Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે માલદીવ મામલે ભારત-ચીન આમનેસામને આવશે?

- રાજકીય સંકટગ્રસ્ત માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ ન કરવાની ચીને ભારતને ધમકી આપી

- પોતાની તાકાતના જોરે ચીન પાડોશીઓને છાશવારે ધમકાવે છે અને ચીની સેના અવારનવાર ભારતની સરહદમાં ઘૂસી આવે છે એ ભૂલીને ચીન હવે ભારતને માલદીવના સાર્વભૌમત્ત્વનું સન્માન કરવાની સુફિયાણી સલાહ આપે છે

માલદીવના રાજકીય સંકટ વચ્ચે હવે ચીને ભારતને ધમકીભર્યા અંદાજમાં કહ્યું છે કે આ મામલે સૈન્ય કાર્યવાહી કરવામાં આવી તો ચીન ચૂપ નહીં રહે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સમાં કહેવામાં આવ્યું છે કે માલદીવમાં હાલ સંકટ છે પરંતુ ભારતે સંયમથી કામ લેવાની જરૃર છે. આ માલદીવવો આંતરિક મામલો છે અને જો ભારત સૈન્ય દખલ કરશે તો ચીન પણ જવાબી કાર્યવાહી કરશે.

માલદીવમાં રાજકીય સંકટ ઊભું થયું ત્યારથી અત્યાર સુધી તો ભારતે એ મામલે હસ્તક્ષેપ કરવા અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ ચીનને અંદરખાને ડર છે કે ભારત ગમે તે ઘડીએ માલદીવમાં સૈન્ય હુમલો કરીને પરિસ્થિતિ કાબુમાં લેવા પ્રયાસ કરી શકે છે.

ગયા અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને માલદીવના રાજકીય સંકટ વિશે ચર્ચા કરી ત્યારથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. લોકતાંત્રિક સંસ્થાઓ અને કાયદાનું સન્માન કરવાના મુદ્દે ભારત, અમેરિકા, બ્રિટન અને યૂ.એન. એક તરફ ઊભા છે. તેઓ માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું પાલન કરવાની માંગ કરી રહ્યાં છે. તો ચીન બીજા દેશોને માલદીવ મામલે દખલ ન કરવાની સૂફિયાણી સલાહ આપી રહ્યું છે. ચીન માલદીવમાં કાયદા અને લોકશાહીની ઐસીતૈસી કરનાર યામીનના પડખે છે.

માલદીવમાં સમગ્ર સંકટની શરૃઆત ગઇ પાંચમી ફેબુ્રઆરીએ થઇ જ્યારે માલદીવની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિતના વિપક્ષના મોટા નેતાઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ નેતાઓ ઉપર દેશદ્રોહ અને આતંકવાદનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટના અનુસાર આ નેતા વિરુદ્ધના આરોપો પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત હતાં. અદાલતના ચુકાદા બાદ યામીન ઉપર રાજીનામાનું દબાણ સર્જાવા લાગ્યું અને ગાદી જવાની બીકે તેમણે દેશમાં પંદર દિવસની કટોકટી જાહેર કરી દીધી. કટોકટી જાહેર કર્યા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સહિત બે જજોની ધરપકડ કરવામાં આવી અને એ પછી વિપક્ષના નેતાઓની ધરપકડનો દોર શરૃ થયો.

ભારતના દક્ષિણ તટથી ચારસો કિલોમીટર દૂર આવેલું માલદીવ ભારતનું પારંપરિક મિત્ર રહ્યું છે. ભારતના જ સમર્થનથી ત્યાં લોકશાહીની સ્થાપના થઇ. છેલ્લા બે દાયકાથી દુનિયાના નકશા ઉપર માલદીવ એક ટુરિઝમ ડેસ્ટીનેશન બનીને ઉભર્યું છે. દુનિયાભરના શ્રીમંત લોકો અહીંયા રજાઓ ગાળવા આવે છે. માલદીવનું અર્થતંત્ર પણ પ્રવાસન ઉદ્યોગ ઉપર જ ચાલે છે. બીજી બાજુ છેલ્લા થોડા વર્ષોથી ચીનમાં નવો મધ્યમ વર્ગ ઊભો થયો છે અને આ લોકો દુનિયાભરમાં પ્રવાસ કરી રહ્યાં છે. આ લોકો પાસે પૈસા છે અને તેઓ એ ખર્ચી પણ રહ્યાં છે.

એશિયા સહિત દુનિયાભરમાં ચીનનો વધી રહેલો પ્રભાવ માલદીવ સુધી પણ પહોંચ્યો છે. માલદીવમાં ચીને મોટા પાટે રોકાણ કર્યું છે. પોર્ટ અને માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ચીન આગળ પડતું રાષ્ટ્ર બની ગયું છે. ચીનની આ કાબેલિયતની દુનિયાના ઘણાં દેશો ઉપયોગ કરવા ઇચ્છે છે કારણ કે પશ્ચિમના દેશોની સરખામણીમાં ચીન આ સેવા ઘણાં ઓછા દામે પૂરી પાડે છે.

તો નિકાસ આધારિત અર્થવ્યવસ્થા ધરાવતા ચીનને કાયમ નવા નવા બજારોની શોધ રહે છે. બીજી બાજુ ભારત પોતાના આર્થિક વિકાસનો ફાયદો પાડોશી દેશો પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. એન્જિનિયરિંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના મામલે પણ ભારત ચીનની સરખામણીમાં પાછળ છે. વળી નેપાળ, શ્રીલંકા, ભૂટાન, મ્યાંમાર અને  બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં ચીનનો પેસારો વધી રહ્યો છે. પાકિસ્તાન તો પહેલેથી ચીનના ખોળામાં બેઠેલું છે.

બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોમાં બંદરો સ્થાપીને ચીન વ્યાવસાયિક અને વ્યૂહાત્મક રીતે શક્તિશાળી બની ગયું છે. તો ભારત હજુ મંદિર મસ્જિદમાં જ ઉલઝાયેલું છે. સીધી સરખામણી કરીએ તો આઝાદી વખતે ભારતનું રેલવે નેટવર્ક ચીન કરતા પણ વિશાળ હતું જે આમ તો અંગ્રેજો જ વિકસાવ્યું હતું. આજે ૭૦ વર્ષ પછી ચીન રેલવેના મામલે ભારત કરતાં ક્યાંય આગળ છે. ચીન પાસે વર્લ્ડ ક્લાસ રેલવે નેટવર્ક છે, વિશાળ બંદરો છે, એરપોર્ટ્સ છે. જોકે પોતાની આ કાબેલિયતનો ઉપયોગ ચીન પોતાના વ્યૂહાત્મક હિતોને સાધવા કરતા બીજા દેશોને દબાવવા માટે વધારે કરી રહ્યું છે. ચીનની આ દાદાગીરી જ ભારત, જાપાન અને આસિયાન દેશો ઉપરાંત અમેરિકાને ખટકી રહી છે.

પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાંમારમાં ભારે રોકાણ કર્યા બાદ ચીન હવે હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરી રહ્યું છે. તો ભારત જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સાથે મળીને ચીનના વ્યાપને રોકવા મથી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચેની આ શતરંજની રમતમાં માલદીવ જેવા ટચુકડા દેશો તો માત્ર પ્યાદા સમાન છે. પરંતુ શતરંજની રમતમાં ક્યારેક મામૂલી પ્યાદુ પણ રાજાને પડકારી શકે છે.

અત્યારે તો માલદીવના રાષ્ટ્રપતિ યમીનને સેના અને પોલીસનો સાથ મળી રહ્યો છે જેના કારણે યમીનના વિરોધીઓ તેમની સામે ટકી શકે એમ નથી. એટલે સ્વાભાવિક છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નશીદ મદદ માટે ભારત તરફ જોઇ રહ્યાં છે. ચીને ભલે માલદીવમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું હોય પરંતુ ત્યાંનો મોટો રાજકીય સમુદાય ચીનના રોકાણને સંદેહની નજરે જોઇ રહ્યો છે.

અગાઉ ૧૯૮૮માં પણ માલદીવમાં તખ્તાપલટની કોશિશ થઇ ત્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ તાત્કાલિક લશ્કરી મદદ મોકલીને માલદીવમાં સુશાસન ફરી સ્થાપ્યું હતું. માલદીવના વિપક્ષના નેતાઓ પણ એ મદદનો હવાલો આપીને અત્યારે પણ માલદીવમાં ભારત સૈન્ય મદદ મોકલે એવી અપીલ કરી રહ્યાં છે. જોકે ત્રીસ વર્ષ પહેલા કરતા અત્યારે પરિસ્થિતિ અલગ છે. એ વખતે કેટલાક હથિયારધારી લોકોએ માલદીવમાં કબજો જમાવવાની કોશિશ કરી હતી અને તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ ગય્યૂમે ભારતની મદદ માંગી હતી.

જ્યારે અત્યારે માલદીવના સત્તાનશીન રાષ્ટ્રપતિ યમીન વિપક્ષના નેતાઓ અને સુપ્રીમ કોર્ટ સાથે સંઘર્ષમાં ઉતર્યાં છે જેના પરિણામે ત્યાં રાજકીય અસ્થિરતા ફેલાયેલી છે. એ સંજોગોમાં ત્યાં સૈન્યબળ દ્વારા લોકશાહી સ્થાપવી ઘણી અઘરી છે. ઘણાં લોકો એવી દલીલ પણ કરી રહ્યાં છે કે માલદીવ સંકટના મામલે ભારત જરૃરી પગલાં નથી લઇ રહ્યું. પરંતુ ભારતે ઉતાવળમાં કોઇ પગલું લેવાની જરૃર નથી. યમીને જે રીતે લોકતંત્ર અને ન્યાયપાલિકાને બાનમાં લીધા છે એ મામલે ભારત આડકતરી રીતે પોતાનો વિરોધ દર્શાવી ચૂક્યું છે.

યમીને ભારત પાસે મદદ માટે દૂત મોકલવાનું ધાર્યું ત્યારે ભારતે જ સામેથી ઇન્કાર કરીને યમીનને સંકેત આપી દીધો છે કે તે યમીનના પગલાથી નારાજ છે. યામીને ભારતને પોતાના પક્ષમાં લેવાની ચાલબાજી સફળ ન થતાં તેઓ ચીન, પાકિસ્તાન અને સાઉદી અરેબિયામાં પોતાના દૂતો મોકલી ચૂક્યું છે. જોકે આ મામલે હજુ સુધી ચીન સિવાયના કોઇ દેેશે ખાસ રસ લીધો નથી.

ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ વારંવાર ભારતને માલદીવમાં સૈન્ય મદદ મોકલવા અપીલ કરી રહ્યાં છે. નશીદનો દાવો છે કે ચીને ચાર કરોડ ડોલરના રોકાણની યોજના સાથે માલદીવના ૧૭થી વધારે દ્વીપો ઉપર કબજો જમાવી દીધો છે. નશીદ વારંવાર ચેતવણી ઉચ્ચારી રહ્યાં છે કે ચીન માલદીવની જમીન હડપી રહ્યું છે અને ક્ષેત્રીય સ્થિરતા જોખમાવી રહ્યું છે. જોકે ચીને રાબેતામુજબ નશીદના આક્ષેપોને ફગાવી દેતા કહ્યું છે કે ચીન માલદીવમાં કોઇ અતિક્રમણ નથી કરી રહ્યું.

અવારનવાર પોતાની સૈન્ય તાકાતના જોરે પાડોશી દેશોની દબાવતું ચીન હવે કહે છે કે માલદીવમાં અનધિકૃત સૈન્ય હસ્તક્ષેપ ન કરવો જોઇએ. ચીની સેના ભારતની સરહદમાં અવારનવાર ઘૂસી આવે છે અને અત્યારે ચીન કહે છે કે તમામ દેશોએ એકબીજાના સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, ક્ષેત્રીય અખંડિતતા અને હસ્તક્ષેપ ન કરવાના સિદ્ધાંતનું પાલન કરવું જોઇએ.

ચીનની આ ધમકીનો ભારત શું જવાબ આપે છે એ હાલ તો સ્પષ્ટ નથી પરંતુ એટલું ચોક્કસ છે કે અવારનવાર એકબીજા સાથે ટકરાતા ભારત અને ચીન માટે માલદીવના રૃપમાં એક નવો મોરચો જરૃર ખૂલી ગયો છે.

Keywords News,Focs,14,february,2018,

Post Comments