Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

નાલંદાના અવશેષો પૂછે છે કે સહુને એક કરનારું રાષ્ટ્ર ક્યાં છે ?

માત્ર બસો સૈનિકોથી સમગ્ર પૂર્વભારતને જીતનારો બખ્તિયાર !

કૈસે બતાયે તુમ્હેં હમ અપની જિંદગી કા મિજાજ
રાતકી ખામોશિયોં કે બીચ શહનાઈ હૈ મેરે દોસ્ત.


કુતુબુદ્દીને ગુજરાત પર ચડાઈ કરી,પણ એ લોકોએ એવો સામનો કર્યો કે ખુદ કુતુબુદ્દીનને પાછા ફરવું પડયું

ખંડેર કહ રહે થે,

ઇમારતે અજીબ થી.

ભારતની પૂર્વની ભૂમિ પર પશ્ચિમનો પ્રકાશ ઢોળાતો હતો. નાલંદાના ખંડેરો ચૂપ બેઠા હતા, ખંડેરોની ખામોશીમાં વેદનાનો અહેસાસ હતો. ગ્રીષ્મની વહેતી હવા બંધ હતી. કલશોર કરતી કોયલ મૂંગી હતી. લાલચોળ સૂર્ય ભવ્ય ખંડેરો પર લાલિમા પ્રસારતા, આથમતાં ને સ્તૂપો અને ચૈત્યો પરથી ઘેર જતી સોનેરી ચકલીઓ છેલ્લું ગીત ગુંજી રહી હતી.

ત્રણસો ફૂટ ઊંચા નવ મંજિલવાળા પુસ્તકાલયની ધ્વસ્ત ભીંતોની છાયામાં મૌન ભાવે બેઠો હતો. મુખની જબાન બંધ હતી, પણ મનની જબાન ચાલતી હતી.

નાલંદા ! નામ સ્મરણ સાથે કેટલી ધન્ય સ્મૃતિઓ ઉભરાવા લાગે છે ! અહિંસાના શિરતાજ બુદ્ધ અને મહાવીરની પ્રિય ભૂમિ ! પાસેનું રાજગૃહી એની પાસેનું પટના (પાટલીપુત્ર) ઓહ, પચીસસો વર્ષ પહેલાંનો આ મહામહિમ મગધ પ્રાંત અને આઠસો વર્ષ પહેલાં મગધમાંથી બિહાર બનીને બેસનાર આ ઇતિહાસભૂમિ !

ઇતિહાસની વાત આવી એટલે કાલસરિતાનો એક મહાનદ સામેથી પસાર થતો દેખાયો. કલ્પનાની આંખે ઇતિહાસ વાંચવા માંડયો.

ગોર-ગજિસ્તાનનો દેશ છે. સુલતાન શહાબુદ્દીનનો દરબાર છે. દરબારમાં રોજ હસવા જેવી એક ઘટના બન્યા કરે છે. એક સશક્ત અફઘાન આવે છે. એની આંખોમાં અજનબી ખ્વાબ છે. પાસે એક તલવાર છે ને સાથે એક અરબી ઘોડો છે. રોજ ગોર-ગજિસ્તાનના દરબારમાં આવે છે. કુરનિશ બજાવે છે ને કામ માગે છે. એને ચાકરી નોંધાવવી છે. કંઇ કમાલ કરી બતાવવાની ઝંખના એના દિલને સતત પીડે છે.

સુલતાન આ નાચીજ દેખાવના છોકરાને જોઇને મૂછમાં હસે છે. ને પૂછે છે. 'તારું નામ !'

'બખ્તિયાર ખિલજી, હજૂર'

'જાતે કેવો છે ?'

'અફઘાન.'

'ક્યા બાત હૈ. તુર્કોના દરબારમાં અફઘાન. અચ્છા, અચ્છા.' એક દરબારી એની ટીકા કરે છે.

સુલતાન હાથના ઇશારાથી ખિલજી યુવાનને ચાલ્યા જવા મૂંગો નિર્દેશ કર્યો. સત્તા પાસે શાણપણ શું કામનું ? એ યુવાન ચાલ્યો જાય છે. બરાબર એક જુમ્મા બાદ બીજા જુમ્માએ ફરી હાજર થાય છે. ફરી કુરનિશ કરી ચાકરી માગે છે.

દરબારીઓ પૂછે છે, 'પાસે કોઈ જાગીર છે ?'

'હા, અસલ અરબી ઓલાદનો ઘોડો એ મારી જાગીર છે.'

'કંઇ હથિયાર ખરા ?'

'હા હજૂર, આ એક તલવાર બીજી સીનામાં રહેલી હિંમત અને હિકમત.'

સહુ હસે છે ને બાદશાહ શહાબુદ્દીન એને ચાલ્યા જવા ઇશારો કરે છે. 'હાય રે દુર્ભાગી જુવાન, મામુલી લોકો પણ અહીંથી રત્ન, હીરા ને માણેકનો સરપાવ પામીને જાય છે, ને તું તો રોજ પગ ઘસતો પાછો ફરે છે !'

પણ આ પણ એક પ્રયત્ન છે ને ! યુવાન આ નિરાશાઓને નિષ્ફળતાઓને પોતાનું કોઈ દુર્ભાગ્ય માનતો નથી. કિસ્મતના ગંદા વસ્ત્રને એ પુરુષાર્થના સાબુથી વિશેષ સ્વચ્છ કરતો રહે છે. આજ નહિ તો વળી કાલ સહી !

વળી એક દિવસ કુરનીશ બજવી એ યુવાન હાજર થાય છે. સુલતાન તો મજાક કરે છે. તેના દરબારીઓ પણ કરે છે. એક દરબારી આકરો, સીધો સવાલ પૂછે છે, 'નોકરી લઇ શું કરવા ચાહો છો ?'

'હિંદુસ્તાન પર ચઢાઈ ?'

'ચઢાઈ કરીને શું હાંસલ કરવા માંગો છો ?'

'ઇસ્લામનો પ્રચાર, ગોગજિસ્તાનનો વિસ્તાર, મંદિરની મસ્જિદ, કાફરને ગુલામ અને ત્યાંનું ધન અહીંના ખજાનામાં. નાના મોઢે મોટી વાત નહીં કરું પણ મારા દિલમાં અનેક હસરતો ભરી પડી છે.'

'તાલેવંત દેશ છે. તમને ખરીદી નહિ શકે ?'

'જાણું છું. પણ મારા મનમાં મહમદ ગજનીના એ શબ્દો હજી યાદ છે. જે એમણે ગુજરાતના સોમનાથ મંદિરમાં કહ્યા હતા. બુતપરસ્તીને નાબૂદ કરવા જ્યારે એમણે હથોડો ઊંચો કર્યો ને પૂજારીઓએ હજારો દીનાર ને ઢગલાબંધ સોનું ધર્યું ત્યારે તેમણે એટલો જ સવાલ વાળ્યો. મૂર્તિ તોડનાર છું મૂર્તિ વેચનાર નથી.'

'શાબાશ જવાન ! ખિલજી કોમ માટે મને અભિમાન છે. ભારતના રાય પિથોરા સામે લડતા રજપૂતો મારા પર હલ્લો લઇ આવ્યા. ભયંકર હલ્લો, એક ઘડીનો વિલંબ થાત તો હું શહાદતને પામત. પણ એક ખિલજી સિપાહીએ મને બચાવી લીધો. પછી તો મેં એ લોકોના દાંત ખાટા કરી નાખ્યા. ને કુતુબુદ્દીનને સૂબો નીમી હું ગજની પાછો આવ્યો.'

'આપના કદમ તળે ફતેહના સિક્કા છે. હજૂર આપની વાત જુદી છે. બાકી હું પણ જંગનો એક જાદુગર છું, એ મારે બતાવવું છે.'

'હં, અધૂરી વાત પૂરી કરું. પૃથ્વીરાજને મેં માર્યો, અજમેર, હાંસી, સરસ્વતી, દિલ્હી ને અલીગઢ કબજે કર્યા, પણ કનોજનો જયચંદ ખાલી ફિતૂર કરતો હતો. એને પણ વાતવાતમાં દબાવ્યો. પણ અજબ નીકળ્યા ગુજરાતીઓ ! કુતુબુદ્દીને ગુજરાત પર ચડાઈ કરી,પણ એ લોકોએ એવો સામનો કર્યો કે ખુદ કુતુબુદ્દીનને પાછા ફરવું પડયું ને દોડીને અજમેરના કિલ્લામાં છુપાઈ ગયો.'

'હજૂર ! દુશ્મનનો કિલ્લો ને એમાં રહીને દુશ્મનનો સામનો, અજમેર તો સાથે જીતેલું ને !'

'જરૃર ! પણ બહાદુર છોકરા ? અજમેરથી મદદ માટે ખત આવ્યો, હું અહીંથી લશ્કર લઇ મદદે ગયો પણ ઉસ્તાદના બચ્ચા ગુજરાતીઓ, ખુદ મને ઘાયલ કરી દીધો. કુતુબુદ્દીન અને સરદારોએ મને સારવાર સાથે આરામ લેવાનું કહ્યું આજે આરામ લઇ રહ્યો છું. બાગડૌર કુતુબુદ્દીનને સોંપી છે.'

'તો હજૂર ! ગુજરાતને ફતેહ કરવાનું કામ આ નાચીજ ગુલામને સોંપો ! એક વાર મારી જાદુગરી તો જુઓ.' બખતિયારે કહ્યું.

'છોકરા ! કુતુબુદ્દીને ગુજરાત પર આખરે ફતેહ કરી છે. અને વધારામાં ગ્વાલિયર પણ જીતી લીધું છે.' સુલતાન શાહબુદ્દીને કહ્યું.

'તો મને કંઇ હુક્મ ?'

'તું હિંદુસ્થાન જા. કુતુબુદ્દીનને મળ. તારી સેવા શાહી દફતરમાં નોંધાઈ જશે. વારુ, તારે કેટલાં હથિયાર ને કેટલું લશ્કર જોઇશે ?'

'હજૂર ! એક પણ હથિયાર નહીં, એક પણ શાહી સિપાહી નહીં. આપ ટૂંક સમયમાં મારી કમાલ જોશો.'

સુલતાને એની પીઠ થાબડી ને આ નવજુવાન સિપાહી પોતાના થોડા મિત્રો સાથે હિંદમાં આવવા રણની રેતીમાં ને વાવંટોળોમાં ગુમ થઇ ગયો.

થોડે દિવસે એ યુવાન બખ્તિયાર ખિલજી હિંદમાં હતો. દિલ્હીમાં ગોરી બાદશાહના સૂબા કુતુબુદ્દીન ઐબકને મળ્યો. ઐબકે સત્તાવીશ મંદિરોના ભગ્નાવશેષોમાંથી એક મિનાર ખડો કરી રહ્યો હતો.

બખ્તિયાર તેના દરબારમાં ગયો અને ભેટ-મુલાકાત કરી. ગોર ગજિસ્તાનના બાદશાહ શહાબુદ્દીન તરફથી અહીં સમાચાર આવી ગયા હતા. ખુદ બાદશાહની નોંધ હતી કે યુવાન બખ્તિયાર અજબ ભેજાનો લાગે છે, આગળ વધવાની સહુ સહુલિયત આપશો. આવા યુવાનો સલ્તનતની સાચી તાકાત છે.

કુતુબુદ્દીને પૂછ્યું, 'શું ચાહો છો ?'

'ચંદ રોજ માટે આપણા જાણીતા સિપેહસાલાર સાથે ગુફ્તગૂ.'

'અચ્છા.'

વળી થોડા દિવસે ફરી હાજર થયો. કુતુબુદ્દીને પૂછ્યું, 'હવે શું ચાહો છો ?'

'થોડા દિવસની મુસાફરી.'

'વારુ રજા છે. રસદ અને નાણાં મળી જશે.'

વળી થોડા દિવસે યુવાન હાજર થયો.

કુતુબુદ્દીને પૂછ્યું, 'શું માગે છે યુવાન ?'

'માગું છું શાહી રુક્કો ! હિંદુસ્તાનનો પૂર્વ ભાગ જીતવા માગું છું. મારે લશ્કર જોઈતું નથી. બાકી, મારી પાસે બસો મિત્રો છે. જાંનિસાર છે. એક હજારને આંબે એવા છે. દીનપરસ્ત છે. ફક્ત તેમના માટે ખાધા ખોરાકીનો સામાન માગું છું.'

'હમણાં જ શાહી હુક્મ મળી જશે. જાઓ, ફત્તેહ કરો.' કુતુબુદ્દીને કહ્યુ.

'મારી પાસે પાંચ સિપાહી હોય તો ય ફત્તેહ છે. આ મધ (મગધ)માં કેટલાં બધાં બુતો છે. તે કેટલી ભયંકર બુતપરસ્તી અહીં ચાલે છે. પથ્થર કોઈ દેવતા વગરનો નથી. ને ઇમારત કોઈ દેવાલય નથી. ખુદાએ કેમ રહમ રાખી તે સમજાતું નથી. પણ કદાચ એ દીનપસંદ કાર્ય બંદા માટે રાખ્યું હોય, અચ્છા સલામ માલેકુમ !'

'માલેકુમ સલામ ! યુવાન ! આપણું કૌવત આ હિંદુ રાજાઓના કુસંપોમાં છે. અને આપણા ધર્મનો પ્રચાર આ જનતાના જાતિબંધનમાં છે. એ વાત ન ભૂલીશ. બાકી દો દીન ફત્તેહ છે.'

ફક્ત બસો માણસોનું લશ્કર લઇ યુવાન બખ્તિયાર ખીલજી મગધ દેશ પર ચડી ગયો. જ્ઞાાનમંદિરો ને ધર્મમંદિરોથી ભરચક મગધમાંથી કર્મમંદિરો-રણશાળાઓ, ને શસ્ત્રાગારો દૂર થઇ ગયાં હતાં. બ્રાહ્મણો બૌદ્ધના શત્રુ હતા, બૌદ્ધ બ્રાહ્મણનો !

રાજા અનેક હતા. રાજ્યો ઘણાં હતાં. પણ સહુને એક કરનાર રાષ્ટ્ર નહોતું. બ્રાહ્મણ માર ખાઈને ભાગતો છતાં માર્ગમાં મળતા બૌદ્ધને ચેતવતો નહીં. એકબીજાના દેવાલય પહોંચવા માટેની ટૂંકી કેડી બતાવતા.

પરદેશીઓને પગલે પગલે પૂરવઠો મળી રહેતો. દેવાલયો રત્ન, સુવર્ણ ને ચાંદીના ભંડારો હતા. દેવો ભોગ અને ભંડારોમાંથી નવરા પડતા નહોતા. પૂજારીઓ શાસ્ત્રવચનો પર આધાર રાખીને બેફિકર હતા. વિદ્વાનો ગ્રંથોના મર્મો ઉકેલવામાં ડૂબેલા હતા. ધર્મો વાદવિવાદોમાં ખૂંપેલાં હતા અને માત્ર બસો માણસોનું લશ્કર લઇને આવેલા યુવાન બખ્તિયાર ખિલજીએ નાલંદાનો ધ્વંસ કર્યો. મંદિરો અને મઠોને ધરાશાયી કર્યા. રાજાઓ અંદરોઅંદર લડવામાંથી ઊંચા આવતા નહોતા.

એક ધર્મ બીજા ધર્મને પરાજિત કરવા પ્રપંચ ખેલતો હતો. અનુયાયીઓ આંખે અંધશ્રધ્ધાના પાટા બાંધીને બેઠા હતા. નાલંદા નાશ પામ્યું. ધર્મો વચ્ચેનાં ઝઘડાઓ, રાજાઓની હોંસાતુંસી, જાતિ-જાતિ વચ્ચેના ભેદનો અહંકાર અને પ્રજાના કુસંપની કહાણીએ ભારતની વિદ્યાના કીર્તિકળશ નાલંદાને નષ્ટ-ભ્રષ્ટ કર્યું.

એનાં ખંડેરો આજે દેશની પ્રજાને ચેતવે છે. શું તમે આજે ફરી એ ઇતિહાસનું પુનરાવર્તન તો કરતા નથી ને !

પ્રસંગકથા

ન ભણતર, ન ગણતર

નવોદિત લેખક અને સંપાદક વચ્ચે નવલકથાના નામ વિશે તીવ્ર વિવાદ સર્જ્યો. નવોદિત લેખક પોતાની નવલકથાનું નામ 'રોશનીનું રહસ્ય' રાખવા ઇચ્છતો હતો, પરંતુ સંપાદકને 'રોશની' શબ્દ સાથે 'રહસ્ય' શબ્દનો મેળ સહેજે પસંદ નહોતો, તેથી એમણે એ નામનો સ્પષ્ટરૃપે અસ્વીકાર કર્યો.

નવલકથા-લેખકે બીજું શીર્ષક 'પ્રકાશના પંથે' એવું કહ્યું. તો સંપાદકે કહ્યું કે આ રોમાંચક હૃદયદ્રાવક પ્રણયકથા માટે યોગ્ય શીર્ષક નથી. આવું શીર્ષક તો કોઈ યોગીની આધ્યાત્મિક કથા હોય તો ચાલે.

આમ લેખક જે કોઈ શીર્ષક પસંદ કરે, એને સંપાદક અમાન્ય કરે. એવામાં એક અનુભવી લેખક આવ્યા.

એમણે આ વિવાદની વાત સાંભળીને નવોદિત લેખકને પૂછ્યું, 'તમારી આ નવલકથામાં ક્યાંય ઢોલનો ઉલ્લેખ છે ખરો ?'

નવોદિત લેખકે કહ્યું, 'આમાં પ્રણયની વાત છે ખરી, પણ લગ્નની વાત નથી. માટે ક્યાંય ઢોલનો ઉલ્લેખ નથી.'

અનુભવી લેખકે પૂછ્યું, 'ક્યાંય નગારાનો ઉલ્લેખ છે ખરો ?'

નવોદિત લેખકે કહ્યું, 'ના, ક્યાંય નગારાનો ઉલ્લેખ પણ આવતો નથી.'

અનુભવી લેખકે કહ્યું, 'તો આ નવલકથાનું શીર્ષક 'ન ઢોલ, ન નગારા' રાખો.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે નવલકથાના શીર્ષકમાં જે નથી આવતું તેનો ઉલ્લેખ કરવામાં આવે છે, એ જ રીતે આજે શિક્ષણની ઘણી ચર્ચા, વિચારણા અને ચિંતન કરવામાં આવે છે પણ હકીકતમાં આમાનું કશું વાસ્તવમાં હોતું નથી. સાક્ષરતાના આંકડાઓ એ દેશના વ્યક્તિની સરેરાશ વાર્ષિક આવકના આંકડાઓ જેવા બહુરૃપી છે.

હમણાં પ્રગટ થયેલા 'એન્યુઅલસ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ'માં કહ્યું છે કે ગામડાંની સ્કૂલોના આઠથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓમાંથી ચોથા ભાગના વિદ્યાર્થીઓ પૈસા ગણી શક્તા નથી અને ચાલીસ ટકા વિદ્યાર્થીઓ કલાક-મિનિટનો સમય બતાવી શક્તા નથી. એના સર્વેમાં ગામડાંઓના ઇલાકાઓમાં ૧૪થી ૧૮ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ પાસે બુનિયાદી માહિતી પણ નથી.

૧૪ ટકા વિદ્યાર્થીઓ એમના દેશનો નકશો ઓળખી શક્તા નથી. ૩૩ ટકા વિદ્યાર્થીઓને ખબર નથીકે તેઓના રાજ્યનું નામ શું છે અને ૩૬ ટકાને દેશની રાજધાની ક્યાં છે એની જાણ નથી. આજે સાક્ષરતાના મોટા-મોટા આંકડાઓ આપવામાં આવે છે, પરંતુ એ સાક્ષરતાની કોઈ કસોટી થતી નથી અને સરકાર પણ ધીરે ધીરે શિક્ષણનું ખાનગીકરણ કરીને પોતાની જવાબદારી બીજાના શિરે ઢોળી રહી છે !

આજની વાત

બાદશાહ: બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ : જહાંપનાહ, ભારતની પાસે તમામ પ્રશ્નનો એક રામબાણ ઉપાય છે. કોઈ પણ સમસ્યા સામે આવે એટલે તત્કાળ સી.બી.આઈ.ને તપાસ સોંપી દેવી અથવા તો એક તપાસ સમિતિની નિમણૂંક કરવી.

બાદશાહ : ક્યા ખૂબ !

બીરબલ : જહાંપનાહ, આ બધી તપાસ ખૂબ દીર્ઘાયુષી હોય છે ! એ એટલો લાંબો સમય ચાલે છે કે એનો ચુકાદો કે પરિણામ આવે, ત્યારે એ ઘટના કે સમસ્યા સાવ અપ્રસ્તુત બની ગઇ હોય છે !
 

Post Comments