For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોગસ બિલિંગના આરોપીએ 70 થી 80 બોગસ પેઢી બનાવ્યાની કબૂલાત કરી

Updated: May 5th, 2024

બોગસ બિલિંગના આરોપીએ 70 થી 80 બોગસ પેઢી બનાવ્યાની કબૂલાત કરી

- આધાર 2.0 માં સંડોવાયેલો આરોપી સલીમ દૌલા સાબરમતિ જેલ હવાલે

- વ્યવસાયે સીએ હોવાથી ચીવટપૂર્વક આર્થિક અપરાધોને અંજામ આપી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતો હતો

ભાવનગર : અશિક્ષિત અને જરૂરતમંદ લોકોના ડોક્યુમેન્ટ મેળવી તેના નામે બોગસ પેઢીઓ બનાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના ભાવનગરના ચકચારી બોગસ બિલિંગ કૌભાંડમાં સ્ટેટ જીએસટી વિભાગે વ્યવસાયે સીએ અને આધાર ૨.૦ કૌભાંડમાં સંડોવાયેેલા સલીમ દૌલાની ધરપકડ કર્યાં બાદ પ્રથમ સાત દિવસ અને તે બાદ ચાર દિવસના રિમાન્ડ મેળવી સઘન પુછપરછ કરી જેમાં આરોપીએ ૭૦થી ૮૦ જેટલી બોગસ પેઢી બનાવી હોવાની કબૂલાત કરી હતી. આજે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને સાબરમતિ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ભાવનગરના ચકચારી બોગસ બિલિંગ કૌભાંડ અંતર્ગત સ્ટેટ જીએસટી વિભાગે આધાર-૧.૦ અને આધાર ૨.૦ કૌભાડ ઉજાગર કર્યું હતું. આધાર ૨.૦માં પકડાયેલા પાંચ આરોપીઓની પુછપરછમાં સલીમ દૌલાનું નામ ખુલ્યું જે વ્યવસાયે સીએ હતો. સલીમ દૌલાને ઝડપવા માટે સ્ટેટ જીએસટી વિભાગ સતત પ્રયત્નશીલ હતું અને આધાર-૨.૦ ઉજાગર થયાના બે માસ બાદ સ્ટેેટ જીએસટી વિભાગને મોટી સફળતા મળી, ગત ૨૨મી એપ્રીલના રોજ સ્ટેટ જીએસટી વિભાગની એક ટીમે બાતમીના આધારે સલીમ દૌલાને ભાવનગરથી ઝડપી લઈ અમદાવાદ લઈ ગઈ હતી. ૨૩મી એપ્રીલના રોજ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ૩૦મી એપ્રીલ સુધીના ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. જે પૂર્ણ થયાં બાદ બોગસ બિલિંગના નેટવર્કને લઈને ઘણી મહત્વની વિગતો મળી શકવાની સંભાવનાને વિભાગે તેના વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના ૪ મે સુધીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. કુલ ૧૧ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી વ્યવસાયે સીએ હોવાથી કેવી રીતે ચીવટપૂર્વક આર્થિક અપરાધોને અંજામ આપી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતો હતો તેની કબૂલાત કરી અને સાથે જ પોતે ૭૦થી ૮૦ જેટલી બોગસ પેઢી બનાવી હોવાનું પણ કબુલ્યું હતું. આજે તેના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને અમદાવાદ સાબરમતિ જેલ હવાલે કરાયો છે.

Gujarat