Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

જુમાનજીના જલવા : વન્ડર, એડવેન્ચર, પ્લેઝર!

૨૨ વર્ષથી વધતી ઉંમર છતાં ભીતરના બાળકને જીવતી રાખતી ફિલ્મના નવા અવતારને વિશ્વભરે વધાવી લીધો છે

નવી જુમાનજી શીખવે છે કે જ્યારે લાઈફ બચેલી હોય ત્યારે સુફિયાણી વાતો કરવી આસાન હોય છે. પણ આપણા કમ્ફર્ટ ઝોનની બહાર જિંદગી સામે જોખમ આવે ત્યારે ખરી કસોટી હોય છે.  ત્યારે જીતે એ સાચો કે સાચી વીરબહાદૂર

૧૯૯૫.

એ વરસ હતું જ્યારે કલ્ટ ક્લાસિક 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' રિલીઝ થયેલી, વર્ષો સુધી થિએટર અને મનમાં ચાલવા માટે. એ જ વરસ હતું જ્યારે અચાનક આખા ભારતમાં ગણપતિ દૂધ પીવા લાગેલાનો શોરબકોર મચ્યો હતો અને ચમત્કારની લહેરખીઓમાં દેશ ઝૂમી ઉઠયો હતો!

પણ એ જ વર્ષે એક ફિલ્મ રિલીઝ થયેલી. આખી એક જનરેશનના સ્મૃતિપટ પર ડીડીએલજેથી વધુ ગહેરી છાપ છોડતી. નજર સામે દેખાતો હોવાનું મનાતા ધાર્મિક ચમત્કાર કરતા વધુ રોમાંચનો અહેસાસ કરાવતી એ વખતે હોલિવૂડ રિલીઝ તરીકે ભારતના નાના શહેરોમાં ય ઝંડા નાખી દેનારી : જુમાનજી.

હનુમાનજી સાથે પ્રાસ મળે એવું નામ ધરાવતી આ ફિલ્મ આપણી કોઈ પુરાણકથા જેવી થ્રીલિંગ સફર કરાવતી હતી. ત્યારે તો સિંગલ સ્ક્રીનનો જમાનો હતો. નરસિંહરાવે કરેલું ગ્લોબલાઇઝેશન તો હજુતાજું જ હતું. હોલીવૂડ એટલે ગઠ્ઠાદાર શરીરવાળા હીરોનું એક્શન, અથવા પ્રલયકારી કોઈ રાક્ષસી જાનવર કે પછી ટૂંકા કપડાવાળી છોકરીઓની સેક્સ- અપીલ એવી જ છાપ ભારતની જનતા જનાર્દનમાં ગાઢ થયેલી હતી. ત્યારે એક ઝાટકે 'જુમાનજી' ફિલ્મે બધી જ ઇમેજ પર ડીલીટ મારી દીધું. રોબિન વિલિયમ્સ હોલીવૂડની જેમ જ ભારતના દર્શકોનો ય ડાર્લિંગ થઈ ગયો.

એની જૂની ફિલ્મો લોકો શોધવા લાગ્યા. અલાદ્દીનના જીનીને (જે કાર્ટૂન કેરેક્ટરનેેે એણે વોઇસ આપેલો) ઘણા બાળકોએ સદેહે જોયો! થોડું સ્થૂળ શરીર અને એવરેજ હાઇટ- લૂક્સ ધરાવતો મધ્યવયસ્ક ઓર્ડિનરી હીરો, કોઈ એંગલથી ક્રાઉડ પુલર સ્ટાર ન લાગે.

પણ આખી દુનિયામાં રોબિન વિલિયમ્સનો રીતસર જાદૂ એ ગાળામાં શરુ થયો. એની આંખમાં બાળક જેવી નિર્દોષતા હતી અને ચહેરા પર મસ્તમૌલા સ્માઇલ. કશુંક આગવું ખેંચાણ હતું એનામાં. કદાચ કોઈ રીતે એ ટિપિકલ હીરોગીરી જોવા ટેવાયેલ પ્રેક્ષકની વિનર ન લાગતો. છતાં પોતાની ઓનેસ્ટી ને ક્રિએટીવીટીના જોરે એ પડતા આખડતા અને ખાસ તો હસતા હસાવતા જીતી જતો, એ જોવામાં આપણે જીતી ગયા હોય એવો સંતોષ મળતો. અને રોબિન પાસે પ્રેઝન્સનો ચાર્મ તો હતો જ.

જુમાનજી ફિલ્મે રોબિનની આ સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને જબરદસ્ત આનંદયાત્રા સર્જી હતી. એના ડાયરેક્ટર જો જોન્સ્ટન અગાઉ અસામાન્ય ફેન્ટેસીમાં ફસાઈને ડગલે ને પગલે નેચરલ ચેલેન્જનો સામનો કરતા સામાન્ય બાળકોના પાત્રો પર 'હની આઇ શ્રંક ધ કિડ્સ' જેની ફન ફિલ્મ બનાવી ચૂક્યા હતા. રમૂજ અને રોમાંચનો સમન્વય  થાય ત્યાં રાજીપો આવે, આવે ને આવે જ.

જુમાનજી એક્ચ્યુઅલી તો ૧૯૮૧માં ક્રિસ વાન આલ્સબર્ગની નાનકડી ચિત્રવાર્તા પર આધારિત હતી. અચાનક મળી આવતી બોર્ડ ગેઇમ, જેમાં બે બાળકો રમવા લાગે તો ફરજીયાત પૂરી કરવી જ પડે અને જેમાં રહસ્યમય રીતે પાસા ફેંકી થતી પ્રત્યેક ચાલ પર ઘરમાં જંગલ સજીવન થાય ને ઉખાણા/ પઝલી ભાષામાં એની ચાવીઓ હોય - આ એનો મૂળ પ્લોટ, મતલબ, જુમાનજી ફિલ્મથી અમર એવું રોબિન વિલિયમ્સનું પાત્ર એલન પેરીશ અને એના નિમિત્તે ઉભી થતી ટ્રાઇમ ટ્રાવેલ તો ફિલ્મની જ ઉપજ હતી.

(આના પરથી સ્ટોરી અને સ્ક્રીન પ્લે વચ્ચેનો તફાવત સમજાય !) બાય ધ વે, ક્રિસભાઈની જ વાર્તા પરથી જુમાનજી જેવું જ એડવેન્ચર સ્પેસમાં કરાવતી બોર્ડ ગેઇમની ફિલ્મ 'ઝથુરા' બની અને સુપરહિટ 'પોલાર એકસ્પ્રેસ' પણમૂળ એમની જ સચિત્ર કહાની ! લાઇફમાં ઇમેજીનેશન હોય તો જગતની જનરેશન પરજાદૂ કરી શકાય એનો વધુ એક પુરાવો!

ક્રિસભાઈની ક્રિએટીવિટી લકી તો ખરી. જુમાનજી જો જ્હોનસ્ટને બનાવી જે પાછળથી સ્પીલબર્ગ બાદ જ્યુરાસિક પાર્ક થ્રી અને કેપ્ટન અમેરિકા જેવી ફિલ્મોના ય ડાયરેક્ટર રહ્યા. મૂળ તો એ સ્પેશ્યલ ઇફેક્ટસના માસ્ટર માઇન્ડ. ઓરીજીનલ સ્ટાર વોર્સ ટ્રાયોલોજી અને ઇન્ડિયાના જોન્સ ટ્રાયોલોજીની એ વિઝ્યુઅલ ઇફેક્ટસ રચનારા. દેખીતી રીતે જ બાળકો માટેના માસ્ટર સ્ટોરીટેલર સ્ટીવન સ્પીલબર્ગ સાથે કામ કરીને એમના સ્પેલમાં તો એ આવી જ ગયા હોય.

જુમાનજીના ચાહકોએ ખાસ જોવા જેવી 'ઝથુરા: ધ સ્પેસ એડવેન્ચર' ફિલ્મ વળી જોનફેવરોએ ડીરેક્ટ કરેલી. ઓળખ્યા? આયર્ન મેન અને હમણાં આવેલી જંગલ બુકના ડાયરેક્ટર! તો 'પોલાર એક્સપ્રેસ' પડદા પાછળ રોબર્ટ ઝેમેક્કસ લઈ આવ્યા, જેના નામે ફોરેસ્ટ ગમ્પથી બેક ટુ ધ ફ્યુચર બોલે છે. મતલબ, બધા જ ધુરંધર કસબીઓ!

એટલે જ ૧૯૯૫ની જુમાનજી ફિલ્મ પોતાની રીતે અનોખી અને સર્વાંગસંપૂર્ણ હતી. કોઈ પણ ફેન્ટેસી તો જ અસરકારક રહે જો એના કેરેક્ટર્સ ને બેકડ્રોપ બિલીવેબલ હોય અને એમાં સર્જાતી ઘટનાઓ અનબિલીવેબલ હોય! પણ ફિલિંગને મેસેજ એકદમ હ્યુમન હોય. જ્યારે એમાં રચાતી સફર વળી મેજિકલ હોય! ભેજા ઘૂમ ગયા? ઓકે, પોઇન્ટ જ એટલો જ છે કે, મનફાવે એમ આડેધડ ભવાડાછાપ કલ્પનાઓનો ઢગલો રચી દેવાથી કંઈ પરીકથાનો અહેસાસ ન થાય. કોઈ પ્લસ પોઇન્ટ સામે કોઈ વીક પોઇન્ટ મૂક્યો હોય તો પડકાર જેવું લાગે.

તો હારજીતના હીંચકા આવે તો રસ પડે. માટે જાદૂ ને ચમત્કારોથી ભરપૂર વાર્તાઓના ય પાત્રો તો વાસ્તવિક લાગે એવા અને ખાસ તો નાના બાળકો જેવા હોવા જોઈએ. જે વલ્નરેબલ યાને ગમે ત્યારે જોખમો સામે ભાંગી પડે એવા ય હોય, ને વિસ્મયથી દોરવાઈને વધુ મળતી મેચ્યોરિટી વિના સાહસમાં ઝૂકાવે એવા ય હોય. મેજિક ને લોજીક એકરસ કરવા પડે!

મૂળ જુમાનજીમાં આ જલસો હતો. શરુઆતની ફિલ્મમાં કોઈ ધૂમધડાકા વિના જ બાળક એલન પેરીશ અને એના કડક પણ મૂલ્યનિષ્ઠ બાપનો સંઘર્ષ બતાવાયેલો. એક જ અનુશાસનના ફોરમેટમાં બોર થતો અને માર ખાતો એ બાળક એસ્કેપમાં કૂતુહલથી અનાયાસ મળી આવેલી બોર્ડ ગેઇમમાં ગુલતાન થવા જાય છે. અને જગજાહેર છે એમ ગેઇમ એને રીતસર ગળી જાય છે!

પુરાના કિલા જેવું એનું ભવ્ય મકાન, નાના બ્રિટીશ ગામનું વાતાવરણ... અને વર્ષો પછી એ ઘરના ફરી ખુલતા દરવાજા... અકસ્માતે મા-બાપ ગુમાવ્યા બાદ એલન જેમ ક્યાંય મેળ ન પડતો હોય એવી અવસ્થામાં ત્યાં આવેલા બે મુગ્ધ બાળકો... અને એમના વિસ્મયથી ફરી આગળ વધતી રમત... ઘર અને શહેરના વાતાવરણમાં અચાનક એક પછી એક પ્રગટ  થતા જંગલના પાત્રો... વાંદરા, મચ્છર, શિકારી, સિંહ, હાથી, ગેંડા, વિશાળ કરોળિયા, ઝેરી ફૂલ, વરસાદી પૂર, મગર, ધરતીકંપ... માણસની સૃષ્ટિમાં ઘૂસીને હાહાકાર મચાવી દેતી કુદરત!

પણ એમાં વચ્ચે જે રીતે હ્યુમર ગૂંથાયેલી... જેમ કે, ૨૬ વર્ષે પાછો ફરેલ એલન સારાને મળે જે અલૌકિક નિહાળ્યાની વાત જ કોઈ ન માનતા અન્ડર થેરેપી હોય... અને પેલા શેરીના નાકે ઉભતા લુખ્ખેશો જેવા તોફાની શેતાની વાંદરાઓ!

