Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ

નિદ્રાખોર કરતાં નિંદાખોર વ્યકિત વધુ ખતરનાક છે નિંદાખોર વ્યકિત તો સ્વ અને પર સહુનું અહિત કરે !!

કોઈ તમારી દાનવૃત્તિની જોરદાર પ્રશંસા કરે તો આત્મનિંદા જાતની ખામી જોવાની વૃત્તિ તમને એ વિચારો દ્વારા અહંકાર મુક્ત રાખશે કે ' હું દાન ભલે મોટાં કરું છું. પરંતુ મારામાં નામનાની લાલસા કેટલી બધી ભરી છે એ તો હું જ જાણું છું. લોકોની પ્રશંસાથી મારે ફુલાઈ જવાની જરૃર નથી

સંસ્કૃત ભાષાની એક કરામત એવી મજાની છે કે એમાં એક શબ્દના અલગ અલગ અનેક અર્થ થઈ શકે. એવી અલગ અર્થો કે જાણે એક-બીજા સાથે સ્નાન- સૂતકનો પણ ત્યાં સંબંધ ન હોય. જેમ કે 'ગો' શબ્દ. આ શબ્દનો પ્રસિદ્ધ અર્થ છે ગાય. આનાથી સાવ અલગ અને લગભગ અપ્રસિદ્ધ હોય તેવો 'ગો' નો બીજો અર્થ છે વાણી. આ બન્ને અર્થનો સરસસંદર્ભ ગૂંથીને એક સુભાષિત શ્લોક આવો રચાયો છે કે :

યદીચ્છસિ વશીકર્તુ, જગદેકેન કર્મણા ;
પરાપવાદસસ્યેભ્ય ; ચરન્તીં ગાં નિવારય.

ભાવાર્થ કે જો તું એક જ પ્રવૃત્તિ દ્વારા જગતને- સંપર્કમાં આવતા લોકોને વશ કરવા ચાહતો હોય તો પરનિંદારૃપ ઘાસ ચરતી વાણીરૃપ ગાયને નિયન્ત્રિત કર- અટકાવી દે. એક જ 'ગો' શબ્દના અલગ અલગ બે અર્થ કરીને આ શ્લોક પરનિંદાથી દૂર રહેવાનો જે નિર્દેશ કરે છે એજ નિર્દેશ કરે છે 'માર્ગાનુસારી' કક્ષાના જીવોનો છટ્વો ગુણ.' યોગશાસ્ત્ર' ગ્રન્થકર્તા આ છટ્વાગુણ અંગે 'અવર્ણવાદી ન ક્વાપિ' શબ્દો લખીને ફરમાવે છે કે માર્ગાનુસારી કક્ષાનો જીવ ક્યાં ય કોઈની નિંદા-ટીકા ન કરે.

ભલે ને સામી વ્યકિતની કક્ષા જદ્યન્ય હોય- મધ્યમ હોય કે ઉત્તમ હોય. તો ય એની ખામીઓ આપણે એટલે ગાવી ન જોઈએ કે એનાથી આપણને બાહ્ય- અભ્યંતર અનેક નુકસાન થાય. સ્વોયજ્ઞા ટીકામાં પરનિંદાનું એક ખતરનાક નુકસાન એ દર્શાવાયું છે કે એનાથી ક્રોડો ભવોપર્યત જલ્દી ક્ષીણ ન થાય તેવું નીચ ગોત્રકર્મ બંધાઈ શકે છે. આપણે અહીં પરનિંદા સાથે આત્મનિંદા પણ સંલગ્ન કરીને ત્રણ સ્તરની સરસ વિચારણા કરીએ :

૧) સીસાના રસ જેવી નિંદા : સીસું એવો જાલિમ- ભયાનક પદાર્થ છે કે જો આગમાં ધગધગાવીને એનો રસ પીવડાવવામાં આવે તો પ્રાણો તો તત્ક્ષણ ખતમ થઈ જ જાય, પરંતુ પીડા પણ જીવતેજીવ નર્કની થાય.

' સજા- એ મૌત'નો સૌથી ખતરનાક- જલદ પ્રકાર આ સીસાનાં ધગધગતા રસનાં પાનનો છે. દેવ- ગુરુ- ધર્મશાસનની નિંદા આ સીસાના રસનાં પાન જેવી સૌથી ખતરનાક- સૌથી જલદ છે.  'યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રન્થમાં જણાવાયું છે કે સામાન્ય- સરેરાશ વ્યકિતઓની નિંદા પણ જો સજ્જન વ્યકિતએ કરવી ઉચિત નથી, તો ઉત્તમ- આર્ય વ્યકિતઓની નિંદા તો જરાય ઉચિત નથી. એ જિહ્વાછેદનથી ય વધુ નુકસાનકારી બને છે.

એક જૈનેતર ગ્રન્થમાં જરા અલગ અંદાજમાં આ વાત જણાવાઈ છે કે જ્યાં ઉત્તમ ગુરુજનોની નિંદા થતી હોય ત્યાં ( જો કાંઈ ન થઈ શકે તો) કાન બંધ કરી દેવા અને અન્યત્ર ચાલ્યા જવું : ''કર્ણૌતત્ર પિધાતવ્યૌ, ગન્તવ્યં ચ તતોડન્યત :'' કેમ કે આવી નિંદા કરીએ નહિ- માત્ર સાંભળીએ તો પણ એ નિંદક વ્યકિતને પ્રોત્સાહનરૃપ બની જાય. દેવ-ગુરુ-ધર્મની નિંદા પ્રત્યે કેવો પ્રતીકારક અભિગમ હોવો જોઈએ એ જાણવું છે ? તો વાંચો આ સત્ય ઘટના :

અમારી યશસ્વી ગુરુપરંપરાના શિરતાજ તપાગચ્છાધિરાજ શ્રીમાન ગણિવર્ય મુક્તિ- વિજ્યજી (મૂલચંદજી) મહારાજ. ભાવનગર વિસ્તારની જૈન પ્રજા પર એમનો જબરજસ્ત પ્રભાવ. એકવાર કોઈ જૈન ગૃહસ્થે એમની પાસે આવીને કહ્યું : ''મહારાજશ્રી, આપનું ચારિત્રપાલન બહુ ઊંચુ હો.'' ''કેમ ?'' ''હું જોઉં છું કે આપ સ્થંડિલભૂમિથી પરત આવો છો ત્યારે એક જ કાચલી જેટલા પાણીથી પગ ધોઈને ઉપાશ્રયમાં પ્રવેશો છો. જ્યારે થોડા સમય પૂર્વે અમૂક મહારાજ આવ્યા હતા એ આવી જ સ્થિતિએ પગ ધોવામાં એક લોટા જેટલું પાણી વાપરતા હતા.  સાચા સંયમી તો પાણી પણ અત્યલ્પ જ વાપરે ને ? '' મુક્તિ વિજ્યજી સમજી ગયા કે આ વ્યકિત નિંદાખોર છે.

મારી પ્રશંસાની આડમાં એ હકીકતે તો અન્યની નિંદામાં જ ઉત્સુક છે. એમણે ઠંડે કલેજે કાલ્પનિક છતાં કાતિલ ઉત્તર આપ્યો કે '' ભાઈ ? લાગે છે કે ગત જન્મમાં પેલા મહારાજ બ્રાહ્મણ હશે, હું મુસ્લિમ હોઈશ અને તું સફાઈ કામદાર હોઈશ.'' ચમકી જઈને પેલી વ્યકિત બોલી : '' કેમ એમ ?'' '' બ્રાહ્મણપણાની આદતનાં કારણે પેલા મહારાજ પાણી વધુ વાપરતા હશે, મુસ્લિમપણાની આદતનાં કારણે હું પાણીનો અત્યલ્પ ઉપયોગ કરું છું અને સફાઈ કામદારપણાની આદતનાં કારણે તું દુનિયાભરની મેલી-નબળી બાબતો તરફ જ નજર નાંખ્યા કરે છે !!'' પેલા મહાશયની હાલત 'કાપો તો લોહી ન નીકળે' તેવી થઈ ગઈ...

'આવશ્યકનિર્યુકિત' ગ્રન્થમાં એક વિચારપ્રેરક પદાર્થ છે કે સમ્યક્ત્વપ્રાપ્તિ પછી ય કેટલાક જીવોને મોક્ષપ્રાપ્તિ અતિ વિલંબે થાય છે એનાં મૂળમાં દેવ-ગુરુ વગેરે તારક તત્ત્વો પ્રત્યેની આશાતના-નિંદા વગેરે હોય છે : ' આસાયણબહુલાણં, ઉક્કોસં અંતર હોઇ.'

૨) ઝેર જેવી નિંદા : ઝેર પણ વ્યકિતને ખતમ તો કરે જ છે, પરંતુ એ ધગધગતા સીસાના રસની જેમ વ્યકિતને ભયાનક ખોફનાક કાતિલ મોત નથી આપતું. એ પહેલા કરતાં થોડું હળવું છે. બસ, એ જ રીતે આ બીજો નિંદા પ્રકાર પણ નુકસાન તો કરે જ છે. પરંતુ પ્રથમ પ્રકાર કરતાં એ થોડો હળવો છે. પહેલા પ્રકારમાં આત્મિક ઉપકારી તારક તત્ત્વોની નિંદાની વાત હતી, તો આ બીજા પ્રકારમાં સરેરાશ જીવોની નિંદાની વાત છે. આવી નિંદાના પણ અનેક પૈકી કેટલાક નુકસાનો નિહાળીએ :

પ્રથમ નુકસાન એ કે એનાથી વ્યકિતનું ખુદનું જીવન દૂષિત બને. કીચડમાં રમ્યા કરતું ડુક્કર જેમ કીચડથી ખરડાયેલું રહે, એમ અન્યોના દોષો જોવામાં અને બોલવામાં રાચતી વ્યકિતનું અંત:કરણ અને જીવન પણ તે તે દોષોથી ખરડાયેલું- દૂષિત રહે. માત્ર એ પોતે જ શા માટે ? નબળી વાતો નિંદારૃપે અન્યોને સંભળાવવા દ્વારા નિંદક વ્યકિત અન્યોનાં જીવનને પણ દૂષિત કરતી હોય છે.

એથી જ એક સ્થળે સચોટ વિધાન કરાયું છે કે નિદ્રામય વ્યકિત કરતા નિંદામય વ્યકિત વધુ ખતરનાક છે. કારણકે નિદ્રા થકી વ્યકિત માત્ર પોતાનું હિત ગુમાવે છે, જ્યારે નિંદા થકી વ્યકિત સ્વ-પર ઉભયનું હિત ખતમ કરે છે. એક

સંસ્કૃત શ્લોકમાં બહુ પરાકાષ્ઠાની વાત કરી છે કે :
ન પાપં પાપિનાં બ્રૂયાત, તથા પાપમપાપિનામ્,
સત્યેન તુલ્યદોષી સ્યા- દસત્યેન દ્વિદોષભાક્.

આદિત્યપુરાણનો આ શ્લોક કહે છે કે પાપી વ્યકિતના પાપની પણ નિંદા ન કરો અને નિષ્પાપ- નિર્દોષ વ્યકિતમાં દોષ-પાપ કલ્પીને એની ય નિંદા ન કરો. જો સામી વ્યકિત પાપી- દોષિત હશે અને તમે એની નિંદા કરશો તો તમે બન્ને તુલ્યદોષી થશો : એનામાં પાપનો દોષ અને તમારામાં નિંદાનો દોષ. અગર જો સામી વ્યકિત નિર્દોષ હશે અને તમે એની નિંદા કરશો તો તમે બેગણા દોષિત ઠરશો : એક નિંદાનો દોષ અને બીજો ખોટું આળ-કલંક ચડાવ્યાનો દોષ !!

નિંદાનું બીજું નુકસાન એ છે કે એનાથી વ્યકિતની છાપ નકારાત્મક બને. જે વ્યકિત અન્યોની નિંદા- ટીકા કર્યા કરતી હશે કે સતત ટીકાત્મક લખાણ કર્યા કરતી હશે એ વ્યકિતની સામે કદાચ ભલે કોઈ નહિ બોલે. પરંતુ એની પીઠ પાછળ એવા પ્રતિભાવ સર્જાયા કરશે કે ' આ સાવ ખંડનાત્મક છે- નિંદાખોર છે. એને તો બધે પીળું જ નકારાત્મક જ દેખાય છે.' વર્ષો બાદ જ્યારે વ્યકિતને પોતાની આ નકારાત્મક છાપનો ખ્યાલ આવે ત્યારે ઘણીવાર એને પશ્ચાત્તાપ પણ થતો હોય છે. નિંદાખોર વ્યકિતની છાપ કેવી નકારાત્મક તુર્ત જ બની જાય એ જાણવું છે ? તો વાંચો આ રસપ્રદ કથા :

