Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર - લલિત ખંભાયતા

ઈન્ટરનેટે પેટ્રોલિયમની સાઈડ કાપી!

ઔદ્યોગિક ક્રાંતિ વખતથી આજ સુધી જગતની સૌથી મૂલ્યવાન ચીજ તરીકે પેટ્રોલિયમની ગણના થાય છે. હવે ઈન્ટરનેટ-ડેટા તેનું સ્થાન લઈ રહ્યાં છે. જેની પાસે ડેટા, જગત પર તેનું રાજ..

દુનિયાની ટોપ-૧૦ બ્રાન્ડમાં ટેકનોલોજીનું સ્થાન..

દુનિયાની સૌથી મહત્વપૂર્ણ બ્રાન્ડનું લિસ્ટ તૈયાર કરવામાં આવે તો એમાં ટેકનોલોજીનો દબદબો છે. અહીં લિસ્ટમાં જુઓ..

ક્રમ નામ બ્રાન્ડ વેલ્યુ ઉદ્યોગ સ્થાપના
    (અબજ ડોલર)    
૧. એપલ ૧૭૦ ટેકનોલોજી ૧૯૭૬
૨. ગૂગલ ૧૦૧.૮ ટેકનોલોજી ૧૯૯૮
૩. માઈક્રોસોફ્ટ ૮૭ ટેકનોલોજી ૧૯૭૬
૪. ફેબસૂક ૭૩.૫ ટેકનોલોજી ૨૦૦૪
૫. કોકા-કોલા ૫૬.૪ ડ્રિંક્સ ૧૮૮૬
૬. એમેઝોન ૫૪.૧ ટેકનોલોજી ૧૯૯૪
૭. ડિઝની ૪૩.૯ મનોરંજન ૧૯૨૩
૮. ટોયોટા ૪૧.૧ ઓટોમોબાઈલ ૧૯૩૭
૯. મેકડોનાલ્ડ ૪૦.૩ રેસ્ટોરાં ૧૯૫૫
૧૦. સેમસંગ ૩૮.૨ ટેકનોલોજી ૧૯૩૮

એક તરફ પચાસ-સો-બસ્સો વર્ષ જૂની કંપનીઓ છે, બીજી તરફ આ યુવાન કંપનીઓ છે, જેમણે બધી જ જૂની કંપનીઓની સાઈડ કાપી નાખી છે.

હજુ અઢી દાયકા પહેલાં એટલે કે ૧૯૯૦નું 'ફોર્ચ્યુન' મેગેઝિનનું લિસ્ટ તપાસીએ તો ખબર પડે કે એક પણ ટેકનોલોજી કંપની ત્યારે ટોપ-૧૦માં ન હતી. બહુ નહીં, માત્ર દસ જ વર્ષ પાછળ જઈએ તો ખબર પડે કે દુનિયા આખી ઉપર ડેટા કંપનીઓનો જ ભરડો ફરી વળ્યો છે.

૧૯૯૭ના ફોર્ચ્યુન મેગેઝિનના લિસ્ટમાં જગતની સૌથી મોટી કંપની વોલમાર્ટ હતી, એ પછી અનુક્રમે સ્ટાર ગ્રીડ, સીનોપેક ગૂ્રપ, ચાઈના નેશનલ પેટ્રોલિયમ, ટોયોટા, ફોક્સવેગન, રોયલ ડચ શેલ, બાર્કશાયર હેથવે, એપલ અને એક્ઝોન મોબિલ હતી. દસમાંથી ચાર કંપની પેટ્રોલિયમ ક્ષેત્રની હતી.

દર મિનિટે કેટલો ડેટા સર્જાય છે?

સ્થિતિ એવી છે કે છેલ્લા ૫ હજાર વર્ષમાં જેટલો ડેટા નથી સર્જાયો એટલો એકલા વર્ષ ૨૦૧૭માં સર્જાયો હતો..

ડેટા સતત વધતો જાય કેમ કે સતત સર્જાતો જાય છે. તમે પ્રવાસના ફોટા ઈન્સ્ટાગ્રામ પર મૂકો, ટ્વીટર પર એ શેર કરો, ફેસબુક સાથે કનેક્ટ કરો.. એ થયું ડેટા સર્જન. ટ્વીટ કરો, ફેસબુક પોસ્ટ મૂકો, વીડિયો અપલોડ કરો, વિકિપીડિયા પર કોઈ આર્ટિકલ તૈયાર કરો, ઓનલાઈન કોઈ પણ પ્રકારનું લખાણ લખો, બ્લોગ પોસ્ટ લખો.. એ બધું જ ડેટા સર્જન છે. અત્યારે દર મિનિટે કયા પ્રકારનો કેટલો ડેટા સર્જાય છે?

- સોશિયલ મીડિયાના 850 નવા યુઝર્સ જોડાય છે.

- 4,55,000 ટ્વીટ્સ થાય છે.

- યુટયુબ પર 400 કલાકના વિડિયો અપલોડ થાય છે.

- યુટયુબ પર 41,46,600 વિડિયો જોવાય છે.

- ઈન્સ્ટાગ્રામ પર 46,740 ફોટો અપલોડ થાય છે.

- ફેસબૂક પર 5,10,000 કોમેન્ટ થાય, 2,93,000 સ્ટેટસ -અપડેટ થાય છે, 1,36,000 ફોટા અપલોડ થાય છે.

- ગૂગલ પર 36,07,080 સર્ચ થાય છે.

- 22 અબજ મેસેજીસ રોજ મોકલાય-ફોરવર્ડ થાય છે.

- 10,34,47,520 સ્પામ ઈ-મેઈલ મોકલાય છે.

કયા દેશોનું અર્થતંત્ર પેટ્રોલિયમ આધારિત છે?

'વર્લ્ડ ઈકોનોમિક ફોરમ'ના અહેવાલ પ્રમાણે પંદર દેશો એવા છે, જેમની કુલ નિકાસ પૈકી ૭૦ ટકાથી વધુ નિકાસ પેટ્રોલિયમની છે. એટલે કે એ દેશોના પેટાળમાં પેટ્રોલિયમ ખલાસ થઈ જાય તો અર્થતંત્ર કેમ ચલાવવું તેની નવેસરથી વિચારણા કરવી પડે.

ઈરાક, લિબિયા, વેનેઝૂએલા, બુ્રનેઈ, કુવૈત, અઝરબૈજાન, સુદાન, કતાર, નાઈજર, સાઉદી અરબ, ઓમાન, કઝાખસ્તાન, રશિયા અને ઈરાકનો તેમાં સમાવેશ થાય છે. જગતના મોટા ભાગના દેશો એવા છે, જેમનો પેટ્રોલિયમનો પુરવઠો ખલાસ થાય એ સાથે અર્થતંત્રના ચકરડાં પણ ફરતાં બંધ થઈ જાય. એમાં ભારતનો પણ સમાવેશ થઈ જાય છે.

વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ઔદ્યોગિક બાંધકામ છે, સાંજ પડયે હજારો લાઈટો ઝળહળે છે, હજારો માણસો કામ કરે છે, સંખ્યાબંધ પ્લાન્ટ-ઓરડા-દીવાલ-ગોડાઉન છે, સંખ્યાબંધ ચીમનીમાંથી ધુમાડો ફૂંકાઈને વાદળિયા આકાશમાં ભળી રહ્યો છે. એ સ્થળ એટલે પેટ્રોલિયમની રિફાઈનરી.

રિફાઈનરી એ માત્ર સામાન્ય ઔદ્યોગિક બાંધકામ નથી, પણ સત્તાનો સિમ્બોલ છે. ધીમે ધીમે સિમ્બોલ ઝાંખો પડી રહ્યો છે.

વિશાળ ઓરડામાં ફેલાયેલાં સંખ્યાબંધ ઉપકરણો છે. એકબીજા સાથે વાયર દ્વારા કનેક્ટ થયેલાં છે. વાયરના છેડા પૂરા થાય ત્યાં ચોવીસે કલાક લાઈટ લબૂક-ઝબૂક થતી રહે છે. ચીમનીના સ્થાને અહીં વાતાવરણ કન્ટ્રોલમાં રાખવા માટે એર કન્ડિશનરમાંથી હવા ફેંકાઈ રહી છે. એ સ્થળની સુરક્ષા માટે એન્ટિ વાઈરસ સહિતની સિસ્ટમ ગોઠવાયેલી છે. અને એ જગ્યાનું નામ સર્વર રૃમ છે!

દુનિયા પર રાજ એવા દેશોનું ચાલે છે, જેના હાથમાં પેટ્રોલિયમ છે. એટલે પેટ્રોલિયમની રિફાઈનરીને સત્તાનો સિમ્બોલ ગણવામાં આવે. પણ એ સિમ્બોલ ઝાંખો થઈ રહ્યો છે અને તેનું સ્થાન સર્વર રૃમ લઈ રહ્યાં છે. કહેવાનો અર્થ એટલો જ કે એક સમયે જગતની સૌથી મૂલ્યવાન પેદાશ તરીકે પેટ્રોલિયમની ગણતરી થતી હતી. હવે પેટ્રોલિયમના બદલે ઈન્ટરનેટ એટલે કે ડેટા સૌથી મૂલ્યવાન ચીજ બની ચૂકી છે. તેનો સંગ્રહ જ્યાં થાય એ સર્વર રૃમને એટલે જ સત્તાનો પર્યાય ગણવો રહ્યો.

'પેટ્રોલિયમ એ કાળું સોનું કહેવાય છે...' કારણ આપી સમજાવો. એવું પ્રાથમિક શાળાના પાઠયપુસ્તકમાં ભણાવાતું હતું. હજુ પણ કદાચ ભણવાતંું હશે. એ વાત સાવ ખોટી નથી. કેમ કે ૧૮૫૯ની સાલમાં અમેરિકાના પેન્સાલ્વેનિયા રાજ્યમાં પ્રથમ વખત પેટ્રોલિયમનો કૂવો સ્થપાયો. પેટાળમાં હજારો વર્ષથી પડેલા એ કાળાભ્મર રગડાએ પૃથ્વી પર આવતાં જ અજવાળાં ફેલાવવાં શરૃ કરી દીધાં.

પેટ્રોલિયમનું વિભાજન થતું ગયું એમ પેટ્રોલ, ડીઝલ, ગેસોલીન, ગેસ, ડામર.. વગેરે મળતાં થયાં. આ બધી ચીજો એવી છે, જેના વગર આજની દુનિયાની કલ્પના થઈ શકતી નથી. એક મિનિટ માટે ધારી લો કે ડામર ન હોત તો... પેટ્રોલિયમનું મહત્ત્વ સમજવા માટે એ સવાલ પૂરતો છે.

વીસમી સદીમાં જે કંઈ પણ ઉદ્યોગો વિકસ્યા અને ઔદ્યોગિક ક્રાંતિનો બીજો તબક્કો આરંભાયો તેનું મુખ્ય કારણ પેટ્રોલિયમ હતું. પેટ્રોલિયમ મળતું ગયું, તેમ તેની આસપાસ જ જગત ગૂંથાતુું ગયું. જ્યાં માત્ર રેતી ઊડતી હતી એવા આરબ દેશોમાં પેટ્રોલિયમ મળ્યા પછી આજે તેમની બોલબાલાને કોઈ પહોંચી શકે એમ નથી. વિકાસ માત્ર પશ્ચિમી જગતમાં થાય એવી માન્યતા ખોટી ઠેરવીને યુનાઈટેડ આરબ અમિરાત, બહેરિન સહિતના ગલ્ફના વિસ્તારો આજે આર્થિક સમૃદ્ધિના અંબાર પર બેઠા છે, કેમ કે તેના પેટાળમાં પેટ્રોલિયમ છે.

ઉદ્યોગ જગતની ઘણી ખરી પેદાશો પેટ્રોલિયમમાંથી જ મળી આવે છે. માટે પેટ્રોલિયમને 'મધર ઓફ ઓલ કોમોડિટી' પણ કહેવામાં આવે છે.

ટૂંકમાં પેટ્રોલિયમનો કોઈ વિકલ્પ નથી..

બળતણ, વીજળી, ઉદ્યોગો, ઘર બધું જ પેટ્રોલિયમથી ચાલે છે. તો પણ પેટ્રોલિયમ જગતમાં પહેલા ક્રમેથી ધીમે ધીમે સરકી બીજા ક્રમે આવી રહ્યું છે. જગ-વિખ્યાત આર્થિક સામયિક 'ધ ઈકોનોમિસ્ટે' એટલે જ લખવું પડયું કે ડેટા હવે જગતમાં સૌથી કિંમતવાન ચીજ બની ચૂકી છે.

ડેટા એટલે શું?

આમ તો ઈન્ટરનેટને ડેટા કહેવાની જગતવ્યાપી પ્રથા છે. એટલે જ ઈન્ટરનેટનો વપરાશ ડેટાપેકના હિસાબે મળે છે. પરંતુ આપણે વાત બીજા ડેટા એટલે કે માહિતીની કરવાની છે. માહિતી એટલે વળી પર્સનલ માહિતી. બાકી તો ઈન્ટરનેટ પર તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. પરંતુ જ્યારે શક્તિશાળી ડેટાની વાત કરવાની હોય ત્યારે એ ડેટામાં વ્યક્તિની અંગત માહિતીનો સમાવેશ થાય છે.

નામ, ઠામ, જન્મતારીખ, ઈ-મેઈલ, ફોન નંબર, સરનામું.. વગેરે માહિતી ઉપરાંત હવે વ્યક્તિની તમામ માહિતી ઓનલાઈન થવા લાગી છે. તમે કોઈ રેસ્ટોરામાં જઈ જમશો તો ગૂગલ તુરંત તમને સલાહ આપશે કે આ રેસ્ટોરાંનો રિવ્યુ લખો. તમે કયા વિસ્તારમાં જઈ રહ્યા છો, તેની ગૂગલને ખબર છે, માટે એ તમને ત્યાં ટ્રાફિક કેવો છે,

તેની માહિતી ફોનમાં પૂછ્યા વગર જ સ્ક્રીન પર ચમકાવી દેશે. તમે ફેસબુકમાં એક નામ સર્ચ કરશો એટલે તુરંત ફેસબુક એ નામ સાથે સામ્ય ધરાવતા (એ વિસ્તારમાંથી હોય, એ સ્કૂલમાં ભણ્યા હોય વગેરે પ્રકારનું સામ્ય) અન્ય નામો તમારી સમક્ષ હાજર કરીને કહેશે કે આ લોકોને પણ તમારા મિત્ર બનાવો...

આ બધી જ જાણકારી એટલે ડેટા. એવો ડેટા જે તમારી પળેપળની હરફર ઈન્ટરનેટ જાયન્ટ કંપનીઓને પહોંચાડે છે. એ ડેટા જ હવે સૌથી મૂલ્યવાન ચીજ છે. કેમ કે મલ્ટિનેશનલ કંપનીઓ એ માહિતી (ડેટા)ના આધારે જ પોતાની ચીજોનું ઉત્પાદન, વેચાણ, સ્કીમ, ડિસ્કાઉન્ટ, જાહેરખબર વગેરે તૈયાર કરે છે. તમે એક વખત અમદાવાદથી દિલ્હી ફ્લાઈટ સર્ચ કરો તો પછી જ્યાં સુધી બુકિંગ ન કરાવો ત્યાં સુધી ગમે તે વેબસાઈટ ખોલો તેમાં અમદાવાદ-દિલ્હી ફ્લાઈટની માહિતી ચમક્યા જ કરશે. કેમ કે ઈન્ટરનેટની પેલેપાર બેઠેલા બિગબોસને ખબર છે કે તમારે કદાચ દિલ્હી જવું છે.

જો બુકિંગ કરાવી લેશો તો આગળ વધીને હોટેલ સજેસ્ટ કરશે. દિલ્હીમાં ૩૦૦થી માંડીને ૩૦ હજાર રૃપિયા સુધીની હોટેલ્સ મળે છે.. એ પ્રકારની જાહેરખબર ચમક્યા કરશે. હોટેલમાં રહ્યા પછી અમદાવાદની ફ્લાઈટ કે ટ્રેન બુક કરશો તો અમદાવાદમાં કેવી હોટેલ ક્યાં છે, એની માહિતી પણ ઠલવાયા કરશે.

ઈન્ટરનેટને અત્યારે ખબર નથી કે તમારું ઘર અમદાવાદમાં જ છે, એટલે હોટેલનો વિકલ્પ બતાવ્યા કરશે. પણ ભવિષ્યમાં ઈન્ટરનેટને એ ખબર હશે કે તમારું ઘર અમદાવાદમાં છે, એટલે તમારે અમદાવાદ સ્ટેશને ઊતર્યા પછી હોટેલની નહીં, ઘરે જવા ટેક્સીની જરૃર છે. તો પછી ટેક્સી સજેસ્ટ કરો...

જેમની પાસે ડેટા, તેમનું રાજ

ડેટારાજ વધી રહ્યું છે, તેનો વધુ એક પુરાવો દુનિયાની ધનવાન કંપનીઓના લિસ્ટમાંથી મળી રહે છે. 'ફોર્બ્સ'ના લિસ્ટ પ્રમાણે સૌથી મોટી બ્રાન્ડનું નામ એપલ છે. એ પછી બીજી નવ કંપનીમાંથી આઠ એવી છે, જે ઈન્ટરનેટ-ડેટા-કમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંકળાયેલી છે.

ઈન્ટરનેટનું ભવિષ્ય 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)' ગણાય છે. પોતાની મેળે જ વિચારીને કામ કરતાં થઈ જાય એવાં મશીન એટલે એઆઈ. ૨૦૨૫ સુધીમાં જગતના એઆઈ માર્કેટમાં ૩૦ અબજ ડોલરનું રોકાણ થવાનો અંદાજ છે. ગૂગલ, એપલ, આઈબીએમ, ઈન્ટેલ અને ટ્વીટર એ પાંચેય કંપનીએ મળીને એવા ૨૨ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યું છે, જે એઆઈની દિશામાં કંઈક કામગીરી કરતાં હોય.

ડિજિટલ યુનિવર્સ

આવતા વર્ષમાં જેમની પાસે વધુ ડેટા સંગ્રહ હશે એ શક્તિશાળી ગણાશે. એ કદાચ દેશ ન હોય, કોઈ કંપની કે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે. આ બધો ડેટા ભેગો થઈ રહ્યો છે, જેને ટેકનોલોજીના જાણકારોએ 'ડિજિટલ યુનિવર્સ (આંકડાનું વિશ્વ)' નામ આપ્યું છે.

ઈન્ટરનેટ-ડેટા પર ધ્યાન રાખતી સંસ્થા 'ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઈડીસી)'ના કહેવા પ્રમાણે આ ડિજિટલ યુનિવર્સનું કદ ૨૦૨૫ સુધીમાં ૧૮૦ ઝેટ્ટાબાઈટ એટલે કે ૧૮,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ગીગાબાઈટ (જીબી) જેટલું થશે. અત્યારે બજારમાં ૧૬ ટેરાબાઈટ (ટીબી)ની હાર્ડ ડિસ્ક સૌથી મોટી આવે છે (એની કિંમત સાડા છ લાખ રૃપિયા). ૨૦૨૫માં આવી ૧૧,૨૫,૦૦,૦૦,૦૦૦ હાર્ડ ડિસ્ક હોય તો બધો ડેટા સમાવી શકાય.

ડેટા સતત વધતો જાય છે, તેનાં બે કારણ છે. એક તો ઘણા લોકો હજુ ઈન્ટરનેટથી વંચિત છે. તેમની પાસે નેટ આવે એટલે એ કંઈક ને કંઈક નવો ડેટા સર્જન કરી ઈન્ટરનેટ પર પોતાની હાજરી નોંધાવે. બીજી તરફ જે અત્યારે વાપરે છે એ લોકો વધુ ડેટા વાપરે એવી નવી નવી યોજના આવી રહી છે. જેમ કે ભારત સરકારે ડિજિટલ લોકરની સિસ્ટમ વિકસાવી છે. તમારા બધા દસ્તાવેજો ચોક્કસ વેબસાઈટ પર સચવાઈ રહે. વધુ લોકો જેમ આ ડિજિટલ લોકરની સગવડનો ઉપયોગ કરતાં થશે એમ ડેટા વધતો જશે. કંપનીઓ પણ વિવિધ પ્રકારનો ડેટા પોતાની પાસે એકઠો થાય એ પ્રયાસમાં લાગી છે.

જેમ કે પર્સનલ કમ્પ્યુટરમાં વિશ્વવ્યાપી નામ ધરાવતી આઈબીએમ (ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ)એ ૨૦૧૫માં ૨ અબજ ડોલરના ખર્ચે હવામાનની જાણકારી રાખતી એક કંપની સાધી લીધી. કેમ? કેમ કે આઈબીએમ હવે હવામાન પર કામ કરવા માગે છે અથવા તો કમસેકમ પોતાના ગ્રાહકો માટે એ પોતાનો હવામાન ડેટા ઊભો કરવા માગે છે. એ પછી આઈબીએમની કોઈ પ્રોડક્ટ સાથે હવામાનની જાણકારી આપતી એપ પણ તેમાં ગોઠવાયેલી હશે.

ડેટાની હેરાફેરી

ટેક્સી સર્વિસ પૂરી પાડતી ઉબેર ટેકનોલોજીસ જેવી કંપની તો માત્ર ડેટાના આધારે જ ચાલે છે. તમારે કારની જરૃર છે, એ ડેટા ઉબેરને મળે, બીજી તરફ કાર સાથે ડ્રાઈવર ક્યાં બેઠો છે, એ ડેટા ઉબેર પાસે છે. બન્નેને જોડવાનું કામ કરીને ઉબેરે ૨૦૧૬ના વર્ષે સાડા છ અબજ ડોલરની કમાણી કરી હતી. ફેસબુક કે ગૂગલ આપણને શું આપે છે.. છતાં પણ એ જગવ્યાપી કંપની કેમ છે? કેમ કે તેમની પાસે ડેટા છે. તમારો ડેટા કોઈને આપે, કોઈનો ડેટા તમને આપે.

ઈન્ટરનેટને કારણે બિલ ભરવું, એપોઈન્ટમેન્ટ લેવી વગેરે જેવા ઘણા કામો તો હવે ઘરે બેઠા કરી શકાય છે. એ ધક્કા ખાવા પડતું તેનું પેટ્રોલ (એટલે સરવાળે તો પેટ્રોલિયમ) બચે છે, પરંતુ ઘરેથી કામ કરો ત્યારે ડેટા વપરાય છે. આજે પેટ્રોલિયમ અનિવાર્ય છે જ પરંતુ દોઢસો વર્ષમાં પહેલી વખત ડેટાએ પેટ્રોલિયમનું શાસન ડગમગાવ્યું છે.

'જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે..' એ જૂની અને માતૃત્વનો મહિમા ગાતી કહેવત થોડો ફેરફાર કરવામાં આવે તો ઈન્ટરનેટ વિશ્વને લાગુ પડે એમ છે. જે કર ઝુલાવે કી-બોર્ડ એ જગત પર શાસન કરે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments