Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

ભાલુ અને ગાય વચ્ચે ઘાસચારાનો વિવાદ : ભાલુ જેલમાં, ગાય ગેલમાં!

ગાયનો ચારો ભાલુએ ઓહિયા કરી લીધો હોવાનો વિવાદ વર્ષો પહેલાં જાગ્યો હતો. પોપટના વડપણ હેઠળની તપાસ સમિતિએ આખરે ભાલુને જેલમાં ધકેલવાનો નિર્ણય કર્યો હતો. ભાલુ સામેના કેસમાં વિજય મેળવ્યા પછી ગાયે જંગલમાં ઉજવણી આદરી, પરંતુ...

ઠંડી વધતી જતી હતી એટલે બેઠકમાં પ્રાણી-પંખીઓની હાજરી ઘટી હતી. ઠંડીના કારણે પ્રાણી-પંખીઓને આવવામાં મોડું થતું હતું. ગાયને પણ આજે મોડું થયું હતું. એક-બીજાની રાહ જોઈ જોઈને કંટાળેલા પ્રાણી-પંખીઓ જવાની તૈયારીમાં હતા કે ઊંચી ડાળીએ ઉછળ-કૂદ કરતા પોપટે સમાચાર આપ્યા : 'ગાયબેન આવી રહ્યા છે અને બહુ ઉત્સાહમાં હોય એમ ઉતાવળાં પગલાં ભરી રહ્યા છે'

'શું વાત છે ગાયબેન, આજે તો તમે નવા કપડાં પહેરીને આવ્યાં છો! ક્યાંય પ્રસંગમાં જઈ રહ્યાં છો?' ગાય પ્રાણી-પંખીઓની નજીક પહોંચી કે તરત જ બકરીએ પૂછ્યું.

'અચ્છા! તો ગાયબેનને ઠંડીના કારણે નહીં, પણ તૈયાર થવામાં વાર લાગી છે!' તીણાં અવાજમાં માછલીએ હળવી મશ્કરી કરી.

'હા! આજે અમારા સમાજની એક ઉજવણી છે એટલે અહીંથી સીધી એમાં જોડાઈશ' ગાયે માછલી અને બકરી સામે જોઈને સ્મિત વેર્યું.

'તમે તો પાછા એક મોરચાના પ્રમુખ પણ છો ને?' પોપટે ઊંચી ડાળી ઉપરથી નીચે જગ્યા લીધી.

'હા. રઝળતી ગાયના કલ્યાણ મંડળની જવાબદારી મને સોંપવામાં આવી છે. એ બધી ગાયો પણ હમણાં અહીં આવી પહોંચશે' ગાયે વિગતે ઉત્તર વાળ્યો.

'બધી ગાયો અહીં કેમ આવશે? શેની ઉજવણી છે? રેલી કાઢવાના છો? ભોજન સમારંભ પણ હશેને? ભોજનમાં પૂરી હશે?' કાગડાએ જવાબનો મોકો આપ્યા વગર કર્કશ અવાજમાં એક સામટા સવાલો પૂછી લીધા.

'અરે કાગડાભાઈ શાંતિ તો રાખો! કેટલાં સવાલો કરશો?' ગાય કંઈ જવાબ આપે એ પહેલાં માછલીએ કાગડા સામે જોઈને અણગમો વ્યક્ત કર્યો.

'કાગડાએ મુદ્દાનો સવાલ પૂછ્યો - ભોજનમાં પૂરી હશે? હાહાહા' પોપટે પૂરીના નામે કાગડાની ટીખળ કરી.

'ઉજવણી તો બહુ મોટી છે. પણ હા, ભોજનમાં પૂરી નથી. ઘાસચારો છે!' ગાયે ચોખવટ કરી અને ઉમેર્યું : 'અમારો કોર્ટમાં વિજય થયો તેની ઉજવણી છે'

'કોર્ટમાં તમારો વિજય? કયા કેસમાં? તમારે ય રાજકારણીઓની જેમ કોર્ટમાં જવું પડે છે?' ફરી કાગડાએ આંખ ઝીણી કરીને પૂછ્યું.

'તમે પેલા ભાલુના ઘાસાચારા કેસની વાત કરો છો?' પોપટે સવાલ કર્યો પછી જવાબની રાહ જોયા વગર ઉમેર્યું : 'એની તપાસ તો અમારા પોપટ સમાજને સોંપવામાં આવી હતી. પોપટના વડપણ હેઠળ બનેલી સમિતિએ એ કેસની વિગતવાર તપાસ કરી હતી'

'હા. હું એની જ વાત કરું છું. એમાં અમને ન્યાય મળ્યો છે એટલે આજે અમે જંગલમાં રેલી કાઢીને ઉજવણી કરીશું' ગાયે ઉત્સાહથી કહ્યું.

'તમારે ભાલુ સાથે શું વિવાદ ચાલતો હતો?' ભાલુ-ગાયના ઘાસચારા કેસથી અજાણ બકરીએ સવાલ કર્યો.
'બકરીબેન તમારું જનરલ નોલેજ બહુ કાચુ છે હોં! બળદ તમને વારંવાર સંભળાવે છે એ કંઈ ખોટું નથી' પોપટનો કટાક્ષ બકરીને જરાય ન ગમ્યો, પણ તે કંઈ બોલી નહીં.

'જંગલમાં ગાયોના ઘાસચારાની રખેવાળી કરવાની જવાબદારી ભાલુને મળી ત્યારે તેણે તેનો ગેરલાભ લીધો હતો. ભાલુએ અમારો ઘાસચારો વેંચી માર્યો હતો. તેના કૌભાંડની ખબર પડી પછી પોપટની એક સમિતિ બનાવીને તપાસ સોંપવામાં આવી હતી' ગાયે બકરીને વિગતવાર સમજાવતા ઉમેર્યું : '..પછી કોર્ટે ગાયોનો ચારો વેંચી નાખવા બદલ ભાલુને દોષિત ગણાવીને જેલની સજા ફટકારી હતી'

'તમને ન્યાય મળ્યો ખરો એમ ને?' બકરી ઉત્સાહથી બોલતી હતી ત્યાં રેલી માટે ગાયોનું ટોળું આવી ચૂક્યું હતું. જ્યાં જગ્યા મળે ત્યાં એક પછી એક ગાય બેસવા માંડી હતી. સભાના નિયમિત સભ્ય અને આ ગાયોના પ્રમુખ વૃદ્ધ ગાયબેને આગળ બેઠેલી કેટલીક ગાયોનો પરિચય પણ કરાવ્યો.

'આ ભાલુએ તમારો કેટલો ચારો વેંચી માર્યો હતો?' મોડેથી આવીને ખુણાની ડાળીમાં બેસીને શાંતિથી બધાની વાતો સાંભળી રહેલા કબૂતરે પહેલી વખત સવાલ કર્યો.

'એક હજાર રૃપિયાનો ચારો ભાલુએ વેંચી નાખ્યો હતો' ગાય ઉત્તર આપે એ પહેલાં પોપટે માહિતી આપી.

'ઓહોહો! તો તો ભાલુને બરાબર સજા થવી જ જોઈએ. દંડ પણ ફટકારવો જોઈએ એટલે બીજી વખત આવો એકેય ભાલુ કૌભાંડની હિંમત ન કરી શકે' કબૂતરે આકરી સજાનો મત વ્યક્ત કર્યો અને પછી થોડીવારે ઉમેર્યું : 'ભાલુને કેટલી સજા થઈ છે?'

'સાડા ત્રણ દિવસની આકરી સજા ભાલુને થઈ છે' ગાયે ઉત્સાહથી ગાયોના ટોળા માટે જોઈને સ્મિત કર્યું.

'...અને દંડ કેટલો થયો?' કબૂતરે ખુણાની ડાળી ઉપરથી વચ્ચેની ડાળીમાં જગ્યા મેળવી.

'કોર્ટે પાંચ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે. હવે એકેય ભાલુ આવું કૌભાંડ નહીં કરે, જોજો!' ભાલુને થયેલા દંડ અને સજા અંગે ગાયબેને સંતોષ વ્યક્ત કર્યો.

'ગાયબેન! હું જે કહીશ એ તમને ગમશે નહીં, પણ....' કબૂતરે થોડી વાર વિચાર્યા કર્યું. ધીમે રહીને તેણે કહ્યું : 'એક હજાર રૃપિયાનો ઘાસચારો ભાલુએ ઓહિયા કરી લીધો અને છતાં એને માત્ર પાંચ રૃપિયાનો દંડ અને સાડા ત્રણ દિવસની જેલ? આ તો હદ કહેવાય?'

'જો ભઈ! કોર્ટનો નિર્ણય શિરોમાન્ય. કોર્ટના નિર્ણયની કોઈ ટીકા-ટીપ્પણી ન હોય. સજા થઈ એ જ મોટી વાત કહેવાય' ગાયે ફરી એક વખત જંગલના ન્યાયતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

'કોર્ટના નિર્ણયને આદર આપવાની તમારી વાત સાચી છે, પરંતુ આ તો એવી વાત થઈ કે કોઈ એક પ્રાણી-પંખી બીજા પ્રાણી-પંખી ઉપર એક વર્ષ સુધી ત્રાસ વર્તાવે અને પછી તપાસના અંતે એને એક દિવસ ત્રાસ આપવાની સજા કરવામાં આવે. આમાં એક વર્ષ સુધી ત્રાસ વેઠનારાનો વિજય થયો કહેવાય કે એક વર્ષ સુધી ત્રાસ આપનારાનો?' કબૂતરે ઉદાહરણ સાથે પોતાની વાત સમજાવવાની કોશિશ કરી.

'એ જે હોય તે. ભાલુને જેલમાં તો જવું પડયું કે નહીં? હવે આ ભાલુ બકરીઓનાં ચારા ઉપર ક્યારેય નજર નહીં નાખી શકે' કબૂતરના સવાલનો ગાય કંઈ જવાબ આપે એ પહેલાં બકરી વચ્ચે બોલી.

'એને તમારા બકરીઓના ચારા ઉપર નજર નાખવાની જરૃર પણ નથી. તમને ખબર છે? ભાલુએ તો એક હજારના ગાયના ચારામાંથી જ જીવનભરની કમાણી કરી લીધી છે! સાડા ત્રણ દિવસ પછી જેલમાંથી નીકળીને એ એશઆરામથી જંગલમાં રહેશે અને તેનું જોઈને ભાલુની આખી પેઢીને ગાયોનો ચારો હડપ કરવાની પ્રેરણા મળશે' કબૂતરે મુદ્દાની વાત કરી એથી પહેલી વખત ગાય વિચારતી થઈ ગઈ.

'ંકબૂતર! યાર સજા થઈ એ મહત્વનો મુદ્દો છે. તું કેમ નેગેટિવ ઉદાહરણો આપે છે?' માછલીએ કબૂતરની ફિલોસોફી અંગે અકળામણ વ્યક્ત કરી.

'અચ્છા? જો તને પોઝિટિવ જ લાગતું હોય બધું તો મને એટલું જણાવ : જેનો ઘાસચારો ભાલુએ વેચી માર્યો હતો એમાંથી કેટલી ગાય અહીં હાજર છે?' કબૂતરે બધી જ ગાયો સામું જોઈને માછલીને સવાલ કર્યો.

'જો આ આગળ બેઠી છે એ ગાય ભોગ બનેલી ગાયની દીકરી છે. એની બાજુમાં બેઠી છે તે બીજી એક ભોગ બનેલી ગાયની બહેનની દીકરી છે....' ગાયે એક પછી એક પરિચય આપવાનું શરૃ કર્યું તેને અધવચ્ચે અટકાવીને કબૂતરે પૂછ્યું : 'ભોગ બનેલી એક પણ ગાય હાજર છે અહીં?'

'ના. ભોગ બનેલી ગાયો તો ક્યાંથી હોય ભઈ? ભાલુએ ૧૫ વર્ષ પહેલાં ઘાસચારો વેંચી નાખ્યો હતો. એ બધી ગાયો તો બિચારી કૃષ્ણધામમાં..' ગાયે કબૂતરના સવાલનો ઉત્તર આપ્યો તે સાથે જ તેની આંખો ચમકી. ધીમે રહીને ખૂબ જ ધીમા અવાજમાં ગાયે આગળ ચલાવ્યું : 'કબૂતરની વાત સાચી છે. જે ગાયોની હયાતીમાં ભાલુને સજા મળવી જોઈએ એને બદલે આટલા વર્ષે મળી છે.'

'ગાયબેન! હું જે કહેવા માંગતો હતો એ આખરે તમે સમજી ગયાં' કબૂતરે પોતાની દલીલો સાચી ઠરી તેનો આનંદ વ્યક્ત કર્યો.

રેલીમાં હાજર રહેવા આવેલી ગાયો સામે જોઈને ગાયબેન બોલ્યા : 'રેલી કરીને ઉજવણીનો કોઈ અર્થ નથી. હું તો તૈયાર થઈને જ ઉજવણી કરવા આવી હતી, પણ હવે ભોગ બનેલી ગાયો હયાત નથી એ હકીકત સમજ્યા પછી ઉજવણીનો મારો તો ઉત્સાહ જ મરી ગયો છે'

'ગાયબેન! બીજી એક વાત તમને ખબર છે? પોપટની સમિતિએ ભાલુને જે સજા કરી છે એમાં એવી ય સજા હતી કે ત્રણ દિવસ ભાલુની આસપાસ ગાયોને રાખવામાં આવશે! મેં વકીલ પાસેથી કોર્ટનો ઓર્ડર વાંચ્યો હતો' કબૂતરની આ નવી માહિતી પછી બેઠકમાં રેલી માટે આવેલી ગાયોમાં ભાગદોડ મચી ગઈ. થોડી વારમાં તો બધી જ ગાયો દૂર દૂર જંગલમાં સરકી ગઈ...

'અરે! ગાયબેન આવું કેમ થયું?' રેલી માટે આવેલી ગાયોને ભાગતી જોઈને માછલી અને બકરીને ભારોભાર આશ્વર્ય થયું.

ગાયબેન ઉભા થયા. ધીમે ધીમે ડગલા ભરીને થોડા આગળ ગયાં પછી માછલી તરફ ફરીને બોલતા ગયા : 'જેલમાં જો ભાલુની મીલીભગત ચાલે અને ગાયોને ભાલુની સાથે ત્રણ દિવસ રહેવાનું થાય તો ભાલુ ગાયોને ભૂખી-તરસી મારીને બદલો પણ લઈ શકે. આ ભયાનક વિચારે ગાયોમાં ભાગદોડ મચી ગઈ'

ગાયબેનની વાત સાંભળ્યા પછી કબૂતરે જતા જતા કહ્યું : 'તો હવે તમે જ વિચારજો! કૌભાંડી ભાલુ જેલમાં જાય એનાથી ખરેખર ગાયોએ ગેલમાં આવવા જેવું ખરું?'
 

Post Comments