For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુવા જગતના મત : ચુંટણી જીતવા માટેનું ટ્રમ્પ કાર્ડ

Updated: May 5th, 2024

યુવા જગતના મત : ચુંટણી જીતવા માટેનું ટ્રમ્પ કાર્ડ

- ભારતમાં 20 થી 29 વર્ષની વયના 19 કરોડથી વધુ મતો છે : વિરોધ પક્ષના નેતાઓ ઉદાસીન 

- જ્યારે મોદી સ્માર્ટ ફોનનો મહત્તમ ઉપયોગ કરનાર વર્ગનું દિલ જીતવામાં સફળ

- હોરાઈઝન-ભવેન કચ્છી

- દેશના સૌથી લોકપ્રિય યુ ટયુબર્સ  અને ઓનલાઈન ગેમિંગના ભેજાબાજો જોડે મુલાકાત હોય કે 'પરીક્ષા પે ચર્ચા' અને સમુદ્રમાં સ્કુબા ડાઇવ, આવા પ્રયોજનનો આશય નવી પેઢીમાં ઉત્સાહનો સંચાર કરવાનો હોય છે

ભા રતમાં સાત તબક્કામાં મતદાન સાથે જે ચુંટણી યોજાઈ રહી છે તે વિશ્વની સૌથી મોટી છે તેને એવી રીતે સમજી શકાય કે કુલ ૯૭ કરોડ મતદારો છે યુરોપના યુનિયનના જે ૨૭ દેશો છે તેઓની કુલ વસ્તી કરતા આ આંકડો વધુ છે. ૨૦થી ૨૯ વર્ષની વચ્ચેની વયના મતદારોની સંખ્યા ૧૯.૭ કરોડ છે જે બ્રિટન, ફ્રાન્સ, જર્મનીની કુલ વસ્તી જેટલો થાય છે.

સૌથી મહત્વની વાત આ વખતે ૧.૮ કરોડ મતદારો સૌ પ્રથમ મત આપવાને હકદાર થયા છે. યુવા મતદારોની સંખ્યા ભારતના કુલ મતદારોના ૨૦ ટકા છે એટલે કે યુવા મતદારોના મતનો ઝોક જે પક્ષ તરફ હશે તેઓનું બેઠક જીતવામાં પ્રભુત્વ રહેશે.

તે રીતે જોઈએ તો વડાપ્રધાન મોદી તેમના શાસન કાળ દરમ્યાન વિદ્યાર્થીઓ અને યુવા પેઢી જોડે સંવાદ કેળવવામાં માત્ર વર્તમાન જ નહીં પણ ભૂતકાળના તમામ તત્કાલીન વડાપ્રધાનો અને નેતાઓ કરતા અવ્વલ રહ્યા છે. તેઓ વોટ બેંકને નજરમાં રાખીને જ છેલ્લા દસ વર્ષમાં યુવા જગત જોડે સંવાદ કરતા હોય કે પ્રોજેક્ટ મુકતા હોય તેવું ગરજ સાથેનું નથી લાગ્યું પણ ભારતમાં બદલાવ લાવવો હોય તો તે નવી પેઢીથી જ શક્ય બને તેવું મોદી માને છે.

૨૦૧૫માં મોદીનો 'મન કી બાત' કાર્યક્રમનો બાળ વયનો દર્શક કે શ્રોતા આજે પ્રથમ વખતનો કે યુવા મતદાર છે. તેવી જ રીતે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને જુસ્સો, આત્મવિશ્વાસ અને નબળું પરિણામ આવે તો હતાશાથી દૂર રહેવાનું માર્ગદર્શન આપવાનો વાર્ષિક ઉપક્રમ પણ દેશની ભાવિ પેઢીને ચેતનવંતી બનાવે છે. ઘણા માતા પિતા પણ જે નથી વ્યક્ત નથી કરી શકતા તેવા વિદ્યાર્થીઓમાં માટે મોદી વાલી તરીકે જોવાતા હોય છે.

વિરોધ પક્ષના નેતાઓને પાંચ વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ સાથે સંવાદ કરતા કોઈ અટકાવતું નથી હોતું. પણ સંવાદ સાધવો અને કયા માધ્યમથી તે એક કુનેહ છે.

આત્મનિર્ભર, સ્ટાર્ટ અપ, સ્વચ્છતા અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, પર્યાવરણ જાગૃતિ, મિલેટ ધાન્ય, સ્વદેશી જાગૃતિ જેવા પ્રોજેક્ટના પાયામાં યુવા વર્ગની સામેલગીરી જ છે.

