Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રમ્યા કૃષ્ણન્ : 'શિવગામી'ના ઉદય સાથે અભિનેત્રીનો બોલીવૂડમાં ભાગ્યોદય

'બાહુબલી-૨'  એ બોક્સ ઓફિસના   અત્યાર સુધીના  બધા રેકોર્ડ તોડી નાખ્યા છે એ વાત સર્વવિદિત  છે. અને આ રેકોર્ડ  તોડવામાં  'રાજમાતા શિવગામી દેવી' એટલે  કે  રમ્યા કૃષ્ણન્ના લાજવાબ અભિનયે  મહત્ત્વનો ભાગ ભજવ્યો  છે એ વાત માનવી જ રહી. મહત્ત્વની વાત એ છે કે ફિલ્મ સર્જકોએ અગાઉ  આ ભૂમિકા શ્રીદેવીને ઓફર કરી હતી. પરંતુ શ્રીદેવીએ આ રોલ ન સ્વીકારતા તે રમ્યા કૃષ્ણનના ફાળે ગયો. અને રમ્યાએ 'રાજમાતા' ના પાત્રને જે ખૂબીથી નિભાવ્યું તે જોયા પછી ફિલ્મ સર્જકો એ  વાતે ખુશ છે કે તેમની પહેલી  પસંદે ભલે આ રોલ નકાર્યો.

જો કે  શ્રીદેવીને  પણ આ પાત્ર ભજવવાની  ના પાડવા  બદલ જરાય અફસોસ નથી. તેણે કહ્યું  હતું  કે રમ્યાએ 'રાજમાતા'ને  વાસ્તવિક સ્વરૃપે રજૂ  કરી છે. જો તેમાં  ક્યાંય કચાશ હોત તો મને વસવસો થાત. પણ આજે મન ેએ વાતની ખુશી  છે કે આ ભૂમિકાને  પૂરો ન્યાય મળ્યો છે.

બીજી તરફ વિશ્લેષકો 'રાજમાતા' ની પ્રશંસા  કરતાં થાકતા નથી. તેઓ  કહે છે  કે અમને નથી લાગતું  કે રમ્યા સિવાય બીજી કોઈ અભિનેત્રી આ ભૂમિકા આના કરતાં  વધુ સારી રીતે ભજવી શકત. તેની સિંહણ જેવી ચાલ, શબ્દો કરતાં પણ વધુ સારી રીતે વાર કરી શકતી આંખો, તેનું જાજરમાન વ્યક્તિત્વ, તેની સંવાદો રજૂ કરવાની રીત ઈત્યાદિ જોયા પછી એમ  લાગે  કે આ પાત્રમાં  ભૂલ ક્યાં શોધવી? જ્યારે રમ્યાનો  સહકલાકાર રાણા દગ્ગુબાટી  કહે  છે કે રમ્યા પહેલી વખત 'રાજ માતા' ની વેશભૂષામાં  સજ્જ થઈને  સેટ પર આવી ત્યારે અમે બધા અવાચક્  થઈ ગયા હતા.

સિનેજગતમાં  લખાયેલું આ એક મહાન પાત્ર હતું અને રમ્યાએ જે ખૂબીથી નિભાવ્યું છે તે અવર્ણનીય છે.  અલબત્ત તે શ્રેષ્ઠ અદાકારા  છે એ વાત તો 'પડિયપ્પા'  ફિલ્મ  દ્વારા જ પૂરવાર થઈ ગઈ હતી. મહત્ત્વની વાત એ  છે કે તેના સંવાદોથી  વધારે બોલકણી તેની આંખો હતી. તેની આંખોનું તેજ ભલભલાને ચિત્ત કરી દેવા પૂરતું હતું.

આજની  તારીખમાં  રમ્યાની  સફળતા જોઈને આપણે  અભિભૂત થઈ જઈએ એ વાત સ્વાભાવિક છે. પરંતુ આ મુકામ  સુધી  પહોંચવા  રમ્યાએ  ભારે સંઘર્ષ કર્યો છે. એવું નથી કે અગાઉ તેના અભિનયમાં  કોઈ ત્રૂટિ હતી. વાસ્તવમાં રમ્યાની કિસ્મતના  સિતારાને ચમકતા લાંબા  વર્ષો  લાગી ગયા હતા. સગીરાવસ્થામાં  ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરનાર રમ્યાને  અભિનય ક્ષેત્રે આવ્યે  ત્રણ દશકથી પણ વધુ સમય વિતી ગયો છે. આ વર્ષોમાં તેણે મુખ્ય અભિનેત્રીથી લઈને  દેવીની ભૂમિકાઓ ભજવીને  પોતાના હુન્નરનો  પરચો આપ્યો છે.

મઝાની વાત એ  છે કે તેની સાથે  ફિલ્મોદ્યોગમાં કદમ માંડનાર અદાકારાઓ આજે માતાની ભૂમિકાઓ ભજવવા લાગી છે ત્યારે રમ્યા આજદિન સુધી ખાસ પોતાના માટે લખવામાં આવેલા રોલ ભજવે છે અને કોઈપણ લેખક જ્યારે  ચોક્કસ કલાકારને  ધ્યાનમાં લઈને  તેના પાત્ર માટે આલેખન કરે ત્યારે તે કલાકાર ખાસ થઈ જાય છે. જો કે રમ્યા  કહે છે કે હું એ જ કરુ છું જે દિગ્દર્શક ઈચ્છે. હું તેમના કામમાં ક્યારેય દખલ નથી  દેતી.

રમ્યા  માત્ર  ફિલ્મોમાં જ કામ નથી કરતી. હમણાં તે 'સન' ટીવી પર આવતી અત્યંત લોકપ્રિય ધારાવાહિક 'વામ્સામ્' માં મુખ્ય  ભૂમિકા ભજવી રહી છે. અને આ સિરિયલ ૧૦૦૦થી પણ વધુ એપિસોડ પૂરા કરી ચૂકી છે. આમ છતાં તે પોતાની સફળતાનો સઘળો યશ પોતાના ભાગ્યને આપે છે.  સામાન્ય રીતે નિષ્ફળતા દરમિયાન લોકો નસીબને દોષ આપતાં હોેય છે.

પરંતુ રમ્યા સફળતાનો જશ પણ કિસ્મતને  આપે છે. વાસ્તવમાં  રમ્યા એક  અચ્છી શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે ભરપૂર ખ્યાતિ  પામી હતી. પરંતુ તેની લોકપ્રિયતાને જોઈને તેની માતાએ તેને  ફિલ્મોમાં કામ કરવા મોકલવાનો વિચાર કર્યો. મહત્ત્વની વાત એ છે કે સગીરાવસ્થામાં જ તેને દક્ષિણ ભારતના  જાણીતા અભિનેતાઓ મોહન લાલ અને  મામૂટી સાથે મલયાલમ  ફિલ્મ દ્વારા ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરવાની તક મળી.

ત્યાર પછી પણ તેણે  દક્ષિણ ભારતના જાણીતા  ફિલ્મ સર્જકો અને કલાકારો સાથે કામ કર્યું. પરંતુ તે જે  ફિલ્મમાં  કામ કરતી  તે ઊંધા માથે પટકાતી. છેવટે દક્ષિણ ભારતના  ફિલ્મ સર્જકો રમ્યાને પોતાની ફિલ્મો માટે કમનસીબ માનવા લાગ્યાં.

પોતાના કપરા  કાળને  સંભારતા રમ્યા  કહે  છે કે મારા માથે લાગેલા કમનસીબ અભિનેત્રીના લેબલ પર મોહર લાગતી હોય તેમ ૧૯૮૭માં  હું  પડી ગઈ અને મારી  ઘૂંટીને  ફેક્ચર થયું. ત્યાર પછી મારા પરિવારજનોને લાગ્યું કે મારે અભ્યાસ કરવો જોઈએ. જો કે  તેઓ મને જુદાં જુદાં  જ્યોતિષીઓ પાસે લઈ જતાં. આમાંના  એક જ્યોતિષીએ અમને ખાતરીપૂર્વક કહ્યું હતું કે જો હું સ્ટાર નહીં બનું તો તેઓ પોતાનતી જ્યોતિષ તરીકેની પ્રેક્ટિસ છોડી દેશે. અને તેમની વાત સાચી પડી.

રમ્યા  કહે છે કે તેમની આ  ભવિષ્યવાણી પછી થોડા સમયમાં જ મને નાગેશ્વર રાવ અને નાગાર્જુન સાથે 'ઈડ્ડારુ ઈડ્ડારે'  ફિલ્મ  મળી.  ફિલ્મોદ્યોગના લોકોએ તે વખતે નાગાર્જુનને  ચેતવતા  કહ્યું હતું કે આ બદનસીબ અભિનેત્રી સાથે કામ કરીશ તો તારી  ફિલ્મ ફ્લોપ જશે. પરંતુ નાગાર્જુન  તેમ જ  ફિલ્મ સર્જકે તેમની વાતોને અંધશ્રધ્ધામાં ખપાવી દીધી. અને આ  ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ્સી  સફળ થઈ.

આ સિનેમાની  સફળતા સાથે રમ્યાનું નામ ટોેલીવૂડની  પ્રથમ હરોળની અભિનેત્રીઓની યાદીમાં આવી ગયું.  ત્યાર પછી અભિનેત્રીએ 'સર્વમ્  શક્તિમાન્યમ્' માં દેવીની ભૂમિકા ભજવી. તે વખતે તેને સૌથી વધુ ખ્યાતિ 'અલ્લરી  મોગુડુ' અને 'આહ્વાન' માં મળી. જો કે ત્યાર પછી તેણે  'અયનાકી ઈડ્ડરુ' માં ક નેગેટિવ ભૂમિકા ભજવી.  અને તેમાં પણ પુષ્કળ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. મઝાની વાત એ છે તેણે  પૌરાણિક ફેન્ટસી  ફિલ્મ 'અમ્મોરુ' કરી ત્યારે તે ગ્લેમરસ રોલ પણ કરતી હતી. તે કહે છે કે  આને  તમે નસીબની બલિહારી ન કહો તો બીજું શું કહો?

દક્ષિણ  ભારતીય  ફિલ્મો  ઉપરાંત રમ્યાએ  બોલીવૂડમાં  અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, નાના પાટેકર અને શાહરૃખ ખાન જેવા કલાકારો સાથે યશ ચોપરા, સુભાષ ઘાઈ, મહેશ ભટ્ટ, ડેવિડ ધવન, એન. ચંદ્રા અને ફિરોઝ ખાન જેવા ફિલ્મ સર્જકોની ફિલ્મોમાં કામ કર્યું.  આમ છતાં હિન્દી  ફિલ્મોમાં  તે પોતાની આગવી ઓળખ ઊભી નહોતી કરી શકી. તેથી તેણે  દક્ષિણ ભારતની  ફિલ્મોમાં   કામ કરવાનું જારી રાખ્યું. તે કહે છે કે હું સતત મારા અભિનયને  માંજતી રહી.

જો કે અહીંના  ફિલ્મોદ્યોગમાં  કામ  કરતી વખતે તેણે રજનીકાંત સાથેની  ફિલ્મમાં  'નીલામ્બરી' ની  ભૂમિકા  ભજવી. અને આ રોલને  પગલે તેનું હુલામણું નામ 'નીલામ્બરી' પડી ગયું. ત્યાર પછી પણ રમ્યાએ સંખ્યાબંધ સફળ પાત્રો ભજવ્યા. તે કહે છે કે મને જેમ જેમ વધુ ખ્યાતિ મળતી ગઈ તેમ તેમ હું માનવા લાગી કે આમાંથી  મારું કાંઈ નથી. મેં મારી જાતને સમય સાથે વહેવા દીધી અને ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં જવા દીધી. મેં ક્યારેય મારા કામ બદલ ઘમંડ નહોતો અનુભવ્યો. તેથી જ મેં નેગેટિવ રોેલ કરવાની પણ ના નહોતી પાડી.

કદાચ  અભિનેત્રીની સફળતાનું રહસ્ય આ જ છે. તેના મગજમાં  સફળતાનતી  રાઈ નહોતી  ભરાઈ તેથી જ કદાચ તેને 'બાહુબલી-૧' અને 'બાહુબલી-૨'  મળી.  અને  આ બંને  ફિલ્મોની  રેકોર્ડ  બ્રેક સફળતા સાથે રમ્યાના નામે નવો સર્જાયો. તેનો  'શિવગામી'  તરીકે ઉદય થયો. કોઈ એક જ હીરોઈનનો બબ્બે પાત્રોના નામે નવોદય થયો હોય  એવું ભાગ્યે જ જોવા મળે. જ્યારે રમ્યા 'નીલામ્બરી' પછી 'શિવગામી' બની. અને આ રોલ તેનો   હિન્દી ફિલ્મોમાં ભાગ્યોદય થયો હોવાનો સંકેત આપે છે.

 

Post Comments