For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તરંગમબાડી: સાગરનું સંગીત, તરંગોનું ગીત

Updated: May 5th, 2024

તરંગમબાડી: સાગરનું સંગીત, તરંગોનું ગીત

- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- યુરોપી દેશ ડેન્‍માર્ક જોડે ભારતનું 4 સદી પુરાણું કનેક્શન ધરાવતા ત‌મિલ નાડુના તટવર્તી તરંગમબાડીમાં ઇ‌તિહાસ, સ્‍થાપત્‍ય અને નૈસ‌ર્ગિક સુંદરતાનો ‌થ્રી-ડી સમન્‍વય જાણવા-માણવા જેવો છે.

- તરંગમબાડીની મુલાકાત લેનારા જૂજ પ્રવાસીઓ સમુદ્રનું નૈસ‌ર્ગિક ઓર્કેસ્‍ટ્રા માણતા બેઠા હોય ત્‍યારે તેમને ભાગ્‍યે જ કલ્‍પના હશે કે આગળ જેટલે દૂર ‌ક્ષિ‌તિજ છે, પાછળ એટલો જ દૂર ફેલાયેલો તરંગમબાડીનો ઇ‌તિહાસ છે.

પ્રાચીન ભારતની ઉત્કૃષ્ટ સ્‍થાપત્‍ય કળાના ગૌરવશાળી તેમજ પ્રભાવશાળી પ્રતીક સમું બૃહદેશ્વર મં‌દિર પાછલાં હજારેક વર્ષથી જ્યાં અડીખમ ઊભું છે તે ઐતિહા‌સિક તાંજોર શહેરની ૧૦૦ ‌કિલોમીટર પૂર્વે તરંગમબાડી નામનું નગર છે. ઈ.સ. ૧૩૦૬માં પાંડ્ય વંશી રાજા મારવર્મન કુલશેખરે તેની સ્‍થાપના કરી હતી. નામકરણ માટે તરંગમબાડી શબ્‍દ પસંદ કરાયો તેનું ખાસ કારણ હતું. દ‌રિયાના તરંગો જ્યાં ગીત ગાતા હોવાનો આભાસ થાય એવા સ્‍થળને ત‌મિલ ભાષામાં તરંગમબાડી કહેવાય. આ નગરના કોરોમાંડલ કાંઠે ઘૂઘવતા સમુદ્રનાં મોજાં તટ પર આવીને ભાંગે ત્‍યારે તેમાંથી ચોક્કસ પ્રકારનો લયબદ્ધ ધ્‍વ‌નિ ઉદ્‍ભવે છે. પ્રકૃ‌તિપ્રેમીને તે ધ્‍વ‌નિ મધુર સંગીત જેવો લાગે, એટલે નગર માટે પસંદ કરાયેલું તરંગમબાડી નામ યથાયોગ્‍ય હતું. 

આજે અહીંના સ્‍વચ્‍છ ને સુંદર કોરોમાંડલ સાગરકાંઠાની મુલાકાત લેનારા જૂજ પ્રવાસીઓ કલાકો સુધી સમુદ્રનું નૈસ‌ર્ગિક ઓર્કેસ્‍ટ્રા માણતા બેસી રહે છે. સાગર તરફ નજર ‌સ્‍થિર હોય ત્‍યારે તેમને ભાગ્‍યે જ કલ્‍પના હશે કે આગળ જેટલે દૂર ‌ક્ષિ‌તિજ છે એટલો જ દૂર સુધી ફેલાયેલો તરંગમબાડીનો ઇ‌તિહાસ પણ છે. પીઠ પાછળ તે રહી જતો હોવાથી તેના પ્રત્‍યે ખાસ કોઈનું ધ્‍યાન પડતું નથી. જો કે, ધ્‍યાન ખેંચે એવાં કેટલાંક ઐ‌તિહા‌સિક સ્‍થાપત્‍યો તરંગમબાડીના કાંઠે છે ખરાં, પણ ઇ‌તિહાસ પ્રત્‍યે સરેરાશ વ્‍ય‌ક્તિના ઉદાસીન વલણને કારણે તરંગમબાડીની ૪૦૦ વર્ષ પુરાણી કથા અજાણી રહી જવા પામી છે.

■■■

પ્રચ‌લિત માન્‍યતા મુજબ ભારતવર્ષ પર પહેલવહેલો હુમલો લાવનાર ‌વિદેશી અને ‌વિધર્મી સેનાપ‌તિ મે‌સિડો‌નિયાનો મહાન ‌સિકંદર એલેક્ઝાન્‍ડર ધ ગ્રેટ હતો. ઈ.સ. પૂર્વે ૩૨૭માં ‌સિકંદર પોતાની ‌વિશાળ સેના સાથે ‌જેલમ નદીના તટ પ્રદેશ સુધી પહોંચ્‍યો, જ્યાં તત્‍કાલીન પંજાબ ક્ષેત્રના રાજા પોરસે તેને પડકાર્યો. યુદ્ધમાં પોરસને પરાજય મળ્યા પછી ‌સિકંદર જોડે તેના સંવાદની કથા તો બહુ જાણીતી છે. 

બીજી તરફ, બહુધા લોકો માટે ઓછી જાણીતી વાત એ કે ભારતવર્ષ પર હુમલો કરનાર એલેક્ઝાન્‍ડર પહેલવહેલો ‌વિદેશી સેનાપ‌તિ નહોતો. બલકે, તેનું આગમન થયાના લગભગ બસ્‍સો વર્ષ પહેલાં પ‌ર્શિયાના (વર્તમાન ઇરાનના) અચમે‌નિદ સામ્રાજ્યનો સ્‍થાપક સાઇરસ ‌દ્વિતીય અખંડ ભારત પર ચડી આવ્યો હતો. સાઇરસ પછીના ગાદીવારસ ડે‌રિઅસે અને ત્‍યાર બાદ ઝેરેસે પણ વર્તમાન પંજાબ અને તેની આસપાસના પ્રદેશોને ધમરોળ્યા.

આ બનાવનાં ઘણાં વર્ષ  પછી ઈસ્‍વી સન આઠમી સદીના આરંભથી તો ભારત પર ‌વિદેશી હુમલાખોરોની વખતોવખત પસ્‍તાળ પડવી શરૂ થઈ. આરંભ ઈ.સ. ૭૧૨માં આરબ સેનાપ‌તિ મુહમ્‍મદ ‌બિન કા‌સિમે કરી કે જેણે ‌સિંધ પ્રાંતને કબજે લઈ ત્‍યાં કેટલાંક વર્ષ રાજકીય આ‌ધિપત્‍ય ભોગવ્યું. આગળ જતાં મહમૂદ ગઝની, મુહમ્‍મદ ઘોરી, તૈમૂર લંગ (લંગડો), બાબર, ના‌દિર શાહ, અહમદ શાહ અબ્‍દાલી વગેરે જેવા મધ્‍ય એ‌શિયાઈ હુમલાખોરો ભારત પર ચડી આવ્યા. મે ૨૦, ૧૪૯૮ના રોજ પોર્ટુગલના વાસ્‍કો દ ગામાએ યુરોપથી ભારતને જોડતો દ‌રિયાઈ રૂટ ‘શોધી’ કાઢ્યો એ પછી પોર્ચુગીઝો, નેધરલેન્‍ડ્સના વાલંદાઓ (ડચ) તથા અંગ્રેજો ભારતને જળોની માફક બાઝયા અને બબ્‍બે સદી લગી આ‌ર્થિક શોષણ કરતા રહ્યા. ‌લિસ્‍ટમાં યુરોપી દેશ ડેન્‍માર્ક પણ ખરો કે જેણે લગભગ સવા બસ્‍સો વર્ષ સુધી આપણે ત્‍યાં ધામા નાખ્યાં.

જો કે, એક મોટો તફાવત ખાસ નોંધવો રહ્યો. ફ્રેન્‍ચો, અંગ્રેજો અને વાલંદાઓ ભારતમાં વ્‍યાપારી હેતુસર આવ્યા હતા, જ્યારે ડેન્‍માર્કનો કેસ જુદો હતો. ભારતમાં ડે‌નિશ વેપારીઓનું આગમન કોઈ પૂર્વનિશ્ચિત યોજનાથી ન‌હિ, બલકે સાવ આક‌સ્‍મિક સંજોગોમાં થયું. ઘટનાક્રમ આમ હતો—

■■■

સોળમી સદીની આખરમાં પોર્ટુગલના શાસકોએ ‌સિલોનના (શ્રીલંકા)ના ભૌગો‌લિક પ્રદેશો પર શસ્‍ત્રબળે સત્તાકીય ધૂંસરી નાખવાનું શરૂ કર્યું હતું. આની પાછળ રહેલો ઉદ્દેશ શ્રીલંકામાં વ્‍યાપક ધોરણે થતું તજ હસ્‍તગત કરવાનો હતો કે જેના યુરોપી બજારમાં પુષ્‍કળ દામ ઊપજતા. ઇંગ્‍લેન્‍ડ, ફ્રાન્‍સ, ધ નેધરલેન્‍ડ્સ તથા ડેન્‍માર્ક જેવા દેશોની વ્‍યાપારી કંપનીઓ પોર્ચુગીઝો પાસેથી ઊંચા ભાવનું તજ ખરીદી નજીવા નફે વેચતા હતા. આ ક્રમ વર્ષો સુધી ચાલ્યો, પણ આખરે સત્તરમી સદીના આરંભે ડેન્‍માર્કના રાજા ‌ક્રિ‌શ્ચિઅન ચતુર્થે શ્રીલંકામાં પોતાનું લશ્‍કરી થાણું સ્‍થાપી તજ માટે પોર્ચુગીઝોની મોહતાજી તોડવાનો ‌નિર્ણય લીધો. 

તજના એકહથ્થુ મોનોપલી ‌બિઝનેસમાં કોઈ હરીફને પેસવા દેવા ન માગતા પોર્ચુગીઝો જોડે વાતચીતથી અને સમજાવટથી તો કામ પાર પડવાનું નહોતું. આથી ડેન્‍માર્કના રાજાએ લશ્‍કરી બળનો સહારો લીધો. ઈ.સ. ૧૬૧૮માં ડેન્‍માર્કના શાહી નૌકાદળના સેનાપ‌તિ એડ‌મિરલ ઓવે જેડીના નેતૃત્‍વ હેઠળ કુલ પાંચ જહાજોનો કાફલો શ્રીલંકા માટે રવાના કરાયો. પોર્ચુગીઝો સાથે સશસ્ત્ર યુદ્ધ ખેલી ‌શ્રીલંકાની ભૂ‌મિ પર ડે‌નિશ પગ જમાવી દેવો એડ‌મિરલ ઓવે જેડીની યોજના હતી, પણ સંજોગવશાત્ તેમાં અણધારી અડચણ આવી. પાંચેય જહાજોનો કાફલો દ‌ક્ષિણ આ‌‌ફ્રિકાના કેપ ઓફ ગૂડ હોપ કાંઠા નજીક પહોંચ્‍યો ત્‍યારે ચાં‌ચિયા વહાણોએ તેને મધદ‌રિયે આંતર્યો. લૂંટનો માલ મેળવવા ખાતર હત્‍યા અને ખૂનામરકી કરવાથી લગીરે ન ખંચકાતા ચાં‌ચિયાઓએ કાફલાના જહાજો પર હલ્‍લો બોલાવ્યો. ડે‌નિશ ખલાસીઓએ પ્ર‌તિકાર કર્યો, પણ એમ કરવા જતાં ઘણા ના‌વિકોનો ભોગ લેવાયો. બૂરી રીતે જખમી થયેલા અમુક ખલાસીઓએ કેટલાક ‌દિવસ પછી જહાજ પર દમ તોડ્યો.

હવે એડ‌મિરલ ઓવ જેડી પાસે ન શસ્‍ત્રબળ રહ્યું કે ન સંખ્‍યાબળ હતું. આમ છતાં સોંપાયેલું ‌મિશન પાર પાડવા માટે તે મુઠ્ઠીભર ખલાસીઓ જોડે શ્રીલંકા તરફ આગળ વધ્યો. પોર્ચુગીઝોના હાથે પરાસ્‍ત થવું અને મોતને ભેટવું લગભગ ‌નિ‌શ્ચિત હતું, પણ ‌નિય‌તિએ જાણે ડે‌નિશ નૌકાકાફલાના પ્રવાસનું અં‌તિમ ‌બિંદુ અગાઉથી તય કરી રાખ્યું હોય તેમ સંજોગો વળી પાછા બદલાયા. બન્‍યું એવું કે પાંચેય ડે‌નિશ જહાજો શ્રીલંકાના જાફના નગરની ઉત્તરે પહોંચ્‍યા એવામાં દ‌રિયો ગાંડોતૂર બન્‍યો. ઊંચી લહેરો અને તોફાની પવનમાં જહાજો તણાયાં અને પહોંચ્‍યાં ઉત્તર ‌દિશામાં કોરોમાંડલના તરંગમબાડી ‌સાગરતટે! 

ઈ.સ. ૧૬૧૯નું એ વર્ષ હતું. તરંગમબાડી પર ત્‍યારે તાંજોરના નાયક વંશી રાજા રઘુનાથ નાયકનો રાજકીય ભોગવટો હતો. તરંગમબાડીના કાંઠે જહાજો લાંગર્યા પછી એડ‌મિરલ ઓડ જેડી રાજા રઘુનાથને મળ્યો. કોરોમાંડલ કાંઠે ડે‌નિશ ‌વ્‍યાપારી મથક સ્‍થાપવા માટે જમીનનો ટુકડો માગ્યો—અને વર્ષે રૂ‌પિયા ૩,૧૧૧ના ભાડાપટ્ટે ચાર બાય આઠ ‌કિલોમીટરનો ટુકડો મેળવ્યો પણ ખરો. એકાદ વર્ષના નજીવા સમયમાં તો તરંગમબાડી ખાતે ડાન્‍સબોર્ગ નામનો ‌કિલ્‍લો, ડેન્‍માર્કના ભારતીય ગવર્નર માટે શાહી આવાસ તથા ડે‌નિશ ઈસ્ટ ઇ‌ન્‍ડિયા કંપનીના કર્મચારીઓના રહેવા માટેની વ્‍યવસ્‍થા ઊભી કરી દેવામાં આવી. ભારતના મરી-મસાલા, તેજાના, કપાસ, રેશમ, વાંસ, ઇમારતી લાકડું વગેરે જેવી ચીજવસ્‍તુઓ લઈને ડે‌નિશ માલવાહક જહાજો તરંગમબાડી અને ડેન્‍માર્ક વચ્‍ચે ‌નિય‌મિત ખેપ કરવા લાગ્યાં.

■■■

‌વિસ્‍તારવાદી પ્રકૃ‌તિ માટે અને સામ્રાજ્યના ફેલાવા ખાતર કૂટની‌તિ પ્રવૃ‌ત્તિ આચરવા માટે પંકાયેલા અંગ્રેજો કરતાં ડેન્‍માર્કના ડે‌નિશ લોકો નોખા હતા. ભારતમાં તેઓ માત્ર વેપાર કરવા માગતા હતા. દેશને ગુલામ બનાવીને તેના પર રાજ કરવાનો કોઈ છૂપો અજેન્‍ડા તેમના મનમાં નહોતો. આથી તેમનું ફોકસ લશ્‍કરી છાવણીઓ સ્‍થાપી મસલ પાવર વધારવાને બદલે ફક્ત વેપાર-ધંધા પર રહ્યું. તરંગમબાડીનો કુલ ૩૨ ચોરસ ‌‌કિલોમીટરનો ‌વિસ્‍તાર તેમણે ‌વિકસાવ્યો. શાળા, પુસ્‍તકાલય, દેવળો બનાવ્યાં. ઈ.સ. ૧૭૦૬માં એક ‌પ્રિ‌ન્‍ટિંગ પ્રેસ શરૂ કરી તેના પર બાઇબલનો ત‌મિલ તરજુમો છાપ્યો. વખત જતાં તરંગમબાડીના ગવર્નરે અવનવાં ‌વિષયોને આવરી લેતાં ૩૦૦ પ્રકારનાં પુસ્‍તકો ત‌મિલ ભાષામાં છપાવી અહીંના ટચૂકડા પુસ્‍તકાલયને સમૃદ્ધ કરી દીધું.

ઐ‌તિહા‌સિક ‌પ્રિ‌ન્‍ટિંગ મશીન તથા તેના પર છપાયેલાં પુસ્‍તકો આજની તારીખેય તરંગમબાડીના ‘Queen's Library’ તરીકે ઓળખાતા પુસ્‍તકાલયમાં જોવા મળે છે. એ વાત જુદી કે ઇ‌તિહાસમાં ટાઇમ ટ્રાવેલ કરાવતી એ યાદગીરી (મુલાકાતીઓમાં પૂરતી જાણકારીના અભાવે)ઉપે‌ક્ષિત રહી જવા પામી છે.

ઉપે‌ક્ષિત તો આખેઆખું તરંગમબાડી વીસમી સદીના મધ્યાહ્ન પછી રહી ગયું. ઈ.સ. ૧૬૧૯થી શરૂ કરીને લાગલગાટ સવા બસ્‍સો વર્ષ એ નગર ધમધમતા વ્‍યાપારી મથક તરીકે લાઇમલાઇટમાં રહ્યું. પરંતુ ઈ.સ. ૧૮૪પમાં ડેન્‍માર્કના શાહી પ‌રિવારે આખેઆખું તરંગમબાડી રૂ‌પિયા સાડા બાર લાખમાં અંગ્રેજોને વેચી દીધું એ પછી તેનું તેજ ઓસરવા લાગ્યું. ભારતમાં સંખ્‍યાબંધ બંદરો સ્‍થાપી ચૂકેલા અંગ્રેજોએ તરંગમબાડીને કેટલાંક વર્ષ જરા તરા ધબકતું રાખ્યું. પરંતુ ત્‍યાંથી ફક્ત ૩૦ ‌કિલોમીટર દ‌ક્ષિણે નાગપ‌ટ્ટિણમ્ બંદર પાસે ૧૮પ૯માં રેલવેના પાટા નખાયા એ સાથે તરંગમબાડીનો સૂરજ અસ્‍તાચલમાં ડૂબી ગયો. એક ઉપે‌ક્ષિત નૌકામથક તરીકે તે સૂમસામ બન્‍યું એટલું જ ન‌હિ, પણ તેની એ અવસ્‍થા ઘણાં વર્ષ સુધી રહી. સમુદ્ર પરથી ફૂંકાતા ભેજવાળા પવનો તથા ક્ષારયુક્ત હવા તરંગમબાડીનાં ઐ‌તિહા‌સિક સ્‍થળ-સ્‍થાપત્‍યોને આસ્‍તે આસ્‍તે કોરી ખાવા લાગ્યા.

ડેન્‍માર્ક જોડે ભારતના સદીઓ પુરાણા વ્‍યાપારી બંધનનો જર્જ‌રિત બની ચૂકેલો તાંતણો ક્યારનો તૂટી ગયો હોત, પણ કદાચ ઇ‌તિહાસને (કે પછી ‌નિય‌તિને) એ મંજૂર નહોતું. તરંગમબાડીની પ્રાચીન ઇમારતો પ્રત્‍યે અવહેલના સેવીને પોઢેલા સ્‍થા‌નિક પ્રજાજનોને તેમજ તંત્રને કુંભકર્ણ નીંદરમાંથી ઢંઢોળીને જગાડવા માટે ‌ડિસેમ્‍બર ૨૬, ૨૦૦૪ના રોજ એક મોટો ઝટકો આવ્યો. ‌હિંદી મહાસાગરમાં ઊઠેલાં ‌વિનાશક સુનામી મોજાં તરંગમબાડીના આંગણે દસ્‍તક દેવા આવી પહોંચ્‍યાં. પ્રાચીન સ્‍થાપત્‍યો પર દ‌રિયાનું પાણી તેમજ ગાર-માટી ફરી વળ્યા ત્‍યારે તેમની ‌બિસ્‍માર ‌સ્‍થિ‌તિ જોઈને કેટલાક સ્‍થા‌નિકોનો આત્‍મા કકળી ઊઠ્યો. ડે‌નિશ સ્‍થાપત્‍યોના સફાઈ અ‌ભિયાનની સાથોસાથ તેમના સમારકામ માટે પણ ‌મિશન હાથમાં લેવાયું. ફક્ત ચાર જણાથી શરૂ થયેલી તે ઝુંબેશમાં આગળ જતાં બીજા ૩૦૦ લોકો જોડાયા અને આખરે તો મામલો છેક ડેન્‍માર્ક સુધી પહોંચ્‍યો.

તરંગમબાડી પ્રત્‍યે ઉપેક્ષા રાખીને બેઠેલી ડેન્‍માર્કની સરકારે ખાસ સંગઠનની રચના કરી અને ત‌મિલ નાડુની સરકારના સહયોગમાં તરંગમબાડીનો ‌પ્રાચીન કિલ્‍લો, ગવર્નરનો આવાસ, પુસ્‍તકાલય, ‌પ્રિ‌ન્‍ટિંગ પ્રેસ, દેવળો વગેરેનું પુનરુત્થાન કરાવ્યું. ત‌મિલ નાડુના પર્યટન ખાતાએ તરંગમબાડીના પ્રચાર-પ્રસાર માટે પ્રયત્‍નો કર્યા, પ્રવાસીના ઉતારા માટે સગવડ ઊભી કરવામાં આવી અને સરસ મજાનું સંગ્રહાલય પણ તૈયાર કરાયું. છતાં જોઈએ તેટલો પ્ર‌તિસાદ મળ્યો નથી. અત્‍યંત રમણીય અને ગીત-સંગીતમય સાગરતટનું આકર્ષણ હોવા છતાં તરંગમબાડીમાં પર્યટકોની આવનજાવન અલ્‍પ માત્રામાં રહે છે. થોડાઘણા જે પણ મુલાકાતીઓ આવે છે તેમાંના ઘણાખરાની નજર દ‌રિયા તરફ અને પીઠ ૪૦૦ વર્ષ પુરાણા ઇ‌તિહાસ/ ઐતિહાસિક સ્‍થાપત્‍યો તરફ રહે છે. તરંગમબાડી માટે ઉપેક્ષાનો અંત કોણ જાણે ક્યારે આવશે!■

Gujarat