Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

ચૂંટણી વ્યૂહ રચનાનો ગુલાલ

યુપીમાં પ્રશાંત કિશોરે કોંગ્રેસ માટે બિહારવાળી વ્યૂહ રચના અપનાવીને આઘાત સર્જ્યો હતો : 'અબ કી બાર તીન સો કે પાર' સ્લોગન ભાજપને ફળ્યું હતું    


ચૂંટણી વ્યૂહ રચના માટે નથી કોઇ પુસ્તક કે નથી કોઇ પ્રોફેશનલ ક્લાસ !! પાયાના વર્કરો સૂઝ કેળવે છે

ભાજપે જીતના એક પછી એક ચાર પાયા નાખ્યા બાદ તેને મજબૂત બનાવ્યા હતા : ચૂંટણી જોડાણો બંનેને ડૂબાડે છે: કોંગ્રેસે પોતાનું મૂલ્ય ઓછું આંક્યું હતું..

દરેક વ્યૂહ રચના દર વખતે કામ નથી લાગતી, ભાજપનો પંજાબમાં ધબડકો થયો હતો. વ્યૂહ રચનાઓ સમય પ્રમાણે બદલવી જોઇએ. પ્રશાંત કિશોરે કોંગ્રેસ માટે બિહારવાળી વ્યૂહ રચના અપનાવી હતી. શું થયું તે સૌ જાણે છે

ચૂં ટણી વ્યૂહ રચનાના કોઇ પુસ્તકો બજારમાં નથી મળતા; નથી તેનાં  કોઇ પ્રોફેશનલ ક્લાસીસ ચાલતા !! પાયાના કાર્યકરો જ ચૂંટણી વ્યૂહ રચના જાણતા હોય છે. લાલુપ્રસાદ યાદવ, નીતીશ કુમાર, નરેન્દ્ર મોદી વગેરેને ખબર છે કે ગામડાની ધૂળમાં કામ કરવાથી કંઇક શીખવા મળે છે. અખિલેશ અને રાહુલ બંને સિલ્વર સ્પૂન સાથે જન્મ્યાં છે. તેમને ખબર જ નથી કે પ્રચાર માટે ગામડાં ખૂંદવા એટલે શું ? તેમને આ મુદ્દો નડી ગયો હતો અને ઉત્તરપ્રદેશ ગુમાવવું પડયું હતું. ખાટલા બેઠકો કે ચાય પે ચર્ચા વગેરે બનાવટ છે એમ લોકો જાણી ગયા છે.
ઉત્તર પ્રદેશમાં મોદીનું સુનામી જોઇને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમાર અબ્દુલ્લાએ સાચું જ કહ્યું છે કે ૨૦૧૯ની લોકસભા વિરોધ પક્ષોએ ભૂલી જવી પડશે !! ટૂંકમાં ઓમારે કહી દીધું છે કે ૨૦૧૯ના જંગમાં મોદી સરકારની જીત નિશ્ચિત છે અને વિપક્ષોએ ૨૦૧૪ માટેની તૈયારી કરવી જોઇએ !!

ઓમારની વાત પડતી છે પરંતુ એટલું ચોક્કસ છે કે વડાપ્રધાન મોદી લોકોનો વિશ્વાસ જીતી શક્યા છે પણ જેેેમને પ્રજાએ સાવ જ નકાર્યા છે તે સુધરા તો સારું !!
લોકશાહીમાં ઉત્તર પ્રદેશ જેવો નબળો વિપક્ષ હોય તો સત્તાધારી પક્ષ મનમાની કરવા લાગે !! મોદી સરકારે વિપક્ષને ચૂંટણી જંગમાં હંફાવ્યા છે. પંજાબમાં કોંગ્રેસ રાહુલ ગાંધીના લીધે નહીં પણ કેપ્ટન અમરીંદરસિંહના કારણે જીતી છે તે પણ સ્પષ્ટ થઇ ગયું છે. અમરીંદરે એક તબક્કે એમ કહ્યું હતું કે હું બધું રાહુલને પૂછી-પૂછીને નહીં કરું, મને સ્વતંત્રતા આપો !!
વિજયની ખુશી અને હારના આઘાત વચ્ચે બધા આમ આદમી પાર્ટીના ધબડકાને જોઇ શક્યા નથી. પોતાનો પક્ષ અન્ય તમામ કરતા સુપર છે એમ માનતા અરવિંદ કેજરીવાલને પંજાબ અને ગોવા એમ બંનેએ નકાર્યા છે. સમાચાર માધ્યમોના જોરે ચૂંટણી જંગ જીતી શકાય નહીં તેની પણ બધાને ખબર પડી ગઇ હતી.
પાંચ રાજ્યોના જંગમાં આમ આદમી પાર્ટીની જેમ માયાવતી પણ લૂઝર છે. છેલ્લે-છેલ્લે તેમણે વૉટિંગ મશીનની છેડછાડ છે એમ કહીને હારનો ઊભરો ઠાલવ્યો હતો.

વિપક્ષોના પાયા પર ફટકા સમાન પરિણામો છે પરંતુ તેથી એમ માનવાની જરૃર નથી કે સંસદના ગૃહોમાં તે શાંત રહેશે અને મહત્વના  બીલોને પાસ કરવા ટેકો આપશે !! વિપક્ષો હવે દેશના હિતમાં કામ કરશે તો લોકોની ચાહના મેળવી શકશે.
ચૂંટણીઓ કૌટુંબીક સંવેદનાઓથી ક્યારેય ના જીતાય, ચૂંટણી એ લોકશાહીનો જંગ છે તેને વ્યૂહાત્મક રીતે જ જીતી શકાય. તાજેતરમાં જે પાંચ રાજ્યોનો ચૂંટણી જંગ ખેલાયો તેમાં ભાજપે એવી વ્યૂહરચના બનાવી હતી કે કોંગ્રેસ અને સમાજવાદી પક્ષનું જોડાણ પણ ફસકી પડયું હતું. જે લોકો રાજકારણમાં નવા-સવા છે તેમણે આ ચૂંટણીઓનું બરાબર અધ્યન કરવાની જરૃર છે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષે અને કોંગ્રેસે જોડાણ કર્યું તે દિવસથી જ ભાજપની જીતના પાયા નખાઇ ગયા હતા. જ્યારે બહુજન સમાજવાદી પક્ષે ૧૦૦ મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી એ ભાજપની જીતનો બીજો પાયો હતો. સમાજવાદી પક્ષનો સર્વે-સર્વા એવો યાદવ પરિવાર જાહેરમાં લડવા લાગ્યો અને મુલાયમસિંહ યાદવને હાંસીયામાં ધકેલી દીધા તે ભાજપની જીતનો ત્રીજો પાયો હતો.

૩૦૦ બેઠકોથી વધુ મેળવવા ભાજપે સ્લોગન આપ્યું હતું કે ''અબ કી બાર તીન સો કે પાર'' !! દરેકે આ સ્લોગનની ઠેકડી ઉડાવી હતી પણ ભાજપે તેનો મનસૂબો  કાર્યકરોને બતાવી ઉત્સાહની હવા ભરી હતી.
૩૦૦થી વધારે બેઠકો ઉત્તર પ્રદેશમાં મેળવવી એ અમિત શાહના ભેજાની ઉપજ હતી. જેવું અબ કી બાર તીન સો કે પાર જાહેર થયું કે બધા એમ કહેવા લાગ્યા હતા કે ભાજપ વધુ પડતા આત્મવિશ્વાસમાં ફરે છે.
જોકે ભાજપે ચૂંટણી જાહેર થઇ તે પહેલાં જ ઉત્તર પ્રદેશમાં બુથ લેવલની મીટીંગો શરૃ કરી દીધી હતી. ક્યાં પૈસા વેરવાના છે, ક્યાં પ્રોમીસ પ્રમાણે કામ નથી થયું અને ક્યાં પ્રોમીસો આપીને વિશ્વાસ જીતવાનો છે તે બધાની અલગ યાદી બનાવાઇ હતી. બુથ લેવલની કામગીરીની સતત સમિક્ષા કર્યા કરવી અને તેમાંથી અપડેટ મેળવતા રહેવી એ ભાજપની જીતનો ચોથો પાયો હતો.
આ ચાર પાયા નાખ્યા પછી ભાજપે કાર્પેટ બોમ્બીંગનો મારો ચલાવ્યો હતો. ઉત્તર પ્રદેશનું એક પણ ચૂંટણી મથક એવું નહોતું કે ત્યાં ભાજપે નુકક્કડ સભા ના કરી હોય !!
છેલ્લે જ્યારે ખુદ વડાપ્રધાન મોદીએ સતત ત્રણ દિવસ વારાણસીમાં રોકાઇને રોડ-શો કરીને 'અબ કી બાર તીન સો સે જ્યાદા' પર સિક્કો મારી દીધો હતો.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે ચૂંટણી વ્યૂહ રચનાના નિષ્ણાત પ્રશાંત કિશોરને બોલાવ્યા હતા. કોંગ્રેસી કાર્યકરોની ભીડ સૌથી વધુ પ્રશાંત કિશોરને ત્યાં થતી હતી કેમ કે ટીકીટ વહેંચવાની યાદી તે તૈયાર કરતા હતા. પ્રશાંત કિશોર પણ માથું પછાડે એવી સ્થિતિ ઊભી થઇ હતી.

કોંગ્રેસે ઉત્તર પ્રદેશની હાર માટે માથું ઝુકાવીને ઊભા રહેવાના બદલે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના બ્યુગલ વાગ્યા ત્યારથી માંડીને વારાણસીમાં મોદીના રોડ-શો સુધીના છાપા મંગાવીને અભ્યાસ કરવો જોઇએ.
રાહુલ ગાંધી યુવાન છે, તેમની નસેનસમાં રાજકારણીની ગેમ રમવાનું લોહી વહે છે તેમ છતાં તે નિષ્ફળ જાય ત્યારે એમ થાય કે તે ચૂંટણી વ્યૂહ રચના વગર જ ચૂંટણી લડવા નીકળી પડે છે. ભાજપના નેતાઓએ તેમના ભાષણમાં કાચું-પાકું બધું ય પીલ્યું હતું. ભાજપે ઊભી કરેલી સોશ્યલ નેટવર્કની પાંખ પણ ભરપૂર કામ કરતી હતી.

મતદારો નાની-નાની વાતો પર ધ્યાન આપતા હોય છે. જેમ કે વડાપ્રધાન મોદી મંદિરમાં જઇને વ્યવસ્થિત પૂજા કરે, આરતી ઉતારે તે બધાની અસર પડે છે. મોદીએ જ્યાં પૂજા કરી ત્યાં અખિલેશ, ડિમ્પલ યાદવ અને રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા પરંતુ અખિલેશ પલાંઠીના બદલે પગ ઊંધા કરીને બેસતા વિધિ કરાવતા મહારાજે ટીકા કરી હતી. તરત જ આ મુદ્દો સોશ્યલ નેટવર્ક પર બહુ ચર્ચાસ્પદ બન્યો હતો.
દિલ્હી યુનિવર્સિટીમાં તોફાને ચઢેલાં વિદ્યાર્થીઓની ટીકા કરવાના બદલે કોંગ્રેસે વાણી સ્વાતંત્ર્યની ડાહી-ડાહી વાતો કરી હતી તેની નોંધ પણ ઉત્તર પ્રદેશના મતદારોએ લીધી હતી. ભાજપે ઉત્તર પ્રદેશ પર જ સૌથી વધુ ધ્યાન આપ્યું હતું. પંજાબમાં અકાલી દળના ભ્રષ્ટાચારી નેતાઓથી તે પીછો છોડવા માગતું હતું. આ પણ ચૂંટણી વ્યૂહ રચનાનો એક ભાગ હતો. ટૂંકમાં ભાજપે કોંગ્રેસને પંજાબમાં મોકળું મેદાન આપ્યું હતું.

ક્યાં મહેનત કરવાની છે અને ક્યાં નથી કરવાની તેનો ચોક્કસ ખ્યાલ ભાજપને હતો. ઉત્તર-પૂર્વનું રાજ્ય મેળવવાના ભાજપના પ્રયાસ સફળ થાય તેમ હતા. ઉત્તર-પૂર્વમાં પ્રથમવાર ભાજપે સફળ એન્ટ્રી મારી છે.
દરેક વ્યૂહ રચના દર વખતે કામ નથી લાગતી, ભાજપનો પંજાબમાં ધબડકો થયો હતો. વ્યૂહ રચનાઓ સમય પ્રમાણે બદલવી જોઇએ. પ્રશાંત કિશોરે કોંગ્રેસ માટે બિહારવાળી વ્યૂહ રચના અપનાવી હતી. શું થયું તે સૌ જાણે છે.
વ્યૂહ રચના વગર ચૂંટણી જંગ જીતી શકાય નહીં !! રાજકારણમાં હસતાં-હસતાં મોંમાં પતાસુ ભાગ્યે જ આવે છે.

Post Comments