Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૂરીલી રજનીના આકાશને આંબતા સૂરસમ્રાજ્ઞાી બેગમ પરવીન સુલતાનાના સ્વરો

ગાયન-વાદનની વિવિધતાથી સજાવાઇ મહેફિલ

પં.નંદન મહેતાના ભગીરથ પ્રયત્નો થકી સ્થપાયેલા સપ્તક સંસ્થાને સાથ મળ્યો મુ.કપાસી સાહેબનો- અને સપ્તકને એક સરનામું સાંપડયું. બીજું સરનામું હતું કાશીરામ અગ્રવાલ હૉલ, પછી અમૃત મોદી સ્કૂલ અને હવે એલ.ડી. આર્ટ્સ કોલેજ કેટકેટલા મહાનુભાવો અને અનેકાનેક પ્રયત્નો હોય તો જ શાસ્ત્રીય સંગીતના પ્રચાર-પ્રસારનો સંકલ્પ બર આવે.

આડત્રીસમો સમારોહ બે હજાર અઢારનો આવી લાગ્યો જે ઉ.શરાફત હુસેન ખાઁ સાહેબને સમર્પિત છે. બારમી રાત્રિ સભા પૂર્વે સંધ્યા સમયે ગ્વાલિયર ઘરાનાની યાત્રા અંગેની દસ્તાવેજી ફિલ્મ રજૂ થઇ અને રાત્રિ બેઠકના આરંભે સપ્તક આર્કાઇવમાંથી વિદૂષી કિશોરી આમોનકરના કંઠે રાગ સંપૂર્ણ માલકૌંસ સાંભળવાનો લ્હાવો મળ્યો.

બારમી રાત્રિની અંતિમ શૃંખલામાં મૂળ આસામના, હાલ મુંબઇ નિવાસી પદ્મવિભૂષણ બેગમ પરવીન સુલાતાનાનું અદ્દભુત ગાયન છવાઇ રહ્યું. બુલંદ, સ્પષ્ટ અને સૂરીલા કંઠના પતિયાલા ઘરાનાના આ શિષ્યાએ પિતા પં.ચિન્મોય લાહિરી પાસેથી અને પછી ઉ.દિલશાન ખાન પાસેથી સઘન તાલીમ લીધી. ''હમેં તુમસે પ્યાર કિતના'' ફિલ્મી ગીતથી લોક હૈયામાં સ્થાન પામેલા બેગમને કાલીદાસ સન્માન સહિત અનેક માન અકરામ મળ્યાં છે.

શાસ્ત્રીય સાથે ઉપશાસ્ત્રીય ખયાલ, ઠુમરી, દાદરા, ચૈતી, ભજન અને ગઝલમાં તેમની મહારત તેમને વૈશ્વિક સ્તરે મૂકી આપે છે. તેમણે રાગ જોગમાં વિલંબિત એકતાલની બંદીશમાં પ્રભુનો પાડ માનતાં ગાયું ''પરમ સુખ પાયો...'' મધ્યલય એકતાલમાં ''સુખ દુઃખ તો તેરો હાથ બિહારી'' રજૂ કર્યું. તબલાં પર મુકુંદ રાજ દેવ અને હાર્મોનિયમ પર શ્રીનિવાસ આચાર્ય સૂરતાલમય સાથે આપ્યો.         

(રસાસ્વાદ - સુધા ભટ્ટ)

સિતારના તારનું ગૌરવ વધાર્યું ગૌરવ મજુમદારે

બારમી રાત્રિના સરતા સમય સાથે સપ્તક સમારોહની બેઠકના પ્રથમ ચરણે દિલ્હીના ગૌરવ મજુમદાર તેમની સૂરીલી સિતાર સંગ પ્રસ્તુત થયા. અલ્હાબાદના સંગીત પરિવારના આ સુપુત્ર પિતા-ગુરુ દુલાલ મજુમદાર પાસે ઘડાયા અને પછી મહિયર ઘરનાના પં.રવિશંકરજી પાસેથી પણ સઘન તાલીમ લીધી. તાલ-રાગના ગહન જ્ઞાાનને કારણે તેમની વિશેષ શાખ બંધાઇ છે. તેઓ સંગત અને એકલવાદન માટે વખણાય છે. હિંદુસ્તાની અને કર્ણાટકી સંગીતના ધુરંધરો સાથે તેમણે મંચ શોભાવ્યાં છે.

તેમણે ક્વચિત્ જ ગવાતા રાગ કામોદનો આરંભ આલાપ જોડથી કર્યો. દસ માત્રાના જપતાલ પછી દ્રૂત જપતાલમાં સીધી જ ગત બાંધી દીધી. ત્યાર બાદ તેમણે પં.રવિશંકરજીની રચના રાગ બરવામાં રજૂ કરી, જે રૃપક અને તીનતાલથી સજાવાઇ. અંતે એક સૂરીલી બંદીશ અને ધૂન પણ પેશ કરી. તબલાં પર નવી પેઢીના ફ્યૂઝન નિષ્ણાત બનારસ ઘરાનાના સંજુ સહાય ઉપસ્થિત રહ્યા.

સંગીતના આદાન-પ્રદાન અને શિક્ષણમાં વ્યસ્ત નરેશજી

સભાના બીજા પગથારે દિલ્હીના નરેશ મલ્હોત્રા ધીર ગંભીર સ્વસ્થ ગાયનની મૂડી લઇને પધાર્યા. ઇન્દોર ઘરાનાની પરંપરાને આગળ ધપાવનાર આ કલાકાર પ્રસારભારતીના કાર્યક્રમનાં નામ ધરાવે છે. ગુરુ પં.તેજપાલ સિંહ પાસેથી સઘન તાલીમ પામનાર નરેશજીએ રાગ પૂરિયા કલ્યાણ રજૂ કરી પ્રેક્ષકોને ડોલાવ્યા. ગુરુજીની પ્રસાદી જેવી અમૂલ્ય રચના તેમણે રાગ પૂરિયા કલ્યાણમાં રજૂ કરી.

વિલંબિત ઝૂમરા તાલમાં લલકાર્યું ''આજ સુબના (દુલ્હા) બન આયા'' ત્યારબાદ દ્રૂત એક તાલમાં જોડીને લાવી પંક્તિ પૂર્ણ કરી ''ઝૂલનિયા (દુલ્હન) આજ રહી.'' ગુરુજીએ શીખવેલા આ અજોડ રચનાએ રંગ રાખ્યો. અંતમાં ''લાગી લગન પતિ સખી સંગ'' રાગ હંસધ્વનિમાં ગાઇ રસિકોને રસસમાધિમાં સેરવી દીધા. 

પ્રસ્તુતિની સુવર્ણ જ્યંતિ સપ્તકમાં ઉજવતા સરોદવાદક પં.બ્રિજજી

બેઠકના ત્રીજા સોપાને મૂળ રાજસ્થાનના પં.બ્રિજ નારાયણ તેમની પચાસ વર્ષોની સંગિની સરોદને લઇને ઉપસ્થિત થયા. સારંગીવાદક ગુરુ અને પિતાજી પદ્મવિભૂષણ પં.રામનારાયણજીના તેઓ પુત્ર છે. બ્રિજજી મહિયર ઘરાનાના અનુગામી છે. સૌથી ઊંચા ગ્રેડવાળા તેઓ રેડિયો કલાકાર છે. સંગીતના પ્રસાર પ્રચારના પ્રયત્નોમાં તેઓ વિશ્વભરમાં ભ્રમણ કરતા રહે છે. કુમાર ગાંધર્વ, સંગીત નાટક અકાદમી આદિ એવોર્ડઝ મેળવનાર આ કલાકાર પોતાની કારકિર્દીના પચાસ વર્ષોમાં પ્રથમવાર સપ્તકમાં પધાર્યા.

તેમણે વીર રસથી ભરપૂર રાગ શંકરા પેશ કર્યો. આલાપ, જોડા, ઝાલા, તીનતાલમાં વિલંબિત લયમાં રજૂ કર્યા પછી તેમણે રાગ આભોગી કાનડા પ્રસ્તુત કર્યો. અંતમાં રાગ પીલુની એક નાનકડી પુરાણી બંદીશ વહેતી કરી. તબલાં સંગત કરી પંુડલિક ભાગવતે.
 

Post Comments