Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

કહાઁ ગયે વો લોગ

સ્વાતંત્ર્ય દિન ૧૫મી ઑગસ્ટે જ કેમ ?

... અને ગાંધીજીએ સ્વામી સત્યદેવને કહ્યું કે, તમારે ભગવા ઉતારવા પડશે...

ભલે અમે સુખી, સંપન્ન અને બેઠા બેઠા ફળ ખાતા હોઈએ પણ અમારે આ સુખ ના જોઈએ : ટિળક

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે લાહોરમાં યોજાયેલ અધિવેશનમાં ૨૬ જાન્યુઆરી, ૧૯૨૯માં 'પૂર્ણ સ્વરાજ' એટલે કે તે દિવસથી જ સ્વાતંત્ર્યનો સંકલ્પ સેવ્યો હતો. તે વખતે એવું નક્કી પણ થયું હતું કે ભારત જ્યારે ખરેખર આઝાદ થશે ત્યારે ૨૬ જાન્યુઆરીની તારીખ આઝાદ દિન તરીકે રાખીશું. તો પછી ૧૫ ઓગસ્ટ ભારતનો આઝાદી દિન કેમ ?

બન્યું એવું કે બીજું વિશ્વ યુદ્ધ ૧૯૪૫માં સમાપ્ત થયું જેમાં બ્રિટનને આર્થિક રીતે જંગી ફટકો પહોંચેલો. વિશ્વ યુદ્ધ પછી બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો હતો. ચૂંટણી અગાઉ લેબર પાર્ટીએ ઢંઢેરો (મેનિફેસ્ટો)માં જણાવ્યું હતું કે 'તેઓ સત્તા પર આવશે તો વારાફરતી જે દેશો કે કોલોની પર હકૂમત કરે છે તે ત્યજી દેશે.'

લેબર પાર્ટીએ ભારત અને પાકિસ્તાનના ભાગલાની ફોર્મ્યુલા સાથે લોર્ડ વાવેલને ભારતમાં મોકલ્યા. તેમણે પ્રસ્તાવ જ એ રીતે મૂક્યો કે દેશમાં હિંસા ભડકી ઉઠી. લોર્ડ વાવેલની નિષ્ફળતા પારખી જતા તેમને પરત બોલાવીને લેબર પાર્ટીએ લોર્ડ માઉન્ટ બેટનને ભારત મોકલ્યા.

૩૦ જૂન, ૧૯૪૮ સુધીમાં ભારત અને પાકિસ્તાનનું બે દેશોમાં વિભાજન કરી બ્રિટન શાસનમાંથી મુક્ત કરવાનું ભગીરથ કામ આ ડેડલાઇન સાથે તેમને સોંપાયું હતું.

લોર્ડ માઉન્ટ બેટન પણ વકરેલી કોમી હિંસાને કાબુમાં નહતા લાવી શકતા. હવે ૩૦ જૂન, ૧૯૪૮ સુધી તો રાહ જોવાય તેમ જ નહોતી. લોર્ડ માઉન્ટ બેટને ભાગલાની પ્રક્રિયા-ફોર્મ્યુલા ઝડપથી આટોપવા ભારત અને પાકિસ્તાનના નેતાઓને દબાણ કર્યું તો બીજી તરફ જુલાઈ, ૧૯૪૭માં બ્રિટિશ પાર્લામેન્ટે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ પસાર કર્યો.

હવે ભારતનો આઝાદી દિન કયો રાખવો તે ઔપચારિકતા જ બાકી હતી. ભારતના નેતાઓએ લાહોર અધિવેશન, ૧૯૨૯નો ૨૬ જાન્યુઆરીનો સંકલ્પ યાદ કરીને ૨૬ જાન્યુઆરી ૧૯૪૮ની આઝાદી દિનની ઇચ્છા વ્યક્ત કરી પણ હિંસા અને તનાવ જોતાં બ્રિટિશ પાર્લામેન્ટનાં જૂલાઈ, ૧૯૪૭ના ઠરાવ પછી બીજા છ મહિના આપવા બ્રિટનને યોગ્ય ના લાગ્યું.

બ્રિટન પોતે ઇચ્છતું હતું કે ભારતની આઝાદીની તારીખ તેઓ નક્કી કરે અને તેની સાથે કોઈ યાદ જોડે. ત્યારે જ લોર્ડ માઉન્ટ બેટનને યાદ આવ્યું કે બીજા વિશ્વ યુદ્ધમાં તેઓ ચીફ ઓફ ધ ઇસ્ટર્ન એલાઇડ કમાન્ડ તરીકે બ્રિટિશ સૈન્યમાં હતા ત્યારે બ્રિટન માટે સીમાચિહનરૃપ સફળતા મેળવતા તેમની રાહબરી હેઠળ જ જાપાનને બ્રિટનના શરણે થવામાં મજબૂર કર્યું હતું. આ સાથે બ્રિટનના વિજય સાથે વિશ્વ યુદ્ધનો પણ અંત આવ્યો હતો... અને તે દિવસ હતો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૫.

