Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઇ

- ત્રણમાં કોંગ્રેસનો, ત્રણમાં ભાજપનો કબજો

- વસોમાં પ્રમુખ કોંગ્રેસના, ઉપપ્રમુખ ભાજપના ચૂંટાયા : મહેમદાવાદમાં ડખો

નડિયાદ,તા.૧૩ જૂન 2018, બુધવાર

ખેડા જિલ્લામાં આજે આઠ તાલુકા પંચાયતોનાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ છે. જેમાં નડિયાદ, ઠાસરા અને ગળતેશ્વરમાં ભાજપ જ્યારે ખેડા, માતર અને મહુધામાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે.

વસોમાં અનામત બેઠકનાં કારણે કોંગ્રેસનાં મહિલા સભ્ય પ્રમુખ પદ પર બિરાજમાન થયાં છે. જ્યારે મહેમદાવાદમાં બંને પક્ષનાં સભ્યોનાં હોબાળાનાં કારણે ચૂંટણી પાછી ઠેલવામાં આવી છે.

ખેડા જિલ્લામાં આજે તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજવામાં આવી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી.

તાલુકા પંચાયતોમાં કબ્જો જમાવવા માટે બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતુ. ત્યારે અંતે ચૂંટણીનાં દિવસે બંને પક્ષો વચ્ચે ટાઈ પડયું છે. આઠ પંચાયતો પૈકી ૩ પર ભારતીય જનતા પક્ષ અને ૩ પર કોંગ્રેસનાં ઉમેદવારોએ જીત મેળવી છે.

જ્યારે વસોમાં પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જાતિ-સ્ત્રી માટે અનામત રાખી હોવાનાં કારણે કોંગ્રેસનો હાથ ઉંચો રહ્યો છે. ભાજપ પાસે એક પણ અનુસૂતિક મહિલા સભ્ય ન હોવાનાં કારણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહિલા સભ્ય બિનહરીફ થયાં છે. અને ઉપપ્રમુખ તરીકે ભાજપનાં સભ્ય બાજી મારી ગયાં છે.

આજે યોજાનારી તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખોની ચૂંટણીઓમાં ત્રણ પંચાયતો ભાજપનાં ફાળે આવી છે. જેમાં  નડિયાદ, ઠાસરા અને ગળતેશ્વરમાં ભાજપે વિજય મેળવ્યો છે. નડિયાદમાં તાલુકા પંચાયત કુલ ૨૬ બેઠકો છે. જેમાંથી ૧૪ ઉપર ભાજપ અને ૧૦ પર કોંગ્રેસનાં સભ્યો ચુંટાયેલા છે.

બહુમતી હોવાનાં કારણે ભાજપનાં રમીલાબેન સોલંકી પ્રમુખ પદે અને ફુલાભાઈ પરમાર ઉપપ્રમુખ પદે ચુંટાઈ આવ્યાં છે. જેથી નડિયાદમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે.

ઠાસરા તાલુકા પંચાયતમાં પણ કુલ ૨૪ બેઠકો પૈકી ભાજપ પાસે ૧૩ અને કોંગ્રેસ પાસે ૮ બેઠકો છે. જ્યારે ૩ અપક્ષ સભ્યો ચુંટાયેલા છે.

આ પંચાયતમાં પણ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાનાં કારણે આજે યોજાએલી ચુંટણીમાં ભાજપનાં જ્યોતસનાબેન ચાવડા પ્રમુખ પદે અને લક્ષ્મણસિંહ પરમાર ઉપપ્રમુખ પદે ચુંટાઈ આવ્યાં છએ. જ્યા પણ ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે.

ગળતેશ્વર તાલુકા પંચાયતની ચુંટણીમાં  કુલ ૧૮ બેઠકોમાંથી ૯ બેઠકો ભાજપને જ્યારે ૯ બેઠકો કોંગ્રેસનાં ફાળે છે. જેના કારણે આજની ચુંટણીમાં જીત મેળવવી બંને પક્ષોમાટે અઘરી હતી. પરંતુ આ તમામની વચ્ચે ભાજપે બાજી મારી છે. કોંગ્રેસનાં એક સભ્યએ ક્રોસ વોટિંગ અને બે સભ્યો ગેરહાજર રહેતાં ભાજપની જીત થઈ છે.

જેના કારણે કોંગ્રેસે ગળતેશ્વરમાં પોતાની સત્તા ગુમાવી છે. ગળતેશ્વરમાં ભાજપનાં વજેસિંહ પરમાર પ્રમુખ પદે અને તારાબેન મકવાણા ઉપપ્રમુખ પદે ચુંટાઈ આવતાં ગળતેશ્વર ભાજપમાં ખુશીની લહેર ફરી વળી હતી.

ખેડા તાલુકા પંચાયતમાં કુલ ૧૮ બેઠકો પૈકી એક અપક્ષ સભ્ય સહિત કોંગ્રેસનાં કુલ ૧૧ સભ્યો છે. જેની સામે ભાજપનાં ફક્ત ૬ સભ્યો છે. કોંગ્રેસ પાસે બહુમતીનોં આંકડો હોવાનાં કારણેઆજે યોજાએલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઈતિક્ષાબેન શાહ પ્રમુખ પદે અને તારેખા પઠાણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ થયાં હતા.

મહુધા તાલુકા પંચાયતનાં કુલ ૧૮ સભ્યોમાંથી કોંગ્રેસ પાસે ૧૧ અને ભાજપ પાસે ૫ સભ્યો છે. બહુમતીનાં કારણે મહુધામાં કોંગ્રેસનાં ઈન્દ્રજીતસિંહ પરમાર પ્રમુખ પદે અને શાયરાબેન મલેક ઉપપ્રમુખ પદે ચુંટાયા છે.

માતર કોંગ્રેસમાં ફૂટની વાતો વચ્ચે આજે તાલુકા પંચાયતમાં પંજો સહી સલામત રહ્યો છે. કુલ ૨૦ બેઠકોમાંથી કોંગ્રેસનાં ૧૩ જેટલાં બહુમતી સભ્યો હોવાનાં કારણે કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. ભાજપનાં સહકારથી કોંગ્રેસનાં સભ્ય વિમળાબેન પરમારે દાવેદારી નોંધાવી હતી. જેઓની ભૂંડી હાર થઈ છે. કોંગ્રેસનાં ઘનશ્યામભાઈ મકવાણા પ્રમુખ પદે જ્યારે સુર્યકાન્ત પટેલ ઉપપ્રમુખ પદે ચુંટાઈ આવ્યાં છે.

વસોમાં ભાજપ પાસે બહુમતી છતાં કોંગ્રેસનાં પ્રમુખ ચૂંટાયા
નડિયાદ,તા.૧૩
વસો તાલુકા પંચાયતમાં આજે કોંગ્રેસનાં મધુબેન સંજયભાઈ મકવાણા બિનહરિફ થયાં હતા. વસો પંચાયતનાં પ્રમુખનું પદ અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે.

વસોનાં કુલ ૧૬ સભ્યોમાંથી ૮ ભાજપનાં છે. પરંતુ તેમાંથી એક પણ અનુસૂચિત જાતિની મહિલા ચુંટાયેલી ન હોવાનાં કારણે ભાજપ પાસે પ્રમુખ પદ માટેનાં દાવેદાર જ ન હતા. જેનાં કારણે કોંગ્રેસનાં અનુસૂચિત જાતિનાં મહિલા સભ્યને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. અને ઉપપ્રમુખ તરીકે ભાજપનાં ડાહ્યાભાઈ મનોરભાઈ પરમારનો વિજય થયો હતો.

મહેમદાવાદમાં સભ્યોનાં હોબાળાથી ચૂંટણીની તારીખો લંબાવાઈ
નડિયાદ,તા.૧૩
આજે યોજાએલી મહેમદાવાદ તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપને સરળતાથી વિજય મળે તેવાં એંધાણ હતા. પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં સભ્યોએ તાલુકા પંચાયતનાં હોલમાં હોબાળો મચાવ્યો હતો, જેનાં કારણે ચુંટણી થઈ શકી ન હતી. તેથી આગામી શુક્રવારે ચુંટણી યોજવાનું નક્કી કરાયું છે.

ચૂંટણી ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસનો વિજય થયો હોવાની અફવાઓ શહેરમાં ચાલી રહી હતી. પરંતુ ભાજપ પાસે બહુમતી હોવાથી કોંગ્રેસનો વિજય શક્ય નથી. ત્યારબાદ સભ્યોનાં હોબાળાથી ચૂંટણી શુક્રવારે યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહેમદાવાદ તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠકોમાંથી ભાજપ પાસે ૧૪, કોંગ્રેસ પાસે ૧૧ અને ૧ અપક્ષ સભ્ય છે. જેમાં ભાજપ પાસે બહુમતીનો આંકડો હોવાનાં કારણે અઢી વર્ષ પહેલાં ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખનાં પદ પર વિજય મેળવ્યો હતો.

Post Comments