For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રેમનો પડછાયો પ્રકરણ - 10 .

Updated: May 4th, 2024

પ્રેમનો પડછાયો પ્રકરણ - 10                               .

- રક્ષા શુક્લ

- એક વાત સમજી લે રાધા, જે માણસ ઘરમાં સુખી છે એ દુનિયા પર રાજ કરે છે અને જે માણસ ઘરમાં દુ:ખી હોય એ દુનિયા આખી જીતી લે તો પણ શું ફાયદો ?

પે લા માણસના હાથમાંથી કાનજી ફોન ઝૂટવી લે છે. જુએ છે તો ફોન કોઈને લગાડેલો જ નહતો. 

પેલો માણસ પોતાનો ફોન કાનજી પાસેથી ઝૂંટવીને લઇ લે છે અને ફરી કૉલ કરતા કહે છે કે 'હવે પોલીસને ફોન કરવાનું નાટક નહીં કરું, સાચે જ કહું છું. વાહ, કરોડ રૂપિયાની ગાડી ફેરવો એનો અર્થ એ નથી કે બેતમા થઈ કોઈનો પણ જીવ લેવો.'

'પણ આ એક અકસ્માત છે.' કાનજીએ લગભગ રાડ પાડીને કહ્યું.

'જે હોય તે પણ ૨૫ લાખ મને આપો એટલે વાત પૂરી કરીએ, હું આ લાશને પણ ઠેકાણે પાડી દઈશ'

'તું પોલીસને જણાવીશ ? અરે, હું પોતે જ જે બન્યું એ કહીશ. હું કીડીને પણ ન મારી શકું તો માણસની તો વાત જ ક્યાં ? મને સત્ય પર ભરોસો છે. લાશ પર વેપાર કરનારો તું છે કોણ ?' કાનજીએ અંધારામાં એ માણસનો ચહેરો જોવાનો પ્રયત્ન કરે છે !

'એ માણસ પોતાના બાપને પણ વેચે એવો છે' ક્યાંકથી અવાજ આવ્યો. જોયું તો પેલી સ્ત્રી બોલી. 

કાનજી કહે, 'આ તો જીવે છે ?'

છોકરી કહે,'અને હજુ જીવવા દેવા માંગતા હો તો આ નરાધમથી બચાવો.'

કાનજી છોકરી પાસે જઈ કહે 'મતલબ ?'

છોકરી કહે 'મતલબ પછી કહીશ, પહેલા આ હરામખોરને મારી નજર સામેથી ખસેડો, નહીંતર હું એનું ખૂન કરી નાખીશ !'

'એ ડોક્ટર છે'

'એ ડોકટર નથી, નાલાયક માણસ છે'

'હવે એક શબ્દ પણ બોલી છે તો...' પેલો માણસ બોલ્યો..

'હવે તું એક શબ્દ પણ બોલ્યો છે તો હું તો સાચે જ પોલિસને ફોન કરીશ..દ' કાનજીએ કહ્યું 

'હું તમને બંનેને જોઈ લઈશ...' એમ કહી પેલો માણસ જતો રહ્યો..

કાનજી પેલી છોકરીને ગાડીમાં બેસાડીને કહે 'હું તમને થોડીવારમાં જ હોસ્પિટલમાં લઇ જાઉં છું. ચિંતા ન કરશો.

'હું ઠીક છું, થોડો આરામ કરીશ એટલે બધું ઠીક થઇ જશે...'

'ના,ના એ તો અત્યારે તમને એવું લાગે ડોકટરને તો બતાવવું જ પડે !તમારા કોઈ સગા વહાલાનો નંબર આપો, એમને બોલાવી લઈએ' કહીને કાનજીએ કાર ભગાડી.

'કોઈ નથી મારું... આમ પણ મોબાઈલ ત્યાં અકસ્માતમાં પડી ગયો. સારું જ થયું, હું ભૂતકાળ ભૂલવા માંગું છું.'

થોડી ક્ષણો વાતાવરણમાં જાણે ભુતકાળનો ભાર છવાયેલો રહ્યો.બાવીસ વર્ષની રૂપઝરતી એ છોકરીના ચહેરા પર ઉદાસી હતી. કસાયેલું શરીર અત્યારે શિથિલ જણાતું હતું. એની આંખમાંથી આંસુ સરી પડયાં. કાનજીએ વાત બદલી 'તમારું નામ'

'ગોપી'

'હું તમને પછી તમારે ઘરે ઉતારી જઈશ પણ પહેલા તમે સ્વસ્થ થઇ જાવ' જવાબમાં ગોપી વ્યંગ ભર્યું હસી. ત્યાં હોસ્પિટલ આવી ગઈ. 

'હું તમને હજુ કહું છું કે મને મારા હાલ ઉપર છોડી દો. આ નાના નાના ઝખ્મો મારું કશું બગાડી શકે એમ નથી!'

'જીવનમાં પીડા પણ ટોળામાં ભટકાણી લાગે છે. અદ્રશ્ય ઘા જોઈ શકું છું.'

'પીડાએ નહીં પણ પ્રેમેઆપેલા ઘા.. પ્રેમના પડછાયામાં શાતા મળશે એમ જાણીને આંધળુંકિયાવેડા કર્યા ને ખાબકી અંધારા કૂવામાં'

ગોપીને હોસ્પિટલમાં એડમિટ કરી. ડોકટરે ગોપીને ચેક કરી. હાથ પગમાં નોર્મલ ઇજાઓ હતી. આરામ કરવાથી મટી જશે સાંભળીને નિરાંત અનુભવતા કાનજીએ ડોક્ટરને પૂછયું, 'ઘરે લઇ જઈ શકું ?'

'હા,રોજ સવાર-સાંજ હું ડોકટર મોકલીશ'

કાનજી ગોપીને લઇ કારમાં જાય છે. ગોપી કહે છે કે 'મને ક્યાંય પણ ઉતારી દો, હું જતી રહીશ.' કાનજી કહે, 'સારું થઇ જાય એટલે ઘરે જતા રહેજો.'

'તમારું નામ શું ?'

'કાનજી'

'કાનજીભાઈ ચપ્પલવાળા !'

'ઓહ માય ગોડ ! એટલે મને લાગ્યું કે તમને ક્યાંક જોયાં છે. તમારી સકસેસ સ્ટોરી તો બહુ વાંચી છે. હમણાં જાણીતા પત્રકાર આલાપ અવ્વલે તમારા શૂન્યમાંથી સર્જન કરેલા બિઝનેસ વિશે લેખ લખ્યો હતો એ મેં વાંચ્યો છે.' ગોપીએ શેકહેન્ડ માટે હાથ લંબાવ્યો, કાનજીએ નમસ્તે કર્યું. 

'મારા કાળિયા ઠાકરની કૃપા કે ગાડી સાથે અથડાયા પછી પણ તમને કશું ન થયું..'

'હું ગાડી સાથે અથડાઈ નથી'

'તો ?'

'મારી પાછળ પેલો નપાવટ નાયક પડયો અને સામેથી તમારી કાર આવી, હું રસ્તાની એક બાજુ જવા ગઈ એમાં લપસી અને પડી અને બેભાન થઇ ગઈ...'

'ઓહ મને એમ કે મારી ગાડી સાથે અથડાણી, બાય ધ વે, પેલો માણસ હતો એ જ નાયક ને ! કોણ છે એ ?'

'બહુ લાંબી વાર્તા છે... તમે રહ્યા સતત વ્યસ્ત માણસ'

'હતો..' કાનજીએ કહ્યું 

'ઝાઝો સમય હોય ત્યારે કહેજો..' 

'અત્યારે તમે આરામ કરી લો, કાલ સવારે વાત કરીશું...'

ગાડી કાનજીના બંગલામાં ઊભી રહે છે. કાનજી ગોપીને હાથ પકડી ઉતારે છે. બરાબર એ જ સમયે રાધા વિશાલ પોર્ચમાં અટકેલી રોલ્સ રોયસમાંથી ઉતરે છે અને આ દ્રશ્ય જુએ છે. કાનજી ગોપીને વીઆઈપી ગેસ્ટ રૂમમાં ઉતારે છે. એ પોતાના રૂમમાં જવા ગયો ત્યાં ગોપી એને પગે લાગી કહે 'અવતરણ દિવસ મુબારક હો સર !'

'અરે તને મારો જન્મદિવસ યાદ છે ?'

'મારા કેટલાક ફેવરીટ વ્યક્તિમાંના એક આપ છો'

કાનજી ગોપીના માથે હાથ મૂકી પોતાના રૂમમાં આવે છે ! 

'આવી ગયા પાર્ટીમાંથી !' રાધા વ્યંગમાં બોલે છે !

'હા, અને તું ?'

'તમારી સામે તો છું, કોણ છે પેલી રૂપાળી ?'

'મારી નવી સેક્રેટરી'આ સાંભળી રાધા લગભગ ઊભી થઇ જાય છે ! પણ સ્વસ્થ થતા કહે 'તમે તો પાર્ટીમાં જતા નથી ને !'

'આજથી શરુ કર્યું.'

'શેની પાર્ટી હતી ?'

'મારા જન્મદિવસની પાર્ટી હતી'

'અમને ઇન્વાઇટ ન કર્યા ?'

'જેમણે મને વિશ કર્યું હતું એમને બોલાવ્યા હતા. આમ પણ મારા પ્રોગ્રામમાં આવવાનો તને સમય ક્યાં હોય છે !

'સોરી.. જરા મિસ થયું, હેપ્પી બર્થ ડે, માય કાનજી'

'બીલેટેડ બર્થ ડે કહો, દેવી, રાતના બે વાગ્યા, દિવસ બદલાઈ ગયો..'

'તમે પણ આજે કંઈક બદલાયેલા લાગો છો ?'

'શુભરાત્રી' કહીને કાનજી સૂઈ ગયો. 

સવારે રાધા બગીચામાં કોફી પી રહી હતી. કાનજીની રાહ જોતી હતી. કાનજીને એના તરફ આવતો જુએ છે ત્યાં અચાનક એ પાછો વળે છે અને ગોપીના રૂમ બાજુ જાય છે. કાનજીને પ્રવેશતા જોઈ ગોપી ઊભી થવા પ્રયત્ન કરે છે. કાનજી આરામ કરવા કહે છે.'ચા નાસ્તો કર્યો?'

'હા, ચમનકાકા બહુ ધ્યાન રાખે છે.' ગોપી કહે 

'તું પણ તારું ધ્યાન રાખ...' કાનજી કહે. 

ગોપી થોડા વિચારમાં પડી જાય છે. પછી ગળામાંથી મંગલસૂત્ર કાઢી કહે છે કે 'હું ભુતકાળની કોઈ યાદ સાથે રાખવા નથી માંગતી.'

'ભુતકાળને ભૂલી જા'

'નથી ભૂલી શકતી, તમે પૂછતા હતા ને કે આ નાયક કોણ છે...'

ગોપી કાનજીને ભુતકાળ કહે છે....

ફ્લેશબેક...

ગોપીએ બી. બી. એ.માં યુનિ. ફર્સ્ટ આવી પણ એને નોકરી કરવાને બદલે અભિનેત્રી તરીકે કેરિયર બનાવવામાં રસ હતો. સાડા પાંચ ફૂટની, સ્માર્ટ લુકીંગ ગોપીથી બધા ઈમ્પ્રેસ હતા પણ એ કોઈનાથી ઈમ્પ્રેસ થતી ન હતી. યુથફેસ્ટીવલમાં નાટકમાં ભાગ લીધેલો ત્યારે પહેલીવાર એ નાયકને મળી હતી ત્યારથી દોસ્તીનો રંગ ઘેરો બનેલો.જો કે નાયકની ફાંકા ફોજદારીની વાતો એને ગમતી ન હતી પણ એ ઇગ્નોર કરતી હતી. એકવાર નાટકના દિગ્દર્શક આવ્યા ન હતા અને બંને રિહર્સલ કરતા હતા ત્યારે નાયકે કહ્યું 'આઈ લવ યુ'. ગોપીને થયું નાટકમાં તો આવો કોઈ સંવાદ આવતો નથી. પછી ખબર પડી કે એણે પ્રપોઝ કર્યું છે. ગોપીને ગમેલું પણ એણે કહ્યું કે 'વિચારીને જવાબ આપું'. કોઈ પણ છોકરીને અમસ્તા પણ વખાણ કરો તો ગમે, તો કોઈ એના પર જાન કુરબાન કરે એ કેમ ન ગમે, એમાં ય આ તો એનો ગમતો કલાકાર. નાયક ખૂબ સારો એક્ટર. જો કે ગોપીને આવી અનેક પ્રેમપ્રપોઝલ આવી ચૂકેલી પણ એણે જવાબ આપેલો નહીં.એક સાંજે બંને બગીચામાં બેસી પ્રેમ પરિમલ માણી રહ્યા હતા. 

ગોપી (નાયકનો હાથ પકડી) : 'તારો હાથ અને સાથ આજીવન માંગું છું'

નાયક : આ હાથ ઉપર હાથ મૂક્યો મતલબ આપણી જીવનરેખા એક થઇ !

ગોપી : 'આપણી જ્ઞાાતિ જુદી છે, મારા પિતા નહીં માને..'

નાયક : 'આજનો જમાનો જ્ઞાાતિનો નહીં પણ જ્ઞાાનીનો છે.'

ગોપી : 'ભલે મૂન પર પહોંચી જઈએ પણ માઈન્ડ સુધી નથી પહોંચી શકવાના. અહીંયા તો હૃદય તૂટે પણ રિવાજ નહીં.. મારા ઘરમાં આપણા સંબંધની જાણ થઇ ગઈ છે એટલે તેમણે મારા માટે છોકરા જોવાનું ચાલુ કરી દીધું છે.

નાયક : 'ભાગી જઈએ'

ગોપી  : 'ક્યાં ?'

નાયક : 'મુંબઈ. ત્યાં મને ઘણા ઓળખે છે. ફિલ્મોમાં ખૂબ કામ મળશે, તું પણ ફિલ્મોમાં હિરોઈન બનીશ.'

ગોપી : 'હું એવી મોટી કલાકાર ક્યાં છું...!'

નાયક : 'તારામાં ખૂબ ટેલેન્ટ છે.'

ગોપી : 'અત્યારે તો ભાગી જવાની ટેલેન્ટ બતાવીએ.'

નાયક : 'પછી તારા પપ્પા એમ નહીં કહે ને કે આ કલાકાર તો 'કળા' કરી ગયો !'

;;;

ફાઈનલી ગોપી અને નાયક મુંબઈની ેટ્રેઈન પકડી લે છે....

ગોપી : 'ઘરનાને બહુ મિસ કરીશ.'

નાયક : 'ટ્રેઈનની બારીમાંથી દેખાતા દ્રશ્યો જેવું જીવન છે. કોઈ દ્રશ્ય ગમે તેટલું સુંદર અને આકર્ષક  હોય પણ આગળ તો વધવું જ પડે. જો એમ ન કરીએ તો આપણે ત્યાંના ત્યાં જ રહીએ. કેટલુંક પામવા કેટલુક ગુમાવવું પડે છે. 'પ્રેમનો પડછાયો' નાટકના છેલ્લા સીનનો છેલ્લો ડાયલોગ યાદ છે ?'

ગોપી : 'ઘણું પામવા કશુંક છોડવું પડે છે, એ જિંદગીનો નિયમ છે અને પ્રેમનો પણ'

નાયક : લ્યો ત્યારે, છેલ્લું સ્ટેશન પણ આવી ગયું.

ગોપી : અને આપણા સહજીવનનું પહેલું... 

;;;

ગોપી અને નાયક મુંબઈમાં ભાડાની નાની ખોલીમાં રહે છે. મહિનાઓ સુધી મુંબઈમાં કામ મળતું નથી. નાયક રોજ આવીને મોટી મોટી વાતો કરે પણ વાતોથી પેટ થોડું ભરાય ! બંનેના પાસે પૈસા હતા તે પૂરા થઇ ગયા. ગોપીના સોનાના વીટી અને ચેઈન પણ વેચાઈ ગયા. એક રાત્રે ફરીએકવાર બંને વચ્ચે ઝગડો થાય છે...

ગોપી : 'આજે પાછો તું દારૂ પી ને આવ્યો..'

નાયક : 'સોરી ડાર્લિંગ, કામ નથી મળતું એના ગમમાં..'

ગોપી : 'ગમમાં રમ ન પીવાય... દુ:ખથી ડરીને ઊંધા રવાડે ચડવું એ તો ભાગેડુવૃતિ છે. શાહમૃગ નહીં પણ સિંહ બન... મુસીબતને મુક્કો બતાવ, પીઠ નહીં..'

નાયક : 'ખિસ્સું ખાલી હોય ત્યારે ખાબોચિયું પણ દરિયો લાગે જેને કૂદી ન શકાય..'

ગોપી થ 'તારી પાસે દારુ પીવાના પૈસા હોય છે અને ઘરનું કરિયાણું લાવવાના નથી હોતા. (નાયક ગોપીને થપ્પડ મારે) આ જ બાકી હતું ? અહીં તું સાવ જુદો છે.. તું તો કહેતો હતો કે તારે બહુ બધી ઓળખાણ મુંબઈમાં છે. પણ અહીં તો તને કૂતરું પણ ઓળખતું નથી'

નાયક : 'મારી સાથે ન રહેવું હોય તો જતી રહે...'

ગોપી : 'કેટલું સરળતાથી કહી દીધું.. જતી રહે... આવી ગયો ને અસલ પુરુષ.. હું બધું જ છોડીને આવી છું... સ્ત્રી એક છોડ જેવી હોય છે, એ પરણે ત્યારે એને બીજી માટીમાં રોપવા જેવું છે, એની યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો એ બળી જાય...'

નાયક : 'કામ ન મળવાને કારણે મારું દિલ બળી રહ્યું છે...'

ગોપી : 'એસીડીટી થઇ હશે... તારા તન-મનને ઉધઈ લાગી ગઈ છે, હું તારી સાથે રહીશ તો મારો વિનાશ નક્કી છે.'

નાયક : 'સોરી ડાર્લિંગ કાલથી હું નહીં પીઉં..'

ગોપી : 'દરેક દારૂડિયાનો ડેન્જરસ ડાયલોગ...જે ઈન્ટરનેશનલ.'

;;;

મહિના સુધી બેસી રહ્યા પછી ગોપીને થયું મારે ઘર ચલાવવા કામ કરવું પડશે. થોડા સમયથી નાયકને નાનું નાનું કામ મળતું થયું છે. પણ એમાં ઘર ચાલે નહીં. એક કંપનીમાં ઇન્ટરવ્યુ માટે નીકળી. નાયક પણ સાથે કામે નીકળ્યો. સ્થળ દૂર હોવાથી આખો દિવસ નીકળી જાય એમ હતો. ગોપીને રેલ્વે સ્ટેશન ઉતારી નાયક એના કામે નીકળ્યો. ગોપી ટ્રેઈનની ભીડ જોઈ ડરી ગઈ. પણ હિંમત કરીને ટ્રેઈનમાં ચડવા ગઈ એમાં પડી અને હાથમાં મોચ આવી. હવે ઘરે પાછા ફરવા સિવાય કોઈ ઉપાય ન હતો. ઘરે પહોંચે છે તો અંદરથી રૂમ બંધ હતો. કેટલીય વાર ખખડાવ્યું તો દરવાજો ખૂલ્યો. અંદરથી એક છોકરી બહાર નીકળી ને ભાગી ગઈ... નાયક પલંગ પર બેઠો હતો. 

ગોપી : 'વાહ, હું અહીં બેરંગ જીવું છું અને તું અહીં રંગરેલિયા મનાવી રહ્યો છે.'

નાયક : 'અમે તો નાટકના સીનનું રિહર્સલ કરતા હતા. એ કલાકાર હતી'

ગોપી : 'આ કામને બદલે સાચા કામનું રીહર્સલ કર્યું હોત તો સારું થાત...'

;;;

ફ્લેશબેક પૂરું...

ગોપી કહે 'પછી નાયક મને શોધતો શોધતો અમદાવાદ આવે છે. મને કહે છે કે તને એક ફિલ્મમાં હિરોઈન તરીકે લેવાની છે. હું એની વાતોમાં આવી ગઈ. એક ફાર્મ હાઉસમાં નિર્માતાને મળવા લઇ જાય છે. નિર્માતા મારી ઈજ્જત પર હાથ નાખે છે અને હું ત્યાંથી ભાગું છું અને નાયક પાછળ પડે છે. પછી તમે મળો છો

કાનજી ગોપીને આરામ કરવાનું કહી ગાર્ડનમાં જાય છે. 

રાધા : તમારી ચા ઠંડી થઇ ગઈ...

કાનજી : મેં ગેસ્ટ રૂમમાં પી લીધી.

રાધા  : કોણ છે આ...!

કાનજી : મારી ગાડી આ ગોપી સાથે અથડાણી. વાત બહાર જાય નહીં... નહીંતર નાહકના કોર્ટના ધક્કા.. મને કોર્ટ પસંદ નથી. 

રાધા  : હું કંઈ મદદ કરું ?

કાનજી  : તું ડિસ્ટર્બ ન કરતી એને. (બંને ગોપી પાસે જાય છે) આ મારી પત્ની છે.

(રાધા સામે જોઈ) બરાબર કહ્યું ને રાધા...?

રાધા : 'બરાબર છે અને આ મારા પતિ છે, બરાબર છે કાનજી ?

કાનજી કશો જવાબ આપતો નથી. રાધા ગોપીને કહે છે, 'ચિંતા ન કરતી. સારી થઇ જા પછી જ ઘરે જજે.'

;;;

બે દિવસથી કાનજી ચા ગોપી પાસે બેસીને જ પીવે છે. ત્રીજા દિવસે સવારે સુંદર કપડામાં તૈયાર થઈને ગોપી બહાર નીકળે છે. 

રાધા : 'અરે ગોપી,હજુ એકાદ બે દિવસ આરામ કરીને પછી જજે.'

ગોપી : 'હું તો હજુ રોકવાની જ છું ને...'

રાધા : 'તો આ તૈયાર થઇને ક્યાં ચાલી ?'

ગોપી : 'સાહેબ સાથે ઓફિસ...' 

રાધા : 'કેમ ઓફિસ ?'

ગોપી : 'મને શું ખબર સાહેબે કહ્યું..'

રાધા : 'તારી તબિયત બહુ જલ્દી સારી થઇ ગઈ !

ગોપી  : 'સારા હોય એ જલ્દી સારા થાય..'

'તૈયાર લાગે છે છોકરી ' રાધા બબડે છે 

ગોપી : 'સોરી'

રાધા :'સરસ તૈયાર થઇ છો..'

કાનજી હાથમાં કાગળ જોતો જોતો આવે છે અને કહે 'સ્ત્રીઓએ તૈયાર થઈને ઓફિસ જવાનું હોય અને પુરુષોએ તૈયારી કરીને...' પછી હસે છે. 

રાધા : 'આજ તો કંઈ બહુ મૂડમાં છો...!'

'ગોપી સારી થઇ ગઈ એનો આનંદ સમજી લે.' એટેચી ગોપીને આપી કાનજી કહે છે. 'અરે, હું તને કહેવાનો ભૂલી ગયો. આજથી ગોપી મારી પર્સનલ સેક્રેટરી છે અને અહીં જ રહેશે.' રાધા કઈ કહેવા જાય છે પણ આટલું કહીને કાનજી નીકળી જાય છે. 

બંનેને સાથે જતા જોઈ રાધા કહે છે 'અહીં મારી કાલની કમર દુ:ખતી હતી, એનું પૂછયું પણ નહીં. (સ્વગત) બેટા ગોપી, ગેસ્ટ રૂમમાંથી બેડરૂમમાં આવવાનાં સપનાં ન જોઇશ. સડકછાપ લોકો સડક પર જ શોભે.'

'એમ તો કાલે પપ્પાનું પણ માથુ દુ:ખતું હતું, તેં ક્યાં પૂછયું ? હવે તું પાતળી પરમાર નથી રહી. આમ પણ કમર કમરો થઇ જાય પછી તો દુ:ખે જ ને..પપ્પા સેક્રેટરી તો અતિ સુંદર શોધી લાવ્યા' બધું ચુપચાપ સાંભળી રહેલો હર્ષ બોલ્યો અને પછી હસવા લાગ્યો.

રાધા  : 'માઈન્ડ યોર લેન્ગવેજ, જો બેટા, પેલી માટે કારનો દરવાજો ખોલે છે, જાણે મોટી શેઠાણી હોય...'

હર્ષ : 'મમ્મી, શેઠાણી તો તું છે..' 

'હું તો હતી, છું અને રહીશ...' રાધા કમરમાંથી ચાવીનો ઝૂડો કાઢી મજબૂતાઈથી પકડીને કહે છે.

હર્ષ  : આજે મોબાઈલમાં ગૂડ મોર્નિંગનો સરસ મેસેજ આવ્યો. જે દિલમાં વસેલો હોય ત્યાં ઇર્ષાને  અવકાશ નથી. મમ્મી, આ પપ્પા પણ આપણી જેમ મોર્ડન થતા જાય છે નહીં ?

રાધા  : 'શું ખાખ મોર્ડન...'

હર્ષ : 'સુધારો તો આવ્યો ને...'

રાધા : 'બગાડો આવ્યો એમ કહે..' 

હર્ષ  : 'આ ખરું... આપણે કરીએ એ લીલા અને પપ્પા કરે તે તાયફો...!' 

રાધા  : 'તું તારું કામ કર'

હર્ષ : 'હું મારું કામ જ કરું છું... આપણા હોય એને સાચી સલાહ દેવી એ પણ એક કામ જ છેને !'

રાધા : 'સલાહ દેવી સહેલી છે પણ લેવી અઘરી. છેલ્લાબે મહિનામાં એકવાર પણ તું તારા પપ્પા સાથે જમવા બેઠો હો તો કહે..'

હર્ષના ફોનની રીંગ રણકે છે.'મારે એક ફોન આવ્યો' એ વાત કરતો કરતો જતો રહે છે.

રાધા : 'ફોન હોલ્ડ પર રખાય, સંબંધો નહીં...'

'બસ હમણા સાડી પહેરીને નીકળું.' હર્ષ ફોનમાં કહે છે પછી કાપી નાખે છે.

રાધા : 'સાડી પહેરી ને?'

હર્ષ : 'હા, જો ને,કોઈ રોંગ નંબર હતો.. મને કે 'બહેન તું નીકળી?' એટલે મેં કહ્યું કે 'સાડી પહેરીને નીકળું...' (બંને હસે છે) પણ મમ્મી તું જો જે હો, આ રોંગ નંબર ક્યાંક રાઈટ નંબર ન બની જાય. જો કે પછી તો જામે હો ! મને બહેનપણીની ઉંમરની મમ્મી મળી જાય.. 

;;;

ગોપીને આવ્યાને એક અઠવાડિયું થવા આવ્યું. કાનજી હવે રોજ સવારે ગોપીની સાથે ચા પીવે છે. આજે તો હદ થઇ ગઈ બંને હાથમાં હાથ નાખી ઓફિસ ગયા. કાનજી અને ગોપી રોમાન્સ કરતા હોય એવી કલ્પનામાં રાધા સરી જાય છે. એટલામાં રાધાની બહેનપણી આવે છે. રાધાને બોલાવે છે પણ એનું ધ્યાન નથી. બહેનપણી સામે બેસી જાય છે. અચાનક બહેનપણી નીતાને જોઇને, ચોંકીને 'અરે, તું ક્યારે આવી...!'

નીતા : 'ક્યારની આવી છું પણ તું વિચારમાં ખોવાયેલી હતી... આ ગોપી વિશે તે વાત કરી ત્યારથી હું પણ ચિંતામાં પડી ગઈ. હું એટલે જ આવી છું... રાધાના રોગની રામબાણ રેમેડી. વાત ગંભીરતાથી લેજે. ડોશી મરે એનો વાંધો નથી પણ જમ ઘર ભાળી જાય એનો વાંધો છે. મારા પતિ અને હું બહાર ફરવા જતા'તા ત્યાં અચાનક એની બહેનપણીનો ફોન આવ્યો.. 'હાય જાનુ' એટલું જ મને સંભળાયુ... ત્યાં તો લુચ્ચાએ રોંગ નંબર કહીને મૂકી દીધો.. ત્યારે મેં મારા પતિદેવ સામે કપીલદેવ જેવો યોર્કર બોલ નાખી કહ્યું કે 'આ સાચે જ રોંગ નંબર છે એ તું કયારે સમજીશ ?'

;;;

કાનજી અને ગોપી હોટલમાં જમવા જાય છે. ગોપીનો પીછો કરતો કરતો નાયક ત્યાં આવી જાય છે. 

કાનજી : ઓર્ડર આપ...

ગોપી : તમે ઓર્ડર કરો એટલે ઓર્ડર આપી દઈએ...

કાનજી : તારો જન્મદિવસ ક્યારે છે ?

ગોપી : કેક ખવડાવવી હોય તો અત્યારે જ ખવડાવી દો ને !

'મંગાવી દીધી.' મેસેજ કરીને કાનજી કહે.

ગોપી : 'અરે હું મજાક કરું છું.'

કાનજી  : 'તારી તો મજાક પણ મને કેક જેવી મીઠી લાગે.'

'ગોપી, મને માફ કરી દે..' કહેતો નાયક અચાનક પ્રવેશ કરે છે.

ગોપી : 'અત્યારે તો મને તું માફ કર..'

કાનજી : 'કોણ છે આ ?'

ગોપી : 'હું નથી ઓળખતી..'

કાનજી : 'હટા સાવન કી ઘટા...'

નાયક : 'સાહેબ, એ મારી પત્ની છે.'

કાનજી : 'ગીતામાં કહ્યું છે કે 'આજે તારું છે તે કાલે મારું થશે'. 

નાયક : 'મને કંઈ સમજાયું નહીં...'

કાનજી  : (થપાટ મારે છે) હવે સમજાયું...? કે પોલિસને બોલવું ?'

નાયક ગુસ્સો કરીને જાય છે. 

;;;

ગોપીને આવ્યાને મહિનો થવા આવ્યો.એક સવારે રાધા ગોપીના રૂમમાં જાય છે. હવે ગોપી ગેસ્ટરૂમને બદલે કાનજીનો એક્સ્ટ્રા રૂમ હતો એમાં રહે છે. 

ગોપી : 'આવો રાધા દીદી'

રાધા : 'હું તારી દીદી નથી.'

ગોપી : 'કેમ છો ?'

રાધા : 'નથી મજામાં...'

ગોપી : 'હું જે કંઇક પૂછું એના તમે અવળા ઉત્તર આપો છો..'

રાધા  : 'હું ભલે અવળા ઉત્તર આપું પણ તું અવળી દિશા તરફ જઈ રહી છો !

'ના રે ગોપી, તું બરાબર દિશામાં છો' કાનજી પ્રવેશીને કહે.

રાધા  : 'લો, ગોપીના વકીલ આવી ગયા.!'

કાનજી : ગોપી મોતના મુખમાંથી એકવાર તો બહાર આવી છે, ફરી મારી નાખ..

તારા બદલે હું જેલમાં જઈશ.. ઘરની જેલ કરતા તો એ જેલ સારી.. એક વાત સમજી લે રાધા, જે માણસ ઘરમાં સુખી છે એ દુનિયા પર રાજ કરે છે અને જે માણસ ઘરમાં દુ:ખી હોય એ દુનિયા આખી જીતી લે તો પણ શું ફાયદો ?

;;;

રાધાને કાનજીના કબાટમાંથી બે દિવસ પહેલાની ફિલ્મની બે ટિકિટ નીકળી. નક્કી કાનજી અને ગોપી ફિલ્મ જોવા ગયા હશે. રેસ્ટોરામાં જમવા ગયાના સમાચાર તો પાક્કા હતા. આજે સાંજે તો આર યા પારની લડાઈ કરી જ નાખવી છે, એવું રાધા નક્કી કરે છે. માંડ માંડ સાંજ પડે છે. દુ:ખના સમયની ગતિ કીડી જેવી હોય છે. અંતે સાંજના સાત વાગે છે. પણ હજુ બંને દેખાયા ન હતા. ગયા હશે ક્યાંક ફરવા, એમ ધારીને બગીચામાંથી રૂમમાં જવા જાય છે ત્યાં બંને પ્રગટ થયા. કાનજી નજીક આવીને કહે છે, 'અમે બંનેએ લગ્ન કરી લીધા છે'

(ક્રમશ:)

Gujarat