For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધંધુકાના ના.કા.ઈ. (વર્ગ-2) શ્રીવાસ્તવ રૂા. 1.20 લાખની લાંચ લેતા ઝડપાયા

Updated: May 3rd, 2024

ધંધુકાના ના.કા.ઈ. (વર્ગ-2) શ્રીવાસ્તવ રૂા. 1.20 લાખની લાંચ લેતા ઝડપાયા

પા.પૂ. બોર્ડના જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગના

પાણી પૂરવઠાની મરામત-નિભાવણીના કામના બીલોમાં કપાત નહીં કરવાનું કહી લાંચની માગણી કરતા એસીબીના છટકામાં સપડાયા

ધંધુકા: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગના ધંધુકા (જિ. અમદાવાદ)ના નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-૨) વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ આજે રૂા. ૧ લાખ ૨૦ હજારની લાંચ લેતા લાંચ રૂસ્વત વિરોધી શાખા (એસીબી)ના ગાંધીનગર એકમ દ્વારા ગોઠવાયેલ છટકામાં ઝડપાઈ ગયા હતા. 

આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર ફરીયાદી ધંધુકા તાલુકાના ૫૪ ગામના પાણી પુરવઠાનુ મરામત અને નિભાવણીની કામગીરી કરે છે. જે કરેલ કામગીરીના ત્રણ માસના બીલોમાં કપાત નહી કરી, બીલો તાત્કાલિત ફોરવર્ડ કરી, મંજુર થઇ આવ્યેથી એક માસના ત્રીસ હજાર લેખે ચાર માસના રૂ.૧,૨૦,૦૦૦/- ની લાંચની માંગણી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગના ધંધુકા (જિ. અમદાવાદ)ના નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-૨) વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવે ફરીયાદી પાસે કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ હતો. જેથી આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે એ.સી.બી. ગાંધીનગર એકમના સુપરવિઝન ઓફિસર મદદનીશ નિયામક એ.કે. પરમારના માર્ગદર્શનમાં એ.સી.બી. ગાંધીનગર એકમના ફિલ્ડ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી.ચાવડા દ્વારા લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું. 

દરમિયાનમાં, આ લાંચના છટકા દરમ્યાન નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, રાણપુર રોડ, ધંધુકા ખાતે ચેમ્બરમાં નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-૨) વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, રૂા. ૧,૨૦,૦૦૦ લાંચના નાણાં સ્વિકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.      

Gujarat