Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

સ્વામી વિવેકાનંદમાં અતીન્દ્રિય શક્તિઓ પણ પ્રકટ થઈ હતી !

શ્રી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રનાથને સ્પર્શ કરીને એમની દિવ્ય શક્તિથી દૈવી સાક્ષાત્કાર કરાવ્યો હતો. તે લોકોને કહેતા 'મારો નરેન્દ્ર સામાન્ય માનવી નથી. તે બ્રહ્મલોકનો ઋષિ છે

મહાન દેશભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદે (૧૨-૧-૧૮૬૩, ૪-૭-૧૯૦૨) વિશ્વભરમાં ભારતીય તત્વજ્ઞાનનો ડંકો વગાડયો હતો. અમેરિકાના શિકાગો શહેરમાં ૧૧-૯-૧૮૯૩ના રોજ ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે અસ્ખલિત વાગ્ધારાથી ધર્મજ્ઞાાન આપ્યું એને અમેરિકાના વિદ્વદ્જનોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ. એમનો જન્મ ૧૨-૧-૧૮૬૩ના રોજ કલકત્તામાં થયો હતો.

એમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. રામકૃષ્ણ પરમહંસના એ પરમ શિષ્ય હતા. અને એમના કૃપાપાત્ર હતા. રામકૃષ્ણ પરમહંસે એમની યોગશક્તિ શક્તિપાત દ્વારા સ્વામી વિવેકાનંદમાં પ્રવિષ્ટ કરી હતી ત્યારથી એ અસાધારણ પ્રકારની અલૌકિક શક્તિના સ્વામી બની ગયા હતા. જો કે તે એમની અતીન્દ્રિય શક્તિનો પ્રયોગ બહુ જ ઓછો કરતા હતા.

૧૮૮૧ના નવેમ્બર મહિનામાં સિમુલિયા શેરીમાં રહેતા સુરેન્દ્રનાથ મિત્ર નામના એક ભક્તને ઘેર જ્યારે શ્રીરામકૃષ્ણ પરમહંસ આવ્યા ત્યારે એમની બાજુમાં રહેતા નરેન્દ્રનાથને ભજન સાંભળવા માટે બોલાવવામાં આવ્યા. એમને પહેલીજ વાર જોતાની સાથે શ્રીરામકૃષ્ણ દેવના દૈવી મનમાં ચમકારો થઈ ગયો હતો અને તે મનમાં બોલી ઉઠયા હતાં. 'આ યુવાન બ્રહ્મલોકનો ઋષિ છે.'શ્રીરામકૃષ્ણ દેવે એમને દક્ષિણેશ્વર આવવા નિમંત્રણ આપ્યું. ધીમેધીમે તે એમના તરફ આકર્ષાતા ગયા.

નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણ પરમહંસને મળ્યા તે પૂર્વે બ્રહ્મસમાજના સભ્ય હતા અને સાકાર ઉપાસનામાં માનતા નહોતા. તેમણે એકવાર બ્રહ્મસમાજના દેવેન્દ્રનાથ ઠાકુરને પૂછ્યું હતું- 'શું તમે ઇશ્વરને જોયા છે ?'પણ તે સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. એ પછી એ જ પ્રશ્ન એમણે શ્રીરામકૃષ્ણ પરમહંસને પૂછ્યો હતો અને એમણે એક પળનો પણ વિચાર કર્યા વિના પૂર્ણ આત્મ- વિશ્વાસથી કહ્યું હતું -'હા, મેં ઇશ્વરને જોયા છે.' એનાથી એ એમના તરફ આકર્ષાયા હતા.

શ્રી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રનાથને સ્પર્શ કરીને એમની દિવ્ય શક્તિથી દૈવી સાક્ષાત્કાર કરાવ્યો હતો. તે લોકોને કહેતા 'મારો નરેન્દ્ર સામાન્ય માનવી નથી. તે બ્રહ્મલોકનો ઋષિ છે. એની અંદર વાલ્મીકિ, વ્યાસ, બુદ્ધ, શંકર અને નેપોલિયનના આત્માઓએ પ્રવેશ કરી લીધો છે.'નરેન્દ્રનાથ વારંવાર ધ્યાનમાં ઊતરી જતા. એકવાર એમને એક અદ્ભુત દિવ્યાનુભૂતિ થઈ.

એમણે જ એમના શિષ્યોને કહ્યું હતું- 'એકવાર રાત્રે હું દ્વાર બંધ કરી ધ્યાન કરતાં કરતાં અંતર્લીન થઈ ગયો, કેટલી વાર સુધી હું આવી તન્મયતાથી ધ્યાન કરતો રહ્યો એની મને ખબર નથી. એકાએક જ્યારે મારા ધ્યાનનો ભંગ થયો ત્યારે મેં જોયું કે જમણી દીવાલને ભેદીને એક જ્યોતિર્મય સ્વરૃપ બહાર નીકળી આવ્યું છે.

જે મારી સન્મુખ ઊભું છે. એમના મુખ પર અદ્ભુત અલૌકિક પ્રકાશ હતો. ચહેરો નિર્લેપ અને પ્રશાંત હતો. માથે મુંડન કરાયેલું હતું, હાથમાં કમંડળ અને દંડ હતો. થોડા સમય સુધી એ દિવ્ય પુરુષ મારી તરફ અનિમેષ નજરે જોતા રહ્યા. એ જાણે મને કશું ક કહેવા માગતા હતા એવું લાગ્યું. હું અવાક્ બનીને એમની સામે જોતો રહ્યો. ખબર નહીં કેમ પણ આ સ્થિતિ જોઈને હું ભયભીત બની ગયો અને દરવાજો ખોલીને બહાર ભાગી ગયો.

સંભવ હતું કે એ દિવ્ય પુરુષ મારી સાથે વાત કરત પણ ધ્યાન, મનન વગેરે ઘણા પ્રયત્ન કરવા છતાં મને ફરી એમના દર્શન ન થયા. જો કે એ સ્વરૃપમાંથી પ્રકટ થતા દિવ્ય પ્રકાશના કિરણોએ નરેન્દ્રનાથમાં જબરદસ્ત પરિવર્તન આણ્યું અને એમનામાં દિવ્ય શક્તિઓ વિકસી. પાછળથી નરેન્દ્રનાથને એવો ખ્યાલ આવ્યો હતો કે એ ભગવાન બુધ્ધ હતા જેમણે આ રીતે દીવાલમાંથી પ્રકટ થઈ એમને દર્શન આપ્યાં હતાં.

૧૮૮૭માં નરેન્દ્રનાથે એમના ગુરુભાઈઓ સાથે 'સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે એમનું નામ 'વિવિદિષાનંદ''કે 'સચ્ચિદાનંદ' રખાયું હતું. પણ અમેરિકા જતાં પહેલાં ખેતડીનરેશની વિનંતીને માન આપીને તેમણે એમનું નામ 'વિવેકાનંદ'રાખ્યું હતું. ભારતભ્રમણ દરમિયાન તે ખેતડી રાજ્યના રાજા અજિતસિંહને પણ મળ્યા હતા. ખેતડીનરેશ એમની પ્રતિભાથી પ્રભાવિત થયા હતા.

તે પુત્રહીન હતા. સ્વામીજીએ એમને આશીર્વાદ આપતાં કહ્યું હતું- 'તમને અવશ્ય પુત્ર પ્રાપ્ત થશે !' એ અનુસાર એમને પુત્ર પ્રાપ્ત થતાં સ્વામીજીને પુન:ખેતડી બોલાવી એમનું સન્માન કર્યું હતું. સ્વામીજીની વિદેશ જવાની ઇચ્છાને પૂરી કરવા એમણે જ સહાય કરી હતી અને એને લગતો બધો પ્રબંધ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ કન્યાકુમારી ગયા ત્યારે મંદિરની સામે સમુદ્રમાં આવેલી એક મોટી શિલા પર બેઠા હતા (જેને અત્યારે વિવેકાનંદ શિલા નામથી ઓળખવામાં આવે છે) ત્યારે ધ્યાનમગ્ન બની ગયા હતા.

ધ્યાનાવસ્થામાં એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો આદેશ સભળાયો હતો. 'દરિદ્ર ભારતવાસીઓના પ્રતિનિધિ બનીને તારે પાશ્ચાત્ય દેશોનું પરિભ્રમણ કરવાનું છે. વિશ્વ- માનવતા, વિશ્વ-બંધુત્વની ભાવનાની અલખ જગાડવાની છે. આ પુણ્ય કાર્યમાં તને જરૃર સફળતા મળશે.'આ આદેશ મળ્યાના બીજા જ દિવસે ખેતડીનરેશનો સંદેશવાહક એમને ખેતડીનરેશને પ્રાપ્ત થયેલ પુત્રરત્નનો સંદેશ આપવા અને ખેતડી પધારવાનું નિમંત્રણ આપવા આવ્યો હતો.

સ્વામી વિવેકાનંદ એમના અમેરિકાના અનુભવ વિશે કહે છે- 'જ્યારે હું અમેરિકામાં હતો ત્યારે પણ મારી અંદર અદ્ભુત શક્તિઓનું સ્ફૂરણ થયા કરતું હતું. ક્ષણમાત્રમાં હું મનુષ્યની આંખો થકી એના મનના બધા ભાવોને જાણી લેતો હતો.કોઈના પણ મનમાં ગમે તે વિચારો આવતા હોય, એ મને ખબર પડી જતા. કેટલીક વાર એની ગુપ્ત વાતો પણ કહી દેતો.

એનાથી લોકો મારા શિષ્યો બની જતા. જો કોઈ ખરાબ ઇરાદાથી મને મળવા આવે તો મારી આ શક્તિ જોયા પછી ત્યાંથી જતો રહેતો અને એ પછી મને ક્યારેય મળવા આવતો નહીં ! કેટલીક વાર હું ભાષણ આપીને થાકી જતો તે વખતે નવા ભાષણમાં શું કહેવું તેની મૂંઝવણ અનુભવતો. એનું નિવારણ કરવા કોઈ અદૃશ્ય રૃપે મારી પાસે ઊભા રહીને એ ભાષણ આપી જતું. એમાંથી મને ઘણા મુદ્દા અને નવીન જાણકારી મળતી. કેટલીકવાર હું એમને પ્રશ્નો પૂછતો તો મને એ જવાબ પણ આપતા.

આને લીધે મારી બાજુના ઓરડામાં રહેતા લોકો મને પૂછતા પણ ખરા 'સ્વામીજી, કાલે રાતે આટલા જોરજોરથી કોની સાથે વાતો કરતા હતા ? અમને ખ્યાલ છે ત્યાં સુધી તમે તો ઓરડામાં એકલા જ રહો છો !' હું એમના પ્રશ્નનો જવાબ ટાળી દેતો. આ રહસ્યમય ઘટનાઓ વિશે હું એમને શું કહેતો ? કહું તો એ માનતા પણ ખરા ?'

૧૮૯૪માં સ્વામી વિવેકાનંદ શિકાગોમાં હતા એ વખતની ઘટના છે. શ્રેષ્ઠ ઓપેરા ગાયિકા એમા કાલવે એની પુત્રીના કરુણ મરણના સમાચાર સાંભળીને દુ:ખાર્ત બનીને એના ઘર પાસે આવેલા સરોવરમાં પડીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે કોઈએ આવીને તેને પકડી લીધી હોય એવો અનુભવ થયો હતો. એની બાજુમાં રહેલી એની સહેલીએ કહ્યું કે મારે ઘેર એક ભારતીય યોગી અને સંત વિવેકાનંદ ઊતર્યા છે.

એમને તું મળ તો તને શાંતિ થશે. બીજે દિવસે તે તેમને મળવા ગઈ તો તેને લાગ્યું કે તેને આત્મહત્યા કરતાં કોઈ અદૃશ્ય વ્યકિતએ રોકી તે વખતે થોડી પળો બાદ આવા જ દેખાવવાળી વ્યકિત મારી નજીક જોવા મળી હતી. તે સ્વામીજીને મળી ત્યારે સ્વામીજીએ એના ભૂતકાળના જીવનની એવી વાતો કહેવા માંડી જે તેણે તેની સખીને પણ કદી કહી નહોતી ! એનાથી એને સ્વામીજીની પ્રતિભાનો પરિચય થઈ ગયો. સ્વામીજીની અસાધારણ યોગ પ્રતિભાથી પ્રભાવિત થઈને એમની શિષ્યા થઈ ગઈ.

તે સ્વામીજીને 'મં પિયાર'કહેતી. ફ્રેન્ચ ભાષાના આ શબ્દોનો અર્થ થાય છે - 'મારા પિતા'. સ્વામીજી વિશે તેણે બેબુઠ મઠમાં લખ્યું હતું.- 'મારા પિતાનું પ્રેમપૂર્ણ હૃદય કેટલું વિશાળ હતું ! કેટલા પવિત્ર હતા તે ! ઉન્નત, ઉદારચરિત્ર હતા ! અપૂર્વ તેજોમય સ્વરૃપવાળા હતા એ ! 'જ્યારે બીજીવાર સ્વામીજી અમેરિકા ગયા ત્યારે એમા એમની સાથે મિસર, ટર્કી, ફ્રાંસ, ગ્રીસ વગેરે દેશોમાં યાત્રાએ ગઈ હતી.

ઇગ્લેન્ડની મિસ માર્ગારેટ નોબલ પણ સ્વામીજીના દૈવી વ્યકિતત્વથી પ્રભાવિત થઈ એમની શિષ્યા બની ગઈ હતી અને 'ભગિની નિવેદિતા'નામ ધારણ કરી દરિદ્રનારાયણની સેવાના મહાન કાર્યમાં એમની સાથે જોડાઈ ગઈ હતી. સ્વામી વિવેકાનંદ કહેતા- 'શરીરને તુચ્છ ન સમજો. એ આત્માનું મંદિર છે. શરીર મંદિરને સ્વસ્થ બનાવો. શરીર ધર્માચરણનું પ્રથમ સાધન છે. શરીર મંદિર અને સ્વરૃપ આત્મા છે. આત્મા જ ઇશ્વર છે.'
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments