For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રાઈવેટ પર્સન તરીકે જીવવાનું ગળથૂથીમાં શીખી છે કોંકણા સેન

Updated: May 2nd, 2024

પ્રાઈવેટ પર્સન તરીકે જીવવાનું ગળથૂથીમાં શીખી છે કોંકણા સેન

- 'લાઈફમાં મેં એક વાત સમજી લીધી છે કે તમે બધાને રાજી નથી રાખી શકતા. કોઈ પણ કામ સૌથી પહેલાં તો મને અપીલ કરવું જોઈએ. તો જ હું જે-તે કામ હાથમાં લઉં છું.'

ફિ લ્મ જગતમાં એવા આર્ટિસ્ટ બહુ જૂજ છે જેઓ પૈસાને બદલે પોતાની પસંદગીના કામને પ્રાયોરિટી આપે છે. આ એક્ટરો એવા અનાસક્ત જીવ છે કે એકાદ ફિલ્મ હીટ કે સુપરહીટ થયા બાદ ધડાધડ ફિલ્મો સાઇન નથી કરવા માંડતા. બીજાની જેમ તેઓ પોતાની સકસેસ પર સવાર થઈને રાતોરાત પોતાની પ્રાઈસ પણ વધારી નથી દેતા. કોંકણા સેન શર્મા આવી જ એક એકટ્રેસ અને ફિલ્મમેકર છે. એ પોતાની કરિયરમાં ઓફ્ફ બિટ માર્ગ પસંદ કરવામાં કદી સંકોચ નથી કર્યો.

જાણીતા અભિનેતા રણવીર શૌરી સાથે મેરેજ કરીને ઘર માંડનાર કોંકણાએ અમુક વરસોના સહવાસ બાદ અંગત કારણોસર ડિવોર્સ લીધા. એ એટલી પ્રાઈવેટ પર્સન છે કે આજ સુધી એણે રણવીર સાથેના ડિવોર્સનું કારણ કોઈને કહ્યું નથી. બંગાળની મેઘાવી એક્ટર-ડિરેક્ટર અપર્ણા સેનની પુત્રી કોંકણા આજે એક ટીનેજર પુત્રની માતા છે.

ઇંગ્લિશ મીડિયાને ક્યાંકથી ખબર પડી કે સેને ફિલ્મોમાં બે દાયકા પૂરા કર્યા છે એટલે એ પ્રસંગની ઉજવણીરૂપે મીડિયાએ એકટ્રેસ સાથે એક ઈન્ટરએક્શન ગોઠવી દીધું. હિન્દી અને બંગાળી ફિલ્મોમાં આટલી સફળ અને લાંબી મજલ કાપવા બદલ ઊંડો કૃતજ્ઞા ભાવ વ્યક્ત કરતા કોંકણા કહે છે, 'હું બહુ લકી છું કે મને સતત ક્રિયેટીવ અને આર્ટિસ્ટિક લોકો સાથે જોડાવાનો ચાન્સ મળતો રહ્યો. મારી કરિયરમાં પણ ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે અને વિવિધ કારણોસર અમુક વસ્તુ બીજા કરતા વધુ ચાલી. અહીં હું એક બીજી ખાસ વાત કહીશ કે મારી આખી કરિયર દરમિયાન ઘણાં લોકો મારી મૂવીઝ સાથે વૈચારિક રીતે કનેક્ટ થયા છે. મારી ફિલ્મો કમર્શિયલી  સકસેસ ન થઈ હોય તોય એમણે વખાણી છે. કોઈ પણ એક્ટર માટે આ સદ્નસીબ ગણાય.'

બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ રણબીર કપૂર સાથે 'વેક અપ સિડ' જેવી મિનિંગફુલ ફિલ્મ કરીને કોંકણાએ પહેલેથી જ પોતાનો અભિગમ સ્પષ્ટ કરી દીધો હતો, પરંતુ એણે અમુક હાર્ડકોર કમર્શિયલ હિન્દી ફિલ્મો (અતિથિ તુમ કબ જાઓગે) પણ કરી છે, એનું શું? એનો મીડિયા સમક્ષ ખુલાસો કરતા એક્ટર કહે છે, 'આય હેવ ડન ઑલ કાઈન્ડ્સ ઓફ વર્ક બટ આય હેવ ડન ઈટ ફોર માયસેલ્ફ. લાઈફમાં મેં એક વાત સમજી લીધી છે કે તમે બધાને રાજી નથી રાખી શકતા. કોઈ પણ કામ પહેલા મને અપીલ કરે પછી જ હું હાથમાં લઉં છું. મને કોઈ પ્રોજેક્ટ કરવામાં સેન્સ ન લાગતું હોય કે એના પ્રત્યે આદરભાવ ન હોય તો એ મારે શા માટે કરવો જોઈએ?'

અભિનેત્રી તરીકે કોંકણા બબ્બે નેશનલ એવોર્ડ જીતી ચુકી છે. દરેક ભાષા અને પ્રત્યેક પ્લેટફોર્મ પર દર્શકો અને સમીક્ષકોએ એનું કામ વખાણ્યું છે. ઉપરાંત પોતાની મોમના પગલે ચાલીને એ 'અ ડેથ ઈન ધ ગુંજ' અને એન્થોલોજી 'લસ્ટ સ્ટોરીઝ'ના એક પાર્ટ 'ધ મિરર'નું ડિરેક્શન કરી ચુકી છે. આ સંદર્ભમાં મીડિયા એને પૂછે છે, 'તમારા કામના એનાલિસિસ માટે તમે કેવા ધોરણો (સ્ટાન્ડર્ડસ) રાખ્યા છે?' સેનને એનો ઉત્તર આપવા વિચારવું નથી પડતું, 'આય એમ વેરી ક્રિટિકલ ઑફ માય ઑન વર્ક. મારી જાત માટે મેં બહુ હાઈ સ્ટાન્ડર્ડસ રાખ્યા છે. મારા માટે એ સ્ટાન્ડર્ડ જાળવવું મહત્ત્વનું છે, અન્યથા હું બીજાની ટીકા કે પ્રશંસાથી દોરવાઈ જાઉં. દરેક આર્ટિસ્ટે પોતાના સ્ટાન્ડર્ડ્સ અને વેલ્યુઝ રાખવા જ જોઈએ. કોઈ પણ કારણોસર હું કેટલીક ફિલ્મોનો ભાગ ન બની શકી. બીજી એકટ્રેસોએ એ રોલ્સ સ્વીકાર્યા અને એમાં વન્ડરફુલ પરફોર્મન્સિસ આપ્યા. લાંબી કરિયર દરમિયાન આવી વાતો બનતી હોય છે.'

ઇન્ડસ્ટ્રીમાં સૌ જાણે છે કે સેન ભાગ્યે જ ફિલ્મી પાર્ટીઓમાં જાય છે અને બોલીવૂડમાં એના ફ્રેન્ડ્સનું કોન ગુ્રપ પણ નથી. ઈન્ટરએક્શનમાં એને ઉલ્લેખ થતાં એક્ટર અભિમાનથી કહે છે, 'મેં હમેશા મારી પર્સનલ લાઈફને બીજા લોકોથી બચાવી રાખી છે. મારો નાનપણથી એ રીતે જ ઉછેર થયો છે. મારા અંગત જીવન વિશે વાત કરવું મને કોઈ કારણ જણાતું નથી. હું આજે પણ મારી શરતોએ મારી લાઈફ જીવું છું. મારી મરજી  પડે એ કરું છું અને મને નથી લાગતું કે એમાં કોઈએ ચંચુપાત કરવાની જરૂર હોય.'

સામાન્ય સ્ત્રીઓની જેમ કોંકણાને પણ પોતાના માતૃત્વ માટે ગર્વ છે અને એ હવે મધરહુડ (માતૃત્વ)ને એન્જોય પણ કરી રહી છે. એ ટીનેજ બોય હારુણની પ્રાઉડ મમ્મા છે. એ વિશે હોંશથી બોલતા સેન શર્મા સમાપનમાં કહે છે, 'ટચવુડ, મારા માટે એ એક અમેઝિંગ જર્ની બની રહી છે. મારા માટે મા બન્યા પછીના શરૂઆતના વરસો ઈઝી નહોતા. નવજાત બાળકની સંભાળ લેવી દરેક સ્ત્રી માટે બહુ સ્ટ્રેસફુલ બની રહે છે, પણ હવે હું એક ટીનેજરની મા તરીકે લાઇફ એન્જોય કરી રહી છું. હારુણ હજુ તો ટીનેજર છે, પણ મારા કરતા ઊંચો છે. ઉંમર વધવા સાથે એની પોતાની એક નોખી પર્સનાલિટી આકાર લઈ રહી છે. હારુનને પોતાની આસપાસની દુનિયામાં રસ છે અને એ મને પોલિટિક્સ જેવા વિષયો પર પ્રશ્નો પૂછતો રહે છે. બીજા ટીનેજરોની જેમ મારો દિકરો પણ ફની છે.'  

Gujarat