 વિદેશમાં સ્થાયી થયેલ અને રોબોટિક્સ અને એ. આઇ.ની કંપની ધરાવતા મધ્યમ વયના એક ભારતીય વ્યકિતએ મંતવ્ય આપ્યું કે ભારતમાં જ નહીં વિદેશમાં પણ પહેલી વખત  ભારતીયોને  ગૌરવની લાગણી સાથે જોઈ શકાય છે. વર્ષો સુધી ભારતીયો એક પ્રકારની પછાત હોવાની લઘુતાગ્રંથિ ધરાવતા હતા. ભારતીયોની કોઈ ઓળખ કે મીડિયામાં મહત્તા નહોતી હવે વિદેશીઓ પણ ભારતીયોને આદરથી જુએ છે. એન.આર.આઇ. અને ભારતમાં વસતા ભારતીયો પૈકીની યુવા પેઢી સાથે મોદી કનેક્ટ થઈ શક્યા છે તેવું વિશ્વના કોઈ નેતા કરી નથી શકતા.

સોશિયલ મીડિયાની પહોંચ અને યુવાઓના સૌથી ચાહિતા માધ્યમ તરીકે ડિજિટલ જગતના પ્રભાવને તેમના સિવાય કોઈ નેતા સમજી નથી શક્યો. ખેલાડીઓ જોડે ભોજન સાથે સંવાદ હોય કે 'ઈસરો'ના વિજ્ઞાાનીઓને મિશનની નિષ્ફળતા કે સફળતા બાદનું તેમનું સંબોધન કે પછી જી-૨૦ના જે પણ પ્રેઝન્ટેશન થયા તેમાં અંગત રસ લેવો, વિશ્વના ટેકનોક્રેટને પ્રાચીન ભારતની સિધ્ધિઓનું નિદર્શન કરવું, લક્ષ્યદીપ ટાપુના બીચ અને દરિયાઇ જીવનનું નિરીક્ષણ કરી એકસ (ટ્વીટર) કે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકવી અને દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઈવિંગ આ વયે કરવું તેવી તો અનેકવિધ નવી દુનિયાની દ્રષ્ટિ આપતી પ્રવૃત્તિ અને સંવાદ તેઓ સાધે છે.

દર વર્ષે દિવાળી ભારતીય સેના જોડે ઉજવવાની હોય કે ફાઇટર પ્લેનની હેરત જગાવતી સવારી હોય મોદી માત્ર બતાવવા માટે  નહીં પણ તેમને દિલથી ભારત માટે ગૌરવ અને સ્વપ્ન હોય તેમ અનુભૂતિમાં કરાવવામાં તેઓ સફળ થયા છે.

યુવતીઓ અને મહિલાઓ પણ મોદીની પરમ ચાહક છે. પરિવારમાં કે સમાજમાં મોદીની ટીકા કરનાર સભ્ય હોય તો તેના વયોવૃદ્ધ સભ્યો પણ બચાવમાં દલીલ કરતા જોઈ શકાય છે.

મોદી યોગ કરે, વિમાનના પગથિયાં ચઢે કે એમ જ ધીમા અને મક્કમ ડગલાં સાથે ચાલે તો પણ યુવા જગતને તે 'સ્વેગ' લાગે છે.

મોદીની યુવા જગત જોડે કનેક્ટ થવાની દ્રષ્ટિ પણ અનોખી છે. કોઈ કલ્પના ન કરી હોય તેમ મોદી સોશિયલ મીડિયા અને યુ ટયુબમાં ભારતના સૌથી લોકપ્રિય એવા  યુ ટયુબરને આમંત્રણ આપીને તેઓનું સન્માન તો કરે જ છે પણ તેઓ પાસેથી વર્તમાન યુવા જગત કે શ્રોતા - દર્શકો કેવું પસંદ કરે છે તે જાણવાનો પ્રયત્ન કરે છે. ભારતના નાગરિકોની સમસ્યા, પડકારો અને બહેતર જીવનની અપેક્ષાઓનો તાગ મેળવે છે. મજાની વાત એ છે કે તમારે યુ ટયુબ પર ભારતની સંસ્કૃતિ, વિવિધતામાં એકતા અને નાના માણસોની મોટી વાત માધ્યમથી કહેવી તેમ પાઠ પણ ભણાવે છે.

મોદી જે ટોચના યુ ટયુબ 'ઇન્ફ્લુસર્સ'ને મળ્યા હતા તેમાં ૭૦ લાખ સબ્સ્ક્રાઇબર ધરાવતા રણવીર અલ્લાહાબાદિયા (બિયર બાયસેપ્સ) ઉપરાંત શ્રદ્ધા જૈન, આર. જે. રોનક, જાહનવી સિંઘ, કબિતા સિંઘ, પંક્તિ પાંડે, કિર્થીકા ગોવિંદસ્વામી, મૈથિલી ઠાકુર, ગૌરવ ચૌધરી, અંકિત બૈયનપુરિયા, નમન દેશમુખ અને કામિયા જાનીનો સમાવેશ થતો હતો.

 ભારતમાં વિશ્વના સૌથી વધુ ૪૬ કરોડ તો યુટયુબના સબ્સ્ક્રાઇબર છે. એમ જ ફ્રી કન્ટેન્ટ જોનારા બીજા તેટલી જ સંખ્યાના છે ત્યારે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો હજુ વર્ષો જૂની પદ્ધતિથી મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. પાંચ વર્ષ દરમ્યાન તો લગભગ નિષ્ક્રિય રહે છે. હજુ તેઓ પરંપરાગત મીડિયા પર આધાર રાખે છે આની તુલનામાં મોદી પશ્ચિમના દેશોમાં પણ ઉદાહરણ અપાયા તેવો ટ્રેન્ડ પાડી ચૂક્યા છે. દેશની નાડીનો ધબકાર જાણે છે. યુ ટયુબના પ્રભાવક યુવાઓ પણ ભાજપના નેતાઓને જ આમંત્રણ આપે છે કેમ કે તેઓ પાસે વિદેશ નીતિ, જીઓપોલિટિકસ, અભ્યાસક્રમમાં બદલાવ, રોડ અને ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, આંતકવાદ, લઘુમતીથી માંડી ઇન્ડિયા રાઈઝિંગ જેવા વિષયોની વાત છેડી શકાય છે. ભાજપ પાસે તેવા નેતાઓ અને જુદા જુદા વિષયોમાં જાણકારી ધરાવતા સભ્યો છે. કોંગ્રેસ શશી થરૂર જેવા નેતાઓ કે  જેઓ યુવા અને નવી દુનિયા સાથે વેવલેંથ જાળવી શકે તેમ છે તેને આશ્ચર્યજનક રીતે દૂર રાખે છે.

ભાજપ એ.આઇ.નો ઉપયોગ કરનાર પણ પ્રથમ પાર્ટી બની છે.

યુ ટયુબના પ્રભાવકો જોડે મિટિંગ કર્યા પછી મોદીએ વધુ એક કમાલનું કાર્ડ 'ઓનલાઈન ગેમિંગ'ના ચુનંદા ખેલાડીઓને આમંત્રણ આપીને ફેંક્યું. કોઈ આવી કલ્પના કરી શકે? તેમણે રમત જીતવાના ફંડા પણ જાણ્યા અને તે દૂષણ ન બને તેમ ચેતવણી પણ આપી.એવું મનાય છે કે ભારતમાં ગેમિંગ કોમ્યુનિટી ૧૮ ટકાના દરે વધી રહી છે. હાલ ભારતમાં ૫૩ કરોડ ઓનલાઈન ગેમર્સ છે જે બધા ૧૮થી ૪૫ વર્ષની વયના છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિને કેટલીક મહિલાઓને  તેમની સ્ટોરી કહેવાની છૂટ આપવા તેના 'એકસ' હેન્ડલને પણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ભારતમાં અજ્ઞાાત રહીને કોઈ જ સ્વાર્થ કે ઓળખ વગર સમાજ અને દેશના ઉત્થાનમાં પ્રવૃત્ત રહેતા નાગરિકોને ઓળખી કાઢી પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાનો વિચાર પણ યુવા અને મધ્યમ વયની પેઢીને સ્પર્શ્યો છે.

ભારતમાં ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષની નીચે છે અને તેઓના ૯૦ ટકા પાસે સ્માર્ટ ફોન છે.

મોદી બિલ ગેટ્સથી માંડી વિશ્વના દિગ્ગજોને ભારતના આમ આદમી પણ કેવા ટેકનોસેવી છે તે બતાવે છે.શ્રમિકોને આત્મ ગૌરવ બક્ષે છે. વિશ્વના મહાનુભાવોને ભારતના હાર્દનું દર્શન કરાવે છે. મંદિરોની કાયાકલ્પ અને તેને પ્રવાસન સાથે જોડાવાની દ્રષ્ટિથી યુવા પેઢી પણ ધાર્મિક અને આધ્યાત્મિક બનતી જાય છે.

;;;

'ભારતનું બાળક હવે 'આઇ' (માતા કે બાળકની કાળજી લેનાર બાઈ)ની સાથે  'એઆઇ' પણ બોલતું હશે.' બિલ ગેટ્સ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે મોદીએ તેમને વાતચીત દરમ્યાન ભારત કઈ હદે ટેકનોલોજી હસ્તગત કરી દેશમાં પરિવર્તન લાવે છે તે વિષય છેડયો હતો અને ઉપરોક્ત વાત કહીને હળવી રમૂજ કરી હતી.

બિલ ગેટ્સ જોડે લીલું નારિયેળ પીધા પછી ડિજિટલ પેમન્ટ કરીને ગેટ્સને દંગ કરી દીધા હતા. ભારત વિશ્વનો એક માત્ર દેશ છે જ્યાં એક રૂપિયાથી માંડી મોટી રકમનો વ્યવહાર યુ.પી.આઇ.થી થાય છે.;

Gujarat