Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

ઈંધણની ધણધણાટી અને મોંઘારતમાં સરકારની શાખ તણાતી...

જે સુખી માણસના દરવાજે કાર ઊભી હોય એને કહેવાય દર-કાર અને જેને સત્તાનો નશો માથે એટલે સર પર ચડી જાય એને કહવેયા સર-કાર. આવી સર-કાર પછી ક્યાંથી કરે બીજાની દર-કાર?

પથુકાકાને પહેલેથી કાર લેવાની ઈચ્છા એટલે કાયમ કહ્યા કરે કે કાર વિનાની આ નિરા-કાર સ્થિતિમાં ક્યાં સુધી ટાંટિયાતોડ કરવી?  પરદેશમાં દીકરો કમાય છે એણે પૈસા મોકલ્યા છે તો એક સેકન્ડ હેન્ડ કાર લેવી છે. મેં કહ્યું 'કાકા અત્યારે પેટ્રોલના ભાવ ભડકે બળે છે એવી સ્થિતિમાં ઘણાં લોકો કાર વેચી ઘોડા ખરીદવા માંડયા છે અને તમારે કાર લેવી છે.' પથુકાકા બોલ્યા કે 'ભાઈ આ સર-કાર ભલે આપણી દર-કાર ન કરે, પણ આપણાં દર પર કાર ઊભી હોય તો જરા માભો પડેને?'

મેં કહ્યું 'કાકા તમારો દિકરો અમેરિકાના ન્યુ જર્સીમાં રહે છે એને ત્યાં કાર હશેને?' પથુકાકા બોલ્યા અરે શું વાત કરૃં? મને અને તારી આ (હો) બાળાકાકીને છોકરા સાચવવા અમેરિકા બોલાવ્યા હતા. એ વખતનો કિસ્સો કહું એક વીકએન્ડમાં દિકરાએ પાર્ટી રાખી હતી. એમાં  એના એક દોસ્ત આવ્યા હતા. નડિયાદના આ ભાઈ સાવ અંગુઠાછાપ હતા. પણ ગમેતેમ કરી અમેરિકા પહોંચી મહેનત કરી બે-ત્રણઁ મોટેલના  માલિક બની ગયા. પાર્ટીમાં વાતમાંથી વાત નીકળતા એમણે મને પૂછ્યું કે  અહીં તો સુખી છીએ. મારી પાસે એક કાર છે, મારી મીસીસ પાસે કાર છે અને બે સંતાનોની પોતપોતાની કાર છે. આમ એક ઘરમાં ચાર કાર છે, તમારે ત્યાં શું છે?' મેં તડાક કરતો જવાબ આપ્યો કે 'અમારી પાસે નવ-કાર છે. નવ-કાર.'

મેં હસીને કાકાને દાદ આપતા કહ્યું કે વાહ ક્યા બાત હૈ... નવ-કાર તો છે પણ સાથેસાથે ઓમ-કાર છે અને ૨૦૧૯ સુધી આ સરકાર મોંઘવનારી વધારતી જ જાય છે વધારતી જ જાય છે તેનો સામનો કરવાનો પડ-કાર પણ છેને?'

પથુકાકાએ તો કોઈ ઓળખીતા ગેરેજવાળાની મદદથી ધરાર સેકન્ડ હેન્ડ કાર  ખરીદી લીધી. મને થોડું ઘણું ડ્રાઈવિંગ આવડે એટલે  બહાર જવું હોય તો મને લઈ જાય. પાછા કહે પણ ખરા કે વર બન્યો પણ ડ્રાઈ-વર ન બની શક્યો. જોકે ડ્રાઈવર બનતાં પહેલાં લર્નિંગ લાયસન્સ અને વરબનતા પહેલાં અર્નિંગ લાયસન્સ જોઈએ ખરૃંને?

એક દિવસ હું અને કાકા એમની સેકન્ડ હેન્ડ ચલતી કા નામ ગાડી લઈને નીકળ્યા. દૂર ત્યાં ગાડી પણ વટકેલી લાડીની જેમ આંચકા આપવા  લાગી. મેં કહ્યું માર્યા ઠાર. થોડે દૂર ગયા ત્યાં કાર પેટ્રોલ ખૂટતા બંધ પડી ગઈ.  કાકાને ક્હ્યું મારો ધક્કા. હું સ્ટીયરીંગ પર બેઠો અને કાકાએ આજુબાજુવાળાને રિક્વેસ્ટ કરી ધક્કો મારવાના કામે લગાડયા. પરસેવે રેબઝેબ થતા જાય અને કહેતા જાય કે આ પેટ્રોલને મામલે કારને ધક્કા  મારવાનો વારો આવ્યોને? એમ પેટ્રોલના મુદ્દે જનતા સર-કારને પણ ધક્કે ચડાવશે યાદ રાખજો.'

માંડ માંડ પેટ્રોલ પમ્પ આવ્યો. પેટ્રોલ પમ્પમાં સાદું પેટ્રોલ અને ખાસ પ્રકારનું  પેટ્રોલ મળતું હોય છેને? એટલે પમ્પવાળાએ કાકાને પૂછ્યું 'ચાચા કૈસા પેટ્રોલ ડાલું ?' કાકાએ કહ્યું કપાળેથી પરસેવો લૂંછતા કહ્યું કે 'બરફ ડાલ કે દેના.' પમ્પવાળો ચોંકી ગયો અને બોલ્યો 'ચાચા આપ ગન્ને કા રસ પીને આયે હો યા પેટ્રોલ ડલવાને આયે હો? બર્ફ ડાલ કે પેટ્રોલ ક્યું માગ રહે હો?' પથુકાકાએ ભાંગીતૂટી હિન્દી ભાષામાં  ફફડાવ્યું કે 'અરે ભાઈ, પેટ્રોલ કે ભાવ કૈસે ભડકે બળતે હૈ? યે બળતરા કમ કરને કે લીયે  મૈને કહાં કી બરફ ડાલ કે દેના...'

પેટ્રોલ પુરાવીને પૈસા ચૂકવી હું અને કાકા એમની ખડખડ પાંચમ જેવી ગાડીમાં નીકળ્યા ફરવા. મહાત્મા ગાંધી રોડ પર ધીમે ધીમે આગળ વધતા હતા ત્યાં તો સાઈરન વગાડતી પોલીસની એક જીપ પસાર થઈ અને જીપમાં બેઠેલો પોલીસ અધિકારી હાથેથી ઈશારો કરી બધા વાહનચાલકોને એક તરફ કાર હાંકવાનું  કહેતો હતો. એની પાછળ ઝૂમ... ઝૂમ... કરતી પ્રધાનોની ચમચમતી એક પછી એક  ૧૭ કાર પસાર થઈ ગઈ. આ જોઈને પથુકાકા બોલ્યા 'આ આપણાં જનતાના પ્રતિનિધિઓ (કે પડતીનીધીઓ) કારના લાંબા કાફલા લઈ લઈને નીકળે છે તો એમની કારમાં કેટલું પેટ્રોલ બળતું હશે?' મેં દાઢમાંથી જવાબ આપ્યો કે એ બધા પ્રધાનશ્રીઓની કારમાં પેટ્રોલ થોડું જ બળે છે? એમની ગાડીઓમાં તો તમારા મારા જેવાં લોકોનું લોહી બળે છે લોહી.'

મારી ટકોર બરાબર સમજી કાકાએ દિલ જલતા હૈ તો જલને દે... ગીત જરા ફેરવીને ગાયું :આંસુ ના બહા ફરિયાદ ના કર ''ડિ-ઝ-લ'' જલતા હૈ તો જલને દે...

મેં કહ્યું 'કાકા ઈંધણના ભાવ વધતા જતા હોવાથી આપણાં મહારાષ્ટ્રમાં તો કેટલાય ખેડૂતો મોટર-સાઈકલો વેંચીને ઘોડા ખરીદવા માંડયા છે તેની ખબર છે તમને? છાપામાં ફોટા જોયા કે નહીં?' પથુકાકા કહે કે 'મને તો લાગે છે કે જો આમનેઆમને પેટ્રોલ  ડિઝલના ભાવ વધતા  જશેને તો આપણે ક્યાંક ફરીથી બળદગાડામાં બેસીને કે પછી સાઈકલ ઉપર ફરવાનો વારો આવશે.' હજી તો કાકાીએ આ વાક્ય પૂરૃં કર્યું ત્યાં  મારી નજર શેરીને નાકે બેકરી ચલાવતા અમારા જૂનાગઢવાળા બદરૃદિન બેકરીવાળાને ટેસથી સાઈકલ ઉપર જતા જોયા. છેલ્લાં ચાર દાયકાથી બદરૃદિન બેકરીવાળાઆમ સાઈકલ ઉપર ફરતા રહે છે. ઈંધણના ભાવ વધે કે ન વધે એમને કોઈ નિસ્બત જ નહીં.

સાઈકલ પર ફર્યા કરે.' મેં કાકાને ઈશારો કરી કહ્યું 'જુઓ બદરૃદિનભાઈ કેવા મજાથી સાઈકલ પર પેડલ મારતા જાય છે?' પથુકાકાએ હસીને સરકારનું નિશાન સાધી શબ્દબાણ  છોડતા  કહ્યું આપણાં  વડા કહે છે ને કે અચ્છે દિન આયેંગે  અચ્છે દિન  આયેંગે... પણ હું કહું છું  કે રસ્તા પર અચ્છે  બદરૃદ્દિન આયેંગે... કાકાની વાત સાંભળીને હું તો  ખડખડાટ હસી પડયો.મેં કહ્યું કાકા આવનારા  દિવસોમાં સાઈકલ ઉપર જ ફરવાનો  વારો આવશે.  હું હમણાં ડેનમાર્ક ગયો ત્યારે  આખા દેશમાં લોકો સાઈકલ સવારી કરતા જ જોવા મળ્યા. આવું પોલ્યુશન ફ્રી વેહિકલ બીજું કયું હોઈ શકે? એટલે ડેનમાર્કને સાઈકલસવારોનું સ્વર્ગ કહેવાય છે.

પથુકાકા બોલ્યા આપણાં દેશમાં તો સાઈકલિંગને બદલે રીસાઈકલિંગની જ હવા ચાલી છે હો? કચરાનું પણ રીસાઈકલીંગ થાય જ છેને દર પાંચ વર્ષે?' મેં નવાઈ પામી પૂછ્યું કે 'દર પાંચ વર્ષે કચરાનું  રીસાઈકલીંગ થાય છે  એનો શું મતલબ?' કાકા હસીને બોલ્યા બધા નહીં, પણ કેટલાક કચરા  જેવા આગેવાનો ફરી ફરી  ચૂંટાય છે અને જનતા  કૂટાય છે આને કચરાનું રીસાઈકલીંગ જ કહેવાયને?'

મેં કહ્યું 'કાકા આમ તો હવે પેટ્રોલ અને ડિઝલના વિકલ્પ તરીકે સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) વાહનોમાં વપરાય છે હો? સીએનજી એટલે કુદરતી વાયુ એ ખબર છેને?' કાકા બોલ્યા દે તાલ્લી... પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો.  આજથી હું બટેટા, વાલ અને ચણા પેટ ભરી ભરીને ખાઈશ, એટલે પછી પેટમાં રોજ સવાર સુધીમાં કુદરતી વાયુ ભેગો થાય એ આપણી મોટરમાં ભરવા માંડશું. બોલ કેવો આઈડિયા છે મારો?' મેં કહ્યું 'કાકા કુદરતી વાયુ અને પેટના વાયુમાં ફરે છે એનું કાંઈ ભાન છે તમને? નહીંતર તો બધા હિંગળાસ્ટક ખાઈ ખાઈ ગેસના બાટલા ભરી ભરી ગાડિયું જ દોડાવવા ન માંડત?'

પથુકાકા ખડખડાટ હસીને બોલ્યાઃ

ક્યાંક સીએનજી તો ક્યાંક પીએનજી

પેટ્રોલના ભડકે બળતા ભાવથી બચાવો પીએમજી

મેં કહ્યું કાકા હવે તો બેટરથી દોડતી મોટરો  આવવા માંડી છે.

બેટરી ચાર્જ થાય એટલે દોડે ગાડી.  એટલે  પરદેશમાં તો ઠેર ઠેર પેટ્રોલ પમ્પની જેમ ચાર્જિંગ સ્ટેશન ખુલવા માંડયા છે.' પથુકાકા બોલ્યા ઈ ગાડીઓ ચાર્જ થયા પછી દોડે છે પણ આ તારી કાકી વગરપ પ્લગે આપમેળે ચાર્જ થઈ જાય ત્યારે પિયર ભણી દોટ મૂકે છે. ગાડી અને ગાંડીમાં બસ એક અનુસ્વારનો જ ફેર છે. એટલે જ તારી વઢકણી કાકીની આ દોડ જોઈને હું એને  ખીજવવા કાયમ કહું છું કે ચલતી કા નામ ગાડી અને ભલતી કા નામ ગાંડી. ગાડીને દોડાવે ડ્રાઈવર અને ગાંડીને દોડાવે વર.'

મેં કહ્યું કાકા જમીનમાંથી  અને સમુદ્રના પેટાળમાંથી નીકળતા તેલનો જથ્થો ખૂટવા માંડયો છે.

એટલે હવે ઈંધણ મેળવવા જાતજાતની શોધખોળ ચાલ્યા કરે છે. હમણાં જ મેં ક્યાંક વાંચ્યું કે  માનવમૂત્ર (યુરિન)માંથી  પણ ફયુઅલ બનાવવાના પ્રયોગ થઈ રહ્યાં છે ખબર છે?  

પથુકાકા માથું ખંજવાળતા બોલ્યા 'શું વાત કરે છે? યુ.પી. માટે પ્રયોગો થાય છે?' મેં પૂછયું 'કાકા યુ.પી. એટલે?પથુકાકા બોલ્યા એટલું ય નથી સમજતો? યુ.પી. એટલે ઉત્તર  પ્રદેશ નહીં, યુ.પી. એટલે યુરિન પેટ્રોલ સમજ્યો?'

મેં કહ્યું 'કાકા ખરેખર આ યુ.પી.નો પ્રયોગ  સફળ થાય તો કેવા જલ્સા થઈ જાય?  એયને મફતમાં ઈંધણ મળતું થઈ જાય.  આ... હા... હા... માનવમૂત્રમાંથી ઈંધણ બનવા માંડશે એવાં અચ્છે દિન આવશે ત્યારે કેવો નઝારો હશે?'

પથુકાકા દાંત ખોતરતા બોલ્યા 'એ વખતે  કેવો નઝારો હશે ખબર છે? અત્યારે  પેટ્રોલ-પમ્પ ઉપર મોટરકારોની લાઈન લાગે છે એમ યુ.પી. (યુરિન પેટ્રોલ)નું ચલણ વધવા માંડશે ત્યારે સાર્વજનિક મુતરડીઓ પર મોટરોની લાઈન લાગશે.  આ દેશમાં નેકીની કોઈ કિંમત નથી રહી, પણ એકીની કિંમત થશે યાદ રાખજે.  વિવિધતામાં એકતા સાથે વિવિધતામાં 'એકીતા'... એકીકરણ ઝીંદાબાદ...

અંત-વાણી

વાણી અને પાણી કાં તારે કાં ડૂબાડે. વાણી પાણીદાર જોઈએ, પાણી વાણીદાર ન જોઈએ.  ચેનલો પર સતત રેલાતી  સંત-વાણી લોકો કાનમાં ભરતા હોય છે, અંદર કેટલા ઉતારતા હોય છે એ ખબર નથી. એટલે સંતવાણીને બદલે હું સ્ટંટ-વાણી કે પછી અંત-વાણી સંભળાવું છું. આ અંત-વાણી એકધારી કે નોધારી ૨૫ વર્ષથી ચાલે છે એટલે અંત-વાણીનું આ રજત-જયંતી વર્ષ છે. વાંચીને હર્ષ થાય એ સાચું રજતજયંતી વર્ષ.  એટલે જ કહું છું કે:

દર્દથી આધી કરો દવા-કડવાણી
ખુલ્લા દિલે હસવા કાફી છે અંતવાણી
**  **  **
પરણીને ખુલ્લામને હસવા માટે
પણ બંડ કરવું પડે એ હસ-બંડ.
**  **  **
મન કી બાત નહીં અબ કરો
ધન કી બાત ઈંધન કી બાત
**  **  **
જેનું દૂધ પીતા ગાંધીજી
એવી એક બકરી અમે બાંધીજી
એ થયા દેશના રાષ્ટ્રપિતાજી
અમે રાષ્ટ્રનું લોહી પીતાજી.
**  **  **
સ:ઈંધણના ભાવવધારાની સાથે બધી ચીજોના વધતા ભાવ અને વધતા દામ જોઈ ક્યા ગામ યાદ આવે?
જ:ભાવ-નગર અને દામ-નગર.
**  **  **
સ:એવી કઈ કાર છે જે ભટકાડે છે?
જ:અહં-કાર.
**  **  **
સ:એવું કયું શિપ છે જે તારે કાં ડૂબાડે?
જ:ફ્રેન્ડ-શિપ.
**  **  **
જોઈ ભાવની ભૂતાવળ અત્યારે થાય
કે કાં ઘોસ્ટ રંજાડે કાં કોસ્ટ રંજાડે.
**  **  **
પ્રજા કર ભરે
નેતા ઘર ભરે.
**  **  **
કર ભરી માથે ટાલ આવે
પછી ભજન કરવા હાથમાં કર-તાલ આવે
**  **  **
સ:આમ જનતા જાતજાતના કર ભરી મર મર કરે એ જોઈ કઈ અટક યાદ આવે?
જ:કર-મર-કર.
**  **  **
કર ભરવાનું ટાળે એ નો-કર
ઘર ભરવાનું ટાળે એ જો-કર.
 

Keywords boj,viana,ni,moj,05,june,2018,

Post Comments