ત્યારે સ્ટીવ જોબ્સના પિક્સારે ઘડેલું કોમ્પ્યુટર એનિમેશન નવું નવું હતું. આજે એમેઝોન પ્રાઇમ પર જુમાનજી જુઓ, તો એ વખતે અદ્ભુત લાગેલી ઇફેક્ટસ થોડી 'ટેકી' યાને તકલાદી ય લાગે. એ વખતે હજુ સીજીઆઇ (કોમ્પ્યુટર જનરેટેડ ઇમેજીઝ)માં વાળ કેમ બનાવવા કે પ્રકાશના પ્રત્યેક ખૂણાને રિફ્લેક્ટ કરે નોર્મલ લાઇફની જેમ, એ જ મોટી ચેલેન્જ હતી. પણ તો ય જુમાનજી જોરદાર છાપ છોડી ગઈ. પૂછો કયું?

કારણ કે એ ફિલ્મની અંદર છૂપાયેલી એક વન્ડર એડવેન્ચર રાઇડ હતી. સદીઓથી માણસને 'ઇચકદાના બીચકદાના...દાને ઉપર દાના...' ટાઇપના ઉખાણાનું ફેસિનેશન છે.

રિલેશનશિપ હોય, રોમાન્સ હોય, સંગીત હોય, શિલ્પ હોય, સાહિત્ય હોય... જે ઝટ સમજાય એ હંમેશા ફિક્કું લાગે. સીધી લીટીના માણસો ય બોરિંગ લાગે. પઝલ ઝટ સમજાય નહીં એટલે આકર્ષક લાગે. એટલે જ ખજાનાની શોધ જેવી વાર્તાઓ સારી રીતે કહેવાયેલી હોય તો ગમે જ. જુમાનજીનું મૂળ જોડકણું જ આવું હતું : 'એ ગેમ ફોર ધોઝ હુ સીક ટુ ફાઇન્ડ, એ વે ટુ લીવ ધેર વર્લ્ડ બિહાઇન્ડ!'

જે કશીક ખોજમાં નીકળે, એણે પોતાની દુનિયાની પાછળ ભૂલીને એક નવી જ રમતમાં કદમ માંડવા પડે છે!
    
૨૨ વર્ષથી જે ફિલ્મ મનમાં માળો કરીને બેઠી હોય એની અંતે રીબૂટ પ્લસ સિકવલ ડિક્લેર થાય ત્યારે જાણે મનગમતી પ્રેમિકાની પ્રતિમા કોઈ ખંડિત તો નહિ કરે ને, એવો ખતરો સતાવવા લાગે. પણ જુમાનજીની હમણાં રિલીઝ થયા બાદ ચોમેર પોઝિટીવ રિસ્પોન્સ મેળવી રહેલી નવી ફિલ્મ જોયા પછી આનંદ થયો. જૂનાના પુનરાવર્તન વિના, પણ એને આદર આપીને કશુંક નવું બનાવી શકાય એની મિસાલ આ નવી ફિલ્મ 'જુમાનજી : વેલકમ ટુ ધ જંગલ' છે.

આફ્ટરઓલ એના જવાન ડાયરેક્ટર જેક કાદસનના પિતા લોરેન્સે 'એમ્પાયર સ્ટ્રાઈકસ બેક' અને 'રેઇડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક' જેવી ક્લાસિક ફિલ્મો લુકાસ અને સ્પીલબર્ગ માટે લખેલી. આ આખી ફિલ્મ વિડીયો ગેઈમના મજેદાર 'અવતાર'ના સેટ અપમાં છે. અને ઘણા વખતે ઇન્ડિયાના જોન્સ જેવી વન્ડર એડવેન્ચર રાઈડ એમાં માણવા મળે છે.

નાઉ ધેટ્સ ધ પોઈન્ટ. આજકાલ ફિલ્મોમાં ઈસપની વાર્તાઓ જેવા બોધ ફટકારવામાં આવે છે. આપણા ભારતીય સમાજની નબળાઈ એ છે કે આધ્યાત્મિક વારસાના અતિરેકને લીધે વાતેવાતમાં મેસેજ શોધવાની આપણને ટેવ પડી ગઈ છે.

બધી વાતમાં કોઈ હેતુ જ હોય, કોઈ મહાન મેસેજ જ હોય એવું જરૃરી નથી. મનોરંજન પણ મેસેજ છે. મૂળ તો આપણે ઝડપભેર આપણું ઇનોસન્સ ગુમાવી રહ્યા છીએ. ભોળપણનો સીધો સંબંધ વિસ્મય સાથે છે. અને વિસ્મયનું ડાયરેક્ટ કનેક્શન ઈમેજીનેશન સાથે છે. જેની કલ્પના વધુ એનો આનંદ વધુ.

કારણ કે દુ:ખને પણ પોતાની સર્જકતાથી સુખમાં ફેરવી શકે છે. વાસ્તવિકતા ડાર્ક હોય ત્યારે જે.કે.રોલિંગે રચેલા હેરી પોટરની જેમ કળામાં આનંદ શોધી શકે છે. મેમરી ગઈ કાલમાં લઇ જાય છે, અને ઈમેજીનેશન ટુમોરોલેન્ડમાં. આઇન્સ્ટાઇનથી ડિઝની, સ્ટીવ જોબ્સથી લિયોનાર્દો દ વિન્ચી બધા આમ જ મહાન થયા છે. ખૂટતી કડીઓ કલ્પનાથી જોડીને બ્રહ્માંડના રહસ્યો ઉકેલીને.

પણ જીંદગીમાં બધી વાતના મર્મ પકડવાના ન હોય. સિમ્પલ સ્વીટ મેસેજીઝ સાથે જુનીની જેમ નવી જુમાનજી પણ એ રોમાંચક સફર કરાવે છે, જેને આપણે દોડધામમાં ભૂલી ગયા છે. બહુ ડાર્ક કોમ્પ્લિકેશન્સ વિનાનું ક્વોલિટી એન્ટરટેઇનમેન્ટ. બધા જ એક્ટર્સ અહીં ફૂલ ફોર્મમાં છે. જરા જુદા પ્રકારે પણ છૂપી રીતે મૂળ ફિલ્મને ઘણી જગ્યાએ અંજલિ આપીને મસ્ત મજાઓ કરાવે છે. જોવાની ઘણાને બાકી હોઈને વધુ વાત તો નથી કરવી પણ પોતાની જાત પરના જોક સાથેની આ ફિલ્મ છે.

જેમ કે ટાઈટ આઉટફિટમાં સજ્જ લારા ક્રોફટ જેવી કન્યા કહે છે કે જંગલમાં ( ફિલ્મો સિવાય ) આવા કપડા કોણ પહેરે? મચ્છર ન કરડે! ડવાયન જહોન્સન ને જેક બ્લેક જમાવટ ફોર્મમાં છે. અણધાર્યા વળાંકોવાળી વાર્તા યાદ અપાવે છે કે એક સમયે ઇન્ડિયાના જોન્સ, ટોમ્બ રેઇડર, રોમાન્સિંગ ધ સ્ટોન, જ્વેલ ઇન ધ નાઇલ જેવી ફિલ્મોમાં કેવી લિજ્જત આવતી. ખાલી ખોટી ફિલસૂફીના ચક્કરમાં આપણે આવી કશીક ચાવીઓ શોધતા શોધતા થતા એડવેન્ચરની જર્ની જ ભૂલી ગયા છીએ!

યસ, સાહસની સફર. બન્ને જુમાનજી ફિલ્મો પર ગહેરી અસર 'વિઝાર્ડ ઓફ ઓઝ' જેવી મહાન કૃતિની  છે. અચાનક જ અજાણી જાદૂઈ દુનિયામાં ફસાઈ જવું, ઘર પર જવાની તડપ, મળતા સાથીઓ, અણધાર્યા પડકારો અને હિંમત તથા માસૂમિયતથી એનો કરાતો મુકાબલો.

ફન સાથે લર્ન. કોયડાઓ જેવી ઘટનાઓ. બહુ અઘરા નહિ એવા સમજણના પાઠ. સારપ સાથે ચપળતા. આપણે આવી કૃતિઓ રચતા નથી. જેમાં કોઈ ડલ મોમેન્ટ જ આવે નહિ, છતાં એના પાત્રો મનમાં ઘર કરીને રહી જાય. જેમના માટે આપણને ફીલ થાય. જેમાં આશ્ચર્યથી આંખો પહોળી થાય એવો રોમાંચ હોય. જે થ્રીલિંગ સ્ટોરી પૂરી જ ન થાય એવું મનમાં થયા કરે.

જૂની જુમાનજીમાં એક જ એક્ટર સખત બાપ ને કરડાકીભર્યા ગોળીબાર કરતા શિકારીની ભૂમિકા કરતો હતો. મતલબ આપણી લાઈફ, સંસાર બધું આપણને કનડે કે કંટાળો આપે ત્યારે આપણે આપઘાતને બદલે એડવેન્ચરના એસ્કેપ શોધવા જોઈએ. સર્વાઈવલ માટે જી જાન સે તનતોડ પ્રયાસો કરવા જોઈએ.

અને ડર્યા વિના બીજાને ખાતર પણ મુકાબલો કરવો જોઈએ, એમને છોડીને ભાગી છૂટવાથી ગેમ પૂરી નથી થતી! લાઈફ ઈઝ એ ગેઈમ. ચાન્સ લેવાના. પાસા ફેંકવાના. ગમતા દોસ્તોની ટીમ બનાવવાની.  ને જે આફત આવે એનો હોશિયારી ને ખબરદારીથી સામનો કરવાનો. એક સરસ વાત હતી : રડવાની કોઈની જીંદગીમાં કશો ફર્ક નથી પડયો, માટે ફાઈટ કરો આફતની આંખમાં આંખ પરોવીને.

નવી જુમાનજી શીખવે છે કે જ્યારે લાઈફ બચેલી હોય ત્યારે સુફિયાણી વાતો કરવી આસાન હોય છે. પણ આપણા કમ્ફર્ટ ઝોનની બહાર જિંદગી સામે જોખમ આવે ત્યારે ખરી કસોટી હોય છે.  ત્યારે જીતે એ સાચો કે સાચી વીરબહાદૂર.

પછી બિમારી હોય કે બાહ્ય પરેશાની. ડોન્ટ ગિવ અપ. હસતા રહો, લડતા રહો, જીતો નહી તો ય એ સફર માણતા રહો. જાદૂ જીવનમાં દરેક જગ્યાએ છે. પણ ડબ્લ્યુ. બી. યેટ્સ કહેતા એમ નજર જેમ સંગીન થાય એમાં એ છુપાયેલો જાદૂ દેખાય ને મસ્તી રંગીન થાય. ઝુલુ ભાષામાં જુમાનજી એટલે જ ઘણી ઘટનાઓ!

વેલ, જુમાનજી સાથે જ હમણાં રિલીઝ થયેલી સર્કસ કિંગ પી.ટી.બાર્નમની લાઈફ સ્ટોરી 'ગ્રેટેસ્ટ શો મેન પણ જોવા જેવી છે. એમાં એક તોબરો ચડાવેલો ટીકાખોર વિવેચક પેશનેટ એન્ટરટેઈનર બાર્નમને કહે છે, કે તારું મનોરંજન તો ફેક છે. બનાવટી માયાજાળ છે. રિયાલીસ્ટીક નથી. અને બાર્નમ સર્કસ જોઇને બહાર નીકળતા ખુશખુશાલ ચહેરાઓ સામે જોઇને કહે છે : પણ એમને મળ્યો એ આનંદ ખોટો નથી. એ તો સાચો છે ને!

ડિટ્ટો જુમાનજી. ડિટ્ટો એન્ટરટેઈનમેન્ટ. ૨૨ વર્ષ પહેલા રાજકોટના ગેલેકસીમાં ફિલ્મ જોઈ હતી. ત્યારે કોલમ શરુ નહોતી થઇ, જે એ જ વર્ષે થઇ. ફરી એ જ સિનેમામાં આ નવી ફિલ્મ જોતી વખતે પછી જીવાયેલા ૨૨ વર્ષ લાઈફમાંથી એક પળમાં બાદ થઇ ગયા એ યાદોમાં એલન પેરીશની જેમ. આપણી આ છે આ ગેઈમ!

ફાસ્ટ ફોરવર્ડ

'જે નીચું જોઇને જ ચાલે છે, એમને મેઘધનુષ દેખાતું નથી!' (ચાર્લી ચેપ્લીન)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments