For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભીતર રહેલી પ્રચંડ ઊર્જાને પિછાણી શકો તો તમે પણ કેસરીનંદન છો...

Updated: Apr 30th, 2024

ભીતર રહેલી પ્રચંડ ઊર્જાને પિછાણી શકો તો તમે પણ કેસરીનંદન છો...

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

એક મનોચિકિત્સકે સરસ નિરીક્ષણ કર્યું છે- માણસ રોજિંદી રહેણીકરણીમાં પોતાની કુલ ઊર્જા (શક્તિ)ના માત્ર દસ ટકા ઊર્જા વાપરે છે. ક્યારેક જીવનમરણનો સવાલ આવે ત્યારે એની સુષુપ્ત શક્તિ પ્રગટ થાય છે. એક સાવ સાદો દાખલો લ્યો. તમે વિચાર કરતાં કરતાં સડક પર જઇ રહ્યા છો. અચાનક ભયંકર સ્પીડમાં કોઇ વાહન ધસી આવે ત્યારે જીવ બચાવવા તમે સંપૂર્ણ શક્તિ કામે લગાડીને જીવ બચાવવા ધસી જાઓ છો. એક જંપમાં રોડ ક્રોસ કરી લ્યો છો. એ સમયે તમારા હૃદયના ધબકારા વધી ગયા હોય છે અને તમે પરસેવે રેબઝેબ થઇ ગયા હો છો.

તાજેતરમાં એક વિદેશી વિદ્વાનના પુસ્તકનો પરિચય વાંચવા મળ્યો. વાંચીને પ્રચંડ વિસ્મય અનુભવ્યું. કારણ? આપણા ઋષિમુનિઓ અને અધ્યાત્મના ઉપાસકો જે વાત હજારો વરસથી કહેતા આવ્યા છે એ જ વાત આ વિદ્વાને પોતાના સંશોધન અને અનુભવ પરથી તારવી છે. 

જેમને રસ હોય એમણે આ વિદ્વાનનું એક પુસ્તક જરૂર વાંચવું જોઇએ. પુસ્તક લેખકનું નામ છે ડોક્ટર રિચર્ડ લીપ્ટન. એ ડેવલપમેન્ટલ બાયોલોજિસ્ટ તરીકે જાણીતા છે. પુસ્તકનું ટાઇટલ છે 'ધ બાયોલોજી ઓફ બિલીફ'. અત્રે ડોક્ટર લીપ્ટનના વિચારોનો સાર પ્રસ્તુત છે. એમના વિચારો જાણ્યા પછી તમે આપણા એક યોગીની આત્મકથાના લેખક યોગાનંદ કે આપણા સાંઇ કવિ મકરંદ દવેના વિચારો સાથેની સમાનતા સમજી શકશો.

ડોક્ટર લીપ્ટન કહે છે કે આધુનિક તબીબી શાસ્ત્ર જિનેટીક્સની મોટી મોટી વાતો કરીને આમ આદમીને આંજી નાખે છે. મારે સાવ સાદી સરળ વાત દ્વારા તમને કહેવું છે કે તમે પણ દંતકથાના સેમ્સન કે રામાયણના બજરંગબલિ જેટલી જ શક્તિ ધરાવો છો. મારી વાતને સમજવાની કોશિશ કરજો. આપણું શરીર આશરે દસ અબજ કોષોનું બનેલું છે. પ્રતિ ક્ષણ હજારો કોષો નષ્ટ થાય છે અને એ જ ક્ષણે હજારો નવા કોષો જન્મે છે. આ દરેક કોષમાં ૧.૪ વોલ્ટ જેટલી ઊર્જા (વિદ્યુત શક્તિ) હોય છે. આમ જુઓ તો ૧.૪ વોલ્ટ એટલે કશું જ નહી. પરંતુ દસ અબજ કોષો ધ્યાનમાં લ્યો તો કેટલી ઊર્જા થાય ? કરો ગણતરી.

દરેક વ્યક્તિમાં કુદરતે આટલી પ્રચંડ ઊર્જા ભરેલી છે. આ ઊર્જા સુષુપ્ત છે, કારણ કે આપણે એ તરફ કદી ધ્યાન આપ્યું નથી. અત્રે એક પ્રસંગ યાદ કરો. સીતામાતાની શોધમાં નીકળેલા વાનરો એક તબક્કે એવા સ્થળે પહોંચ્યા જ્યાં ધરતીનો  છેડો આવી ગયો અને મહાસાગર નજરે પડયો. જાંબુવાન અને અન્યોએ હનુમાનજીની સુષુપ્ત શક્તિ જાગૃત કરી અને હનુમાનજી એક કૂદકામાં સાગર ઓળંગીને લંકા પહોંચી ગયા.

ડોક્ટર લીપ્ટન કહે છે કે માણસનું મન જે-તે કામનો વિચાર વિધાયક (પોઝિટિવ) કે નકારાત્મક (નેગેટિવ) રીતે કરે છે. દરેક માણસની સુષુપ્ત શક્તિ પર મનનો કાબુ હોય છે. તમે સતત પોઝિટિવ રહીને કામ કરતા રહો તો તમારામાં રહેલી પ્રચંડ ઊર્જા તમારી સહાય કરે છે. શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે- મનઃ એવમ્ મનુષ્મ્ણામ્ કર્મણયમ્ બંધમોક્ષયોઃ તમારા મુક્તિ-બંધનનું કારણ તમારું મન છે. 

તબીબી વિશ્વમાં પ્લાસિબો અને નાસિબો નામના શબ્દો છે. એક સાકરની ટીકડીને દવા સમજીને ખાનાર પર એની પોઝિટિવ અસર અચૂક થાય છે. એનાં શરદી-ઊધરસ કે તાવ અલોપ થઇ જાય છે. બીજી બાજુ કોઇ વ્યક્તિના મનમાં ઠસાવી દેવામાં આવે કે તમને હાર્ટ પ્રોબ્લેમ કે કેન્સર થવાની શક્યતા છે. એ વ્યક્તિ થોડા નબળા મનની હોય તો એના મનમાં આ વિચાર ઠસી જાય. એને કેન્સર થાય પણ ખરું. આ જ વાત આપણા પૂર્વસૂરિઓ અને ઋષિમુનિઓ સતત કહેતા આવ્યા છે. તમારામાં રહેલી સુષુપ્ત શક્તિને જાગ્રત કરો. દ્રઢ સંકલ્પ કરનાર વ્યક્તિ બનો. 

એક શેરથી વાત પૂરી કરીએ. કદમ અસ્થિર હોયે તો કદી મારગ નથી મળતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો... આ જ ગઝલનો ઔર એક શેર આનાથી પણ ચઢિયાતો છે- તમારા મનને જીતો તો હું માનું કે સિકંદર છો, નહીંતર દિગ્વિજય એમ બોલવામાં શ્રમ નથી પડતો...!

Gujarat