Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

ભારતમાં સંસ્મરણો આધારિત પુસ્તકોનો દુકાળ કેમ?

આગામી પેઢીને ઇતિહાસ બોધ આપવા  જાહેર જીવનના ક્ષેત્રમાંથી સમયાંતરે ઉત્તમ મેમોઇર્સ મળતા રહે એ જરૃરી છે કારણ કે, ઇતિહાસ જ આપણને શીખવે છે કે, શું ન કરવું!

ભારતમાં ઉત્તમ કક્ષાના મેમોઇર્સ કેમ નથી લખાતા? મેમોઇર્સ અર્થાત્ સંસ્મરણો. મેમોઇર્સ શબ્દ ફ્રેંચ ભાષાના મેમોરિયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. મેમોરિયા એટલે મેમરી. મેમરી એટલે યાદો કે યાદગીરીઓ. મેમોઇર્સમાં ઘટના પાછળની અજાણી ઘટનાની વાત હોય છે, જ્યારે ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથામાં સમગ્ર જીવનનું કથન હોય છે.

સંસ્મરણો અને આત્મકથા એ બે જુદા પ્રકારના 'સંભારણા' છે. આત્મકથા કંટાળાજનક હોઇ શકે છે, પરંતુ સંસ્મરણોની પ્રાથમિક શરત છે કે તે રસપ્રદ હોવા જોઈએ. એટલે જ આત્મકથા કરતા સંસ્મરણો હંમેશા વધુ લોકપ્રિય રહ્યા છે. રાજકારણીઓ, ઉચ્ચ સરકારી હોદ્દેદારો, લશ્કરી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ   કે ફિલ્મ સ્ટાર્સ સંસ્મરણો લખે ત્યારે આગામી પેઢીને 'શું કરવું અને શું ના કરવું' એનો બોધપાઠ મળે છે.

જોકે, ઉત્તમ કક્ષાના સંસ્મરણો વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં નહીં પણ અમેરિકા, યુરોપિયન દેશો અને એશિયામાં જાપાનમાં લખાયા છે. અમેરિકામાં સેનેટર અને એટર્ની જનરલના હોદ્દે રહી ચૂકેલા રોબર્ટ કેનેડીએ લખેલું 'થર્ટીન ડેઝ: એ મેમોઇર ઓફ ધ ક્યુબન મિસાઇલ ક્રાઇસીસ' નામનું પુસ્તક કૉલ્ડ વૉરની વિગતો આપતું અત્યંત રસપ્રદ મેમોઇર્સ છે.

આ પુસ્તકમાં રોબર્ટ કેનેડીએ ૧૬થી ૨૮મી ઓક્ટોબર, ૧૯૬૨ના કુલ ૧૩ દિવસ ચાલેલા ક્યુબન મિસાઇલ ક્રાઇસીસની દિલધડક વિગતો આપી છે. એ ૧૩ દિવસ અમેરિકા અને રશિયા ક્યુબાની ધરતી પરથી પરમાણુ યુદ્ધ ખેલવા સામસામે આવી ગયા હતા. સદ્નસીબે, આ પરમાણુ યુદ્ધ ટળી ગયું હતું. ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ તરીકે જાણીતી આ ઘટના બની ત્યારે રોબર્ટ કેનેડી અમેરિકાના ૬૪મા એટર્ની જનરલ હતા, જ્યારે તેમના ભાઇ જ્હોન કેનેડી અમેરિકાના ૩૫મા પ્રમુખ. આ પુસ્તકમાં રોબર્ટ કેનેડીએ ક્યુબન મિસાઇલ ક્રાઇસીસના ૧૩ દિવસ વ્હાઇટ હાઉસમાં શું થયું? તેમજ જ્હોન કેનેડીએ કોની કોની સાથે ચર્ચાવિચારણા કરી અને તેઓ શું વિચારતા હતા?- એ અંગે રજેરજની વિગતો આપી છે.

ભારતની મહત્ત્વની રાજકીય ઘટનાઓના આ પ્રકારના સંસ્મરણો છે? જવાબ છે, ના. અહીં હાર્ડકોર હિસ્ટરી મતલબ નોન-ફિક્શનની વાત થઇ રહી છે. આત્મકથા કે સંસ્મરણો સત્ય ઘટના છે. એમાં કલ્પનાનું તત્ત્વ કેવી રીતે હોઇ શકે! આપણા પૌરાણિક ગ્રંથોમાં ઐતિહાસિક હકીકતો સાથે કલ્પનાઓનું પ્રચુર માત્રામાં મિશ્રણ છે. ઇતિહાસની ગંભીરતા ના સમજનારો સમાજ કલ્પનાઓને 'ઇતિહાસ' એટલે કે 'સત્ય ઘટના' માનતો જાય એમાં નવાઇ ના લાગવી જોઇએ. આ રીતે લોકપ્રિય થયેલો ઇતિહાસ માન્યતા બની જાય છે અને માન્યતાઓને લોકમાનસમાંથી ભૂંસવી ખૂબ અઘરું કામ છે. ઇતિહાસની સાબિતીઓ ના મળે ત્યારે થિયરીઓનો પ્રવેશ થાય છે,

પરંતુ થિયરી ખુદ એક તૂત છે. હજુ થોડા દિવસ પહેલાં જ રાજસ્થાન યુનિવર્સિટીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે, હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપ અકબર સામે હાર્યા હતા એવું પાઠયપુસ્તકોમાં નહીં દર્શાવવું જોઈએ! જોકે, ભારે વિવાદ થતાં રાજસ્થાન યુનિવર્સિટીએ બેકફૂટ પર આવવું પડયું અને ઇતિહાસની બલિ ચઢતા રહી ગઈ! આ તો ભારતીયોની ઇતિહાસ પ્રત્યેની બેદરકારીનું નાનું અને તાજું ઉદાહરણ માત્ર છે.

જાણીતા બ્રિટીશ લેખક ફ્રેન્ક હેરિસે (૧૮૫૫-૧૯૩૧) એક વાર મજાકમાં કહ્યું હતું કે, ''સંસ્મરણો ફિક્શનનો બહુ જાણીતો પ્રકાર છે.'' આવું નિવેદન કર્યા પછી હેરિસે 'માય લાઇફ એન્ડ લવ્સ' નામે સંસ્મરણો લખ્યા હતા, જેના પર દુનિયાના અનેક દેશોએ પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ પુસ્તકમાં હેરિસે પોતાના અનેક સેક્સ્યુઅલ એન્કાઉન્ટરો વિશે દિલ ખોલીને લખ્યું હતું. જાત સાથે પ્રામાણિક રહીને લખાયેલા પુસ્તકો લાંબા ગાળે ક્લાસિક બની જાય છે, પરંતુ ઇતિહાસની એરણે શંકાસ્પદ ઠરેલી આત્મકથાઓ કે સંસ્મરણોનું મૂલ્ય આપોઆપ ભૂંસાઇ જાય છે.

તાજેતરના ભારતન રાજકીય ઇતિહાસમાં પાંચેક મેમોઇર્સ લખાયા છે, જેના કારણે એક સમયે રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. આજીવન કોંગ્રેસી રહેનારા નટવરસિંહે 'વન લાઇફ ઇઝ નોટ ઇનફ' નામે મેમોઇર્સ લખ્યા છે. આ પુસ્તકમાં તેમણે દાવો કર્યો છે કે, સોનિયા ગાંધીને ૨૦૦૪માં વડાંપ્રધાન બનવું હતું, પરંતુ રાહુલ ગાંધીએ તેમને રોક્યા હતા.

એ પછી સોનિયાએ કહ્યું હતું કે, નટવરસિંહને જૂઠા સાબિત કરવા હું પણ એક પુસ્તક લખીશ! સંજય બરુનું 'મનમોહન સિંહ: ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને પી. સી. પરખનું 'ક્રૂસેડર ઓર કોન્સ્પિરેટર: કોલગેટ એન્ડ અધર ટ્રૂથ્સ' નામના મેમોઇર્સે પણ ઘણી ચર્ચા જગાવી હતી. આ બંને લેખકોના પુસ્તકોમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વટાણા વેરી દેતી વિગતો રજૂ કરાઈ છે, પરંતુ તેની વિશ્વસનિયતા સામે પણ અનેક સવાલો ઉઠી ચૂક્યા છે. લાલકૃષ્ણ અડવાણીએ 'માય કન્ટ્રી, માય લાઇફ' નામે મેમોઇર્સ લખ્યા છે, જેમાં તેઓ પોતાને લોહપુરુષ સાબિત કરવા મથામણ કરતા હોય એવું લાગ્યા કરે છે.

વર્ષ ૧૯૪૬થી નહેરુ સાથે કામ કરનારા એ.ઓ. મથાઇએ 'રેમિનિસન્સ ઓફ ધ નહેરુ એજ' અને 'માય ડેઝ વિથ નહેરુ' નામે બે મેમોઇર્સ આપ્યા છે. આ બંને પુસ્તકો ભારતમાં પ્રતિબંધિત છે કારણ કે, તેમાં નહેરુ અને અન્ય રાજકારણીઓનું અંગત જીવન પણ ઉજાગર કરાયું છે. પુસ્તકો વાંચ્યા વિના પ્રતિબંધો મૂકવાના બદલે તેની જાહેર ચર્ચા થવી જોઈએ. ફક્ત બીજાની માનહાનિ કરવાના ઇરાદે લખાયેલા પુસ્તકો આપોઆપ ભૂલાઇ જ જતા હોય છે. કોઇ નેતા કે સંત પણ ભૂલ કરી શકે છે એવી સીધીસાદી વાત આપણે સ્વીકારી શકતા નથી.

આપણે ગાંધી, નહેરુ કે આંબેડકર જેવા ધરખમ નેતાઓની વાત કરતી વખતે પણ જજમેન્ટલ બની જઈએ છીએ અને વાંક તોળવા બેસી જઇએ છીએ કારણ કે, એનાલિટિકલ થિંકિંગની આપણને  ટેવ જ નથી. ગમે તેવી ગંભીર અને જટિલ બાબતોનું પણ ઓવર સિમ્પિલિફિકેશન ના કરે ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. આપણે સત્ય પણ સ્વીકારી શકતા નથી. થોડી જુદી વાત કરનારા સામે અસહિષ્ણુ થતા આપણને વાર નથી લાગતી. આપણે ચર્ચા વખતે શાંતિથી સાંભળતા નથી, પરંતુ સામેવાળો ચૂપ થાય એટલે ઝડપથી પોતાનો અભિપ્રાય આપવા ફક્ત રાહ જોતા હોઇએ છીએ!

આ પ્રકારના સમાજનું પ્રતિબિંબ ભારતના રાજકારણમાં પણ ઝીલાય છે. આપણા મોટા ભાગના રાજકારણીઓ અને ઉચ્ચ હોદ્દેદારોની તમામ શક્તિ એકબીજા સામે રાજકારણ ખેલવામાં અને કૌભાંડોમાંથી હેમખેમ બહાર નીકળવામાં જ ખર્ચાઇ જાય છે. વળી, આઝાદ ભારતના રાજકારણમાં શરૃઆતથી જ ઉપરથી છેક નીચે સુધી ભ્રષ્ટાચાર, બદલાનું રાજકારણ, ગુનાખોરી અને ટાંટિયાખેંચની બોલબાલા રહી છે. ભારતની એકેય ભાષામાં ઉત્તમ મેમોઇર્સ નથી મળ્યા એની પાછળના સૌથી મહત્ત્વના કારણો કદાચ આ છે. આજના પશ્ચિમી સમાજમાં ઇતિહાસને ફક્ત ઇતિહાસની રીતે જોવાય છે. એક સરેરાશ અમેરિકન કે બ્રિટીશર કે જાપાનીઝ પોતાની ભૂલો સ્વીકારતા ખચકાતા નથી. વિકસિત દેશોમાં કોઇ પણ વ્યક્તિની બોલીને કે લખીને ટીકા થઇ શકે છે.

એવું કરવાથી કોઇ અસહિષ્ણુ કે દેશદ્રોહી નથી થઇ જતું. મેરિલ સ્ટ્રીપ જેવી દિગ્ગજ હોલિવૂડ સ્ટાર ઓસ્કાર સમારંભમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બોલી શકે છે, પરંતુ ભારતમાં ગમે તેવી લોકપ્રિય સેલિબ્રિટી કોઇ સવાલ ઉઠાવે તો રાતોરાત વિલન બની જાય છે. આ તો બોલવાની વાત થઇ, જો કોઇ સ્ટાર થોડો જુદો અભિપ્રાય આપે તો તેને આપણે કઠેડામાં ઊભો કરીને, તેની પાસે માફી મંગાવીને વિકૃત આનંદ લેતા ખચકાતા નથી. શાહરુખખાને ભારતને અસહિષ્ણુ દેશ કહ્યો એ ઘટના યાદ છે ને?

ભારતમાં સામાજિક આગેવાનો અને અનેક વરિષ્ઠ પત્રકારો માટે મેમોઇર્સ લખવાનો ઘણો અવકાશ છે, પરંતુ હજુ સુધી આપણને ઉત્તમ મેમોઇર્સ મળ્યા નથી. જેમ કે, પાકિસ્તાન કે ચીન સાથે અનેક તણાવભર્યા પ્રસંગોએ ભારતે કયા સંજોગોમાં, કેવી રીતે નિર્ણયો લીધા એ વિશેનું 'ઇનસાઇડર વર્ઝન' આપણને જાણવા મળતું નથી. એ નિર્ણયો લેવામાં કોની, કેવી ભૂમિકા હતી એ પણ આપણે નથી જાણતા.

હા, ભારતમાં લશ્કરી અધિકારીઓએ ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ના યુદ્ધ તેમજ સિઆચેન અને કારગીલમાં કરાયેલી લશ્કરી કાર્યવાહીના પુસ્તકો લખ્યા છે, પરંતુ એ પુસ્તકો પણ 'અમારો વાંક નહોતો' એવું કહેવા લખાયા હોય એવા વધારે છે. કારગીલ યુદ્ધનું સૌથી ઉત્તમ પુસ્તક 'એરપાવર એટ ૧૮૦૦૦: ધ ઈન્ડિયન એરફોર્સ ઇન ધ કારગીર વૉર' છે, પરંતુ એ ભારતીયએ નહીં બેન્જામિન લેમ્બેથ નામના વિદેશી  લેખકે લખ્યું છે. આપણી પાસે જમ્મુ-કાશ્મીર, શ્રીલંકા, નાગાલેન્ડ અને મિઝોરમમાં કરાયેલી ઐતિહાસિક લશ્કરી કાર્યવાહીના પ્રમાણભૂત મેમોઇર્સ નથી. એવી જ રીતે, મુંબઇ હુમલા જેવી અત્યંત મહત્ત્વની ઘટના પર પ્રકાશ પાડતું 'ધ સીજ: ૬૮ અવર્સ ઇનસાઇડ ધ તાજ હોટેલ' નામનું પુસ્તક પણ એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્ક નામના બ્રિટીશ પત્રકાર દંપતિએ લખ્યું છે.

ભારતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક રસપ્રદ મેમોઇર્સ મળ્યા છે. પરંતુ જાહેર જીવનના ક્ષેત્રમાંથી સમયાંતરે ઉત્તમ મેમોઇર્સ મળતા રહે એ આગામી પેઢીને ઇતિહાસ બોધ આપવા ખૂબ જ જરૃરી છે કારણ કે, ઇતિહાસ જ આપણને શીખવે છે કે, શું ન કરવું!

Post Comments