For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભુજમાં ગંદકી સફાઈ માટે એજન્સી બદલી પરંતુ કચરાના ઢગલા ઠેરના ઠેર

Updated: May 3rd, 2024

ભુજમાં ગંદકી સફાઈ માટે એજન્સી બદલી પરંતુ કચરાના ઢગલા ઠેરના ઠેર

મારૂ શહેર, સ્વચ્છ અને સુંદર શહેર માત્ર કાગળ પર

ભુજના ચાર ઝોન પાડી કુલ્લ ૬૧ લાખમાં કામ સોંપાયું પણ નિરીક્ષણનો અભાવ

ભુજ: ભુજ પાલિકાની એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત થઈ છે. દરરોજ એક પછી એક સમસ્યા માથું ઉંચકતી હોય છે જેનો સત્વરે નિરાકરણ લાવવાની દિશામાં પાલિકા નબળી પડે છે. ભુજ શહેરમાં ગંદકીની સાફ સફાઈ કરવા માટે ચાર ઝોન પાડી કોન્ટ્રાકટ અપાયા પરંતુ હજુ પણ કચરાના ગંજ ખડકાયેલા દેખાય છે.

નવા નાણાંકીય વર્ષ ર૦ર૪-રપથી ભુજમાં ઝોન વાઈસ સફાઈ કરવાના કોન્ટ્રાકટ અપાયા છે. જેમાં ઝોન-૧માં વોર્ડ નં. ૧,૩, ઝોન-રમાં વોર્ડ નં.  પ,૬, ઝોન-૩માં વોર્ડ નં. ૪,૯,૧૦ તેમજ ઝોન-૪માં વોર્ડ નં. ૭ઘ૮ અને ૧૧નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ આ ચારેય ઝોનમાં સફાઈ માટે ટેન્ડરો બહાર પડાયા હતા. જેમાં ઝોન-૧માં અર્બન એન્વાયરો તેમજ ઝોન ર,૩,૪માં શ્રીજી એજન્સીને કામ સોંપવામાં આવ્યું. જે ટેન્ડરો મુજબ રૂા. ૬૧ લાખમાં કામગીરી સોંપાઈ અને ૧ એપ્રિલ ર૦ર૪થી કામગીરી શરૂ કરવાની હતી.

છેલ્લા એકાદ માસથી નવી એજન્સીએ કામગીરી તો શરૂ કરી છે. પરંતુ તે કામગીરી યોગ્ય રીતે કરાય છે કે કેમ ? તેના નિરીક્ષણ કરવાના અભાવે આજે પણ ભુજમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે ભુજના અમનનગર રેલવે સ્ટેશન રોડ, જાણે પાલિકાના ડમ્પીંગ સ્ટેશનમાં ફેરવાયું હોય તેમ ઢગલા નજરે પડી રહ્યા છે. અને આત્મારામ સર્કલથી આખા ભુજીયા રીંગ રોડ પર ઠેર ઠેર કચરાના ઢગલા દેખાય છે. ભુજના અમુક વિસ્તારો જેવા કે સુરલભીટ્ટ ચાર રસ્તા જેવા વિસ્તારોમાં પણ કચરા જોવા મળે છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે સફાઈના બાબતે આ વિસ્તારને પાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોય તેમ લાગેે છે. ખરેખર તો ઝોન પ્રમાણે કોન્ટ્રાકટ અપાયા બાદ યોગ્ય રીતે કામ થાય છે કે કેમ ? તે અંગે નિરીક્ષણ થવું જોઈએ. નહીંતર પ્રજાના પૈસાનું પાણી થશે અને ગંદકી ઠેરની ઠેર રહેશે.


Gujarat