Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પતિ પરમેશ્વર પર તમે કેટલો વિશ્વાસ રાખો છો

પ્રેમ અને વિશ્વાસ લગ્નજીવનને સફળ બનાવતી મહત્ત્વની ચાવીઓ છે. બલ્કે એમ કહી શકાય કે લગ્નજીવનની ઇમારતને મજબુત બનાવતા બે મજબુત પાયા છે. પ્રેમ અને વિશ્વાસને કારણે જ લગ્નજીવન ટકી રહે છે. લગ્ન સમયે સપ્તપદી ભરતી વખતે ગોરમહારાજ વરકન્યાને પ્રેમ અને વિશ્વાસનું મહત્ત્વ સમજાવે છે. આ સમયે પણ પતિ-પત્ની એકબીજાને વફાદાર રહેવાનું વચન  આપે છે. પરંતુ શું લગ્ન સમયે આપવામાં આવેલા વચનોનું  આજીવન પાલન કરવામાં આવે છે? શું પતિ-પત્ની એકબીજાને વિશ્વાસઘાત કરતા નથી? શું બંને એકબીજા પર પૂરતો વિશ્વાસ મૂકી શકે છે? આ બધા પ્રશ્નોના ઉત્તર ચર્ચાને પાત્ર ઠરે છે.

૨૬ વર્ષની આર્કિટેક્ટ ખ્યાતિ કહે છે, ''આજના જમાનામાં સૌએ વ્યવહારુ બનવું જરૃરી છે. સાત જન્મ સુધી સાથ નિભાવવાનું વચન સાત મહિનામાં જ ફોક થઇ ગયું હોય એવા ઘણા કિસ્સા હું ટાંકી શકું તેમ છું. હા, પતિ પર વિશ્વાસ રાખવો જરૃરી છે. પરંતુ આંખ મીંચીને પણ વિશ્વાસ રાખવો નહિ. પતિ પર આંખો મીંચીને વિશ્વાસ રાખનારાઓને ઘણીવાર ખરાબ અનુભવ થાય છે.''
જો કે ૩૩ વર્ષની હીના ખ્યાતિની વાત સાથે સમંત નથી. તે માને છે કે અવિશ્વાસના પાયા પર ઊભેલા  લગ્નજીવનની ઇમારત ખૂબ જ જલદી ક્કડભૂસ થઇ જાય છે, ''મારા પતિથી છૂપાવીને હું પૈસા એકઠા કરું કે તેઓ મારાથી છૂપો બેન્ક એકાઉન્ટ ધરાવે તો એનો અર્થ એ થાય કે  અમને એકબીજા પર વિશ્વાસ નથી. મારી જ વાત કરું તો આ વર્તન માટે મને મારો અંતરાત્મા ક્યારે પણ માફ નહીં કરે. પતિ-પત્ની વચ્ચે મારા-તારાનો ભેદભાવ હોવો જોઇએ નહીં.''

આ અંગે તમારો શો અભિપ્રાય છે? તમારો પતિ તમને વફાદાર છે એ વાતની તમને ગળા સુધીની ખાતરી છે.  આમ છતાં પણ તમારી બેન્કની પાસબુક તેને સોંપતા તમે અચકાવ છો?
આજે પતિ-પત્ની બંને કમાય છે. મોટા ભાગના લગ્નોમાં પૈસા મહત્ત્વનો ભાગ ભજવે છે. મેરેજ કાઉન્સેલરો પણ આ વાતે સંમત થાય છે કે દંપતીઓ વચ્ચેની તકરારના મુખ્ય બે કારણ હોય છે, એક તો પોતાના જીવનસાથી પ્રત્યે વધુ પડતો વિશ્વાસ અથવા તો પોતાના સાથી પ્રત્યે અવિશ્વાસ અને મોટેભાગે આ વિશ્વાસનું અવિશ્વાસનું કારણ પૈસા જ હોય છે.

સેજલની વાત કરીએ તો સેજલને તેના પતિ પર પૂરેપૂરો ભરોસો હતો. તે તેનો આખો પગાર તેના પતિના હાથમાં મૂકી દેતી હતી. તેને વિશ્વાસ હતો કે તેનો પતિ યોગ્ય રીતે આ નાણાનું રોકાણ કરતો હશે. તેણે ક્યારે પણ તેના પતિને તેણે નાણાં ક્યાં રોક્યા છે એ પ્રશ્ન પૂછ્યો નહોતો. ઓચિંતાની તે બિમાર પડી  અને તેને ઓપરેશનની જરૃર પડી ત્યારે તેને પૈસાની ચિંતા નહોતી. તેને વિશ્વાસ હતો કે તેના પતિએ તેની મહેનત અને પરસેવાની કમાણી શેરબજારમાં રોકી હતી અને નાણા બમણા કરવા માટે ઘોડાની રેસમાં જુગાર ખેલી કેટલાક રૃા. વેડફ્યા હતા. ત્યારે તેના માથા પર આભ તૂટી પડયું. હા, શેરબજાર ગગડી જવાને કારણે તેના પતિએ ખરીદેલા શેરોની કિંમત કાગળિયા કરતા ખાસ વિશેષ નહોતી. તે સમયે તો તેણે સગા-વહાલા તેમજ મિત્રો પાસેથી ઉછીના નાણા લઇ સમય સાચવી લીધો. પરંતુ હવે તે પતિની કમાણીમાંથી અમુક રકમ ઘરખર્ચમાં વાપરે છે. જ્યારે બાકીની રકમ પોતાની રીતે બચાવે છે. તેના પતિનું કહેવું છે તેણે આ નાણાં બંનેના લાભ માટે રોક્યા હતા. આમાં તેને એકલાને ફાયદો થવાનો નહોતો. શેરબજાર ગગડી જશે એ વાત તે કેવી રીતે જાણી શકે? પોતે કંઇ ભવિષ્યવેત્તા નથી કે અગાઉથી ભવિષ્યમાં થનારી ઘટના જાણી શકે. અને જો તે જાણતો હોત કે શેરબજાર નીચું આવશે તો નાણા રોકવાની  મુખર્તા કરત ખરો? તેની એ પણ દલીલ છે કે શેરબજાર ઊંચુ આવ્યું હોત અને નાણા બમણા થયા હોત તો અત્યારે સેજલનું વર્તન અલગ જ હોત.

કેટલાકનું માનવું છે કે પૈસાની બાબતમાં વધુ પડતો વિશ્વાસ જોખમી સાબિત થવાની શક્યતા છે. પોતાના પૈસા ક્યાં વપરાય છે એ દરેક પત્નીએ જાણવું જરૃરી છે. ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટના જણાવ્યા પ્રમાણે પત્નીએ પોતાની કમાણીમાંથી ૧૦ ટકા રકમ અનામત રાખવી જોઇએ. હા, અને સંયુક્ત રીતે થતા દરેક રોકાણ પર પણ નજર રાખવી જોઇએ.
નોકરી ન કરતી પત્નીએ પણ તેના પતિના નાણાકીય વ્યવહાર અંગે જાણવું જરૃરી છે. પતિના  મૃત્યુ બાદ તેમનું બેન્ક બેલેન્સ ઝીરો હોવાનું જાણી આઘાત પામેલી મહિલાઓના કિસ્સાઓ પણ આપણા સમાજમાં મળી આવશે.

પતિને મનની વાત જણાવતા અચકાવ નહીં. આ ઉપરાંત પતિ સમક્ષ તમારા મનની શંકાનું નિવારણ માગતા પણ અચકાવ નહીં. તમારા સપનાઓમાં તમારા પતિને સહભાગી કરો. હા, એમની મુશ્કેલી સમયે પણ તેમની પડખે ઊભા રહો. મહત્ત્વના નિર્ણયો એકબીજા સાથે ચર્ચા કર્યાં પછી જ લો. ભવિષ્યની યોજનાઓ પણ એક સાથે જ બનાવો. તમારા મનની ઇચ્છાઓ તમારા પતિથી છૂપાવો નહીં. ''મારા પતિ જાણે છે કે મારે નોકરી છોડીને મારો સ્વતંત્ર વ્યવસાય શરૃ કરવો છે. આથી ભવિષ્યમાં હું નોકરી છોડી દઇશ તો મારા પતિને આંચકો નહીં લાગે. તેઓ મારા આ નિર્ણયથી હેબતાઇ નહીં જાય'' રેખા કહે છે.

