Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

જિગરી દોસ્તની આર્થિક મજબૂરી નજર સામે તરવરે છે !

આ હોસ્પિટલ નહીં, પણ દર્દને દેવ માનનારું ચક્ષુમંદિર છે !

વાચન અને લેખન એ જ જેમનું જીવનસર્વસ્વ હોય છે એવા લેખકને માટે આંખ એ તો એનો દીવો હોય છે. નબળી આંખોને કારણે બાળપણથી જ ચશ્માના નંબરો પણ વધતા ગયા. જાડા કાચવાળા એમના ચશ્મા એમની આંખોના વધુ નંબરો પણ વધતા ગયા. જાડા કાચવાળા એમના ચશ્મા એમની આંખોના વધુ નંબરોની ચાડી ખાતા હતા.

આંખમાં એકાએક 'સ્પાર્ક' થતો અને છેવટે કાળા મોતિયાનું ઓપરેશન કરવા માટે એમણે નેત્રપીડિતો માટે મુક્તિનું દ્વાર કહેવાતા સીતાપુર જવાનું નક્કી કર્યું. અજાણ્યા શહેરમાં કેવી પરિસ્થિતિ હશે એની ચિંતા સહુને સતાવતી હતી અને આખરે છ વ્યકિતઓના કાફલાની સાથે ઉત્તરપ્રદેશના સીતાપુરમાં આવ્યા.

ઓપરેશન થયું અને એમને લાંબો સમય ત્યાં આરામ કરવાનો હતો. એવામાં દિવાળીનો અવસર આવ્યો. ઉત્તર પ્રદેશમાં તો નવું વર્ષ ફાગણ વદ એકમથી શરૃ થાય, પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ગુજરાતી દર્દીઓ અને એમના સ્વજનોએ કારતક સુદ એકમનું વિક્રમનું નવુ વર્ષ ઉજવવાનો નિર્ણય કર્યો. આથી દૂર આવેલા ગુજરાતીઓએ વિચાર્યું કે આ નવા વર્ષે સેવાભાવી ડોકટરો દ્વારા ચાલતી આ સંસ્થાને દાન આપવું જોઈએ.

ધીરે ધીરે સારવાર લેતા ગુજરાતીઓએ દાન એકઠું કર્યું પણ સાથોસાથ જેમણે દાન આપ્યું નહીં એમને વિશે પણ જયભિખ્ખુએ કહ્યું, 'માણસ શ્રીમંત હોય, દાન કરવાની શક્તિ હોય, પણ સાથે રૃપિયા લાવ્યો ન હોય અને દાન કરવા જતાં લાંબી વાટનું રેલભાડું પાસે રહે નહીં એવું પણ બને, માટે આ કોઈ એકનું દાન નથી, સહુનું દાન છે.' અને આમ દાનગંગા વહેતી થઈ.

ગુજરાતી દર્દીઓએ પોતાના નવા વર્ષની ઉજવણી માટે આ હોસ્પિટલના આદ્યસ્થાપક, સેવાના ભેખધારી ર્ડા.મહેરા, અન્ય ર્ડાકટરમંડળી અને હોસ્પિટલના કર્મચારીઓને નિમંત્રણ આપ્યું. દર્દીઓના આવાસની વચ્ચે જ ગુજરાતી અને બિનગુજરાતી ભાઈબહેનોની નૂતન વર્ષે નવલી સભા યોજાઈ. સભાના પ્રારંભે સહુએ સાક્ષર જયભિખ્ખુને વક્તવ્ય આપવા આગ્રહ કર્યો. એમણે કહ્યું,

''ગુજરાતીઓનું આજે નૂતન વર્ષ છે. આપ સહુને નૂતન વર્ષનાં અભિનંદન.'' અમે- ગુજરાતની દરેક વ્યકિત, પછી તે રંક હોય કે રાય, આ શુભ દિવસે પોતાના ઇષ્ટદેવના મંદિરે જઈએ છીએ અને મંદિરના દેવતાને પુષ્પ- પાંખડી અર્પિત કરીએ છીએ. આજે પોતાના વતનથી હજાર બારસો માઈલ દૂર રહેલાં ગુજરાતી ભાઈ-બહેનો આ ચક્ષુમંદિરના દેવતાને પોતાનાં પ્રેમ અને આદરનાં પુષ્પો અર્પણ કરે છે.

આવી સેવાભાવી સંસ્થાને લાખો રૃપિયાની જરૃર હોય એ અમે જાણીએ છીએ , પણ આ રૃપિયા નથી, કોઈ રકમ નથી, આ તો અમારા હૃદયની કૃતજ્ઞાતાની ભાવનાઓનું એક પ્રતીક છે. આપ એ રકમ સ્વીકારશો અને આભારી કરશો.  અને દાનરૃપી કવરો અર્પણ કરવામાં આવ્યા.

સીતાપુરમાં યોજાયેલા આ કાર્યક્રમના અંતે ચક્ષુમંદિરના વિશ્વકર્મા ડૉ. મહેરાએ પોતાની અસરકારક જબાનમાં આ ભેટ માટે આભાર માનવાની સાથોસાથ બીજા દિવસે સર્વ ગુજરાતીઓને સવારના નાસ્તા માટે ઇજન આપ્યું. સીતાપુરના ઇતિહાસમાં આ એક અનેરી ઘટના હતી. સતત કાર્યમાં રચ્યા- પચ્યા રહેનારા અને શિસ્તના ચુસ્ત આગ્રહી ડો. મહેરાના નિકટમાં જવાનું સદ્ભાગ્ય બહુ ઓછાને મળ્યું હતું.

ભાઈબીજના દિવસનું ખુશનુમા પ્રભાત થયું. સહુ ગુજરાતીઓ સુંદર વસ્ત્રો ધારણ કરીને યથાસમય આવી પહોંચ્યા. ડો.મહેરા આવતાં પ્રત્યેક ભાઈબહેનની ઓળખવિધિ થઈ અને તે પછી સીતાપુરના મશહૂર સર્જનોના હાથે રસગુલ્લાં, જલેબી અને સમોસાની પ્લેટો સહુ ગુજરાતીઓને આપવામાં આવી. મુલ્કમશહૂર સર્જનોની નમ્રતા અને નિખાલસતા જોઈ સહુ કોઈ દિડ્મૂઢ થઈ ગયા. એ દિવસે સીતાપુરમાં ગુજરાતની હૃદયવાડીના પદ્મ સોળે કળાએ ખીલ્યાં અને એની મીઠી મહેક લઈને સહુ વીખરાયાં હતાં.

સેવા- શૂશ્રૂષાપૂર્ણ વાતવરણથી સહુને એમ લાગ્યું કે આ હોસ્પિટલ નથી, પરંતુ ચક્ષુમંદિર છે અને અહીં ડોક્ટરો દર્દીને દેવ માનીને એમની ખાતરબરદાસ કરે છે. વહેલી સવારે પાંચ વાગ્યે ડોક્ટરો તૈયાર થઈને દર્દીઓને તપાસવા માટે નીકળે. જુદા જુદા રૃમમાં જાય. એમની પાછળ અન્ય ડોક્ટર- મંડળી અને ડ્રેસિંગ કરનાર નર્સ ચાલતાં હોય.

આને કારણે અહીં ચિકિત્સા માટે આવેલા સહુ કોઈ વહેલાં ઊઠી જાય, પોતાનો રૃમ બરાબર સાફ કરે, સ્નાન કરીને તૈયાર થઈને બેસે. ડોક્ટર આવે ત્યારે સઘળું સુઘડ અને વ્યવસ્થિત હોવું જોઈએ ને ! ડૉક્ટર રૃમમાં પ્રવેશે, એની સાથે આનંદ છવાઈ જાય. ડોક્ટરોના ચહેરા પર હાસ્ય હોય, દર્દી સાથે હંસી- ખુશીથી વાત કરે અને એ વાતની સાથોસાથ એમની આંખની સ્થિતિ અંગે પૂછપરછ અને ચિકિત્સા પણ ચાલતી હોય.

ક્યારેક દર્દીઓ પ્રશ્નોની ઝડી વરસાવે. એમાંય ગુજરાતના દર્દીઓ તો વધુ સુંવાળપની અપેક્ષા રાખે. ડોકટરો સહુ કોઈ સાથે હસતા ચહેરે વાત કરતા જાય અને દર્દીની વેદના ભુલાવતા જાય. વળી આ ડોક્ટરો તો એવા હતા કે જેઓ અંગત પ્રેક્ટિસ કરે તો અઢળક કમાણી કરી શકે, પરંતુ સેવાના આ ભેખધારીઓ અહીંની સઘળી કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને દર્દી- નારાયણની સેવા કરવાનો દૃઢ નિરધાર ધરાવતા હતા. આને કારણે તો ડૉ.મહેરાએ એક ગેરેજમાં શરૃ કરેલી સીતાપુરની આંખની હોસ્પિટલમાં આ સમયે દર્દીઓ માટે ૧૮૦૦ પલંગ હતા અને આ હોસ્પિટલની ૨૯ જેટલી શાખાઓ હતી !

વહેલી સવારે પાંચ વાગ્યે ડો. પાહવા દર્દીઓને તપાસવા નીકળે, બપોરના દોઢથી બે વાગ્યા સુધી એમનું આ કાર્ય ચાલે. ફરી બપોરે ત્રણ વાગ્યે કામ શરૃ થાય અને રાતના દસ વાગ્યા સુધી દર્દીઓને તપાસવાનું અને ઓપરેશનનું કામ ચાલે.

આ બધાની સાથોસાથ ડો. પાહવાની નેત્રચિકિત્સા અંગેનું સંશોધનકાર્ય ચાલતું હોય. રાત્રે દશ વાગ્યા પછી એમના આ વિષયની અદ્યતન માહિતી ધરાવતા ગ્રંથો અને સામયિકોનો વિદ્યાભ્યાસ શરૃ થાય અને મોડી રાત સુધી વાચન- સંશોધન ચાલે. એમનાં આ વિષયનાં પુસ્તકો દેશ-વિદેશના પાઠયક્રમમાં સ્થાન ધરાવતાં હતા.

મજબૂત પંજાબી બાંધો. વહેલી સવારે જુઓ કે મોડી રાત્રે, પણ ડૉ. પાહવાના ચહેરા પર થાકનું નામનિશાન નહીં. દર્દી ગરીબ હોય કે તવંગર- પ્રેમથી સહુની વાત સાંભળે ! હસીને ઉત્તર આપે. દર્દીને તપાસતી વખતે ક્યારેય ઉતાવળનો અણસાર નહીં.

એના બધા પ્રશ્નોના શાંતિથી ઉત્તર આપે, આંખની સ્થિતિનું બયાન કરે અને માર્ગદર્શન આપે. આ વિષયની એમની નિપુણતા અને કલાકો સુધી કાર્ય કરવાની એમની ધગશ જોઈને હું એમને જ્યારે જ્યારે જોતો ત્યારે સદા આશ્ચર્ય અને આદર જ અનુભવતો.
એકવાર જયભિખ્ખુએ દોસ્તીના દાવે ડૉ.જગદીશ મિત્ર પાહવાને પૂછ્યું, 'તમે ઇશ્વર પાસે માગો, તો શું માગો ?'

ડૉ. પાહવાએ હસતે મુખે નિખાલસ ઉત્તર આપ્યો, ''મારો પ્રયત્ન એ છે કે હું વધુ ને વધુ લોકોની સેવા કરી શકું, માનવીનાં દુ:ખ- દર્દનો સાચો હમદર્દ બની શકું, એમની યાતનાઓ ઓછી કરી શકું. ખેર ! મારી પ્રાર્થના તો એ હોય છે કે મારો મરીઝ(દર્દી) જલ્દી સાજો થઈ જાય.''

જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ દર્દી જયભિખ્ખુ અને ડોક્ટર પાહવા વચ્ચેની સ્નેહગાંઠ વધુ ને વધુ દૃઢ બનતી ગઈ. રાઉન્ડમાં નીકળેલા ડૉ.પાહવા જયભિખ્ખુના રૃમમાં જરા નિરાંતે બેસે અને પછી બંને વચ્ચે અલકમલકની વાતો થાય. ક્યારેક ડો. પાહવા જયભિખ્ખુને એમના જીવન વિશે પૂછે, તો વળી કોઈ વાર જયભિખ્ખુ પણ એમને પૂછે કે 'તમે દર્દીને જુઓ છો ત્યારે કેવો અનુભવ થાય છે ? તમારી ખ્યાતિ ભારતભરમાં વ્યાપેલી છે, 'પદ્મશ્રી'ના ઇલકાબથી તમે વિભૂષિત છો, ત્યારે એક સામાન્ય દર્દીને તમે કઈ નજરે જુઓ છો ?'

ડૉ.પાહવાએ જવાબ આપ્યો, ''હું મારા દર્દીને મારો જિગરી દોસ્ત માનું છું. એનું કારણ એ છે કે બાળપણમાં મારા એક મિત્રની આંખનો પડદો તૂટયો અને એની રોશની સાથેની દોસ્તી પૂર્ણ થઇ ગઈ. એ સમયે 'ડિટેચમેન્ટ ઑફ રેટિના'ના દર્દનો ઇલાજ કરનારા દેશમાં માત્ર ગણ્યાગાંઠયા ડોક્ટરો જ હતા અને તેઓ પણ સાધન- સુવિધાના અભાવે કશું કામ કરી શક્તા નહીં.

પરમ મિત્રના અંધત્વને જોઈને અભ્યાસ સમયે જ મનમાં પાકી ગાંઠ વાળી હતી કે એમ.બી.બી.એસ. થયા પછી આંખના નિષ્ણાત ચિકિત્સક બનવું. લાહોરમાં એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી વધુ અભ્યાસ માટે અમૃતસર આવ્યો. આંખનો નિષ્ણાત ડોક્ટર બન્યો પણ હજી મિત્રને કાર્યાંજલિ આપવાની બાકી હતી. એ જમાનામાં ''ડિટેચમેન્ટ ઓફ રેટિના' અંગેના અભ્યાસનું સૌથી મોટું મથક વિયેના ગણાતું હતું, આથી ત્યાં જઈને અભ્યાસ કર્યો. વિશેષ અભ્યાસ માટે સ્પેન અને અમેરિકા પણ ગયો.

હવે આજે જયારે કોઈ નેત્રપીડિતને જોઉં છું ત્યારે મને મારા જિગરી દોસ્તની યાદ આવે છે અને એ સમયની એની આર્થિક મજબૂરી મારી આંખ આગળ તરવરે છે ! આથી જ અંગત પ્રેક્ટિસ કરવાને બદલે આ હોસ્પિટલમાં નેત્રચિકિત્સાની વધુ તક મળતી હોવાથી સુખસાહ્યબીભરી સરકારી નોકરી ફગાવી દઈને ૧૯૪૯ના એપ્રિલ મહિનામાં આ હોસ્પિટલમાં હું જોડાઈ ગયો.

જયભિખ્ખુ ડો. પાહવાને ગુજરાતની કોઈ વાત કરે, તો પાહવા એમને કહેતા કે 'પહેલાં હું એમ વિચારતો કે હું પંજાબનો કે ઉત્તરપ્રદેશનો છું, પણ હવે અહીં તમને સહુને મળ્યા પછી એમ લાગે છે કે હું આ બધા કરતાં પહેલો ગુજરાતનો છું.'આમ કહીને ડો. પાહવા હસી પડતા !

જે કાળા મોતિયાના ઓપરેશન માટે જયભિખ્ખુએ ઘણી મોટી તૈયારી કરી હતી એ તો થોડી જ વારમાં પૂરું થયું અને ધીરે ધીરે એમને બરાબર દેખાવા લાગ્યું. એ પછી જયભિખ્ખુ અમદાવાદ પાછા આવ્યા અને મનમાં એક ધૂન જાગી કે ગુજરાતને કઈ રીતે આવા નિપુણ ડોક્ટરનો લાભ મળે. એમણે અખબારમાં લેખો લખ્યા અને તેથી સીતાપુરની આંખની હોસ્પિટલ વિશે ગુજરાતમાં ખૂબ જાગૃતિ પ્રસરી.

એવામાં બીજી આંખના ઓપરેશનનો સમય આવ્યો. ડો.પાહવાએ એક કેમ્પના નિમિત્તે અમદાવાદ આવીને જયભિખ્ખુની બીજી આંખના કાળા મોતિયાનું ઓપરેશન કર્યું. ગુજરાતમાં સીતાપુરની આંખની હોસ્પિટલ માટે એક એવી ભાવના જાગ્રત થઈ હતી કે ધીરે ધીરે એ માટે દાનનો પ્રવાહ વહેવા લાગ્યો. એ ફાળો જયારે સીતાપુરમાં આપવાનો આવ્યો ત્યારે કોઈએ જયભિખ્ખુને કહ્યુ, 'આને માટે તમે અથાગ પ્રયત્ન કર્યો છે. આ વોર્ડનું નામ તમારા નામ પરથી રાખીએ તો ?'

જયભિખ્ખુએ કહ્યું, 'ના, આ વૉડનું નામ તો મેં સરદાર વલ્લભભાઈ પટેલના નામને સાંકળીને 'ગુજરાત વોર્ડ એવું આપ્યું છે.

એ પછી સીતાપુરના ગુજરાત વોર્ડનાં મકાનોની શિલારોપણ વિધિ થઈ ત્યારે જયભિખ્ખુએ કૃતકૃત્યતાના ભાવથી કહ્યું કે 'સીતાપુરમાં ગુજરાત થાય છે એજ આપણા માટે તો આનંદની વાત છે. ગુજરાતમાં સીતાપુર આવવું જોઈએ અને સીતાપુરના સેવાભાવી ડોક્ટરોને હાથે તેનું મંગલાચરણ થવું જોઈએ.( શ્રી શાંતિલાલ જીવણલાલ ગાંધીનો લેખ, જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ, પૃ.૧૦૩).'

ત્યારબાદ જયભિખ્ખુએ એક પુસ્તકનું સર્જન કર્યું અને એ પુસ્તક પોતાના પરમ મિત્ર ડૉ. જગદીશ મિત્ર પાહવાને અર્પણ કર્યું.

આ બે મિત્રોનું ગુજરાતમાં સીતાપુર સર્જવાનું સ્વપ્ન સ્વપ્ન જ રહ્યું, કારણકે ડો. પાહવા જયભિખ્ખુની જમણી આંખના ઓપરેશન માટે ૧૯૬૯ની ૨૪ મી ઑગસ્ટે આવ્યા, અને ચાર મહિના પછી ૧૯૬૯ ની ૨૪મી ડિસેમ્બરે જયભિખ્ખુનું અવસાન થયું. સીતાપુરમાં ડૉ. પાહવાને પોતાના મિત્રના અવસાનની જાણ થતાં એમણે ફોન કરવાની સાથોસાથ શોકસંદેશો પણ મોકલ્યો.

પ્રસંગકથા

ગ્રામોધ્ધારનો રેકોર્ડેડ મેસેજ

મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધરાવતા વિમાનમાં ટેક-ઓફ કર્યા પછી બે કલાક બાદ વિમાનના સ્પીકર પર પાઈલટનો સંદેશો સંભળાયો, 'આ હવાઈ જહાજ પર આપનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને આપના પ્રવાસ માટે અમારી ઍરલાઈન્સ પસંદ કરવા બદલ તમારા આભારી છીએ. આપણું વિમાન હિંદી મહાસાગર પર પંદર હજાર ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યું છે.'

પ્રવાસીઓ એકચિત્તે કેપ્ટનની આ જાહેરાત સાંભળતા હતા. કેપ્ટને કહ્યું .' તમે તમારી જમણી હાજુએ નજર કરશો તો તમને સ્પષ્ટરૃપે એ બાજુનું એન્જિન ભડકે બળતું જોશો. ડાબી બાજુની બારીએ જોશો તો તમને જણાશે કે વિમાનની પાંખ તૂટી ગઇ છે.

પ્રવાસીઓનાં શ્વાસ ઊંચા ચડી ગયાં. એમને થયું કે વિમાનમાં કોઇ ગંભીર ખરાબી ઉભી થઈ છે, જેનો પાઈલટ એમને ખ્યાલ આપે. વળી પાઈલટનો અવાજ આવ્યો, ' જરા હિંદી મહાસાગર પર જુઓ, એમાં નીચે પીળા રંગની રબરની હોડીમાં બેઠેલી દસેક વ્યકિતઓ તમારી સામે ખુશાલીપૂર્વક હાથ હલાવી રહી છે. આ બધાની વચ્ચે કોણ છે ?' આ બધાની વચ્ચે હું પોતે અને મારા સાથી પાઈલટ તથા વિમાન કર્મચારીઓ દેખાતા હશે.

આ સાંભળીને પ્રવાસીઓ ખૂબ જ મૂંઝાઈ ગયા. એમને સમજાયું નહીં કે આ શું થાય છે ? કેપ્ટન જ ચેતવણી આપે છે અને કેપ્ટન જ વિમાનમાંથી કૂદી પડયા છે. એવામાં આવાજ આવ્યો,

'આ પાઈલટનો રેકોર્ડેડ મેસેજ છે. આપની યાત્રા સુખદ રહો.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી છે કે પાઈલટના રેકોર્ડેડ મેસેજની માફક ગામડાઓનાં ઉધ્ધાર કે ઉત્થાનની આજે ઘણી ઘણી વાતો કરવામાં આવે છે. ગામડાંઓને અનુલક્ષીને યોજનાઓ પણ જાહેર કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ઉદારીકરણ પછી શહેરોનો અતિ વેગથી ક્રમિક વિકાસ થઈ રહ્યો છે, અને ગામડાંઓ અને શહેરો વચ્ચેની અસમાનતા વધી રહી છે.

રાષ્ટ્રીય આવકમાં ભારતના ગ્રામીણ ક્ષેત્રનો ઘણો મોટો ફાળો હોવા છતાં ગામડાંઓ હજુ પછાત રહ્યાં છે અને ગામડાંઓમાંથી શહેર તરફ જવાની દોડ વધુને વધુ ઝડપથી ચાલી રહી છે. શહેરીકરણને કારણે શહેરનો માનવી ઉચ્ચ જીવનની આકાંક્ષા સાથે ખરીદી કરે છે, જ્યારે ગ્રામવાસીની જિંદગી એટલી મુશ્કેલ બની ગઈ હોય છે કે એને એ ગામડાંઓ છોડીને શહેરો તરફ જવા માટે મજબૂર કરે છે.

એક જ ઉદાહરણ લઈએ તો દાળની ખપત ગામડામાં વ્યકિતદીઠ ૭૮૩ ગ્રામ છે અને શહેરમાં ૯૦૧ ગ્રામ છે. ૧૧૮ ગ્રામનો આ તફાવત મહત્ત્વનો એ માટે છે કે ગામડાંના લોકો માટે દાળ એ જ પ્રોટિન આપનારો મહત્ત્વનો ખોરાક છે.

શહેરી અને ગ્રામીણ લોકોના ખર્ચ અને ઉપભોગની બાબતમાં ઘણી મોટી ખાઈ જોવા મળે છે. આ સ્થિતિનું કારણ એ છે કે ખેતી બેહાલ બની છે અને ગામડામાં ચાલતી સામાજિક સુરક્ષાની વ્યવસ્થાનો લાભ ગામડાંઓ સુધી પહોંચ્યો નથી. આવી સ્થિતિ હોવા છતાં પાઈલટના રેકોર્ડેડ મેસેજની જેમ ગામડાંઓની તરક્કી થઈ રહી છે એવી ગુલબાંગો લગાવવામાં આવે છે.
 

Post Comments