Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

ધૂળઝાળા : સફાઈના સાત રંગ...

મન હોય તો માળિયે ચડાય, ને માળિયું પણ મન જેવું હોય; કંઈક જૂનવાણી ભંગારને સાચવીને બેઠેલું!

હાથ-પગ-મોં મેલા થાય ત્યારે ઘર ચોખ્ખું થાય છે. ક્લીન હાઉસ એટલે પ્લેસ ફોર એવરીથિંગ, એન્ડ એવરીથિંગ ઈન પ્લેસ

માથે - મોઢે
રૃમાલ બાંધીને
દિવાળીની સફાઈ કરવા
હું માળિયામાં પેસી.
કરોળિયાના જાળાઓમાં
શિકાર થઈ ગયેલાં
મારા ગઈકાલના વર્ષોના કંકાલ ઝૂલી રહ્યા હતાં.
એક પલ વળી
ધ્યાનભંગ થઈ અને ભાગી ગઈ,
મારાં સ્વપ્નોના કટાઈ ગયેલાં
વાસણોના ઢગલા પાછળ
મારી પિયરની નેઇમ- પ્લેટ પર
તૂટી ગયેલાં જહાજોનાં
દિશાહીન ભંગારનો ભૂક્કો ફરી વળ્યો હતો
કરચલીઓના કાટમાળ પછવાડેથી
જડી આવ્યું એક આલબમ
એને ખંખેરતા જ
પડળ પર પડળ થઈ ચડી ગયેલા સંબંધોએ
આખા માળિયાને તરબતર કરી દીધું -
અંતરસના અવાવરૃ કૂવા
મારી ભીતર જોરશોરથી
ફાટી ગયેલા અવાજોના જિન્ન સમા
પડઘાવા માંડયા
અને
નાની શી તિરાડમાંથી
બિલ્લીપગલે ઘૂસી આવેલા તડકાનો રૃમાલ
અચાનક મારામાંથી ઓગળીને
આલ્બમ પર પડેલા એક ટીપાને લૂછવા માંડયો.
આલબમના પહેલાં જ પાના પર
અમારા હનીમૂનનો ફોટો
ચોંસઠ દાંત ઉઘાડીને બેઠો હતો.

વિવેક ટેલરની આ કવિતા બાલમુકુન્દ દવેની 'જૂનું ઘર ખાલી કરતાં' પછીની જનરેશનનો વોઇસ છે. પણ અહીં શબ્દોથી આખું દ્રશ્ય રચાઈ ગયું છે. પિયરથી સાસરા સુધી સ્ત્રી માટે બદલાતા સંબંધો અને બદલાતી 'પોતાના ઘર'ની વ્યાખ્યાથી શરુ કરીને ધૂળ શ્વાસમાં જતા આવતી ઉધરસ. પણ કવિતા એને કહેવાય જે ફિઝિકલ રિયાલિટી સાથે, પઝલની જેમ જેને ઉકેલવા મહેનત કરવી પડે એવી ફેન્ટેસી રચે.

કરચલીના કાટમાળ કે અંતરસના અવાવરૃ કૂવા ચિત્તમાં ચોંટેલી ધૂળની વાત કરે. ને આંસુનું આલ્બમ પર પડેલું ટીપું તડકાના પ્રકાશમાં લૂંછાયું ને એક સમયની સુખદ ક્ષણ આજના વર્તમાન પર હસી રહી એનો બિટરસ્વીટ ટેસ્ટ - બધું જ આવી ગયું અહી!

વેલ, દિવાળીની સાફસફાઈ પર તો થોડા વર્ષો પહેલાં બબ્બે ભાગમાં લખાયું છે. પછી બકુલ ત્રિપાઠી જેવા રમતિયાળ સંવાદોથી વિશેષ તો શું લખી શકાય? નવોદિત લેખક મિત્રો માટે આ ટેસ્ટ છે. ચાલો, રોજીંદી ઘટમાળની એક અનિવાર્ય ઘટના જેમ કે દિવાળીના ધૂળ-ઝાળા પર રસાળ નવીનતાસભર નિબંધ લખો .વર્ણન કે વિષયવસ્તુ/ નરેશન ટુ કન્ટેન્ટ કેટલું સર્જી શકો છો ? રેફરન્સીઝ કે કવિતા તો પિત્ઝા પરના ટોપિંગ્સ છે. બેઝ બને છે?

પણ આપણે ત્યાં તહેવાર પહેલા જ તહેવારની પૂર્વતૈયારીનો એક માહોલ બને છે. નવરાત્રિના બે મહિના પહેલાં એના ડ્રેસને સ્ટેપ્સના રોમાંચ શરૃ થઈ જાય. આઠમના મેળાના પહેલા સૌરાષ્ટ્રમાં રાંધણ છઠ્ઠ- નાસ્તા મિષ્ટાન્ન માટે આવે. મકરસંકાંતિ પહેલાં માંજા ખાઈ રહેલા ઉસ્તાદો દેખાવા લાગે. બધે આવું જ હોય, ક્રિસ્મસ ડેકોરેશન ને ડિસ્કાઉન્ટ સેલ ઘણાં દેશોમાં ડિસેમ્બરના આરંભે જ શરૃ થઈ જાય.

એ જ રીતે દીવાળીના કાઉન્ટડાઉનનું સિગ્નલ એટલીસ્ટ મોટા ભાગના ગુજરાતી ઘરોમાં સાફસફાઈ અને ધૂળઝાળાના અભિયાનથી શરુ થાય જેની 'સીઝન' હવે પૂરી થવામાં છે. બહુ અમીર એવા શહેરી પરિવારો ને સાવ મુફલિસ એવા કંગાળ પરિવારો સિવાય બધે આ સાફસફાઈનું મિશન શરૃ થાય, એની પાછળ મુખ્ય દોરીસંચાર ગૃહલક્ષ્મીઓનો હોય.

સ્ત્રી વગરનો પુરુષ થોડો અનઓર્ગેનાઇઝ્ડ હોવાનો એને અવ્યવસ્થિત રહેવામાં આઝાદી ય લાગે. સ્ત્રી મા, પત્ની બહેન, સખી કોઈ પણ સ્વરૃપે બે અસર ઉભી કરે. ઘરને સ્વચ્છ રાખવા કામ પણ કરે અને કરાવે. એ રીતે ય પુરુષો આ સ્વચ્છતા અભિયાનમાં કમને જોડાવું પડે કે નડયા વિના એને ટેકો આપવો પડે. અને બીજું એ કે સ્ત્રીની હાજરી માત્રથી લઘરવઘર પુરુષ નેચરલ ઇવોલ્યુશનરી કમાન્ડથી જરા ચોખ્ખો- વ્યવસ્થિત થઈ જાય એને ઇમ્પ્રેસ કરવા, ખુદની ખામીઓ કે આળસ છૂપાવવા.

તો વડાપ્રધાને ભલે એવું કહેવું પડે કે 'હજાર ગાંધી ને લાખ મોદી આવે, પણ સવાસો કરોડ દેશવાસીઓ નહિ જોડાય ત્યાં સુધી ભારત સ્વચ્છ નહિ થાય' જેટલા આપણે જાહેર સ્વચ્છતા બાબતે બેદરકાર છીએ એટલા જ ઘરને ચોખ્ખું રાખવા માટે ઉત્સાહી છીએ. કમ સે કમ, આ બાબતમાં બીજાઓના અભિપ્રાયોનું પ્રેશર કામિયાબની 'કી' છે. કોઈક આવે, ને જેમતેમ રહેતા ગંદા ઘરના આધારે આપણી કિંમત કરી જાય, એ અદ્રશ્ય ભય આપણા પરિવારોને ધૂળ-ઝાળા કરવા માટે મોટીવેશન આપે છે.

એટલે ઘણાં ઘરમાં આ મુદ્દે ફરજિયાત ડ્રાઇવિંગ સીટ પર આવી જતી ગૃહિણીઓ પતિ કે પુત્રને હુકમ કરે જીવડાં- કરોળિયા પર કચરાં- પોતાના આયુધો બાહુબલી બનીને વીંઝવાનો, ત્યારે એ પુરુષો સ્વયં જીવજંતુ જેવા પામર, તુચ્છ ને રિમોટ કન્ટ્રોલ્ડ થઈ જતા હોય છે.

એમાં ય આપણી મમ્મીઓ ખોટા ખાનપાન, ઓછી કસરત જેવા કારણોને લીધે જુવાન સંતાન થાય ત્યારે પગના દરદ કે વધેલા પેટથી પીડાતી હોય, માટે માળિયે- મેડે ચઢવાનું વીરત્વ પુરુષાતન સાબિત કરવા માટે ઘરના મેલ કાઉન્ટરપાર્ટસે જ બજાવવું પડે છે. સિક્સ પેક બોડી બનાવ્યા વિના ખુદની ફિટનેસ સિદ્ધ કરવાની આ હરીફાઈમાં માટીડાઓ ઝટ ઝુકાવી જ દે. વજનદાર વસ્તુઓ ઉંચકીને ખુદના અસ્તિત્વનો પ્રભાવ પાથરવાના પ્રયાસો કરતા !

