Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

બાળકોમાં ભયજનક રીતે વધી રહ્યું છે ડિપ્રેશનનું પ્રમાણ

બાળકો ફૂલ જેવા ઋજુ, નિર્દોષ અને રંગીન હોય છે. દુનિયાદારી સમજ મેળવતાં આ નાનકડા ટેણિયાઓના માનસમાં પોતાનું એક વેગળું જગત હોય છે.

બાળકો ફૂલ જેવા ઋજુ, નિર્દોષ અને રંગીન હોય છે. દુનિયાદારી સમજ મેળવતાં આ નાનકડા ટેણિયાઓના માનસમાં પોતાનું એક વેગળું જગત હોય છે. ઘરમાં સતત હસતું, રમતું બાળક હોય તો તે ઇશ્વરની મહામૂલી ભેટ ગણાય છે. પણ અચાનક જ આ બાળક ગુમસુમ રહેવા માંડે તો? તેનો કિલ્લોલ બંધ થઈ જાય અને તે સુનમુન થઈને એક ખૂણામાં બેસી રહેતો?

છ વર્ષના મોહનને અચાનક જ ઘરમાં વાત કરવાનું બંધ કરી દીધું ત્યારે પહેલાં તો તેના મમ્મી-પપ્પાને ખાસ કંઇ અજગતું ન લાગ્યું. પરંતુ જ્યારે આ સિલસિલો આઠ દિવસ સુધી લંબાયો ત્યારે તેઓ ચિંતિત બની ગયા હતા. તેના મમ્મી પપ્પા મોહનને  લઇને મનોચિકિત્સક પાસે ગયા હતા.

'તે શાળાએથી આવીને પોતાની રૃમમાં ભરાઈ જાય છે. અમે તેને કંઇ પણ પૂછીએ છીએ તો માત્ર 'હા' કે 'ના'માં જ જવાબ આપે છે. તે સરખું ખાતો નથી કે બહાર રમવા પણ જતો નથી' એમ મમ્મીએ સાયકિયાટ્રિસ્ટને કહ્યું હતું.

સાયકિયાટ્રિક ક્લિનિક ખાતે મોહનના બદલાયેલા વર્તનનો જવાબ સાંપડયો હતો. પ્લેથેરેપી સેશનમાં જાણવા મળ્યું હતું કે મોહનના મમ્મી-પપ્પા સતત ઝઘડતાં જ રહે છે. ડોક્ટરે મોહન ડિપ્રેશનમાં હોવાનું જણાવ્યું હતું. અને કહ્યું હતું કે તમારા ઝઘડાઓની ગંભીર અસર મોહનના માનસ પર થઇ છે.

મોહનના મમ્મી-પપ્પાને આ જાણીને ખૂબ દુ:ખ થયું હતું. તેમને પોતાની ભૂલ પણ સમજાઈ હતી. અને પોતાના વહાલસોયાના જીવનને હસતું-રમતું કરવા માટે તેમણે પોતાના અહમ અને આગ્રહોને નેવે મૂકી દીધા હતા. ત્રણ મહિના અને સાયકોથેરેપીના ૧૩ સેશન બાદ મોહન પાછો નોર્મલ થઇ ગયો હતો અને હવે તેના મમ્મી-પપ્પા પણ પ્રેમથી રહે છે.

જોકે સાત વર્ષનો સોહમ મોહન જેટલો લકી નથી. એક માર્ગ અકસ્માતમાં સોહમના દાદા-દાદી અવસાન પામતા સમગ્ર પરિવાર શોકાતૂર થઇ ગયો હતો. આ ઘટનાથી સોહમના માતા-પિતા એટલા બધા દુ:ખી થઇ ગયા હતા કે નાનકડા સોહમ પર તેની શું અસર થઇ તે મહેસૂસ કરવાનું ચૂકી ગયા હતા. સોહમના મમ્મી-પપ્પા બન્ને નોકરિયાત હોવાથી તે આખો દિવસ દાદા-દાદી સાથે જ રહેતો હતો.

અને તેમની સાથે  ગાઢ લાગણીથી જોડાયેલો હતો. જોકે દુ:ખનું ઓસડ દહાડા હોય છે તે કહેવત પ્રમાણે થોડા દિવસમાં સોહમના પરિવારજનો પાછા પોતાના કામમાં ગુંથાઈ ગયા હતા. પરંતુ સોહમના ચહેરા પર હળવાશ આવી નહીં.

સોહમ કોઈ સાથે હળતોભળતો નહીં અને તેને પોતાના મનગમતા શો 'ટોમ એન્ડ જેરી' તથા 'બેન-ટેન'ની વિડિયો ગેમ સહિત કોઇ વાતમાં રસ રહ્યો નહોતો. તેના મમ્મી-પપ્પા તેને તેના મનગમતા સ્થળ ગોવા ખાતે વેકેશન માટે લઇ ગયા હતા. પરંતુ સોહમને ત્યાં પણ ગોઠતું નહોતું. હવે અત્યારે તે સાયકોથેરેપીની સારવાર લઇ રહ્યો છે.

આ બે કિસ્સા વાંચીને ઘણાને પ્રશ્ન થશે કે શું બાળકો ડિપ્રેશનનો ભોગ બનતાં હશે? આ શબ્દ તો પુખ્તો માટે વપરાય છે. પરંતુ હકીકત એ છે કે છેલ્લા થોડા વર્ષોમાં બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ ત્રણગણું વધી ગયાનું જોવા મળ્યું છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ૬૦ ટકા માનસિક સમસ્યાનો આરંભ બાળપણમાં જ થાય છે. ભારતમાં ૧૩ થી ૧૭ વર્ષ વચ્ચેની વયના આશરે એક કરોડ ટીનેજરો માનસિક રીતે સ્વસ્થ નથી. પરંતુ આવા તરુણોની કથળતી અવસ્થાનું સમયસર નિદાન કે ચિકિત્સા થતાં નથી.

તે જ પ્રમાણે વિશ્વભરમાં ડિપ્રેશનની બીમારી લાગુ પડવાની વય ચિંતાજનક રીતે ઘટી રહી છે. એકસમયે એકલતાને લીધે વૃદ્ધો હતાશામાં સરી જતા હતા. ત્યાર બાદ આજની ભાગદોડભરી જીવનશૈલીમાં ટકી રહેવા મથતાં યુવાનો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા હતા. પણ હવે તો બાળકો હતાશા અનુભવે છે. જે અત્યંત ચિંતાજનક બાબત છે.

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે બાળક વારંવાર પેટમાં કે માથામાં દુખાવાની ફરિયાદ કરે તો તે પણ ડિપ્રેશનનું લક્ષણ હોઇ શકે. પહેલાં ૧૭-૧૯ વર્ષની વયજૂથના તરુણો ડિપ્રેશનના લક્ષણો સાથે ડોક્ટરો પાસે જતા હતા.

પરંતુ હવે પાંચથી નવ વર્ષના બાળકો હતાશાનો ભોગ બનતાં જોવા મળે છે. કેટલાક કિસ્સામાં તો ચાર વર્ષનું બાળક પણ નિરાશ જોવા મળે છે. શહેરના એક અગ્રણી મનોચિકિત્સકે જણાવ્યું હતું કે તેમની પાસે દર સપ્તાહે ડિપ્રેશનમાં રહેલા બાળકોના બે નવા કેસ આવે છે.

આજે બાળકોમાં ડિપ્રેશન અલગ જ રીતે જોવા મળે છે અને ઘણીવખત તો તે હોવાની જાણ પણ થતી નથી. કારણ કે બાળકો પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી. આથી તેઓ પેટમાં, માથામાં કે શરીરમાં દુખાવો થતો હોવાની અસંદિગ્ધ ફરિયાદ કરે છે. તેઓ એકદમ ચિડીયા બને છે, વધુ પડતું ઊંઘે છે, તેમની ભૂખ ઓછી થાય છે અને ક્યારેક હિંસક પણ બને છે.

ડોક્ટરોએ અત્યંત સજાગતાપૂર્વક બાળદરદીઓમાં ડિપ્રેશન હોવાનું નિદાન કરવું પડે છે. તેઓ પહેલાં બાળકની સંપૂર્ણ શારીરિક તપાસ હાથ ધરે છે, પછી જો તેમાં કશું ન સાંપડે ત્યારે દરદીની ઇમોશનલ હિસ્ટરી પૂછે છે અને બાળમનોચિકિત્સકને મળવાની સલાહ આપે છે. સામાન્ય રીતે બાળક જ્યારે ભણવા કે પોતાની મનગમતી પ્રવૃત્તિમાંથી રસ ગુમાવે, તેનું વર્તન બદલાઈ જાય ત્યારે માતા-પિતાને ક્યાંક કંઇક ખોટું થઇ રહ્યું હોવાની ગંધ આવી જાય છે.

