For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હજી થોડું વધુ મેળવી લઉં! .

Updated: May 4th, 2024

હજી થોડું વધુ મેળવી લઉં!                               .

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- તમારી પાસે અઢળક ધન હોય, તો પણ તમારી ઈચ્છા દ્વારા તમારું ચિત્ત વધુ પ્રાપ્તિ માટે સતત ઉદ્યમાત કરતું હોય છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, 'ઈચ્છાઓ તો આકાશ જેટલી અનંત છે.'

જ રા થોભી જાવ ! તમે જ તમારા મનની સ્વયં ચિકિત્સા કરો ! એમાં સતત ઘૂમતા, અથડાતા, પછડાતા, થાકી જતા વિચારોને ધારી ધારીને જુઓ ! એક પછી એક કેટલા બધાં વિચારો મનમાં ઘુમતા હોય છે. તમારું મન એ જ તમારું વિશ્વ છે અને આથી તો વીસમી સદીમાં ખગોળવિજ્ઞાાન અને પદાર્થવિજ્ઞાાને એ હકીકત સ્પષ્ટ કરી આપી કે જગતનો આપણો અનુભવ દ્રષ્ટા-સાપેક્ષ (સબ્જેક્ટિવ) હોય છે. એ ઓબ્જેક્ટિવ હોતો નથી અર્થાત્ જે પ્રમાણે બહારની દુનિયા હોય છે, તે જ પ્રમાણે આપણે અનુભવીએ છીએ, એવું નથી બનતું, પરંતુ આપણી ઈંદ્રિયો જે આપણને જણાવે, જે માર્ગે દોરે, આપણું ચિત્ત એનું જે અર્થઘટન કરે તેને આપણે અનુભવીએ છીએ.

તો કેવું છે આપણાં મનનું આ વિશ્વ ? એ સબ્જેક્ટિવ હોવાથી તમારું મન અને મારું મન, રાજનેતાનું મન અને વૈરાગીનું મન, વાસનાગ્રસ્તનું મન અને નિર્મોહીનું મન એ સાવ ભિન્ન હશે. તો પછી આ મનને પારખવું કેમ ? એવો સવાલ અનેક સાધકો કરતા હોય છે, ત્યારે એનો પહેલો ઉત્તર એ છે કે તમારા મનમાં સતત ઈચ્છા, આકાંક્ષા કે અભરખો રહેતો હોય છે. જો વ્યક્તિ સત્તાવાન હોય, તો એ વધુ સત્તા પ્રાપ્ત કરવા માટે રાત-દિવસ ઉજાગરો કરે છે. જો વ્યક્તિ કામવાસનાથી ઘેરાયેલો હોય તો તે પોતાનામાં રહેલી કામવાસના કેવી રીતે વધુ સંતુષ્ટ બને, તેનાં માર્ગો ખોળતો હોય છે.

જો એ ગુનાખોરી કરીને લૂંટ કરતો હોય, તો એને વધુ લૂંટ કરવાની ઈચ્છા રહે છે. સામે પક્ષે જ્ઞાાની હોય તો એને વધુ જ્ઞાાન પ્રાપ્ત કરવાનો ભાવ જાગે છે. કલાકાર હોય તો પોતે કરેલાં સર્જનોથી વધુ સુંદર કલાકૃતિ રચવાનો એનો મનસૂબો હોય છે. આનો અર્થ જ એ કે આ ઈચ્છા એ સતત આપણને વધુ ને વધુ માટે પ્રેરતી રહે છે, પણ એની પ્રેરણા માત્ર એક દિશામાં જ હોતી નથી, બલ્કે એક જ વ્યક્તિ અનેક દિશામાં એના મનથી પ્રેરિત થઈને વધુને વધુ પ્રાપ્ત કરવાની ચાહના ધરાવતો હોય છે.

આ વાતને જરા સ્પષ્ટતાથી સમજીએ તો ખ્યાલ આવે કે તમારી પાસે અઢળક ધન હોય, તો પણ તમારી ઈચ્છા દ્વારા તમારું ચિત્ત વધુ પ્રાપ્તિ માટે સતત ઉદ્યમાત કરતું હોય છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, 'ઈચ્છાઓ તો આકાશ જેટલી અનંત છે.'એ વાત સાવ સાચી, પણ એથીયે વિશેષ તો એક જ માનવીનાં મનમાં અનેક ઈચ્છાઓનો વાસ થતો હોય છે અને તે ઈચ્છાઓ અનંત હોય છે. એટલે કે કોઈ એક જ ઈચ્છાથી માણસ પ્રાપ્તિ માટે દોડતો હોતો નથી. એ એક બાજુ એમ વિચારતો હોય છે કે એક વિશાળ જમીન પર હરિયાળીની વચ્ચે સરસ મજાનું મકાન હોય તો કેવી મજા આવે ? વળી એ વિચારતો હોય છે કે આકાશને આંબતા ભાવો જેવી મહાનગરની જમીનનો કોઈ મોટો પ્લોટ મળે તો એના જેવો બીજો કોઈ આનંદ નથી ? એ વિચારતો હોય છે કે મને વ્યક્તિગત કે સામાજિક પ્રેમ સંપાદિત થયો છે, પણ હજી સહુ કોઈને વધુ પ્રેમ સંપાદિત થાય એવી મારી 

ઈચ્છા છે.

આમ ઈચ્છાઓ માત્ર દોડાવ્યે રાખે છે અને એથી યે વધારે એક જ માનવીમાં રહેલી અનેક ઈચ્છા રહેલી હોય છે. પછી તે ધનવાન થવાની હોય, આલિશાન બંગલાની હોય, ભવ્ય પાર્ટીનાં આયોજનની હોય કે પછી પોતાના પ્રિયજનનો વિશેષ સ્નેહ મેળવવાની હોય - આ બધી જ ઈચ્છાઓ એના જીવનમાં એક સાથે પ્રવર્તતી હોય છે. એને વધુ પ્રાપ્ત કરવા માટે પ્રેરતી હોય છે. પુરુષનું મન હોય તો તેને દરરોજ સરેરાશ પિસ્તાળીસ હજાર વિચાર આવતા હોય છે, તો સ્ત્રીને એક દિવસમાં પચાસ હજાર વિચાર આવતા હોય છે. આ વિચારોનાં પોટલામાં તમારી કેટલીય અતૃપ્ત ઈચ્છાઓ સળવળતી હોય છે.

ૂબસ, વિચારોની દુનિયામાં સતત એ અહીં-તહીં દોડયા કરે છે. ભવભ્રમણ તો ઠીક, પરંતુ એ વિચારભ્રમણમાંથી નવરો પડતો નથી અને એના એ વિચારો જીવનમાં હજી શું મેળવવાનું બાકી છે ? એમાં વિશેષ ઘેરાયેલાં હોય છે, પરંતુ એ હકીકત એ ભૂલી જાય છે કે એ ઈચ્છાઓને તૃપ્ત કરવા માટે મેં મારા જીવનમાં કેટલાં બધાં તરકટો ખેલ્યાં છે. એવી ઘણી બાબત છે કે એક સમયે જેને માટે તીવ્ર ઝંખના હતી, હવે એ ઝંખના જીવનમાંથી સાવ અદ્રશ્ય થઈ ગઈ છે. એક સમયે મનમાં જે ઈચ્છાની તૃપ્તિ માટે સુનામી સર્જાઈ હતી. આજે એ ઈચ્છા ક્યાંય નજરે પડતી નથી. એ ઈચ્છા સાથે આવેગનું અનિવાર્ય જોડાણ છે. પોતાની ઈચ્છાતૃપ્તિ થાય એવી પરિસ્થિતિ જાગે એટલે પેલો આવેગ આગળ ધસી આવે છે. પછી એ વાસનાનો પ્રસંગ હોય કે ધનપ્રાપ્તિનો પ્રસંગ હોય.

આ આવેગની ઓળખ મેળવવી જરૂર છે અને એની એક ઓળખ છે સ્વચ્છંદતા. આધ્યાત્મિક જગતમાં 'સ્વચ્છંદ નિરોધ' કરવા જોઈએ એમ કહેવામાં આવે છે. આ સ્વચ્છંદ નિરોધ એટલે અનાદિકાળથી આપણો આત્મા ઈંદ્રિયો દ્વારા મનને આધીન રહીને જીવતો હોય છે અને પરિણામે એની ઈંદ્રિયો અને એનું મન એની ઈચ્છાને મોકળું મેદાન આપતું હોય છે. આધ્યાત્મિક જગત કહે છે કે આને માટે સાધના કરનારે સ્વચ્છંદનિરોધનો અભ્યાસ કરવો જોઈએ. જોકે હું એમ માનું છું કે માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ નહીં, બલ્કે સામાજિક અને વ્યક્તિગત સ્તરે પણ આ સ્વચ્છંદનિરોધ જરૂરી છે. સ્વચ્છંદ એ દુ:ખદાયી બને છે અને એનો નિરોધ એટલે કે એને અટકાવવું એ ખૂબ જરૂરી બને છે.

ઈંદ્રિયોને બેફામ વર્તવા દઈએ તો એનો અંજામ બુરો આવે છે. આજના સમયમાં બદલાયેલાં મૂલ્યો, પરિવર્તન પામેલી જીવનપદ્ધતિ અને સ્વતંત્રતાને નામે સ્વચ્છંદની સીમા પાર કરતી વિચારધારા આપણે ચોતરફ જોઈએ છીએ વ્યક્તિ હોય કે સમાજ હોય, પણ એને સ્વચ્છંદપૂર્વક વર્તવામાં મનની મોજ આવે છે. એ સમયે અને સ્વચ્છંદનાં અનિષ્ટમય પરિણામોની જાણ હોતી નથી અથવા તો એને જાણ હોય, તો પણ એની પરવા હોતી નથી. ઈંદ્રિયોને મન ફાવે તેમ વર્તવા દેનાર વ્યક્તિને અંતે દુ:ખદ પરિણામો ભોગવવા પડે છે.

તમાકુ, દારૂ કે ડ્રગને વ્યસનમાં પડેલાંઓની દશા જુઓ ! વાસનાઓનો મહિમા કરતી ફિલ્મો કે સોશિયલ મીડિયાનાં પરિણામો જુઓ ! કે પૈસા આપીને ગેઈમ ખેલનારાની થતી દુર્દશા નિહાળો ! સોશિયલ મીડિયા વધુ જોવાને કારણે બનતી આઘાતકારી બળાત્કારની ઘટનાઓનો વિચાર કરો ! આ બધાની પાછળ કારણ એક જ છે કે વ્યક્તિ પોતે પોતાની ઈંદ્રિયોને સ્વચ્છંપણે વર્તવા દે છે, એ એની ઈંદ્રિયોનો ગુલામ બની જાય છે. એને પરિણામે એ અનેક રોગો અને આફતોને સામે ચાલીને નિમંત્રણ આપે છે અને પોતાના જીવનને વાસનાનાં ઊંડા કૂવામાં ડુબાડી દે છે. આપણા શાસ્ત્રોએ આધ્યાત્મિક રીતે સ્વચ્છંદની વાત કરી છે, પરંતુ એને સર્વગ્રાહી દ્રષ્ટિએ જોવાની જરૂર છે. વ્યક્તિગત સ્તરે માનવી પતન પામે છે, તો સામાજિક દ્રષ્ટિએ સમાજમાં એ જોખમરૂપ બને છે. સામાજિક શાંતિ કે ભાઈચારાને બદલે અશાંતિ, ક્લેશ કે અંધાધૂંધીનું કારણ બની જાય છે. આમ આપણાં શાસ્ત્રોએ વર્ષો પૂર્વે કહ્યું કે,

'સ્વચ્છંદથી માનવીનું જીવન અત્યંત દુ:ખમય બની જાય છે. મોહક લાગતો સ્વચ્છંદ અંતે મોતનું કારણ બને છે.'

મનગમતો સ્વચ્છંદ જીવનમાં વ્યસન અને બરબાદી લાવે છે. આ સ્વચ્છંદ એને એક નાનો દુર્ગુણ બતાવે છે અને એ વ્યક્તિ એના પર સવાર થઈને દુર્ગુણોના માર્ગ પર પુરપાટ આગળ વધે છે. માણસે એના જીવનને ઘાટ આપવો હોય તો તે સ્વચ્છંદનિરોધથી આપી શકે.

આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિ એના સ્વચ્છંદને કારણે પોતાની જાત વિશે અહંકાર ધરાવે છે. એ વિચારે છે કે મારા જેવો જ્ઞાાની કોઈ નથી. શરીર, રૂપ, ધન, યૌવન કે રિદ્ધિ-સિદ્ધિનાં અભિમાનથી એ ઘેરાઈ જાય છે. આવો સ્વચ્છંદ સતત અને એક લાલસાથી પ્રેરતો હોય છે અને તે એ કે આજે મારી પાસે જે છે, તેનાથી મારે વધુ મેળવવું છે. શહેનશાહ સિકંદર અને નેપોલિયન બોનાપાર્ટે જેમ વધુને વધુ દેશો પર વિજય મેળવવા માટે પ્રયાસ કર્યો અને હજી આ બાકી છે અને તેને હું જીતી લઉં એવી ઈચ્છા રાખી અને એમની એ અતૃપ્તિ જ એમના પરાજયનું કારણ બની.

આનો અર્થ જ એ કે તમે તમારી ઈચ્છાઓ વિશે વિચારો, ત્યારે કોઈ સ્વચ્છંદને કારણે તમે 'હજી થોડું લઈ લઉં' અને 'આટલું તો હજી બાકી છે' એવી ઈચ્છાથી પીડાતા તો નથી ને ? જો આવી ઈચ્છાથી પીડાતા હશો તો તમને તમારી પાસે જે છે, તેનો આનંદ નહીં મળે. જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે, તેનાથી સંતુષ્ટ નહીં થાવ અને જે પરિસ્થિતિમાં જીવો છો, તે પરિસ્થિતિમાં સતત અકળામણ અનુભવતા રહેશો અને આવે સમયે જીવનમાં જો નિષ્ફળતા આવશે, ત્યારે તમે ઊંડા આઘાતમાં, ઘોર નિરાશામાં અને પ્રચંડ નિષ્ફળતા હેઠળ દબાઈ જશો. જીવન આખુંય કરમાઈ જશે અને માટે જ આજનાં જીવનનાં આનંદ માટે 'હજી થોડું વધુ મેળવી લઉં' એનો અભરખો છોડવો પડશે.

Gujarat