Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન સમાન જોઈએ છીએ

માયિક સુખમાં ડૂબી જનાર એને જ સુખ- સર્વસ્વ માને છે. એમાં અનુકૂળતા થાય તો એ ખુશખુશાલ થઈ જાય છે અને પ્રતિકૂળતા સર્જાય તો પારાવાર દુ:ખ અનુભવે છે. એ જેને સુખ માને છે એ હકીકતે દુ:ખ હોય છે

માનવી શોધે છે સુખને પણ એને સત્સુખની પ્રાપ્તિનો માર્ગ ખ્યાલ નથી એને માટે એણે માયિક અને વાસ્તવિક સુ:ખનો ભેદ સમજવો જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રજીને જીવનમાં થયેલા અનુભવો જોઈએ અને એમનું અધ્યાત્મજ્ઞાાન જોઈએ તો સાચા સુખનો માર્ગ પ્રાપ્ત થાય. એમણે મુમુક્ષુતાનો માર્ગ દર્શાવતી વખતે પ્રથમ સોપાન રૃપે સુખના ભેદ બતાવ્યા છે.

જીવનનું સુખ એટલે શું ? કાળમીંઢ પથ્થરની પાસે વેદના કે ઉલ્લાસ અનુભવવાની શક્તિ હોતી નથી. પ્રકૃતિ પાસે અનુભૂતિની એવી આંશિક શક્તિ હોય છે, પરંતુ એને અભિવ્યક્ત કરવાની ક્ષમતા નથી. પ્રાણીઓની પાસે મર્યાદિત રૃપે ભાવાભિવ્યક્તિ કરવાની શક્તિ છે, પણ અન્યના ભાવો આત્મસાત્ કરવાની સર્વથા અશક્તિ છે. માત્ર માનવી જ પોતાના ભાવો અનુભવી શકે છે, અભિવ્યક્ત કરી શકે છે અને અન્યની સંવેદના આત્મસાત્ કરીને બીજાનો વિચાર કરી શકે છે.

આ વ્યાપક સંવેદના માનવીની મહામૂલી મૂડી છે, પરંતુ માનવી એ મૂડીનો કઈ રીતે ઉપયોગકરે છે ? મનુષ્ય જન્મ પામનારી વ્યક્તિઓના ચાર પ્રકાર જોવા મળે છે :(૧) આ જીવન શા માટે છે એના લક્ષથી સંપૂર્ણપણે અજ્ઞાાન છે. (૨) જીવનનું ધ્યેય હોય છે, પરંતુ ખોટું હોવાથી ગતિ અવળી દિશામાં થાય છે. (૩) જીવનનું સાચું લક્ષ હોય છે, પરંતુ એ માટે જરૃરી આચરણ હોતું નથી. (૪) જીવનનું લક્ષ્ય સામે રાખીને એ મુજબ પોતાનાં વિચાર- વર્તનની આચારસંહિતા ઘડે છે.

પ્રથમ પ્રકારની વ્યક્તિ એ જીવન વિશે સર્વથા નિદ્રાધીન કે અ-ભાન હોય છે. એને ખ્યાલ હોતો નથી કે જીવનમાં કશુંક કરવાનું, પામવાનું અને આત્મપુરુષાર્થ ખેડીને વિકાસ સાધવાનો હોય છે. ગાડરિયા પ્રવાહની માફક બીજાઓ ચાલતા હોય, તે પ્રમાણે ચાલે છે અને તેને પરિણામે એનું જીવન પ્રાણીઓની જેમ શ્વાસોચ્છવાસ, આહાર, વિહાર અને મૈથુનમાં વ્યતીત થઈ જાય છે. આવો માનવી તો બે પગવાળું પ્રાણી જ કહેવાય !

બીજા પ્રકારનો માનવી એ જીવનમાં લક્ષ્ય ધરાવે છે, પરંતુ એનું લક્ષ્ય માત્ર બાહ્ય બાબતોની પ્રાપ્તિ તરફ હોય છે. મોટા ભાગની વ્યક્તિને બાહ્ય સુખનું આકર્ષણ હોય છે. એ કામના સુખ, કષાય સુખ, પરિગ્રહ સુખ અને અહંકાર સુખની પાછળ દોટ લગાવે છે. એના મનમાં કોઈ કામના જાગે છે, કશુંક મેળવવાની ઝંખના જાગે છે અને પછી એમાં જ સુખ માનીને એ દોડતો રહે છે. કામ, ક્રોધ, લોભ, આદિ કષાય- સુખોમાં જીવનારો માનવી નિરાંતે બેસી શકતો નથી.

ક્રોધ એને સતત અકળાયેલો રાખે છે. કામ એની ભોગવાસનાને સતત ઉદ્દીપ્ત કરે છે. મોહ એને દિવસે પણ મધમીઠાં સ્વપ્નો દેખાડીને દોડાવતો રાખે છે. પરિણામે આવી વ્યક્તિ જેને સુખ માને છે, તે વસ્તુત:સુખ હોતું નથી. માનવીનો એક કષાય એના સમગ્ર જીવનનો કોળિયો કરી જાય છે. કામવૃત્તિ ધરાવનારી વ્યક્તિ રાત- દિવસ જગતમાં પોતાની કામ-વાસનાને સંતોષને માટે મથતો રહેછે. લોભવૃત્તિ ધરાવનારની પ્રત્યેક ક્ષણ લાભ અને પ્રાપ્તિની ચિંતામાં વ્યતિત થતી હોય છે.

માયિક સુખમાં ડૂબી જનાર એને જ સુખ- સર્વસ્વ માને છે. એમાં અનુકૂળતા થાય તો એ ખુશખુશાલ થઈ જાય છે અને પ્રતિકૂળતા સર્જાય તો પારાવાર દુ:ખ અનુભવે છે. એ જેને સુખ માને છે એ હકીકતે દુ:ખ હોય છે. કોઈ વ્યક્તિને સ્વાદિષ્ટ વાનગીઓ અતિ પ્રિય હોય અને તેના ભોજનમાં એને સુખ લાગ, તો એ ભોજન વધુ ખાવાથી અંતે દુ:ખનું કારણ બને છે.

વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે દોટ લગાવે છે, પણ ઇન્દ્રિયો કદી તૃપ્ત થતી નહીં હોવાથી એ સતત દુ:ખ પામતો રહે છે. એની કષાય સુખની શોધ એના જીવનના દુ:ખનું કારણ બનશે. જગત જેને સુખ માને છે તે તો માયિક સુખ છે અને એથી જ શ્રીમદ્ રાજચંદ્રે ખૂબ માર્મિક રીતે કહ્યું છે :'વાસ્તવિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વલોકમાં હોત, નહીં, પણ આ જગત જ મોક્ષ હોત.'

માનવી બાહ્ય જગતમાં જે ત્રીજું સુખ શોધે છે તે પરિગ્રહ સુખ છે. બાળકને એનું રમકડું વહાલું હોય છે અને પોતાનું રમકડું કોઈ લઈ લે તો રડવા લાગે છે. બાળપણથી જ વ્યક્તિમાં પોતાની વસ્તુઓ માટેનું મમત્વ પેદા થતું હોય છે અને કેટલીક વ્યક્તિમાં જીવનના અંત સુધી ટકે છે.

પરિગ્રહ ધરાવનાર વ્યક્તિ સતત એની વૃદ્ધિ પાછળ દોટ મૂકતો રહે છે. એની જીવનની જરૃરિયાતો તો સાવ થોડી હોય છે, પરંતુ પરિગ્રહ એના આખાય જીવનને ચીજવસ્તુઓથી ઢાંકી દે છે. પરિગ્રહપ્રિય વ્યક્તિ વધુ ને સ્વાર્થી બનતા જાય છે. એ પરિગ્રહ માટે કોઈ પણ પ્રકારની પાપપ્રવૃત્તિ કરતા ખચકાતો નથી. જેમ જેમ એનો પરિગ્રહ વધતો જાય છે, તેમ તેમ એની ત્યાગવૃત્તિ ક્ષીણ થતી જાય છે.

ઘણી વ્યક્તિ અહંકાર- સુખ પામવા તરફડાટ કરતી હોય છે. ત્યાગનો પણ અહંકાર જોવા મળે છે. આ અહંકાર અત્યંત સૂક્ષ્મરૃપે પ્રગટે છે. ધનનો અહંકાર હોય તો વ્યક્તિ પોતાની સંપત્તિની વાતો કર્યા કરશે અને ત્યાગનો અહંકાર હોય તો કોઈ પૂછે કે ન પૂછે પણ પોતાના વ્રત-તપની વાત રટયા કરશે.

એક વખત શ્રીમદ્ રાજચંદ્ર માણેકલાલ ઘેલાભાઈ, ત્રિભુવનભાઈ વગેરે સાથે કોઈને ત્યાં ભોજન અર્થે ગયા હતા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં. માણેકલાલભાઈએ તિથિનું કારણ બતાવીને શાક લેવાની ના પાડી. એ પછી રાયતું પીરસવામાં આવ્યું, તો માણેકલાલભાઈએ એની પણ ના પાડી. કારણ કે એ દ્વિદળ કહેવાય. ત્યારબાદ નાની- મોટી વાનગીઓ પીરસવામાં આવી. માણેકલાલભાઈએ એમાંથી કેટલીક વાનગીઓ લીધી અને કેટલીક તિથિ હોવાથી લેવાની સ્પષ્ટ ના પાડી.

છેવટે દૂધપાક પીરસવાનું શરૃ થયું. માણેકલાલભાઈની થાળીમાં દૂધપાક પીરસાતો જોઈને શ્રીમદ્ રાજચંદ્ર બોલી ઊઠયા, 'એમને દૂધપાક પીરસવાનું રહેવા દો. એમણે નાની નાની વસ્તુઓ ત્યાગીને પોતાની મહત્તા વધારી છે અને ખરેખરી રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી.'

રસલોલુપતા  રાખીને ત્યાગનો આડંબર કરવામાં આવે તે દંભ શ્રીમદ્ રાજચંદ્ર કઈ રીતે ચલાવી લે ? એટલે જ એમણે માણેકલાલભાઈની થાળીમાં દૂધપાક પીરસવામાં આવતો હતો, ત્યારે એને અટકાવ્યો અને રસલોલુપતા વિશે વાત કરી.

સંસાર જેને સુખ માને છે તે તો મહાપાપ, અનંત શોક અને અનંત ભય સર્જનારા છે. કષાય અને કામના સતત સંતાપે છે. એનાથી જીવન આખું દુ:ખ અને શોકમય બને છે. પરિગ્રહ સતત ભય આપે છે અને તેથી શ્રીમદ્ કહે છે કે, 'વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે, વા નથી જ.' એમના 'વા નથી જ' એ ત્રણ શબ્દો દર્શાવે છે કે આમાં કોઈ પણ પ્રકારનું સુખ નથી એ વાત ચોક્કસ છે. તેઓ સદાય એ આશ્ચર્ય અનુભવતા હતા કે અનિત્ય, અસાર અને અશરણરૃપ બાબતોનું માનવીને કેમ આકર્ષણ હોય છે ?

માયિક સુખ ઇન્દ્રિયસંલગ્ન છે. એમાં ઇન્દ્રિયોને આનંદ આવતો હોય છે, પરંતુ એ આનંદ અંતે તો દુ:ખમાં પરિણમતો હોય છે. વ્યક્તિની સુખની કલ્પના જ ઇંદ્રિયબદ્ધ છે, જ્યારે સાચું સુખ તો ઇન્દ્રિયાતીત છે. આથી ભર્તૃહરિના ઉપદેશ વિશે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે, 'સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ સત્ય તત્ત્વજ્ઞાાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી, તેનો ત્યાગ કરીને, યોગમાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી, અન્ય પામર આત્માઓનો ભર્તૃહરિ ઉપદેશે કે, ભોગમાં રોગનો ભય છે, કુલને પડવાનો ભય છે, લક્ષ્મીમાં રાજાનો ભય છે, મનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, રૃપથી સ્ત્રીને ભય છે. શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખલનો ભય છે અને કાયા પર કાળનો ભય છે, એમ સર્વ વસ્તુ ભયવાળી છે, એકમાત્ર વૈરાગ્ય જ અભય છે.'

એક વાર શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈના નિવાસસ્થાન દરમિયાન ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં સ્મશાનભૂમિ આવી. શ્રીમદ્ રાજચંદ્રે પોતાની સાથે ફરવા આવેલા સજ્જનને પૂછ્યું, 'ભાઈ, આ શું છે ?'

પેલા સજ્જને સ્વાભાવિક રીતે જ જવાબ આપ્યો, 'આ તો સ્મશાનભૂમિ છે.'

આ સાંભળી શ્રીમદ્ રાજચંદ્રે માર્મિક વચનો કહ્યા, 'અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન સમાન જોઈએ છીએ.'

આમ વીતરાગી શ્રીમદ્ રાજચંદ્રને જગતનું અણુ માત્ર ગમવાપણું નહોતું. સામાન્ય માનવીને મુંબઈ નગરી મોહમયી લાગતી હતી, જ્યારે શ્રીમદ્ રાજચંદ્રને એ નગરી અમોહ સ્વરૃપે ભાસતી હતી.

આનો અર્થ જ એ કે માયિક સુખ માણનારને જે વસ્તુ, વ્યક્તિ કે ઘટનામાં ઉત્સાહપૂર્વક રસ પડે છે, તેના પ્રત્યે આંતરિક સુખનો શોધક ઉદાસીન હોય છે. શ્રીમદ્ રાજચંદ્રની નિવૃત્તિ ક્ષેત્રમાં સંભાળ લેતા મુમુક્ષુ મોતીલાલ ભાવસારને શ્રીમદ્ રાજચંદ્રને જોઈને સતત એ પ્રશ્ન જાગતો કે અન્ન અને શરીરને કેટલો સંબંધ છે ? આનું કારણ એ કે શ્રીમદ્ માત્ર એક જ વખત આહાર લેતા અને આહારમાં પૂરી જેવી નાની પાતળી રોટલી હોય. સાથે બે રૃપિયા ભારનો ભાત લેતા.

વળી ભોજન અંગે કોઈ સૂચના આપતા નહીં. ભોજનમાં જે આપવામાં આવે, તે જ લેતા પરંતુ ભોજન કયા પ્રકારનું બનાવવું તે અંગે કશું સૂચન કરતા નહીં.

આવા શ્રીમદ્ રાજચંદ્રે સાચા સુખની જગતને જિકર કરી અને કહ્યું કે, બહાર શોધવાથી આ સુખ નહી મળે એ સુખ તો અંતરમાં રહેલં છે. નિમિત્તાધિન વૃત્તિ માનવીના મનને એમાંથી ચલિત કરવા વારંવાર પ્રયત્ન કરશે, પરંતુ એણે મનને દ્રઢ રાખીને અંતરના સુખને પામવા માટે સમશ્રેણીમાં રહેવું પડશે. જીવનમાં સુખની પરાકાષ્ઠા તો અંતરની સમશ્રેણીમાંથી જ પ્રાપ્ત થશે.

Post Comments