જોકે અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે એપીલેપ્સી (વાઇ આવવી), મલ્ટીપલ સિલરોસીસ, હન્ટીન્ટન'ઝ ડિસિઝ, કુશિંઝ ડિસિઝ, હાઇપોથાઇરોડીઝમ અને ડાયાબિટીઝ ધરાવતાં બાળકોમાં પણ ડિપ્રેશન જેવા જ લક્ષણો જોવા મળે છે. તેઓ પણ થોડા આળસુ હોય છે, અસંદિગ્ધ દુખાવાની ફરિયાદ કરે છે, વધુ ઊંઘે છે અને અકળાયેલા  રહે છે. જોકે તેમને દવા આપવામાં આવે છે જ્યારે ડિપ્રેશનમાં દવા આપવામાં આવતી નથી.

ઘણા એવું માને છે કે અભ્યાસમાં અવ્વલ નંબરે આવવાનું દબાણ બાળકોને ડિપ્શનમાં ધકેલે છે. પરંતુ ના, આ એકમાત્ર કારણ જ નથી. કોઇપણ  દુ:ખદ ઘટના કે સ્થિતિ, માતા-પિતા વચ્ચેના ઝઘડા, પ્રિય વ્યક્તિનું મૃત્યુ કે દૂર થવું, શારીરિક કે યૌન શોષણ અને કેટલાક જીનેટિક કારણોસર બાળક ડિપ્રેશનનો ભોગ બને છે. શારીરિક અથવા લર્નિંગ ડિસએબિલિટી ધરાવતાં બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ પાંચગણું વધારે જોવા મળે છે.

અહીં આરવનો કિસ્સો જાણવા જેવો છે. ૧૫ વર્ષના સ્માર્ટ દેખાતાં આરવને જોઈ કોઇ માને પણ નહીં કે તે ડિપ્રેશનનો ભોગ બન્યો હશે. ગત વર્ષે મારામારી કરવાને કારણે તેને શાળામાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. કોઇને નાક પર મારવામાં કે દાદરા પરથી પાડી દેવામાં તેને મજા આવતી હતી, જ્યારે તે આઠમાં ધોરણમાં નાપાસ થયો ત્યાર પછી તે વધુને વધુ તોફાની બનતો ગયો હતો.

આરવની મમ્મી ગીતાએ માંડમાંડ બીજી સ્કૂલમાં નવમા ધોરણમાં તેનો પ્રવેશ કરાવ્યો હતો. પરંતુ ત્યાંથી પણ તેની ફરિયાદોનો મારો ચાલુ થઈ ગયો હતો. 'તેને બધું આવડતું હોવા છતાં તે પરીક્ષામાં કશું લખતો નહીં. તે મારી સાથે હસતો, મને વહાલ કરતો પરંતુ અન્યો સાથે ભળતો નહીં' એમ ગીતાએ કહ્યું હતું.

આરવના આવા વર્તનથી ચિંતિત ગીતા તેને મનોચિકિત્સક પાસે લઇ ગઈ હતી. મનોચિકિત્સકે તપાસ કરતા જાણ થઇ કે આરવ ડિસલેક્સીક છે. પોતે ભણવામાં નબળો શા માટે છે તે કોઇ સમજતું ન હોવાથી આરવ હંમેશાં ચિડાયેલો રહેતો હતો. તેણે નાની વયમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું હતું. તેનો ગુસ્સો, એકલતા અને હતાશા છેવટે મારામારીમાં પરિણમતા અને તે ધીમેધીમે ડિપ્રેશનમાં સરી ગયો હતો.

તાજેતરમાં હરિદ્વારની પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી એક ઓરડામાં પોતાની મરજીથી પૂરાઈ રહેલી એક છોકરીને બચાવી હતી. હવે ૧૮ વર્ષની થયેલી આ કન્યાને તેના માતાપિતા વારંવાર અભ્યાસ કરવા માટે વઢતાં હતાં તેથી તે જાતે જ ત્રણ વર્ષ સુધી એક ઓરડામાં ભરાઈ રહી હતી. વર્ષ ૨૦૧૬માં તેનો ભાઈ પણ તેની જેમ અન્ય એક ઓરડામાં ભરાઈ ગયો હતો. તે શાળામાં જવા નહોતો માગતો તેથી તેણે પોતાને એક રૃમમાં કેદ કરી લીધો.

મનોચિકિત્સકો જણાવે છે કે જે બાળકોને પ્રેમ તથા શારીરિક અને માનસિક સધિયારાની થોડી વધારે જરૃર પડે છે તે બાળક 'સ્પેશ્યલ નીડ' ધરાવતાં બાળક તરીકે ઓળખાય છે. લર્નિંગ ડિસએબિલિટી, શારીરિક અક્ષમતા, સ્થૂળતા, એચઆઇવી પોઝિટિવ ધરાવતાં દરદીના સંતાન, 'સી' વિદ્યાર્થી (ભણવામાં નબળા વિદ્યાર્થી)  કે સિંગલ પેરેન્ટ (માતા કે પિતા બેમાંથી એક ન હોય તેવા) બાળક 'સ્પેશ્યલ નીડ' ધરાવતાં હોય છે.

ગંભીર બીમારીનો ભોગ બનેલા લોકોના બાળકોમાં પણ ડિપ્રેશનનો ભોગ બનવાનું જોખમ વધારે હોય છે. આવા બાળકોને સીધી કે આડકતરી રીતે અન્યોથી અલગ પાડવામાં આવે છે. આ બાબત તેમના અહમને ઠેસ પહોંચાડે છે અને તેઓ નિરાશાનો ભોગ બને છે.

મનોચિકિત્સકો કહે છે કે તમે જ્યારે પરિવારજનો કે મિત્રો સાથે રહો છો, તેમને હળોમળો છે ત્યારે તમને લાગણીભીના સંબંધોનો અહસાસ થાય છે. આવી સ્થિતિમાં હતાશા કે નિરાશા દરમિયાન તમે તમારી મનોવ્યથા તેમની સામે વ્યક્ત કરી શકો છો.

પરંતુ હવેની પેઢી કુટુંબીજનો કે મિત્રોને અંગત રીતે મળવાને બદલે સોશ્યલ મિડિયા પર જ મળી લે છે. પરિણામે તેઓ એકલા પડી જાય છે. અને જરૃર પડયે પોતાની મૂંઝવણ કે મુશ્કેલી કોઈની સામે વ્યક્ત નથી કરી શકતા.

મહાનગરોમાં સોશ્યલ મિડિયાના માધ્યમથી જ સંપર્કમાં રહેવાનું ચલણ એટલું બધું સામાન્ય બની ગયું છે કે જે તે વ્યક્તિ ક્યારે એકલી પડી ગઈ તેની તેને પોતાને પણ ખબર નથી પડતી. અલબત્ત, સોશ્યલ મિડિયાને કારણે લોકો સીધાં જ એકલાં નથી પડી જતાં કે નિરાશામાં નથી ધકેલાઈ જતાં.

પરંતુ તેને કારણે અન્ય લોકોને અંગત રીતે મળવાનું આપોઆપ છૂટી જાય છે. સોશ્યલ મિડિયા પર સંપર્કમાં રહેનારા લોકો એવા ભ્રમમાં રાચે છે કે તેમનું  મિત્રવર્તુળ બહુ મોટું છે. પરંતુ સામસામે મળવાથી જે તાદાત્મ્ય સાધી શકાય તે સોશ્યલ મિડિયા પર શી રીતે સાધી શકાય?

ડોક્ટરો માને છે કે વાલી અને સંતાન વચ્ચે ખાસ કરીને તરુણ વયના સંતાનો વચ્ચે સંવાદનો સેતુ જળવાઈ રહેવો જોઈએ. જો બાળકને એમ લાગે કે મમ્મી-પપ્પા તેની વાત સમજતાં નથી તો તે પોતાને ઉપેક્ષિત અને એકલો સમજવા લાગે છે.

છેેલ્લા અઢી વર્ષથી મુંબઈ અને આસપાસના વિદ્યાર્થીઓની શૈક્ષણિક તાણનો અભ્યાસ કરીને તેમનાં મન અને ડર વિશેનું તારણ રજૂ કરતાં સલાહકારોએ થાણેની એક સ્કૂલમાં વાલીઓને જણાવ્યું હતું કે તેમનાં બાળકો પોતે પરીક્ષામાં નિષ્ફળ નીવડશે તો સમાજ શું વિચારશે એવા ફફડાટથી પિડાય છે ને આ ડર તેમને સૌથી વધારે નુકસાન કરે છે.

આ અભ્યાસ વિશે વાત કરતાં આ પ્રોજેક્ટ સંભાળનારા યુનિવર્સિટી ઓફ મુંબઈના અપ્લાઇડ સાયકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ અનુરાધા કહે છે કે ''વિદ્યાર્થીઓને સતત બીક રહે છે કે જો ઓછા માર્ક આવશે તો તે માત્ર માબાપ નહિ, પણ સાથીદારો, પડોશીઓ અને સમાજના અન્ય લોકોની નજરમાંથી ઉતરી જશે.

અમે આ અભ્યાસ મુંબઈમાં અને વિદેશમાં સ્કૂલમાં ભણતા તેમજ અલગઅલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કોલેજના વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને હાથ ધર્યો હતો અને કમનસીબે મોટાભાગના વિદ્યાર્થીઓએ નબળા દેખાવના સામાજિક કલંકને સૌથી વધુ તાણ ગ્રસ્ત ગણાવ્યું હતું.''

આ ખાસ પ્રકારનો અભ્યાસ પરીક્ષાનું ટેન્શન માપવા માટે ડિઝાઇન કરવામાં આવેલા ઇન્ટરનેશનલ સ્તરના ફ્રાઇડબાન ટેસ્ટ એંગ્ઝાયટી સ્કેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માપન કરવા માટે સામાજિક દબાણને કારણે અનુભવાતો ભય, પરીક્ષા વખતે કે પહેલાં ભણેલું ભુલી જવું અને પરીક્ષાને કારણે ઉભી થતી માનસિક તથા શારીરિક સમસ્યા જેવા ત્રણ માપદંડોનો આધાર લેવામાં આવ્યો હતો.

આ પરીક્ષાના ડરની માનસિક અને શારીરિક અસર વિશે વાત કરતા અસોશિયેશન ઓફ એડોલિસન્ટ એન્ડ ચાઇલ્ડકેર ઇન ઇન્ડિયાના ડોક્ટર સ્વાતિ ભાવે કહે છે કે પરીક્ષાના માનસિક તાણથી પીડાતા વિદ્યાર્થીઓમાં શારીરિક દર્દ અને થાક જેવા લક્ષણો જોવા મળે છે, પણ ૨૦ વર્ષથી વધારે વયના વિદ્યાર્થીઓ આ સમસ્યાનો સહેલાઈથી સામનો કરી શકે છે.

અભ્યાસના આ તારણો બાદ વિદ્યાર્થીઓની માનસિક હાલત મજબૂત બને એમાં માતા-પિતાનું પણ મહત્ત્વનું પ્રદાન હોય છે એ ધ્યાનમાં રાખીને થાણેની સેન્ટ જોન બાપ્ટિસ્ટ હાઇસ્કૂલ અને જુનિયર કોલેજમાં ભણતા દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ખાસ કાઉન્સલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા મહિને તેમના એક વિદ્યાર્થીએ અંગત કારણોસર આત્મહત્યા કરી લેતા આખા કેમ્પસનું વાતાવરણ ડહોળાઈ ગયું હતું.

આ ખાસ કાઉન્સલિંગ સેશનના આયોજનના હેતુ વિશે એક શિક્ષક કહે છે કે ''છેલ્લા કેટલાક સમયમાં શહેરમાં થતી આત્મહત્યામાં સારો એવો વધારો થયો છે. અમે આ સમસ્યામાંથી વિદ્યાર્થીઓને બહાર લાવવા સેશન્સનું આયોજન કર્યું ત્યારે અમને અહેસાસ થયો હતો કે વિદ્યાર્થીઓની સાથેસાથે તેમના માતા-પિતાનું કાઉન્સલિંગ કરવામાં આવશે તો જ નક્કર ફાયદો થશે.''

ટીનએજ એટલે કે તરુણાવસ્થા જીવનનો અત્યંત નાજુક તબક્કો છે. આ સમયે એકતરફ શારીરિક અને હોર્મોનલ પરિવર્તન આવતાં હોય છે તો બીજી તરફ માતાપિતાની અપેક્ષાઓ વધતી જતી હોય છે. કિશોરાવસ્થામાં ભણતરનું પ્રેશર વધી જાય છે અને માતા-પિતા સાથે સંવાદનું પ્રમાાણ ઘટી જાય છે. ૧૦ ટકા કિશોરો અને ૨૦ ટકા કિશોરીઓ ડિપ્રેશનથી પીડાતા હોવાનું મનોચિકિત્સકો જણાવે છે.

કિશોરાવસ્થામાં મનમાં અનેક મૂંઝવણો હોય છે. આ તબક્કે કિશોર, કિશોરીઓને મહત્તમ સધિયારાની જરૃર હોય છે પણ કમનસીબે 'તેઓ મોટા થઇ ગયા છે' એમ કહીને માતા-પિતા તેમનાથી દૂર થઇ જાય છે.
કિશોરાવસ્થામાં રહેલા સંતાન માનસિક તાણ અનુભવે છે કે ડિપ્રેશનનો ભોગ બન્યા છે તે વાત માતા-પિતા જલ્દી પારખી શકતા નથી.

કારણ કે બન્નેના લક્ષણો વધતેઓછે અંશે સરખા જ હોય છે. સામાન્ય રીતે સંતાન ગુમસુમ રહે છે, તેને  કામ કરવામાં આળસ આવે છે અને એકલતા  અનુભવે છે. આ લક્ષણો બે સપ્તાહ કરતાં વધુ સમય ચાલે તો મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.

થોડાં દિવસ પૂર્વેની વાત છે : 'બ્લુ વ્હેલ' ચેલેન્જ રમતી વખતે અત્યંત મુશ્કેલીમાં મૂકાઈ ગયો છું. હું ખૂબ હતાશ છું. મને એમ લાગી રહ્યું છે કે હું કાંઈક ખોટું કે ન કરવા જેવું કરી બેસીશ. મહેરબાની કરીને મારી મદદ કરો. વિશાખાપટ્ટનમ્ના એક ૧૭ વર્ષીય વિદ્યાર્થીએ ઈન્દોર પોલીસની સુસાઈડ હેલ્પલાઈન પર ફોન કરીને અત્યંત વ્યગ્રતા સાથે પોતાને બચાવી લેવાની કાકલૂદી કરી હતી.

એવું નથી કે ડોક્ટરો માત્ર બાળકોનું જ કાઉન્સેલિંગ કરે છે. તેઓ વાલી, શિક્ષકો અને મિત્રોનું પણ કાઉન્સેલિંગ કરે છે. જોકે ૭-૧૨ વર્ષની વયજૂથના બાળકો માટે કોગ્નિટિવ બિહેવીઅરલ થેરેપી (સીબીટી)નો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.

ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિ પોતાના, જગત તથા ભાવિ વિશે ખોટા અભિપ્રાય ધરાવતી હોવાના પાયા પર સીબીટી આધારિત છે. ૭-૧૨ વર્ષની વયજૂથના બાળકો ચોક્કસ ઘટનાનું અર્થઘટન ખોટું કરે છે, પોતાની જાતને દોષી માને છે, અપરાધભાવ અનુભવે છે અને પોતાના પર જ ગુસ્સો કરે છે.

સીબીટીમાં આવા બાળકોને સતત માનસિક અને નૈતિક સધિયારો આપીને તેમના અભિપ્રાયોને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બાળકોને તેમની વિચાર પ્રક્રિયાના પ્રવાહને ઓળખવાનું શીખવવામાં આવ છે. આ વય જૂથ માટે ૬૫ ટકાના સફળતા દર સાથે સીબીટી અત્યંત અસરકારક થેરેપી પુરવાર થઇ છે.

જે નાના બાળકો પોતાની લાગણી વ્યક્ત કરી શકવા સક્ષમ ન હોય તેમના માટે પ્લેથેરેપી અને પેન્ટિંગ થેરેપી પણ છે. પ્લેથેરેપીમાં બાળકોને રમકડાં રમવા આપવામાં આવે છે. બાળક આ રમકડાં સાથે કંઇ રીતે રમે છે તે બાબત તેના માનસનું પ્રતિબિંબ દર્શાવે છે. તોફાની કે હિંસક બાળક સામાન્ય રીતે હિંસક રમત જ રમવાનું પસંદ કરે છે.