ગામબહાર કુટિરમાં શિષ્ય સાથે સાધના કરતાં સંત પાસે એક દિવસ કોઈ પ્રવાસીએ આવીને પૂછયું : '' હું આ ગામમાં કાયમી વસવાટ કરવા ચાહું છું. આ ગામ માટે આપનો અભિપ્રાય શું છે ?'' સંતે પ્રતિપ્રશ્ન કર્યો : '' તું જે ગામમાંથી આવ્યો એ કેવું હતું ?'' ''એ ગામની કાંઈ વાત જ કરવા જેવી નથી. ત્યાંના લોકો એક નંબરના સ્વાર્થી - આળસુ- પારકી પંચાત કરનારા છે. મારા જેવાને ત્યાં રહેવું યોગ્ય ન હતું. એટલે જ ગામ ખાલી કર્યું.'' સંતે હવે અભિપ્રાય આપ્યો : 'અચ્છા, તો આ ગામ પણ એ ગામ જેવું જ છે. અહીં તારા જેવાનો વસવાટ યોગ્ય નથી.' પેલી વ્યકિત ચાલી ગઈ.

થોડા દિવસ બાદ અન્ય એક પ્રવાસીએ આવીને સંતને આવો જ પ્રશ્ન કરતાં સંતે પણ એ જ પ્રતિપ્રશ્ન કર્યો. પેલી વ્યકિતએ કહ્યું : 'મહાત્મન, મારા ગામના લોકો તો એવા ગુણિયલ હતા કે વાત ન પૂછો. ગામની દરેક વ્યકિત પરગજુ- ઉદ્યમી- પોતાનાં કાર્યોમાં મસ્ત હતી. સાચું કહું તો મારી યોગ્યતા એ લોકો કરતાં ઓછી હોવાથી જ મેં એ ગામ છોડયું છે.' સંતે અભિપ્રાય આપ્યો :' આ ગામ તમારા માટે બિલકુલ લાયક છે. તમારે અહીં જ વસવું યોગ્ય છે.'' એણે એમ કર્યું.

બન્ને પ્રસંગોમાં ઉપસ્થિત શિષ્યે એકાંતમાં પૂછયું : '' આપે બન્ને કિસ્સામાં અલગ અલગ અભિપ્રાયો કેમ આપ્યા ? એનાથી પેલી સારી વ્યકિત આ ગામમાં ન વસી.'' સંતે સ્મિત વેરતા ઉત્તર આપ્યો : ''વત્સ, પહેલો પ્રવાસી ખરેકર નિંદાખોર અને દુર્ગુણનો ભંડાર હતો. એથી એણે હમવતનીઓના દોષો જ ગાયા હતા. આવી વ્યકિત આ સજ્જનોના ગામમાં રહે તો સજ્જનો બગડી જાય. માટે મેં એને અલગ ઉત્તર આપી વિદાય કરી દીધો. જ્યારે બીજી વ્યકિત ગુણવાન હતી.

એના શબ્દોમાં પોતાના ગામજનો પ્રત્યે પ્રશંસા હતી અને જાત પ્રત્યે લઘુતા હતી. આવી વ્યકિતથી આ ગામના સજ્જનો વધુ સારા બને એ માટે મેં એને અલગ ઉત્તર આપીને આગામમાં વસાવ્યો ?? '' ધ્યાનથી વાંચીશું આ કથા, તો એ સમજાશે કે પ્રથમ વ્યકિતના નિંદાખોર સ્વભાવનાં કારણે સંતનાં મનમાં એની છાપ તુર્ત જ નકારાત્મક ઉપસી અને એને વિદાય કરી દેવાયો...

ત્રીજું નુકસાન એ છે કે નિંદા આગળ જતાં વ્યકિતનાં જીવનમાં એવી આદતરૃપે ગોઠવાઈ જાય કે વ્યકિતને એવું મહેસૂસ પણ ન થાય ' હું નિંદા કરું છુ.' 'નિંદારસ: સર્વરસ- પ્રધાન :' આ સંસ્કૃત કટાક્ષપંક્તિ એમ કહે છે કે કેરીના રસ કરતાં ય નિંદાનો રસ મધુર લાગતો હોય છે. આ રસમાં લુબ્ધ વ્યકિત પાછી સફાઈ પેશ કરે કે ' આપણે ક્યાં કોઈની નિંદા કરવી ? મને એવું બધું પસંદ નથી.

આ તો જે જોયું એ કહ્યું,' સફાઈ પેશ કરીને નિંદા કરનારાની ઝલક એક રમૂજ કથામાં આમ ઝિલાઈ છે :'' રમેશે મહેશને કહ્યું કે પેલો સુરેશ એના ભાઈ વિશે કેવું એલફેલ બોલ્યા કરે છે. મને એ પસંદ ન આવે. બાકી મારો ભાઈ પણ લુચ્ચો- સ્વાર્થી- બદમાશ છે. તો ય હું ક્યાં કહું છું કોઈને ?''

આવાં આવાં નુકસાનો કરતી હોવાથી નિંદાનો ત્યાગ 'માર્ગાનુસારી' કક્ષાના જીવોમાં જણાવાયો છે. યોગશાસ્ત્રકારે ત્યાં સાથે જ લખ્યું છે કે ' રાજાદિષુ વિશેષન :'' મતલબ કે રાજા વગેરે સત્તાધીશોની નિંદાથી ખાસ બચવું. પ્રાચીનકાળના સંદર્ભમાં લખાયેલ આ વચનનો સાર એ છે કે સત્તાધીશ રાજા વહેરે વિફરે તો આ લોકનાં મોટાં નુકસાનો કરી શકે તેમ હોવાથી એની નિંદાથી દૂર રહેવું. આજના લોકશાહી યુગમાં ય આ વચન અમૂક રીતે સાર્થક છે...

૩) અમૃત જેવી નિંદા : નિંદા અને એ અમૃત જેવી ? આ વાત પ્રથમ દૃષ્ટિએ જરાય બંધ બેસતી ન લાગે. પરંતુ આ કક્ષામાં પરનિંદાની નહિ, આત્મનિંદાની- જાતની ખામીના નિખાલસ એકરારની વાત છે. એ તો અવશ્ય આત્મસુધારણા- અહંકારમુક્તિ- સમર્પણ શીલતા વગેરે વિવિધરૃપે લાભદાયી છે.

ઉદાહરણરૃપે ૧) પોતાના બેકાબૂ ગુસ્સારૃપ દોષની નિંદા- નિખાલસ સ્વીકાર વ્યકિતને ધીમી-મક્કમ ગતિએ પણ એ સુધારણાસ્તરે લઈ જશે કે જેમાં ક્રોધ મહદંશે કાબૂમાં આવે. ૨) કોઈ તમારી દાનવૃત્તિની જોરદાર પ્રશંસા કરે તો આત્મનિંદા જાતની ખામી જોવાની વૃત્તિ તમને એ વિચારો દ્વારા અહંકાર મુક્ત રાકશે કે ' હું દાન ભલે મોટાં કરું છું.

પરંતુ મારામાં નામનાની લાલસા કેટલી બધી ભરી છે એ તો હું જ જાણું છું. લોકોની પ્રશંસાથી મારે ફુલાઈ જવાની જરૃર નથી. ૩) આત્મનિંદા- જાતની ખામી જોવાની વૃત્તિ એ ભાવ ઉત્પન્ન કરશે કે દેવ-ગુરુ પ્રત્યે જેટલો હું સમર્પિત થઈશ એટલી એમની કૃપા વિશેષ મળશે અને જેટલી કૃપા વિશેષ મળશે એટલી મારી ખામી- મારા દોષો જલ્દી જશે.

છેલ્લે એક મજાની વાત : છોડવા જેવા અવર્ણવાદ, કરવા જેવા ગુણાનુવાદ અને મેળવવા જેવા આશીર્વાદ.

આચાર્ય વિજયરાજરત્નસૂરિ


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments