Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

અસરદાર કરકસર : આવકમાં ગાબડાં પડે ત્યારે જાવક કેવી રીતે ઘટાડવી, એની સતરંગી તરકીબો !

એક બ્રાન્ડેડ જીન્સના બજેટમાં અલગ અલગ વરાયટીના પાંચ નોન બ્રાન્ડેડ જીન્સ મળે, તો પહેરવાની ચોઇસ પણ વધુ રહે

જીંદગીમાં કેટલીયે એવી નાની નાની બાબતો હોય છે, જે શીખવી સહેલી હોય છે - પણ આળસમાં આપણે એ માટેના પૈસા ચૂકવી દઈએ છીએ

બચત, સેવિંગ, આ શબ્દો પ્રત્યે ભારતભૂમિને અગાઉ બહુ ગાઢ લગાવ હતો. એટલે રાષ્ટ્રના અર્થતંત્રની તબિયત રાંકડી હતી. લોકો પૈસાને ચસચસાવીને પ્રેમ કરતા, અને કસકસાવીને બાંધી રાખતા. નાણું ખર્ચાય નહીં, ત્યાં સુધી ઇકોનોમીની હાલત ફાંકડી થાય નહિ. ઉપરવાળાની અસીમ કૃપાથી હવે 'સ્પેન્ડિંગ જનરેશન' આવી છે. ભારતીયો પૈસા બચાવવાને બદલે દિલ ખોલીને વાપરતા થયા છે. ફાઇન. પૈસા ગળે બાંધીને ફર્યા કરવાનું લોકેટ નથી.

બેન્કમાં રાખેલા પૈસાથી બેન્ક જલસા કરે, એ પહેલાં આપણે કરી લેવા જોઈએ. પ્રાચીન સંસ્કૃત સુભાષિતમાં અપાર ડહાપણ હતું. ધનની ત્રણ ગતિ છે : ભોગ, દાન અને નાશ. પરસેવો પાડીને તમે (કે તમારા પૂર્વજ) પૈસા કમાયા છો, તો એશ કરો. (બીજું શું કરશો ? શૂન્યોનો સરવાળો ?) ભરપૂર ભોગવટો કર્યા પછી બીજાના માટે સંપત્તિ ખર્ચો, ચેરિટી કરો. આ બેમાંથી કંઈ નહિ કરો તો નાણાંનો નાશ વ્યય થવાનો છે !

લેકિન, કિન્તુ, પરંતુ... આ ત્રણેય ગતિ માટે પહેલા ધન હોવાનું જરૃરી છે. પૈસા કમાશો નહિ, તો શું વાપરશો અને શું વહેંચશો ? અને અર્થશાસ્ત્રનો નિયમ છે. મની સેવ્ડ, ઇઝ મની અર્ન્ડ.

ખેર. મંદી આવે એટલે નિમ્ન મધ્યમવર્ગની કરોડરજ્જુમાં કટકા થઈ જાય છે. મુફલિસોએ તો આમ પણ ન્હાવા કે નિચોવવાનું કશું હોતું નથી અને દોલતમંદોની કમર પર 'રિઝર્વ મની'ના શોક એબ્સોર્બસ વીંટળાયેલા હોય છે. ફસાય છે દેખાદેખીમાં હનુમાન કૂદકો મારવા જતા મામૂલી મર્કટોનો મિડલ ક્લાસ. 'પછેડી એટલી સોડ તાણવી' એ બહુ કોઠાસૂઝવાળી કહેવત છે. દેવું કરીને પણ ઘી પીવું જોઈએ, પણ દેવું થાય અને ઘી સૂંઘવા ય ન મળે ત્યારે શું ?

પૈસો ફરતો રહેવો જોઈએ. એ ખર્ચશો નહિ, તો એ કાગળનો ટુકડો જ છે. મન મારીને જીવવાના, પરાણે વૈરાગ વિના ત્યાગ કરીને સાદાઈથી જીવવાના ઉપદેશોના અતિરેકે જ ભારતને ભૂખડીબારશ બનાવ્યું હતું. બહુ સાચવેલો પૈસો કદી તમને કામ નહિ આવે, અંતે એ બીજાઓ વાપરી જશે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, વાત ચિંગૂસાઈની, લોભિયાવેડાની વકીલાતની નથી. કોઈ કંજૂસ, મખ્ખીચૂસ પોતાનો દલ્લો મરતી વખતે ભેગો લઈ જઈ શક્યો નથી. ખજાનો ખુશ થવા માટે છે, રખોપું કરવાની ચોકીદારી કરવા માટે નહિ !

પણ વાત 'કરકસર'ની થાય છે, કંજૂસાઈની નહિ. પૈસો વાપરવો અને પૈસો ઉડાડવો એમાં ફરક છે અને મિડલ ક્લાસને પૈસો ઉડાવી દેવાની લક્ઝરી પોસાય તેમ નથી. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય. મોજમજા ન કરો, હરોફરો નહિ, મનોરંજનના સાધનો ન વસાવો, સાદા આહારવિહાર રાખો, સરસ કપડાં ન પહેરો, ફિલ્મો ન જુઓ, ફર્નિચર ન વસાવો... સ્ટોપ ઇટ ! આવા સુખવિરોધી સેવિંગ કમાન્ડમેન્ટ્સ તદ્દન આઉટડેટેડ છે. આવી વાસી સલાહોથી પબ્લિકની ખોપરીમાં સબાકા આવે છે. આવી અપ્રાકૃતિક જિંદગી માનવ સ્વભાવને માફક આવતી નથી માટે જરા પ્રેક્ટિકલ ટિપ્સ ચર્ચાવી જોઈએ.

ટેસડા કરતાં કરતાં પણ જોશમાં જરા હોશ ભેળવો. તો બહુ મોટા સમાધાનો કર્યા વિના પણ ખાસ્સા રૃપિયા બચાવી શકાય છે. મમ્મી- પપ્પા પાસે હાથ લંબાવીને બહાર વટ મારતા યંગસ્ટર્સની લાચારી ઘટે છે. થોડાક હજાર રૃપિયા ગુમાવવાથી વગર ઠંડીએ ઠૂઠવાઈ જતા પરિવારોમાં થોડો ગરમાટો આવી શકે છે. આના માટે સગવડ વિરોધી કે જીવનવિરોધી થવાનું નથી. ફ્રીજ વેચીને માટલું લેવાનું નથી. બધું જ માણવાનું છે. સાધનોના ઉપયોગમાં ફક્ત વિવેક રાખવાનો છે. બચતના આધુનિક આઇડિયાઝ એવા હોવા જોઈએ, જેમાં ખર્ચ ન ઘટે... પણ 'ખોટો' ખર્ચો બંધ થઈ જાય ! એનો ફાયદો મનુષ્ય જાતિને જ નહિ, પણ સમગ્ર પૃથ્વી લોકને થવાનો છે. કારણ કે, આવા સેવિંગ આઇડિયાઝ હંમેશા ઇકો-ફ્રેન્ડલી હોય છે. એ પર્યાવરણ રક્ષણનું પુણ્ય ફ્રી ઓફ ચાર્જ તમારા ખાતામાં ડિપોઝીટ કરે છે.

જો તમે મધ્યમ વર્ગના હો, છપ્પરફાડ આવક ન ધરાવતા હો તો અછતને હંફાવવા બચતની આ શાણપણભરી શિખામણો મમળાવો :
(૧) કૂક ધ ફૂડ : 'સાહેબ, મિનરલ વોટર લઈ આવું કે રેગ્યુલર ?'

પ્રોગ્રામ્ડ રોબોટ જેવો આ સવાલ પોશ, આલીશાન રેસ્ટોરાંમાં રેગ્યુલરલી પૂછાતો હોય છે. જ્યારે જ્યારે અમને આ સવાલ પૂછાયો છે, ત્યારે તપાક દઈને અમે કાઉન્ટર ક્વેશ્ચયન કર્યો છે. 'કેમ ? તમારી હોટલનું પાણી ચોખ્ખુ અને પીવાલાયક નથી હોતું ?'

નેચરલી, આ સવાલનો જવાબ કદી નેગેટિવ હોતો નથી. તરત કહેવાય છે - 'હોય કંઈ ? અમારું પણ ફિલ્ટર કરેલું શુદ્ધ પીવાલાયક પાણી જ છે.' અને ચાલાકીથી ખંખેરી લેવામાં આવતા કેટલાક (એ પણ બાર રૃપિયાની બોટલના ત્રીસ, ચાલીસ, સાઠ રૃપિયા લેખે !) રૃપિયાની બચત થઈ જાય છે ! (એમ તો, જરૃર વિના બહારનું ખાવાનું ટાળો તો ફૂડ બિલ ઉપરાંત ભવિષ્યના હોસ્પિટલ બિલનું પણ એડવાન્સ્ડ સેવિંગ થઈ જતું હોય છે !)

કોઈ મલ્ટીપ્લેક્સમાં આપણે ફિલ્મ જોવા જવાનું છે કે જમવા ? પાણી ત્યાં મફત માગવું કે બોટલ ઘેરથી લઈ જવી ને દલીલ કરીને અંદર પણ લઈ જવી. છપ્પર ફાડ કે કમાણી હોય એમની વાત બરાબર છે. આપણી જો ન હોય તો ફિલ્મ જોતાં જોતાં ખાવુંપીવું ફરજીયાત નથી. એ ય એરપોર્ટની જેમ પાંચ રૃપિયાની પોપકોર્નના દોઢસો- બસ્સો લૂંટાતા હોય. ત્યારે ઘેર જમીને જવું. બહાર હો તો રેંકડીમાંથી લઈ, ધોઈને ફ્રૂટ્સ ખાઈ લેવા. સોફ્ટ ડ્રિન્ક્સ પીવાની લાલચ પર તો અંકુશ મૂકીને પાણી પી લેવું. ક્યારેક મોજ કરવા માટે ઠીક છે, પણ સતત પ્રવાસ ના હોય તો શોખથી બહાર ખાવાની આદત ટાળવી જ. ઘેર એ જ વાનગી ઘણી સારી ને સસ્તી બની શકે. પાપડથી ભજીયા સુધી. કડાકૂટ ટાળવા પતિ-પત્નીએ સાથે રસોઈ કરવી, પ્રેમ વધશે. પાર્સલ ઓર્ડર કરી ખાતા રહેવાથી ખિસ્સું હળવું થશે, ત્યારે પેટ પણ ભારે થશે. પછી ડોક્ટરનું ખિસ્સું તગડું થશે !

(૨) ફાઇટ ધ લાઇટ : મિડલ ક્લાસના મન્થલી બિલમાં છેલ્લા દસકાઓમાં સૌથી વધુ રાઇઝ કયા કારણથી આવ્યો છે ? ઇલેક્ટ્રોનિક્સ ! લાઇફ અઢળક ડિજીટલ કે ડોમેસ્ટિક એપ્લાયન્સીસને લીધે સ્મૂધ થઈ ગઈ છે. પણ એની કોસ્ટ વધી ગઈ છે. મોબાઇલ, ટી.વી., હોમ થીએટર, ફ્રિજ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, વોશિંગ મશીન, મિક્સર, ઓવન ટોસ્ટર, ડોરબેલ, ચીમની, મોસ્કિટો રેપેલેન્ટ, ગીઝર, વોટર ફિલ્ટર - આ સઘળા સાધનોની પાઘડીનો વળ કયા છેડે નીકળે છે ? પ્લગમાં ! એ ઉપરાંત એલઇડી, ટયુબલાઇટ્સ અને બલ્બસ તો ખરા જ !

ના, ઝૂંપડીમાં જવાની જરૃર નથી પણ જરા સેન્સિબલ ઉપયોગ કરીએ તો ઋતુચક્રને પલટાવી નાખતું ગ્લોબલ વૉર્મિંગ પણ જરા ઘટશે. ધીંગા ઉનાળાના વિષુવૃત્તીય ભારતમાં સોલાર કૂકર એન્ડ હીટરનો ઉપયોગ કેમ ન થાય ? ફ્રીઝ વારંવાર ખોલબંધ કરો તો કૂલિંગ ટેમ્પરેચર એડજસ્ટ કરતું બિલ વધવાનું જ ! ફ્રીઝની જગ્યા કે બેલેન્સ બરાબર ન હોય તો પણ એ વધુ વીજળી ખાય ! જોવું ન હોય તો ય 'કંપની' આપતા કૂતરાની માફક ટી.વી. ચાલુ કરી દેવાની પણ ઘણાને આદત હોય છે. ટિપિકલ લેમ્પ અને લાઇટ્સને બદલે એટલો જ પ્રકાશ ઓછી વીજળીએ આપતા ફ્લ્યુરોસન્ટ લેમ્પસ વાપરી શકાય... સોલાર હિટીંગનો ઉપયોગ પણ કરી શકાય. પર્યાવરણને ય ફાયદો !

એન્ડ હેલો, એક રૃમમાં બધા બેઠા હો તો બધા રૃમની લાઇટો શા માટે ચાલુ રાખવાની ? ડ્રેક્યુલાનો એટલો બધો ડર લાગે છે કે ? શોભા માટે ગેટ લાઇટ્સ પણ આપણા ગજવે જ ચાલુ રહે છે. ઘણી વખત કોમ્પ્યુટર કે ટી.વી. જેવા સાધનોનો પાવર ઓફ કર્યા પછી પણ સ્વીચ ઓફ આપણે ન કરીએ, તો ય એ થોડી થોડી વીજળી ઓહિયા કરતા જાય છે. રાતના બદલે સવારે ઉઠીને વાંચવાથી રોજની બે-ત્રણ કલાકનું ઇલેક્ટ્રોનિક કન્ઝમ્પ્શન ઘટી શકે ! ને સમયસર જમી લો તો વાનગીઓ ગરમ ન કરવી પડે ને ઠંડી ન રાખવી પડે ! વોટ્સએપમાં ઠલવાતા બધા જ વિડિયો જોવા ફરજિયાત નથી. મોબાઇલની બેટરી લાંબો વખત ચાલશે ડેટા પ્લાન વચ્ચે ઓફ કરવાથી ને ચાર્જ પણ ઓછો કરવો પડશે.

જાતભાતના ગ્રીટિંગ્સના ચિબાવલા એસએમએસ કરવાના ધખારાને પોસાતું ન હોય તો મનમાં જ ધરબી દો. લવમાં કે ફ્રસ્ટેશનમાં ફોન પર લાંબી લચ વાતો દોસ્તો સાથે કરવાનો 'ફોનેરિયા' રોગ લાગુ પડી જાયછે, અને લાઇફમાં મોટે ભાગે આ બેમાંથી એક તબક્કો ચાલુ જ રહે છે. પર્સ કે વોલેટ 'ફૂલ' ન હોય તો આવા 'ફૂલ' ન બનો. ઘણી વખત તો આટલા લાંબા કોલ કરતા ટિકિટ ખર્ચીને રૃબરૃ વાત કરવી સહેલી બને ! નોન પ્રોડક્ટિવ કોલ્સ કરવા જેટલા ખમતીધર ન હો, તો સ્વરપેટીને આરામ આપો.

(૩) ડુ ઇટ યોર સેલ્ફ : જીંદગીમાં કેટલીયે એવી નાની નાની બાબતો હોય છે, જે શીખવી સહેલી હોય છે - પણ આળસમાં આપણે એ માટેના પૈસા ચૂકવી દઈએ છીએ. એક્સેસ મની ન હોય તો ખુદ હી કો બુલંદ કર ડાલો. ઇન્કમ ટેક્સ કે પાસપોર્ટ જેવા ફોર્મ ભરવા, નાના ઇલેક્ટ્રિકલ ફિટીંગ, પ્લમ્બિંગ, ઓટોમોબાઇલ રિપેરિંગ જાતે કરતા જાવ. સજાવટની ચીજો મોંઘાદાટ સ્ટોરમાંથી લેવાને બદલે ચાકળા- તોરણ જાતે બનાવો કે હેન્ડીક્રાફ્ટની હોબી ડેવલપ કરો. હોટલમાં બહુ ભાવેલી ચીજની રેસિપી ફાવે તો અજમાવી જુઓ. ઘરની સફાઈ- વાસણ વગેરે બધા મેમ્બર્સ જાતે મળીને કરે, એવી આદત રાખો. થોડું કોમ્પ્યુટર ઓપરેટિંગ જાતે શીખવાથી બેઝિક ડિઝાઇનિંગ, ટાઇપિંગ, પ્રેઝન્ટેશન્સ બહાર બનાવડાવવાનો ખર્ચ ઘટશે. રેલ્વે કે એરલાઇન કે બસની સહેલી એપ્સ છે, જાતે બુકિંગ કરી શકો. નવરાશની પળોમાં ગપ્પા મારવાને બદલે પેઇન્ટિંગ, મ્યુઝિક, કુકિંગ જેવી કોઈ ક્રિએટીવ હોબી ડેવલપ કરો. મન પ્રસન્ન રહેશે અને ઘણી વખત મોંઘીદાટ ગિફ્ટ્સ ખરીદવાને બદલે જાતે બનાવેલ ચીજો 'પર્સનલ ટચ' સાથે આપીને ઓછા ખર્ચે ઝાઝી વાહવાહી પણ મળશે જસ્ટ થિંક, જાતે ભણવાની કે પેરન્ટ હો તો સંતાનને ભણાવવાની ત્રેવડ રાખો તો ટયુશનની કેટલી બધી ફી બચે ?

પાડોશીઓ- દોસ્તોને સ્વાવલંબી થઈને મફતની મદદ કરી, વધુ લોકપ્રિય પણ બની શકાય ! ગર્લફ્રેન્ડ સાથે ગપ્પા મારવા કે ક્લાયન્ટ સાથે મીટિંગ હોય તો ઠીક છે. એ સિવાય કોફી ન પોસાય તો ઘેર બનાવવામાં શું ખોટું ? ને હા, ચા-કોફી જ પીવાનું ઘટાડીએ તો દૂધના ભાવવધારાની ઘરના ખેંચાતા અર્થતંત્ર પર અસર ના થાય !

(૪) સ્વીચ ઓફ ઓટોમોબાઇલ : ભૈ, કઈ ચીજના ભાવ સૌથી વધુ વધતા જાય છે ? ના, સોનાના નહિ, પેટ્રોલ- ડિઝલ- ગેસના ! ચકલી નાની ને ફૈડકો મોટો રાખવા માટે કાર કે બાઇક વસાવ્યા પછી એ હવાથી ચાલવાના છે ? ચલ, ચલા ચલ ઓ રાહી ચલ ચલા ચલ ! એક તો મરણ અને પરણના પ્રત્યેક અવસરે 'વહેવાર થોડો ચૂકાય' કહીને જવાની કુટેવ પર ચોકડી મારો. આરામ વધુ એટલી આવક ઓછી. જરૃર પડે ત્યાં જ તમારું કે દેશનું ઇંધણ બાળો એથી મોટી રાષ્ટ્ર સેવા થશે. પ્રદૂષણ ઘટતાં કુદરતની એથી ય મોટી સેવા થશે. જીમમાં જઈને ફી ભરીને સાઇકલિંગ કરો, એના કરતા સાઇકલ લઈને જ કોલેજે કે ઓફિસે જાવ. (કેમ ? લોકો શું કહેશે એની ફિકર થાય છે ? વેલ, એ લોકો પાસેથી દર મહિનાનો ફ્યુઅલ એક્સપેન્સ ઉધાર માંગવા જાવ !) ચાલીને જાવ ! ઘણી વખત એક દિવસમાં એટલી છૂટક રીક્ષા કે ટેક્સી થતી હોય છે કે એટલા પૈસામાં રાજ્યની બહાર એક શહેર સુધી પહોંચી જવાય ! વોકિંગ એન્ડ રનીંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. શરીર સુડોળ રહેશે. ચરબી ઓસરશે.

બાઇક, સ્કુટર કે કાર વસાવ્યા હોય તો સર્વિસ બરાબર કરાવો અને બ્રેક ઓછી મારી વ્યવસ્થિત ચલાવીને ફ્યુઅલ બચાવો. મિત્રો સાથે પ્લાન કરી કાર શેર કરી બહાર નીકળીએ. ટ્રાફિક જામ પણ ઘટશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને એમાં ય ખાનગી કંપનીની બસ ના પોસાય તો સરકારી બસનો ઉપયોગ થઈ જ શકે. ફોરેનમાં ય ઉબેરપૂલ શરૃ થયું છે, ભાડું શેર કરવા તો આપણને શી શરમ આવે છે ? અને બાકી ટાંટિયા એક્સપ્રેસ ઇઝ વર્લ્ડ બેસ્ટ. ખોટેખોટા ગાડી લઈને બધે જરૃર વિના ફર્યા કરવાને બદલે ચાલો તો મગજ પ્રફુલ્લિત થશે ને દવાઓના ખર્ચ પર પણ કાપ આવશે !

(૫) સ્ટોપ ! બિફોર યુ શોપ : વેચનારાઓનો એક નિયમ હોય છે, યેન કેન પ્રકારેણ તમને વધુ ખરીદતા કરવા. શોપિંગ મોલના ડિસ્પ્લે પણ લાળ પડાવવા માટે જ હોય છે. જો બેન્ક બેલેન્સનું સંતુલન ખોરવાઈ ગયું હોય, તો એમાં પ્રાણીબાગની જેમ લટાર મારવાનો જ આનંદ લેવો. એક સાદો સવાલ 'પરચેઝ ડિસિસન' લેતા પહેલાં જાતને પૂછવાનો 'મને ખરેખર આની જરૃર છે ?' ઘણીવાર આમાં વિવેકબુદ્ધિ ચૂકાઈ જતી હોય છે. રેસ્ટોરાંના સસ્તા પિઝા કરતા મોંઘુ પણ તાજું ફ્રૂટ ખરીદવું સારું ! બચત પણ અંતે આપણા ભલા માટે કરીએ છીએ ને !

બે ઉપર એક ફ્રીના ગાજર પાછળ ક્યારેય ન દોડવું. જગતમાં ક્યૂટ ભૂલકાંઓના નિર્દોષ સ્માઇલ સિવાય કશું ય ફ્રી નથી. જરૃર હોય તો બે ને બદલે પાંચ લો, પણ જરૃર વિના એક પણ વધારે શા માટે ? એવું જ 'પોઇન્ટ' એકઠા કરવા માટે મેમ્બરશિપ કાર્ડ રાખવાનું છે. વધુ પોઇન્ટસનો મતલબ વધુ ડિસ્કાઉન્ટ નથી થતો. ઇન્ડાયરેક્ટલી વધુ શોપિંગ થાય છે. અર્થાત, મોર એક્સપેન્સ ! બ્રાન્ડેડ ઇલેક્ટ્રોનિક્સ આઇટેમ્સ લીધા પછી ફ્રી સર્વિસ / વોરન્ટીના એક્સટેન્ડેડ કોન્ટ્રાક્ટ ઉંધુ ઘાલીને સાઇન ન કરવા. એડવાન્સ્ડ ટેકનોલોજીને લીધે લગભગ ત્રણેક વર્ષ વસ્તુ સારી ચાલતી જ હોય છે.

પોસાતું હોય તો બ્રાન્ડેડ ચીજોનો ઉપભોગ કરો. પણ ન પોસાતું હોય, તો પેનથી પેન્ટ સુધીના ટોચના બ્રાન્ડનેમ માટે વધુ પ્રિમિયમ આપવાનું ટાળો. (અને સાવ સસ્તુ તકલાદી, હલકું ઉપયોગ કરવાનું પણ ટાળવું જ - એ સરવાળે ખર્ચ વધારશે !) સારી ક્વોલિટીની નોન બ્રાન્ડેડ ચીજોના ઓપ્શન તલાશો. એક બ્રાન્ડેડ જીન્સના બજેટમાં અલગ અલગ વરાયટીના પાંચ નોન બ્રાન્ડેડ જીન્સ મળે, તો પહેરવાની ચોઇસ પણ વધુ રહે લિપસ્ટિક કે શૂઝ કે બેગનું ય એવું જ.

જરા ફરતા રહો. એક જગ્યાએ ચોંટી રહેવાને બદલે જુદી જુદી જગ્યાએ ભાવતાલ કરતા રહો. વસ્તુઓ જ નહિ, સેવાઓ માટે પણ ધ્યાનમાં રાખવું. લક્ઝુરીયસ હોટલ કે ટ્રાવેલની જરૃર ન હોય, તો જસ્ટ વટ મારવો મોંઘો પડી જાય. વેકેશનમાં ઇન્ટરનેટ કે અનુભવી દોસ્તોની મદદથી એડવાન્સ્ડ પ્લાનિંગ કરી જાતે પ્લાન બનાવતા શીખો ! રિમેમ્બર, સર્ચ, કમ્પેર, એડિટ વાંચવાના હો તો જ મેગેઝીન ખરીદો. જોવાના હો તો જ બધી ચેનલના પેક રાખો. શોપોહોલિક થઈને ગમે તે વસ્તુના ખડકલા ન કરો. આપણને નકામી લાગતી ચીજ વપરાતી ન હોય તો એની રોકડી કરો કે જેને જરૃર છે એને ગિફ્ટમાં આપી દો.

(૬) ડોન્ટ ટેઇક ચાન્સ, પ્લાન એડવાન્સ : મહિનાનો કેટલોય ખર્ચ છેલ્લી ઘડીની દોડધામમાં વધી જતો હોય છે. પ્રવાસમાં કશું ભુલાઈ જાય અને નવું ખરીદવું પડે. 'ઉપર'ના પૈસા ચૂકવી ટિકિટ બૂક કરવી પડે. એક્સપ્રેસ ડિલીવરી કે લાસ્ટ મિનિટ કેશલેસ ઓનલાઇન બુકિંગના ચાર્જીસ આપવા પડે, વન-વેમાં પેસી જવાનો દંડ ભરવો પડે. સ્ટડી મટીરિયલની ફોટોકોપી કરાવવી પડે.. સો ઓન !

જરા આગોતરું વિચારો. કેટલીક ચીજોની નિયમિત જરૃર પડે, તો કાયમી મેમ્બરશિપ, જથ્થાબંધ ખરીદી, ગુ્રપ બનાવીને ખરીદી કે કોન્ટ્રાક્ટથી ભાવમાં ડિસ્કાઉન્ટ મળે ઉપરાંત લાયબ્રેરીનો ઉપયોગ કરો. શોપિંગ કરવા જતા પહેલા પરિવારની જરૃર મુજબની યાદી બનાવો, અને એને જ વળગી રહો. માસિક પગાર આવે ત્યારે જ એનું ઘરખર્ચમાં ડિવિઝન કરી નાખો. એમાંથી ચોક્કસ રકમ 'સેફ ઇન્વેસ્ટમેન્ટ' (પીપીએફ, એસઆઇપી, ઇન્સ્યોરન્સ વગેરે)માં ખર્ચની માફક જ નાખી દેવાની ટેવ રાખો. માત્ર બે કાળા પેન્ટ અને બે સારા જીન્સ હોય તો તમે એની સાથે ટી-શર્ટથી સ્વેટર સુધીના ક્રોસ કરીને આખો વોર્ડરોબ હોવાની છાપ ઉભી કરી શકો ! ડિટ્ટો વિથ શૂઝ (ડિસન્ટ, ગ્રેસફૂલ દેખાવું તદ્દન ફ્રી છે !)

વધારાનો પૈસો આવે તો ખર્ચવાના બદલે એને તમારા માટે વ્યાજ કમાતો કરો. અલગ અલગ પ્રકારે રોકાણ અમુક હિસ્સાનું કરો. વિવિધ ઓપશન્સમાં જેથી એક ગગડે તો તમે ગબડી ન પડો. મનગમતી ફિલ્મ જોવા કે ફરવામાં દરેક વખતે દોસ્તોને ભેગા કરવાનું કે મોંઘોદાટ નાસ્તો કરવાનું ફરજીયાત નથી. ના, સાધુ ન બનો. ફિલ્મ જુઓ, એકલા આનંદ ઉઠાવો, મેરેજીઝ કે બર્થ-ડે પાર્ટીમાં આપવાની ગિફ્ટસ એક સાથે જથ્થામાં લઈ લેવી !

(૭) મેઇક નોટ, સે નો : જે કંઈ રોજ ખર્ચ કરો એની અચૂકપણે નોંધ કરવાની આદત ફરજીયાત કેળવો એના બીજા ઘણા ફાયદા છે. પણ ખાસ તો એને લીધે 'છુટ્ટો' હાથ જરા ભારમાં રહેશે. ચોકલેટ કે સીડી જેવી નાનકડી બાબતોનો ખર્ચ સરવાળે ખિસ્સામાં કેટલા ફાંકા પાડી જાય છે એ સ્પષ્ટ દેખાતું જશે. સેલ્ફ રિયલાઇઝેશન વિના સેલ્ફ કન્ટ્રોલ નહિ આવે.
એવી જ રીતે ઉધારીને મકકમપણે ના પાડો. ડોન્ટ ઓવરયુઝ ક્રેડિટ્ કાર્ડસ. ભલે બધું ઓનલાઇન થાય. ત્રેવડ ન હોય તો અમુક પેમેન્ટ કેશથી જ કરવાની ટેવ પાડો. હાથમાંથી નોટ ઓછી થાય એની બેશક સાયકોલોજીકલ ઇફેક્ટ છે જ ! ઓનલાઇન કેશલેસના છૂપા એક્સ્ટ્રા ચાર્જીસનું સેવિંગ તો થશે, અને રોકડા ચૂકવવા પડશે ત્યારે તરત જ ખરીદીનું 'મૂલ્ય' કરવાની ટેવ પડશે. હાથ ખેંચાતો થશે !

અને ખરચના વાડા વધારતી ગુટકા, સિગારેટ, શરાબ, સાડીના સેલ, સોના- હીરાના બિનજરૃરી દાગીના અને જ્યાંને ત્યાં 'વહેવાર'માં ઉભા રહેવાની આદતને ચોખ્ખી ના જ પાડતા પાડતા શીખી જાવ ! દેખાદેખીમાં લગ્નના ફૂલેકાં કે જમણવાર કે શણગાર પાછળ અસામાન્ય કે પોસાય નહિ તેવો ખરચ ના કરો. વ્યસનો પાછળ બેસુમાર પૈસા ખર્ચનાર બાળકની ફી ભરવાની ઉધારી કરે એ જાતને જોક બનાવી દેવાની ડફોળાઈ છે. નવી જોડીઓ લીધા જ કરવી ફરજીયાત નથી ને જૂની મેલી ન હોય તો એક જ વાર પહેરીને ધોવી પણ ફરજીયાત નથી. ફિલ્મ ફાલતુ હોય તો ટીવીમાં જોઈ લેવાની ધીરજ રાખવી. કારણ વગર ખાખા કરવા માટે જાતને રોકવી. પુસ્તક વાંચવાના ના હો તો ખરીદવું નહિ. મોબાઇલ કે ઓટોમોબાઇલ પરખ ને ઓળખ હોય તો નવા જેવા સેકન્ડ હેન્ડ પણ લઈ શકાય.

ફરી વાર, કમાણી હોય તો જરા મોકળા હાથે લહેરથી રહેતા હો એની ટીકા નથી. વાતવાતમાં ગણતરી કરવાના લોભની ય વાત નથી. પણ જો કોઈ સંજોગોમાં પોઝીશન ટાઇટ થઈ ગઈ હોય તો આ રીતે થોડો સમય રહેવાથી એ લાઇટ થશે જ. આ મમ્મીનોમિક્સ છે જૂના જમાનાનું, પછેડી એટલી સોડ તાણવાનું.
વેલ, જો પુરુષ હો તો એક સેવિંગ ટિપ બોનસમાં - ગર્લ ફ્રેન્ડથી ચેતીને ચાલવું ! કર્ટસી રાખો કે ઇન્સ્ટિંક્ટ, તમારા દિલનો ભાર વધતો જશે ને ગજવાનો ઘટતો જશે ! ને સ્ત્રી માટેની સ્પેશ્યલ સેવિંગ ટીપ ? ગેટ એ બોયફ્રેન્ડ ! પછી કેટલાય બિલ વાયા દિલ પાસ થઈ જશે ! હી હી હી

ઝિંગ થિંગ
'મારી માનો જીવન અંગેનો દ્રષ્ટિકોણ આગવો રહેતો. એમણે મને કહેલું કે ક્યારેય ખર્ચ ઘટાડવા માટે વિચારવા પર સમય બરબાદ ન કરવો. એટલી શક્તિ આવક વધારવા માટે લગાડવી !' (શાહરૃખખાન)

Post Comments