તે મોટેભાગે રમકડાં પછાડે છે. જો તે કાર સાથે રમતું હશે તો બે-ત્રણ કારને ટકરાવીને એક્સિડન્ટ કરાવે. અથવા બંદૂક લઈને અન્ય રમકડાં પર ખોટખોટી ગોળી વરસાવશે. બાળકનું આવું વર્તન જોયા પછી મનોચિકિત્સકો તેને કંઇ સારવાર આપવી તે નક્કી કરે છે.

કેટલાક કિસ્સામાં મનોચિકિત્સક રમતા બાળક સાથે બેસીને તેને ઢીંગલી દેખાડી 'આ તારી મમ્મી અને આ તું છે' એમ કહી વાર્તા બનાવે છે. જો બાળકને ઘરમાં કોઇ સમસ્યા હોય તો તે આવી વાર્તા દરમિયાન વચ્ચે વચ્ચે બોલીને તે જણાવશે. ઘરમાં થતા શોષણની જાણ પણ પ્લેથેરેપી દ્વારા થાય છે.

આજ પ્રમાણે રમકડાંનો ઉપયોગ બાળકને શાંત કરવા અને તેનું ધ્યાન કેન્દ્રિત થાય તે માટે પણ કરવામાં આવે છે. પ્લેથેરેપી દ્વારા બાળકની છુપી લાગણીઓ બહાર નીકળે છે. અને આ જ વાત આર્ટથેરેપીને પણ લાગુ પડે છે. આમાં બાળકને ઘર કે અન્ય ચિત્રો દોવાનું કહેવામાં આવે છે. બાળકને કેટલાક કાર્ડ દેખાડી વાર્તા સંભળાવવાનું કહેવામાં આવે છે. આ વાર્તામાં બાળકના જીવનની વાતો ડોકાતી હોય છે.

ડિપ્રેશનનો ભોગ બનેલા બાળકોને સામાન્ય રીતે તો દવા આપવામાં આવતી નથી. સંશોધનમાં જાણવા મળ્યા પ્રમાણે એન્ટિ-ડિપ્રેશન્ટ દવા લેનારા બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી જાય છે. તેમ છતાં વારંવાર ડિપ્રેશનનો ભોગ બનતાં બાળકોને  આપી શકાય તે માટે નવી-નવી ઓછી આડઅસર કરે તેવી દવાઓ શોધવામાં આવી રહી છે. તેમ છતાં મોટાભાગના ડોક્ટરો જ્યારે તમામ થેરેપી નિષ્ફળ જાય છે ત્યારે જ બાળકને એન્ટિ-ડિપ્રેશન્ટ દવા આપવાનું પસંદ કરે છે.

જોકે સારવાર કરતાં સાવધાની સારીના નિયમ મુજબ માતા-પિતા, શાળા અને સમાજે સહિયારા પ્રયાસો કરીને બાળકો ડિપ્રેશનમાં ન ધકેલાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હવે ઘણી શાળાઓ આ બાબતે સજાગ બની છે અને તેઓ કાઉન્સેલર્સ રાખે છે.

ખાટલે મોટી ખોડ એ છે કે હતાશાના ચિહ્નો જણાઈ આવવા છતાં જે તે સગીર કે સગીરાના કુટુંબીજનોને તેની સારવાર કોની પાસેથી કરાવવી તે નથી સમજાતું. 'ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટી'માં નોંધણી કરાયેલા મનોચિકિત્સકોની સંખ્યા માત્ર ૫,૬૧૫ જેટલી જ છે. આમાંના મોટાભાગના મનોચિકિત્સકો મહાનગરો કે જિલ્લા મથકોમાં પ્રેક્ટિસ કરે છે.

આવામાં સ્વાભાવિક રીતે જ માનસિક બીમારીનું નિદાન અને સારવાર મુશ્કેલ થઈ પડે. વળી આ જૂજ મનોચિકિત્સકોમાંનાં ઘણાં તીવ્ર મનોરોગથી પીડાતા લોકોની સારવારમાં રોકાયેલા હોય છે. પરિણામે કિશોરાવસ્થામાં આવતી હતાશાના પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવાનું ચૂકી જવાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments