Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

મહારાષ્ટ્રના ગામડાના બધા ઘરો સ્ત્રીઓના નામે

નારી જો કભી ના હારી... નારી તું નારાયણી... નારી શક્તિ છે... આવાં સૂત્રો કાનેે પડતા જ હોય છે, સ્ત્રી પુરૃષ સમોવડી બની અનેક  ક્ષેત્રમાં આગળ વધી રહી છે એ હકિકત છે છતાં હજી શહેરોમાં કે ગામડામાં બધે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા નજરે પડે છે.

  આ વાસ્તવિક્તા વચ્ચે મહારાષ્ટ્રના લાતૂર જિલ્લાના નિલંગા તાલુકાના  આનંદવાડી નામના ખોબાં જેવડા ગામે ચીલો ચાતરીને સ્ત્રીઓને સન્માન આપ્યું છે. આનંદવાડીના  લગભગ ૬૩૫ ઘરો છે એ બધા જ મહિલાઓના નામે છે. દરેક ઘર ઉપર મહિલાના નામના પાટિયા લટકે છે. નામ સાથે મોબાઈલ નંબર પણ લખેલો  હોય છે. આનંદવાડીની ગ્રામસભામાં પ્રસ્તાવ મૂકાયો કે આપણાં ઘર સ્ત્રીઓ જ ચલાવે છે તો તેમનું સન્માન થવું જોઈએ.

આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થઈ ગયો અને દરેક ઘર ઉપર પત્ની, પુત્રી કે બહેનના નામો લાગી ગયા. ફક્ત નામ આપ્યા છે  એવું નથી, એ સ્થાવર મિલકત પણ સ્ત્રીઓના નામે કરી દીધી છે. ભોળા ગ્રામજનો કહે છે કે દિવાળીમાં આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ તો ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી ે છે તેને કેમ વિસરાય?

પ્રેમી પંખીડા નહીં આ તો પંખીના પ્રેમીડા

મુંબઈ, દિલ્હી કે ચેન્નઈ જેવા શહેરોમાં ઠેર ઠેર પ્રેમી પંખીડા જોવા મળે છે, પણ પંખી પ્રત્યે પ્રેમ હોય એવાં પંખી પ્રેમીડા ક્યાં જોવા મળે છે? આ સવાલનો જવાબ છે ચેન્નઈમાં. ચેન્નઈ નિવાસી પક્ષીપ્રેમીનું નામ છે શેખર જે છેલ્લાં ૧૭ વર્ષથી રોજેરોજ હજારો પોપટનું પેટ ભરે છે. એ બર્ડ-લવર પર દસ્તાવેજી ફિલ્મ પણ બની ચૂકી છે.  સવાર પડતાની સાથે જ આ પક્ષીપ્રેમી મોટા મોટા વાસણો ભરી પોપટો માટેનો ખોરાક અગાસી  પર લઈ જાય છે.

અગાસીમાં પોપટો એકદમ વ્યવસ્થિત રીતે હારબંધ બેસીને  ખાઈ શકે માટે ખાસ પ્રકારના ૧૪ મોટા સ્ટેન્ડ ઉપર ભોજન સામગ્રી  પીરસીને પછી મોઢેથી સીસોટી વગાડી  પોપટ પાર્ટીને સંકેત આપે છે કે આવી જાવ, ભોજન તૈયાર છે. બસ સિગ્નલ મળતાની સાથે  જ પોપટો ચારે તરફથી આવીને અગાસીમાં ગોઠવાઈ  જાય છે.  દૂરથી જોતા આખી અગાસી પર લીલો રંગ છવાઈ જાય છે. સામાન્ય દિવસોમાં રોજ સવારે ૩થી ૪ હજાર પોપટ ખાવા માટે આવે છે.

પણ ચોમાસામાં આ સંખ્યા વધીને પાંચ હજાર પર પહોંચી જાય છે. મધ્યમ વર્ગના ઓ નોકરિયાત પક્ષીપ્રેમીની માસિક આવકનો ૪૦ ટકા હિસ્સો હજારો પોપટનું  પેટ ભરવા પાછળ ખર્ચે છે અને બાકીના ૬૦ ટકામાંથી પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે છે. આ બર્ડમેન ઓફ ચેન્નઈને જોઈને કોઈ પણ બોલી ઉઠે કે આને કહેવાય સાચી જીવદયા.

ઘમ્મ રે ઘમ્મ ઘંટી 'બાજરો ને બંટી

ઘમ્મ રે ઘમ્મ ઘંટી બાજરોને  બંટી... શિયાળાની કડકડતી ટાઢમાં ઘરની ઘંટીમાં હાથે દળેલા બાજરામાંથી ટીપવામાં આવેલા ગરમાગરમ  રોટલા અને રિંગણાનો ઓળો ખાવા મળે તો ધન્ય  થઈ જવાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તો સદીઓથી  બાજરાના રોટલા ખવાય છે. પણ કર્ણાટક રાજ્યે  તાજેતરમાં જ લોકોને બાજરો ખાવા તરફ વાળવા માટે  બાજરા ઝુંબેશ શરૃ કરી છે. ઘઉં અને બીજા અનાજના વિકલ્પ તરીકે બાજરાનો ભોજનમાં  સમાવેશ કરવાનું  આહવાન કર્ણાટકે કર્યું છે.

બાજરો  સ્વાસ્થ્ય માટે ગુણકારી છે એટલું જ નહીં પર્યાવરણ માટે અનુકુળ આ ધાન્ય ઉગાડવા માટે  બીજા અનાજ કરતાં લગભગ ૭૦ ટકા ઓછા પાણીની જરૃર પડે છે. જ્યાં  ઓછો વરસાદ પડતો હોય ત્યાં  પણ બાજરો ઊગાડી શકાય છે. પરંતુ આ વિષે જાગૃતિના અભાવને કારણે આ બહેતરીન પોષક આહારની બજારમાં માગ ઓછી છે.

સમગ્ર દેશમાં બાજરો ખાવા તરફ જાગૃતિ આવે માટે કર્ણાટકના કૃષિ પ્રધાન કૃષ્ણા બાયરા ગૌડાએ યુનોને એક પ્રસ્તાવ મોકલી ૨૦૧૮ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઊજવવાનો અનુરોધ કર્યો. એક જૂની કહેવત છેને કે મુંબઈમાં  રોટલો મળે પણ ઓટલો ન મળે. આવનારા દિવસોમાં બાજરાના રોટલા ખાવા તરફ લોકો વળશે ત્યારે કહી શકાશે આ દેશમાં રોટલો મળે પણ સસ્તો ઓટલો ક્યાં મળે?

રણના વહાણનો  પર્વત પર પહેરો

ઊંટ રણનું વહાણ કહેવાય છે. પણ રણના વહાણને બર્ફીલા પર્વતીય વિસ્તારમાં  પહેરો ભરતું જોઈ શકાશે. સિક્કિમ-તિબેટ-ભૂતાનના ટ્રાઈ જંકશન પર ચીની લશ્કર અવળચંડાઈ કરતં જ રહે છે એટલે ભારતીય સેનાએ લદ્દાખના પહાડી વિસ્તારમાં એક ખુંધવાળા અને  બે ખૂંધવાળા ઊંટોને પહેરેગીરી કરવા માટે તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.

આ ઊંટ ચીનાઓની ઘૂસણખોરી પર નજર રાખશે એટલું જ નહીં દારૃગોળા અને શસ્ત્રો લાવવા-લઈ જવાની કામગીરી પણ બજાવશે. રાજસ્થાનના બિકાનેર સ્થિત રાષ્ટ્રીય ઊંટ અનુસંધાન કેન્દ્ર તરફથી ભારતીય સેનાને ચાર ઊંટ આપવામાં આવ્યા છે. આ ઊંટને બર્ફીલા વાતાવરણમાં કઈ રીતે ભાર વહન કરી શકાય તેની ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે.

ભારતમાં બે ખૂંધવાળા ઊંટ ફક્ત લદ્દાખની નુંબ્રા વેલીમાં જ જોવા મળે છે. આ તાલીમમાંથી ઊંટ પાર ઉતરશે તો તો તેમને ૧૨ હજારથી ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ ડયુટી પર મૂકવામાં આવશે. ઊંટ માટે કહેવાય છે કે એનાં અઢારેય અંગ વાંકા. પણ હવે આ અઢારેય અંગ વાંકાવાળા ઊંટ વાંકા દુશ્મન ચીનની સેના પર નજર રાખશે.

રાજકારણીઓની ટોપી અને ટોપીનું રાજકારણ

તીરછી ટોપીવાલે બાબુ ભોલેભાલે... સરપે લાલ ટોપી રૃસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની.... ટોપીનો ટોપીક નીકળે ત્યારે અચૂક આ ફિલ્મી ગીતો યાદ આવે.  પરંતુ અત્યારે રાજકારણીઓની ટોપી અને ટોપીના રાજકારણની વાત કરવી છે. દેશ આઝાદ થયા પછી ગાંધી ટોેપીનું ચલણ શરૃ થયું હતું. વર્ષો વિતતા ગયા એમ નેતાઓને માથેથી  ટોપીઓ ઉતરતી ગઈ.

પરંતુ છેલ્લાં લગભગ એકાદ દાયકાથી ફરી જુદા જુદા રંગની ટોપીઓનું  રાજકારણ શરૃ થયું છે. સૌથી જાણીતી આપ (આમ આદમી પાર્ટી)ની ટોપી થઈ  હતી.  આવી   જ રીતે હિમાચલ પ્રદેશમાં ઊંધી તપેલી જેવી હિમાલચલી કેપનું  ચલણ છે. ભારતીય જનતા પક્ષે હમણાં જ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ફતેહ મેળવી ત્યારે લોકોમાં  જાતજાતની અટકળો થતી હતી કે નવા મુખ્ય પ્રધાન બનશે એ કેવા રંગની ટોપી પહેરશે?

કારણ ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્ય પ્રધાન વિરભદ્રસિંહ લીલા રંગના પટ્ટાવાળી હિમાચલી ટોપી પહેરતા જ્યારપે ભાજપના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધુમલ મરૃન રંગની ટોપી પહેરતા. એટલે જ સહુ જાત જાતની અટકળો લગાવતા હતા કે નવા મુખ્ય પ્રધાન કેવી ટોપી પહેરશે? પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે મુખ્ય પ્રધાનનો તાજ એવાં નેતાને માથે મૂકવો જે ટોપી પહેરતા જ નથી.

મુખ્ય પ્રધાન બનેલા જયરામ ઠાકુર ટોપી નથી પહેરતા એટલે આવતા પાંચ વર્ષ સુધી ટોપીનું રાજકારણ નહીં ખેલાય એવી આશા રખાય છે. બાકી તો લાલ, લીલી અને કેસરી વગેરે રંગોની ટોપીઓ ઓઢીને આ દેશમાં જે રાજકારણ ખેલાય છે એ જોઈને મનમાં થાય છે કે રંગબેરંગી ટોપી પહેરીને ખેલ કરવા કરતાં નેતાઓના  માથાં ઉઘાડા રહે એ જ સારૃં છે, આદત મુજબ બીજાને ભલે ટોપી પહેરાવે...

પંચ-વાણી

ટોપીની આબરૃ ન જાળવે તેને પીટો. ટોપી શબ્દ અવળેથી વાંચો તો શું થાય? પી-ટો.
 

Post Comments