''મને મારા પતિ પર પૂરતો વિશ્વાસ હતો. મારી જાણ વિના તેઓ પૈસા વાપરશે નહીં એવી મને ખાતરી હતી. મને જ્યારે ખબર પડી કે મારા પતિ તેની સેક્રેટરી  પાછળ નાણા વેડફી રહ્યાં છે. મારી જાણ બહાર તેને ભેટ-સોગાદોથી નવાજી રહ્યા છે. તેને હોટેલ-રેસ્ટોરાંમાં દાવત આપી રહ્યા છે. ત્યારે મારા પગ તળેની ધરતી ખસી ગઇ હોવાની મને અનુભૂતિ થઇ. મને દુ:ખ એ વાતનું થયું કે તેમના પર વિશ્વાસ રાખીને હું મારો આખો પગાર તેમના હાથમાં મૂકી દેતી. મારા પૈસા તેઓ બીજી સ્ત્રી પાછળ વાપરતા હતા. એ વાત હું સહન કરી શકી નહીં. હવે હું મારા પૈસા અલગ જ રાખુ છું. મારા પતિ પર હવે વિશ્વાસ મૂકવા હું રાજી નથી. ટ્રાવેલ એજન્સીમાં કામ કરતી સુમન કહે છે.

તમારા પતિ ઘૂંટણીયે પડી તમારી સમક્ષ પ્રેમની યાચના કરતા ન હોય, તમારી પ્રશંસા માટે લાંબી-લાંબી કવિતાઓ  ન લખતા હોય એનો અર્થ એવો નથી કે તેઓ તમને પ્રેમ કરતા નથી. પુરુષો  મોટે ભાગે લાગણીના પ્રવાહમાં તણાવવાનું પસંદ કરતા નથી. આંસુઓ તેમની મર્દાનગી માટે લાંછનરૃપ હોવાનું તેઓ માને છે. એ વાત ખ્યાલમાં રાખો કે પોતાની લાગણીઓ વ્યક્ત ન કરનાર પુરુષ તમને વફાદાર નથી એ  માનવાની ભૂલ કરો નહીં. કેટલીકવાર લાગણીઓ પ્રગટ કરી બબુચક વેડા કરતા પુરુષો પીઠ પાછળ અનેક ચક્કરો ચલાવતા હોવાના કિસ્સાઓ પણ ઘણા મળી આવશે.

લગ્નનો મહત્ત્વનો ભાગ એ છે કે તમારા સુખદુ:ખમાં તમારો સાથી તમારે પડખે ઊભો છે એ જાણકારી તમને દરેક મુસીબત સહન કરવાનું બળ આપે છે અને આ  સમયે ધનદોલત કરતા આ વિશ્વાસ વધુ મહત્ત્વનો સાબિત થાય છે.

(૧) અમુક ડ્રેસ તમારા પર શોભતો ન હોય તો તેઓ તરત જ તમને આ કહેશે?
(૨) બાળકોના ઉછેરમાં તેઓ તમને મદદ કરશે?
(૩) તેઓ એકલા બહાર જશે તો અન્ય સ્ત્રી સાથે આંખ મીંચામણા નહીં કરે?
(૪) તમને પજવતા રોડ સાઇડ રોમિયોને તેઓ ખોખરો કરી નાખશે?
(૫) ઢળતી ઉંમરે પણ તેઓ તમને પહેલા જેવો જ પ્રેમ કરશે?
(૬) તેઓ તમને તેમના મિત્રો સમક્ષ ઉતારી નહીં પાડે?
(૭) તેમના સંબંધીઓ સાથે થતા મતભેદમાં તેઓ તમારો પક્ષ લેશે?
(૮) તમારી કારકિર્દીમાં તમને સંપૂર્ણ મદદરૃપ થશે?
(૯) સંબંધોમાં ઉષ્મા જાળવવા તેઓ પ્રયાસ કરશે?
(૧૦) તમારો આત્મવિશ્વાસ વધારવામાં પાછા નહીં પડે?
(૧૧) તેના ભૂતકાળ વિશે તેઓ તમને બધુ જ જણાવશે?
(૧૨) તેઓ ઓફિસમાં કોઇ સ્ત્રી સાથે કે તમારી ખાસ સહેલી સાથે ઇશ્ક નહીં લડાવે?
આ ૧૨ પ્રશ્નોમાંથી છ થી વધુ પ્રશ્નોના ઉત્તર 'હા' માં હોય તો તમે એક આદર્શ પતિ મેળવવા ભાગ્યશાળી બન્યા છો. તમારે ચિંતા કરવાની જરૃર નથી.
- નીપા  

Post Comments