Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

World Cup 2018: આ દિગ્ગજો વચ્ચે જામશે STARWAR

રોમન સમ્રાટો યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ વિજયોત્સવ મનાવવા માટે હરીફોના માથાં વાઢીને તેને ઠોકરો મારીને આનંદ માણતા હતા.

સમય જતાં આ પદ્ધતિમાં પરિવર્તન આવ્યું અને માથાંનું સ્થાન દડાએ લીધું અને જન્મ થયો ફૂટબોલ નામની રમતનો. એમ પણ કહેવામાં આવે છે કે અંગ્રેજો કબ્રસ્તાનમાં જઇને કબરો ખોદી તેમાંથી ખોપરી બહાર કાઢીને તેનો ફૂટબોલ તરીકે ઉપયોગ કરતા.

આ કિવંદતી છે, સાચું-ખોટું ઇશ્વર જાણે. પરંતુ 'ધ બ્યુટિફૂલ ગેમ' તરીકે ઓળખાતી ફૂટબોલ આજના સમયે વિશ્વમાં સૌથી લોકપ્રિય  રમત હોવાના દાવાને કોઇ પણ નકારી શકે તેમ નથી. ફૂટબોલના મહાકૂંભ એટલે કે 'ફિફા વર્લ્ડકપ-૨૦૧૮' નો ૧૪ જૂનથી રશિયા ખાતે પ્રારંભ થવા જઇ રહ્યો છે.

જેમાં વિશ્વની શ્રેષ્ઠ  ૩૨ ટીમ વચ્ચે સર્વોપરિતાનો જંગ ખેલાશે. ૧૫ જુલાઇ સુધી ખેલાનારા ફિફા વર્લ્ડકપની આ ૨૧મી આવૃત્તિમાં ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમમાં કુલ ૬૪ મુકાબલા ખેલાશે. ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં આ વખતે કયા સુપરસ્ટાર પ્લેયર્સ પર નજર રહેશે તેના ઉપર 'કિક ઓફ્' કરીએ....


ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

જન્મ : ૫ ફેબુ્રઆરી ૧૯૮૫, ટીમ : પોર્ટુગલ, ક્લબ : રિયલ મેડ્રિડ

પોઝિશન : ફોરવર્ડ, પોર્ટુગલ માટે દેખાવ: ૧૪૯ મેચમાં ૮૧ ગોલ

હાલના સમયે ટેનિસનું નામ પડતા રોજર ફેડરર, ક્રિકેટનું નામ પડતા વિરાટ કોહલી યાદ આવે તેવું સ્થાન ફૂટબોલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું છે. ફૂટબોલની રમતમાં ઓછો રસ પડતો હોય તો પણ ખાસ સમય ફાળવીને ટેલિવિઝનમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને રમતા જોજો.

જાદૂઇ રમત કોને કહેવાય તે રોનાલ્ડોને જોતા જ માલૂમ પડી જશે. ૨૦૧૬માં પોર્ટુગલને યુરો કપમાં ચેમ્પિયન બનાવવામાં રોનાલ્ડોની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી હતી. રોનાલ્ડોના શાનદાર દેખાવથી જ પોર્ટુગલે ક્વોલિફાઇંગ રાઉન્ડના ગૂ્રપ સ્ટેજમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું.

રોનાલ્ડો ચાર વખત બેલ્લોન ડી'ઓર એટલે કે ફિફા દ્વારા અપાતા વર્ષના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરની ટ્રોફી જીતી ચૂક્યો છે. રોનાલ્ડો પોર્ટુગલ માટે પ્રથમ મેચ ૨૦૦૩માં રમ્યો ત્યારે તેની ઉંમર ૧૮ વર્ષ હતી.  છેલ્લા પાંચ વર્ષમાં રોનાલ્ડોએ ૪૦ મેચમાં ૩૪ ગોલ ફટકારેલા છે. અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રેગન ઉપરથી પ્રેરાઇને માતા-પિતાએ તેનું નામ રોનાલ્ડો રાખ્યું હતું.

બાળપણમાં રોનાલ્ડો એન્ડોરિના નામની ક્લબ સાથે જોડાયેલો હતો અને ત્યાં જ તેના પિતા આ બાળકોને કિટ આપવાનું કામ કરતા હતા.  રોનાલ્ડો ૧૫ વર્ષનો હતો ત્યારે તેનું હૃદય સામાન્ય કરતા વધુ ધડકવાની બિમારી હતી. આ બિમારીને કારણે તેને ફૂટબોલની રમત તો શું આજીવન દોડવાનું પણ ત્યજવું પડે તેમ હતું.

પરંતુ બાળપણથી મક્કમ મિજાજ ધરાવતા રોનાલ્ડોએ લેસરથી કરાયેલી સારવારના ત્રીજા જ દિવસે  ફૂટબોલમાં રમવાનું શરૃ કર્યું હતું. રોનાલ્ડોના માતા-પિતા તેમના પુત્રની પ્રતિભા પારખી ગયા હતા. આથી તેમણે  તેમનો પુત્ર ફૂટબોલની રમત પર પૂરું ધ્યાન આપી શકે માટે રોનાલ્ડો પાસે શાળાનું શિક્ષણ અધવચ્ચે જ મૂકાવી દીધું હતું. આજે રોનાલ્ડોનો સમાવેશ વિશ્વના સૌથી ધનાઢય ફૂટબોલરમાં કરવામાં આવે છે.


લિયોનેલ મેસ્સી

જન્મ : ૨૪ જૂન ૧૯૮૭, ટીમ : આર્જેન્ટિના, ક્લબ : બાર્સેલોના

પોઝિશન : ફોરવર્ડ, આર્જેન્ટિના માટે દેખાવ : ૧૨૪ મેચમાં ૬૪ ગોલ

૧૯૯૦ના દાયકામાં સચિન તેંડુલકર-બ્રાયન લારા, હાલ ટેનિસમાં રોજર ફેડરર-રફેલ નડાલ વચ્ચે જેવી સ્પર્ધા છે તેવી જ ફૂટબોલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો-લિયોનેલ મેસ્સી વચ્ચે રસપ્રદ સ્પર્ધા  જોવા મળી રહી છે.

આ વખતે વર્લ્ડકપમાં પણ મેસ્સી અને રોનાલ્ડોમાંથી કોણ ચઢિયાતું પુરવાર થાય છે તે જોવું રસપ્રદ રહેશે. મેસ્સીના પિતા સ્ટિલ ફેક્ટરીમાં મેનેજર હતા . મેસ્સીએ ત્રણ વર્ષની ઉંમરથી જ ફૂટબોલ રમવાનું શરૃ કરી દીધું હતું. ચાર વર્ષની ઉંમરે તે સ્થાનિક ક્લબ ગ્રાન્ડોલી માટે જોડાયો હતો.

૧૦ વર્ષની ઉંમરે મેસ્સીને ગ્રોથ  હોર્મોન ડેફિસિયેન્સીની બિમારી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે તેની પ્રોફેશ્નલ કારકિર્દી  સામે પ્રશ્નાર્થ સર્જાવવા લાગ્યા હતા. મેસ્સીની સારવાર કરાવવા માટે પિતા પાસે પૂરતા નાણા પણ નહોતા અને તે સમયે આર્જેન્ટિનાની આથક સ્થિતિ પણ ખાડે ગઇ હતી. આ સમયે બાર્સેલોના ક્લબે આ યુવા પ્રતિભાશાળી પ્લેયરનો તબીબી ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી.

પોતાના કપરા સમયમાં બાર્સેલોના ક્લબે કરેલી મદદ મેસ્સી હજુ પણ ભૂલ્યો નથી અને એટલે જ તે આજે પણ બાર્સેલોના સિવાય અન્ય કોઇ ક્લબ સાથે જોડાયો નથી. મેસ્સીના પિતા સ્પેનિશ હોવાથી તે સ્પેન માચે રમવાની પણ માન્યતા ધરાવે છે. ૨૦૦૩થી સ્પેને મેસ્સીને પોતાની જુનિયર ટીમમાં સમાવવા પૂરતા પ્રયાસો કર્યા હતા.

 જેની સામે આર્જેન્ટિના ફૂટબોલ એસોસિયેશને પણ મેસ્સી આર્જેન્ટિના સાથે જ જોડાયેલો રહે તેના માટે કોઇ કચાશ બાકી રાખી નહીં. ૨૬ જૂન ૨૦૧૬ના કોપા અમેરિકાની ફાઇનલમાં ચિલી સામે પેનલ્ટી શૂટ આઉટ ચૂકી ગયા બાદ મેસ્સીએ નિવૃત્તિ જાહેર કરી હતી. મેસ્સીને નિવૃત્તિ પાછી ખેંચવા માટે ચાહકોએ અનુરોધ કર્યો અને તેના માટે ખાસ કેમ્પેઇન પણ ચાલ્યું હતું. મેસ્સીએ ૧૨ ઓગસ્ટ ૨૦૧૬ના નિવૃત્તિ પાછી ખેંચી હતી. મેસ્સી તેના સ્વર્ગસ્થ દાદાને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે જ ગોલ ફટકાર્યા બાદ તે આકાશ તરફ જોઇને તેના દાદાને યાદ કરી લે છે.


નેમાર

જન્મ : ૫ ફેબુ્રઆરી ૧૯૯૨

ટીમ : બ્રાઝિલ, ક્લબ : પેરિસ સેન્ટ જર્મેઇન

પોઝિશન : ફોરવર્ડ

બ્રાઝિલ માટે દેખાવ : ૮૩ મેચમાં ૫૩ ગોલ

૨૦૦૯માં યોજાયેલા અંડર-૧૭ ફિફા વર્લ્ડકપમાં એક યુવા પ્લેયરે  જાપાન સામેની પ્રારંભિક મેચમાં ગોલ ફટકાર્યો હતો. આ યુવા પ્લેયરના ગોલથી પેલે અને રોમેરિયો જેવા સુપરસ્ટાર પ્લેયર્સ એટલા પ્રભાવિત થયા કે તેમણે બ્રાઝિલની ટીમના તત્કાલીન કોચ ડુંગાને  સિનીયર ટીમમાં તેને સમાવવા માટે વારંવાર અનુરોધ કર્યો હતો.

દિગ્ગજોને પ્રભાવિત કરનારો આ યુવા પ્લેયર એટલે નેમાર. ૨૦૧૦ની ફિફા વર્લ્ડકપની ટીમમાં સ્થાન અપાવવા માટે ૧૪ હજાર લોકોએ હસ્તાક્ષર કરીને પિટિશન પણ દાખલ કરી હતી. પૂર્વ સ્ટાર્સ અને ચાહકોની માગ છતા ડુંગા નેમારને સિનીયર ટીમમાં સમાવવા માટે તૈયાર થયા નહીં. ડુંગાનું માનવું હતું કે નેમાર પ્રતિભાશાળી છે પરંતુ વર્લ્ડકપ જેવી ટુર્નામેન્ટમાં તેના જેવા બિનઅનુભવીને  સમાવવો જુગાર ખેલવા સમાન છે.

હવે આ ઘટનાને ૮ વર્ષ થયા છે અને તેમાં ચિત્ર સંપૂર્ણ બદલાઇ ગયું છે. નેમાર હવે બ્રાઝિલની ટીમનો મહત્વનો પ્લેયર છે. બ્રાઝિલની સિનીયર ટીમ માટે ૮૪ મેચમાં ૫૪ ગોલ ફટકાર્યા છે. ૨૦૧૪ના ફિફા વર્લ્ડકપમાં નેમાર ગોલ્ડન બૂટ માટે દાવેદાર હતો અને તેની ફિફાની ઓલસ્ટાર ટીમમાં પણ પસંદગી કરવામાં આવી હતી.

૨૦૧૭-૧૮ની સિઝનથી નેમાર પેરિસ સેન્ટ જર્મેઇન સાથે જોડાયો છે અને તેણે ૨૦ મેચમાં ૧૯ ફટકાર્યો છે. ગત સપ્તાહે ક્રોએશિયા સામેની ફ્રેન્ડલી મેચ સાથે નેમારે ઈજામાંથી પુનરાગમન કર્યું છે, જેમાં તેણે ગોલ ફટકારી ફોર્મના પણ સંકેત આપ્યા છે.


લુઇ સુઆરેઝ

જન્મ : ૨૪ જાન્યુઆરી ૧૯૮૭, ટીમ : ઉરુગ્વે, ક્લબ : બાર્સેલોના

પ્લેઇંગ પોઝિશન :સ્ટ્રાઇકર, ઉરુગ્વે માટે દેખાવ : ૯૭ મેચમાં ૫૦ ગોલ

છેલ્લા ૮ વર્ષમાં ઉરુગ્વે ૨૦૧૦ વર્લ્ડકપની સેમિફાઇનલમાં, ૨૦૧૧માં કોપા અમેરિકામાં ચેમ્પિયન બનીને સારો દેખાવ કરી શક્યું તેમાં લુઇ સુઆરેઝનો દેખાવ નિર્ણાયક રહ્યો હતો. હાલના સમયના સર્વશ્રેષ્ઠ  સ્ટ્રાઇકરની યાદી તૈયાર કરવામાં આવે તો તે સુઆરેઝના સમાવેશ વિના અધૂરી ગણાશે.

ઉરુગ્વે ટીમનું ડિફેન્સ ખૂબ જ મજબૂત છે અને તેમની સામે ગોલ કરવા મુશ્કેલ ગણવામાં આવે છે. ડિફેન્સની સામે તેમને સુઆરેઝનો મજબૂત ટેકો મળશે. સુઆરેઝના ૭ ભાઇ પૈકીનો એક ભાઇ પાઓલો સુઆરેઝ પણ ઉરુગ્વે માટે રમી ચૂક્યો છે. સુઆરેઝનું બાળપણ ખૂબ જ સામાન્ય સ્થિતિમાં પસાર થયું છે અને તેણે ગુજરાન ચલાવવા માટે સફાઇ કામદાર તરીકે પણ કામ કર્યું છે.


પૌલો ડયબાલા

જન્મ : ૧૫ નવેમ્બર ૧૯૯૩,

ટીમ : આર્જેન્ટિના, ક્લબ : જુવેન્ટસ

પોઝિશન : ફોરવર્ડ/અટેકિંગ મિડફિલ્ડર

આર્જેન્ટિના માટે દેખાવ : ૧૫ મેચમાં ૦ ગોલ

પોલો ડયાબાલા એવો પ્લેયર છે જેણે ક્લબ ફૂટબોલમાં સારો દેખાવ કર્યો છે પરંતુ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં હજુ સુધી સુધી પ્રતિભાને ન્યાય આપી શક્યો નથી. ૨૩ વર્ષીય ડયબેલાએ જુવન્ટસ માટે ૯૮ મેચમાં ૫૨ ગોલ ફટકારેલા છે. વર્તમાન સિઝનમાં ડયબેલાએ ૧૦ ગોલ ફટકારેલા છે.

ફૂટબોલના નિષ્ણાતો ડયબેલાની સરખામણી અત્યારથી જ આર્જેન્ટિનાના આગામી લિયોનેલ મેસ્સી તરીકે કરવા લાગ્યા છે. રમવાની અનોખી શૈલીને કારણે ડયબેલાને લા જોયા તરીકે ઓળખવામાં આવે, જેનો સ્પેનિશમાં અર્થ થાય છે ચળકાટ ધરાવતો હીરો. ડયબેલાના વંશજોને કારણે તે પોલેન્ડ અને ઇટાલી માટે રમવાની પણ માન્યતા ધરાવે છે.


મોહમ્મદ સાલાહ

જન્મ : ૧૫ જૂન ૧૯૯૨, ટીમ : ઇજીપ્ત, ક્લબ : લીવરપુલ

પોઝિશન : ફોરવર્ડ, ઇજીપ્ત માટે દેખાવઃ ૫૭ મેચમાં ૩૩ ગોલ

સદીઓ અગાઉ ઇજીપ્તના શહેનશાહ માટે 'ધ ફેરાહો' નામના શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. સદીઓ બાદ ઇજીપ્તના ફૂટબોલપ્રેમીઓ 'ધ ફેરાહો' તરીકે તેમના સુપરસ્ટાર ફૂટબોલર મોહમ્મદ સાલાહને સંબોધે છે. કેમ ના કરે? આખરે છેલ્લા કેટલાક સમયથી મોહમ્મદ સાલાહનો દેખાવ પણ ફૂટબોલના શહેનશાહ જેવો જ રહ્યો છે.

મોહમ્મદ સાલાહે ૨૦૧૧માં આંતરરાષ્ટ્રીય કારકિલર્ગનિો  પ્રારંભ કર્યો હતો. હાલના સમયમાં સાલાહ તેની સ્પિડ, ડ્રીબ્લિંગ, બોલ પર નિયંત્રણ માટે સર્વશ્રેષ્ઠ  ગણવામાં આવે છે. ઇજીપ્ત ૧૯૯૦ બાદ પ્રથમવાર ફિફા વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થયું છે તેમાં સાલાહની ભૂમિકા નિર્ણાયક રહી છે. ફિફા વર્લ્ડકપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સાલાહે પાંચ ગોલ ફટકાર્યા હતા.

સાલાહ ૨૦૧૪થી ૨૦૧૬માં ચેલ્સી, ૨૦૧૬-૧૭માં રોમા ક્લબ સાથે જોડાયેલો હતો. ૨૦૧૭માં લિવરપુલ સાથે કરારબદ્ધ થયા બાદ તે બરાબરનો ખીલ્યો છે. લિવરપુલ માટે સાલાહે ૩૬ મેચમાં ૩૨ ગોલ ફટકાર્યા છે. ગત મહિને રિયલ મેડ્રિડ સામે  યુઇએફએ ચેમ્પિયન્સ લીગની ફાઇનલની ૩૦મી મિનિટમાં સાલાહને ખભાની ઈજા થઇ હતી. આ ઈજાને કારણે સાલાહ ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં રમી શકશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ છે.


કૈલિન એમ્બેપે

જન્મ : ૨૦ ડિસેમ્બર ૧૯૯૮, ટીમ : ફ્રાન્સ, ક્લબ : મોનેકો

પોઝિશન : ફોરવર્ડ,ફ્રાન્સ માટે દેખાવ : ૪૧ મેચમાં ૧૬ ગોલ

'કયો યુવા પ્લેયર ફેવરિટ છે?' તેવો સવાલ ફ્રાન્સના ફૂટબોલ પ્રેમીઓને પૂછવામાં આવે તો તેમાંથી મોટાભાગનાનો એકમાત્ર જવાબ  કૈલિન એમ્બેપ્પે જ હશે. હાલમાં કૈલિન એમ્બપ્પેની ગણના લીગ-૧ના સર્વશ્રેષ્ઠ  ફૂટબોલરમાં થાય છે.  એમ્બપ્પેએ ગત વર્ષે યુઇએફએ ચેમ્પિયન્સ લીગમાં ૬ ગોલ ફટકારીને એએસ મોનેકોને સેમિફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

ગત વર્ષે માર્ચ ૨૦૧૭માં લક્ઝમબર્ગ સામે રમીને કારકિર્દી આરંભી ત્યારે તેની ઉંમર ૧૮ વર્ષ હતી. આમ ત ફ્રાન્સની ફૂટબોલ ટીમ માટે રમનારો બીજો સૌથી યુવા પ્લેયર બન્યો હતો. એમ્બપ્પેએ નેધરલેન્ડ્સ સામે વર્લ્ડકપ ક્વોલિફિકેશનમાં આંતરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રથમ ગોલ ફટકાર્યો હતો. એમ્બેપ્પેને ફ્રાન્સનો બીજો થિયેરી હેનરી ગણવામાં આવી રહ્યો છે.


ઇસ્કો

જન્મ : ૨૧ એપ્રિલ ૧૯૯૨

ટીમ : સ્પેન, ક્લબ : રિયલ મેડ્રિડ

પોઝિશન : અટેકિંગ મિડફિલ્ડર

સ્પેન માટે દેખાવ : ૨૬ મેચમાં ૧૦ ગોલ

આ વખતે સ્પેનની ટીમને વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ ગણવામાં આવે છે. જેનું કારણ એ છે કે તેમની ટીમ સંતુલિત છે અને ચઢિયાતા મિડફિલ્ડર્સ છે. આ ચઢિયાતા મિડ ફિલ્ડર્સમાં ફ્રાન્સેસ્કો રોમન એર્લાકોન સુઆરેઝનો સમાવેશ થાય છે અને ઇસ્કો તરીકે વધુ ઓળખાય છે. તાજેતરમાં ઇટાલી અને સ્પેન વચ્ચે મુકાબલો ખેલાયો હતો.

આ મુકાબલા બાદ ઇટાલીના પ્લેયર માર્કો વેર્રાટ્ટીએ એકરાર કર્યો હતો કે મેં આવા શ્રેષ્ઠ પ્લેયર ઓછા જોયા છે. મેચની વચ્ચે હરીફ હોવાનું ભૂલીને મને તેના માટે તાળીઓ પાડવાની લાલચ થઇ ગઇ હતી.  ૨૭ માર્ચ ૨૦૧૮ના આર્જેન્ટિના સામેની મેચમાં ઇસ્કોએ હેટ્રિકની પણ સિદ્ધિ હાંસલ કરી હતી. વર્લ્ડકપમાં તે સ્પેનનો ટેક્નિકલ લીડર રહેશે તેમ મનાય છે.


ગેબ્રિયલ જીસસ

જન્મઃ૩ એપ્રિલ ૧૯૯૭,  ટીમ : બ્રાઝિલ, ક્લબ : માન્ચેસ્ટર સિટી

પોઝિશન : ફોરવર્ડ, બ્રાઝિલ માટે દેખાવ : ૧૫ મેચમાં ૯ ગોલ

'શું ગેબ્રિયલ જીસસ વિશ્વનો સર્વશ્રેષ્ઠ  યુવા ફૂટબોલર છે?'  આ સવાલનો ઉત્તર છે 'હા'. હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં કોઇ ટીમ માટે સૌથી યુવા પરંતુ મહત્વનો પ્લેયર હોય તો તે ગેબ્રિયલ જીસસ છે. ૨૦ વર્ષીય  ગેબ્રિયલે વર્લ્ડકપ ક્વોલિફાયર્સમાં ૧૦ મેચમાં ૭ ગોલ અને ૩ આસિસ્ટ કર્યા  છે.

ગેબ્રિયલે ખૂબ જ ઓછા સમયમાં બ્રાઝિલની ટીમમાં કાયમી સ્થાન જમાવી દીધું છે.૨૦૧૬ની ઓલિમ્પિક્સમાં બ્રાઝિલે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તેમાં પણ ગેબ્રિયલનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું.  ફૂટબોલ નિષ્ણાતોના મતે આ વખતે બ્રાઝિલનો દેખાવ કેવો રહેશે તેનો મદાર ગેબ્રિયલના ફોર્મ પર રહેશે. ગેબ્રિયલ ખૂબ જ ધામક છે. તેણે ૩૩ નંબરની જર્સી ઉપર પણ એટલે જ પસંદ ઉતારી છે કેમકે જીસસ ક્રાઇસ્ટે વિદાય લીધી ત્યારે તેમની ઉંમર પણ ૩૩ જ હતી.


થોમસ મુલર

જન્મ : ૧૩ સપ્ટેમ્બર ૧૯૮૯

ટીમ : જર્મની, ક્લબ : બાર્યન મ્યુનિક

 પોઝિશન : ફોરવર્ડ

જર્મની માટે દેખાવ : ૯૦ મેચમાં ૩૮ ગોલ

જર્મનીની ટીમ ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડકપમાં ચેમ્પિયન બની તેમાં થોમસ મુલરનો દેખાવ ખૂબ જ મહત્વનો રહ્યો હતો. મુલરે ૨૦૧૦ના ફિફા વર્લ્ડકપમાં છ મેચમાં પાંચ ગોલ ૨૦૧૪ના વર્લ્ડકપમાં પાંચ એમ કુલ ૧૦ ગોલ ફટકારી ચૂક્યો છે. આમ, ફિફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ ફટકારવામાં મુલર સાતમા સ્થાને છે.

આમ, મુલર આ વખતના વર્લ્ડકપમાં ૭ ગોલ ફટકારે ફિફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ બનાવી શકે છે. આ વખતે સૌથી વધુ ગોલ ફટકારવા માટે સટ્ટાબજારમાં થોમસ મુલર પર જ સૌથી વધુ ભાવ લગાવાઇ રહ્યો છે. મુલરની ખાસિયત એ છે કે તે અટેકિંગ મિડફિલ્ડર, સેકન્ડ સ્ટ્રાઇકર, સેન્ટર ફોરવર્ડ એમ વિવિધ ભૂમિકા અદા કરી શકે છે.


વર્લ્ડકપ ફૂટબોલ સ્પેશિયલ: ભવેન કચ્છી,
રામકૃષ્ણ પંડિત,  ચિંતન બુચ, પ્રદીપ ત્રિવેદી

Keywords fifa,world,cup,2018,STAR,WAR,

Post Comments