Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘાત ગઈ : બજારમાં અહીંથી નિફટી સ્પોટ ૧૧,૧૧૧ અને સેન્સેક્સમાં ૩૬,૧૧૧ તરફનો પ્રવાસ શરૃ થયો

- મંદીનો પતંગ ચગાવ્યો ગમે તેણે હોય, ડી.રાજાએ અડધો કલાકમાં જ કાપી નાખ્યો

- નવા સપ્તાહમાં સેન્સેક્સ ૩૫૦૧૧ થી ૩૪૦૭૭ અને નિફટી ૧૦૮૪૪ થી ૧૦૫૨૨ વચ્ચે અથડાશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,શનિવાર તા. 13 જાન્યુઆરી 2018

કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૧૭ના અંતના ત્રીજા ત્રિમાસિકના રિઝલ્ટની મોસમની શરૃઆત ટીસીએસના અપેક્ષાથી નબળા  પરિણામ સામે ઈન્ફોસીસના પ્રોત્સાહક પરિણામથી થઈ છે. કંપનીઓના પરિણામો સામે ક્રુડ ઓઈલના ભાવ  ફરી વધીને બ્રેન્ટ ક્રુડના ૭૦ ડોલર થઈ જવા છતાં અમેરિકી ડોલર સામે ભારતીય રૃપિયાની મજબૂતી અને વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની નવા વર્ષથી શેરોમાં વેચવાલી અટકીને ફરી લેવાલ બનવા પાછળ ફંડોની ભારતીય શેર બજારોની વિક્રમી તેજી ચૂકી ગયાનો અફસોસ તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્રને  વિકાસને ઝડપી પંથે લઈ જવાના મક્કમ નિર્ધારની દૂરંદેશી પ્રમુખ પરિબળ રહ્યું છે. વિપક્ષોની ટીકા ટીપ્પણી છતાં આર્થિક સુધારાના એક  પછી એક મહત્વના નિર્ણયો લેવાની અસાધારણ હિમ્મત બતાવીને આ પગલાં લેતાં જઈ કેન્દ્ર સરકારે નોટબંધી, જીએસટી અમલી બનાવ્યા બાદ દેશના અર્થતંત્રને વધુ ખુલ્લા મૂકતાં જઈ સ્થાનિક ભારતીયોની અત્યાર સુધી અણઉપજાવ પડી રહેલી મૂડીને બહાર લાવવામાં સફળતાં મેળવ્યા  બાદ વિદેશી રોકાણનો ધોધ ભારતમાં  વહેતો કરવા ગત સપ્તાહમાં જ સિંગલ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે અને રિયાલ્ટી ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઈ રોકાણની મંજૂરી આપી દઈને  ફંડોને હજુ પણ ભારતમાં પડેલી વિકાસની વિપુલ તકોની ગાડી ચૂકી જવાનો અહેસાસ કરાવી શેરોમાં ખરીદદાર બનાવ્યા છે.

ઈન્ડિયા ગ્રોથ સ્ટોરી : વિશ્વ બેંકે ૭.૩ ટકા જીડીપી વૃદ્વિનો અંદાજ મૂક્યો : વિદેશી ફંડો ભારતમાં ખરીદદાર બન્યા
છેલ્લા એક વર્ષમાં ભારતના વિકાસ માટે લેવાયેલા મહત્વના પગલાં પૈકી નોટબંધીથી આર્થિક વિકાસ રૃંધાવાની અને ભારત વિશ્વમાં ઝડપી વિકસતાં દેશોમાં પાછળ રહી જવાના અને જીએસટીના અમલથી પણ ટૂંકા થી મધ્યમ ગાળા  માટે કોર્પોરેટ ઈન્ડિયા-ઉદ્યોગોની કામગીરીમાં પીછેહઠ થવાની ધારણાં મૂકીને વર્ષ ૨૦૧૭માં વિદેશી ફંડો ભારતીય શેર બજારોથી દૂર રહી શેરોમાં નેટ વેચવાલ રહ્યા હતા. જે વર્ષ ૨૦૧૭માં સ્થાનિક ફંડોના અવિરત રોકાણ પ્રવાહ થકી નવા વિક્રમો સર્જતું રહી સેન્સેક્સને ૩૪૫૦૦ અને નિફટી ૧૦૬૦૦નો પડાવ  પાર કરાવીને નવી ઊંચાઈએ જોઈને હવે વિદેશી ફંડોનું ધ્યાન બદલાયું છે. જેમાં ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે આર્થિક વિકાસ, જીડીપી વૃદ્વિનો અંદાજ ઘટાડીને ૬.૫ ટકા મૂકાયો ત્યારે વિશ્વ બેંકે ભારતમાં વિકાસ અંદાજ ૭.૩ ટકા મૂકીને ઈન્ડિયા ગ્રોથ સ્ટોરી અકબંધ હોવાનો નિર્દેશ કર્યો છે. જેથી આકર્ષાઈને ફોરેન  ફંડો ભારતીય બજારોમાં ફરી લેવાલ બન્યા છે.

D. RAJA, Thank You : તમે તો રાજકારણીને બદલે  એટર્ની જનરલ નીકળ્યા...!
સુપ્રિમ કોર્ટના જજોની પ્રેસ કોન્ફરન્સ ખરૃ દુ:ખ કે સ્પોન્સરશીપ ? હાલના ચાર સુપ્રિમ કોર્ટના જજોની નિમણૂંક અગાઉની સરકાર દ્વારા કરવામાં  આવી હતી. તેમની પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા બાદ સીપીઆઈના નેતા ડી.રાજા તમે તે કોન્ફ્રરન્સમાં એક્ઝિટના પાછલા  દરવાજેથી પ્રવેશીને પછી એક્ઝિટ પણ પાછલા દરવાજેથી કરી એ બદલ તમારો આભાર. તમે જે કોઈપણ કારણસર  મળવા ગયા હશો,પરંતુ તે શેર બજાર માટેનું જોખમ ચાલુ બજારે જ તમે અડધા કલાકમાં જ પૂરું કરી આપ્યું. મંદીનો પતંગ ચગાવ્યો ગમે તેણે હોય, ડી.રાજા તમે તેને અડધા કલાકમાં જ કાપી નાખ્યો. ઉઠમણાંમાં લગ્નના કપડાં પહેરીને ન જવાય, અને  લગ્નમાં ઉઠમણાંના કપડાં પહેરીને ન જવાય. ક્યા સમયે  તમે ક્યું કાર્ય કરી રહ્યા છો, તેની નોંધ લેવામાં તો આવે જ છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટને સુપ્રિમ  કોર્ટના જજને  પાછલા દરવાજેથી મળવા જવું, તેનાથી શંકાઓની ઠાઠડીઓ તો ઊભી થવાની જ છે. પરંતુ અમે તમારા ખૂબ આભારી છીએ. Thank You.

ઘાત ગઈ : બજારમાં અહીંથી નિફટી ૧૧,૧૧૧ અને સેન્સેક્સ ૩૬,૧૧૧ તરફનો પ્રવાસ શરૃ
આ બજારને છેલ્લા ૧૫ દિવસથી બધા એક-બીજાને ફોન કરીને કહી રહ્યા હતા, કે બજાર અહીંથી ક્યારે પણ કરેકશન બતાવશે. એની સામે ત્રણ પરિબળો લોકો નજર અંદાજ કરતાં હતા. જેમાં (૧) ૧લી ફેબુ્રઆરી ૨૦૧૮ના રજૂ થનારૃ કેન્દ્રિય બજેટ. (૨) ગત વર્ષે ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૧૬ના ત્રણ મહિના નોટબંધીના ડીપ્રેશનના હતા. જે સામે આ વર્ષે ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૧૭ના ત્રિમાસિકના કંપની પરિણામો સારા આવશે, તેનું આકલન શેર બજારની  બિલ્ડિંગ સામેનો પાનવાળો પણ કરી શકે છે...! (૩) એસઆઈપી(SIP)ના આંકડા અત્યાર સુધી મિડલ ઈન્કમ અને લો-મિડલ ઈન્કમ ગુ્રપના  લોકો ઈન્દિરા વિકાસ  પત્રો, નેશનલ સેવીંગ સર્ટિફિકેટ જેવી નાની બચતોના સાધનોમાં રોકાણ કરતાં હતાં, તે લોકો હવે  વાર્ષિક ૬ થી ૭ ટકામાં પોતાનું  ભવિષ્ય કે પોતાનું સ્વપ્ન જોવા કે પૂરા કરવા માટે એસઆઈપી સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો હોવાથી જે રકમ-ફંડ ધોધ વર્ષ ૨૦૧૭માં એસઆઈપીમાં આવ્યો, તેનાથી  એફઆઈઆઈ-ફોરેન ફંડો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જે વિદેશી ફંડો ભારતમાંથી રોકાણ પાછું ખેંચવાનું અટકાવીને ફરી ભારતીય શેર બજારોમાં રોકાણ કરવા લાગ્યા છે. જેથી જો એસઆઈપી અથવા એફઆઈઆઈ આ બજારને સાચવી લે છે અને હવે પછી ત્રિમાસિક પરિણામો સારા આવવાની  અપેક્ષાને લીધે સમજવું કે બજાર નિફટી ૧૧,૧૧૧ અને સેન્સેક્સ ૩૬,૧૧૧ના પ્રવાસે નીકળી ચૂકી છે. આ અનુમાન-આકલન બજારમાં નિફટી, એફ એન્ડ ઓનો જુગાર-ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં સટ્ટો કરવા માટે નથી, એની ચેતવણી સ્પષ્ટ અહીંથી આપવામાં આવે છે. પરંતુ તમારું સારા શેરોમાં ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખો તેના નિર્દેશ માટે છે.

.. Mr. D. RAJA...ઉઠમણાંમાં લગ્નના કપડાં પહેરીને ન જવાય, અને લગ્નમાં ઉઠમણાંના કપડાં પહેરીને ન જવાય.
હિન્દ યુનિલિવર, ભારતી એરટેલ, યશ બેંક, એચડીએફસી બેંક, આઈડીએફસી બેંક, આઈટીસી, કોટક બેંક, વિપ્રોના રિઝલ્ટ પર નજર
કોર્પોરેટ પરિણામોની સીઝન શરૃ થઈ ગઈ છે. જેમાં હવે આગામી સપ્તાહમાં જાહેર થનારા પ્રમુખ પરિણામોમાં બુધવારે ૧૭,જાન્યુઆરી ૨૦૧૮ના હિન્દુસ્તાન યુનિલિવર, ઝી એન્ટરટેઈન્મેન્ટ, અદાણી પાવર તેમ જ ગુરૃવારે ૧૮,જાન્યુઆરી ૨૦૧૮ના અદાણી પોર્ટસ, અદાણી એન્ટરપ્રાઈસીઝ, ભારતી એરટેલ, હિન્દુસ્તાન ઝિંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, યશ બેંક તેમ જ શુક્રવારે ૧૯,જાન્યુઆરી ૨૦૧૮ના એચડીએફસી બેંક, આઈડીએફસી બેંક, આઈટીસી, કોટક મહિન્દ્રા બેંક તેમ જ વિપ્રોના રિઝલ્ટ પર નજર રહેશે.

નવા સપ્તાહમાં ક્રુડ ઓઈલના ભાવ, રૃપિયા-ડોલરના મૂલ્ય, ડબલ્યુપીઆઈ-ફુગાવાના ડિસેમ્બરના આંક પર નજર
આગામી સપ્તાહમાં કંપની પરિણામોની સાથે સોમવારે ૧૫,જાન્યુઆરી ૨૦૧૮ના ફુગાવાનો હોલસેલ આંક-ડબલ્યુપીઆઈ જાહેર થનાર છે, આ સાથે ક્રુડ ઓઈલના ભાવ ગત સપ્તાહમાં ૭૦ ડોલરની સપાટીને સ્પર્શિને પાછા ફર્યા છે, ત્યારે ક્રુડના ભાવની વધઘટ અને રૃપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર બજારની નજર રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી બજારો સોમવારે માર્ટિન લુથર કિંગ, જુનિયર દિવસ નિમિતે બંધ રહેનાર છે. જ્યારે યુ.કે.માં ફુગાવાના ડિસેમ્બર મહિનાના આંક મંગળવારે ૧૬,જાન્યુઆરીના જાહેર થનાર છે, આ સાથે ચાઈનાના જીડીપી વૃદ્વિના આંક પણ મંગળવારે જાહેર થનાર છે. જ્યારે ગુરૃવારે ૧૮,જાન્યુઆરીના અમેરિકાના ક્રુડ ઓઈલની ઈન્વેન્ટરીના આંકડા જાહેર થનાર હોઈ આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૩૫૦૧૧ થી ૩૪૦૭૭ અને નિફટી ૧૦૮૪૪ થી ૧૦૫૨૨ વચ્ચે અથડાતા જોવાશે.

ડાર્ક હોર્સ : Cords Cable Industries Ltd.
બીએસઈ(૫૩૨૯૪૧) અને એનએસઈ (CORDSCABLE), લિસ્ટેડે, રૃ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૮૭માં  પ્રોફેશનલોના ગુ્રપ દ્વારા સ્થાપીત, ISO 9001:2008, ISO 18001:2004, OHSAS 18001:2007 CERTIFIED, ૫૧.૪૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી, કોર્ડસ કેબલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ( Cords Cable Industries Ltd. ), ઉચ્ચ ગુણવતાના ઈન્સ્ટ્રુમેન્ટેશન કેબલ્સ, થર્મોકપલ કેબલ્સ, એલવી પાવર, કંટ્રોલ, અને કસ્ટમાઈઝ્ડ ડીઝાઈન્ડ કેબલ્સ વિવિધ ઉદ્યોગો જેવા કે પાવર, ઓઈલ એન્ડ હેસ, રીફાઈનરીઝ, સ્ટીલ, સિમેન્ટ, વોટર ડીસેલીનેશન, મેટ્રો રેલ, એરપોર્ટસ વગેરે માટે  મેન્યુફેકચરીંગ કરતી ભારતની સૌથી મોટી કેબલ્સ ઉત્પાદક કંપનીઓમાં એક છે.

મેન્યુફેકચરીંગ સવલતો અને ઉત્પાદનો :
કંપની ચોપાન્કી અને કહરાની બે યુનિટોમાં વાર્ષિક ૬૫,૦૦૦ કિલો મીટર કેબલ્સની મેન્યુફેકચરીંગ ક્ષમતા ધરાવે છે. જેમાં કંપની રાજસ્થાનમાં ચોપાન્કી-ભિવાડી  યુનિટ ખાતે ૩૦,૦૦૦ કિલોમીટરની એલવી પાવર, ઈન્સ્ટ્રુમેન્ટેશન, કંટ્રોલ અને સ્પેશ્યલ કેબલ્સના મેન્યુફેકચરીંગ સવલત ૨૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ધરાવે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોલકતા-કહરાની યુનિટ ખાતે ૩૫,૦૦૦ કિલોમીટરની કંટ્રોલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, ફિલ્ડબસ, પીવી સોલાર, ઈપીઆર ઈન્સ્યુલેટેડ અને અન્ય સ્પેશ્યલ કેબલ્સની ઉત્પાદન સવલત ધરાવે છે.

કંપની કુલ આવકના ૮૦ થી ૮૫ ટકા આવક ઈન્સ્ટ્રુમેન્ટેશન અને ડાટા કેબલ્સમાંથી અને બાકી પાવર કેબલ્સમાંથી મેળવે છે. કંપની તેના ઉત્પાદનો  વિવિધ એન્ડ યુઝર્સ મેટ્રો, રીફાઈનરીઝ, કેપિટલ ગુડઝ, રિયલ એસ્ટેટ ક્ષેત્રો, પાવર, એરપોર્ટસ,રેલવેઝ વગેરેને સપ્લાય કરે છે. જે પૈકી ૯૫ ટકા ઓર્ડરો કંપની ગ્રાહકની આવશ્યકતાના ધોરણે પૂરા પાડે છે. કંપની તેના કાચામાલની જરૃરીયાત મુખ્યત્વે કોપરની વેદાન્તા, હિન્દાલ્કો, આઈકોસ પાસેથી અને કેટલીક આયાત થકી મેળવે છે. કંપની તેના ગ્રાહકોમાં પણ વૈવિધ્ય ધરાવે છે. કોઈ એક ગ્રાહક પાસેથી આવકના ૨૦ થી ૨૨ ટકાથી વધુ મેળવતી નથી અને વિવિધ ઉદ્યોગોમાં કંપનીના ગ્રાહકો વહેંચાયેલા છે. કંપનીના સૌથી મોટા ગ્રાહક તરીકે લાર્સન એન્ડ ટુબ્રોનો આવકમાં હિસ્સો ૨૦ થી ૨૨ ટકા જેટલો છે. કંપનીએ ગત નાણાકીય વર્ષથી તેના ઉત્પાદનો રીફાઈનરીઝને પૂરા પાડવાની શરૃઆત કરીને કંપની વધુ ઉદ્યોગોને ઉત્પાદનો પૂરા પાડવા પોર્ટફોલિયો વૈવિધ્યિકૃત કરી રહી છે. કંપનીની આવકમાં સરકાર અને પીએસયુ-જાહેર ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો ૪૦ ટકા જેટલો અને બાકી ખાનગી ક્ષેત્રની કંપનીઓ પાસેથી મેળવે છે.

ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટેના સરકારના ફોક્સ સાથે દેશભરના વિવિધ શહેરોમાં મેટ્રો રેલના નિર્માણ અને રેલવે અપગ્રેડેશન પ્રોજેક્ટો મોટાપાયે હાથ ધરવામાં આવી રહ્યા સાથે ફ્રેઈટ કોરિડોરથી આગામી વર્ષોમાં મોટી બિઝનેસ તકો રહેલી છે. ભારતીય રીફાઈનરીઓએ પણ એપ્રિલ ૨૦૨૦ સુધીમાં બીએસ-૬ અમલી બનવાનું હોવાથી કંપની માટે આગામી બે થી ત્રણ વર્ષમાં અંદાજીત રૃ.૨૦૦ કરોડની બિઝનેસ તક આ રીફાઈનરીઝ બિઝનેસ થકી રહેલી છે. મેટ્રો રેલવે માટે કોર્ડસ કેબલ ભારતમાં તમામ મેટ્રોઝ સાથે સંકળાયેલ અને અપ્રુવ્ડ-માન્ય વેન્ડર છે, જે લખનૌ, ચેન્નઈ,  દિલ્હી, હૈદરાબાદ, કોચી, બેંગ્લોર, મુંબઈ, જયપુર વગેરે મેટ્રો માટે સપ્લાય કરે છે. સિગ્નલિંગ કેબલ્સમાં મોટી તકો રહેલી હોઈ સ્પેશ્યલ કેબલ્સ મેટ્રોઝને કોર્ડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે.

બીજી તરફ ભારત સરકારે ટોક્સીક પ્રદુષણને ઘટાડવા  થર્મલ પાવર પ્રોજેક્ટોને જણાવ્યું છે. ફયુલ ગેસ ડીસલ્ફયુરાઈઝેશન પ્રોજેક્ટો પાસેથી સારી બિઝનેસ તકો છે.જે લાંબાગાળા માટે રહેવાનો  અંદાજ છે. કોર્ડ કેબલ તમામ પ્રકારના કેબલ્સ સપ્લાય કરવા માટે માન્ય વેન્ડર છે અને કંપની ફર્ટિલાઈઝર પ્રોજેક્ટોને સપ્લાયમાં મોટો હિસ્સો ધરાવે છે. કંપનીએ બ્રાઉન  ફિલ્ડ ફર્ટિલાઈઝર વિસ્તરણ પ્લાન્ટ પાસેથી ફાયર અલાર્મ અને કોમ્યુનિકેશન  તેમ જ ફિલ્ડ બસ કેબલ્સ માટેના ઓર્ડરો મેળવ્યા છે. આ રીતે કંપની દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ તેમ જ આધુનિકીકરણ-અપગ્રેડેશન પ્રોજેક્ટો પાસેથી સારી બિઝનેસ તકો મેળવી રહી છે અને હજુ મેળવશે. કંપનીએ  તેની પાવર ક્ષેત્ર પરની વધુ પડતી નિર્ભરતાના છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઘટાડવામાં સફળતા મેળવી છે. ચાર વર્ષ પહેલા કંપની તેના કુલ વેચાણના ૫૫ ટકાથી વધુ પાવર ક્ષેત્રમાંથી મેળવતી હતી, તે ઘટીને નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૨૯ ટકા સુધી આવી છે. જે આગામી દિવસોમાં વધુ ઘટીને ૫ થી ૧૦ ટકા થવાનો અંદાજ છે. જે મેટ્રોઝ, ફ્રેઈટ કોરિડોર, હાઈડ્રો કાર્બન, ફર્ટિલાઈઝર્સ, સ્માર્ટ સિટીઝ વગેરે ક્ષેત્રે પ્રોજેક્ટો માટેના ઓર્ડરોમાં વધારાના કારણે શકય બની રહ્યું છે.

કંપની અત્યારે વાર્ષિક ૬૫,૦૦૦ કિલો મીટર કેબલ્સની ઉત્પાદન ક્ષમતા  ધરાવે છે. જે સામે કંપની અત્યારે સ્થાપીત ક્ષમતાના ૬૦ ટકા ક્ષમતા વપરાશે જ કાર્યરત છે. જેથી કંપની પાસે પર્યાપ્ત ઉત્પાદન ક્ષમતા પડેલી છે. જે વાર્ષિક રૃ.૪૫૦ કરોડની આવક કરાવી શકે એમ છે. કંપની વધુ રૃ.૧૦ કરોડ થી  રૃ.૧૨ કરોડની મશીનરી લગાવીને વર્તમાન ક્ષમતામાં ૨૫ ટકા ઉમેરો કરી આવક વધારીને રૃ.૬૫૦ કરોડ કરી શકે એમ છે.

ઓર્ડર બુક :
કંપની ૩૦,સપ્ટેમ્બર ૨૦૧૭ મુજબ રૃ.૧૧૨ કરોડની ઓર્ડર બુક ધરાવે છે. જે આગામી ત્રણ થી ચાર મહિનામાં પૂરા કરવાના હતા.

ફ્રેઈટ કોરિડોર :
ફ્રેઈટ કોરિડોરમાં ભારતીય રેલવેઝ બે વિશ્વ કક્ષાના ફ્રેઈટ કોરિડરનું રૃ.૨ લાખ કરોડના ખર્ચે  નિર્માણ કરશે. જે માટે રેલવેઝ દ્વારા વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં રૃ.૮ લાખ કરોડનું રોકાણ કરાશે.

મેટ્રો રેલવેઝ :
મેટ્રો રેલવે પ્રોજેક્ટોમાં ૪૦ શહેરોમાં મેટ્રો રેલ સિસ્ટમ અમલી બનાવવાની દરખાસ્ત છે. અત્યારે ૫૨૦ કિલો મીટર મેટ્રો રેલ લાઈન કન્સ્ટ્રકશન હેઠળ છે.

સ્માર્ટ સિટીઝ અને ઈન્ફ્રાસ્ટ્રકચર :
સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ સુધીમાં રૃ.૪૮૦ અબજના રોકાણથી ૧૦૦ સ્માર્ટ સિટી વિકસાવવાની યોજના છે. જે ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન રૃ.૧૦.૪ ટ્રીલિયનનું રોકાણ રોડ ક્ષેત્રે થનાર છે.

ઓઈલ-ગેસ :
સુરક્ષાના પગલા અને રીપ્લેસમેન્ટ તથા નવી સ્પેશ્યાલિટી કેબલ્સની માંગ અપેક્ષિત છે.

હાઈડ્રોકાર્બન્સ :
રીફાઈનીંગ કંપનીઓએ વર્ષ ૨૦૨૦ સુધીમાં યુરો ૬ ધોરણોને પહોંચી વળવા રીફાઈનરીઓને અપગ્રેડ કરવા રૃ.૮૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાનું છે.

પાવર ક્ષેત્ર :
આગામી બે થી ત્રણ વર્ષમાં રૃ.૧ ટ્રીલિયનના ટ્રાન્સમિશન પ્રોજેક્ટોની બીડ અપેક્ષિત છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન ૨૫ થી ૨૬ ગીગાવોટ સોલાર પીવી ક્ષમતાનો ઉમેરો થવાની અપેક્ષા છે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં પાવર કેબલનું બજાર ૧.૫ થી ૧.૭ ગણું વિકસાવાનો અંદાજ છે.

પ્રમુખ ગ્રાહકોની યાદી :
કંપનીના સ્થાનિક ગ્રાહકોમાં ૨૦ વર્ષથી વધુ સમયથી ભેલ અને લાર્સન એન્ડ ટુબ્રો અન્યોમાં હનીવેલ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઓએનજીસી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, શ્રી સિમેન્ટ, સન ફાર્મા, જીઈ,  હિટાચી ગુ્રપ કંપની અનસાલ્ડો એસટીએસ, જયુબિલન્ટ લાઈફ સાયન્સિસ, કેઆરબીએલ લિમિટેડ,  એનટીપીસી, એસીસી, એબીબી, સિમેન્સ, અલ્સ્ટોમ, ઈમરસન, એશીયન પેઈન્ટસ, સન ફાર્મા, કેઈર્ન, એન્જિનિયર્સ ઈન્ડિયા, એસ્સાર, ટાટા સ્ટીલ, ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કવાનેટ પાવરગેસ લિ., પ્રોજેક્ટસ એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા લિ., ગેઈલ ઈન્ડિયા, ટાટા પાવર, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, ઈન્ડિયા ગ્લાયકોલ્સ, દિલ્હી મેટ્રો રેઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., સેઈલ, ટાટા પ્રોજેક્ટસ, થર્મેક્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, અંબુજા સિમેન્ટસ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ, દામોદર વેલી કોર્પોરેશન, ટાટા કેમિકલ્સ, જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર, ઓરિસ્સા સિમેન્ટ, અરીવા ટી એન્ડ ડી સિસ્ટમ્સ, દાલમિયા સિમેન્ટ ભારત લિ., હલ્દિયા પેટ્રોકેમિકલ્સ સહિતનો સમાવેશ છે.

આંતરરાષ્ટ્રીય ગ્રાહકોમાં એલ એન્ડ ટી ઓમાન, મગાદી સોડા, સાઉદી ઈલેક્ટ્રિસિટી કંપની, એક્સેલ ટેકનીકલ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સપ્લાયઝ એલએલસી, પેટ્રોલિયમ ડેવલપમેન્ટ ઓમાન, સિડેમ વીઓલીયા, અરેબિયન બીમકો કોન્ટ્રેકટીંગ કંપની લિ., યેમેન પેટ્રોલિયમ કંપની, આઈટીસી, ડોડસાલ સહિતનો સમાવેશ છે.

બુક વેલ્યુ :
માર્ચ ૨૦૧૩ના રૃ.૯૦.૨૪, માર્ચ ૨૦૧૪ના રૃ.૯૧.૮૬, માર્ચ ૨૦૧૫ના રૃ.૯૩.૭૦, માર્ચ ૨૦૧૬ના રૃ.૯૦.૦૭, માર્ચ ૨૦૧૭ના રૃ.૯૩.૮૩, અપેક્ષિત માર્ચ ૨૦૧૮ના રૃ.૯૯.૬
શેર હોલ્ડિંગ પેટર્ન :
પ્રમોટર સહાની ફેમિલી હસ્તક ૫૧.૪૨ ટકા, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૦.૭૬ ટકા, નાણા સંસ્થાઓ, બેંકો પાસે ૦.૪૯ ટકા, કોર્પોરેટ બોડીઝ હસ્તક ૧૧.૮૬ ટકા, ક્વોન્ટમ સિક્યુરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ પાસે ૨.૮૫ ટકા, મુકુલ અગ્રવાલ હસ્તક ૮.૫૧ ટકા, રૃ.૨ લાખ સુધી વ્યક્તિગત શેર મૂડી ધારકો પાસે ૧૭.૭૫ ટકા હોલ્ડિંગ છે.

નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૬ થી માર્ચ ૨૦૧૭ :
ચોખ્ખી આવક રૃ.૨૮૫.૨૨ કરોડની તુલનાએ વધીને રૃ.૩૨૫.૫૨ કરોડ મેળવીને એનપીએમ ૧.૫૬ ટકા થકી ચોખ્ખો નફો રૃ.૩.૧૧ કરોડ થી વધીને રૃ.૫.૦૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૃ.૩.૭૬ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૧૭ થી જૂન ૨૦૧૭ :
ચોખ્ખી આવક રૃ.૮૦.૭૬ કરોડ મેળવીને એનપીએમ ૧.૩૪ ટકા થકી ચોખ્ખો નફો રૃ.૧.૦૮ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક ૮૦ પૈસા હાંસલ કરી હતી.
(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૧૭ થી સપ્ટેમ્બર ૨૦૧૭ :
ચોખ્ખી આવક રૃ.૭૦.૩૪ કરોડની તુલનાએ વધીને રૃ.૮૭.૩૯ કરોડ મેળવીને એનપીએમ ૧.૪૦ ટકા થકી ચોખ્ખો નફો રૃ.૯૪ લાખથી વધીને રૃ.૧.૨૨ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક ૯૧ પૈસા હાંસલ કરી હતી.
(૪) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૧૭ થી સપ્ટેમ્બર ૨૦૧૭ :
ચોખ્ખી આવક રૃ.૧૩૭.૧૨ કરોડ થી વધીને રૃ.૧૬૭.૬૫ કરોડ મેળવીને એનપીએમ ૧.૩૬ ટકા થકી ચોખ્ખો નફો ૧.૭૫ કરોડની તુલનાએ વધીને રૃ.૨.૩૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૃ.૧.૭૮ હાંસલ કરી છે.
(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૃ.૩૯૭.૪૫ કરોડ પર ચોખ્ખો નફો રૃ.૭.૪૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૃ.૫.૭૭ અપેક્ષિત છે.
(૬) વેલ્યુએશન : BBB :
ઉદ્યોગના સરેરાશ૩૦ના  પી/ઈ સામે કોર્ડસ કેબલ ઈન્ડસ્ટ્રીઝ કંપની પણ ૩૦નો પી/ઇ મેળવી રહી હોઈ આટલો જ પી/ઇ આપીએ તો શેર રૃ.૧૭૩ને આંબી શકે. જે માટે વેલ્યુએશન BBB.
આમ(૧) ૫૧.૪૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૨) ઉચ્ચ ગુણવતાના ઈન્સ્ટ્રુમેન્ટેશન કેબલ્સ, થર્મોકપલ કેબલ્સ, એલવી પાવર, કંટ્રોલ, અને કસ્ટમાઈઝ્ડ ડીઝાઈન્ડ કેબલ્સ વિવિધ ઉદ્યોગો જેવા કે પાવર, ઓઈલ એન્ડ હેસ, રીફાઈનરીઝ, સ્ટીલ, સિમેન્ટ, વોટર ડીસેલીનેશન, મેટ્રો રેલ, એરપોર્ટસ વગેરે માટે  મેન્યુફેકચરીંગ કરતી ભારતની સૌથી મોટી કેબલ્સ ઉત્પાદક કંપનીઓમાં એક (૩) ફ્રેઈટ કોરિડોર, મેટ્રો રેલવેઝ, સ્માર્ટ સિટીઝ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટેના સરકારની મેગા યોજનાઓમાં થકી અને  ભારતીય રીફાઈનરીઓના અપગ્રેડેશન તેમ જ પાવર, ઓઈલ-ગેસ ક્ષેત્રે બિઝનેસની વિપુલ તકો ધરાવતી (૪) પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં અપેક્ષિત ચોખ્ખા નફા રૃ.૭.૪૭ કરોડ અને અપેક્ષિત શેર દીઠ આવક રૃ.૫.૭૭ થકી બુક વેલ્યુ રૃ.૯૯.૬ સામે એનએસઈ, બીએસઈ પર શેર રૃ.૧૨૭ ભાવે ૨૨ના પી/ઈએ ઉપલબ્ધ છે.

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧) લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. હાલનો ટ્રેન્ડ સ્થિર સરકાર, એફઆઈઆઈ રોકાણ પ્રવાહ, જીડીપીમાં ગ્રોથ, વડાપ્રધાનની કાર્યક્ષમતાને લીધે છે. અમારે લીધે નથી. અમે પોતાને ક્રેડિટ દેતાં નથી. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

Post Comments