Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ-જયદેવ પટેલ

આત્મહત્યા કરવા મજબૂર બનાવનાર શાળાના આચાર્ય, ટ્રસ્ટી મંડળના આગેવાન અને હોસ્ટેલના રેકટર ગુનેગાર ઠર્યા

'ચોર' ના કલંકથી ભયભીત વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લીધો...!!

મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાની એક શાળાનો ચકચાર મચાવનાર કેસ
વિદ્યાર્થીના મોતનો ચોક્કસ સમય છૂપાવવા આરોપીઓએ બનાવટ કર્યાની ચૂકાદામાં ગંભીર નોંધ લેવાઇ

ત્રણેય આરોપીને અદાલતે દસ-દસ વર્ષની સાદી કેદ અને રૃ. ૪૦-૪૦ હજારનો દંડ ફટકાર્યો

(ભાગ : ૨)

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેની આદર્શ વિદ્યાલય નામની શિક્ષણ સંસ્થામાં ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યસ કરતાં અને શાળા સંકુલમાં આવેલ છાત્રાલયમાં રહેતા મિલન મનુપ્રસાદ પટેલ નામના અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગીય પરિવાર માટે આશાસ્પદ એવા દીકરાએ છાત્રાલયના તેના રૃમનો દરવાજો અંદરથી બંધ કરીને સીલીંગ ફેનના હુક સાથે દોરઢું બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આજથી સાતેક વર્ષ પૂર્વે એક વિદ્યાર્થીની આત્મહત્યાની આ ઘટનાએ ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શૈક્ષણિક વર્તુળમાં ભારે ચકચાર મચાવી મૂકી હતી.

શાળાના આચાર્ય તથા ટ્રસ્ટી મંડળના આગેવાન અને છાત્રાલયના રેકટર (ગૃહપતિ) વગેરેએ મિલનના કપાળ ઉપર 'ચોર...! ચોર...!! ચોર...!!!' લગાયેલ કલંકના કાળા ટીકા સાથે તેને શાળામાંથી હાંકી કાઢવાની આપેલી ધમકીથી ગભરાઈ ગયેલા આ વિદ્યાર્થીએ તા. ૭-૯-૨૦૧૧ના દિવસે ગળાફાંસો ખાઈને જીવતર ટૂંકાવી લીધું હતું. પોતાના વહાલસોયા તથા ભવિષ્યમાં પરિવાર માટે સહારો બની રહેનાર પુત્રના આવા અંતિમ પગલાથી દુ:ખી-દુ:ખી બની ગયેલા પિતા મનુપ્રસાદ વીરાભાઈ પટેલે ત્યારે લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં શિક્ષણ સંસ્થાના મહાનુભાવોએ પોતાના પુત્રને આપઘાત કરવા માટે મજબૂર બનાવ્યાનો આક્ષેપ કર્યો હતો. લુણાવાડા પોલીસે આ ફરિયાદના આધારે ઇ.પી.કો. કલમ ૩૦૬ તથા ૧૧૪ હેઠળ ગૂનો દાખલ કરીને પ્રાથમિક તપાસ શરૃ કરી હતી.

આ ફરિયાદમાં આરોપીઓ તરીકે (૧) કીરીટભાઈ ભવાનીશંકર પંડયા (૨) દિલીપભાઈ મણીલાલ પટેલ (૩) નરેન્દ્રકુમાર જગન્નાથ જોશી અને (૪) ગીતાબેન હરગોવિંદદાસ ઉપાધ્યાયના નામો દર્શાવવામાં આવ્યા હતા.  આરોપીઓ તરીકે આદર્શ વિદ્યાલય શિક્ષણ સંસ્થાના મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી આપઘાતની આ ઘટના ઔર ચર્ચાસ્પદ બની ગઈ હતી.

દરમ્યાન આ ફરિયાદ ગેરકાયદેસર અને રદબાતલ કરાવવાની દાદ માંગતી અરજી આરોપી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જો કે હાઈકોર્ટના તત્કાલીન ન્યાયમુર્તિ શ્રીએસ.આર.બ્રહ્મભટ્ટે આ અરજીની આખરી સુનાવણી દરમ્યાન બન્ને પક્ષો દ્વારા રજુ થયેલી વિસ્તૃત દલીલો તથા ગૂનો પૂરવાર કરવામાં આધાર સમાન જુદી જુદી અદાલતોના ચૂકાદાની ઝીણવટપૂર્વક સમીક્ષા કર્યો પછી આ અરજીને ફગાવી દીધી હતી. આથી લુણાવાડા પોલીસ માટે આ ગુનાની ઝડપી તપાસનો માર્ગ સરળ અને આસાન બની ગયો હતો.

પોલીસે આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં મિલનના સહાધ્યાયી વિદ્યાર્થીઓ ઉપરાંત હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી મિત્રો ઉપરાંત શાળાના શિક્ષકોના નિવેદનો નોંધવા સાથે આપઘાતની ઘટનાની આસપાસના સાંયોગીક પૂરાવા એકત્રિત કર્યા હતા. પોલીસે વીસ જેટલા સાક્ષીઓના નિવેદનો નોંધીને ચાર્જશીટમાં સમાવેશ કર્યો હતો. આમ પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓની ધરપકડની કાર્યવાહી પૂરી કરવા સાથે અદાલતમાં તેમના વિરૃધ્ધ કેસ રજુ કર્યો હતો.

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેની સેશન્સ અદાલતના અધિક ન્યાયાધીશ શ્રી દિનેશ એલ. પટેલ સમક્ષ આ ચકચારભર્યા કેસની આખરી સુનાવણી શરૃ થઇ હતી. સુનાવણીમાં કેટલાક સાક્ષીઓએ તેમની શરતપાસ તથા ઉલટ તપાસ દરમ્યાન વિરોધાભાસી વાતો રજુ કરી હતી. આથી તેમને અદાલતે ફરી ગયેલા સાક્ષી તરીકે હોસ્ટાઈલ જાહેર કર્યા હતા. આ કેસમાં સહુથી વિશેષ મહત્ત્વનો મુદ્દો એહતો કે - મિલનનું હકિકતમાં મોત કેટલા વાગ્યે થયું હતું. શાળાના આચાર્યે ઘટનાના દિવસે અમદાવાદમાં રહેતા મિલનના પિતા મનુપ્રસાદ પટેલનો ફોન ઉપર સંપર્ક સાધ્યો હતો અને તેમને તમારો દીકરો શાળાની આબરૃને બટ્ટો લગાડે તેવી હરકતો કરતો હોવાની ફરિયાદ કરવા સાથે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે તેવી ધમકી આપ્યાની વાત કરી હતી.

ત્યારબાદ શાળા તરફથી બપોરના બારેક વાગ્યે ફરી વાર મિલનના પિતાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને મિલને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની જાણ કરવા સાથે કહ્યું હતું કે લુણાવાડની કોટેજ હોસ્પિટલમાં મિલનને સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.
મિલને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર જાણ્યા પછી પિતા મનુપ્રસાદ પટેલ તેમના ભાઈ તથા બીજા દિકરાને સાથે લઇને ઝટપટ લુણાવાડા પહોંચી જવા નીકળ્યા હતા. આ સહુ સાંજના છ વાગ્યે લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે લાડકા દિકરાની બીનવારસી હાલતમાં પડેલી લાશ જોઇને તેમના ઉપર આભ તૂટી પડયું હતું. આશ્ચર્યની વાત તો એ હતી કે, શાળાના શિક્ષક કે પછી વિદ્યાર્થીઓ જ નહીં ખુદ ટ્રસ્ટી મંડળના એક પણ સભ્ય કોટેજ હોસ્પિટલમાં હાજર રહેવાની તેમની ફરજ ચૂકી ગયા હતા.

બીજી બાજુ મિલનના મૃત્યુનો ચોક્કસ સમય કયો હતો તે પ્રશ્નના પ્રત્યુત્તર મેળવવાની વાત આ કેસ માટે મહત્ત્વની બની ગઈ હતી.  શાળાના પી.ટી.ટીચર રાજેશકુમાર કાલીદાસ ચૌહાણની જુબાની આ કેસમાં અત્યંત મહત્ત્વના પૂરાવા સમાન બની ગઈ હતી. આ સાક્ષીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું કે, મિલનના આપઘાતનો બનાવ સવારના ૧૧.૩૦ વાગ્યે બન્યો હતો. મિલનની લાશ ઓફીસના ભોંયતળીયે પડેલી તેણે જોઈ હતી.

આ સાક્ષીની જુબાનીની તુલના કરતાં એક વાત દીવા જેવી સ્પષ્ટ બની જાય છે કે મિલનનું મૃત્યુ સવારના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ થયું હોવાની ન્યાયાધીશ દિનેશ પટેલે તેમનાચૂકાદામાં અત્યંત ગંભીરતા સાથે નોંધ કરીને ઉમેર્યું હતું કે શાળાના આચાર્ય તથા જવાબદારો આ ઘણાની આસપાસ ઢાંકપીછોડો કરીને તેની અસલીયત છૂપાવવાની કોશિશ કરી રહ્યા હતા.
મિલનને કયા સંજોગોમાં આત્મહત્યાની આખરી મંઝિલ ઉપર પ્રયાણ કરવું પડયું હતું તેની ભીતરની વાત કંઇક આવી છે. શાળાની હોસ્ટેલના રૃમ નં. ૧૫માંરહેતા એક વિદ્યાર્થી મૌલિક પટેલના ડ્રોઅરમાંથી બે દિવસ પહેલા રૃ. ૧૫૦ની ચોરી થઇ હતી. જેની ફરિયાદ કરતાં હોસ્ટેલના રેકટર નરેન્દ્રકુમાર જગન્નાથ જોશીએ વોચમેનને સાથે રાખીને હોસ્ટેલના રૃમોમાં રહેતા વિદ્યાર્થીઓના માલ-સામાનની તપાસ શરૃ કરી હતી.

જેમાં રૃમ નં. ૪માં રહેતા મિલનના પાકિટમાંથી રૃ. ૧૦૦ના દરની એક નોટ મળી આવી હતી. આ નોટ મૌલિકની જ હોવાનું સહુએ અનુમાન કર્યું હતું. તેમજ આ નોટ ઉપર અંગ્રેજીમાં 'મૌલિક'નું નામ અંકીત કરવામાં આવ્યું હોવાનો પૂરાવો સાંપડયો હોવાની દલીલ કરી હતી. આથી બે દિવસ બાદ મિલનને શાળાના આચાર્યની ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો.જ્યાં તેને શાળામાંથી કાઢી મૂક્યાની ધમકી આપવામાં આવી હતી. આવી ધમકીથી ગભરાઈ ગયેલ મિલન સીધો જ તેની હોસ્ટેલના રૃમમાં દોડી ગયો હતો. જ્યાં ગળાફાંસો ખાઈને જીવતર ટૂંકાવી લીધું હતું.

અધિક સેશન્સ જજ શ્રી દિનેશ એલ. પટેલે તેમના ચૂકાદામાં બાળ મનોવિજ્ઞાાન વિષયનો તલસ્પર્શી ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે - શાળાના વહીવટદાર કીરીટભાઈ પંડયા, આચાર્ય દિલીપભાઈ પટેલ તથા રેકટર નરેન્દ્ર જોશીએ એક માસૂમ વિદ્યાર્થીની મનોદશાને નજર સમક્ષ રાખીને આ બનાવમાં મિલનને શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કરવાની જરૃર હતી. એક ગભરૃ વિદ્યાર્થીના કપાળે 'ચોર'ના કલંકનો ટીકો લગાડી દેવામાં આવે તો તેની કેવી હાલત બની જશે તેની વાસ્તવિક હકિકતને નોંધ લેવી અત્યંત આવશ્યક હતી.

ચોર'ના કલંકથી અંદરને અંદર ખળભળી ઊઠેલા મિલને આખરે આપઘાત કર્યો હતો.
રાજ્ય સરકારે પણ બી.એડ.ની ડીગ્રી કે પછી પી.ટી.સી.ની ડીગ્રી મેળવવા માટે અભ્યાસ કરતાં શિક્ષકોની તાલીમ દરમ્યાન 'ચાઈલ્ડ સાયકોલોજી' (બાલ મનોવિજ્ઞાાન) વિષય ઉપર ખૂબ જ ભાર મૂક્યો હોવાનો પણ ન્યાયાધીશો ચૂકાદામાં ઉલ્લેખ કરવા સાથે જણાવ્યું હતું કે - આ શિક્ષણ સંસ્થાના ઉપરોક્ત મહાનુભાવોએ આ વાતની ગંભીરતાથી નોંધ લીધી નહતી અને ખૂબ જ ઉતાવળમાં આડેધડ તપાસ કરીને મિલનના કપાળ ઉપર 'ચોર'નું કલંક લગાવી દીધું હતું. એક વિદ્યાર્થીના રૃ. ૧૫૦ની ચોરીના આક્ષેપની આ સહુએ ઘોર નિષ્ક્રીયતા સાથે તપાસ કરીને પોતાનો અભિપ્રાય જાહેર કરી દેવામાં ખૂબ જ ઉતાવળ કરી હતી. સહુથી દુ:ખની વાત તો એ છે કે એક વિદ્યાર્થીની આત્મહત્યાની આ કરૃણ ઘટનાની તપાસ કરી

રહેલા મહાનુભાવો 'બાળ મનોવિજ્ઞાાન' વિષયના અભ્યાસી હોવા છતાં તેમણે ગંભીરતા દાખવી ન હતી.
આ ઉપરાંત મિલનના પાકિટમાંથી રૃ. ૧૦૦ના દરની મળી આવેલી નોટ ઉપર 'મૌલિક'નું નામ અંગ્રેજીમાં લખવામાં આવ્યું હોવાનો જે પૂરાવો દલીલો સાથે રજુ કરવામાં આવ્યો હતો તેની ન્યાયાધીશે ચૂકાદામાં ગંભીરતા પૂર્વક ટકોર કરતાં નોંધ્યું હતું કે આવી વાત તથા આવો પૂરાવો અકુદરતી તથા અસ્વાભાવિક લાગે છે અને તેને ક્યારેય સ્વીકારી શકાય નહીં. મારા મનમાં કાંઈક અંશે એવી શંકા અને સંદેહ ઉપસ્થિત થાય છે કે - શાળાના સત્તવાળાઓએ સાચી હકિકત છૂપાવવાના ઇરાદાથી આવી નકલી-બનાવટી વાત ઘડી કાઢી હતી.

આખરે અધિક સેશન્સ જજ શ્રી દિનેશ એલ પટેલે મહત્ત્વની સમીક્ષા સાથે આ ચકચારભર્યા કેસનો ચૂકાદો આપતાં મિલનને આપઘાત કરવા માટે મજબૂર બનાવનાર આદર્શ વિદ્યાલય શિક્ષણ સંસ્થાના ત્રણ મહાનુભાવો (૧) કીરીટકુમાર ભવાનીશંકર પંડયા, (૨) દિલીપભાઈ મણીલાલ પટેલ અને (૩) નરેન્દ્રકુમાર જગન્નાથ જોશીને ગુનેગાર ઠરાવીને ત્રણેયને દસ-દસ વર્ષની સાદી કેદની સજા તથા રૃ. ૪૦-૪૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ચોથા આરોપી ગીતાબેન હરગોવિંદદાસ ઉપાધ્યાયની આ ઘટનામાં કોઈ જ ભૂમિકા નહીં હોવાનું ઠરાવીને તેમને છોડી મૂકવા હૂક્મ કર્યો હતો.

 

Post Comments