Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી કેશીયરની નજર ચૂકવી ૬.૨૦ લાખની ઉઠાંતરી

-માથે શિયાળાની ટોપીઓ પહેરીને કેમેરા તરફ પીઠ રાખી કાઉન્ટર ઉપર રહેલી રોકડ રકમ ઉઠાવી ગયા

જામનગર, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

જામનગરમાં સતત ધમધમતા બેડી ગેઈટ સર્કલ નજીક આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં આજે બેન્કીંગ કામકાજનો પ્રારંભ થયાના થોડા સમય પછી જ અંદર પ્રવેશેલા કોઈ તસ્કર કેશીયર મહિલા કર્મચારીની નજર ચુકવીને રૃા. ૬.૨૦ લાખની રોકડ રકમ સિફ્તપુર્વક તફડાવી છુમંતર થયાના બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે.

આ બનાવની જાણ થતા ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે પાંચ અજાણ્યા શખ્સોના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે અને ચોતરફ નાકાબંધી કરી છે.

જામનગરમાં બેડી ગેઈટ સર્કલ નજીક ત્રણબતીવાળા માર્ગ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં આજે અગીયારેક વાગ્યાના સુમારે કોઈ અજ્ઞાાત શખ્સોએ આવીને બેન્કના મહિલા કેશીયરની નજર ચુકવી કેશીયરના કાઉન્ટર પર રાખેલી બે હજાર, પાંચસો અને એકસો સહિત જુદા જુદા દરની રૃા. ૬.૨૦ લાખની રોકડ રકમ ઉઠાવી લઈ રફુચક્કર થઈ ગયાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી.

કેશીયરને આ અંગેની જાણકારી મળતા તેમણે તુરંત જ બેન્કના અન્ય સ્ટાફ તથા મેનેજર વગેરેને બોલાવી લીધા હતા અને તુરંત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પોલીસને આ ઘટનાની જાણ થવાથી સીટી બી તેમજ એ ડીવીઝનનો પોલીસ સ્ટાફ, એલસીબી, એસઓજીની ટુકડી વગેરે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તસ્કરો રોકડ લઈને ભાગી છુટયા હોવાથી તેઓને પકડવા માટે જામનગર- રાજકોટ રોડ, ખંભાળિયા રોડ, લાલપુર રોડ અને કાલાવડ રોડ પર ચોતરફ નાકાબંધી કરી દઈ ઝીણવટભરી તપાસણી હાથ ધરી હતી. પરંતુ રોકડ સાથે અજ્ઞાાત શખ્સો છુમંતર થઈ ગયા હતા.

પોલીસ અને બેન્કના સ્ટાફ દ્વારા સીસી ટીવી કેમેરાનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરાયુ હતું જેમાં પાંચ શખ્સો દેખાયા હતા. જેઓ પ્રિપ્લાનીંગ કરી બેન્કમાં આવ્યા હોવાનું તારણ નીકળ્યું હતું.

જેઓએ માથે શિયાળાની ટોપીઓ પહેરીને કેમેરા તરફ પીઠ રાખી હતી અને કેશીયરની નજર ચુકવી તેના કાઉન્ટર પર રહેલી રકમ ઉઠાવી લઈ બેન્કમાંથી બહાર નીકળી ગયાનું સીસી ટીવી ફુટેજના આધારે ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે બેન્કના કેશીયર આરતીબેનની ફરીયાદના આધારે પાંચ અજ્ઞાાત શખ્સો સામે ગુન્હો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

તસ્કરોએ આગલા દિવસોમાં બેન્કની રેકી કરી છે કે કેમ? તે જાણવા માટે બેન્કના સીસી ટીવી કેમેરાના અગાઉના દિવસોના ફુટેજ નિહાળવાનું શરૃ કર્યું છે અને તેના આધારે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે. બેન્કમાંથી પૈસા ઉપડી ગયા તેની જાણ પોલીસને લગભગ એકાદ કલાક મોડી થઈ હોવાથી તસ્કરોને ભાગી છુટવાનો પુરેપુરો મોકો મળી ગયો છે.

ઉપરાંત બેન્કની બહાર લગાડવામાં આવેલો સીસી ટીવી કેમેરો એકદમ નીચે થઈ ગયો હતો જેથી તસ્કરોએ તે કેમેરાને અગાઉથી જ ફેરવી નાખ્યો છે કે શું તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Post Comments