Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

અમરનાથની યાત્રા પર ત્રાસવાદીઓની મેલી નજર

કાશ્મીરમાં છ માસમાં જ આશરે ૭૫ જેટલા સ્થાનિક કાશ્મીરી યુવકો આતંકી બની ગયા છે. જેમાં મોટા ભાગના ઉચ્ચ શ

જય જય ભોલે, બમ... બમ... ભોલે...ના જયઘોષ સાથે ૨ ૮ જૂનથી  અમરનાથ યાત્રા શરૃ થઇ ગઇ છે. આ  વખતે  અમરનાથ યાત્રામાં  ૧.૯૬ લાખ શ્રદ્ધાળુઓએ   નામ રજિસ્ટર કરાવ્યા છે.    આ યાત્રા અનેક રીતે કઠિન છે. તેમાં પાછું આ વખતે પાક. આતંકવાદીઓ આ પવિત્ર યાત્રાને અભડાવવાનો મનસૂબો ઘડી ચૂક્યા  છે.   એકતરફ જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદીઓના હુમલા વધી ગયો છે. ખાસ કરીને અમરનાથજીની પવિત્ર યાત્રાના માર્ગમાં ઉગ્રવાદીઓએ વિધ્નો  નાંખવાનો  મનસૂબો ઘડયો છે.  ભૂતકાળમાં અમરનાથના માર્ગમાં ઠેકઠેકાણે હુમલા કરીને આતંકખોરોએ નિર્દોષ હિન્દુઓના જીવ લીધા છે.

એક  અહેવાલ પ્રમાણે કાશ્મીરમાં આશરે ૨૪૩ જેટલા આતંકીઓ સક્રિય છે. આ આતંકીઓમાં ૬૦ વિદેશી છે જ્યારે બાકીના સ્થાનિક હોવાનું ગુપ્તચરના રિપોર્ટમાં સામે આવ્યું છે.  પોલીસ અને સૈન્ય દ્વારા હાલ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ જારી  છે. જેમાં એનએસજી કમાન્ડોની પણ મદદ લેવામા આવી રહી છે.  એનએસજીની મદદ ૧૯૯૦ના સમયગાળા બાદ પહેલી વખત લેવામાં આવી રહી છે.

તે સમયે પણ આતંકીઓનંુ પ્રમાણ વધી જતા એનએસજીની મદદ લેવી પડી હતી. અમરનાથ યાત્રાના રસ્તા અને રુટ છે ત્યાં સુરક્ષા પણ વધારી દેવામા આવી છે. ગત વર્ષે આતંકીઓએ અમરનાથ યાત્રીકોની બસ પર હુમલો કર્યો હતો. આ વખતે આવો કોઇ હુમલો ન થાય તેની તકેદારીના ભાગરુપે સૈન્યને સતર્ક રહેવાના આદેશ જારી કરાયા છે.

કાશ્મીરમાં છ માસમાં જ આશરે ૭૫ જેટલા સ્થાનિક કાશ્મીરી યુવકો આતંકી બની ગયા છે. જેમાં મોટા ભાગના ઉચ્ચ શિક્ષણ ધરાવનારા પણ છે. સૈન્યને શંકા છે કે આતંકીઓ છુપાઇને ફરી હિંસા ફેલાવી શકે છે કે જેથી અમરનાથ યાત્રાને અસર પહોંચાડી શકાય.

સૈન્યના રિપોર્ટ અનુસાર હાલ કાશ્મીરમાં આતંકીઓ આધુનિક ટેક્નોલોજી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ઘરમાં છુપાઇને જ વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટરથી લોકોને હિંસા માટે ભડકાવી રહ્યા છે.  કાશ્મીર પોલીસના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે હાલ કાશ્મીરમાં સૈન્ય બેડરૃમ જેહાદીનો સામનો કરી રહ્યું છે. આ આતંકીઓ ઘરમાં છુપાઇને જ ઇન્ટરનેટની મદદથી કાશ્મીરના યુવાઓનું માઇન્ડ વોશ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ગમે ત્યારે આ આતંકીઓ યુવાઓને ભડકાવી કોમી હિંસા ફેલાવી શકે છે.