બસ, તેની યાદને અમર કરવા લોર્ડ માઉન્ટ બેટનના સૂચનને સ્વીકારીને બ્રિટન સરકારે ભારતનો આઝાદી દિન ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ નક્કી કર્યો.

હજુ તો જાહેરાત થઈ ત્યાં જ ભારતના જાણીતા જ્યોતિષિઓએ કુંડળી મુકીને ધમાલ મચાવી કે ૧૫મી ઓગસ્ટની તારીખ આઝાદ દિન માટે શુભ નથી.

બ્રિટન ૧૫ ઓગસ્ટ માટે મક્કમ હતું. વચલો રસ્તો એવો નિકાળાયો કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૧૪મી ઓગસ્ટ મધરાત પછી ૧૫મી તારીખ થઈ જાય જ્યારે હિન્દુ કેલેન્ડર પ્રમાણે સૂર્યોદય પછી તારીખ બદલાતી હોય છે તેથી મધરાતમાં ભારતીય ધ્વજ લહેરાયો.... ફ્રિડમ એટ મીડનાઇટનું આ છે રહસ્ય... !

... અને પેલી 'પૂર્ણ સ્વરાજ'ના સંકલ્પના બીજની ૨૬ જાન્યુઆરીની તારીખ ? વેલ... આગળ જતા આ તારીખનો પણ સીમાચિહન સ્મૃતિ તરીકે જાળવવા પ્રજાસત્તાક દિનની ઉજવણી ૨૬ જાન્યુઆરી નક્કી કરાઇ... હવે કયાં બ્રિટિશરોની દરમ્યાનગીરી કે દબાણ હતું.. જય હિંદ.

'ભગવાં ઉતારવા પડશે'

આશ્રમના શરુઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી સત્યદેવ આવ્યા દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યા હતા, તે જોઈ તેઓ બહુ પ્રસન્ન થયા. એક દિવસ સ્વામીજી બાપુ પાસે જઈને કહેવા લાગ્યા, 'હું આપના આશ્રમમાં દાખલ થવા માંગુ છું.'

બાપુ કહે, 'બહુ સારું. આશ્રમ તમારા જેવાને માટે જ છે પણ આશ્રમમાં દાખલ થાઓ એટલે આપને આ ભગવા કપડાં ઉતારવા પડશે.'

આ સાંભળીને સ્વામી સત્યદેવજીને ઘણો આઘાત લાગ્યો. ગુસ્સે થયા પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૃપ બતાવી શકતા નહોતા. તેમણે કહ્યું : 'એ તો કેમ બને ? હું સંન્યાસી છું ને ?'

બાપુએ કહ્યું : 'હું સંન્યાસ છોડવાનું નથી કહેતો. મારે શું કહેવું છે તે બરાબર સમજી લો.'

પછી બાપુએ તેમને શાંતિથી સમજાવ્યું, 'આપણા દેશમાં ભગવા કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહિ, સેવા કરવાનું છે. આપણે લોકોની જેવી સેવા કરવા માંગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાને લીધે તમારી પાસેથી નહીં લે ઉલટા તમારી ત્યારે જે વસ્તુ સેવા કરવાની આપણા સંકલ્પની આડે આવે, તે કેમ રાખીએ ? સંન્યાસ માનસિક વસ્તુ છે, સંકલ્પની બાબત છે. બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે ?'

સત્યદેવને વાત સમજાઈ તો ખરી, પણ ગળે ન ઊતરી. મારી પાસે આવીને કહેવા લાગ્યા, 'આ તો મારાથી નહિ બને. જે વસ્ત્રો મેં સંકલ્પપૂર્વક ગ્રહણ કર્યા છે, તે છોડી નહીં શકું.'

- કાકા કાલેલકર (બાપુની છબી : પુસ્તક)

અમારે આ સુખ ન જોઈએ

૧૮૯૭માં અમે મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલી (હીરક મહોત્સવ) ઊજવી હતી. એ જ્યુબિલીને વીસ વરસ પણ ન થયાં અને ભારતમાં ગાંધીજી આવ્યા. એમણે ભારતને તેમજ આખી દુનિયાને પ્રજાશક્તિનો નવો ચમત્કાર બતાવ્યો.

આજે આપણે બધા સ્વરાજની મોકળી અને પ્રાણદાયી હવામાં જીવીએ છીએ. ભારતના જીવનમાં સહુથી ધન્ય વાત આ જ છે કે પરતંત્ર્યની અંધારી રાત વટાવીને આપણે સ્વરાજ્યનો ઉદય જોઈ શક્યા.

આજે દેશમાં જ્યાં જુઓ ત્યાં અસંતોષ દેખાય છે અને સ્વરાજની હિલચાલ વખતના કેટલાક કુમારો આજે પૂછે છે : 'શું દેશની આવી સ્થિતિ માટે અમે સ્વરાજની લડત લડયા હતા ?'  એવા લોકોને માટે એમના અને અમારા બુઝુર્ગ લોકમાન્યની વાણી સંભળાવવા માંગુ છું.

ભારતનું તત્કાલીન ભાગ્ય જેના હાથમાં હતું એવા (બ્રિટીશ સરકારના) સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઇન્ડિયા વેજ્વૂડ બેન ભારતમાં આવ્યા હતા. ભારતના પ્રમુખ નેતાઓને એમણે મળવા બોલાવ્યા. નેતાઓ નવા નવા બૂટ- સૂટ પહેરીને મળવા ગયા. દેશી પોશાકમાં બે જણા હતા : લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી.

બેન મહાશયે લોકમાન્યને પૂછ્યું : 'તમે સ્વરાજ માંગો છે. પણ તમે માનો છો કે સ્વરાજ મળવાથી તમે સુખી થશો ?'

લોકમાન્ય ટિળકે દૂરંદેશ, તેજસ્વી અને સાચો જવાબ આપ્યો : 'ના, સુખી તો આજે છીએ; પણ એવુ સુખ અમને જોઈતું નથી. આજે અમને કશી ચિંતા નથી. આરામમાં છીએ. ભારતનું રક્ષણ તમે કરો જ છો. રાજ્ય તમે ચલાવો છો. અમને એની હૈયા બળતરા નથી. સ્વરાજ મળશે ત્યારે અમારા દુ:ખનો પ્રારંભ થશે, પણ એમાં જ અમે રાચીશું. વિઘ્નો આવશે એને પહોંચી વળવા અમારું પૌરુષ કેળવાશે. અમે ભૂલો કરીશું તો તે સુધારતાં સુધારતા જ અમે ઘડાઈશું. અમારે એ બધી હાડમારી જ જોઈએ છે.'

સેક્રેટરી સડક થઈને ગાંધીજી તરફ વળ્યા. મીઠું હાસ્ય કરીને તેમને પૂછ્યું : 'અરે ગાંધી ! તમે તો ધર્મપુરુષ કહેવાઓ, સેવામૂર્તિ છો. તમે આ રાજદ્વારી ક્ષેત્રમાં ક્યાં ફસાયા ?' ગાંધીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો : 'તમારી વાત સાચી છે પણ શું કરું ? મારે તો અધર્મ સામે લડવું રહ્યું. હમણાં અધર્મ રાજદ્વારી ક્ષેત્રમાં ઘૂસ્યો છે, એટલે ત્યાં પહોંચીને અધર્મ સામે ઝુંબેશ ચલાવવી પડે છે.'

એ સમન્વય

કૉંગ્રેસ કારોબારીની એક બેઠક વર્ધામા ૧૯૪૧માં મળેલી. ત્યારે હું નજીકના સેવાગ્રામ ખાદી વિદ્યાલયમાં અભ્યાસ કરતો એટલે મને એ જોવાનો લાભ મળ્યો.

ત્યાં મેં જોયું કૉંગ્રેસ-પ્રમુખ અબુલ કલામ આઝાદ મંચની બેઠક પર આડા પડયા પડયા સિગારેટના દમ ખેંચી રહ્યા હતા. પાસે બેઠેલા ગાંધીજી એકધ્યાન બનીને ચરખો ચલાવતા હતા. આ દ્રશ્ય જોતાં જ મારા દિલને ભારે આઘાત લાગ્યો.

આવી સભામાં આડેપડખે પડીને સિગારેટ પીવી, તેમાં મને પ્રજાનું અપમાન જણાયું. લોકોને સાદા, સંયમી અને મહેનતુ બનાવી સત્ય અને અહિંસાની તાલીમ આપવાનો પ્રયાસ ગાંધીજી ત્યારે કરી રહ્યા હતા. તેમના અદના સૈનિક બનવાની હોંશ મારા જેવા ઘણાં લોકોની હતી. તેમાં મોટી ફાચર આ જોઈને મારા દિલમાં પડી ગઈ પણ તે વખતે હું ચૂપચાપ ગમ ખાઈ ગયો.

પછી ૧૯૪૨ની લડતમાં હું જેલમાં ગયો ત્યાં મૌલાના આઝાદનું 'કુરાન' ઉપરનું પુસ્તક વાંચ્યું, ત્યારે એમની વિદ્વતા ને ઉમદા ભાવના આગળ મારું મસ્તક નમી પડયું. સાથેસાથે મને એમ પણ થયું કે આવી મહાન પ્રતિભાવાળા પુરુષો નિર્વ્યસની અને સાદું જીવન પણ જીવતા હોય તો કેવું સારું !

બીજી બાજુ નિર્વ્યસની ને શ્રમજીવી લોકોને હું જોઉં છું ત્યારે મારા મનમાં આનંદની સાથે એ લાગણી પણ જાગે છે કે એમનામાં મૌલાના આઝાદ જેવી નીડરતા, દેશ માટે મરી ફિટવાની અને સમાનતાની ભાવના હોત તો કેવું સારું થાત ! દેશ માટે સહન કરવાની તૈયારી વગરના અને ટૂંકી દ્રષ્ટિવાળા લાખો લોકો ભલે સાદા ને સંયમી હોય, પણ તેથી ગાંધીજીનું સ્વપ્ન સિદ્ધ થાય ખરું ?

આજે વિચારતા એવું લાગે છે કે, એ બંને પ્રકારના લોકોના સમન્વય માટે જ ગાંધીજી મથતા રહેલા. અબુલ કલામ આઝાદના વ્યસનને તેમને નિભાવી લીધું, તેમ અમારા જેવા સંયમી જીવન જીવનારા છતાં એકબીજાને જરાય સહન ન કરી શકનારા ઘમંડી કાર્યકરોને પણ તેમણે નિભાવ્યા. આ બંને પ્રકારના લોકોનો સમન્વય હજી આપણે કરવાનો છે.

સાદુ, સ્વાવલંબી ને નિર્વ્યસની જીવન તો ખરું જ: પણ સાથોસાથ નીડરતા, ઉદારતા અને કરોડો દુ:ખી અજ્ઞાાન લોકો માટે ખપી જવાની ભાવના- એ બધું આપણા જીવનમાં સામટું પેદા થશે ત્યારે જ આપણે સાચી આઝાદી પામીશું.

- સ્વાતંત્ર્ય સેનાની કેશુભાઈ ભાવસાર

સરકારનું એ ગજું નથી - તમે જ સરકારનું ઘડતર કરો ને !

આપણે કંઈક એવો ખ્યાલ હોય કે અત્યારે જે લોકોના હાથમાં રાજવહીવટની સત્તા છે તેેને બદલે તે આપણા હાથમાં આવે તો આપણે વધારે કામ કરી શકીએ, તો એ ખ્યાલ ભૂલભરેલો છે. ખુદ મારા હાથમાં સત્તા હોત તો હું પણ ઝાઝું કામ ન કરી શકત, એનું કારણ એ છે કે લોકો બૂરી વસ્તુ પસંદ કરશે, તો લોકશાહી સરકાર પણ બૂરી વસ્તુ પસંદ કરશે.

બહુમતી સંખ્યાને દારૃ પીવો હશે, તો સરકાર દારૃબંધી નહીં કરી શકે. કોઈ સરકાર કાયદાથી નાતજાત વગરનો સમાજ રચી શકશે ખરી કે ? સરકાર જો ખરેખર પ્રજાસત્તાક હોય તો એમાં પ્રજાનું દર્શન થયા વિના કેમ રહે ? એથી ઊલટી સ્થિતિ હશે તો એ સરકાર સારી હશે તો ય લોકશાહી સરકાર નહીં હોય.

આથી જે લોકો નવો સમાજ રચવા માગે છે. તેમને રાજ્યસત્તાનું ક્ષેત્ર છોડીને જે કામ કરવું પડે છે અને એવા કામમાંથી ક્રાંતિ કરાવવા માગતા હતા, એટલે તો એમને પોતાના હાથમાં હતું તે રાજ્ય છોડવું પડેલું. રાજ્ય સત્તા હાથમાં રાખીન તેઓ ક્રાંતિ ન કરાવી શકત બહુ બહુ તો એક સારા રાજા થઈ ગયા હોત, પરંતુ ક્રાંતિકારી ન થયા હોત. અકબર ઘણો સારો રાજા હતો પણ તે ક્રાંતિકારી નહોતો. બુદ્ધે ક્રાંતિ કરી, ઇશુએ ક્રાંતિ કરી, ગાંધીજીએ ક્રાંતિ કરી; પરંતુ એ સૌએ ઉપાસના કરી નૈતિક શક્તિની. નૈતિક શક્તિ નિર્માણ કરવાનું સરકારનું ગજું હોતું નથી. તે તો એ શક્તિની પાછળ ચાલે છે.

- વિનોબા ભાવે
 

જઠરાગ્નિ

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચો ચણો મહલ, ચણો મિનાર !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઊડાવો જળના ફુવારા !
રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તળાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
અંતર- રૃંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો, જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાઘશે !

- ઉમાશંકર જોશી (વીસાપુર જેલ : ૧૯૩૨)
 

Post Comments