કર્નાડ અને જયાપ્રદાને ચમકાવતી ફિલ્મ સૂરસંગમનાં તમામ ગીતો ગાયાં હતાં તો ઉસ્તાદ અમીર ખાને શબાબ, બૈજુ બાવરા, ઝનક ઝનક પાયલ બાજે અને ગૂંજ ઊઠી શહનાઇ જેવી ફિલ્મોમાં કંઠ ઊછીનો આપેલો. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને કે આસિફની યાદગાર ફિલ્મ મુુઘલે આઝમમાં બે ગીતો ગાયાં હતાં ૧૯૫૦ના દાયકામાં જ્યારે લતાજી અને મુહમ્મદ રફીને એક ગીત ગાવાના ૪૦૦-૫૦૦ રૃપિયા મળતા ત્યારે બડે ગુલામ અલીએ બે ગીત ગાવાના પચાસ હજાર પચાસ રૃપિયા વસૂલ કર્યા હતા.

બે ટોચની ગાયિકાઓ અનુરાધા પૌડવાલ અને સાધના સરગમ મેવાતી ઘરાનાના પંડિત જસરાજજીની શિષ્યા છે. તો સોનુ નિગમ અને એ આર રહેમાન રામપુર સહસવાન ઘરાનાના ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના શિષ્ય છે. બાંસુરી વાદક પંડિત પન્નાલાલ ઘોષે મુઘલે આઝમ જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં બાંસુરી છેડી હતી એ જ રીતે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ લગભગ હજારેક ફિલ્મોમાં બાંસુરી છેડી છે.

સિતારવાદક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફરખાન અને ઉસ્તાદ રઇસ ખાને પાંચસોથી વધુ હિટ ગીતોમાં સિતારના તાર રણકાવ્યા હતા. પંડિત શિવકુમાર શર્માએ બારસોથી પંદરસો ફિલ્મોમાં સંતુરનો ઝંકાર કર્યો છે. પંડિત સામતા પ્રસાદે અસંખ્ય ફિલ્મોના શાસ્ત્રીય રાગ આધારિત ગીતોમાં તબલાંનો સાથ આપ્યો હતો. આમ ફિલ્મ સંગીત અને શાસ્ત્રીય સંગીત એક પરિવારના ભાઇ-બહેન જેવાં બની રહ્યાં હતાં.

ઘરાના એટલે શું?

ઘરાના શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગૃહ પરથી બનેલા ઘરમાંથી પ્રગટયો છે. ગુરુના ઘરમાં સતત રહીને તેમની સેવા કરીને જે સંગીત પ્રાપ્ત થાય એને ગુરુ-શિષ્ય પરંપરા અથવા ઘરાના કહેવાય. ઉત્તર ભારતીય સંગીતમાં જેને ઘરાના કહે છે એને દક્ષિણ ભારતીય (કર્ણાટક સંગીત)માં સંપ્રદાય કહે છે.

દેશના ખૂણે ખૂણે એવા ઋષિતુલ્ય ગુરુએા વસેલા હોવાથી જે તે પ્રદેશનું નામ ત્યાંની ગુરુ-શિષ્ય પરંપરા સાથે જોડાઇ ગયું. દાખલા તરીકે જયપુર અતરૌલી ઘરાના કે પતિયાલા ઘરાના. એનો અર્થ એટલો જે આ પરંપરા જયપુર અતરૌલી કે પતિયાલાના ગુરુ દ્વારા શરૃ થઇ.

ઘરાનાનો ઇતિહાસ

ભારતીય સંગીતના ભીષ્મપિતામહ કહેવાય એવા સ્વામી હરિદાસજીના વિશ્વપ્રસિદ્ધ શિષ્ય તાનસેનથી ઘરાના શરૃ થયા એમ કહી શકાય. તાનસેનના વારસદારો-વંશજો સેનિયા ઘરાનાના સાધકો તરીકે ઓળખાય છે. પરંતુ ઘરાના શબ્દના વપરાશની દ્રષ્ટિએ જોઇએ તો મધ્ય પ્રદેશના ગ્વાલિયર રજવાડાને હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયકીની આદ્યપીઠ તરીકે ઓળખવું પડે.

ગ્વાલિયરના રાજા માનસિંહ તોમરથી ઘરાના શબ્દનો વપરાશ શરૃ થયો અને ધીમે ધીમે એક પછી એક બારેક ઘરાના જે તે પ્રદેશના નામથી ઓળખાતા થયા. હકીકતોની દ્રષ્ટિએ જુઓ તો તાનસેન અને એના ગુરુ સ્વામી હરિદાસ પણ ગ્વાલિયરમાં જન્મ્યા હતા. પાછળથી સ્વામી હરિદાસ વૃંદાવન જઇ વસ્યા અને તાનસેન શહેનશાહ અકબરના દરબારમાં રાજગાયક તરીકે જોડાયો.
 

Post Comments