આ  પૂર્વે  ૨૦૦૦ની  સાલમાં  આતંકવાદીઓએ  આધાર  શિબિર પહેલગામમાં શ્રદ્ધાળુઓ  પર હુમલો  કર્યો  તેમાં  ૩૨ લોકોના જીવ ગયા હતા. ૨૦૦૧માં  યાત્રા માર્ગ પર  શેષનાગમાં આતંકવાદી હુમલામાં  ૧૨ યાત્રીઓ  માર્યા  ગયા હતા જ્યારે  ૨૦૦૨માં આધાર  શિબિર જીનવનમાં  ૧૫ જણની હત્યા  થઈ  હતી.
પાંચેકે  વર્ષ પૂર્વે  સલામતી દળોએ અમરનાથયાત્રામાં  પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વીસીસ  ઈન્ટેલિજન્સ (આઈ.એસ.આઈ.) દ્વારા નારિયેળ  અને ફૂલોના ગુલદસ્તામાં બોમ્બ ગોઠવાના કાવતરાનો  પર્દાફાશ કર્યો   હતો.  અધિકારીઓએ સીમા પારથી આવેલા વિશિષ્ટ પ્રકારના નારિયેળ અને ફૂલોનાં ગુચ્છાનો જથ્થો પકડી પાડયો   હતો.

ભૂતકાળમાં  અમરનાથ યાત્રા વખતે વિસ્ફોટકોની  આવી  જપ્તીને પગલે બાબા અમરનાથ યાત્રામાં  સુરક્ષાવ્યવસ્થા વધુ સઘન બનાવવા અને આઈ.એસ.આઈ.નાં નાપાક ષડયંત્રોને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવા માટે જમ્મુમાં મળેલી અધિકારીઓની બેઠકોમાં  આ અંગે વિશેષ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન આતંકવાદી  પ્રવૃત્તિઓને ડામવા અને કોઈક કારણસર તબાહી મચે તો રાહત માટે કયા પગલાં લેવાં એની પણ ચર્ચા કરવામાં આવી હતી.

 જમ્મુ-કાશ્મીરમાં ૩૦૦ કિ.મી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરક્ષાની અભૂતપૂર્વ  વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરીમાર્ગો પર ઠેર ઠેર અત્યાધુનિક ઉપકરણોની                                                                                                                             મદદથી ચકાસણી આદરી છે, જેથી ત્રાસવાદીઓ  ક્યાંય પણ  બોમ્બ છૂપાવ્યો હોય તો તરત જ પકડી શકાય.
કેન્દ્ર  સરકાર તથા જમ્મુ-કાશ્મીરની રાજ્ય સરકારે અમરનાથ યાત્રા વખતે સલામતીનો કડક જાપ્તો રાખવા આર્મીના ૪૦,૦૦૦ જવાનો  તેમ જ  જમ્મુ-કાશ્મીર પોલીસના ૧૦,૦૦૦  જવાનોને  ફરજ પર મૂક્યા છે. આ તમામ સુરક્ષાકર્મી ૪૦ દિવસ સુધી ભાવિકોની સુરક્ષા માટે તહેનાત રહેશે.

સત્તાવાળાઓએ ૨૪ બચાવ ટીમો અને ૩૫ ડોગ સ્કવોડ તૈનાત  કરી છે.    આ ટીમમાં જમ્મુ-કાશ્મીર આર્મ્ડ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ(એસડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટરરિસપોન્સ ફોર્સ(એનડીઆરએફ)ના જવાનો સામેલ હશે. આ તમામ જવાનો ઓક્સિજન સિલિન્ડર સહિતના બચાવ સાધનોથી સજ્જ હશે.  

આતંકીઓએ સુરક્ષા જવાનો કે યાત્રીઓને બાન પકડી સોદાબાજી કરવા પ્રયાસ કરે તેવી શક્યતા છે તેથી આતંકી હુમલાખોરો પર એનએસજી ટીમના કમાંડરો દૂરથી મારો કરી શકે તેવી ગ્લોક પિસ્તોલો અને દિવાલની આરપાર અથવા જમીનની અંદર પર નિરીક્ષણ કરી શકે તેવા વોલ પેનિટ્રેશન રડારથી સજ્જ હશે.

ટોચના સુરક્ષા અધિકારીઓ જેમાં ચિનાર કોરના કમાન્ડર લેફ જ. એ. કે. ભટ્ટ જમ્મુ કાશ્મીરના પોલીસ વડા એસ. પી. વૈદ્યે વિક્ટર ફોર્સ કમાંડર, કાશ્મીર ઝોનના પોલીસ મહા નિરીક્ષક અને સી.આર.પી.એફ.ના વડા સાથે બેઠક યોજી આગામી અમરનાથ યાત્રાના બાલતાલ અને પહેલગાંવ બન્ને રૃટનું નિરીક્ષણ કરી યાત્રીઓની સુરક્ષાના પ્રબંધની માહિતી મેળવી હતી હાલ સુરક્ષા દળોએ ઠાર કરેલા આતંકીઓને કારણે ભારે હારથી બેબાકળા બનેલા આતંકીઓ પોતાની હાજરી નોંધાવવા કોઈ પણ પગલું ભરી શકે છે. તેવી જાણકારી ગુપ્તચર એજન્સીઓએ આપી છે તેથી જ યાત્રી- સુરક્ષા માટે બ્લેક કેટ કમાન્ડોને ગોઠવવામાં આવ્યા છે તે ઉપરાંત ત્યાં સેનાની ૨૩૮ કંપનીઓ અને કાશ્મીર પોલીસનો મોટો કાફલો ગોઠવાયેલો છે.

જો આતંકી સુરક્ષા ઘેરો તોડીને યાત્રીઓ સુધી પહોંચવામાં સફળ થાય અને યાત્રીને બંદી બનાવીને સરકાર સાથે સોદાબાજી કરવા માંગે તો કમાન્ડો ક્ષણવારમાં તેમના મનસૂબાના ચિંથરા ઉડાવી દેવા સક્ષમ હોય છે. આ યાત્રા દક્ષિણ કાશ્મીરમાંથી શરૃ થાય છે અને હાલ આ વિસ્તાર જ આતંકીઓનો અડ્ડો બની ચૂક્યો છે તેથી આ યાત્રા માટે ૨૪ કમાન્ડોને રૃટ પર ફરતા રાખવાનો નિર્ણય લીધો છે. આ  સિવાય  કમાન્ડોની  કેટલીક જોડી  મોટર સાયકલ સવાર હશે.  જેથી કોઈ સમસ્યા સર્જાય તો ઝડપથી  ત્યાં  પહોંચી શકાય.

એક પ્રેસ બ્રિફીંગમાં જનરલ કમાન્ડીંગ ઓફિસરે એવું જણાવ્યું છે કે અમરનાથ યાત્રા પર ઝળુંબતા આતંકવાદી હુમલાને ખાળવા 'ઓપરેશન શિવા'ના નામે મજબૂત સુરક્ષાચક્ર તૈયાર કરાયું છે.

ભૂતકાળના અનુભવ પરથી કહી શકાય કે આતંકવાદીઓ  અમરનાથ યાત્રા ઓફિશીઅલી શરૃ થયા બાદ જ હુમલાઓ કરતા હોય છે. આ વર્ષે  ૨૮ જૂનથી  યાત્રા શરૃ થઈ છે. પરંતુ એ પહેલા અમરનાથજીના દર્શને જઈ આવનારાઓને કોઈ સમસ્યા નડી નથી.

આ સાલ યાત્રાના માર્ગમાં બરફ નહીંવત છે અને ૩૦ ડીગ્રી સેન્ટીગ્રેડ કરતાય વધુ ગરમી પડી હોવાનું  એકયાત્રીએ  જણાવ્યું હતું. ગરમીને કારણે શિવલીંગ જલ્દી પીગળી જશે એવું તેઓ માને છે. એટલે જ કદાચ આ વખતે ગુફામાં શિલવીંગ સામે ધૂપ-અગરબત્તી સળગાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ગુફાની તળેટીમાં સ્થાનિકોમાં ઘણા તંબુ તાણ્યા છે.

બાલતાલ માર્ગે અમરનાથની યાત્રા એક જ દિવસમાં પૂરી થઈ શકે છે. પરંતુ પહલગામના માર્ગે જાવ તો પાછા ફરતા ચારથી પાંચ દિવસ લાગે છે. મોસમ બગડે અથવા તો આતંકવાદીઓનો હુમલો થાય તો વચ્ચે વધારે રોકાવું પડે. ભૂતકાળમાં પહલગામમાં આતંકવાદખોરોએ કાળો કેર વર્તાવ્યો હતો. આ વર્ષે યાત્રા શરૃ થયા બાદ સુરક્ષાદળોએ બે કિ.મી.ના એરિયામાં એક્સપ્લોઝીવ ડિટેક્ટ  કરે  એવું રશિયન બખ્તરિયા વાહન કામે લગાડયું છે.

અમરનાથ જવાનો રસ્તો ઘણો દુર્ગમ છે. દેશ-વિદેશથી દર વખતે લાખ્ખો શ્રધ્ધાળુઓ અહીં આવે છે. દેશના વિવિધ રાજ્યોમાં આવેલી જમ્મુ કાશ્મીર પ્રવાસન નિગમની ઓફિસમાં યાત્રી તરીકેની નોંધણી અગાઉથી કરાવવી પડે છે. ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈ પર પાતળી હવા સહન કરી શકશે એવું દાક્તરી પ્રમાણપત્ર રજુ કરવામાં આવે તો જ નોંધણી થાય છે. મુંબઈ અને ગુજરાતથી લોકો ટ્રેનો દ્વારા જમ્મુ જાય છે અને જમ્મુથી સરકારી મંજૂરીવાળા વાહનો ભાડે કરીને પહેલગામ  જવું પડે  છે.

અમરનાથ ખરી યાત્રા પહેલગામથી જ શરૃ થાય છે. અહીંથી અમરનાથની ગુફા ૪૮ કિ.મી. દૂર છે. દુગ્ધગંગા નદીના કિનારે વસેલું પહેલગામ અત્યંત રમણીય સ્થળ છે. દેવદારના હારબંધ ઊભેલા ઊંચા વૃક્ષો યાત્રીઓનું મન મોહી લે છે. યાત્રામાં લઈ જવા માટેના સામાનમાં કંઈ લેવાનું ભૂલી ગયા હોઈએ તો અહીંથી બજારમાંથી તે મળી રહે છે. યાત્રા લગભગ પાંચ દિવસ ચાલવાની હોય છે.

પહલગામમાં રહેવા માટે હોટેલો તો છે જ પણ વિવિધ સેવાભાવી સંસ્થાઓ યાત્રાળુઓને વિનામૂલ્યે તંબુમાં રહેવાની તથા ખાવાની સગવડ આપે છે. પહલગામમાં એક રાત આરામ કરીને બીજા દિવસે સવારે ચંદનવાડી માટે નીકળી જવાનું હોય છે. ચંદનવાડી જવા માટે ખાનગી ટેક્સી તથા સરકારી બસની સુવિધા ઉપલબ્ધ છે. ઘણા લોકો પગપાળા જવાનું પણ પસંદ કરે છે. ૧૫ કિ.મી.નું  અંતર છે. વરસાદને કારણે માર્ગ ખરાબ થઈ ગયો હોય તો ચંદનવાડી પહોંચતા ઘણો સમય થાય છે.

ચંદનવાડીથી આગળની યાત્રા માટે ઘોડા, ખચ્ચર કે ડોળી ભાડે કરવી હોય તો કરી શકાય. સરકારમાન્ય ઘોડાવાળો ને જ પ્રાધાન્ય આપવું જોઈએ. સામાન ઉંચકનાર મજૂર કે જે પીઠ્ઠુના નામથી ઓળખાય છે તે સામાનનું વજન જોઈને ભાવ કરે છે. ચંદનવાડી સમુદ્રતટથી ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઈ પર હોઈને તેનું પ્રાકૃતિક સૌંદર્ય અફાટ છે. પહલગામ સુધીનો પ્રદેશ સપાટ છે. પણ ચંદનવાડીથી મોટા પર્વતદેખાવાના શરૃ થઈજાય છે. ઘણા લોકો અહીં રાતવાસો પણ કરે છે. ચંદનવાડીથી આગળનો પડાવ પિસ્સૂ ઘાટી તરીકે ઓળખાય છે. આ વિસ્તાર સમુદ્રની સપાટીથી ૧૪,૦૦૦ ફૂટ ઊંચો છે.

રસ્તામાં શેષનાગ નદી પર બનેલા ૧૨૦ મી. લાંબા પુલ પરથી પસાર થવું પડે છે. કંઈક અંશે આ રસ્તો જોખમી છે. ઘોડા પર બેઠા હોઈએ તો પણ આજુબાજુનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. ખૂબ ઊંચાઈ પર હોઈને અહીં પ્રાણવાયુની અછત પણ વર્તાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે તોજરૃરી દવા તરત જ ખાઈ લેવી. સરકાર તરફથી ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. શેષનાગ અહીંથી સહેજ દૂર છે.   શેષનાગ નદી આ સ્થળે સુંદર સરોવરનું રૃપ ધારણ કરે છે. આ સ્થળને  જેલમ નદીનું ઉગમસ્થાન પણ ધારવામાં આવે છે.

પૌરાણિક કથા અનુસાર પાર્વતીજીને અમરકથા સંભળાવતા પહેલા શંભુએ શેષનાગને આ સરોવરમાં રહેવાનો આદેશ આપ્યો હતો જેથી કોઈ ગુફા સુધી પહોંચી ના શકે. આજે પણ સ્થાનિકો કોઈકવાર રાત્રે સરોવરમાં શેષનાગ દેખાતો હોવાની વાત કરે છે. શેષનાગમાં ગમે ત્યારે વરસાદ તૂટી પડે છે અથવા બરફ પણ પડે છે.

આથી યાત્રાળુઓ અહીં વધુ ન રોકાતા છેલ્લા પડાવ પંચતરણી તરફ આગળ વધે છે. થોડે આગળ ગયા બાદ ઉતરાણ શરૃ થાય છે. પંચતરણી એ ગગનચૂંબી પર્વતો વચ્ચે વસેલો નાનકડો મેદાની ટુકડો છે. કહેવાય છે કે આ સ્થળે પશુપતિનાથને નટરાજ રૃપ ધારણ કર્યું હતું અને ત્યારે તેમની જટામાંથી ગંગાજી બહાર નીકળીને પાંચ ફાટામાં વહેંચાઈ ગયા હતા. આથી જ આ સ્થળનું નામ પંચતરણી પડયું.

અહીંથી અમરનાથની ગુફા માત્ર ચાર કિ.મી. દૂર છે. પરંતુ રસ્તાનો ઢોળાવ ખૂબ તીવ્ર અને સાંકડો છે. એક જમાનામાં ગુફા પાસે રાતવાસો કરવાની કોઈ સુવિધા નહોતી.પરંતુ હવે સ્થાનિકો તંબુ તાણીને યાત્રીઓને રાત્રી રોકાણની સુવિધા  કરી આપે છે.   બેશક તેના માટે   રૃા. ૨૦૦થી ૫૦૦  ચૂકવવા પડે છે. ગુફાની નીચે જ અમરગંગા નામે ઓળખાતું ઝરણું છે. દર્શને જતાં અગાઉ યાત્રીઓ અહીં સ્નાન કરે છે.

બહાર ભલે ગમે તેટલી ગરમી હોય પરંતુ ઝરણાંનું પાણી ટાઢુંબોળ હોય છે. સમુદ્રની સપાટીથી આ ગુફા ૧૨,૭૨૯ ફૂટ ઊંચે આવેલી છે. આ ગુફા ૬૦ ફૂટ ઊંચી, ૨૫-૩૦ ફૂટ પહોળી અને ૧૫ ફૂટ ઊંચી પ્રાકૃતિક ગુફા છે. શિવલીંગ જ્યાં રચાય છે એ જમણા ખુણાનીબરાબર સામે પાર્વતીજી અને ગણેશજીની પણ બરફની પ્રતિકૃતિ રચાય છે. ગણેશજીની સૂંઢ તો ચોખ્ખી નજરે પડે છે. વ્યાસ પૂર્ણિમાના દિવસે તો આ આખો પરિવાર બરફના રૃપમાં સ્પષ્ટ દેખાય છે. ગુફામાં ઠેકઠેકાણે છતમાંથી પાણી ટપકે છે.

કહેવાય છે કે ગુફાની ઉપર રામકુંડ છે અને તેમાંથી જ આ પાણી ટપકે છે. ગુફામાં એક ઠેકાણેથી સફેદ ભસ્મ જેવી માટી નીકળે છે. આ ભસ્મ યાત્રાળુઓ પ્રસાદ તરીકે સાથે લઈ જાય છે. આમ  અમરનાથની યાત્રા શ્રદ્ધાળુઓ માટે એક અનેરો લહાવો છે. એટલે જ આ યાત્રા શાંતિપૂર્વક અને સરળતાથી પાર પડે એવી પ્રાર્થના ભગવાન શિવજીને કરવી રહી.

Post Comments