For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જ્હૉની વોકર: બસ કન્ડકટરમાંથી બેસ્ટ કોમેડિયન બનેલો કલાકાર

Updated: May 2nd, 2024

જ્હૉની વોકર: બસ કન્ડકટરમાંથી બેસ્ટ કોમેડિયન બનેલો કલાકાર

- જ્હૉની વોકરનું મૂળ નામ બદરૂદ્દીન કાઝી હતું, પરંતુ ફિલ્મોમાં દારૂડિયાની અલમસ્ત અદામાં ઝૂમતા ઝૂમતા તેમને એક વિદેશી વ્હીસ્કીના બ્રાન્ડ નામ પરથી જ્હૉની વોકર નામ મળી ગયું. 

- જ્હૉની વોકર મુંબઈ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો વિચાર જ કરી શક્યા નહોતા, કારણ કે મંુબઈમાં રહેવું ભલે મુશ્કેલ હોય, પરંતુ મુંબઈનો મોહ એમ આસાનીથી ઉતરતો નથી.

'એય દિલ હે મુશ્કિલ જીના યહાં જરા હટકે જરા બચકે યે હૈ બમ્બઈ મેરી જાન'

'મેં બમ્બઈ કા બાબુ, નામ મેરા અનજાના, ઇંગ્લીશ સ્કૂલમેં ગાઉ મેં હિન્દુસ્તાની ગાના.'

'સર જો તેરા ચકરાયે યા દિલ ડુબા જાયે આજા પ્યારે પાસ હમારે કાહે ઘબરાય, કાહે ઘબરાય.'

આ ગીત યાદ આવતા જ નજર સામે એક સુકલકડી દેહ, મોટી મોટી ગોળ ગોળ આંખો, અને આછા વાળ, લાંબુ કપાળ ધરાવતી વ્યક્તિ હાજર થઈ જશે. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં, પરંતુ બોલીવૂડના ભૂતકાળનો લોકપ્રિય હાસ્ય અભિનેતા જ્હૉની વોકર છે. જ્હૉની વોકર સાહેબનું મૂળ નામ બદરૂદ્દીન કાઝી તું પરંતુ ફિલ્મોમાં દારૂડિયાની અલમસ્ત અદામાં ઝૂમતા ઝૂમતા તેમને એક વિદેશી વ્હીસ્કીના બ્રાન્ડ નામ પરથી જ્હૉની વોકર નામ મળી ગયું. જે તેમની ઓળખ બની ગયું.

આજના હાસ્ય અભિનેતાઓ સાથે જ્હૉની વોકરની સરખામણી કરવી એટલે સાવ નિરર્થક વ્યાયામ ગણાય. ખેર, પ્યાસા, નયા દૌર, ચૌદહવી કા ચાંદ, સીઆઈડી જેવી ચારસો જેટલી ફિલ્મોમાં તેમણે આપેલું યોગદાન આજે પણ લોકો ભૂલ્યા નથી. તેમના અભિનયમાં છીછરાપણું કે બિભત્સતાનો અંશ પણ જોવા મળતો નહોતો. પોતાની નિખાલસ મસ્તી અને ચહેરાના હાવભાવ સાથે લોકોને હસાવવા એ તેમના ડાબા હાથનું કામ હતું.

૧૫ વર્ષની માસૂમ ઉંમરે માતાપિતા અને આઠ ભાઈ-બહેનો સાથે ઇન્દોરથી મુંબઈ ભાગ્ય અજમાવવા આવેલા બદરૂદ્દીન કાઝી ઉર્ફે જ્હૉની વોકર ત્યાર બાદ મુંબઈના જ બની ગયા. જીવવાનું મુશ્કેલ બનાવતી મુંબઈ તેમની જાન બની ગઈ.

જોકે મુંબઈ આવતા જ તેમણે સપનાની નગરી તરફ દોટ મૂકી નહોતી. હા, તેમને ફિલ્મો અંગે રૂચિ તો જરૂર હતી, પરંતુ તે સમયે સંઘર્ષ કરી બેકાર જીવન વિતાવવા કરતા તેમને મન જે મળે તે નોકરી સ્વીકારી લેવાનો એકમાત્ર વિકલ્પ હતો. કારણ કે ઇન્દોરની એક ટેક્સટાઈલ મિલમાં વિવિંગ માસ્ટર તરીકે ફરજ બજાવતા તેમના પિતાની નોકરી જતી રહી હતી. અને અગિયાર સભ્યોના બહોળા કુટુંબના ભરણપોષણનો સવાલ હતો. જોકે તે સમયે તેમનું નસીબ જોર કરતું હતું એટલે એમને બસ કંડક્ટરની નોકરી મળી ગઈ. એક તો મુંબઈ જેવી વિશાળ નગરીમાં મફત ફરવાની અને બીજું ફિલ્મ સ્ટુડિયો અને તેમના મનપસંદ નટ નટીઓના ઘર જોવાની તક મળે. આ લાલચને કારણે તેમણે આ નોકરી સ્વીકારી લીધી. પરંતુ થોડા જ સમયમાં તેમનામાં છૂપાયેલો અભિનયનો જીવડો સળવળી ઉઠયો અને બેસ્ટની નોકરીને રામ રામ કરી બોલીવૂડમાં પ્રવેશ લીધો. અહીં પણ તેમના નસીબ પાધરા એટલે તરત જ સફળતા મળી ગઈ. સ્વ. ગુરુદત્તના તો તેઓ જમણા હાથસમા હતા. 

ગુરુદત્તની દરેક ફિલ્મમાં જ્હૉની વોકર અને રહેમાન જોવા મળતા. ગુરુદત્ત અને તેમનો આ સાથ લાંબા સમય સુધી ટકી રહ્યો. ગુરુદત્તની છેવટની ફિલ્મ 'બહારે ફીર ભી આયેગી' સુધી તેમનો આ સાથ ટકી રહ્યો.

લોકોને હસાવતા હસાવતા એક વખત તેમને વિચાર આવ્યો કે તેમણે હવે પૂરતા પ્રમાણમાં પૈસા મેળવી લીધા છે, પરંતુ નાણાં કમાવવાની લ્હાયમાં ને લ્હાયમાં તેઓ શાંતિથી બે ટંક ભોજન પણ લઈ શકતા નથી, જ્યારે એક સમય એવો હતો કે તેમની પાસે જમવાનો સમય હતો, પરંતુ ગજવામાં પૈસાની કમી હતી. પેટનો ખાડો પૂરવાની સમસ્યા ગરીબો અને તવંગરો બન્નેને સતાવતી હોય તો શા માટે રાત દિવસ એકઠા કરી વધુ પરિશ્રમ કરવો અને તે પણ શા કાજે? ૧૯૬૭માં આ વિચાર આવતા જ તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો અને તેમણે એક પળનો વિલંબ ન કરતા હસતા મુખે જ્વલંત કારકિર્દીનો ત્યાગ કરી નિવૃત જીવન ગાળવાનો નિર્ણય કર્યો.આ પછી કમલ હસનની ચાચી ૪૨૦માં દર્શકોને ફરી એક વાર જ્હૉની વોકરનો અભિનયનો જાદુ નિહાળવા મળ્યો હતો. અભિનયમાં એજ પુરાની તાજગી જોઈ દર્શકોને ત્રણ દાયકા પૂર્વના જ્હૉની સાહેબ યાદ આવી ગયા હતા. 

જ્હૉની વોકરે ફિલ્મમાં દારૂડિયાનો અભિનય કરી લોકોની વાહ વાહ મેળવી હતી. પરંતુ અંગત જિંદગીમાં ક્યારે પણ મદિરાને હાથ લગાડયો નહોતો.

તેમનો એક પુત્ર અમેરિકાની એર લાઈન્સમાં કામ કરે છે. આથી વિશ્વનો પ્રવાસ કરવાની તેમને તક મળી હતી. તેમજ નાના પુત્ર નાસીરે અમેરિકામાં આર્કિટેકચર અને કમ્પ્યુટર ગ્રાફિકનું શિક્ષણ મેળવ્યું છે, પરંતુ તે વીજે, મોડેલ અને ટીવી કલાકાર તરીકે પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. નાસીરને ઢગલાબંધ ટીવી સિરિયલો ઉપરાંત કેટલીક ફિલ્મોમાં પણ કામ મળ્યું છે. તેમણે સૌપ્રથમ વિદેશની મુસાફરી પત્ની અને બીઆરચોપરાના કુટુંબ સાથે ૧૯૫૮માં કરી હતી. આ સમયે તેમણે ૧૨ દેશોની મુલાકાત લીધી હતી.

બમ્બઈ કા અનજાના બાબુએ આજની મુંબઈની થયેલી દુર્દશા માટે ખેદ વ્યક્ત કર્યો હતો. એક સમયની સુંદર મોહમયી મુંબઈની સુંદરતા પર ગંદકી, પ્રદૂષણ તેમજ ખાડા ટેકરાવાળા રસ્તાઓને કારણે કલંક લાગી ગયું હોવાની તેમની ફરિયાદ પરંતુ જીના યહાં મરના યહાં માનનારા જ્હૉની વોકર મુંબઈ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો વિચાર જ કરી શક્યા નહોતા. કારણ કે મંુબઈમાં રહેવું ભલે મુશ્કેલ છે. પરંતુ મુંબઈનો મોહ એમ આસાનીથી ઉતરતો નથી.   

Gujarat