Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર - લલિત ખંભાયતા

નાઝકા લાઈન્સ પેરુના રણમાં પથરાયેલી રેખાનું રહસ્ય શું?

દુનિયાના નકશામાં પેરુ, પેરુના નકશામાં નાઝકા વિસ્તાર

હમિંગબર્ડ નામનું પક્ષી તો માંડ પાંચ ઈંચનું હોય, પણ તેની આકૃત્તિ રણમાં ૫૦ મિટર (૧૯૬૮ ઈંચ) સુધી લંબાઈ છે.

પેરુના રણમાં ૨ હજાર વર્ષથી કદાવર ચિત્રો ચિતરાયેલા છે. 'નાઝકા લાઈન્સ' નામે ઓળખાતા એ આકાર શા માટે બન્યાં એ રહસ્ય છે. ગયા અઠવાડિયે રહસ્ય વધારે ઘેરું બન્યું, જ્યારે વધુ કેટલાંક ચિત્રો મળી આવ્યાં..

પેરુના પુરાતત્વશાસ્ત્રી ટોરિબો મેજિઆની 'પારાકાસ કલ્ચર' નામે ઓળખાતી પેરુની જૂની સંસ્કૃતિની શોધખોળ કરતા હતા. પેરુના દક્ષિણ ભાગમાં એન્ડિઝની તળેટી અને પ્રશાંત મહાસાગર વચ્ચે ફેલાયેલા સપાટ પ્રદેશમાં પારાકાસના પુરાવા મળી શકે એમ હતા. ૧૯૨૭માં એવી જ એક શોધ-સફર પર નીકળ્યા ત્યારે ટેકરી પરથી તેમનું ધ્યાન રણ-પ્રદેશ પર પડયું.

દક્ષિણ અમેરિકા ખંડના કાંઠે ફેલાયેલા અતિ દુર્ગમ અતકામા રણનો ત્યાં ઉત્તર છેડો હતો. સાવ નિર્જન, હજારો વર્ષોથી ખાલી, કોઈ પ્રકારની ચહલ-પહલ વગરના એ પ્રદેશમાં જો સંશોધન ન કરવાનું હોત તો ટોરિબો માટે પણ આવવાનું કોઈ કારણ ન હતું. વિહંગાવલોકન કરતી વખતે એમના ધ્યારે રણમાં દોરાયેલી વિશાળ આકૃતિ ચડી.

ટોરિબોએ રણ વચ્ચે આવેલા આકાર-આકૃતિ-ચિત્રો પાસે જઈ તપાસ કરી. બધા આકાર એવા કે જમીન પરથી ન દેખાય, પરંતુ કોઈ ઊંચા સ્થળે ચડીને જોવામાં આવે તો સુક્કી જમીન પર આકાર સ્પષ્ટ થવા માંડે. દક્ષિણ અમેરિકા ખંડના નાનકડા અને ભૌગોલિક રીતે છેવાડે આવેલા દેશ પેરુના રણમાં આવેલી કલા-કારીગરીમાં ત્યારે કોઈને રસ ન પડયો. રણની આ રચના કોઈ પરંપરાગત વિધિ-વિધાનનો ભાગ છે, એટલું તારણ રજૂ કરી ટોરિબો પોતાના બીજા કામમાં પડી ગયા.

૧૯૨૮માં અને એ પછી પેરુના પેરુવિયન નામે ઓળખાતા રણ-પ્રદેશ પરથી વિમાનો ઊડતાં થયા. આભને થીંગડું ન લાગે એમ રણમાં ચિતરાયેલાં ચિત્રોને પણ થીંગડું લાગી શકે એમ ન હતું. વિમાનના પાઈલટોના ધ્યાનમાં ચિત્રો-આકાર આવતા થયા. આકૃતિ એકાદ નહીં, અનેક હતી. એક-સરખી નહીં, વૈવિધ્યપૂર્ણ હતી.

જ્યાં હજારો વર્ષથી કોઈ રહેતું નથી એ રણમાં આકૃતિ ક્યાંથી આવી? પાઈલટોએ રણની તસવીરો રજૂ કરી એ પછી જગતભરના સંશોધકોને અચાનક રણમાં જળ મળ્યું હોય એવો રસ પડવાની શરૃઆત થઈ.

