Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અન્તર્યાત્રા - ડો.સર્વેશ પ્ર. વોરા

તરવૈયા જૂદા, ડૂબનારા જૂદા, જાત જૂદી, વાત જૂદી

''જગતનાં મોજાં એની રીતે ભલે ઊછળે-પડે, ભલે ભરતી-ઓટ થાય, હું તો અનંત મહાસાગર છું. મારામાં કોઈ જ વધારો ઘટાડો નથી થતો.''

તમે તિબેટવાસીઓ જોયા છે? ચીના જુઓ, મોંગોલિયન જુઓ, તિબેટિયન જુઓ. સરખા જ લાગે. પછી ચીના પાસે મોંગોલિયન ભાષામાં વાત કરો કે મોંગોલિયન પાસે તિબેટી ભાષામાં વાત કરો, શું પ્રતિભાવ મળશે? એ લોકોને કશું જ સમજાશે નહીં, આ બધા માત્ર દેખાવમાં સરખા લાગે, હકીકતમાં પનારો પડે ત્યારે સમજાય કે સરખા નથી.

અન્તર્યાત્રામાં વિજ્ઞાાનમાં વ્યક્તિત્વના વર્ગો પાડીએ તો એના માપદંડ જુદા હોય. ચહેરો મહોરો નહીં, ભાષા નહીં, ચાંપલાઈ નહીં, ધર્મગ્રન્થોનો પોપટપાઠ નહીં. કેટલી કથાઓ, કેટલાં વ્યાખ્યાનો સાંભળ્યા તેના સિવાય (રેકોર્ડ) નહીં, કેટલા ઉપવાસો ને કેટલી અગિયારસો કરી તે નહીં ત્યાં તો તરવૈયા અને તરતાં જાણનારા એમ ભેદ પડે! કેમ ખબર પડે કે અમુક જણ તરવૈયા છે ને અમુક તરતાં નથી જાણતા? બસ, અહીં જ હજારો મણનું રહસ્ય છે. નરી આંખે દેખાતાં દ્રશ્યમાં તમે તરત કહી શકો કે ફલાણા ભાઈ તરવૈયા છે ને ઢીકણાને તરતાં નથી આવડતું. તમે કોઈપણ સ્વિમિંગ પૂલ પાસે તમારા બે મિત્રોને લઈ જાવ. પછી પડકાર ફેંકો. ઘડી-બે ઘડીમાં પુરાવો હાજર.

પરંતુ નહીં, અન્તર્યાત્રાની દુનિયામાં તમે તરતાં જાણો છો કે નહીં એ માત્ર તમને જ ખબર પડે, અનુભૂતિથી ખબર પડે. તમારી નરી આંખોથી નહીં, અરે, કોઈ અન્યનો અભિપ્રાયથી પણ નહીં. અન્ય વ્યક્તિ તરણવીર છે કે નહીં એ વિષે પણ ખબર ના પડે.
કારણ કે અન્તર્યાત્રામાં ''તરવા''નો સંદર્ભ જ જુદો છે.
અર્થ જુદો છે. ઈશારો જુદો સંકેત કરે છે.
નરી આંખે દેખાતો દરિયો અહીં અભિપ્રેત જ નથી.
અહીં તો જગત અને જિન્દગી જ સાગર છે, દરિયો છે.

ડૂબવું એટલે શું? ડૂબવું એટલે ખતમ થવું. જગત જાણવાની ઈચ્છા સાબૂત હોવા છતાં જગત માણી ના શકો. હૈયું, મસ્તક, હાથ, સંપત્તિ, સાધનો હોવા છતાં નિરર્થકતા મહેસૂસ કરવી. એક પ્રશ્ન છે : શું અધ્યાત્મની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા પણ નિરર્થકતા ને નિર્વેદ નથી અનુભવતા? એ લોકોને ''ખતમ થયેલા'' કેમ ન કહેવા? એ લોકોનું ખતમ થવું સાવ જૂદું હોય છે. ''ન મિલી નારી તો સહેજે બાવા સન્યાસી''વાળી પલાયન વૃત્તિ કે વાસના સફળ ન થવાથી 'જીવતાં મરેલા' જેવો એમનો ખેલ હોતો નથી. એ લોકોને નિરર્થકતામાં સાર્થકતાનો ઓડકાર થાય છે.

તમે એવા સાધુઓના પનારે પડયા છો? જે લાગ મળતાં અંતેવાસીઓનાં સાંસારિક જીવનની લાલસાપૂર્વક પૂછપરછ કરી લે? જે ધનવાનોને જોઈને લાળ કાઢે અથવા તો તીવ્ર નફરત કરે? (હા, તીવ્ર નફરત અને લાળ કાઢવી - બન્ને એક સિક્કાની જ બે બાજુઓ છે). આવી હાલત વમળમાં ડૂબકાં ખાતા, જીવતાં મરેલાઓની હોય છે, જે ખરેખર દયનીય કહેવાય.

અને તરવું એટલે?
ડૂબવાની પૂરી શક્યતા હોય છત્તાં જાતને સાબૂત રાખવી. જગત એટલે સુખ દુ:ખનાં ક્ષણિક મોજાં. અષ્ટાવક્ર-સંવાદમાં અદ્ભુત પંક્તિઓ છે :

''ઉદેતુ વાસ્ત માયાતુ: જગદવીચિ: સ્વભાવત:
મયિ અનન્ત મહામ્બોદ્યૌ, ને મે વૃદ્ધિ: નમે ક્ષતિ: ।।

''જગતનાં મોજાં એની રીતે ભલે ઊછળે-પડે, ભલે ભરતી-ઓટ થાય, હું તો અનંત મહાસાગર છું. મારામાં કોઈ જ વધારો ઘટાડો નથી થતો.''

તમને સવાલ થશે કે આવી સૂફિયાણી વાતો આશ્રમો, સાધુસંતો, વ્યાવસાયિક પ્રવચનકારો પાસે સાંભળી સાંભળીને હવે વમન થાય છે, અને ખરેખર તીવ્ર સુખ કે દુ:ખ આવે ત્યારે આવી કોઈ કેસેટ કામ નથી લાગતી. ભલા ભાઈ, તમને કોણે કહ્યું કે આ સત્ય સાંભળી-વાંચીને 'તરતાં' આવડી જાય?

ભઈલા, તરવા માટે પાણીમાં ખાબકવું પડે, વમળનો સામનો કરવો પડે. તકલીફ એ છે કે ખાબકે છે બધા, પણ વમળ એમનો ભોગ લઈ લે છે. નાનપણની ઘટના યાદ આવે છે : અલબત્ત, નિષ્ફળતાની ઘટના. કાંદીવલીના જનસુખ નિવાસનાં મામા-મામીનાં ઘરનાં મધુર સ્મરણો કદી ભૂલાય નહીં. જનસુખ નિવાસમાં એક વિશાળ કૂવો. રહેવાસીઓ માટે એ ખૂબ લોકપ્રિય સ્વિમિંગ પૂલ હતો.

મામા તરવાના ચેમ્પિયન. એમનો એક બુનિયાદી સિદ્ધાન્ત. પાણીમાં પડતાં હાથપગ ચલાવો એટલે આપોઆપ તરતાં આવડી જાય. આ લખનારના બધા સમોવડિયા તરવામાં ઉત્સાદ બની ગયેલા. મામાએ એકવાર મને 'દીક્ષા' આપવાનું નક્કી કર્યું. કૂવાનું ઊંડાણ બહુ નહોતું. એમણે ધીરેથી ધક્કો માર્યો, સાથે પોતે પણ કૂદ્યા. પણ આ લખનારના તો હોશકોશ ઊડી ગયા. હાથ-પગ ચલાવવાનું, તો ક્યાંય ભૂલાઈ ગયું, ને મોઢેથી માત્ર બૂમો : ''બચાવો-બચાવો''. બચી ગયા, મામાએ પ્રેમપૂર્વક બચાવી લીધા. તરતાં ન આવડયું ને હવે જગ-સમુદ્ર તરવાનાં ભાષણો કરવા ફરીએ છીએ!

તરતાં આવડે એને પાણીનો ડર રહે નહીં. એ પાણીને નફરત કરે નહીં. એક મજેદાર વિચિત્રતા જુઓ કે જે પાણીમાં તમને ડૂબાડવાની તાકાત છે, એ જ પાણી તમને તરતાં શીખાવે છે. હા, શરત છે સંકલ્પની. જેનામાં તરવાનો સંકલ્પ જાગે એ બહારથી બધાં જેવો લાગે, પણ એની સમજ બદલી જાય. એક તરવૈયો બીજા તરવૈયાની ભાષા સમજી શકે. તરવાની વાત કરવી અને તરવું : આ બન્ને વચ્ચે જેટલો જબરદસ્ત તફાવત છે જેટલો લાડુ બનાવીને ખાવા અને લાડુની 'રેસીપી' વાંચવા વચ્ચે હોય!

તમે ઈર્ષ્યાળુ, ઝનૂની તો જ બનો જો દુનિયાનાં વમળમાં ફસાયા હો. હિન્દી ફિલ્મોમાં તમે અમુક નાયક-નાયિકા કે નાયક-ખલનાયકની જોડી વિશે 'પ્રેડિક્ટ' કરી શકો, ખાતરીથી કહી શકો. જે લોકો વાતો ભલે ઊંચી ઊંચી કરતા હોય, પણ હકીકતમાં વમળમાં ફસાયા હોય - એમની ગણતરી ડૂબનારામાં થાય. હા, કદાચ 'ડૂબી રહ્યા છીએ' એટલી જરા સરખી જાગૃતિ એમને જાત-પરિવર્તન તરફ લઈ જાય, તરવૈયા બનવાનું એ પ્રથમ પગથિયું બને.

Post Comments