For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગરમાં 3 દિવસ 'હીટવેવ' : મતદાન પર અસરની શક્યતા, 'આગાહી'એ રાજકીય પક્ષોની 'ગરમી' વધારી

Updated: May 5th, 2024

ભાવનગરમાં 3 દિવસ 'હીટવેવ' : મતદાન પર અસરની શક્યતા, 'આગાહી'એ રાજકીય પક્ષોની 'ગરમી' વધારી

- વર્ષ-2019 ની ચૂંટણીમાં મતદાનના દિવસે 40 ડિગ્રી ગરમી વચ્ચે 58.89 ટકા મતદાન નોંધાયું હતું 

- આગાહી વચ્ચે ગરમીનો પ્રકોપ વધ્યો તો અંગ દઝાડતી ગરમી વચ્ચે મતદાતાઓને મતદાન મથક સુધી લાવવા એ રાજકીય પક્ષો અને તેના કાર્યકરો માટે પડકાર સમાન બની રહેશ

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. એક તરફ આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તો  બીજી તરફ રાજકીય ગરમાવો પણ પરાકાષ્ઠાએ છે. દરમિયાનમાં રાજ્યના હવામાન વિભાગે મતદાનના દિવસ સહિત ભાવનગરમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહીએ રાજકીય પક્ષોની ગરમી વધારી દિધી છે. વર્ષ-૨૦૧૯ની લોકસભા ચૂંટણીંમાં મતદાનના દિવસે નોંધાયેલાં  મહત્તમ ૪૦ ટકા તાપમાન વચ્ચે ભાવનગર બેઠક પર સરેરાશ ૫૮.૮૯ ટકા મતદાન નોંધાયું હતું. જેની સરખામણીએ આ વખતે હીટવેવની આગાહી વચ્ચે ગરમીનો પ્રકોપ વધ્યો તો અંગ દઝાડતી ગરમી વચ્ચે મતદાતાઓને મતદાન મથક સુધી લાવવા એ રાજકીય પક્ષો અને તેના કાર્યકરો માટે પડકાર સમાન બની રહેશે.  

વર્ષ-૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ૨૩મી એપ્રીલના રોજ ભાવનગર લોકસભા બેઠક સહિત રાજ્યની ૨૬ બેઠકો પર મતદાન થયું હતું. તે દિવસે ભાવનગરમાં મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું તથા હવામાં ભેજનું પ્રમાણ ૧૮ ટકા અને પવનની ગતિ ૧૮ કિમી પ્રતિકલાકની રહી હતી. ૨૩મી એપ્રીલ ૨૦૧૯ના રોજ મતદાનના દિવસે આકરી ગરમીના કારણે મતદારોએ બપોરના સમયે મતદાન કરવાનું ટાળ્યું હતું. આ ચૂંટણીમાં ભાવનગર બેઠક પર સરેરાશ સવારે મતદારોના સ્વૈચ્છીક ઉત્સાહના કારણે સરેરાશ મતદાનની ટકાવારી ઉંચી નોંધાયઈ હતી. જો કે, બપોર બાદ આ સરેરાશ ઘચ્યા બાદ સાંજના છેલ્લા કલાકોમાં રાજકીય પક્ષોના કાર્યકરોને મતદારોને મતદાન મથક સુધી લાવતાં પરસેવો વળી ગયો છે. દિવસભરની મહેનત છતાં  ભાવનગર બેઠક પર સરેરાશ ૫૮.૮૯ ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ, આગામી તા.૭ના રોજ ભાવનગર લોકસભા બેઠક પર મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ એટલે કે તા.૫, ૬  અને ૭ મેના રોજ ભાવનગરમાં હીટવેવની આગાહી કરી છે. આ આગાહીના વરતારાની જેમ ભાવનગરમાં આજે શહેરીજનોએ આકરી ગરમીનો અનુભવકર્યો હતો.ે અને આગામી ત્રણ દિવસ પણ ગરમીને લઈને આવી પરિસ્થિતિ રહેવાની આગાહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મહત્તમ મતદાન થાય તે ચૂંટણી તંત્ર અને રાજરકીય પક્ષો બન્ને માટે માટે મોટો પડકાર છે. હીટવેવના કારણે સવારે ૧૦ વાગ્યાથી જ આકરી ગરમીનો અનુભવ થાય છે. અને સાંજે પાંચ કલાક બાદ ગરમીનું પ્રમાણ ઘટે છે. આવી સ્થિતિમાં મતદાનના કુલ સમયગાળાનો મોટો હિસ્સો આકરી ગરમી રહે છે. આ પણ અધુરૂં હોય તેમ સૌરાષ્ટ્રની તાસીર પ્રમાણે મતદારબપોરના સમયે મતદાન કરવા જવાનું ટાળે છે ત્યારે સ્વભાવિક રીતે હીટવેવની અસર મતદાન પર થવાની શક્યતા છે. જો કે, હીટવેવની આગાહીના પગલે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકે મતદારોને ગરમીથી રાહત મળે તે માટે મંડપ, ઠંડા પાણી, ઓઆરએસની સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે ઉપરાંત મેડિકલ ટીમ પણ તૈનાત હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હીટવેવમાં મતદારને ઘરેથી બૂથ સુધી લાવવો રાજકીય પક્ષો અને તેના કાર્યકર્તાઓ માટે મોટો પડકાર બની રહેશે. 

4 દિવસ બાદ ફરી તાપમાન 40 ડિગ્રી પાર

ભાવનગરમાં હીટવેવની આગાહી વચ્ચે આજે શનિવારે ચાર દિવસ બાદ ફરી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થયો છે. ગત રોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન ૧.૭ ડિગ્રીના વધારા સાથે ૪૦.૪ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૧.૪ ડિગ્રીના વધારા સાથે ૨૮ ડિગ્રી નોંધાયું હતું.  શનિવારે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા હતું જે બપોર સુધીમાં ઘટીને ૨૭ ટકા રહ્યું હતું તથા સવારે પવનની ઝડપ ૧૨ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી જે દિવસ દરમિયાન વધીને ૧૪ કિમી સુધીની રહી હતી. શુક્રવારના રોજ ભાવનગરમાં મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું.

Gujarat