Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાર્તા-ભ્રમર વૃત્તિ

મને એ વાતનો ખ્યાલ નહોતો રહ્યો કે કુદરતને કોઈ જકડી રાખી શકતું નથી.  સમયનું એકધારી ગતિએ ફરતું ચક્ર એક એવું સનાતન સત્ય છે, જેને કોઈ બંધનમાં બાંધી શકતું નથી. જોકે ત્યારે  મારું મન કેવા વિચિત્ર નશામાં ચકચૂર રહેતું હતું! કેવું આકર્ષણ હતું કે હું રાતદિવસ મોહનનું પડખું સેવવા વ્યાકુળ રહેતી...

ચોમાસું હોવાથી આકાશમાં વાદળાં છવાયેલાં હતાં. ક્યારેક ક્યારેક એકાદ ઝાપટું વરસી જતું અને થોડી વાર પછી ફરી વાદળાં ઘેરાવા લાગતાં. હું બારીમાં બેઠી બેઠી સામે ઊગેલાં ગુલમહોરનાં વૃક્ષોની કતાર જોઈ રહી હતી. પવનની સાથે વૃક્ષોની લહેરાતી ડાળીઓનું દ્રશ્ય મનમોહક લાગતું હતું.

ત્યાંથી થોડે દૂર ચર્ચની નવી, વિશાળ ઈમારત પણ નજરે ચડતી હતી. ચોમાસામાં તેના રંગરોગાન ખરાબ ન થઈ જાય, એટલા માટે ફાધરે આખી છત પર રંગબેરંગી પ્લાસ્ટિકની મોટી મોટી શીટો લગાવડાવી હતી. પવનના સપાટાથી ઊડતી રંગબેરંગી પ્લાસ્ટિક શીટો ખૂબ સુંદર લાગતી હતી.

નજર સામે આટલા સુંદર દ્રશ્યો હોવા છતાં મારું મન તો અતીતની અડાબીડ ગલીઓમાં ભટકવા લાગ્યું હતું. મનને બેલગામ ભટકવા ન દેવા હું નિરર્થક કામમાં મન પરોવવાનો પ્રયત્ન કરી રહી હતી. મને ચા પીવાની તલબ થઈ આવી, પણ  પછી મોહન જાગે એની રાહ જોવા લાગી, કેમ કે એને એકલા ચા પીવાનું નહોતું ગમતું.

એક દિવસ પહેલાં જ બારમા ધોરણનું પરિણામ  જાહેર થયું હતું. છાપામાં  આવેલી રાજ્યના પ્રથમ દસ, કેન્દ્રના પ્રથમ દસની યાદીમાં હું આખો દિવસ પ્રતીકનું ના શોધતી રહી. મારી બેચેનીનો ખ્યાલ કદાચ મોહનને પણ આવી ગયો હતો. છેવટે સાંજે એણે મને કહ્યું, ''આમ બેચેન રહે છે, એના કરતાં ફોન કરીને જ પૂછી લે ને?''

મનેય એની વાત યોગ્ય લાગી.  ફોનનું રિસીવર ઉઠાવી મેં ધડકતાં હૈયે અને ધુ્રજતી આંગળીએ નંબર જોડયો. મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો કે સમીર ફોન ન ઉઠાવે તો સારું. થોડી વારમાં સામેથી અવાજ સંભળાયો, ''હલ્લો... હલ્લો...''

પ્રતિમાનો અવાજ હું તરત જ ઓળખી ગઈ. અંતરમાં આનંદ અને દુ:ખના મિશ્રિત ભાવ ઊછળવા લાગ્યા. આખરે જેમતેમ કરી મારી  જાતને સ્વસ્થ કરતાં હું ધીમેથી બોલી, ''હલ્લો... પ્રતિમા... હું... હું વાત કરું છું...''
સામેથી થોડી વાર સુધી કંઈ જવાબ ન મળ્યો, ત્યારે  મારાથી ન રહેવાયું. મેં પૂછ્યું, ''હલ્લો પ્રતિમા... સાંભળે છે? પ્રતીક... પ્રતીકના કેટલા માર્ક્સ આવ્યા છે?''

ક્ષણભર કંઈક ગણગણાટ જેવું સંભળાયું, પછી પ્રતિમાની બૂમ સંભળાઈ, ''પ્રતીક... ભઈલા...'' એ પોતાના ભાઈને બોલાવતી હતી.

તે પછી પ્રતીકનો અવાજ સંભળાયો, ''હલ્લો... કહો, કોનું કામ છે?''

''બેટા, તારા માર્ક્સ કેટલા આવ્યા?'' મેં અધીરાઈથી પૂછ્યું.
પ્રતીકનો ચિડાયેલો અવાજ  આવ્યો, ''તમારે એ જાણીને શું કામ?''

''બેટા, મને હતું કે તારું નામ કેન્દ્રના પ્રથમ દસમાં તો હશે જ એટલે બધાં છાપાં ફેંદી નાખ્યાં... પણ... ખેર, છોડ એ વાત... આમ તો તારા માર્ક્સ સારા આવ્યા છે ને?''

''આ બધું પૂછવાનો હવે તમને કોઈ હક રહ્યો છે ખરો?  જે દિવસે તમે આ ઘરનો ઉંબરો ઓળંગ્યો, એ જ દિવસથી આપણા વચ્ચેનો સંબંધ પણ પૂરો થઈ ગયો. હવે પછી ક્યારેય આપ ફોન કરીને અમને પરેશાન કરવાનો પ્રયત્ન ન કરશો...'' કહી પ્રતીકે જોરથી રિસીવર પછાડયું. મારા કાનમાં ફોન કટ થઈ ગયા પછી પણ ડાયલ ટોનનો  કર્કશ સ્વર અંતરમાં શારડી ફેરવતો ગૂંજતો રહ્યો.

હું વ્યથિત નજરે મોહન તરફ જોઈ રહી. એ ધીમેથી  મારી નજીક આવ્યો   અને મારી પીઠ પર હાથ પસવારતાં બોલ્યો, ''છોડ ને આ બધી માથાકૂટ... શા માટે  આવું મન પર લે છે...'' કહેતાં એણે મને નજીક ખેંચી.

એ ક્ષણ એવી હતી, જ્યારે મારા જખ્મી અંતરને કોઈ સ્નેહભીની લાગણીના લેપની જરૃર હતી, જ્યારે મોહનની આંખોમાં વાસનાનાં સાપોલિયાં સળવળતાં હતાં. મેં કંઈક ગુસ્સાભરી નજરે એની સામે જોયું અને પછી મારો હાથ છોડાવી  રસોડામાં જતી રહી.

થોડાં સમય પછી  મોહને બહારથી જ બૂમ પાડી, ''રસોડામાં શું કરે છે, મોના? અહીં આવ ને...''

''હું નાસ્તો બનાવું છું.'' મેં શુષ્કતાથી જવાબ આપ્યો.

''અરે! એ બધું પછી કરજે ને... પહેલાં અહીં આવીને મારી સાથે બેસી વાત તો કર...''

''ના, મને  મારું કામ પૂરું કરવા દે...'' મેં મોટેથી કહ્યું, કેમકે મોહનની મનની વાતનો ખ્યાલ મને આવી ગયો હતો.

''પછી હું તને મદદ કરીશ... અરે, બે જણનો નાસ્તો બનાવવામાં કેટલી વાર લાગવાની?''

મનમાં અકળાતી હોવાથી મેં જવાબ આપવાનું ટાળ્યું. મોહને ખિજાઈને કહ્યું,  ''મેં તને કેટલી વાર કહ્યું છે કે ઘરનું બધું કામકાજ મારી ગેરહાજરીમાં પૂરું કરી લેવું. મારા આવ્યા પછી પણ જ્યારે જુઓ ત્યારે તું રસોડામાં જ ભરાઈને બેઠી હોય છો. મને એ નથી ગમતું...''

મોહનની વાત પ્રત્યે ધ્યાન જ ન આપતાં હું  મારું કામ કરતી રહી. મોહન તરત જ રસોડામાં  આવ્યો. ગેસ બંધ કરી એણે મને આલિંગનમાં જકડી લીધી. મેં માત્ર સામે જોયું, એટલે એણે બેડરૃમ તરફ  ઈશારો કર્યો તો હું કશું જ બોલ્યા વિના લાચાર બની યંત્રવત્  એની પાછળ દોરવાઈ.

મોહન કામ પર ગયો,  પછી હું સોફા પર ઊંધી પડી  પડી ક્યાંય સુધી રડતી રહી. મારા જીવનમાં એવો ઝંઝાવાત આવી ગયો હતો, જેના કારણે  મારું અસ્તિત્વ ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. બે સુખી પરિવારમાં મારા કારણે આગ લાગી ગઈ હતી. સમીરની વાત ખરેખર સાચી હતી કે, ''સ્ત્રી જ્યારે ઘર કે મર્યાદા ઓળંગી જાય, ત્યારે  એના માટે પાછા  ફરવા બધાં જ બારણાં બંધ થઈ જાય છે.''

યુવાનીમાં ડગ માંડતાં મારાં સંતાનોને માની હૂંફ વિનાનાં છોડવાનો અક્ષમ્ય અપરાધ હું કરી ચૂકી હતી એટલું જ નહીં, મોહનનાં બાળકો ઉપરથી પણ પિતાનું છત્ર ખસેડાવવામાં નિમિત્ત હું જ હતી. હવે આ બાળકો આજીવન એમનાં મનમાં કટુતાની ભાવના સંગ્રહીને જ જીવશે.

શા માટે મેં હાથે કરીને આ બરબાદી વહોરી લીધી? કદાચ મારી શારીરિક ભૂખ સંતોષવા માટે જ હું મોહન પ્રત્યે આકર્ષાતી રહી. ખરેખર, હું સાવ નિરંકુશ,  નિર્લજ્જ અને બેજવાબદાર બની ગઈ હતી. હું શું કરી રહી હતી,  એનો મને બિલકુલ ખ્યાલ જ નહોતો. વાસના એવી બાબત છે, જે માણસના વિવેક  અને બુદ્ધિ હરી લે છે. આ સંજોગોમાં માણસની પોતાના ઘર, પરિવાર કે સમાજ સાથે કંઈ નિસ્બત નથી હોતી.

વર્ષોથી મન પર છવાયેલાં વાદળાંને મેં વરસી જવા દીધાં. એ વિચારે મુશળધાર વરસાદ વરસ્યા પછી બધું ધોવાઈ જશે, ધીમે ધીમે બધું શાંત થઈ જશે.

મને એ વાતનો ખ્યાલ નહોતો રહ્યો કે કુદરતને કોઈ જકડી રાખી શકતું નથી.  સમયનું એકધારી ગતિએ ફરતું ચક્ર એક એવું સનાતન સત્ય છે, જેને કોઈ બંધનમાં બાંધી શકતું નથી. જોકે ત્યારે  મારું મન કેવા વિચિત્ર નશામાં ચકચૂર રહેતું હતું! કેવું આકર્ષણ હતું કે હું રાતદિવસ મોહનનું પડખું સેવવા વ્યાકુળ રહેતી...

એ બાબતમાં એક દિવસ સમીર સાથે મારે ઝઘડો  થયો હતો. સમીરે અત્યંત શાંત સ્વરે મને પૂછ્યું હતું,

''મોના, તું કાલે ફરી મોહન સાથે વુડલેન્ડમાં ગઈ હતી?''

''અમે બંને તો રોજ મળીએ છીએ.'' મેં નિર્લજ્જ ભાવે કહ્યું.

''સમીર તે વખતે યાચક સ્વરે બોલ્યા હતા, ''મારા પરિચિતોનું વર્તુળ ખૂબ મોટું છે અને તું પણ એ વાત જાણે છે. આમ છતાં તમે બંને આખો દિવસ શહેરમાં કે આસપાસ જ્યાં-ત્યાં રખડયા કરો છો...''

''તેમાં શું થઈ ગયું?'' મેં નફ્ફટ સ્વરે પૂછ્યું.

''શું થઈ ગયું એટલે? મોના, તારામોં સહેજ પણ લાજ-શરમ જેવું કંઈ છે ખરું? તું હવે નાની નથી. બે બાળકોની મા છે, એ વાત તો યાદ...''

''મોહન સાથેના મારા સંબંધ વિશે આખી દુનિયા જાણે છે... પછી શરમ શાની?''

''આમ ને આમ ક્યાં સુધી ચાલ્યા કરશે?''

''આજીવન... જ્યાં સુધી અમારા બેમાંથી કોઈ એક ન રહે ત્યાં સુધી...''

''મારે આ બધું ચૂપચાપ સહેતા રહેવાનું?''

''મેં તો તમને પહેલેથી જ ચેતવી દીધા હતા કે મોહન વિના હું નહીં રહી શકું. જો તમને અમારા સંબંધ સામે વાંધો હોય, તો હું આ ઘર છોડી જવા તૈયાર છું. બાળકોને પણ કંઈ ફેર  નહીં પડે. બેઉ હવે સમજદાર થઈ ગયાં છે... પોતાના નિર્ણય  જાતે લઈ શકે એમ છે...''

''તું નથી જાણતી મોના, કે તું કેટલી મોટી ભૂક કરી રહી છે, બાળકો અત્યારે વયની એવી નાજુક અવસ્થામાંથી પસાર થઈ રહ્યાં છે, જ્યારે તારા આવા વર્તનની તેમના જીવન પર અત્યંત ખરાબ અસર પડશે. હું તો તારી બેશરમી છેલ્લાં ચાર વરસથી મૂંગા મોંએ  સહેતો આવ્યો છું...  માત્ર બાળકો માટે જ... તું પણ બાળકોને ખાતર તારા પર સંયમ રાખતાં શીખ... હું તને વિનંતી કરું છું...''

મેં સહેજ ગુસ્સો થતાં કહ્યું, ''આ બાબતમાં બાળકોને વચમાં લાવવાની જરૃર નથી અને તમે પણ જેમ આજ સુધી સહન કરતા આવ્યા છો, એમ કરતા રહો.''

અમારી વચ્ચે ઊંચા અવાજે બોલાચાલી થતી સાંભળી પ્રતીક અને પ્રતિમા તેમના રૃમમાંથી બહાર આવ્યાં. અચાનક પ્રતીક મારી સામે તિરસ્કારભરી નજર નાખતાં ગુસ્સામાં બોલ્યો, ''પપ્પા, શા માટે એની સામે આમ કરગરો છો? તમારી સામે એ કશું જ નથી. એ મા તરીકે તો શું એક વડીલ તરીકેય  અમારી નજરમાંથી સાવ નીચે ઊતરી ગઈ છે. કાઢી મૂકો એને... અમારે એની આ ઘરમાં જરૃર જ નથી.''

''પ્રતીક, વધુ પડતું ન બોલ.'' હું મોટેથી બોલી.

''શા માટે ન બોલું? હજાર વાર બોલીશ. હવે ચૂપ નહીં રહેવાય. પપ્પાએ અને અમે ઘણુંબધું સહન કર્યું છે... આજે  અત્યારે જ તમે અમારા માટે મરી ચૂક્યા છો. નીકળી જાવ આ જ ઘડીએ આ ઘરમાંથી અને જાવ તમારા એ લફંગા મિત્ર સાથે જઈને રહો... આજ પછી ક્યારેય અમને તમારું આ કાળું મોઢું ન બતાવતા.''

બસ, ખલાસ! મારે તો ઘર છોડવાનું કોઈ બહાનું જ જોઈતું હતું. કાયમ માટે મોહન સાથે રહેવાની કલ્પનામાત્રથી મારો મનમયૂર નાચી ઊઠયો. હું કલ્પનાલોકમાં વિહરવા લાગી. જોકે આટલું થયા પછી પણ હું એટેચીમાં કપડાં ભરી રહી હતી, ત્યારે મનમાં ક્યાંક એવી આશા હતી કે સમીર મને જવા નહીં દે. મને મનાવીને રોકી લેશે, પણ આશ્ચર્ય! એ ત્રણે તો એકદમ શાંતિથી સોફા પર બેસી રહ્યાં હતાં.

ઘરમાંથી નીકળી મેં મુખ્ય માર્ગ પરથી રિક્ષા પકડી અને હું સીધી મોહનના ઘેર જઈ પહોંચી. તેણે મને જોતાં જ સાનંદાશ્ચર્ય પૂછ્યું, ''મોના, તું? આમ અચાનક? આવ આવ. પહેલાં આરામથી બેસ તો ખરી.''

આ દરમિયાન મોહનની પત્ની રૃમમાંથી બહાર આવી. એ પ્રશ્નસૂચક દ્રષ્ટિએ મારી સામે તાકી રહી. એને જોઈને મોહને કહ્યું,

''હવેથી મોના અહીં જ રહેશે.''

''અરે, પણ લોકો શું કહેશે?''

''હું કોઈની પરવા નથી કરતો...''

''બંને પણ ટેવાઈ જશે.'' મોહન પાસે જાણે દરેક સવાલનો જવાબ હતો.

''આમ ક્યાં સુધી ચાલશે?'' તેની પત્ની અલકાએ આ વખતે ધૃણાથી મારી સામે જોયું.

''મોના હવેથી કાયમ માટે અહીં જ રહેશે.'' મોહનના સ્વરમાં નિર્ણયની દ્રઢતા સ્પષ્ટ વર્તાતી હતી.

''એટલે કે... એ તમારી રખાત બનીને રહેવા તૈયાર છે?''

''અલકા... તને ભાન છે કે તું શું બોલે છે.'' મોહને ગુસ્સે થતાં કહ્યું.

''કેટકેટલાંનાં મોંએ તાળાં  મારવા જશો? આ રખડેલને તો એય ખબર નહીં હોય કે માનો પ્રેમ કોને કહેવાય, નહીંતર ઉંમરલાયક છોકરાંને છોડીને આ ઉંમરે શરીરની આગ ઠારવા અહીં દોડી આવી ન હોત. તમારા જેવા ધરાળ-ઉલાળ વિનાના માણસ માટે તો થોડું ઘણું પણ સમજી શકું, પરંતુ તમારા જેવાની પાછળ ઘેલી બનતી આ બૈરીને જોઈ મને નવાઈ લાગે છે...''

''અલકા, તું તારી જીભને કાબૂમાં રાખીશ કે નહીં?'' કહેતાં મોહને અલકાને તમાચો મારવા હાથ ઊંચો કર્યો, તો એ એક ડગલું પાછળ ખસી બોલી ઊઠી, ''ખબરદાર, મારા પર હાથ ઉગામવાની કે મને ધમકાવવાની કોશિશ કરી છે તો... મેં ઘણું સહન કર્યું છે... બહાર તમે જે ધંધા કરતા હો તે ભલે કરો, પણ આ ઘર છે અને ઘરને હું વેશ્યાવાડો નહીં બનવા દઉં...''

''તું પણ એક વાત બરાબર સાંભળીને સમજી લે. મોના હવેથી અહીં જ રહેશે. તને આ બધું ન ગમતું હોય, તો તું જઈ શકે છે...''

''વાહ, આ ઘર છોડીને હું જાઉં? તમે ભૂલો છો. આ ઘર છોડીને હું નહીં, તમે જશો...''

હું આશ્ચર્યવિમૂઢ બની અલકાનું ઉગ્ર રૃપ જોઈ રહી, કેમકે મોહને તો કહ્યું હતું કે એની પત્ની સાવ સીધીસાદી અને શાંત સ્વભાવની છે. એ ચૂપચાપ બધું ચલાવી લેશે અને ઘરમાં એક ખૂણામાં  પડી રહેૈશે, કેમકે એની પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.

અલકા અને મોહન વચ્ચે જોરદાર ઝઘડો થયો. છેવટે મોહને મારી એટેચી લેતાં કહ્યું, ''તું  નિરાંતે હાથ-મોં ધોઈ લે. પછી આરામથી ચા-નાસ્તો કરીએ.''

એટલામાં જ અલકા અમને ધક્કો મારતી ઉપર જતી રહી. મોહન એના તરફ ધ્યાન આપ્યા વિના રસોડામાં જઈ ચા બનાવવા લાગ્યો. હું પણ હાથ-મોં ધોઈ મૂંઝવણ અનુભતી સોફા પર બેઠી.

''અલકા, તારે ચા પીવી છે?'' મોહને ઉપર બારણા તરફ નજર નાખતાં પૂછ્યું. ઉપરથી જવાબ તો સાંભળવા ન મળ્યો, પણ થોડી જ વારમાં અલકા ઝડપથી નીચે આવી. હાથમાં પકડેલી બેગ સાથે એ અમારી તરફ નજર સુદ્ધાં નાખ્યા વિના ઝડપથી બહાર નીકળી ગઈ. મને ખૂબ વિચિત્ર લાગ્યું, પરંતુ મોહનના ચહેરા પર કોઈ ફેરફાર ન જણાયો.

એણે અત્યંત  પ્રેમાળ સ્વરે મને પૂછ્યું, ''આ બિસ્કિટ પણ ચા સાથે ખા...''

''ના...'' કહી હળવેથી મેં મોહનને પૂછ્યું, ''તમારી બંને દીકરીઓ ક્યાં છે?''

''સ્કૂલે ગઈ છે...''

''ક્યારે આવશે?''

''એક વાગ્યાની આસપાસ...''

''એ બંને આવશે ત્યારે ઘરમાં એમની મમ્મીને ન જોઈ પરેશાન થશે... ત્યારે...'' મેં કહ્યું.

આવી નકામી વાતો વિચારીને પરેશાન ન થા. હું બધું સંભાળી લઈશ. તું ફિકર ન કર...'' કહી મોહને બારણું બંધ કર્યું. તે પછી મારી એટેચી લઈ માદક દ્રષ્ટિએ મારી સામે જોતાં કહ્યું, ''ચાલ, ઉપર બેડરૃમમાં જઈએ.''
જાણે મોહને મારા પર જાદૂની કોઈ છડી ફેરવી હોય, એમ હું ચૂપચાપ એની પાછળ-પાછળ ચાલવા લાગી. બપોરે મોહનની બંને દીકરીઓ સ્કૂલેથી આવી, ત્યારે અમે બંને નીચે આવ્યાં.

મોહને કંઈક વિચાર કરી મને તૈયાર થવાનું કહ્યું અને પછી દીકરીઓને સમજાવી, ''તમારી મમ્મી બે-ત્રણ દિવસ માટે ગામડે ગઈ છે. એણે કદાચ રસોઈ નથી કરી, એટલે આજનો દિવસ બ્રેડ-બટર ખાઈ લેજો. આ તમારાં મોનામાસી છે... હવેથી એ આપણી સાથે જ રહેશે. તમે બંને  આરામથી બેસો. અમે થોડી વાર બહાર ફરી આવીએ...''

અમે બંને સારો એવો સમય બહાર ફર્યાં. પછી હોટેલમાં જમીને પાછા આવ્યાં. મોહનની બંને દીકરીઓ સોફા પર બેઠી હતી.  બંને કંઈક ગભરાયેલી લાગતી હતી. મેં એમને પૂછ્યું, ''તમે બંનેએ જમી લીધું?''

બેમાંથી એકેયે જવાબ ન આપ્યો. એટલામાં મોહન મને બેડરૃમમાં ઉપર આવવાનું કહ્યું. પગથિયાં ચડતાં એ કહેવા લાગ્યાં, ''એ બંનેની સાથે વધારે વાતચીત કરવાની જરૃર નથી... એમની માની લાકડી છે બંને...''

સાંજે પાંચ વાગ્યે મોહન ચા બનાવી લાવ્યો. અમે છ-સાડા છ વાગ્યાની આસપાસ કાંકરિયા જવાનો કાર્યક્રમ ઘડયો. બહાર નીકળ્યા ત્યારે બેઉ છોકરીઓ એમનું લેસન કરતી હતી. રાતે હોટલમાં જ ડિનર લઈ અમે અગિયાર વાગ્યે ઘેર આવ્યાં, ત્યારે બંને છોકરીઓ ડ્રોઈંગરૃમમાં સોફા પર સૂતી હતી.  મોહનને તેમની બિલકુલ ફિકર જ નહોતી.

છોકરીઓ જમી છે કે નહીં અથવા ઘરમાં એકલી રહેતાં તેમને બીક તો નહોતી લાગી, એ બાબત તરફ જાણે એનું ધ્યાન જ નહોતું. એણે કપડાં બદલી ટી.વી. ચાલુ કર્યું. પછી સીટી વગાડવા લાગ્યો. ત્યારબાદ અનાયાસ જાણે એને દીકરીઓની યાદ આવી, ''પ્રીતિ... રમા... તમે જમી લીધું?''

''હા...'' રમાએ જવાબ આપ્યો.
એટલામાં પ્રીતિએ પૂછ્યું, ''પપ્પા, મમ્મી ક્યારે આવશે?''

''કાલે... કે પરમ દિવસે... આવી જશે. હવે તમે બંને ઉપરના બેડરૃમમાં જઈને સૂઈ જાવ. તારી માસીને એક વીડિયો કેસેટ જોવી છે. પછી એ અહીં સૂઈ જશે... હું પણ અહીં જ ઊંઘી જઈશ...'' કહેતાં મોહને મારી સામે જોયું.

''મને બીક લાગે છે...'' રમા સહેજ ગભરાતાં ગભરાતાં બોલી.

પ્રીતિ અને રમા જોડિયા બહેનો છે. લગભગ  આઠ વર્ષની ઉંમરની આ નિર્દોષ બાળકીઓ.. બેમાંથી કોણ કોને હૈયાધારણ આપે?  આમ છતાં  અમે ત્યારે બંને માસૂમ બાળકીઓ પ્રત્યે કેટલી નિર્દયતાથી વર્તતાં રહ્યાં.

''અહીં બીક લાગવા જેવું શું છે?... જાવ, અંદરથી બારણું બંધ કરીને સૂઈ જાવ...'' મોહન બને એટલી ઝડપથી બંને છોકરીઓને બેડરૃમમાં ધકેલી દેવા ઉતાવળો થઈ ગયો.

બરાબર ત્યારે જ ટેલિફોનની ઘંટડી  રણકી ઊઠી. મોહન  અકળાઈ ઊઠયો, ''અત્યારે વળી કોને ફોન કરવાનું સૂઝ્યું?'' એણે રિસીવર ઉઠાવ્યું, ''હલ્લો... કોણ? હેં... હં... હા, બોલો... જુઓ, એક વાત સાંભળી લો. અમારી અંગત  બાબતમાં તમારે માથું મારવાની જરૃર નથી. સમજ્યાં? તમે અમારા જીવનમાં દખલ ન કરો, તો વધારે સારું... હા... હા... એ ગમે ત્યાં ગઈ  હશે, ત્યાંથી પાછી જ આવશે... શું? છોકરીઓનું શું, એમ? એમનું શું કરવાનું, તે મારે જોવાનું છે... તમારે ચિંતા કરવાની જરૃર નથી...'' મોહનનો અવાજ ધીમે ધીમે મોટો થતો જતો હતો. છેલ્લું વાક્ય કહીને એણે રિસીવર લગભગ પછાડયું.

તે પછી પ્રાતિ અને રમા તરફ ફરી તેમને પૂછ્યું, ''ભારતીફોઈને તમે ફોન કર્યો હતો?''
રમા બોલી, ''હા... અમને ભૂખ લાગી હતી અને બીક પણ લાગતી હતી...''

''હું ઘેર આવું એટલી વાર રાહ નહોતી જોવાતી? હવે એ કાગડી આખા શહેરમાં મારા નામના ધજાગરા બાંધશે, પણ એ અહીં કેમ આવી હતી?''

''અમારા માટે જમવાનું લાવ્યાં હતાં.'' પ્રીતિએ કહ્યું.

''ઓહ... એમ કહે ને ત્યારે. હવે વાત છે બધાંની. સારું અત્યારે તમે બંને ચૂપચાપ ઉપર જઈને સૂઈ જાવ... ચાલો...''

બંને બહેનો ઉપર બેડરૃમમાં ગઈ, ત્યારે મોહન પણ એમની પાછળ ઉપર ગયો. બેડરૃમનું બારણું અંદરથી બંધ થતાં જ તેણે બહારથી પણ તે બંધ કરી દીધું.

પછીના દિવસો દરમિયાન મોહનની મોહજાળમાં હું એવી ફસાયેલી હતી કે એના કહ્યા વિના પાણીનું ટીપુંય મારા ગળેથી નીચે ઊતરતું નહીં. એની એક-એક અદા પર હું ન્યોછાવર થઈ જતી. મને એ ત્યારે જવાંમર્દ લાગતો.

બીજી તરફ મારા પરિચિતો, સંબંધીઓ, પાડોશીઓ વગેરેમાં હું ચર્ચાનો વિષય બની ગઈ હતી કે, સમીર જેવા શાંત, સમજદાર પુરુષને મેં શા માટે છોડી દીધો અને તે પણ આ ઉંમરે? સમીરનું વ્યક્તિત્વ જ એવું હતું કે તે સૌનો પ્રિય હતો. ક્યારેય કોઈએ એને ગુસ્સે થતાં કે અશિષ્ટ બોલતાં સાંભળ્યો  નહોતો. આનાથી તદ્દન ઊલટું  મોહન એક નંબરનો ઝઘડાખોર સ્વભાવનો, બદમાશ માણસ હતો.

જોકે ત્યારે મને સમીરના એ ગુઓનો ખ્યાલ જ નહોતો આવતો. એના શાંત સ્વભાવને હું એની નબળાઈ સમજતી. મને એની સમાધાનવાદી વૃત્તિ સહેજ પણ પસંદ નહોતી. પોતાની વાત પર અડગ રહેવાનું કે કોઈ બાબતનો વિરોધ કરવાનું, એ તો જાણે એના સ્વભાવમાં જ નહોતું. ખરેખર કહું તો સમીરના આ ગુણોને કારણે જ મને એના પ્રત્યે ધૃણા ઉત્પન્ન થતી ગઈ. કદાચ હું સામે બાથ ભીડે એવા લોકોને જ સાચા મર્દ માનતી હતી.

હકીકતમાં તો વીસ વર્ષના મારા ઘરસંસાર દરમિયાન  મારે શું જોઈએ છે, તે હું સમજી જ શકી નહોતી. વળી, પતિના શાંત સ્વભાવને લીધે પણ મને વધારે લાગી આવતું. ક્યારેક હું એમની સાથે ઝઘડીને રિસાઈ જતી,  ત્યારે એ મારી પાછળ પાછળ ફરતા અને મને મનાવવાનો પ્રયત્ન કરતા. આ જોઈ ઘણી વાર મને વિચાર આવતો કે આ કેવો પુરુષ છે, જે મને ઠપકો પણ નથી આપતો? મારી સાથે ઝઘડો કેમ નથી કરતો?  પોતે નિર્દોષ હોવા છતાં એ મારી દરેક ઉચિત-અનુચિત જિદ સહન કરી લે છે, કેમ?

વીસ-વીસ વર્ષોના દામ્પત્યજીવન દરમિયાન બે હૈયાં એક થવાને બદલે એક જ ઘરમાં સમાંતર, કદાચ અલગ અલગ માર્ગે ચાલતાં હતાં, પરંતુ સમસીરને કદાચ આ વાતની ખબર જ નહોતી. પોતાના પપ્પાની  માફક પ્રતીક અને પ્રતિમા પણ નિશ્છલ મનનાં શાંત સ્વભાવનાં હતાં.

સમીરને ક્યારેક જો હું એમ કહ્યું કે, ''આજે શાક બરાબર નથી બન્યું,'' તો એ તરત જવાબ આપતાં, ''હા... પણ ખાસ કંઈ ખરાબ નથી... ચાલે એ તો... કેમ પ્રતીક, તારું શું કહેવું છે?''

''રોજ બને છે એવું જ તો બન્યું છે.'' પ્રતીક બેદરકારીથી જવાબ આપતો.
બાકી રહી જતી હોય એમ પ્રતિમા પણ બોલી ઊઠતી, ''ના રે મમ્મી, શાક તો સરસ બન્યું છે...''

બાળકોએ પણ ક્યારેય કોઈ વાત અંગે જિદ કરી હોય, એવું યાદ નથી. અભ્યાસની બાબતમાં પણ એમને ક્યારેય ઠપકો આપવાનું બન્યું નથી. બંને કાયમ પ્રથમ વર્ગમાં જ પાસ થતાં. સમીરની શિસ્ત હેઠળ તેમનો ઉછેર થયો હતો,  જ્યારે હું સ્વચ્છંદી જીવન જીવવા  ઈચ્છતી હોવાથી મારા માટે શિસ્તપાલન  ખૂબ મુશ્કેલ હતું. આમ છતાં સમીરે ક્યારેય વિરોધ કર્યો નહોતો.

અમે બધી બહેનપણીઓ જ્યારે કોઈના પણ ઘેર ભેગી થતી, ત્યારે બધી પોતપોતાના પતિ અને બાળકોની ફરિયાદો કરવા લાગતી. કોઈ કહેતી, ''મને તો એમની એક પણ વાત ગમતી નથી.  એટલા તુંડમિજાજી છે. કે પૂછ્શો જ નહીં.''

''અરે! મારા ઘેર તો બધાં જમતી વખતે એટલાં નખરાં કરે... કોઈને શાક ન ભાવે, તો કોઈને દાળમાં મરચું વધારે લાગે... હવે બધાં માટે જુદી જુદી રસોઈ તો કેવી રીતે બનાવાય...'' બીજી કહેતી.

એવામાં ત્રીજી પોતાની ફરિયાદ રજૂ કરતી, ''મારી નાની દીકરી તો ક્યારેય વાંચતી નથી. જોકે એમાં  એનો વાંક ન ગણાય... પાંચમા ધોરણમાં જ કેટલા બધા વિષય ભણાવાતા હોય છે?''

એ સૌની આવી વાતોમાં હું કંઈ કહી જ શકતી નહીં. ત્યારે અચાનક એક બહેનપણી બોલી ઊઠતી, ''આપણા બધામાં મોના જેટલું સુખી કોઈ નથી. ભઈ, એના પતિ  અને બાળકો તો ખૂબ કહ્યાગરાં છે...''

આ સાંભળી બધી બહેનપણીઓ હસી પડતી, ત્યારે મને ખૂબ ગુસ્સો ચડતો. હવે જ્યારે હું ઘર છોડીને આવી, ત્યારે  મારી આ જ બહેનપણીઓએ મારી સાથેનો સંબંધ કાપી નાખ્યો. ક્યારેક રસ્તામાં મળે તો પણ જાણે ઓળખતી જ ન હોય એમ નીકળી જતી.

મને યાદ છે, એક વાર હું અઠવાડિયા માટે  મારા પિયર ગઈ હતી, પણ ચોથા જ દિવસે સમીર અને છોકરાંને મારા વિના મુશ્કેલી પડતી હશે એમ વિચારી પાછી આવતી રહી. મને આશ્ચર્ય થયું. અહીં તો કોઈને મારી ઊણપ સાલતી જ નહોતી. ત્રણે મને કહેતાં રહ્યાં કે તેમણે શું શું બનાવ્યું અને કેવી રીતે દિવસ પસાર કર્યા... ત્યારે મને સમજાયું કે એમને મારી ગેરહાજરીમાં કોઈ પ્રકારની તકલીફ પડી નહોતી. જ્યારે પિયરમાં મારાં બાએ મને, એમની લાડકી દીકરીને ત્રણ ચાર દિવસ વધારે રોકાઈ જવાનો કેટલો બધો  આગ્રહ કર્યો હતો?

છતાં એ જ માને હું મોહન સાથે રહેવા આવી, ત્યારે મારું મોં જોવાનું પણ ન ગમ્યું. એણે કોઈની સાથે સંદેશો મોકલાવી દીધો કે હવે પછી હું એના માટે મરી પરવારી છું. જ્યારે જ્યારે મેં મારા જીવન વિશે વિચાર્યું, ત્યારે ત્યારે દરેક વાર મને થતું કે,  આ ધરતી ફાટે અને હું તેમાં સમાઈ જાઉં,  એવું કેમ નથી બનતું? આવી કલંકિત  જિંદગી હું કેમ અને કેવી રીતે જીવું  છું?

અમારાં લગ્નજીવનને પંદર વર્ષ વીત્યા હશે, એ વખતની વાત છે. પ્રતીક ત્યારે ચૌદ વર્ષનો અને પ્રતિમા બાર વર્ષની હતી અને હું લગભગ ચાળીસીએ પહોંચી હતી. કોણ જાણે કેમ, પણ મારું મન ખૂબ અશાંત રહેતું હતું. પતિ અને બાળકોની સાથે હોવા છતાં હું જાણે કોઈ અજાણી વ્યક્તિ હોઉં  એમ મને લાગતું.
એ દિવસો દરમિયાન જ મોહન સાથે મારી  ઓળખાણ થઈ.

આકર્ષક વ્યક્તિત્વવાળો મોહન દિલેર સ્વભાવનો હતો. એની પૌરુષભરી અદાઓ પર હું ન્યોછાવર થવાની સાથે ધીમે ધીમે મારા સંસારમાં દૂર થતી ગઈ. હવે મને મોહન જ મારું સર્વસ્વ લાગતો. મને હવે ખ્યાલ આવી ગયો હતો કે મારા દામ્પત્યજીવનમાં મને શાની ખોટ સાલતી હતી. મોહનને મળ્યા પછી હું ઘેર આવતી ત્યારે મને ચોતરફ ઈન્દ્રધનુષના રંગોનો છંટકાવ થયેલો હોય એવું લાગતું.

રોજ ગમે તે બહાનું કાઢી હું ઘેરથી નીકળી પડતી. શરૃઆતમાં તો જ્યારે હું તૈયાર થતી વખતે અરીસામાં મારું પ્રતિબિંબ નિહાળતી, ત્યારે જાણે કોઈ ગુનો કરી રહી હોઉં એવું લાગતું, પરંતુ મારાં આવાં કારસ્તાન છુપાવવા મેં મારા સ્વભાવમાં પરિવર્તન લાવવાનું શરૃ કર્યું. હવે હું સમીર અને બાળકો સાથે સારી રીતે વર્તતી, તેના પરિણામે તેઓ પણ મને ખૂબ જ સ્નેહ કરતાં અને આદર  આપતાં.

એક દિવસ સમીરે વાતવાતમાં મને કહ્યું, ''હમણાંથી તારો સ્વભાવ બિલકુલ બદલાઈ ગયો છે... તારા સ્વભાવનું ચીડિયાપણું દૂર થઈ ગયું છે... કદાચ હવે તારો  મેનોપોઝનો સમય પૂરો થઈ ગયો લાગે છે.''
''એટલે?'' મેં આશ્ચર્યથી પૂછ્યું.

સમીરે જવાબ આપ્યો, ''છેલ્લા ઘણા મહિનાથી તું કદાચ કાયમ ઉદાસ, નિરાશ અને  મૂંઝાયેલી રહેતી હો એવું લાગ્યું, એટલે મેં ડો.ગોસ્વામીને પૂછ્યું હતું. એમણે કહ્યું હતું કે કદાચ મોનાબહેન 'મેનોપોઝ'ની અવસ્થામાંથી પસાર થઈ રહ્યાં હોય. ધીમે ધીમે બધું બરાબર થઈ જશે...''

''ઓહ, તો એટલા માટે તમે બધાં મારી સાથે આટલી નમ્રતાથી વર્તતાં હતાં?''

''હા, મેડમ... મેં બંને છોકરાંને પણ સમજાવી દીધાં હતાં કે હમણાં તમારાં મમ્મીને પ્રેમ તથા હમદર્દીની જરૃર વદારે છે.'' સમીરે જવાબ આપ્યો.

''તો તમે મને પહેલાં કેમ ન કહ્યું?''

''આમાં કહેવા જેવું શું હતું?''

''એનો અર્થ એ કે તમને મારા કરતાં બાળકો વધારે વહાલાં છે ને?''

''એવું નથી... તું તો સાવ નાની વાતનું વતેસર કરી નાખે છે... અરે! આપણા જેવો સુખી સંસાર કોઈનો છે ખરો?''

સમીરનો સ્વભાવ ખરેખર ખૂબ સંતોષી હતો, જ્યારે હું લોભી સ્વભાવની હતી. મને તો એમના શાંત સ્વભાવને લીધે પણ ગુસ્સો આવતો, જ્યારે એ ઈચ્છતા કે હું શાંત અને ધીરજવાન બનું. એ કહ્યા કરતા કે બે મીઠા શબ્દોથી જ બધાં કામ થઈ જાય છે. એમની વાત સાચી હતી. છતાં એ વખતે તો મારી આંખો પણ વાસનાનાં પડળ પડી ચૂક્યા  હતાં.

ઘર છોડયા પછી ઘણી વાર  હું વિચારતી કે, 'પતિ અને બાળકોને છોડવાથી મને શું મળ્યું?  

સમીરને મોહન સાથેના મારા લફરાની જાણ બે વર્ષ પછી થઈ હતી. આજેય મને એ સાંજ બરાબર યાદ છે... મોહનને મળ્યા પછી મનોમન રોમાંચિત થતી હું ઘેર પાછી ફરી હતી. ડ્રોઈંગરૃમમાં અંધારું હતું. મેં પ્રતીકને બૂમ પાડી, પણ કંઈ જવાબ ન મળ્યો.

અંધારામાં જ સ્વિચબોર્ડ પાસે જઈ મેં લાઈટ કરી. સામે સોફા પર સમીર ચૂપચાપ, જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ બેઠા હતા.ડાઈનિંગ ટેબલ પર ઝડપથી બધું ગોઠવી મેં પ્રતીકને કહ્યું,  ''ચાલ બેટા, તારા પપ્પાને કહી દે, થાળી પીરસી છે.''

પ્રતીકે બૂમ પાડી, ''પપ્પા... જમવા ચાલો...''

આમ છતાં સમીર તરફથી કંઈ જવાબ ન મળ્યો. હું જ્યારે એમને બોલાવવા ગઈ, ત્યારે એમણે કહ્યું, ''તમે બધાં જમી લો, મને ભૂખ નથી.''

''કંઈક તો જમી લો...''

''પપ્પા, ચાલો ને, ખૂબ ભૂખ લાગી છે... રોજ કરતાં આજે મોડું પણ થયું છે.'' પ્રતિમાએ સમીરનો હાથ પકડયો.

''તમે લોકો જમી લો...''

''ચાલો   ને હવે... નાના છોકરાની જેમ જિદ કેમ કરો છો?'' મેં સહેજ ગુસ્સે થતાં કહ્યું.

એ મોટેથી બોલ્યા, ''એક વાર કહી દીધું ને કે મને ભૂખ નથી... પછી વારે વારે મને હેરાન કેમ કરો છો?''
''મારા જીવનમાં ક્યારેય આવી ઘડી આવશે,  એવી તો મેં કલ્પના પણ નહોતી કરી...'' બોલતાં બોલતાં એમણે પોતાની આંખો પર હથેળી દાબી દીધી. એમને મોહન સાથેના મારા અનૈતિક સંબંધોની બધી માહિતી મળી ગઈ હતી.

એક દિવસ તો આમ બનવાનું જ છે, એ જાણતી હોવાથી હું ચૂપ રહી.

''આખી દુનિયાને ખબર છે... એક માત્ર મારા સિવાય...'' કહેતાં એમણે સવાલોની ઝડી વરસાવી દીધી, ''મોના, તું આ લફરામાં કેવી રીતે અને શા માટે ફસાઈ? આ ઉંમરે આવું વર્તન તને શોભે છે? અરે! બીજું કંઈ નહીં તો તારી ઉંમર અને તારા મોભાનો તો વિચાર કરવો હતો. અમે એવો તે કયો ગુનો કર્યો હતો, જેની તેં અમને આટલી ક્રૂર સજા કરી? બોલ... જવાબ તો આપ, તને કઈ વાતની ઊણપ હતી?''

મૈં મૌનનું  આવરણ ઓઢી લીધું, તો એ મોટેથી બોલ્યા, ''જવાબ કેમ નથી આપતી? કંઈક તો બોલ, જેથી મને ખબર તો પડે કે તેં આવું કેમ કર્યું?''

સમીરના સવાલોનો મારા પાસે કોઈ જવાબ નહોતો. એની રોકકળ અને કાકલૂદીની મારા પર કંઈ અસર થઈ નહોતી. ત્યારે હું પથ્થરની મૂર્તિ જ બની હઈ હતી.

મોહનની પ્રેમજાળમાંથી મને બહાર કાઢવા સમીરે અનેક પ્રયત્ન કર્યા, ખૂબ સમજાવી, પ્રતીક અને પ્રતિમા વિશે કહીને ભાવનાત્મક રૃપે પણ મને મોહનથી દૂર કરવાનો પ્રયત્ન કરી જોયો. એ મોહનની પત્ની અલકાને પણ મળ્યા, છતાં...

દિવસે દિવસે હું વધુ જિદી બનતી જતી હતી. મોહન વિનાના જીવનની કલ્પનામાત્રથી મારું રોમેરોમ કંપી ઊઠતું. એના માટે હું બધું છોડવા તૈયાર હતી. એ દિવસ પછી તો ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. સમીરને જેમતેમ જવાબ આપીને હું  પરેશાન કરતી રહી અને આખરે એક દિવસ ઘર છોડી નીકળી પડી...

થોડાં સમય બાદ છૂટાછેડા મળી ગયા. મોહનનું ઘર તો એની પત્ની અલકાના નામ પર હોવાથી મોહનને પણ ત્યાંથી નીકળવું પડયું. અલકા બેંકમાં સારા હોદા પર હોવાથી એને કોઈ પ્રકારની આર્થિક તકલીફ ઊભી થાય એમ નહોતું. એણે અત્યંત ધૈર્યપૂર્વક દરેક સમસ્યા ઉકેલી. પોતાની બંને દીકરીઓને મમતાનો પાલવ ઓઢાડી એ પોતાની જિંદગી વિતાવવા લાગી.

મોહને અલકાને છોડી દીધી, તો એનાં કુટુંબીજનોએ પણ એની સાથેના સંબંધ કાપી નાખ્યા. ઘરબાર વિનાનો થઈ જવાથી મોહન ખૂબ જ ચીડિયો બની ગયો. એ દરેકને પોતાના દુશ્મન માનતો થઈ ગયો.

બીજી તરફ સમીર પણ સાવ નિરાશ થઈ ગયા હતા. એ પોતાને ખૂબ અપમાનિત અનુભવતા હતા. અંદરખાને એ અકળાયા કરતાં. જ્યારે આ બધાંથી અલગ હું મોહન સાથે લગ્ન કરવા તત્પર હતી. વાસનાના ચકચૂર નશામાં મને કંઈ જ સૂઝતું નહોતું.

જોકે  માંડ બે વર્ષ વીત્યાં હશે,  એટલામાં તો મારો બધો નશો ઊતરી ગયો. કલ્પનાના આકાશમાં ઊડનારીને વાસ્તવિકતાની ધરતી પર આવ્યા પછી સચ્ચાઈનો ખ્યાલ આવવા લાગ્યો. હવે મારી અને મોહનની વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા. અમે બંને તુંડમિજાજી હોવાથી બંનેમાંથી એકેય નમતું જોખવા તૈયાન ન થતું.

અમારા જિદી અને અહંકારી સ્વભાવને કારણે પરેશાનીઓમાં વધારો થવા લાગ્યો, નિતનવી સમસ્યાઓ ઊભી થવા માંડી. હવે તો એક-એક પાઈ માટે મારે મોહન સામે હાથ લાંબો કરવો પડતો. પરિણામે, ક્યારેક અનિચ્છાએ પણ મારે નમતું જોખવું પડતું. મારે સામે ચાલીને સમાધાન કરવું પડતું.
 

તદુપરાંત, સમય  વીતવાની સાથોસાથ મને એ પણ સમજાઈ ગયું કે ખરેખર તો અમારી વચ્ચે પ્રેમ જેવું કંઈ હતું જ નહીં. અમારી વચ્ચે નરી વાસના સિવાય બીજું કંઈ જ નહોતું.  હવે એવો સમય આવ્યો હતો, જ્યારે મને શારીરિક સંબંધો પ્રત્યે પણ ધૃણા ઉત્પન્ન થવા લાગી હતી. હું મોહનથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી,  છતાં એની કામેચ્છાનો વિરોધ પણ ન કરી શકતી, કેમકે હવે મારે ફક્ત એના જ આધારે જીવવાનું હતું. ક્યારેક તો વિચાર આવતો કે જો મોહન પણ મને છોડી દેશે, તો હું ક્યાં જઈશ? આ વિચાર જ મને ધુ્રજાવી દેતો.

આવા અનેક વિચાર કરતાં કરતાં મારું માથું ભમવા લાગ્યું. હવે તો બસ, મકાનની બાજુમાંથી પસાર થતાં અને સાંજે પાછા વળતાં વાહનોની સંખ્યા  અને અવાજમાં વધારો થાય એટલે હું મોહનની રાહ જોતી શૂન્યમનસ્ક બેસી રહેતી. એનાં પગલાં સંભળાય કે તરત બારણું ખોલતી...

આમ, એક વધુ દિવસ પસાર થઈ જતો અને રાત પડતી... અને ફરી પાછો એક નવો દિવસ  ઊગતો. ક્યારેક મને થતું, હવે આ દાદ-ફરિયાદ શાની? શા માટે? આવું જીવન તો મેં સામે ચાલીને  માગ્યું હતું... તો હવે ચૂપચાપ પડયું પાનું નિભાવી લઉં, તેમાં જ મારી ભલાઈ છે...
 

Post Comments