Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

BJP V/S BJP

ઉત્તર પ્રદેશનાં દલિત સાંસદોએ યોગી આદિત્યનાથની ઉંઘ હરામ કરી નાખી છે : ૨૦૧૯ની ચૂંટણી પર અસર પડશે

ઉત્તર પ્રદેશમાં ભાજપના દલિત સાંસદોનો બળવો : ભાજપના નેતાઓ લખનૌમાં ધામા નાખીને બેઠા છે... કોંગ્રેસે ભાજપના ડખાનો લાભ ઉઠાવવો જોઈએ

કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની લ્હાયમાં ને લ્હાયમાં ભાજપ વિરૃધ્ધ ભાજપની વોર શરૃ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીની કામગીરીની ટીકા વિરોધ પક્ષો કરે તે સમજાય એવી વાત છે પણ જ્યારે ભાજપના જ લોકો મોદીનો વિરોધ કરે ત્યારે તે બ્રેકિંગ ન્યુઝ બની જાય છે. કોંગ્રેસ જેમ ગાંધી પરિવારને પૂછયા વીના કામ નથી કરી શકતી એમ ભાજપવાળા નરેન્દ્ર મોદીને પૂછયા વીના એક ડગલું આગળ નથી ભરી શકતા. કોંગ્રેસ સૌથી જુનો પક્ષ છે, તેણે ઘણી હોળી-દિવાળી જોઇ છે જ્યારે ભાજપના આંગણે તો સ્પષ્ટ બહુમતી સાથેની પ્રથમ દિવાળી આવી હતી.

વિરોધ પક્ષો એક ના થાય તેની મથામણ કર્યા કરતા ભાજપને એ ખબર ના પડી કે પોતાના પક્ષમાં જ અસંતોષની જ્વાળા પ્રસરી રહી છે. યશવંત સિંહા જેવા નિવૃત્ત સિનિયર નેતાઓ વડાપ્રધાન મોદીનો જાહેરમાં ખુલ્લો વિરોધ કરે છે તે તો ઠીક પણ ભાજપના વિરોધીઓ સાથે બેઠકો કરે છે.

જે સુબ્રમણ્યમ સ્વામી પર ભાજપ ગર્વ કરે છે અને જેમને સાંભળવા બુધ્ધિજીવીઓ ઉમટે છે એવા આ સ્વામી પણ ઘણીવાર આડું-અવળું વેતરે છે.

પ્રજાની વચ્ચે કાર્યકરોને જવાનું છે. આ કાર્યકરો હજુ પોતાને વિપક્ષના કાર્યકર જ સમજે છે. પોતે સત્તાધારી પક્ષના હોવા છતાં તોફાનો કર્યા કરે છે. ગૌહત્યા, લવ-જેહાદ જેવા મુદ્દા ભલે પ્રથમ નજરે વ્યાજબી હોય પણ તેના નામે હિંસાચાર કોઇ સ્વીકારવા તૈયાર નથી.

ભાજપ પોતાના કાર્યકરોના ઉત્સાહને હિંસાચારમાં ફેરવાતા અટકાવી શક્તી નથી. ઓન ધ સ્પોટ નિર્ણયો લેવામાં ભાજપના નેતાઓ નબળા દેખાઇ રહ્યા છે.

ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકો પૈકી ૭૨ ભાજપ પાસે છે. વિપક્ષ ઉત્તર પ્રદેશ પર ટાર્ગેટ કરે છે. સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ આ ૮૦ બેઠકોના મતદારોનું ગણિત ગણી રહી છે. પ્રથમ નજરે એમ લાગે કે દલિત-મુસ્લિમને સાથે રાખીને ભાજપને ઉત્તર પ્રદેશમાં હચમચાવી શકાય છે. પરંતુ દલિતો પૈકી અડધો-અડધથી વધુ ભાજપ સાથે જોડાયેલા છે.

મામલો કોંગ્રેસના હાથમાં આવી ગયો હોય એવો ડોળ રાહુલ ગાંધી કરી રહ્યા છે પણ દેશનો સૌથી જુનો પક્ષ ઉત્તર પ્રદેશમાં ચોથા ક્રમે છે તે ભૂલવું ના જોઈએ.

દલિત વર્ગની સમસ્યાને નિવારવામાં ભાજપ નિષ્ફળ જશે તો તેને ફરી વિપક્ષની પાટલી પર બેસતા વાર નહીં લાગે ?! ઉત્તર પ્રદેશની લોકસભાની ૮૦ બેઠકો પર ભારતનો મદાર છે. રાહુલ ગાંધી કહે છે કે હવે જયારે સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષ એક થયા છે ત્યારે ભાજપને બે બેઠકો મળે તો પણ બહુ છે !!

રાહુલની આ વાતમાં તથ્ય એટલા માટે છે કે કેન્દ્રીય સત્તા નજર સામે જોઇને વિપક્ષ ઝનૂનથી પ્રચાર કરશે તેમજ વચનોની લ્હાણી કરશે. વિપક્ષો પોતાના વિજય કરતાં વધુ તો ભાજપની હાર માટે લડી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ ટાર્ગેટ એટલા માટે છે કે ત્યાંના બે પ્રાદેશિક પક્ષો બહુજન સમાજવાદી પક્ષ અને સમાજવાદી પક્ષ બંને હાથ મીલાવી રહ્યા છે. આ બંનેની સાથે કોંગ્રેસ પણ જોડાશે જે દર્શાવે છે કે ભાજપ સામે ખરાખરીનો પડકાર ફેંકાશે. ભાજપ જો ઉત્તર પ્રદેશમાં ૩૦-૪૦ બેઠકો ઓછી જીતશે તો પણ કેન્દ્રમાં સરકાર રચવી ભારે પડી શકે એમ છે.

ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની લોકો ભલે પ્રશંસા કરતા હોય પણ તેમના પક્ષના લોકો જ તેમની સામે પડયા છે.

પોલીટીકલ મેનેજમેન્ટના કેટલાક ચેપ્ટર તો ભાજપે કોંગ્રેસ પાસેથી શીખવા જેવા હતા. કોર્પોરેટ કંપનીઓ, મીડીયા વગેરેને સાથે લઇને ચાલવાની કોંગ્રેસની નીતિ આવકારદાયક હતી જયારે ભાજપ આવું અપનાવી શીખી નહીં એટલે પક્ષના લોકો નારાજ થયા છે.

ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સત્તાધારી પક્ષના પોતાના સાથીઓ અને વિપક્ષોને એક જ લાકડીએ હાંક્યા છે. સત્તાધારી પક્ષના સાથી સભ્યો જાહેરમાં એમ કહેતા થયા છે કે માત્ર યોગી કે મોદીના કારણે અમે વિધાનસભા નથી જીત્યા, અમે પણ ખુબ મહેનત કરી છે. અમને પણ રાજ્ય સરકારે સન્માન આપવું જોઈએ. યોગી આદિત્યનાથ જે નિર્ણયો લે તે માટે અમને પૂછતા નથી.

ઉત્તર પ્રદેશમાં સત્તાધારી પક્ષ ભાજપનાં અભિમાનની હવા ભરાઇ ગઇ છે. એક તો રાજ્યમાં બે તૃતીયાંશ કરતા વધુ બહુમતી અને સંસદમાં ૮૦માંથી ૭૨ બેઠકો મેળવી એટલે ભાજપ ઉત્તર પ્રદેશમાં સર્વે સર્વા બની ગયો છે. આ અભિમાન ભાજપને મોંઘુ પડી રહ્યું છે.

લોકસભાના સભ્ય સાવિત્રીબાઇ ફૂલે, છોટાલાલ કંવર, અશોકકુમાર ઘોટે વગેરેએ તો એટ્રોસીટી એક્ટને મંદ પાડવાના પ્રયાસનો ખુલ્લં-ખુલ્લો વિરોધ કર્યો છે. સાવિત્રીબાઈ ફૂલે એ પોતાની અલગ રેલી કાઢી હતી જેમાં ભગવાના બદલે બાબા સાહેબ આંબેડકરના સમર્થકોમાં પ્રિય બ્લ્યૂ રંગ હતો. તે કહે છે કે સંસદ સભ્યનું પદ ભલે જાય પણ દલિત મુદ્દો પહેલો ?!

સાવિત્રીબાઈ ફૂલેએ ભાજપને મોટો ફટકો માર્યો છે. દલિત સાંસદોનો બળવો ભાજપને મોંઘો પડી રહ્યો છે.

રાજકીય પક્ષોમાં નારાજગીના મુદ્દે કોંગ્રેસની કમનસીબી એ છે કે કોંગ્રેસના નારાજ નેતાઓ કૂદીને ભાજપ સાથે બેસી જાય છે પણ ભાજપના બળવાખોરો ક્યારેય કોંગ્રેસમાં જોડાતા નથી. યશવંતસિંહા મોદીનો વિરોધ કરે છે પણ ભાજપને પ્રેમ કરે છે એવું જ સુબ્રમણ્યમ સ્વામીના કિસ્સામાં છે.

રાષ્ટ્રીય સેવક સંઘની એક પાંખ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પણ વડાપ્રધાન મોદીની જાહેરમાં ટીકા કરે છે અને પોતાની સામે જાનનું જોખમ છે એમ કહે છે.

ભાજપની સામે જ ભાજપના સભ્યોનો વિરોધ એ ભાજપના સંગઠનના પાયા પર તરાપ સમાન છે. કહે છે કે મોદી જેમ ગુજરાતમાં શાસન કરતા હતા એમ કેન્દ્રમાં શાસન કરે છે. ગુજરાતમાં ભાજપના અન્ય સભ્યોની નારાજગી સપાટી પર નહોતી આવી પણ કેન્દ્રમાં તો બધા શેરના માથે સવા શેર જેવા છે.

જ્યારે યશવંતસિંહા જેવા પીઢ નેતા મોદીનો વિરોધ કરે ત્યારે સંઘે ચેતી જવા જેવું હતું. હવે જેમ ઉત્તર પ્રદેશમાં વિરોધ છે એમ બિહારમાં વિરોધ છે એવી જ સ્થિતિ પંજાબ તેમજ ગુજરાતમાં પણ છે.

બહારના વિરોધીઓને પહોંચી વળાય પરંતુ ઘરના જ વિરોધીઓને પહોંચી વળવું અઘરું છે. ભાજપમાં જ ભાજપનો વિરોધ એ સંઘે ક્યારેય કલપ્યું નહોતું. આવું એટલા માટે થયું છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થઇ ગયું છે.

ભાજપ વિરૃધ્ધ ભાજપની સ્થિતિ વણસી રહી છે. ઉત્તર પ્રદેશમાં દલિત નેતાઓ સાથે સમાધાનની વાતો મોટા પાયે ચાલે છે.

જયારે પક્ષ અંદરો-અંદર લડે તેનો લાભ નજીકનો પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પક્ષ ઉઠાવે તે સ્વભાવિક છે. ભાજપના ઝઘડાનો લાભ કોંગ્રેસ ૨૦૧૯ની ચૂંટણીમાં ઉઠાવશે તો તે ચાણક્ય સાબિત થશે....
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments