Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

વતન અને વિદેશ  :  ગ્લોબલ ગુજરાત, ભાતીગળ ભારત, વાયબ્રન્ટ વિશ્વ !

જગતમાં કુદકે ને ભૂસકે એવા લોકો વધતા જાય છે, જે વતનથી દૂર રહે છે અને એમના પછીની જનરેશન માટે વતન દેશની બહાર વિદેશનું જ કોઈ નવું સ્થળ હશે અને એમની પછીની પેઢી વળી ક્યાંક બીજે જ રહેવા જશે!

વતન એટલે શું? જ્યાં વડવાઓ રહ્યા તે? જ્યાં આપણે જન્મ્યા તે? કે ઉછેરનો મોટો ભાગ જ્યાં પસાર થયો તે? કે મોટા થયા પછી સૌથી વધુ જે જગ્યાએ રહ્યા તે?

હોમટાઉન એટલે ?
જ્યાં ટાઉન ઓછું અને હોમ વધારે હોય એવી જગ્યા !
આ સીઝન છે એનઆરઆઈઓની સ્વદેશ ફરવાની. પશ્ચિમના દેશોમાં બરફ પડવાને કારણે હીટર ચાલુ રાખી ઢબુરાઇને વીજળીનું બીલ ખર્ચવા કરતાં ટીકીટ ખર્ચીને વતન આવવું સહેલું પડે. અહીં ગુલાબી ઠંડી હોય અને જુના દોસ્તો સ્નેહીઓને મળી શકાય, લગ્નના કાર્યક્રમોમાં મ્હાલી શકાય અને ઉત્સવો ઉજવી ફરી ઘરભેગા !

પણ ઘર કયું ? એ નાના ગામડામાં વડીલોનું વ્હાલ સાચવીને બેઠું એ ? કે પછી પરદેશમાં કે પરપ્રાંતના મહાનગરમાં બાળકોની ધીંગામસ્તીનું પ્લેગ્રાઉન્ડ બન્યું છે એ ? ટફ ક્વેશ્ચન. અંગ્રેજીમાં નેટિવલેન્ડ કહેવાય એવા વતન માટે કાબુલીવાલા ફિલ્મના પ્રેમ ધવને લખેલું ગીત કાલાતીત યાને ટાઈમલેસ છે  :  તેરે દામન સે જો આયે, ઉન હવાઓં કો સલામ.. ચૂમ લૂં મૈં ઉસ જુબાં કો, જિસ પે આયે તેરા નામ... સબ સે પ્યારી સુબહા તૈરી, સબ સે રંગી તેરી શામ ! અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન... તુઝ પે દિલ કુરબાન ! આવી ફીલિંગની ભરતી ઊઠે એટલે એનું રિફ્લેકશન દિલ દિયા હે જાં ભી દેંગે, અય વતન તેરે લિયેમાં આવે જ ને !

ગાલિબની એક યાદગાર રચના કૈંક આવી છે  :  કફ્સ મેં રુદાદે ચમન કહેતે ન ડર હમદમ, ગીરી કલ બીજલી જિસ પર, વો મેરા આશિયાં ક્યોં હો ? એક પંખી વતનથી દૂર વતનથી દૂર પિંજરામાં કેદ છે. અને પારધી બીજું પંખી એમાં પકડેલું દાખલ કરે છે, ત્યારે પહેલું નવા કેદ પકડાયેલા બીજાને પોતાના વતનના હાલચાલ પૂછે છે. અને કહે છે કે ગભરા નહિ, મને બધું બયાન કર.. ગઇ કાલે વીજળી પડી હતી એ મને ખબર છે, પણ હું શા માટે નિરાશામાં એવું નકારાત્મક ધારી લઉં કે એ મારા ઘર પર જ પડી હશે ? વતન ખાક થયા પછી પણ એનાથી દૂર એવા એ હકીકતથી અનજાન ઇન્સાનની યાદોમાં તો અકબંધ જ હોય છે ! આદિલ મન્સૂરીની જેમ પછી મળે ન મળે એ જોવા, તો ય પણ સ્મૃતિપટ પર તો રોજ રિપ્લે થાય જ છે.

શું છે વતન ? ગૂગલ મેપમાં જીપીએસથી દેખાતું લોકેશન ? પાસપોર્ટમાં કેપિટલ લેટર્સમાં ટાઈપ થયેલું બર્થપ્લેસ ? ના. એ છે સવારમાં સંભળાતો પક્ષીઓના ટહુકાનો કલરવ. એ છે તળાવની પાળે પાણી પરથી આવતી ઠંડી હવામાં માણેલી શિંગચણાની દોસ્તીની હૂંફ. એ છે કે પતંગના દોરા લપેટવા પગમાં કાંકરા ભોંકાતા હોય તો ય નજર આસમાનમાં ઊંચી રાખીને માંડેલી દોટ. એ વડવાઈની ડાળેથી નદીના પટમાં મારેલો ભૂસકો. બધી ગલીકૂંચીઓમાં શોર્ટકટ્સની એવી ઓળખાણ કે મન વિચારોમાં પરોવાયેલું હોય તો ચરણ એક્ટીવેટ થઇને પહોંચાડી દે !

વતન એવી જગ્યા છે જ્યાં ભાગ્યે જ ભૂલા પડવાનું થાય. જ્યાં નાસ્તાની રેંકડીઓ ફાઈવસ્ટાર રેસ્ટોરાં જેવી લાગે. જ્યાં એવી વાનગીઓ મળે જેનો સ્વાદ પેકેટમાં ખોવાઇ જાય પછી ફાફડા હોય કે દાળવડા, પોંક હોય કે પેટીસ. જ્યાં આરતીથી આઝાન સુધીના અવાજોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરાઉન્ડ સાઉન્ડમાં વાગતું હોય. અને વતન એ જગ્યા છે જ્યાં આપણને બધાજ ઓળખે ! જૂતાં સીવનારાથી વાળ કાપવાવાળા સુધીના ! શાકવાળો ઉધાર રાખે અને શિક્ષકો ઉદાર રહે ! એટલે એક પ્રકારનું સ્ટારડમ મહેસૂસ થાય ! ખુદના વતનમાં બધા સેલિબ્રિટી સ્ટેટસ જ ભોગવે.

વતન એટલે ડેલોટોડલોખાટલોપાટલો. વતન એટલે ચબૂતરો. વતન એટલે કોલસાથી દીવાલ પર સ્ટમ્પ ચીતરીને વગર વિકેટકીપરે રમાતું ક્રિકેટ. વતન એટલે વગડાની વાત પર મળી જતી બોરડી. વતન એટલે ટીંબા પર વીર વિક્રમ થઇને બેસવાનું રજવાડું. વતન એ ધૂળમાં ઉઠતી ચપ્પલના ઘસાયેલા સોલની છાપ ! વતન એટલે પાડોશીના ઘેર મુકાતી ઘરની ચાવી. વતન એટલે બાના જૂના સાડલા ગોદડું થઇ વીંટળાઇ વળે વધતી ઉંમરે એ ! વતન એટલે લાયબ્રેરીનું ચૂંથાયેલું કાર્ડ અને ઝીણા અક્ષરે ખીંચોખીંચ ઈંચેઇંચ ભરાતું પોસ્ટકાર્ડ.

વતન એટલે પતરાંના કમ્પાસમાં પડેલી પ્લાસ્ટિકની ખૂણો તૂટેલી ફૂટપટ્ટી. વતન એટલે નળ પરની દોરી બાંધી બેસાડેલી ડટ્ટી. વતન એટલે શેરીમાં પડતો ભંગારવાળાનો બુલંદ સાદ. વતન એટલે નાકું તૂટી ગયેલી શાકની મેલી થેલી. વતન એટલે દીવાલ પર ઝાંખા પડેલા કંકુના થાપા અને લટકતાં જ સૂકાઇ ગયેલું આસોપાલવનું તોરણ. વતન એટલે શેડયકઢું ફીણવાળું દૂધ. વતન એટલે મંદિરના ઓટલે મળતી ટોપરાંની પ્રસાદીની શેષ. વતન એટલે પાણી ફરતે ઘાટના કાળાભૂખરાબદામી પથ્થર પર ઝીંકાતા કપડાંમાંથી ઉડતા પાણીનાં છાંટામાંથી દેખાતું રંગબેરંગી મેઘધનુષ ! વતન એટલે દાદાનો ખોળો અને પેન્સિલ છોલતાં પોતે જ છોલાઈ ગયેલો સંચો ! વતન એટલે બાળપણ. વતન એટલે કુટુંબકબીલો. વતન એટલે હાશ. વતન એ જ નિરાંત !

વતનની વાતો લખવામાં માહેર એવા વિશ્વનાગરિક અનુપમ બુચ ખોવાતા જતાં પાણીયારાંનું કેવું વર્ણન કરે છે, એ ય નવા પરિવર્તન બાબતે લેશમાત્ર ડંખ રાખ્યા વિના - એ એમના જ શબ્દોમાં વાંચો  :  ''ગજારના ખૂણામાં માટલું અને એની બાજુમાં પિત્તળના ચકચકિત બેડાંથી શોભતું પાણીયારું એટલે ઘરમાં ઠાકોરજી પછી બીજી પવિત્ર જગ્યા. ઘણાં ઘરોમાં રોજ સવારે પાણિયારે અને સાંજે તુલસી ક્યારે દિવો મૂકવાનો રિવાજ. રોજ પાણીયારું ખળખળાટ ધોવાય, રોજ 'ગોળા' વિછળાય, રોજ સફેદ ગરણાથી ગાળેલું તાજું પાણી ભરાય, રોજ એના ગૂમ્બજ આકારના ઢાંકણ અને દિવાલ પર ટીંગાતો 'ડોયો' રાખથી ઘસાય. પાણી ટાંકાનું હોય કે કૂવાનું, નળનું હોય કે ગાગરનું, પાણીયારે પહોંચે પછી ઈ 'ગંગાજળ' બને.

ગીરના જંગલમાં કે રણમાં, શહેરમાં કે ગામડામાં, પાણિયારું ન હોય તો ઘરને 'ઘર' કેમ કહેવાય ? દુનિયાનું એક માત્ર 'ખૂલ્લું ફ્રીઝ' એટલે પાણિયારું. તરબૂચ-ટેટી, નાળિયેર કે ફૂલની પાતરી બજારાંથી સીધાં જ પાણીયારે મૂકાઇ જાય. હવે પાણીયારાંની ઓળખ બદલાતી જાય છે. ક્યાંક એ ફ્રીઝના ડોર પાછળ શીશાઓમાં સંતાયું છે, ક્યાંક 'એકવા' થઇને દીવાલ રૃપાળી કરે છે, ક્યાંક 'આરઓ' બનીને રોફ મારે છે, પરદેશમાં પેટ્રોલથી મોંઘું બોટલનું પાણી અથવા નળમાંથી સીધું પીવાય છે. ગમે તે કહો, પાણીયારાં ધીમે ધીમે તુટતાં જાય છે, પાણી પાછળ પાણીની જેમ પૈસા વેડફાય છે ત્યારે આંખમાં પાણી આવે છે. 'ડોયા'માં અધ્ધરથી પાણીના ઘુંટડા ભરવાની લહેજ્જત આવતે ભવ લેશું, બીજું શું ?''

પાણીયારું શું, વતનનો તો દુશ્મન પણ વ્હાલો લાગે એ થીમ પર તો ફ્રાન્સમાં ય વાર્તાઓ લખાઇ ગઇ છે. કારણ કે, અજાણી જગ્યાએ અજાણ્યા લોકો અને રહેણીકરણી વચ્ચે હંમેશા માઈનોરિટી સ્ટેટસ ફીલ થતું હોય છે. વતન પણ ત્રણ પ્રકારના હોય છે. કેટેગરી સી વતન એટલે વડવાઓ જ્યાં રહેતા હોય એ ખાનદાની વતન. જેમ કે, આ લેખકડા માટે જૂનાગઢ. કેટેગરી બી વતન એટલે જન્મસ્થળ, અપુન કે લિયે ભાવનગર. કેટેગરી એ વતન એટલે જ્યાં ઉછેર થયો હોય. શરૃઆતનું શિક્ષણ મળ્યું હોય, છોકરાની મૂછે દોરા અને છોકરીની છાતીએ ઊભાર ઉપસ્યો હોય એ વાતાવરણનું, ગલીઓમાં રખડપટ્ટી અને બેંચ પર પરિકરની અણીએ નિશાનો છોડી જવાનું ધામ. શૈશવ એટલે યૌવન સાથે વણાઈગૂંથાંઈ  ગયેલું લોકેશન.  બંદા માટે ગોંડલ.

જરૃરી નથી કે વતન દેશી ગામડામાં જ હોય. એ મુંબઈ-ચેન્નઈ-દિલ્હી-કોલકાત્તા-હૈદરાબાદ-બેન્ગાલુર-લખનૌ- ભોપાલ-જયપુર-ચંદીગઢ જેવું કોઇ સિટી પણ હોઇ શકે. દાર્જીલિંગ-દહેરાદૂન-મસૂરી-મનાલી જેવી કોઇ હિલ સ્ટેશન પણ હોઇ શકે ! સ્ત્રી માટે જેમ માવતર હોય એમ પુરુષને પણ પોતાનું પિયર હોય છે ! બકૌલ ચંદ્રકાંત બક્ષી, પુરુષનું પિયર એનું વતન ગામ શહેર નગર હોય છે !
    
સિદ્ધાર્થ પિકો રાઘવન અય્યર. ભારતીય મા-બાપને ત્યાં જન્મેલા ઈન્ડિયન ઓરીજીનના લેખકનું જન્મસ્થળ બ્રિટનનું ઓક્સફર્ડ છે. ટ્રાવેલ એસેઝ માટે એ જગવિખ્યાત થયા પિકો અય્યરના નામથી. પારિવારિક ઘર અમેરિકામાં હતું એ બળી ગયું આગમાં. અત્યારે જાપાનીઝ પત્ની સાથે જાપાનમાં રહે છે. 'વ્હેર ઈઝ ધ હોમ' એમની બહુ વખણાયેલી ટેડ ટોક છે. પ્રવાસી ભારતીય દિવસ અને વાયબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ ઉજવણીના નગારે ઘા પડી રહ્યા છે, અને દેશ પરદેશના મહેમાનો આપણા આંગણે વિહરી રહ્યા છે, ત્યારે અય્યરસાહેબની વાતો મમળાવવા જેવી  છે.

એ કહે છે કે, હું ભારતીય છું પણ ભારતમાં હજારો બોલીઓ છે એ બોલી શકતો નથી. મારા પૂર્વજોની બ્લડલાઇન ઈન્ડિયન હોવા છતાં જીવનનો એક દિવસ પણ મેં ત્યાં વીતાવ્યો નથી. જગતમાં અંદાજે ૨૨ કરોડ લોકો (હવે તો એમાં ય ચોક્કસ વધારો થઇ ગયો હશે !) એવા છે કે જે પોતાના વતનથી દૂર સાવ પારકી જગ્યાને જ વતન બનાવીને રહે છે,

આજીવન લાઈફટાઈમ! આ કોઈ વિરાટ દેશ જેવડો આંકડો છે. આ લોકોનો જુદો દેશ બનાવો તો એ જગતમાં વસતિની દ્રષ્ટિએ ચીન, ભારત, ઈન્ડોનેશિયા, અમેરિકા પછી પાંચમાં નંબરનો દેશ થાય! અને ઓસ્ટ્રેલિયા અને કેનેડાની આખેઆખી વસતિ એક નહિ, પણ બબ્બે વાર એમાં પ્લસ કરો તો ય એ આંકડો નાનો થાય! યાને જગતમાં કુદકે ને ભૂસકે એવા લોકો વધતા જાય છે, જે વતનથી દૂર રહે છે અને એમના પછીની જનરેશન માટે વતન દેશની બહાર વિદેશનું જ કોઈ નવું સ્થળ હશે અને એમની પછીની પેઢી વળી ક્યાંક બીજે જ રહેવા જશે! ગ્લોબલાઈઝેશન અને ટ્રાન્સપોર્ટેશન-કોમ્યુનિકેશનનાં બ્લાસ્ટ પછી તમે ક્યાંથી આવ્યા એ પ્રશ્ન બહુ મહત્વનો રહ્યો નથી. ભારતની સંસદમાં ચૂંટાતા ઈટાલિયન સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હોય, જેના પારસી પતિ વડાપ્રધાન થયા હોય! નરેન્દ્ર મોદી વડનગરમાં મોટા થયા પણ આજે વડાપ્રધાન તરીકે બનારસનું પ્રતિનિધિત્વ સંસદમાં કરે છે! મહાત્મા ગાંધી નામનો ફૂટબોલ પ્લેયર બ્રાઝિલમાં છે!

સાદિક ખાન લંડનના મેયર થઈ જાય ને હાફ કેન્યન બરાક ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ! કેનેડાના સંરક્ષણમંત્રી શીખ હોય અને ફેસબૂક વોટ્સએપના યહૂદી માલિક માર્ક ઝુકરબર્ગની વાઈફ પ્રિસિલા ચાઈનીઝ હોય! માર્ક ઈઝરાયેલમાં મોટો નથી થયો અને પ્રિસિલા એશિયામાં ઉછરી નથી. ઇન ફેક્ટ, કોઈ મોંગોલિયન સાથે એને કદાચ અમેરિકન જેવું ફાવે નહિ અને માર્ક ઇઝરાયેલના કોઈ રબી સાથે કનેક્ટ થઈ શકે નહિ. ઝપાટાબંધ મુળિયાવાળી ઓળખ ટેકનોલોજીના ડિજિટલ યુગમાં ભૂંસાવા લાગી છે. ઘણીવાર બહાર મોટા થયા બાદ માત્ર વાતો સાંભળીને વતનની મુલાકાત લો તો ટુરિસ્ટ જેવું જ લાગે છે. પોતીકાપણાની કોઈ ફિલીંગ આવે નહીં એ સ્વાભાવિક છે.

આફ્રિકા ગયેલા વણિક હોય કે યુરોપ રહેતા પટેલ હોય, ફર્સ્ટ જનરેશન ઓફ ઈમીગ્રન્ટસ કન્ફ્યુઝ્ડ હોય છે. બે ઓપોઝિટ નહી, તો ય ડીફરન્ટ કલ્ચર વચ્ચે પોતે પીસાય છે. ક્રિકેટ જોઈ મોટા થયા ને બાસ્કેટબોલ માટે એમને ઉમળકો જાગતો નથી. ભારત બદલાઈ ગયું હોય પણ અમુક એનઆરઆઈ મિત્રો એમણે છોડયું એ કોલેજકાળમાં જ ફ્રીઝ થઈ ગયા હોય.

એના કરતા વધુ હોલીવૂડ મૂવીઝ જોનારા અને પોપ મ્યુઝિક પર ડોલનારા આપણે ત્યાં મળે. પિઝા ઈટાલીનો નથી રહ્યો, ચોકલેટ સ્વીસ નથી રહી. ફોરેનમાં પેદા થતી ભારતીય નવી પેઢીના વડીલો પરાણે પોતાનું બધું કલ્ચર ટ્રાન્સફર કરવાની કોશિશ કરે છે, પણ જે વખતે એમણે કે એમના વડવાઓએ વધુ કમાણી કે કમ્ફર્ટ માટે પરદેશનું સિલેક્શન કર્યું એ મિનિટે જ એમની ભાવિ પેઢી માટે વતનનું લોકેશન પણ ટ્રાન્સફર થઈ ગયું! અને પેરન્ટસનું કલ્ચર સેકન્ડરી, ફ્રેન્ડસનું કલ્ચર પ્રાઈમરી થઈ ગયું!

વતન સે ચિઠ્ઠી આઈ હૈ ના ગીતો તો હવે વતનમાં પણ આઉટડેટેડ થવા લાગ્યા છે. કાળના તાવડામાં નવા ઘાણવા ઉતરતા જાય છે. એક સમયે ભારતીય સેનાના વડાનું વતન પાકિસ્તાનમાં હતું અને પાકિસ્તાની આર્મીના ચીફનું વતન ભારતમાં! વિશ્વભરની ક્રિકેટ ટીમોમાં વખતોવખત આ ચેન્જ ઝળકી જાય છે,

બદલાતા વતન અને બદલાતી નેશનાલીટીનો. ઈંગ્લેન્ડમાં રહેતા ભારતીય પરિવારના ત્યાં જ જન્મેલા અને ભણેલા, ત્યાંના બોર્ન સિટીઝન અને માતૃ નહિ પણ મોસાળની ભાષા પણ વાંચી ન વાંચી શકતા ટીનએજર સંતાનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં કયા દેશનો ઝંડો ફરકાવે? ભારતનો કે ઈંગ્લેન્ડનો? આપણી જનતાના એક જડસુ પુરાતનવાદી વર્ગને આવા પેચીદા યાને કોમ્પ્લેક્સ સવાલો સમજાતા નથી!

મોરબીથી મોમ્બાસા ગયેલ કોઈ ગુજરાતીનો છોકરો ત્યાં આવેલી ફિલીપાઈન્સની છોકરીના પ્રેમમાં પડીને પરણે, અને એની દીકરી વળી પંજાબથી કેનેડા ગયેલ છોકરો, જે ફ્રેંચ છોકરીને પરણ્યો હોય એના દીકરાના પ્રેમમાં પડે અને એ યુગલનો દીકરો કોઈ મસ્કતના મુસ્લિમ પિતા અને વેનેઝુએલાની હાફ આફ્રિકન-હાફ સ્પેનિશ માતાને ત્યાં જન્મેલી દિકરીને પરણે તો એમને જે ટ્વીન્સ થાય એનું અસલી વતન કયું છે? છે ને વિક્રમ-વૈતાલનો ૨૦૧૭ની સાલનો વાયબ્રન્ટ ભેજાફ્રાય સવાલ? જે આવતીકાલની જ નહિ વર્તમાનની ય વાસ્તવિકતા છે! ક્યાંથી આવ્યા કરતા મહત્વનો સવાલ ક્યાં જવાના એ થઈ ગયો!

વતન એટલે શું? જ્યાં વડવાઓ રહ્યા તે? જ્યાં આપણે જન્મ્યા તે? કે ઉછેરનો મોટો ભાગ જ્યાં પસાર થયો તે? કે મોટા થયા પછી સૌથી વધુ જે જગ્યાએ રહ્યા તે? પિકો અય્યરનું અચાનક વર્ષો જુનું પારિવારિક મકાન ખાખ થઈ ગયું ત્યારે મિત્રને ઘેર પહેર્યે કપડે સુવા જવું પડયું ને ટૂથબ્રશ પણ રાતના સુપરમાર્કેટમાંથી લેવું પડયું. બધી જ યાદગીરીઓ અને વસ્તુઓ ભસ્મીભૂત થઈ ગઈ!

હવે? વતન તો ઠીક જ ઘર જ ન રહ્યું યાદો સિવાય. અને યાદો ય પોતાના પુરતી. પોતે જીવે ત્યાં સુધી. ભવિષ્યના ગ્રાન્ડચિલ્ડ્રનને તો એ જોવા પણ નહિ મળે! અને એટલે વતન એ અસ્તિત્વવાદી સવાલ અને ફોરએવર ફ્લેક્સીબલ જવાબ રહી ગયો! વતનના ઘણા ઘર આજે ઘણાના વેચાઈ ગયા હશે, પડીને શોપિંગ કોમ્પલેક્સમાં ફેરવાઈ ગયા હશે. રોડના નકશા અને ગામની વસતિના ડેમોગ્રાફિક ડેટા ફરી ગયા હશે. ત્યારે ઘર ક્યાં રહ્યું? વતન કોને કહેવું? પીસ ઓફ સોઇલ (જમીન) કે પીસ ઓફ સોલ (આત્મા)?

આપણા પૂર્વજોએ જ્ઞાાતિ-સમાજ-નગર બનાવ્યા કારણ કે એ બહુ બહાર ફરી શકે એવા સંજોગો નહોતા. આપણે બહાર નીકળતા થયા. પણ ગમે એટલા બહાર જાવ, હરીફરીને એક ઘર પર પાછા આવવાનું છે. વતન માત્ર જન્મભૂમિ જ નથી. એ એવું સ્થળ છે જ્યાં શ્વાસ પહેલો લીધો હોય એમ છેલ્લો લેવાનું પણ મન થાય. માણસ દુનિયાના કોઈ પણ ખૂણે જાય, અરે અવકાશયાત્રી બને તો ય એની ભીતર તો પોતાના વતનને લઈને ચાલે છે. જ્યાં આપણે વાશુ સમય રહ્યા એ જ વતન હોય એવું જરૃરી નથી. હોમલેન્ડ એ છે જે આપણી અંદર રહે! જે કોઈ કાનૂની કાગળની મોહતાજ નથી.
વતન એ સ્થળ નથી, સ્મૃતિ છે!

ઝિંગ થિંગ
દરેક માણસની પાસે દિલના આકારનો એક નકશો હોય છે, પોતાના દેશનો. જગત ઘૂમી લીધા પછી પણ એ ભૂંસાતો નથી. વતન સોહામણું જ હોય એ જરૃરી નથી. ગન્દુગોબરું ને અળખામણું પણ હોય. ત્યાં મીઠાશ ને બદલે કડવાશ પણ મળી હોય. પણ માના ચહેરાની કરચલીઓ એની સુંદરતા ઘટાડતી નથી. વતનમાં જે ખૂટે છે, એ રંગો એના ઝૂરાપામાંથી ટપકતો પ્રેમ પૂરી દે છે.

Post Comments