For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હઠયોગની સાધનાથી પ્રાપ્ત થતી અતિમાનવીય શક્તિઓ

Updated: May 4th, 2024

હઠયોગની સાધનાથી પ્રાપ્ત થતી અતિમાનવીય શક્તિઓ

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- અનેક હઠયોગી અસાધારણ શારીરિક, માનસિક ક્ષમતા પ્રાપ્ત કરી લેતા હોય છે. હઠયોગીઓ પ્રાણશક્તિની સાધનાથી માન્યામાં ન આવે એવી શક્તિઓનું પ્રદર્શન કરતા હોય છે

હ ઠયોગ યોગના અનેક પ્રકારોમાંનો એક પ્રકાર છે. યોગના અનેક પ્રકારો છે - મંત્ર યોગ, લય યોગ, ક્રિયા યોગ, રાજયોગ વગેરે. હઠયોગ એક શૈવ સાધના પધ્ધતિ છે જે ચિત્તવૃત્તિની ધારાને સંસાર તરફ જવાથી રોકીને તેને અંતર્મુખી કરે છે. આ સાધનામાં પ્રસુપ્ત કુંડલિનીને જાગૃત કરી નાડી માર્ગથી ઊર્ધ્વારોહી કરવામાં આવે છે અને તેને વિભિન્ન ચક્રોમાં સ્થિર કરી સર્વોપરિ ઊર્ધ્વસ્થ સહસ્રાર ચક્રમાં લઈ જવામાં આવે છે. હઠયોગપ્રદીપિકામાં હઠનો અર્થ સમજાવતા કહેવાયું છે - હકારેણોચ્યતે સૂર્યષ્ઠકાર ચન્દ્ર ઉચ્યતે ા સૂર્ય ચંદ્રમસોર્યોગાત્ હઠયોગોડભિધીયતે ાા 'હ' અક્ષરથી પિંગલા નાડી જમણી નાસિકા (સૂર્ય સ્વર) અને 'ઠ' અક્ષરથી ઈડા નાડી ડાબી નાસિકા (ચંદ્ર સ્વર) નું સૂચન કરાય છે. ઈડા ઋણાત્મક (-) ઊર્જા શક્તિ અને પિંગલા ધનાત્મક (+) ઊર્જાશક્તિનું પ્રતીક છે. હ અને ઠનો યોગ એટલે કે હઠયોગ પ્રાણોના સંતુલનને સિદ્ધ કરવાનો પ્રયોગ છે. હઠયોગ એવી પ્રક્રિયા છે જેમાં ઈડા અને પિંગલાના સહારે પ્રાણને એવી પ્રક્રીયા છે જેમાં ઈડા અને પિંગલાના સહારે પ્રાણને સુષુમ્ણા નાડીમાં પ્રવિષ્ટ કરાવી બ્રહ્મરન્ધ્રમાં સમાધિસ્થ કરવામાં આવે છે.

હઠયોગ પ્રદીપિકામાં હઠયોગના ચાર અંગોનું વર્ણન છે - ૧. આસન ૨. પ્રાણાયામ ૩. મુદ્રા અને બંધ ૪. નાદાનુસંધાન. હઠયોગ અંગેનો અન્ય પ્રસિધ્ધ ગ્રંથ ઘેરણ્ડ સંહિતા છે જેમાં તેના સાત અંગ - ષટકર્મ, આસન, મુદ્રાબંધ પ્રાણાયામ, ધ્યાન અને સમાધિ એ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે. યોગતત્વોપનિષદમા આંઠ અંગોનો નિર્દેશ અને  તેની સમજૂતી છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આને અષ્ટાંગ યોગ પણ કહેવાય છે. હઠયોગની સમજૂતી આપણો એક અન્ય મહત્વપૂર્ણ ગ્રંથ શિવસંહિતા પણ છે. આ ગ્રંથમાં શિવજી પાર્વતીને સંબોધિત કરતા હોય તે રીતે નાડી સંસ્થાન, પંચ પ્રાણ, આસન, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન, ચક્રો વગેરેનું વિસ્તૃત વર્ણન છે - તેમાં કેટલીક ચમત્કારિક વિધિઓ પણ નિરૂપણ કરાઈ છે. હઠયોગને સિદ્ધો અને તે પછી નાથોએ અપનાવ્યો હતો, મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ તેના મુખ્ય આચાર્ય મનાય છે. ગોરખનાથના અનુયાયી મહદ અંશે હઠયોગની સાધના કરતા હતા. એમને નાથ યોગી પણ કહેવાય છે. શૈવ ધારા સિવાય બૌદ્ધોએ પણ હઠયોગની પદ્ધતિ અપનાવી હતી. હઠ શબ્દનો અર્થ કેટલાક લોકો બળપૂર્વક કે દૂરાગ્રહપૂર્વક એવો પણ કહે છે. તે એવું સમજે છે કે તે એવો યોગ હશે જેમાં હઠપૂર્વક શારીરિક અને માનસિક ક્રિયાઓ કરાતી હશે. પણ વાસ્તવમાં એવું નથી હઠયોગ શરીર અને મનના સંતુલન દ્વારા રાજયોગ પ્રાપ્ત કરવાની પૂર્વ ભૂમિકા રૂપ છે. જો કે અનેક હઠયોગી અસાધારણ શારીરિક, માનસિક ક્ષમતા પ્રાપ્ત કરી લેતા હોય છે. હઠયોગીઓ પ્રાણશક્તિની સાધનાથી માન્યામાં ન આવે એવી શક્તિઓનું પ્રદર્શન કરતા હોય છે.

નરિસિંઘ નામના હઠયોગીએ આવા જ પ્રકારના પ્રયોગો કર્યા હતા. કલકત્તા પ્રેસિડેન્સી કોલેજના ભૌતિક વિજ્ઞાાન વિભાગ દ્વારા નરિસિંઘ પર હઠયોગને લગતા પ્રયોગો કરાયા હતા. આ પ્રયોગો જોવા અનેક રેશનાલિસ્ટ, ફિઝિશિયન અને ફિઝિસિસ્ટ પણ આવ્યા હતા. ૧૯૩૦નું ભૌતિક વિજ્ઞાાનનું નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનારા, ભારત રત્ન, વિશ્વ વિખ્યાત ભૌતિક વિજ્ઞાાની ડૉ.સી.વી.રામન પણ આ પ્રયોગો નિહાળવા અને ચકાસવા તેમાં હાજર રહ્યા હતા.

હઠયોગી નરિસિંઘે તેના પર ગમે તેવા કાતિલ ઝેરની કોઈ અસર થતી નથી તેનો પ્રયોગ કર્યો હતો. તેણે વિવિધ પ્રકારના ઝેર ખાઈ બતાવ્યા હતા. તે પછી અંતે દુનિયાના સૌથી વધારે કાતિલ, જીવલેણ ઝેર પોટેશિયમ સાઈનાઈડનો મોટો ડોઝ ગળામાં ઉતારી લીધો હતો. આ ઝેર એટલું કાતિલ છે કે તેને ખાનારો થોડી સેકંડોમાં જ પોતાના પ્રાણ ગુમાવી દે છે. પણ એ ઝેરના ઓવરડોઝની પણ નરિસિંઘ પર કોઈ અસર થઈ નહોતી.

બીજા એક પ્રયોગની શરૂઆતમાં તેણે પોતાની હથેળી પર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા મૂકી રાખ્યા હતા અને એને પોતાની જીભ પર મૂકી એ પી ગયા હતા. સલ્ફયુરિક એસિડ એટલો તીક્ષ્ણ હોય છે કે તે હાથમાં મૂકવામાં આવે તો તે તેમાં કાણું પાડી દે. એ જ એસિડના થોડા ટીપાં એક ધાતુની પટ્ટી પર - મૂકવામાં આવ્યા તો તે તેમાં કાણું પાડી તેની આરપાર નીકળી ગયા હતા. એ પછી કાર્બોલિક એસિડ કેટલો જલદ છે તેનું નિદર્શન કરી તે નરિસિંઘને આપવામાં આવ્યો હતો. તેણે એને વારાફરતી બન્ને હથેળીઓમાં પકડી રાખ્યો હતો, જીભ પર મૂકી રાખી એને ગળામાં પણ ઉતારી લીધો હતો. ડોક્ટરોએ તેની હથેળીઓ, જીભ અને ગળાનો ભાગ તપાસ્યો પણ તેમાં ક્યાંય દાઝ્યાની નિશાની જોવા મળી ન હોતી.

હિમાલયના એવરેસ્ટ શિખરને સર કરનારા એડમેન્ડ હિલેરી અને શેરપા તેનસિંગે એક હઠયોગીની યોગ શક્તિના ચમત્કારો નિહાળ્યા હતા. એવરેસ્ટ પર ચઢાણ કર્યા બાદ હિલેરીએ બંગાળના અખાતથી હિમાલય તરફ યાત્રા કરી હતી. તે સમયના તેને થયેલા અનુભવોને તેણે તેના પુસ્તક 'ફ્રોમ ધ ઓસન ટુ ધ સ્કાય ( From the ocean to the sky)માં આલેખિત કર્યા છે. આ યાત્રા દરમિયાન હિલેરી અને તેની ટુકડીને મિરઝાપુરમાં બલિરાજ મિશ્રા નામના એ હઠયોગી મળ્યા. તે ૬૮ વર્ષની ઉંમરના હતા છતાં અતિ માનવીય શક્તિનું પ્રદર્શન કરતા હતા. એક પ્રયોગ દરમિયાન બલિરાજે થોડીક સેકંડો સુધી હૃદયની ગતિ થંભાવી નાડીના ધબકારા પણ નહિવત કરી નાંખ્યા હતા કે અટકાવી પણ દીધા હતા. તેમણે ઘણીવાર ખીલાની પથારી પર સૂઈને પોતાના શરીર પર ચાર પહેલવાનોને ઊભા રાખવાના પ્રયોગો કરી બતાવ્યા હતા.'

હઠયોગી બલિરાજે એક પ્રયોગ દરમિયાન છ ફૂટ લાંબો અને અડધો ઈંચ વ્યાસ ધરાવતો ભાલો લઈ એની ધારદાર અણી આંખ પર ટેકવી એને જોરથી વાળી બતાવ્યો હતો. બીજા એક હઠયોગીએ એ જ વાળેલો ભાલો આંખ પર ટેકવી સીધો કરી બતાવ્યો હતો. બલિરાજ ચાલતા હાથીને અટકાવી દેતા. બલિરાજ મોટર, જીપ, જેટ-બોટ અને રેલવેની ટ્રેનને પણ ચાલતા રોકી શકતા હતા. જે લોકો ટ્રેન કે પ્લેનને પણ હાથ, દાંત કે શરીરના કોઈ ભાગથી ખેંચવાના પ્રયોગો કરે છે તે બધા સીધી કે આડકતરી રીતે હઠયોગ દ્વારા સર્જિત અને એકત્રિત પ્રાણશક્તિથી જ તેને સંભવ બનાવે છે. હઠયોગીઓ પ્રાણશક્તિની સાધનાથી અતિ માનવીય શક્તિ. (super human power) ઉત્પન્ન કરી અસાધારણ પ્રકારની કહેવાય એવી શારીરિક અને માનસિક ક્ષમતાના ચમત્કારો કરે છે.

Gujarat