Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અદિતિ રાવ હૈદરી : ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાની અબળખા નથી

અદિતિને આ ફિલ્મ  મળી તેનો યશ તે જયા બચ્ચનને આપે છે. તે કહે છે કે જયા બચ્ચને સંજય લીલા ભણશાળીને મારા નામની ભલામણ કરી હતી.

હિન્દી ફિલ્મોદ્યોગમાં અસંખ્ય વખત એવું જોવા મળ્યું છે કે શાળામાં અભ્યાસ કરતી કોઇક કન્યા હિન્દી ફિલ્મની કોઇક હીરોઇનને સરસ મઝાના ગીત પર નૃત્ય કરતી   કે પછી અત્યંત આકર્ષક વસ્ત્રાભૂષણોમાં સજ્જ  જૂએ એટલે તેને પણ તેની જેમ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા થઇ જાય. અને તે સિનેમામાં કામ કરવાના શમણાં જોતી જોતી જ મોટી થાય. 

અને મોટી થઇને તે પોતાનું આ  સપનું સાકાર પણ કરે. અદિતિ રાવ હૈદરી પણ આવી અભિનેત્રીઓમાંની એક છે. તેણે ૧૯૯૫માં રજૂ  થયેલી  ફિલ્મ 'બોમ્બે'માં મનિષા કોઇરાલાને  'કહના હી ક્યા.....'ગીત પર ડાન્સ કરતી જોઇ ત્યારે આ ડાન્સ  જ નહીં, મનિષાનો સફેદ લહંગા અને વચ્ચે પાથી પાડેલી હેર સ્ટાઇલવાળો દેખાવ તેના મનમાં ઘર કરી ગયા.

અને તે ફિલ્મોમાં કામ કરીને કોઇક વખત આવી  જ દેખાવાના શમણાં જોવા લાગી. મહત્વની વાત એ છે કે તેને મણી રત્નમ જેવા દિગ્ગજ ફિલ્મ સર્જકની ફિલ્મમાં ઓવો જ  લુક અપનાવવાની તક  પણ મળી. અલબત્ત, તે દક્ષિણ ભારતની ફિલ્મ હતી. વાસ્તવમાં તેણે તેની અભિનય કારકિર્દીનો આરંભ દક્ષિણ ભારતીય ફિલ્મોથી જ કર્યો હતો.

વર્ષ ૨૦૦૬માં તેની તમિળ ફિલ્મ 'શ્રૃંગાર' આવી.  જોક ે તેને ખરી ખ્યાતિ વર્ષ ૨૦૧૧ની ફિલ્મ 'યહ સાલી ઝિંદગી'થી મળી. ત્યાર બાદ તેણે 'રોક સ્ટાર', 'મર્ડર-૩', 'ખૂબસુરત' અને ' ફિતૂર'જેવી ફિલ્મો કરી. થોડા સમય પહેલા તેની સંજય  દત્ત સાથેની ફિલ્મ 'ભૂમિ' રજૂ થઇ.

અને હાલના તબક્કે તે સંજય લીલા ભણશાળીની બહુચર્ચિત ફિલ્મ' પદ્માવતી'મા ંકામ કરી રહી છે. તે કહે છે કે ઘણાં લોકો મને પૂછે છે કે સંજય લીલા ભણશાળી બહુ કડક ફિલ્મ સર્જક છે. તો તને તેમની  સાથે ફાવે છે? પરંતુ હું એમ કહું છું કે તેઓ ટાસ્કમેકર છે. તેઓ જે ધારે તે કરીને જ જંપે છે. તેમનામાં પોતાના કલાકારો પાસેથી કામ કઢાવવાની ગજબની આવડત છે.

અને જ્યાં સુધી જે તે કલાકાર તેમનું ધાર્યું કામ ન આપેત્યાં સુધી તેઓ તેનો કેડો નથી મૂકતાં. ખરેખર તો તેમની સાથે કામ કરનાર  કલાકારો એવા ઘડાઇ જાય કે તેમને ભવિષ્યમાં ક્યારેય મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વળી તમે પણ જો કલાકાર તરીકે આગળ આવવા માગતા હો તો સંજય લીલા ભણશાળીની વગોવણી નહીં, બલ્કે પ્રશંસા કરવી જોઇએ.

અદિતિને આ ફિલ્મ  મળી તેનો યશ તે જયા બચ્ચનને આપે છે. તે કહે છે કે જયા બચ્ચને સંજય લીલા ભણશાળીને મારા નામની ભલામણ કરી હતી. તે વધુમાં કહે છે કે એક સમયમાં મારી મમ્મી પણ જયા બચ્ચન જેવી લાગતી હતી. કદાચ ક્યાંક આ વસ્તુ કામ કરી ગઇ હશે. અભિનેત્રીને બચ્ચન દંપતિ પ્રત્યે ભારે માન છે. તેણે અમિતાભ બચ્ચન સાથે 'વઝિર'માં કામ પણ કર્યું છે.

તે કહે છે કે હું અમિતાભ બચ્ચનને 'બીએફજી', એટલે કે 'બીગ ફ્રેન્ડલી જાયન્ટ' કહું છું. જ્યારે રણબીર સિંહ સાથે પણ તેને સારું બને છે. તે કહે છે કે મેં અને રણબીરે પહેલી વખત ત્યારે  એકસાથે કામ કર્યું  હતું જ્યારે અમે બંને બેકાર હતા. તે જ્યારે કેમેરા સામે હોય ત્યારે સંપૂર્ણ રીતે પોતાના પાત્રમાં ખૂંપી જાય છે. પરંતુ જ્યારે કેમેરા સામે ન હોય ત્યારે બહુ મસ્તીતોફાન કરે અને આપણને હસાવે. 

જ્યારે 'ભૂમિ'માં સંજય દત્તની પુત્રીનો રોલ કરતાં કરતાં અદિતિ ખરેખર સંજય દત્તની દીકરી બની ગઇ હોય એવો તાલ જોવા મળે છે. તે કહે છે કે તેઓ અત્યંત સાલસ અને પ્રેમાળ છે. તેઓ પોતાની ભૂમિકા ખાસ કોઇ રીહર્સલ વગર જ ભજવી લે છે. અને મારા ઉપર પુત્રી જેવો પ્રેમ રાખે છે.

બોલીવૂડમાં કામ મેળવવા કલાકારો કંઇકેટલાય ગતકડાં કરતા હોય છે. પરંતુ અદિતિ આવું કાંઇ નથી કરતી. તે કહે છે કે હું ધીમા પણ મક્કમ પગલે આગળ વધી રહી છું. હું મારી ગરિમા જાળવીને કામ કરવા માગું છું. તેથી મારી શરતો પર કામ કરું છું.

બાકી કોઇ કલાકારનો સમય ક્યારેય એકસરખો નથી હોતો. અભિનેત્રીને બોલીવૂડમાં ચાલતા સગાંવાદ સામે પણ કોઇ વાંધો નથી. તે કહે છે કે કયું ક્ષેત્ર એવું છે જ્યાં સગાંવાદ નથી હોતો. તેમાં કાંઇ ખોટું નથી. વળી જે તે કલાકારને એક વખત તેના કુટુંબીજનો લોંચ કરે પછી તો તેણે સ્વબળે જ આગળ વધવાનું હોય છે.

અભિનેત્રી હૈદરાબાદના શાહી પરિવારમાંથી આવે છે. તે હૈદરાબાદના ભૂતપૂર્વ વડા પ્રધાન અકબર હૈદરીની પ્રપૌત્રી છે. આમ છતાં તે પોતાની રીતે સંઘર્ષ કરીને આગળ આવી છે. તે કહે છે ક ે મુંબઇમાં આવ્યા પછી મારી રાહ આસાન નહોતી. પરંતુ  હું સકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો સાથે રહીને ઉછરી છું.

અને સકારાત્મક  જ  વિચારું ુ છું. હું મુંબઇ આવી ત્યારે મને એમ લાગ્યું કે હું એક અજાણ્યા વનમાં એકલી પડી ગઇ છું. અને મને મારી રાહ જાતે જ શોધી લેવાની છે. અને મેં તે કામ ગરિમાપૂૂર્વક કર્યું. સંઘર્ષ કરતી વખતે જ મને ખબર પડી કે હું શું છું. અને મેં મારું પોતિકાપણું જાળવી રાખ્યું.

અદિતિની  એકેય ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ નથી થઇ. આમ છતાં તેની ફિલ્મો યાદગાર બની રહી છે. તે કહે છે કે ૧૦૦ કે ૨૦૦ કરોડની ક્લબમાં સામેલ થયેલી ફિલ્મો થોડા સમય પછી વિસરાઇ જાય છે. પરંતુ સારી ફિલ્મો વર્ષો સુધી લોકોના દિલોદિગમાં જળવાઇ રહે છે. મને ટૂંક સમયની પ્રશંસા કરતાં ગુણવત્તાસભર ફિલ્મો કરવી છે.
 

Post Comments