For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિહોરમાં રાત્રે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ, બન્ને પક્ષે ચારને ઈજા

Updated: May 3rd, 2024

સિહોરમાં રાત્રે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ, બન્ને પક્ષે ચારને ઈજા

ઉછીના આપેલ રૂપિયા અને બાઈકમાંથી પ્લગ કાઢી લેવા મામલે  

સિહોર પોલીસ મથકમાં બન્ને પક્ષની સામસામી ફરિયાદ ઃ ૧૦ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

સિહોર: સિહોરના ટાઉનહોલ પાછળ રહેતા અને સેન્ટીંગ કામ કરતા યુવાને ઉછીના આપેલા રૂપિયા અને બાઈકમાંથી પ્લગ કાઢી લેવા મામલે માથાકૂટ થતા બે જૂથ વચ્ચે ધોકા ઉડયા હતા. આ બનાવ અંગે બંને પક્ષ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી વિગત મુજબ સિહોરના ટાઉનહોલ પાછળ રહેતા અને સેન્ટિંગ કામની મજૂરી કરતા મહેશભાઈ મેઘજીભાઈ જાદવે તેમની જ્ઞાાતિના ગીરીશભાઈ મોહનભાઇ રાઠોડને રૂ.૬,૦૦૦ ઉછીના આપેલ હોય તેની ઉઘરાણી કરતા તેમજ મહેશભાઈ  જાદવે ગીરીશભાઈ રાઠોડના પિતરાઈ ભાઈએ જ્ઞાાતિની વાડી બહાર મુકેલી તેમની મોટરસાઇકલમાંથી પ્લગ કાઢી લેવા બાબતે મહેશભાઈના ઘર પાસે ગત રાત્રીના સમયે ધોકા વડે મારામારી થઈ હતી. જેમાં ગીરીશભાઈ રાઠોડ અને તેમના પિતરાઈ ભાઈ પરેશભાઈ રાઠોડને ઇજા પહોંચી હતી. જ્યારે સામાપક્ષે મહેશભાઈ જાદવ અને તેમના પત્ની દિવ્યાબહેનને મૂંઢ ઇજા થઇ હતી.

 મારામારીના આ બનાવ અંગે સિહોરમાં સવગુણ સોસાયટીમાં પાંચવડા વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ મોહનભાઇ રાઠોડે સિહોર પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ મેઘજીભાઈ જાદવ, જયેશભાઈ ભાણજીભાઈ મકવાણા, કૃણાલભાઈ બળવંતભાઈ શ્રીમાળી, મિહિરભાઈ બાથવાર અને હાદકભાઈ બાંભણીયા (રે. તમામ સિહોર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે સિહોરમાં ટાઉન હોલની પાછળ હનુમાનજી મંદિર પાસે રહેતા મહેશભાઈ મેઘજીભાઈ જાદવે સિહોર પોલીસ સ્ટેશનમાં ગિરીશભાઈ મોહનભાઇ રાઠોડ, પરેશભાઈ હિમ્મતભાઈ રાઠોડ, હિમ્મતભાઈ રાઠોડ,ભરતભાઈ કાનજીભાઈ રાઠોડ અને સુરેશભાઈ પરષોત્તમભાઈ જયપાલ (રે. તમામ સિહોર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સિહોર પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ બંને પક્ષ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને જીપી એક્ટની કલમ ૧૩૫ અન્વયે ગુનો દાખલ કર્યો હતો. સિહોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Gujarat