For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હવે ભારતમાં પણ આવી રહી છે ગૂગલ વોલેટ સર્વિસ

Updated: Apr 28th, 2024

હવે ભારતમાં પણ આવી રહી છે ગૂગલ વોલેટ સર્વિસ

ભારતમાં આપણને સૌને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી ઓનલાઇન પેમેન્ટ કરવાનું એકદમ ફાવી ગયું છે. જોકે હવે તેમાં જૂના-નવા રસ્તાઓ ઉમેરાઈ રહ્યા છે. થોડા સમય પહેલાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જુદી જુદી એપનાં અગાઉ ખાસ્સાં પોપ્યુલર થયેલાં મોબાઇલ વોલેટ્સને યુપીઆઇ ઇકો સિસ્ટમ સાથે જોડી દેવાની છૂટ આપી છે. આ કારણે હવે આપણે ફરી પેટીએમ, ફોનપે, મોબિક્વિક જેવી કંપનીના મોબાઇલ વોલેટમાં રૂપિયા જમા રાખી શકીશું અને તેમાંથી કોઈ પણ યુપીઆઇ કનેક્ટેડ બેંક ખાતામાં પેમેન્ટ કરી શકીશું. એ ઉપરાંત યુપીઆઇમાં હવે રુપે ક્રેડિટ કાર્ડ કનેક્ટ કરવાનો વિકલ્પ પણ આવી ગયો છે.

બીજી તરફ, ગૂગલ, એપલ, સેમસંગ જેવી કંપની પોતપોતાની પેમેન્ટ એપમાં બેંક કાર્ડ કનેક્ટ કરીને તેની મદદથી પેમેન્ટ કરવાની સગવડ આપે છે. આ કારણે આપણે ખિસ્સામાં ફિઝિકલ કાર્ડ રાખવાની જરૂર રહેતી નથી. ભારતમાં યુપીઆઇ પેમેન્ટ માટે ગૂગલની જીપે એપ ખાસ્સી ચાલે છે તેમ વિદેશમાં બેંક કાર્ડ આધારિત ગૂગલ વોલેટ સર્વિસ પોપ્યુલર છે. 

એ સર્વિસ અને એપ હવે ભારતમાં પણ તબક્કાવાર લોન્ચ થઈ રહી છે. ગૂગલે કહ્યું છે કે આ એપ ભારતમાં હજી સત્તાવાર રીતે લોન્ચ થઈ નથી. પરંતુ કેટલાક યૂઝર્સ પ્લેસ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી શક્યા. જોકે મોટા ભાગના યૂઝર્સને હજી પ્લેસ્ટોરમાં એવો મેસેજ મળે છે કે આ એપ તમારા દેશમાં ઉપલબ્ધ નથી. બીજી તરફ કેટલાક લોકોને તેમની સ્માર્ટવોચમાં પણ આ એપ જોવા મળી રહી છે. અમેરિકા જેવા દેશોમાં ગૂગલ વોલેટનો સ્માર્ટફોન તથા સ્માર્ટવોચ બંનેમાં ઉપયોગ કરી શકાય છે. મતલબ કે થોડા સમયમાં ભારતમાં પણ સ્માર્ટફોન અને સ્માર્ટવોચ બંને માટે ગૂગલ વોલેટ ઓફિશિયલી લોન્ચ થઈ જાય તેવી પૂરી શક્યતા છે. એ પછી આપણે પોતાને ક્રેડિટ કે ડેબિટ કાર્ડને ગૂગલ વોલેટ સાથે કનેક્ટ કરી શકીશું. ગૂગલ વોલેટમાં મેટ્રોનાં કાર્ડ, પ્લેન ટિકિટ કે બસ પાસ પણ સ્ટોર કરી શકાશે.

Gujarat