પેરુના રણની એ આકૃતિઓ હવે 'નાઝકા લાઈન્સ' તરીકે ઓળખાય છે અને એ લાઈન્સની ગણતરી પૃથ્વી પરનાં સૌથી મોટાં રહસ્યોમાં થાય છે. બે-સવા બે હજાર વર્ષ પહેલાં વેરાન રણમાં રચાયેલી એ વિવિધ આકૃતિઓનું કારણ-તારણ કોઈ સંશોધકો રજૂ કરી શક્યા નથી. એટલામાં ગયા અઠવાડિયે અહીંથી બીજી પચાસ જેટલી નવી કૃતિ-આકૃતિ મળી આવી છે. ગામડામાં રમતી વખતે છોકરાંવ માટીમાં સાઠીકડું ફેરવી રમતની જરૃર પ્રમાણે કૂંડાળુ બનાવે કે ચોરસ બનાવે. એવી જ આકૃત્તિઓ અહીં બનાવાઈ છે, પણ એમાં આકાર-પ્રકારના વૈવિધ્યનો પાર નથી.

ગિરનાર પર્વતમાં એટલી બધી પૌરાણિક-ધાર્મિક-ઐતિહાસિક જગ્યાઓ છે, કે કોઈ વ્યક્તિ દર અઠવાડિયે એક જગ્યા ફરે તો પણ જિંદગી ઓછી પડે. દક્ષિણ અમેરિકા ખંડનું પણ એવુ જ છે. બ્રાઝિલ, પેરુ, બોલિવિયા, કોલંબિયા, વેનેઝૂએલા.. વગેરે બધા દેશો એમેઝોનના ગાઢ જંગલ સાથે મેળાપીપણું ધરાવે છે. અહીં એટલા બધા પુરાતત્ત્વીય અવશેષો, પ્રાચીન નગર, ખજાના, બાંધકામ મળ્યા કરે છે કે ઈન્ડિયાના જોન્સ જેવા પુરાતત્ત્વશાસ્ત્રીઓ નવરા જ પડતા નથી. કેટલાક આર્કિયોલોજિસ્ટો તો વર્ષોથી આ ચિત્રોનો ઉકેલ મેળવવા જ પ્રયાસ કરી રહ્યાં છે.

અત્યારે સંશોધકો ડ્રોન કેમેરાની મદદથી રણ-વિસ્તારનું અવલોકન કરી રહ્યા હતા. એ દરમિયાન જ તેમને ૫૦ નવાં ચિત્રો મળી આવ્યાં છે. મળી આવેલાં નવાં ચિત્રોમાં કેટલાક યોદ્ધા છે, બાંધકામનો નકશો હોય એવો આકાર છે. ૧૯૨૭થી આજ સુધીમાં જોવા મળેલી નાઝકા લાઈન્સમાં છેલ્લે મળેલાં ચિત્રો સૌથી જૂના પણ છે.

અહીં રહેતા લોકો નાઝકા તરીકે જાણીતા હતા, તેમના નામે જ નજીકનું શહેર ઓળખાય છે અને એ જ નામે આ વિસ્તારમાંથી મળેલાં આ ચિત્રોને 'નાઝકા લાઈન્સ'ની વૈશ્વિક ઓળખ આપી દેવાઈ છે. નાઝકા અને પાલ્પા શહેર વચ્ચેના ૮૦ કિલોમીટર લાંબા, ૫૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા વિસ્તારમાં જ મોટા ભાગનાં ચિત્રો છે. લેટેસ્ટ સંશોધન પછી ચિત્રોનો કુલ સ્કોર ૪૫૦ ઉપર પહોંચ્યો છે. માત્ર સીધી રેખા હોય એવી સંખ્યા ૮૦૦ ઉપર છે અને સૌથી લાંબી રેખા ૪૮ કિલોમીટર સુધીની મપાઈ છે. સંખ્યા વધે એ સાથે સવાલ વધારે અઘરો બનતો જાય છે કે રણમાં કોઈએ શા માટે કદાવર રેખાચિત્રો તૈયાર કર્યા હશે?

મોટા ભાગની લાઈન્સ એ હકીકતમાં જમીનમાં કરેલો ખાંચો છે. ખેતરમાં પાણી પહોંચાડવા માટે ધોરિયાનું નેટવર્ક ઊભું કરવામાં આવે એવુ આ નેટવર્ક છે. રણ છે, પણ જમીન કઠણ છે. જમીનમાં ૧૨થી ૧૫ ઈંચ ઊંડી ખાંચી કરવામાં આવી છે. એમાં વળી ખાસ પ્રકારની રેતી નાખી છે. પરિણામે રણમાં હોવા છતાં આખુ ચિત્ર અલગ ઊપસે છે. આ રણમાં ખાસ કોઈ ભૌગોલિક કે માનવીય હલચલ થતી નથી.

માટે બધી લાઈન્સ કુદરતી રીતે જ સુરક્ષિત છે. ક્યારેક રણમાં તોફાન કે આંધીને કારણે કોઈ ચિત્ર થોડી વાર પૂરતું દટાઈ જાય તો સંશોધકો તેને ફરીથી સાફ-સૂફ કરી નાખે છે. ૨૦૧૫માં જોકે લાઈન્સ પર એક ટ્રક ફરી વળ્યો હતો. તો વળી ૨૦૦૯માં વરસાદથી લાઈન્સને થોડુ નુકસાન થયુ હતું. બાકી સબ સલામત છે!

પૃથ્વી પર કંઈ રહસ્ય ન ઊકલે એટલે તેને (અત્યાર સુધી જે પોતે મળ્યા નથી એવા) પરગ્રહવાસીઓ સાથે જોડી દેવાની પ્રથા અહીં પણ લાગુ પાડી દેવાઈ છે. આ ચિત્રો તો પરગ્રહવાસી(એલિયન્સ)એે જ બનાવ્યાં હશે એવું ઘણા સંશોધકો કહે છે.

આ બધાં ચિત્રો ખાસ્સાં મોટાં છે. કદ ૫૦ મીટરથી લઈને ૩૭૦ મીટર (૧૨૦૦ ફીટ) સુધીનું નોંધાયુ છે. જમીન પર આવુ ચિત્ર ત્યારે જ બની શકે, જ્યારે તેને ઉપરથી જોઈ શકાતું હોય. દક્ષિણ અમેરિકામાં રહેતી પ્રજા તો ઊડી શકતી ન હતી. એટલે કે તેમની પાસે ઊડી શકાય એવુ કોઈ સાધન ન હતું. તો પછી પરફેક્ટ આકાર કઈ રીતે બનાવ્યા હશે? એટલે એ કામ નાઝકા પ્રજાનું નહીં, પરગ્રહીઓનું છે! એલિયન્સ પોતે આવીને ના ન પાડે ત્યાં સુધી આ દાવો જીવતો રહેશે.

અમેરિકન સાહસિક જીમ વૂડમેને એવો દાવો કર્યો હતો કે નાઝકા લોકો પાસે ભલે વિમાન ન હતાં, પણ બલૂન જેવી સામગ્રી તો હતી જ. પોતાની વાત સાબિત કરવા માટે જીમે ૨ હજાર વર્ષ જૂની સામગ્રી એકઠી કરી બલૂન તૈયાર કર્યું હતુ. એ બલૂન થોડી મિનિટો ઊડયું પણ હતું. એટલી વારમાં ચિત્રો બની ન શકે.

૧૬મી સદીમાં પેરુ પહોંચેલા સ્પેનિશ આક્રમણકાર પેડ્રો લિઓને પોતાની નોંધપોથીમાં આ રેખાઓની માહિતી લખી છે. પેડ્રોની સમજ પ્રમાણે એ લાઈન્સ દિશા દર્શાવવા માટે તૈયાર કરાયેલાં નિશાન હતા. ઊંચે ચડયા વગર પૂરું ચિત્ર દેખાય નહીં, પૂરું ચિત્ર દેખાયા વગર તેની ભવ્યતા પણ ખબર પડે નહીં, એટલે જમીની અંદાજ પરથી કોઈને પણ એ દિશાદર્શક પથ્થર લાગે એમાં નવાઈ નથી.

૧૯૪૧માં અમેરિકાના પ્રોફેસર પોલ કોસોક પેરુના રણમાં આવ્યા, આમ-તેમ ફર્યા અને સાંજ પડયે જાહેર કર્યું કે આ બધા આકાર આકાશ-દર્શન રજૂ કરે છે. હકીકતે જમીન પર પથરાયેલું કેલેન્ડર છે. કેલેન્ડર ઉપરાંત તેનો ઉપયોગ જળ-સંચય અને જળ-પરિવહન માટે પણ થતો હોવો જોઈએ એવુ પણ પ્રોફેસર પોલે કહ્યું.

૧૯૫૯માં પ્રોફેસર પોલ મૃત્યુ પામ્યા ત્યારે નાઝકા લાઈન્સનું રહસ્ય હજુ પૂરું ઉકેલી શક્યા ન હતા. પાણી સાથે આકૃતિનો સંબંધ હોય એમ ઘણા માને છે કેમ કે આ વિસ્તારમાં વર્ષે સરેરાશ ૨૦ મિનિટ જ વરસાદ પડે છે. એ સચવાઈને જમીનમાં ઊતરે એ જરૃરી છે. પરંતુ જળ-સંચય માટે સીધા ખાડા ખોદવાને બદલે આવા આકાર કેમ તૈયાર કર્યા હશે? પરફેક્ટ આકાર માટે કયા પ્રકારનાં સાધનો વાપર્યા હશે?

એક વિશાળ આકૃત્તિ કરોળિયાની છે. સંશોધકો એમ માને છે કે કરોળિયોએ વરસાદનો સિમ્બોલ હોવો જોઈએ. બીજા બધાં પણ પ્રાણી આ રીતે પ્રાકૃત્તિક ઘટનાઓ સાથે સંકળાયેલાં હોય એમ બને!

પોલ સાથે પેરુના પાટનગર લીમામાં રહેતા જર્મન ગણિતજ્ઞા અને અનુવાદક મારિયા રિશેલ પણ નિયમિત રીતે રેતીનાં રેખાચિત્રો જોવા આવતા હતા. રહસ્યમાં રસ પડયો એટલે તેમણે અભ્યાસ શરૃ કર્યો અને એ ચાલીસ વર્ષ સુધી ચાલ્યો. ચાર દાયકા સુધી નાઝકા લાઈન્સ સમજવા પ્રયાસ કર્યા પછી તેમણે પણ એ જ કહ્યું, જે પોલ કહીને ગયા હતા :

'આ બધાં ચિત્રો કદાવર કેલેન્ડરનો ભાગ છે!' ખાતરીપૂર્વક તો રિશેલ પણ કહી ન શક્યા કે રેતી કોતરીને બનાવેલી ઓપન-એર ચિત્રબુક ખરેખર શું છે, કોણે બનાવી છે? મારિયાએ જોકે એવો તર્ક પણ રજૂ કર્યો કે પહેલાં નાનાં ચિત્રો તૈયાર કર્યા પછી ક્રમશ: તેને જમીન પર મોટા સ્વરૃપે દોરવામાં આવ્યાં હશે. અંતે નક્કી થયેલો આકાર બન્યા પછી ખોદકામ કરી તેને ચિત્રમાં પરિવર્તિત કરાયો હશે. હોઈ શકે, પણ આકાર બનાવ્યા શા માટે? કોણે બનાવ્યા? એ સવાલો અણનમ રહ્યા!

ચિત્રો જે હોય એ પણ મહત્ત્વ સમજી ચૂકેલા મારિયાએ સમગ્ર વિસ્તારની સુરક્ષા માટે પોતાના ખર્ચે ગાર્ડની ગોઠવણી કરી. પેરુવિઅન એરલાઈન્સની મદદથી એરિયલ ફોટા પાડી ઐતિહાસિક સ્થળનું મહત્ત્વ પેરુ સરકારને સમજાવ્યું. આકારને નુકસાન થાય એવુ કોઈ પણ બાંધકામ થતાં અટકાવ્યું. 'લેડી ઓફ ધ લાઈન્સ' નામે જાણીતા થયેલા મારિયા ૧૯૯૮માં અવસાન પામ્યા એ પહેલાં ૧૯૯૪માં જ 'યુનેસ્કો'એ આ જમીનપટ્ટને 'વર્લ્ડ હેરિટેજ સાઈટ' ઘોષિત કરી દીધો હતો. ત્યારથી એ સુરક્ષિત છે અને પ્રવાસીઓ જોવા અહીં બળબળતા તાપમાં આવે છે.

અત્યાર સુધીમાં ઘણા આર્કિયોલોજિસ્ટ-એન્થ્રોપોલોજિસ્ટ આ રણ ખૂંદી વળ્યા છે. પણ તેમને કળ મળતી નથી. આ બધા બાંધકામ એવા છે, જે જમીન પરથી દેખાતા નથી. અમુક જમીન પરથી દેખાય તો પણ પ્રભાવશાળી લાગતાં નથી. જમીન પરથી તો એવુ લાગે જાણે રેતીમાં કોઈ પટ્ટો બન્યો છે. ઊંચે ચડયા પછી જ તેનો આકાર સામે આવે છે. એટલે અહીં આવતા પ્રવાસીઓ માટે ૫૦ ફીટ ઊંચા વૉચ ટાવર પ્રકારના માંચડા બનાવી રાખવામાં આવ્યા છે. એ માંચડા પર પ્રવાસી ન ચડે તો તેમને રણ જેવું રણ લાગે, કોઈ આકૃતિ-ફાકૃતિ દેખાય નહીં.

અહીં મળેલાં રેખાંકનો માણસનાં છે, પ્રાણીનાં છે, કુદરતી ઘટનાના છે, ફૂલ છે, વૃક્ષ છે, વાંદરા છે, જેગુઆર છે, જલેબી જેવુ ગૂંચડુ પણ છે.. આડી-ઊભી લીટી તો છે જ. એટલે કે એ વખતની પ્રજાએ લગભગ બધું જ બનાવ્યુ છે. કેટલાક એવા પણ આકાર મળ્યા છે, જે સામાન્ય રીતે વાસ્તવિક કરતાં કાલ્પનિક વધારે છે. જેમ કે અનેક હાથ ધરાવી વ્યક્તિ કે પછી દેવી-દેવતા.. ત્યારની એ પ્રજા લેખિત નોંધ રાખતી ન હતી. માટે પ્રાચીન દસ્તાવેજોમાં, શીલાલેખ કે તાડપત્રોમાં હજુ સુધી તો ક્યાંય રણની રેખાઓ વિશે નોંધ મળી નથી.

બધી રતના દેવી-દેવતાએ બનાવી હશે એવી સર્વસામાન્ય થિયરી અહીં પણ છે. પરંતુ આખી દુનિયા દેવી-દેવતાએ જ બનાવી છે, એટલે આ લાઈન્સ તેમના નામે ચડાવી દેવામાં વાંધો નથી. પરંતુ એમ કરવાથી રહસ્યનો ઉકેલ આવતો નથી.

જાપાની સંશોધકોએ ૧૦૦થી વધુ લાઈન્સનો અભ્યાસ કર્યા પછી ૨૦૧૫માં એવુ કહ્યું કે આ કોઈ એક જ સંસ્કૃતિના લોકોએ બનાવેલી આકૃતિ નથી. ઓછામાં ઓછા બે સમુદાયના લોકોએ અલગ અલગ સમયે રચના કરી હશે (જેમ કે આપણા ઐતિહાસિક નગર ધોળાવિરામાં વિવિધ તબક્કે ઓછામાં ઓછા પાંચ પ્રજાતિના લોકો રહ્યા હતા, માટે એ નગર પણ રહસ્યમય છે). આકૃતિઓ છે, એ તેમની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા ધરાયેલું નૈવેદ્ય છે. મેડ ઈન જાપાન સંશોધનમાં પણ બધા સવાલના જવાબ તો મળતા નથી.

દક્ષિણ અમેરિકા ખંડનો પુરાતત્ત્વ ઈતિહાસ ભેદ-ભરમનો ખજાનો છે. એ ખજાનાના નવ રત્નોમાં નાઝકા પણ છે. રેખા ગમે તે દર્શાવતી હોય પરંતુ એટલુ તો નક્કી છે કે ત્યારની પ્રજા આપણી કલ્પના કરતા વધારે બુદ્ધિશાળી અને સાધન-સજ્જ હતી. બે-અઢી હજાર વર્ષ પહેલા કઈ રીતે આપણાથી એડવાન્સ હતા, એ આજે એડવાન્સ ટેકનોલોજીના યુગમાં પણ આપને જવાબ મળતો નથી. ક્યારે રેખા ઉકેલાશે અને તેમાંથી સાચું ચિત્ર બહાર આવશે એ પણ ખબર નથી!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments