Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

યુયુત્સુ કિમ જોન્ગઃ કમનસીબ ઉત્તર કોરિયન પ્રજા

ચીન ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા, જપાન અને અમેરિકા સામે હાથો બનાવી રહ્યું છે !

ધર્મના ફેલાવા માટે આ વિશ્વએ અનેક જંગ જોયા છે, પરંતુ શીત યુદ્ધ વિશ્વનું પ્રથમ એવું યુદ્ધ હતું કે જે ધર્મ સિવાયની વિચારધારા ફેલાવવા માટે લડવામાં આવેલું. અમેરિકા પાસે લોકશાહીની વિચારધારા હતી, રશિયા પાસે સામ્યવાદની. બીજા વિશ્વયુદ્ધ પછી ત્રણ દેશોના ટુકડા થયા. જર્મની, વિયેતનામ અને કોરિયા.

જર્મની અને વિયેતનામનું એકત્રીકરણ થઈ ગયું છે, પરંતુ બે સમાન ધુ્રવો વચ્ચે અપાકર્ષણ થાય એમ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ક્યારેય એક થઈ ન શક્યા. દક્ષિણ કોરિયામાં વિલિન ન થઈ શકેલો એ ભુપ્રદેશ શરીરથી છુટા પડયા પછી તરફડતા અંગની જેમ કમકમાટી ઊપજાવી રહ્યો છે અને પ્રશાંત મહાસાગરને અશાંત બનાવી રહ્યો છે.

વિશ્વએ જુદા-જુદા દેશો પર રાજ કરતા કેટલાક શેતાન નેતાઓ પણ જોયા છે. એડોલ્ફ હિટલર, બેનિટો મુસોલિની, ઈદી અમીન, યાસર અરાફત, મુઅમ્મર કદ્દાફી અને હવે કિમ જોન્ગ ઉન... અદોદળા બાળક જેવો ચહેરો ધરાવતા તાનાશાહ કિમ જોન્ગ ઉનની વિશેષતા એ છે કે તે ત્રણ પેઢીથી તાનાશાહ છે. તેના પિતા કિમ જોન્ગ ઈલ અને કિમ ઈલ સંગ જે હતા એ જ વારસો તેને મળ્યો છે.

દર પંદર દિવસ થાય અને સમાચાર આવે કે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડી, વળી પખવાડિયું થાય એટલે સમાચાર પ્રગટ થાય કે ઉત્તર કોરિયાએ પરમાણું પરીક્ષણ કર્યું. પાકિસ્તાનના અણુ વિજ્ઞાાની એ. ક્યુ. ખાને ચોરી છુપી ઉત્તર કોરિયાને અણું બોમ્બની ટેકનોલોજી વેંચી હતી. પાકિસ્તાને દાખવેલી દાનવીરતા આજે વિશ્વના અનેક દેશોને ખુંવાર કરવા પેઠી છે.

કોરિયન દ્વિપકલ્પના ટુકડા થયા પછી દક્ષિણ કોરિયા સડસડાટ વિકાસની સીડી ચડી ગયું. આજે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઈલેકટ્રોનિક ગેજેટ્સ દક્ષિણ કોરિયામાં તૈયાર થાય છે. કદમાં ભારતના નાનકડા ઉત્તરપૂર્વીય રાજ્ય જેવડું છે, કિન્તુ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તેનું યોગદાન વિરાટકાય છે. જ્યારે ઉત્તર કોરિયા કિમ વંશની પછાત વિચારધારાને કારણે કાયમ માટે પછાત રહી ગયું.

જૂના જમાનામાં પરિવહનના સાધનો નહોતા. યાત્રા કરનારા લોકો બહુ જૂજ હતા. બાદશાહ અકબરે યદ્ધ જીત્યા પછી ગુજરાત આવ્યા ત્યારે પ્રથમ વખત સમુદ્ર જોયો હતો. ઉત્તર કોરિયન પ્રજાની હાલત ૨૧મી સદીમાં ૧૫મી સદીના એ બાદશાહ જેવી છે. ઉત્તર કોરિયન પ્રજાને વિશ્વ કેવું છે તેની ખાસ કલ્પના જ નથી.

જપાન સંસ્થાનવાદી હતું. ચીન અને કોરિયા બંનેને ગુલામ બનાવ્યા હતા. સામ્રાજ્યવાદી જપાન અત્યંત ક્રૂર હતું. બીજા વિશ્વયુદ્ધ પછી તેણે કાયાપલટ કરી નાખી. આજે તે વિશ્વભરમાં સોફ્ટ પાવર તરીકે ખ્યાત છે.

આજે તે બોમ્બ નહીં પરંતુ કેમેરા, ટેલિવિઝન, એસયુવી, રોબો અને બીજી અનેક ટેકનોલોજીના શહેનશાહ તરીકે ઓળખાય છે. દક્ષિણ કોરિયા અને જાપાન ભૂતકાળને પાછળ છોડી શક્યા એટલે તેઓ ગગનચુંબી પ્રગતિ કરી શક્યા. ઉત્તર કોરિયા સાવ ક્યાં રહી ગયું !

ચીનમાં મીડિયાને અભિવ્યક્તિની આઝાદી નથી. પ્રજા જાહેરમાં સરકાર વિરુદ્ધ બોલતા ડરે છે. સરકારનો છુપો ભય તેમના મનમાં સમાયેલો રહે છે. ઉત્તર કોરિયાની પ્રજાના મનમાં ચીન કરતા પણ વધારે ભય છવાયેલો રહે છે.

શી જિનપિંગનું ચીન તો એ દૃષ્ટિએ હજુ ઘણું સારું છે. ચીને સમય સાથે અક્લપનીય તરક્કી કરી છે. તેણે તેના કટ્ટર શત્રુ જપાનને પાછળ છોડી દેવાની લ્હાયમાં વિકાસ કર્યો હોય એવું પણ બની શકે. શત્રુ કરતા આગળ નીકળવું એ પણ એક સાહજિક મનોભાવ છે, પરંતુ એ પોઝિટિવ સ્પર્ધા છે. રચનાત્મક પ્રતિયોગીતા છે.

જ્યારે ઉત્તર કોરિયાએ ઊંધી દિશામાં ડગલા માંડયા. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાને ખાસ શસ્ત્રો વિકસાવ્યા નથી. સંરક્ષણ માટે આજે તે મહદંશે અમેરિકા પર નિર્ભર કરે છે. જાપાને તેની તમામ તાકત શસ્ત્રો પાછળ લગાવી દીધી જ્યારે ઉત્તર કોરિયાએ તેની તમામ ઊર્જા વિધ્વંશક શક્તિઓ કેળવવા પાછળ લગાડી દીધી છે.

ઉત્તર કોરિયાની પ્રજા પાસે પેટમાં કોળિયો નાખવાના પૈસા નથી, પણ કિમના શસ્ત્રાગારમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે. વિજ્ઞાાન પાછળની દોટે જાપાનને વિકાસ અને સમૃદ્ધિ આપ્યા જ્યારે નકારાત્મકતા પાછળની દોટે ઉત્તર કોરિયાને ભય, નિરાશા અને ગરીબી આપ્યા.

પરમાણું બોમ્બની સાથોસાથ તેની પાસે હાઈડ્રોજન બોમ્બ પણ છે. પરમાણું બોમ્બ અણુ વિભાજન (ન્યુક્લિઅર ફિઝન)ની થીયરી પર કામ કરે છે. હાઈડ્રોજન બોમ્બ ન્યુક્લિઅર ફ્યુઝન (અણુ સંયોજન)ની થીયરી પર કામ કરે છે. સૂર્ય એ એક પ્રકારનો હાઈડ્રોજન બોમ્બ જ છે. હાઈડ્રોજનનું હિલિયમમાં રૃપાંતર થવાથી જ સૂર્ય પ્રકાશિત થાય છે. હાઈડ્રોજનનું પરિક્ષણ કરીને ઉત્તર કોરિયા અંધકાર તરફ ધસી રહ્યું છે!

અમેરિકા ઉત્તર કોરિયાને આર્થિક રીતે સદંતર ભાંગી નાખવા માગે છે. આવું બનવું એ ત્યાંની પ્રજાનું દુર્ભાગ્ય હોવા છતાં તેમ કર્યા સિવાય વિકલ્પ બચ્યો નથી. ઉત્તર કોરિયા ૭૦થી ૮૫ ટકા વેપાર ચીન સાથે ધરાવે છે. અમેરિકા તે વ્યાપાર બંધ કરવા ચીનને અનેક વખત સમજાવી ચૂક્યું છે, પણ ચીન માનવા રાજી નથી. તે જાપાન અને દક્ષિણ કોરિયા વિરુદ્ધ અને યુનાઈટેડ સ્ટેટ સામે પ્રચ્છન્નપણે લડવા ઉત્તર કોરિયાને સાજુ નરવું રાખવા માગે છે.

જો કે ચાઈના એમ પણ નથી ઈચ્છતું કે અત્યારે જે ફટાકડા ફોડવાની રમત ચાલી રહી છે તે પૂર્ણપણે યુદ્ધમાં પલટાય. એવું થાય તો ઉત્તર કોરિયા બરબાદ થાય અને હજારો નિરાશ્રિતો ઉત્તર કોરિયાની સરહદેથી ચીનમાં પ્રવેશે. શરણાર્થીઓને પાળવામાં તેને બિલકુલ રસ નથી.

ચીન એવું ઈચ્છે છે કે યુદ્ધ પણ ન થાય અને સખળ-ડખળ પણ ચાલ્યા કરે. બધું જ ચીન ઈચ્છે એવું થાય તે જરૃરી નથી. વાત ક્યારે આગળ વધી જાય તે નક્કી ન કહેવાય. વાત આગળ વધી ચૂકી છે. ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડીને જાપાનના આભમાં છીંડા પાડી દીધા છે.

પુનઃ હાઈડ્રોજન બોમ્બ પરીક્ષણ કરી મોટી ભૂલ કરી લીધી છે. કિમ જોન્ગ ઉન અને તેનો પરિવાર રાતે સુઈ શકતા નથી. તેમને ભય સતાવે છે કે કોઈ અમને મારી નાખશે તો... તેમણે આ પ્રકારના ભય માટે જે કારણો ઊભા કર્યા છે તે સાચે જ તેમને ચીર નિંદ્રામાં પોઢાડી દેશે!

વૈશ્વિક હાઇલાઇટ્સ...

* અમેરિકાના સુખ્યાત કવિ જ્હોન એશબેરીનું શનિવારે ૯૦ વર્ષની વયે નિધન થયું હતું. આધુનિક કવિતામાં ખૂબજ મોટું નામ ધરાવતા આ કવિ તેમની ઊર્જા, હિંમત અને ભાષા પરના અસીમ પ્રભૂત્વ માટે જાણીતા હતાં. ૧૯૭૬માં કાવ્યસંગ્રહ 'સેલ્ફ પોટ્રેઈટ ઈન કોન્વેકસ મિરર' (બરીર્ગોળ અરીસામાં પોતાની છબિ) માટે તેમને પુલિત્ઝાર પ્રાઈઝ મળ્યો હતો.

*  બીજા વિશ્વયુધ્ધના અંતના ૭૦ વર્ષ પછી પણ જર્મનીની ઈમારતો આસપાસ, જંગલોમાંથી અને કયારેક ગાર્ડનોમાંથી ન ફૂટેલા બોમ્બ મળી આવે છે. એ સમયે કેવી બોમ્બવર્ષા થઈ હશે કલ્પી જુઓ. જર્મનીના કોબ્લેન્ઝ શહેરમાંથી ૫૦૦ કિલોગ્રામનો બોમ્બ મળી આવ્યો હતો. તે ડીફયુઝ કરતા પૂર્વે ૨૧,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેના બે દિવસ પહેલા ફ્રેન્કફર્ટમાંથી ૬૦,૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું.

*  સળંગ ૨૮૮ દિવસ અવકાશમાં રહ્યા પછી નાસાની મહિલા વિજ્ઞાાની પેગી વિટસને ધરતી પર પુનઃઅવતરણ કર્યું. આ સાથે તે વિશ્વની સૌથી લાંબો સમય અવકાશમાં રહેનારી મહિલા અને સૌથી લાંબો સમય પૃથ્વીથી દૂર રહેનારી અમેરિકન બની ગઈછે. અત્યાર સુધીમાં તેમણે ૬૬૫ દિવસ અવકાશમાં ગાળ્યા છે. તેમની ઉંમર ૫૭ વર્ષ છે અને તેઓ વિશ્વના સૌથી વયસ્ક સ્પેસ વુમન છે.

*   દેર આયો દુરસ્ત આયે.. મોડે - મોડે બ્રિટનને સમજાઈ ગયું છે કે યુરોપિયન યુનિયનની સિંગલ માર્કેટ છોડવાથી કેટલું નુકસાન થઈ શકે છે. માર્ચ ૨૦૧૯માં બ્રેક્ઝિટ નક્કી છે, પણ હવે બ્રિટનની સરકાર તથા વિપક્ષ બંને સહમત થઈ ગયા છે કે બ્રેકિઝ્ટ પછી પણ થોડો સમય બ્રિટન સિંગલ માર્કેટમાં બની રહેશે.

 

Post Comments