અને જેમ ગુલશન ગ્રોવર કે આમીરખાનને પોતાના ગેટઅપ ચેન્જ કરવામાં ક્રિએટીવ સેટીસ્ફેક્શન મળે છે એમ ધૂળઝાળાના રાતદિવસના સિલસિલામાં વાળ ને ચહેરો બદલાઈ જાય એ હદે કામ કરીને અરીસામાં તાકવામાં એક પૂર્ણત્વની પ્રાપ્તિ થાય છે. એક અખંડ હાશકારો, પરિતૃપ્તિ કે મોરચો સર થયો છે. આપણા ઘરમાં આપણે આવો બદલાયેલો ચહેરો એક અનોખી ભાત પેદા કરે આપણામાં. ક્યારેક મેલાઘેલા થઈને ધૂળઝાળા કરતું યુગલ વીરઝારા જેવો ક્રોસ કન્ટ્રી રોમેન્ટિક મૂડ ઊભો કરી શકે છે!

આપણા જૂના ઘરોના મેડા/ માળિયા એટલે જ પરમેનન્ટ હોમ મ્યુઝિયમ. સંગ્રહાલયોમાં રજવાડાંઓ અને સેલિબ્રિટીઝનો ઇતિહાસ સચવાયેલો હોય ને આવા સ્ટોરરૃમમાં આપણા પરિવારનો! દરેક નાનકડા ઘર કે ફ્લેટમાં ય એકાદ એવી જગ્યા, અંધારિયો કોઈ ખૂણો તો હોય જ છે, આખા ઘરનું અંધારું પોતાનામાં એવું સમાવી લે કે એને લીધે બાકીના ખૂણા/ ઓરડા ચકાચક ઉજળા આખું વરસ દેખાય. એ અંધાર પિછોડી ઓઢેલી સ્થિર શિલા જેવા 'સ્ટોન' સ્વરૃપ 'સ્ટોરઝોન' અહલ્યાની જેમ ઉદ્ધાર માત્ર વરસમાં એકવાર દીવાળી ટાણે થતો હોય.

કોઈ શાણો ને સમજુ ઇન્સાન (સ્ત્રી કે પુરુષ) જેમ ખાટા કડવા તૂરા તીખા અનુભવોને ભીતર ગળીને બાકીના સંબંધની સ્વસ્થતા ટકાવી જાય, એમ ઘરના આવા સંગ્રહો સાચવતા ખૂણા, ઓરડા, ગેલેરી, મેડા, માળિયા, કબાટ, બેઝમેન્ટ, બ્લેક હોલની જેમ ઘરની તૂટી ફૂટી બિનઉપયોગી, વાસી, નકામી ચીજોને મુશ્કેટાટ જકડી રાખે છે.

ડાઇનિંગ ટેબલ પર મિષ્ટાન્ન ત્યારે જ શોભે છે, જ્યારે રસોઈના છાલ- ડીંટીયા જેવો કચરો ડસ્ટબીનમાં બંધ પડયો હોય. કુદરતે રંગબેરંગી ભાવતા સુગંધિત ભોજન ખાધા પછી રોજીંદી પેટની સફાઈની વ્યવસ્થા કરી જ છે ને, દુર્ગંધ અને મળથી છૂટકારો આખા શરીરને તેજસ્વી રાખવા!

ઘર પણ ઓળખ ધરાવે છે. થડાકા અને હાસ્ય હિલોળ, હીબકાં ને દલીલબાજી, ખટપટ ને માંદગી, ધીંગામસ્તી અને શણગાર બધી જ અવ્યવસ્થામાંથી પસાર થયા કરે છે. ખાલી ઘર કંકાલ જેવું લાગે, પણ માંસ, મજ્જા, લોહી, મેદ, ત્વચા, કેશ, આંખ, હોઠ, બધું આવી જતાં જેમ દેહસૌંદર્યનો ઘાટ રચાય, એમ કોઈના રહેવા ને હોવાથી, એમની હાજરીની છડી પોકારતી ચીજવસ્તુઓથી ઘર ઘર બને છે.

ફર્નિચર એ ઘરમાં પૂરાયેલી કાયમી રંગોળી છે. આપણા અર્થહીન જીવનને જેમ- શોખ, કળા, પ્રેમ, આનંદ, રીતરિવાજ, ખાનપાન, પ્રવાસ વગેરેથી આપણે થોડું રસિક બનાવીએ એવું જ ઘર સાથે થાય છે. દિવાળીની સફાઈ એ ભારતીય ઘરોનું એન્યુઅલ ડિટોક્સ છે.

અને ઘરમાં આપણે થોડા જ રહીએ છીએ? પાનીયારા કે ફ્રીઝની દરવાજાની પટ્ટી પર બાઝી જતી ભેજની શેવાળ, તિરાડોમાં પેસી જતી ગરોળી, ખાળની મોરીમાંથી આવીને ફરે ત્યાં ભાગી જતું છછૂંદર, પંખાથી માંડ હટાવી શકાય એવા મચ્છર, કિચનમાં આટા મારતી કીડી,

પસ્તીની બેવડમાં છૂપાતા લાલ જીવડા, રાતના ત્રમ ત્રમ કરતી કંસારી, દિવસે ઘટરઘૂ કરતાં કબૂતર, બંધ રાખેલી બારીની સ્ટોપર ફરતે જાળ ગૂંથતા કરોળિયા, કોઈ ખૂણે માળો કરતા પંખી - કેટકેટલા અસ્તિત્વો જ્યાં જીવન હોય એ ઘરમાં ધબકવા લાગે છે. દર દિવાળીએ એમને ફિલ્ટર કરીએ ને દરેક ચૂંટણી પછી ફરી નવા સ્વરૃપે શરૃ થઈ જતા ભ્રષ્ટાચારની જેમ એ નવેસરથી અડ્ડા જમાવવા લાગે. નેકસ્ટ દિવાળીએ ગેમ શૉની માફક 'આગલી પાયદાન'નું ટફ ટાર્ગેટ સેટ કરવા!

દિવાળી પર બદલાતા પડદા આપણી આખોને નવા રંગ આપે છે. ધોવાતી ચાદર પોતાનામાં છૂપાઈને સંતાયેલા કેટલાક માદક સ્પર્શ સાફ કરીને ફરી રગદોળાવા, ચોળાવા, ભીંસાવા માટે સજ્જ થાય છે. મકાન તો બિલ ગેટ્સ કે મુકેશ અંબાણી દર વર્ષે બદલાવી ન શકે. પણ એને નવી કે જુદી રીતે સમજાવવું એ ય નોબેલ પ્રાઈઝ વિનાનું ઈનોવેશન છે. ગઈ દિવાળીએ જે ઢીલી પડેલી નળની ચકલી રિપેર કરાવવાની હોય કે સ્વીચમાં બંધ પડેલા પ્લગ નવા નખાવવાના હોય, એ ટેક્સની પાછલા વર્ષની ઈન્કવાયરીઓની જેમ આ દિવાળીએ પણ નવા રિમાઈન્ડર્સ આપે છે.

આવું અચાનક યાદ આવે ત્યારે સમય ઘડિયાળના કાંટામાંથી ભોંકાય છે. ''આ વર્ષે તો આ બધું સરખું કરાવી નવું રિનોવેશન કરવું જ છે.''ના ભીષણ સંકલ્પો બ્રહ્માંડ ધુ્રજાવતી દ્રઢતા સાથે લેવાય છે. વળી, અત્યાર પૂરતું ચલાવી લેવાનું સમાધાન જીતી જાય છે. ને ફરી નવી દિવાળી સુધી એ વાત ભૂલાઈ જાય છે.

પણ આ દિવાળીએ યાદ કરવા જેવા છે આ વાર્ષિક સાફસફાઈની વૃત્તિ-પ્રવૃત્તિમાંથી મેઘધનુષની જેમ ઝળહળી જતાં સફાઈના સાત રંગો! સેવન ડિફરન્ટ શેડ્સ ઓફ ધૂળઝાળા. લેટ્સ રિફ્રેશ.

(૧) રિશ્તે નાતે : સહનાવવતું  સહ નૌ ભુનક્તુ  વાળી પ્રાચીન પ્રાર્થના દિવાળીના સપરમા દહાડાઓની પૂજા કરતાં આ ધૂળઝાળામાં વધુ પ્રગટ થતી જોવા મળે! મોટા ઘરની શેઠાણીઓ આ સમયે અચાનક કામવાળી સ્ત્રીઓ કે બિલ્ડિંગના ચોકીદારને વધુ માનસન્માન આપતી થઈ જાય. નાના-મોટા અને અમીર-ગરીબના ભેદ ભૂંસી નાખતું બોન્ડિંગ રચાઈ જાય.

નાના ગામોમાં ઘણા ઘરોમાં બહેનપણીઓ કે દોસ્તોને આ નિમિત્તે ખાસ પાર્ટીની જેમ ટાઈમ આપીને ઘેર બોલાવાય. કઝીન કે ભાઈ-બહેનો ભેગા થાય. બેસતા વર્ષે હેપી ન્યુ ઈયર કહેવા લુખ્ખું લુખ્ખું થોડી મિનિટો મળવાનું થાય આર્ટીફિશ્યલ સ્માઈલ સાથે. પણ આ સાથે મળીને કામ કરવા-કરાવવામાં મદદરૃપ થવાનું - બોન્ડિંગ લોંગ લાસ્ટિંગ હોય!

એમાં વધુ સમય પસાર થાય ને ભેદની 'ભીંત્યુ' પણ ઓગળે. ઘરસફાઈ કરતાં નોકરને શેઠ જમી લેવાનું કહે એમાં ઉત્સવનો સ્નેહભાવ દીવડાંની જેમ પ્રકાશી ઊઠે. પાર્ટીમાં તો કોઈપણ આવે, કચરો સાફ કરાવવા આવે એ સાચા દોસ્ત!

(૨) શરમ વગરનો શ્રમ : આ એક એવી આદત છે, જેના માર્ક કોઈ મોટા એડમિશન માટે મુકાતા નથી પણ સંસ્કાર તરીકે માતા-પિતાએ તે કેળવણી તરીકે ટીચર્સે તાલીમબદ્ધ કરવી જોઈએ. ડિગ્નીટી ઓફ લેબરની ટેવ આપણા કહેવાતા કુલીન સમાજને પડી નથી, એટલે તો હજુ છેવાડાના સમાજને તરછોડાયેલાની ફીલિંગ આવે છે.

સફાઈ કરનારને આપણે નીચા ગણીએ ને ગંદકી કરનારને ઉંચા! આ ધૂળઝાળા અભિયાન ઓફિસના બોસને પણ ચડ્ડીભેર જોડા ઉપર ડબરાં ઉતારવા ચડાવી શકે છે. સ્ટાઇલિશ મોડલસુંદરીને પણ કછોટો વાળીને ફરસ ધોવા કામે વળગાડી શકે છે. માણસની કર્મનિષ્ઠાનો અસલી ચહેરો આમાં પ્રગટ થાય છે. જે આવી રીતે ઘરમાં બહારની પ્રતિષ્ઠાનો ભાર ઉતારીને કામે લાગી શકે એ જ જેની સાથે બહાર હરવા ફરવાની મજા આવે એવો કે એવી પાર્ટનર બની શકે.

આમાં પ્રિન્સિપાલ-પટાવાળા, ડૉક્ટર-નર્સ, ડિપ્લોમેટ-ડ્રાઈવર કોઈ વિભાજન રહેતા નથી. ડોરબેલ વાગે ત્યારે ધૂળ ભરેલા માથે મેલાઘેલા ઝપાટાબંધ બારણું ઉઘાડવા ધોયેલા પાણી ટપકતાં હાથે સીઈઓ પણ દર્શન આપે એવી આ ઘટના છે. આફ્ટરઓલ, આપણે કચરો છેલ્લે તો આપણે જ ઉપાડવાનો છે. માટે હૂકમ નહિ, શ્રમ કરો એ માટે.

(૩) સ્મૃતિસફર : ક્રિસ્મસ કે સ્પ્રિંગ (બરફ પછીની વસંત) વખતે હાઉસક્લીનિંગ કરતા વેસ્ટર્ન વાર્ડનું હળવું વનલાઈનર છે : ઘરસફાઈમાં ૧૦% સમય સફાઈમાં, ૨૦% એના વિશે ફોન પર વાતો કરવામાં, ૧૦% આ કોણે અહીં મુક્યું, આ પડયું પડયું બગડી ગયું, અરરર આ તો યાદ જ નહિ કે આપણે લીધું હતું, ઓહો આ આખા વરસે હવે છેક જડયું એવો ફરિયાદી કકળાટ કરવામાં ને ૬૦% નવીજૂની જે ચીજો બહાર આવી હોય એની સાથે રમવામાં જાય છે! રમવું મતલબ, એ પાથરીને જોયા કરવું,

મેગેઝિન હોય તો એના ત્યારે જ પાના ખોલી લેખ વાંચવા લાગવો, ફોટો હોય કે રમકડું હોય કે ઘરેણું તો એ હાથમાં લઈ એની સાથે જોડાયેલી યાદોમાં ખોવાઈ જવું એટસેટરા. યસ, મેમરીનું કનેક્શન કોઈને કોઈ ચીજ સાથે હોય છે. એ દેખાય કે ટાઈમ ટ્રાવેલ થઈ જાય ને ભૂતકાળનું કોઈ ફોલ્ડર ઓપન થઈ જાય દિમાગમાં! આપણને નોસ્ટાલ્જ્યા, ભૂતકાળની સ્મૃતિઓને વાગોળવાનું એટલે ગમે છે કે આપણે મૃત્યુથી ડરીએ છીએ અને દરેક ભવિષ્યનો છેડો ડેથમાં નીકળે છે. ને દરેક પાસ્ટમાં વીતી ગયેલી યુવાની જડે છે!

ગુડ. પહેલી નજરે નકામી લાગતી અમુક ચીજોમાં આપણી એક કહાની છુપાયેલી હોય છે. ને જે સેન્સિટિવ બીઇંગ છે, એ લાગણીને લીધે નિર્જીવ દીવાલો કે વસ્તુમાં 'સજીવારોપણ' કરી શકે છે. મીન્સ, એમાં પોતાના ભાવ રોપીને એને જીવંત બનાવી શકે છે. દિવાળી ધૂળઝાળાનું આ સૌથી ઈન્ટરેસ્ટિંગ એલીમેન્ટ છે. ફાસ્ટ ભાગતી લાઈફમાં  મનના વિરામ જેવા સ્ટેશન  ઘરમાં જ શોધવા!

(૪) મમત્વમોહ : ભૂતકાળના વરસાદમાં ભીંજાવાની મજા આવે, પણ એના પૂરમાં તણાઈ જવું સેહત કે લિયે હાનિકારક હૈ. બાસુંદી બનાવવા માટે દૂધમાં ખાંડ નાખવાની હોય, ખાંડમાં દૂધ નહિ! તો મોં ભાંગી જાય ને તબિયત બગડી જાય. ઠંડું શરબત પીવું ગમે પણ બરફના શરબતમાં દાંત અંબાઈ જાય. એક ખાનામાં બચપણ કે સ્કૂલ-કૉલેજકાળની ચીજો બરાબર સાચવીને આજીવન રાખી હોય. એકાદ જૂનું બોક્સ, બેગ કે પીપડું એનું ભર્યું હોય, એ બરાબર છે.

પણ આખું ઘર એનું બનાવવા જાવ તો હોરર ખંડેરની ઈફેક્ટ આવે. જૂની ભૂતાવળ એવી વળગી પડે કે વર્તમાનના નવા જમાનામાં મજા જ ન આવે. ખાસ કરીને વધતી ઉંમરે ઘણા વડીલોને સાવ જ ફાલતુ નકામી ચીજોની સંઘરોખોરીનો શોખ હોય છે.

ચીંથરા ને તૂટેલા હૂક-સળિયા, સનમાઈકાના બટકા, સડી ગયેલા લાકડા, ઉંદર-ઉધઈ કાતરી ગયા હોય એવા છાપાં-પુસ્તક, પૂંઠાના ખાલી બોક્સ, વળી ગયેલી ખીલી, તૂટી ગયેલા બટન, ફાટી ગયેલ ગોદડી, ચીકણા થઈ ગયેલા રબર, ડૂચો થઈ ગયેલી પ્લાસ્ટિકની કોથળી, ફૂટી ગયેલ શીશીના ઢાંકણા ને આવું તો કંઈ કેટલુંય જીદ કરીને સાચવતા હોય છે.

મોં મચકોડીને નવી પેઢી પરાણે પરાણે આ બોજ વેંઢારે છે. આ ખજાનો નથી. ભંગારવાડો છે. એવું બધું 'ક્યારેક કામ લાગશે' માની સાચવવું એ ઓબ્સેસીવ કમ્પલઝિવ ડિસઓર્ડર જેવી માનસિક બીમારી હોઈ શકે.

ઓસીડી. આવા વળગણમાંથી મુક્ત થવું એ માનસિક સફાઈ છે. સફરમાં બેગ જેટલી હેવી, એટલો થાક વધુ. હેપી રહેવા નવું સારું જડે ત્યારે નકામું જૂનું ફેંકતા કે જરૃરિયાતમંદ કોઈને આપી દેતા કે એની રોકડી કરતા શીખવા જેવું છે.

કુદરત તો ક્રૂરતાપૂર્વક જીર્ણજર્જરિત બાબતોનો નાશ કરે જ છે. પસ્તી સાચવવામાં ખુદની હસ્તી ને મસ્તી પસ્તી ન થાય એ જોવું!
(૫) ડિજીટલ ડેવિલ : નોર્મલ જૂના કચરા તો તરત નજરે ચડે છે. આજકાલ ઝટ દેખાતો નથી એવો કચરો ડિજીટલ પણ હોય છે. જે આપણી હેપિનેસ છીનવી શકે. બહુ બધી રખડતી ડીવીડીઝ કે કેસેટ્સ કે સીડીઝનો ડેટા હાર્ડડિસ્કમાં ભરી લેવા જેવો છે.

આમ પણ, હવે આ ચીજોનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. બધું પેનડ્રાઈવમાં કે ઓનલાઈન આવી રહ્યું છે. નવા ફોરેન લેપટોપમાં સીડી-ડીવીડી-બ્લુ રે ડ્રાઈવ પણ નથી આવતી. મૂવીઝ પણ ઢગલાબંધ ઓરિજીનલ ઓનલાઈન છે એમેઝોન પ્રાઈમ કે નેટફ્લિક્સમાં. આ તો ઠીક, હાથમાં લઈ શકાય એવા ડિજીટલ વેસ્ટની વાત થઈ.

પણ આપણા ફોન ને કોમ્પ્યુટરમાં ય સરકારી કચેરીના ટેબલની જેમ જ આડીઅવળી ફાઈલોના થપ્પા લાગેલા હોય છે. કટ ધ વેસ્ટ. જૂના મેઈલ્સના ભરાવાથી કામના ઈમેઈલ જડે નહિ જેવું અદોદળું ઈમેઈલ એકાઉન્ટ ન રાખો. અગત્યના લાગે એ માર્ક કરી ડ્રાઈવમાં ફોલ્ડર બનાવો, બાકીના ફિલ્ટર કરો. ડિટ્ટો વોટ્સએપ મેસેજીઝ એન્ડ વિડિઓઝ. ફોન મેમરીના દુશ્મન નંબર વન.

ફેસબુકમાં નેગેટિવ કે સાયલન્ટ ફ્રેન્ડસની સફાઈ કરો. એકના એક ફોટો પાંચ જગ્યાએ સેવ થઈને સ્પેસ રોકતા હોય તો એને ય ઉડાડો. બ્લર થયેલા કે ટાઈમબીઇંગ પૂરતા ઈમ્પોર્ટન્ટ ફોટોઝ કે સેવ્ડ ફાઈલ્સને જૂની કંકોત્રીઓની જેમ જ રિસાઈકલ બીનમાં રાખો. ને બને તો રોજ ચાંપલા ને ગપોડી મેસેજીઝ ઠાલવતા મિત્રોને બ્લોકની સૂચના આપી કહી દો કે માપમાં રહો. મારો મોબાઈલ કે પીસી ગટર નથી.

(૬) નવરચના : જૂનું કાઢવાની સાથે વધુ સારું એવું નવું અપનાવતા જવું એ ઉત્સવ. અમુક સમયે વ્હીકલ, ટીવી, મોબાઈલ, ફ્રિજ, એસી વગેરે ટેકનોલોજીકલી નકામા થાય છે. એ બદલાવતા રહેવા જોઈએ બચત કરીને. એમ જ ઘરને નવેસરથી ગોઠવવું એ ય સૌંદર્યદ્રષ્ટિ છે. એસ્થેટિક સેન્સ. બહુ લાંબો સમય એકનો એક ફોટો દીવાલ પર ચીપકેલો રહે તો રૃટિન થઈ જાય છે.

ફેસ્ટિવલ્સ બ્રેક ધ રૃટિન માટે છે. માટે ચેન્જ ઈટ. નવી ડિઝાઈન, નવી ઘડિયાળ કે ફ્રેમ, નવી ચાદર, નવી ખુરશી બધું ફ્રેશનેસ ફીલિંગ આપે છે. એટલે ઘર તો કલરફૂલ રાખવું. ઝટ જૂનું ન થઈ જાય. નવી રીતે ગોઠવ્યા કરવું. ઇવન, ધૂળઝાળા પછી બધા વધારાના કાગળો-ચીજોથી છૂટકારા મેળવ્યા બાદ બે ટ્રિકથી રિઓર્ગેનાઇઝ કરો સ્ટોરેજને પણ.

વિચાર કરો કે ૧૨ મહીના કે ૫ વરસમાં આ ચીજ કેટલી જોઈશે આપણને. એ મુજબ બોક્સ કે ખાના બનાવો. જરૃર પડે લેબલિંગ કરો. બૂક્સને પણ એ રીતે જોનરવાઇઝ/પ્રકાર મુજબ ગોઠવો. એ મુજબ રાખવાથી ભવિષ્યમાં એ ચીજો ફરી ફરી સાફ નહિ કરવી પડે! એક ખાનું રોજીંદા વપરાશનું રાખવું. વધારાનું એમાં ને વરસદિવસે નિકાલ!

(૭) લેઝી લમ્હે : ધૂળઝાળા સરખી રીતે નથી થતા, અથવા કર્યા પછી ફરી હતું એનું એ થઈ જાય છે, એની પાછળ આળસ જવાબદાર છે. ઘણી સ્ત્રીઓ એવું માને છે કે કાં પોતે બ્યુટીફુલ રહી શકે, કાં ઘર. માટે પોતે ઘરસફાઈ માટે બહાર નોકરાણી શોધતી ફરે છે.

ઘણા પુરૃષો માત્ર એકઠો થયેલ કચરો કોથળીમાં ભરી ફેંકવા જાય એને જ ઘરસફાઈ કરી એવું માને છે. એક ફની 'મીમ' છે, ઘર અસ્તવ્યસ્ત છે? ડૉન્ટ વરી. લાઇટ્સ બંધ કરી દો! હીહીહી. તો ઘણી ગૃહિણીઓનો અનુભવ હશે કે બાળકો ને પુરૃષો પગ ન મૂકે ત્યાં સુધી જ ઘર સાફ રહી શકે. ક્યારેક દસ દિવસમાં જે સફાઈ આપણે રહેતા હોઈએ ને નથી હોતી, એ દસ મિનિટમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે થઈ જાય છે!

દર વર્ષે જો સફાઈ કરવી પડે ને તો ય કચરો એકઠો થઈ જાય તો અનુભવે સમજાવવું જોઈએ કે આ કસરત જ વ્યર્થ છે. માટે ન કરવી. આવું ય ઘણા કહે છે. સુઘડ ઘર એ મોબાઈલ બંધ હોવાની નિશાની છે? (સફાઈનો મોટાભાગનો સમય તો સ્માર્ટફોન ખાઈ જાય છે!) બધાને દુનિયા બદલાવી નાખવી છે, પણ વાસણો સાફ નથી કરવા! કપડાં હેંગરમાં નથી ટાંગવા!

ક્લીન હાઉસ એટલે પ્લેસ ફોર એવરીથિંગ, એન્ડ એવરીથિંગ ઈન પ્લેસ. સફાઈની ફીલિંગ આવે એ જતી રહે ત્યાં સુધી પડયા રહેવાથી સફાઈ નથી થઈ જતી. હાથ-પગ-મોં મેલા થાય ત્યારે ઘર ચોખ્ખું થાય છે. જાતે ઉંચકી ગોઠવી ન શકો કે ખુદ સાફ ન કરી શકો એટલું ભેગું જ ન કરવું એ બેસ્ટ. ધૂળ તો ફર્નિચર પરના કોટિંગની જેમ જામવાની જ. એનો મુકાબલો એ આપણી નીયતિ છે. ને જગજાહેર વાત છે કે ઘરસફાઈનું ઈન્ટેલીજન્સ બ્યૂરો જેવું છે. રોજ કામ કરો તો કદર ન થાય, પણ એક વાર ચૂકી જાવ તો માછલા ધોવાય!

માટે, સેલ્યુટ ટુ વન્ડર વુમન. કોમિક્સને મૂવીવાળી નહિ. ઘરવાળી. જેમની ચીવટ ને આંખ ધૂળ-કચરાની બાબતે પુરૃષો કરતાં વધુ તેજ છે, એવા હોમમેકર્સને. ઘર યુઝફુલ અને બ્યૂટીફૂલ બે પ્રકારની ચીજોથી ઘર બને છે.

અને અભિષેક અગ્રાવત કલ્પના કરે છે એમ ક્યારેક સાવરણાની સળીઓના લિસોટામાં પ્રિયતમના રંગરસીલા ન્હોરિયાં યાદ આવે એવો રોમાન્સ પણ આમાં છે. પગલૂછણિયું ઝાટકતી ને માથે ટુવાલ બાંધીને સાડીનો પાલવ કમરે બાંધેલી નારી પણ હીરોઈન છે, ફેસ્ટિવલની! સાફ કરેલા ઘરમાં એકલા ઉભીને શ્વાસ લેવાથી એને જે હરખ થાય છે, એને સપોર્ટ પછી, પહેલા એપ્રિશિએટ તો કરીએ!

ફાસ્ટ ફોરવર્ડ

દિવાળીની સાફ સફાઈ દરમિયાન બે વિશેષ થેલી અટવાતી રહે : (૧) ગયા વરસની સફાઈ બાદ ''અત્યંત અગત્યના કાગળો'' એવા લેબલવાળી બેગ. કસમ, (જેની ખાવી હોય એની) આખા વરસમાં એ બેગ સામે જોયું હોય તો. (૨) આ વરસની સફાઈ દરમિયાન બનવા જઈ રહેલી ''અત્યંત જરૃરી કામના કાગળો''વાળી નવી થેલી! (મિતેશ પાઠક)
 For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments